Sunday, September 25, 2011

મન્સુર અલી ખાન 'ટાઇગર' - "પટૌડી"ના નવાબ




૧૯૬૦ના દાયકાના અન્ય ક્રિકેટ-ચાહકોની જેમ અમે પણ પટૌડીની ક્રિકેટ કરામતોને રેડીયો કોમેન્ટરીદ્વારા તેમ જ તેમની વ્યુહરચનાઓ જેવી ક્રિકેટનાં જ્ઞાનઅંગેની વાતો અખબારો કે મૅગૅઝીન્સના અહેવાલોદ્વારા માણતા. તેમની કપ્તાનીહેઠળની ભારતીય ટીમની સફળતાઓને અહોભાવથી જોવામાં ગર્વ અનુભવતા, તો ગમે તેવા શક્તિશાળી હરીફની આંખોમાં આંખો મેળવી શકવાનું તેમનું ખમીર અમારું આદર્શ બની રહેતું.
લગભગ ૧૯૬૬/૬૭ના અરસામાં અમદવાદનાં સરદાર પટેલ સ્ટેડીયમપર રમાયેલ દુલિપ ટ્રોફી મૅચમાં તેમને નજરે રમતા જોવાનું સદભાગ્ય પણ મને મળ્યું હતું.
જો કે પટૌડીનો આ પરિચય કિશોરાવસ્થાની મુગ્ધસમજ્થી વધારે ન કહેવાય.
પટૌડીની ક્રિકેટક્ષમતાની ઇમારત જે પાયા પર બંધાઇ હતી તેવી, તેમની ટીમ સંગઠન કે નેતૃત્વના ગુણોસાથે સંકળાયેલ, નૈસર્ગિક ખુબીઓની ઓળખ તો મને તે લગભગ ૨૫/૩૦ વર્ષ પછીથી થઇ.
ઇન્ડસ્ટ્રી મેનેજમેન્ટમાં વીસેક વર્ષની પ્રેક્ટીસબાદ જ્યારે મારા યુવાન સાથીદારોસાથે - ટીમ મેનેજમેન્ટ, ડેલીગેશન કે નેતૃત્વ જેવા વિષયોપર - પ્રશિક્ષણનાં શિબીર કે ચર્ચાઓ સમયે આ સિદ્ધાતોની સરળ સમજની ભુમિકા તરીકે તેમને કેટકેટલા વિવિધ વિષયોના સંદર્ભે યાદ કર્યા. ક્રિકેટમાંથી તેમની નિવૃત્તિ બાદ પણ અમે મેનેજમેન્ટના પણ કેટલાયે પાઠ તેમની જીવનશૈલીમાંથી શીખ્યા.
તેમની આવી નૈસર્ગીક શક્તિઓને અહીં સાદર રજૂ કરું છુંઃ
૧] લડ્યા વગર કોઇ પણ લડાઇ હારવી ન જોઇએ. 
પટૌડીએ આપણી ટીમનું નેતૃત્વ ખુબજ આઘાતજનક સંજોગોમાં તો સંભાળ્યું જ હતું, પણ તેમની પસંદગી તેમની તે સમયની ઉમર અને અનુભવની દ્રષ્ટિએ થોડી નવાઇ પમાડે તેવી પણ હતી. કોઇ તરવરીયા યુવાનને અચાનક જ આવી મોટી અને કપરી જવાબદારી સંભાળવાની આવી પડે તો શરૂમાં થોડો ખચકાટ જોવા મળે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ્ના બાકીના સમગ્ર પ્રવાસ દરમ્યાન પટૌડીના અભિગમમાં એવી કોઇ જ દ્વિધા હોય તેવું જોવા નહોતું  મળ્યું.
૨] સમકક્ષોમાં પહેલો એટલે ટીમનો નેતાઃ
વેસ્ટ ઇન્ડિઝ્ના એ પ્રવાસ દરમ્યાન કોઇને એવો કોઇ જ અંદેશ સુધ્ધાં ન આવ્યો કે પટૌડી તે સમયે ટીમના સૌથી નાના ખેલાડી હતા કે તેમના અન્ય સાથીઓ તેમનાથી વયમાં કે અનુભવમાં મોટા હતા. તે જ રીતે, પછીનાં વર્ષોમાં કોઇ નવા ખેલાડીને આટલી પ્રતિભાવાન વ્યક્તિસાથે સુમેળ સાધવામાં અંતર જણાયાનું પણ જાણવામાં આવ્યું નથી. આમ ટીમના એક અવિભાજ્ય હિસ્સો હોવા છતાં ,જેટલો કોઇ પણ મહત્વના નિર્ણયમાં તેમનો શબ્દ આખરી ગણાતો તેટલા જ તે પ્રેરણાના સ્રોત પણ ગણાતા હતા.
૩] ઉચ્ચ-કક્ષાની ટીમનું સંયોજન કરવા કરવા માટે ટીમના સભ્યોની પસંદગી નેતાની મરજીમુજબ જ હોવી જોઇએ તેવું જરૂરી નથી.
પટૌડી હંમેશ એવું કહેતા કે રાષ્ટ્રીય ટીમમાં પસંદ થયેલ ખેલાડી દેશના અન્ય ખેલાડી કરતાં વધારે સારો ખેલાડી હશે તેમ કપ્તાને સ્વિકારીને જ આગળ વધવું જોઇએ. તેઓ એમ પણ માનતા કે વિશ્વનો શ્રેશ્ઠ સ્પીનર શ્રેશ્ઠ ફીલ્ડર પણ હોય કે સારો ફીલ્ડર એક સારો બોલર કે બેટ્સમેન પણ હોય તેમ જરૂરી નથી. તેથી કપ્તાનનાં આયોજન કે વ્યુહરચનામાં ટીમના દરેક સભ્યનાં સબળાં પાસાંઓનો સરવાળો તેઓનાં નબળાં પાસાંઓના સરવાળા કરતાં વધારે થવો જોઇએ.
૪]સકારક અભિગમ
કોઇ પણ મેચની હારનાં વિષ્લેશણના કારણોમાં ખરાબ પીચ કે પ્રવાસનાં આયોજનમાં ખામી કે ટીમની ન સુધરતી નબળી ફિલ્ડીંગની ટેવ તેઓ ક્યારે પણ ન લાવતા. તો સારાં ક્રિકેટના ભોગે  હાર કે ડ્રૉ ના રેકર્ડ્સમાટે કરીને તેમણે રક્ષણાત્મક વ્યુહરચનાઓ કદી પણ ન અપનાવી.
] તમારી પોતાની તેમ જ તમારા સાથીઓની શક્તિઓપર ભરોસો રાખો
ફીલ્ડપર કે બહાર, તેમનું કોઇ પણ ઉચ્ચારણ કે વર્તન - દરેક સેસનમાં મેદાનપર જતી વખતે ટીમને સવિશ્વાસ દોરી જવું કે ફીલ્ડીંગની આક્રમક વ્યુહરચનાઓ કે  તત્કાલીન પરિશ્થિતિને ધ્યાન્માં લઇને કોઇ બૉલરને આક્રમણ્માં લાવ્યા પછી થોડા વધારે રન થતા દેખાય તો પણ બૉલરને પુરો સાથ અને ટેકો આપવો – તેમના, પોતાની તેમજ પોતાના સહયોગીની શક્તિઓ પરના, ભરોસાને વ્યક્ત કરતાં.
તદુપરાંત તેઓ એમ પણ માનતા કે ટેસ્ટ ટીમમાં સ્થાન પામેલ ખેલાડીને તે સમયની પરિસ્થિતિને પારખીને કેમ બૉલીંગ કે બૅટીંગ કે ફીલ્ડીંગ કરવી તેવી સામાન્ય સુચનાઓ આપવાની જરૂર ન હોવી જોઇએ. તેઓ તે પરિસ્થિતિઅંગે તેમનું વિષ્લેશણ કે વ્યુહરચના સમજાવી તેનો અમલ તે ખેલાડી પર છોડી દેતા.
ડેલીગેશનના સિધ્ધાંત શીખવાડવામાટે આનાથી સારા કેસ-સ્ટડી ક્યાંય જોવા નહીં મળે.
૬] ધ્યેય હંમેશાં ઊંચું રાખો અને સમસ્યાનું નિરાકરણ સામે ચાલીને શોધો
ત્રણ સ્પીનરને ટીમમાં રાખવા કે બેટ્સમેન સાથે હાથ મેળવી શકાય તેવી ફીલ્ડીંગની આક્રમક છત્રી- ગોઠવણ કે બે એક વિકેટ ઉપરાઉપરી પડી ગઇ હોય ત્યારે ફીલ્ડરની ઉપરથી કુદાવીને શૉટસ લગાવવા તે તેમનાં નેતૃત્વમાં પરિણામમાં થોડી કચાશ કદાચ  સ્વિકાર્ય પણ ઓછો પ્રયત્ન જરા પણ નહીં ચાલે તેવા જીવનઅંગેના ઉન્નત અભિગમનાં બોલતાં પ્રમાણ રહ્યાં.
૭] વ્યાવસાયિક જીવનમાં પ્રગતિમાટે શિસ્તનો આગ્રહ
પોતે રઇશ ખાનદાનના હોવા છતાં કે તેમનો ઉછેર પાશ્ચ્ચાત્ય વાતાવરણમાં થયો હોવા છતાં ક્રિકેટ પ્રવાસ દરમ્યાન નિયમિત દિનચર્યા જેવી શિસ્તના તેઓ આગ્રહી હતા. આ બાબતે તેઓ તેમના ઉત્કૃષ્ટ ખેલાડીને પણ બક્ષતા નહોતા.

આવા આ શ્રી મન્સુર અલી ખાન 'ટાઇગર' , પટૌડીના નવાબને મારી એક ઉત્કૃષ્ટ ખેલાડી કે અનુકરણીય કપ્તાન ઉપરાંત ટીમ મેનેજમેન્ટ કે નેતૃત્વની કળાની best-practicesના પથદર્શક તરીકે મારી સાદર અંજલિ છે.
n  અશોક વૈશ્નવ, અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૧

No comments: