Thursday, July 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૭ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૭ /૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આ માસનાં આ બ્લૉગ સંસ્કરણમાં હિંદી ફિલ્મના સુવર્ણકાળના સમયખંડના બે અંતિમો પર જોવા માળતા એવા સંગીતકારોની જન્મતિથિ કેન્દ્રસ્થાને રહેશે.

સમય ખંડના પહેલે છેડે છે હિંદી ફિલ્મના 'ભિષ્મ પિતામહ' તરીકે ઓળખાયેલા અનિલ બિશ્વાસ.

Remembering Anil Biswas, The Singer - અનિલ બિશ્વાસ (જન્મ: ૭ જુલાઇ ૧૯૧૪ । અવસાન: ૩૧ મે, ૨૦૦૩) ની જન્મની શતાબ્દીને અંજલિ છે. “સોંગ્સ ઑફ યૉર'એ ૨૦૧૪નાં વર્ષની શરૂઆત જ અનિલ બિશ્વાસનાં પુત્રી, શિખા બિશ્વાસ વોહરા,ના લેખ – Anil Biswas: The Maestro and My Fatherથી કરેલ. એ પછીથી અનિલ બિશ્વાસને જ અર્પણ એવી ત્રણ પૉસ્ટમાં આપણે અનિલ બિશ્વાસની તે સમયનાં ગાયકો સુરૈયા, તલત મહમૂદ અને તેમનાં બહેન પારૂલ ઘોષ દ્વારા ગવાયેલાં અનિલ બિશ્વાસનાં ગીતોને યાદ કરી ચૂક્યાં છીએ....... એ જ શ્રેણીમાં તેમનાં જ સંગીતમાં અનિલ બિશ્વા સ્વરની ખૂબીઓ પ્રસ્તુત લેખમાં માણીએ.

મુકેશના ઘડનાર :અનિલ બિશ્વાસના પ્રારંભમાં જ મુકેશનાં અનિલ બિશ્વાસ સાથેનાં પહેલાં ગીત સાથે સંકળાયેલી વાતોને યાદ કરી છે... જેના પછી તો ઇતિહાસ પણ રચાઇ ચૂક્યો છે. અનિલ બિશ્વાસની જ્ન્મ શતાબ્દિનાં વર્ષમાં ૨૨ જુલાઇના રોજની મુકેશની ૯૧મી જન્મતિથિએ મુકેશ-અનિલ બિશ્વાસ સંયોજનના ૨૪ ગીતો પૈકી ૧૦ ગીતોને રજૂ કરાયાં છે.

The Masters: Sajjad Hussain માં સજ્જાદનાં સંગીતની ખૂબીઓને બહુ જ માર્દવતાથી પેશ કરવામાં આવી છે. 'તેમના પુત્રના કહેવા મુજબ, આ સિદ્ધાંતનિષ્ઠ સંગીતકારને કોઇ ગમ કે કટુતા નહોતી રહી. તેઓ પોતાનું જીવન પોતાની શરતે જીવ્યા, તેમના સમકાલીનોએ તેમને ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકાર તરીકે બિરદાવ્યા છે. કોઇ ભલે યોગ્ય ન્યાય ન આપે પણ પોતાની આદર્શ માન્યતાઓ સાથે બાંધ છોડ કર્યા વિનાનાં તેમના સંગીતને ઇતિહાસ પણ સાદર પ્રેમથી યાદ કરશે. તેઓ જે કામ પાછળ છોડી ગયા છે તે ફિલ્મ સંગીતના સુવર્ણકાળનાં સંગીતને સાંભળનારા સંગીત રસિકો હશે ત્યાં સુધી તરબોળ કરતું જ રહેશે.'

બુલો સી રાની -ફુલોંસે હમ શીખેંગે, ફરિયાદ ન કરના, રો લેનામાં હિંદી ફિલ્મના સુવર્ણકાળના બહુ જ ઊંચા દરજ્જાના સંગીતકાર હોવા છતાં વાણિજ્યિક સફળતા જેમનાથી દૂર રહી એવા સંગીતકારોની પ્રથમ હરોળના બુલો સી રાનીનાં ગીતોનો વૈવિધ્યપૂર્ણ ગુલદસ્તો રજૂ કરાયેલ છે.

તેના પહેલાંના લેખ,બુલો સી. રાની: માંગને સે જો મૌત મિલ જાતી....માં બુલો સી રાનીની લેખક બીરેન કોઠારી સાથેની મે ૧૯૯૧માં થેયેલી મુલાકાતનાં સંભારણાં છે.

Atul’s Bollywood Song A Day– With Full Lyrics” ૧૦,૦૦૦ ગીતોનું સિમા ચિહ્ન પાર કરી ચૂક્યું છે. હિંદી ફિલ્મ સંગીતની ઇન્ટરનેટની તવારીખના આ બહુ જ મહત્ત્વના પડાવ સિદ્ધ કરવાની ઘટનાને બિરદાવવા એ બ્લૉગ પર મહેમાન લેખક તરીકે નિયમિત પણે લખતાં મિત્રોએ એક ખાસ શ્રેણી કરેલ છે. એ બધા જ લેખોની મુલાકાત તો એક સ્વતંત્ર આયોજન માંગી લે છે. એ શ્રેણી પૂરી થશે ત્યારે આપણે તેને આ મંચ પર અલગથી જોઇશું.
Forgotten Melodies (Part 2) - Sweet Melodies From My Father's Films.માં લેખિકાને, ગીતની બાંધણી અને શબ્દોનાં માધુર્યને કારણે દિલથી પસંદ પડેલાં ગીતોની આત્મીય રજૂઆત છે. જૂન ૨૦૧૪ના આ બ્લૉગનાં સંસ્કરણમાં આ લેખના પૂર્વાર્ધ - Forgotten Melodies (Part 1) – My Favourite Dance Sequences From My Father’s Films - ને પણ પણ આપણે જોયો હતો.
Kamal Hai?! Bindiya Songs માં પાંચ ગીતો જરૂર મૂક્યાં છે, પણ એ બધાં જ આપણે જે સમયકાળની સામાન્યતઃ ચર્ચા કરતાં હોઇએ છીએ તે પછીના સમયકાળનાં ગીતો છે. પરંતુ એ લેખની ચર્ચામાં 'કન્વર્ઝેશન ઑવર ચાય'નાં અનુરાધા વૉરીયરે બીજાં કેટલાંક ગીતો ઉમેર્યાં છે, જેમાંથી ડૉ. વિદ્યા (૧૯૬૨)નું સચીન દેવ બર્મનનું સ્વરબધ્ધ કરેલ, લતા મંગેશકરનું ખનકે કંગના બિંદીયા હંસે, આયેંગે સજના હમરે અંગના સાંભળવાની મજા માણીએ.

Makeover of the filmi doormatsમાં પગલૂછણીયાં જેમ જેમની સાથે વર્તાવ કરાયો છે એવી પાંચ નાયિકાઓની વાત કરી છે.- 'ચૌદહવીકા ચાંદ' (૧૯૬૧)માં જમીલા - બદલે બદલે મેરે સરકાર નઝર આતે હૈં-, 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે' (૧૯૯૫)ની સિમરન; 'કુછ કુછ હોતા હૈ' (૧૯૯૮)ની અંજલિ; પરિણીતા (૧૯૫૩) અને (૨૦૦૫)ની લલિતા અને દેવદાસ (૧૯૩૫), (૧૯૫૫) અને (૨૦૦૨)ની ચંદ્રમુખી.

Music, fantasy and colour in V Shantaram’s Navrang માં રંગની ઉફાળ અને ઉચ્ચ કક્ષાનાં ગીતોને યાદ કર્યાં છે.
- ફિલ્મનાં ટાઇટ્લ્સમાં જ "રંગ દે દે"થી જ રંગરંગીન, માધુર્યપૂર્ણ શરૂઆત કરી છે.
- વૃદ્ધ થયેલા કવિ આજે પણ 'યે માટી સભીકી કહાની કહેગી' પણ પોતાની યુવાનીની દાઝને જીવંત રાખે છે.
- ફિલ્મમાં કવિસંમેલનની ગીતકાર ભરત વ્યાસના જ સૂરમાં રજૂઆત 'કવિ રાજ કવિતાસે" એક અનોખો પ્રયોગ છે.
- નયનરમ્ય દૃશ્યાવલિ અને કર્ણપ્રિય ધુન માટે 'કારી કારી અંધીયારી રાત', ‘અરે જા રે નટખટ' અને 'આધા હૈ ચંદ્રમા'જેવાં યુગલ ગીતો એક અનોખો માપદંડ પ્રસ્થાપિત કરે છે.

લેખકનાં ખાસ પસંદગી પાત્ર એવાં A Song For The Dayમાં તડપ અને એકલતાનાં તરંગો અલ્પાયુ કરૂણરસ વહાવે છે. હા, એ ગીત છે ફિલ્મ 'દો બદન' (૧૯૬૬)નું રવિએ સ્વરબ્દ્ધ કરેલ આશા ભોસલેના વાજની અનોખી ખૂબી પેશ કરતું - જબ ચલી ઠંડી હવા, જબ ઊઠી કાલી ઘટા, મુઝકો અય જાન-એ-વફા તુમ બહોત યાદ આયે.

ઘણા લાંબા સમયથી ખાંખાંખોળાં કરતાં કરતાં, ઇન્ટરનેટના ખૂણે ખૂણો ધમરોળી નાખ્યા પછી એકાએક 'બરસાત કી રાત'ની કવાલીઓના સરતાજ સમી કવ્વાલી ન તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ'નાં મૂળિયાં મળી આવ્યાની વાતની સાથે તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો ક્યુંકી યે ઇશ્ક ઇશ્ક હૈ ઇશ્કમાં જાણવા મળે છે. આ કવ્વાલીની મુબારક અલી ખાને ગાયેલી 'અસલ' અને મુબારક અલીના ભત્રીજા અને મશહૂર ગાય્ક નુસરત અલી હતેહ ખાને તેમના પોતીકા અંદાજમાં ગાયેલ પ્રેરણા પણ સાંભળવાની મજા ચૂકવા જેવી નથી.

SoY પર ૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો પર વાચકોના પ્રતિભાવોને આવરી લેતી સમીક્ષાનો પહેલો હપ્તો: શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક રજૂ થઇ ચૂક્યો છે. ૧૯૫૧ માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક તરીકે તલત મહમૂદ સર્વસ્વીકૃત રહ્યા. તેમનાં ગીતોમાંથી મેરી યાદમેં તુમ ન આંસુ બહાનાને આ માન મળેલ છે. આ વર્ષે જ્યુરીનો ઍવૉર્ડ પણ લાવવઓ પડ્યો - જે મુકેશ અંકે કરી ગયા. આ બ્લૉગોત્સવના લેખકે પણ આ વિષય પર વિવરણાત્મક લેખ, ૧૯૫૧નાં શ્રેષ્ઠ ગીતો : ચર્ચાને એરણે - શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક, અલગથી પ્રકાશિત કરેલ છે.

ચાલુ મહિનાથી વેબ ગુર્જરીએ 'ફિલ્મ સંગીતની સફર' શીર્ષસ્થ નવો વિભાગ શરૂ કરેલ છે. આ વિભાગમાં મુખ્યત્વે ૧૦૪૦ થી ૧૯૬૦ના દાયકા સુધીનાં ગીતોને અવનવા દૃષ્ટિકોણથી દર શનિવારે રજૂ કરવાનું વિચારાયું છે. જુલાઇ ૨૦૧૪માં આ લેખો પ્રકાશિત થયા છે : આ લેખનાં સમાપનમાં સુવર્ણકાળમાં આડકતરી રીતે બહુ જ ઘનિષ્ઠપણે સંકળાયેલા, પણ જેમનો મુખ્ય કાર્યકાળ ૧૯૭૦ના દાયકા પછી રહ્યો એવા રાહુલ દેવ બર્મનની (૨૬ જૂનની) ૭૫મી જ્ન્મજયંતિ પ્રસંગે પ્રકાશિત થયેલા લેખોની નોંધ લઇને કરીશું-

· Happy birthday RD: Asha Bhonsle lists out her five fav Pancham da songs

જો કે હું તો આર ડી બર્મનને તેની પહેલી બે ફિલ્મોનાં ગીત માટે ખાસ યાદ કરીશ, કારણકે તેની સાથે મારા કિશોર કાળની યાદો સંકળાયેલી છેઃ

પહેલાં યાદ કરીએ તેમની બીજી ફિલ્મ "ભૂત બંગલા" (૧૯૬૫)નાં ગીતો ને અને તે પછી યાદ કરીએ તેમની સહુથી પહેલી ફિલ્મ "છોટે નવાબ" (૧૯૬૧)ને -
હા, તમે બરાબર પકડી પાડ્યું કે આ રીતે આપણે રફી સાહેબને પણ અંજલિ આપી ........

Saturday, July 26, 2014

અનિલ બિશ્વાસ - આલા સંગીતકાર તો ખરા જ, અચ્છા ગાયક પણ ખરા




જન્મ :        ૭ જુલાઇ ૧૯૧૪

અવસાન : ૩૧ મે, ૨૦૦૩



જુલાઇ ૨૦૧૪ હિંદી ફિલ્મ સંગીતના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા એવા અનિલ બિશ્વાસના જન્મની શતાબ્દીનો મહિનો છે. તેથી આજે આપણે અનિલ બિશ્વાસ વિષે એક ખાસ શ્રેણીનો આજે પ્રારંભ કરીને તેમને અંજલિ આપીશું.
હિંદી ફિલ્મના જ્ઞાન-માહિતી કોષ સમાન 'હિંદી ફિલ્મ ગીત કોષ' અનુસાર અનિલ બિશ્વાસે ૮૬ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, જ્યારે અનિલ બિશ્વાસ વિષેની અધિકૃત માહિતિ ધરાવતી વેબસાઇટ અનુસાર તેમણે ૯૩ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આંકડાઓના આ તફાવતનું મુખ્ય કારણ એ છે કે એવી કેટલીક ફિલ્મો છે જેમાં તે સમયની દંતકથાઓ મુજબ કેટલાંક ગીતોનું સંગીત અનિલ બિશ્વાસનું છે, પણ એક યા બીજા કારણોસર એ ફિલ્મની ઑફિશિયલ ક્રેડિટ કોઈ અન્ય સંગીતકારના નામે છે.
જો કે આજે આપણે અનિલ બિશ્વાસનાં પ્રમાણમાં ઓછાં જાણીતાં ગણાતાં પ્રદાનની વાત કરવાના છીએ.
એ સમયના ઘણા સંગીતકારો પોતાની આગવી રીતે આલા દરજ્જાના ગાયકોના પણ હતા. પંકજ મલ્લિક, સચીન દેવ બર્મન, હેમંત કુમાર જેવા બંગાળી સંગીતકાર-ગાયકો કે સી. રામચંદ્ર (ગાયક તરીકે ચીતલકર તરીકે જાણીતા) જેવા મરાઠી કે આપણા દિલીપ ધોળકિયા જેવાં નામોની હરોળમાં અનિલ બિશ્વાસ પણ મહત્ત્વનું સ્થાન ધારવે છે. જો કે ઘણાં લોકોને અનિલ બિશ્વાસની આ બાજુનો એટલો પરિચય નથી, જેટલો અન્ય સંગીતકાર-ગાયકોનો હશે. સંગીતકાર રવિ કે ગીતકાર આનંદ બક્ષીએ પણ ગાયકી પર હાથ અજમાવ્યો હતો.પછીની પેઢીમાં રાહુલ દેવ બર્મન, રવિન્દ્ર જૈન કે બપ્પી લાહીરીનાં નામ પણ સંગીતકાર-ગાયક તરીકે તવારીખમાં જરૂરનોંધાશે.
આ બધા ગાયકોએ સામાન્ય પણે પોતે જ રચેલાં ગીતો જ ગાયાં હતાં. સચીન દેવ બર્મને બંગાળીમાં અન્ય સંગીતકારનાં ગીતો ગાયાં હતાં, જો કે હિંદી ફિલ્મોમાં 'અમર પ્રેમ'માં રાહુલ દેવ બર્મન માટે ગાયેલું ગીત અપવાદ હતું. આ બાબતે સહુથી વધારે સર્વતોમુખી તો હેમંત કુમાર જ રહ્યા, જેમણે એમના સમયના લગભગ બધા જ પ્રથમ હરોળના સંગીતકારો માટે ફિલ્મોમાં ગીતો ગાયાં અને એ ગીતો બહુ લોકપ્રિય પણ રહ્યાં. એક સમયે તો તેઓ દેવ આનંદના અવાજનું સ્થાન પણ સિધ્ધ કરી ચૂક્યા હતા.
અનિલ બિશ્વાસ તો સંગીતપ્રેમી કુટુંબમાં જન્મ્યા હતા, એટલે સંગીત તેમના સંસ્કારોમાં વણાયેલું હતું એમ પણ કહી શકાય. તેમનાં બેન પારૂલ ઘોષ (જેઓ પ્રખ્યાત બાંસુરીવાદક પન્નાલાલ ઘોષ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં) પણ એમના સમયનાં એક બહુ જ નામી ગાયિકા હતાં. [નોંધ : અનિલ બિશ્વાસ અને પારૂલ ઘોષનાં સહકાર્યની વાત આપણે અનિલ બિશ્વાસ પરના હવે પછીના લેખમાં, ૪ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ, કરીશું.] અનિલ બિશ્વાસને નાનપણથી જ સંગીતની તાલીમ મળી હતી. સ્વાતંત્ર્ય ચળવળના રંગે  રંગાયેલા અનિલ બિશ્વાસે પુસ્તકોનાં ભણતર સાથેનો નાતો છોડીને રંગમચ સાથે સંબંધ બાંધ્યો. બહુ થોડા સમયમાં તેમણે ભજન, કીર્તન અને શ્યામ સંગીતના સંગીતકાર અને ગાયક તરીકે પોતાનું સ્થાન જમાવી લીધું.
અનિલ બિશ્વાસને પોતાનો અવાજ જરૂરથી પસંદ હતો. તેમણે ફિલ્મોમાં પોતાનાં જ સંગીત નિર્દેશનમાં ગાયેલાં ૪૭ ગીતો પૈકી ઘણાં ગીતો થયાં તે કરતાં પણ વધુ લોકપ્રિય થવાં જોઈતાં હતાં.તેમની જન્મ શતાબ્દી નિમિત્તે આપણે તેમણે પોતાના સંગીતમાં ગાયેલાં કેટલાંક ગીતો અહીં સાંભળીશું.
૧. ભાઇ હમ પરદેશી લોગ હમેં કૌન જાને - એક હી રાસ્તા (૧૯૩૯) - ગીતકારઃ પંડિત ઇન્દ્ર
કવિશ્રી પ્રદીપજીની ગાયકીનાં પગરણ આ ગીતમાં સાંભળી શકાશે. ઇન્ટરનેટ પર અપલૉડ થયું હોય એવું, અનિલ બિશ્વાસનાં આરંભ કાળનું, આ કદાચ પહેલું ગીત છે.
૨. જમુના તટ શ્યામ ખેલ હોલી - ઔરત (૧૯૪૦) – ગીતકાર : સફદર 'આહ'
મહેબુબ ખાનનાં 'મધર ઈન્ડિયા'ની ઔરત 'ઑરિજિનલ આવૃત્તિ' છે. ફિલ્મની ટેકનીકમાં વચ્ચેનાં વર્ષોમાં પણ પડેલા ફરકની અસર તો બંને ફિલ્મોમાં જોવા મળે તે સમજી શકાય તેમ છે, પણ સંગીતની બાબતે એક મૂકો અને બીજાંને ઉપાડો એવો તાલ થાય તેવું બંને ફિલ્મોનું સંગીત છે.
બંને ફિલ્મોમાં 'હોળી' ગીત છે, અને ફિલ્મોમાં 'હોળી' ગીતના પ્રકારમાં પહેલી હરોળમાં સ્થાન મેળવે તે કક્ષાનાં આ બંને ફિલ્મોનાં ગીતો છે.
૩. કાહે કરત દેર બારાતી - ઔરત (૧૯૪૦) - ગીતકાર સફદર 'આહ'
અનિલ બિશ્વાસનાં બહુ જ જાણીતાં થયેલાં ગીતો પૈકી આ એક ગીત છે.
૪. મેરે અંગનામેં લગા અંબુઆકા પેડ - ઔરત (૧૯૪૦) - ગીતકાર : ડૉ.સફદર 'આહ'
અનિલ બિશ્વાસની ફિલ્માવલિમાં તેમણે આ જ ભાવનું કોકિલા (૧૯૩૭)માં 'મોરે ઘર પે લગા જામૂનિયાકા પેડ રે' જોવા મળે છે, પણ ઇન્ટરનેટ પર તેને હજુસુધી મુકાયું ન હોય તેવું જણાય છે. આ ગીતોથી અનિલ બિશ્વાસની લોકધૂનો પરનાં ગીત પરની હથોટી પણ બહુ જ સુપેરે જોઈ શકાય છે.
૫. કિયે જા સબકા ભલા - બહેન (૧૯૪૧) - ગીતકાર : ડૉ.સફદર 'આહ'
બહુ જ કર્ણપ્રિય એવા આ ગીતમાં મુકેશની ગાયકીની ઝલક જોવા મળશે. મુકેશની કારકિર્દીની શરૂઆતમાં તેમણે અનિલ બિશ્વાસની નિશ્રામાં કામ કરતાંકરતાં આ શૈલી વડે પોતાના અવાજની નૈસર્ગિક ખૂબી સાથે સાંકળી લઈને ફિલ્મ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું.
૬. ગોરી કાહે ખડી અટરિયામેં (માયા બેનર્જી સાથે ) - અપના પરાયા (૧૯૪૨) - ગીતકાર : પંડિત ઇન્દ્ર
ગીતના શબ્દો અને ફિલ્મમાં સિચ્યુએશનની માંગ અનુસાર ગાયકીમાં મસ્તી-તોફાન જેવા ભાવ પણ અનિલ બિશ્વાસ પોતાની ગાયકીમાં પૂરી શકે છે.
૭. તારા રા..રા. રા રા  ગાઓ કબીર, ઉડાઓ અબીર -જ્વાર ભાટા (૧૯૪૪) - પંડિત નરેન્દ્ર શર્મા
ઉત્તર ભારતમાં હોળી જેવા ઘોંઘાટિયા ઉત્સવો સમયે ખાણીપીણીના શોખીન પુરુષવર્ગ વડે ગવાતાં , કંઈક અંશે અશ્લિલ ઇશારાઓ ઇંગિત કરતાં લોકગીતોને 'કબીર' શૈલીનાં ગીતો તરીકે ઓળખવામાં આવે છે.અનિલ બિશ્વાસે તેમના અવાજમાં લોકગીતની આ ખૂબીને બહુ સ-રસ અંદાજમાં રજૂ કરી છે.
૮. બાદલ દલ સા નિકલ ચલા યે દલ મતવાલા રે - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
કિશોરાવસ્થામાં અનિલ બિશ્વાસે આઝાદીની ચળવળને પોતાના સ્વાનુભવે, સક્રિયપણે, બહુ જ નજદીકથી જોઈ છે, એટલે આ ગીતમાં તેની અસર દેખાય તેમાં તો કોઈ નવાઈ ન જ કહેવાય !
૯. સારે જગમેં પેટકા ધંધા - ભૂખ (૧૯૪૭)- ગીતકાર : ડૉ. સફદર 'આહ'
ભટકતા સાધુઓની પણ દરેક પ્રદેશમાં પોતપોતાની ગાયન શૈલી રહી છે. એ શૈલીને હળવું સ્વરૂપ આપીને અનિલ બિશ્વાસ પોતાના અવાજની ખૂબીનો એક નવો જ અંદાજ અહીં રજૂ કરે છે.
૧૦. હમેં માર ચલા યે ખયાલ-એ-ગમ,  ઈધર કે રહે ન ઉધર કે રહે -  આરઝૂ (૧૯૫૦) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
ગઝલને રજૂ કરવામાં પણ અનિલ બિશ્વાસ નવા પ્રયોગ કરતા જ રહે છે. આ ફિલ્મમાં આ સાથે તલત મહમૂદનાં 'અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ' જેવાં ગીતોની સાથે આ ગીત પણ પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી જ રહે છે.
૧૧. પાસ બાલમ ચોરી ચોરી આ (લતા મંગેશકર સાથે) - લાજવાબ (૧૯૫૦) - ગીતકાર : શેખર
અનિલ બિશ્વાસે લતા મંગેશકર પાસે બહુ જ પ્રયોગાત્મક ગીતો ગવડાવ્યાં છે. અહીં તેઓ ખુદ સમૂહસ્વરોમાં મુખ્ય ધ્વનિ સ્વરૂપે ગીતના અંતરા અને મુખડામાં પોતાની હાજરી નોંધાવે છે. મુખડાની બહુ જ અનોખી રજૂઆતને કારણે રેડિયો સિલોન પરના 'અનોખે બોલ' કાર્યક્રમમાં આ ગીત બહુ જ લોકપ્રિય થયું હતું.
૧૨. પૈસા નહીં હોત જો યે પૈસા નહીં હોતા (મન્ના ડે સાથે)- સૌતેલા ભાઇ - ગીતકાર : શૈલેન્દ્ર
મન્ના ડે માટે ગાયક તરીકે અનિલ બિશ્વાસને ખાસ લગાવ હતો. પુરુષ અવાજમાં જ ગવાયેલાં યુગલ ગીતો પણ ફિલ્મી સંગીતમાં એક ખાસ કેડી પાડતાં રહ્યાં છે. અહીં મન્ના ડેના સૂરની મસ્તીની એકએક નોટ્સ સાથે અનિલ બિશ્વાસ પણ ગાયક સાથે સમોવડિયો સંગાથ કરે છે. સંગીતકાર તરીકે કવ્વાલી, કીર્તન અને લોકગીત જેવા સાવ જ અલગઅલગ ગાયન પ્રકારનું અનોખું સંમિશ્રણ પણ અનિલ બિશ્વાસે કરી બતાવ્યું છે.


સાભાર :  Remembering Anil Biswas, The Singer

Wednesday, July 23, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઇ, ૨૦૧૪


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઇ, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

હાલમાં આપણે વિગતે ચર્ચા કરવા માટે આપણે બિન સંવાદિતા / બિન અનુપાલનનો વિષય પસંદ કરેલ છે. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે “બિન સંવાદિતા” વિષે, એપ્રિલ ૨૦૧૪ના અંકમાં “બિનઅનુપાલન વિષે મે ૨૦૧૪ના અંકમાં "સવાદિતા'વિષે અને જૂન ૨૦૧૪ ના અંકમાં 'અનુપાલન'ની મૂળભૂત સ્તરે વાત કરી હતી.

આજનાં જુલાઇ ૨૦૧૪નાં આ સંસ્કરણમાં, આપણે આ બધાંના ગુણવત્તા સંચાલનના સંદર્ભ વિષે વાત કરીશું..

શરૂઆત કરીએ કેટલીક વ્યાખ્યાઓથી -
  • એનસાયક્લોપિડીયા ઑફ મૅનેજમૅન્ટ : બિન-સંવાદિતા \ Non-conformity
જરૂરીયાતો પૂરી ન કરાઇ હોય તે સ્થિતિને બિન-સંવાદિતા કહેવાય (3.1.2, ISO 9000:2005). બિન-સંવાદિતા ગૂણવત્તાની ઓછપ નથી બતાવતી. તેને કોઇ માનક, કે દસ્તાવેજીકરણ, કે ગુણવત્તા, કે નિયમનો, કે શરતો, કે કરાર, કે ગ્રાહક કે હિતધારકની જરૂરિયાતો પૂરી ન કરવા સાથે સંબંધ છે. કોઈ પણ બિનસંવાદિતાની સ્થિતિની સાથે કામ પાડવા માટે ખરેખર શું જોવા મળ્યું છે અને તે માટેના દાર્શનિક પુરાવા છે કે નહીં તે મહત્ત્વનું છે.
૧ . વ્યાપક અર્થ: એવી કચાશ કે ઊણપ જે કોઇ વસ્તુને પૂર્ણ કે ઇચ્છનીય કે અસરકારક કે સલામત કે યોગ્ય બનવામાં આડે આવે છે, કે પછી તેના પ્રયોજનને સિધ્ધ કરવામાં ગડબડ કરે કે અસફળ કરે છે.

૨ . કાયદાના અર્થમાં: નિયત કે કાયદાકીય જોગવાઇઓના ભૂલ ભરેલ કે અપૂર્ણ પાલનને કારણે થતી કાયદાકીય અપર્યાપ્તતા.

૩ . ઉત્પાદનના સંદર્ભમાં : ઉત્પાદનની નિયત જરૂરિયાતનું બિન-અનુપાલન કે સલામત વપરાશ સહિતની વપરાશકારની અપેક્ષાઓનું બિન-પરિપૂર્ણ થવું.
  • વિકિપિડીયા ગુણવત્તા સંચાલનમાં જણાવે છે કે બિન-સંવાદિતા (જેને ખામી પણ કહેવામાં આવે છે )[ખાસ નોંધ - કૌંસમાં જણાવેલ અર્થઘટન તકનીકી દૃષ્ટિએ સાચું નથી.] એ વિશિષ્ટ ધોરણો કે માનક કે અપેક્ષાઓથી થયેલ વિચલન છે. 
સૉફ્ટવૅર એન્જીનીયરીંગમાં ISO/IEC 9126 "ખામી" અને બિન-સંવાદિતા વચ્ચે ફરક નોંધે છે. "ખામી" અપેક્ષિત ઉપયોગને લગતી જરૂરિયાતની અપૂર્તતા છે, જ્યારે બિન-સંવાદિતા એ કોઇ પણ જરૂરિયાતની અપૂર્તતા છે. આજ રીતનો તફાવત પુષ્ટિકરણ અને ચકાસણીમાં પણ છે.
  • બીઝનેસ ડીરેક્ટરી પણ ખામીનું વિવરણ કરતાં જણાવે છે કે - 
સામાન્યતઃ ખામીઓને આ ચાર રીતે વર્ગીકૃત કરવામાં આવે છે:

વર્ગ -૧: બહુ જ ગંભીર, જેને કારણે સીધે સીધી જ તીવ્ર ઈજા કે વિનાશક નુકસાન થઇ શકે છે;

વર્ગ -૨: ગંભીર, જેને કારણે નોંધપાત્ર ઈજા કે આર્થિક નુકસાન થઇ શકે છે;

વર્ગ - ૩: મુખ્ય , મોટું - સામાન્યતઃ અપેક્ષિત કે વ્યાજબી વપરાશમાં નોંધપાત્ર સમસ્યા સંબંધિત , અને

વર્ગ - ૪: ગૌણ, સામાન્યતઃ અપેક્ષિત કે વ્યાજબી વપરાશમાં ગૌણ સમસ્યાઓ સંબંધિત

આ સિવાય અવ્યક્ત અને સ્પષ્ટ એ રીતે બીજા બે પ્રકારે પણ ખામીઓને વર્ગીકૃત કરી શકાય છે.
બિન-અનુપાલન મંજૂર કરનાર સત્તા (કે કોઈ રૂઢિચુસ્ત પદધારી)અને કામ કરી રહેલ વ્યક્તિ કે સમુદાય વચ્ચે નક્કી થયેલ વ્યવસ્થાથી થયેલ વિચલન છે. ગુણવત્તા સંચાલનના સંદર્ભમાં 'વ્યવસ્થા' સામાન્યતઃ -
  • કામ કે ઉત્પાદનનાં માનક 
ઉદાહરણ: સૉફ્ટવેર પ્રોગ્રામની જરૂરિયાતમાટેનાં વિશિષ્ટ ધોરણ (Software Requirements Specification)નું બંધારણ અને સામગ્રી નિયત SRS દસ્તાવેજ માનકનું અનુપાલન નથી કરી રહેલ.
  • પૂર્વનિર્ધારીત કાર્યપધ્ધતિ 
ઉદાહરણ: પરિયોજના 'ક્ષ' માટેની જરૂરીયાત નક્કી કરવાની પ્રવૃત્તિઓ સંયુક્ત અમલીકરણ રેખાંકન (Joint Application Design ) કાર્યપધ્ધતિ અનુસાર નથી.
  • કામ / ઉત્પાદન માટેનાં વિશિષ્ટ ધોરણો 
ઉદાહરણ : તંત્ર સ્થાપત્ય વિશિષ્ટ ધોરણ (The System Architecture Specification)માં તંત્ર જરૂરિયાતોનાં વિશિષ્ટ ધોરણ (System Requirements Specification)માં જણાવાયા મુજબની ગ્રાહકની બધી જ જરૂરિયાતો આવરી નથી લેવાઇ
  • દસ્તાવેજ થયેલ યોજના 
ઉદાહરણ : પ્રકલ્પ યોજનામાં વર્ણવાયેલ પ્રવૃત્તિઓ નથી કરાઇ રહી.
  • શ્રેષ્ઠ કાર્યપધ્ધતિ માટેનું આંતરરાષ્ટ્રિય માનક 
ઉદાહરણ : 'અબક' કંપનીએ ISO 9001 - Quality Management Systems Requirementsની કલમ ૪.૨.૩ - Control of documents-માં કહ્યા મુજબની ગુણવત્તા તંત્ર સંચાલનનાં દસ્તાવેજીકરણની કાર્યપધ્ધતિ નથી રાખી.
                                                                           - નાં પાલન માટે સહમતિનું સ્વરૂપમાં સ્વીકૃત છે.
બિન-અનુપાલનનું મહત્ત્વ
બિન-અનુપાલન દર્શાવે છે કે સંસ્થાની માન્ય કામગીરી કાર્યપદ્ધતિના કોઇક અંશનું પાલન નથી થઇ રહ્યું.
બિન-અનુપાલન કેમ કરીને ખોળી કાઢવું ?
મોટા ભાગે ગુણવત્તા સંચાલન તંત્રનાં ઑડીટ દરમ્યાન બિન-અનુપાલનની પરિસ્થિતિઓ નજરે ચડી આવતી હોય છે. ઑડીટર તેના બિન-અનુપાલન અહેવાલમાં તેની નજરે ચડેલ બિન-અનુપાલન (પરિસ્થિતિઓ)ની નોંધ રાખે છે. આ અહેવાલ સંચાલન મંડળના પ્રતિનિધિને જરૂરી દુરસ્તાકારક પગલાંઓ [Corrective Actions] લેવા માટે મોકલી આપવામાં આવે છે.
બિન-અનુપાલન ઘટનાક્રમ \ Non-conformance Lifecycle નીચે મુજબના ત્રણ વિષયોને આવરી લે છે:
કોઇ પણ બ્લૉગોસ્તવ પ્રકારના લેખમાં આટલા વિશાળ વ્યાપ ધરાવતા વિષયની ઊંડાઇને પૂરેપૂરો ન્યાય આપવો શકય નથી, પણ હવે પછીનાં સંસ્કરણમાં દુરસ્તાકારક પગલાંઓનાં અવલોકન કરી લીધા પછીનાં દરેક સંસ્કરણમાં બિન-સંવાદિતા કે બિન-અનુપાલન વિષે વધુ જાણકારી આપતા રહે તેવા લેખનો નિયમિત વિભાગ શરૂ કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ -

જૂન ૨૦૧૪નાં Blogger Round Upમાં સંસ્થાગત ઉત્કૃષ્ટતા કાર્યક્રમોનું મૂલ્ય શું છે \ What’s the Value of Organizational Excellence Programs? જેવા બહુ જ ચર્ચાસ્પદ રહેલ વિષયને વિચારણા માટે લેવાયેલ છે. ASQ ના બ્લોગર્સે ઉત્કૃષ્ટતા કાર્યક્રમોને પારિતોષિક મેળવ્યા (કે મેળવવામાં અસફળ રહ્યા) પછી એક કામ પાર પાડવાથી માંડીને સતત સુધારણાના દિશાસૂચક આલેખ સુધીના વિવિધ દૃષ્ટિકોણની નજરે ચર્ચા કરી છે. દરેક પ્રતિભાવમાં એટલો એક સૂર તો જોવા મળે જ છે કે એક વાર સવાલ પેદા થયા પછી જે સફર શરૂ થાય છે તેમાંથી ઉદ્‍ભવતા જુદા જુદા મુદ્દાઓ ગુણવત્તા વ્યાવસાયિકો અને વરિષ્ઠ સંચાલકોની બહુ જ ગંભીર વિચારણા માગી લે છે.

ASQ TVના The Power of Data માં માહિતી-સામગ્રી (Data)નાંબહુ ચર્ચિત બહુ મોટાપાયા પરની માહિતી સામગ્રી (Big Data)નો ગુણવત્તા સુધારમાં ઉપયોગ જેવા વિષયો બાબતોનાં અવલોકન આવરી લેવાયાં છે. પૂરક માહિતી માટે
                                                                     ની પણ મુલાકત લેવી જોઇએ.
મોટાપાયા પરની માહિતી સામગ્રી (Big Data)નાં લેખાં જોખાં \The Pros and Cons of Big Data- બધાંએ બહુપ્રચલિત એવો શબ્દ પ્રયોગ "big data" તો સાંભળ્યો જ હશે. આ શબ્દ પ્રયોગ, પરંપરાગત માહિતી-સામગ્રી પ્રોસેસીંગ સાધનોની ક્ષમતાની પણ બહાર હોય તેવાં બહુ વિશાળ અને જટિલ માહિતી-સામગ્રીના સમુહ માટે વપરાય છે, જેમ કે મોટા પાયા પરની માહિતી-સામગ્રી ક્યારે એકઠી કરવી અને ક્યારે તેનું વિશ્લેષણ કરવું? આંકડાશાસ્ત્રના પ્રાધ્યાપક જ્યૉફ વીન્નિંગ મોટા પાયાપરની માહિતી-સામગ્રીના ઉપયોગ વિષે સાવધાની વર્તવાનું જણાવે છે.
માહિતી-સામગ્રીનાં ખાણકામથી માંડીને ખર્ચ ઘટાડા સુધી શું શું કામ આવે છે \ What's Working: Mining Data to Reduce Costs - માહિતી-સામગ્રી એકઠી કરવા માત્રથી પરિવર્તન નહીં આવે. પણ કંઈ કામ વધારે સારી રીતે કે વધારે કાર્યક્ષમ રીતે કરવા માટે સૂઝ પડે તે માટે માહિતી-સામગ્રીનું વિશ્લેષણ કરવું એ ધ્યેય હોવું જોઇએ. કયાં ઘરોની ચકાસણી કરવી તે નક્કી કરવામાટે નેશનવાઈડ ઇન્સ્યુરન્સએ એ જ કર્યું.
આ મહિનાના ASQ’s Influential Voice છે – ટિમ મૅક્મોહન

ટિમ મૅકમોહન ગુણવત્તા સંચાલક અને લીન અજમાયશી છે. લીન ઉત્પાદન ક્ષેત્રે તેમને દસથી પણ વધારે વર્ષનો ઘનિષ્ઠ અનુભવ છે. હાલમાં ગુણવત્તા સંચાલકની ભૂમિકામાં તેઓ એક હાઈ-ટેક ઉત્પાદકને ત્યાં સતત સુધારણાના અમલીકરણમાં વ્યસ્ત છે. A Lean Journey તેમનો બ્લૉગ છે.

A Lean Journey લીન માટેની સફરના ખરા મુકામની સફરમાં થતા અનુભવો અને શીખને બધાંની સાથે વહેંચે છે. લીન વિચારધારા માટે કંઇ નવું જાણવા અને વિચારવા માટેના અગત્યના સ્ત્રોત તરીકે પણ આ બ્લૉગનું મહત્ત્વ છે. વિવિધ લેખો દ્વારા ઘણા વિશાળ ફલક પરના વિષયોને બ્લૉગમાં આવરી લેવાયેલા જોવા મળે છે. તેમનો “Lean Blogs that I Like" અને “Other Sites I Like” બ્લૉગ-રૉલ પણ વાંચન અને માહિતીનો ખજાનો પુરવાર થઇ રહે છે. જુલાઇ ૨૦૧૪માં હમણાં સુધી મુકાયેલ પૉસ્ટસ પર એક નજર કરીએ:
આ મહિને પણ આપણી પાસે Curious Cat Management Improvement Carnival વિભાગમાં કંઇ જ સામગ્રી નથી. પણ અહીં લીધેલી મુલાકાત પણ કંઇને કંઇ રસપ્રદ તંતુ તો મૂકી જ આપે. આજે આપણે જિરાલ્ડ સ્વારેઝનાં TedX Loyola Marymountના મંચ પરથી અપાયેલ વ્યકત્વ્ય પરના લેખની મુલાકાત લઇશું.

આપણા બ્લૉગોત્સવને વધારે રસપ્રદ, માહિતીપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, પ્રતિભાવો અને વિવેચનોની અપેક્ષા સાથે....

Saturday, July 12, 2014

એક ગીતનાં અનેક સ્વરૂપ : મણકો – ૧

મણકો – ૧ : વિષય પ્રવેશ
પશ્ચિમના દેશોમાં કોઇ પણ ખ્યાતનામ ગાયકનાં બહુ જ લોકપ્રિય ગીતને બીજાં ગાયકો પોતાની રીતે ગાય અને રેકોર્ડ કરે એ પ્રથા 'કવર વર્ઝન' (cover version) ગીતો તરીકે ઓળખાય છે.  આમ એક ગીત અનેક સ્વરૂપે પ્રચલિત થતું રહે છે.  એવા પણ કેટલાય દાખલાઓ નોંધાયા છે, જ્યાં મૂળ ગીત કરતાં કવર વર્ઝન વધારે લોકપ્રિય થયાં હોય.
આપણે ત્યાં ૧૯૪૦ - ૧૯૫૦ના દાયકામાં અનેક જાણીતાં ગાયક ગાયીકાઓ દ્વારા જાણીતાં ગીતોનાં 'કવર વર્ઝન'ની રેકર્ડ્સ બહાર પડતી.
આનું એક કારણ હતું જુદી જુદી રેકર્ડ કંપનીઓના જુદા જુદા કલાકારો સાથેના કરાર.
જેમ કે, પંકજ મલ્લિક અને કે સી ડે ના અનુક્રમે કોલંબીયા અને એચ એમ વી સાથેના કરારનુ પઅલન થાય એટલા સારુ  'ધરતી માતા' (૧૯૩૮)નાં પંકજ મલ્લિક, ઉમા શશી અને કે એલ સાયગલે ગાયેલ "દુનિયા રંગરંગીલી" ગીતને


ફિલ્મમાં કે સી ડે, ઉમા શશી અને કે એલ સાયગલનાં અવાજમાં ફિલ્માવાયું હતું.


તો વળી એક ગાયકે ગાયેલાં ગીતને બીજા એવા જ સિદ્ધ ગાયક પાસે પણ રેકોર્ડિંગ કંપનીઓ ગીતો ગવડાવતી..ફિલ્મ 'ભાભી' (૧૯૫૭ )નું મોહમ્મદ રફીએ ગાયેલ ગીત ચલ ઊડ જા રે પંછી


અને તે સમયના એટલા જ સક્ષમ ગાયક તલત મહમૂદે ગાયેલ તેનું આ પ્રકારનું 'કવર વર્ઝન છે -


'એચ એમ વી'એ આ ગીતની બકાયદા રેકર્ડ - Version Recording FT 21027 Twin / Black Label 78 RPM - પણ બહાર પડેલી. શ્રી હરમંદિર સિંહ 'હમરાઝ'ના "હિદી ફિલ્મ ગીત કોશ'ના દરેક ભાગના અંતમાં આવાં કવર વર્ઝનને વિગતે નોંધવામાં આવેલ છે. ડાઉન મેમરી લેન નાં Version Songs  પૃષ્ઠ પર પણ આવાં ગીતોની યાદી જોઇ શકાય છે.

કોઇ નવા કલાકારની કારકીર્દીના શરૂઆતના સમયમાં તેને પ્રસ્થાપિત કરવા માટે આ માધ્યમનો ઉપયોગ કરાતો. વર્તમાન સમયના ગાયક સોનુ નિગમે પણ તેમની કારકીર્દીના શરૂઆતના સમયમાં ટી-સીરીઝના નેજા હેઠળ મોહમ્મદ રફીનાં 'કવર' ગીતો ગાયાં હતા. એવાં જ 'કવર ગીત તરીકે તેમણે ગાયેલ 'ચલ ઊડ જા રે પંછી' પણ સાંભળીએ.
કોઇ ગીત કે ગાયકને અંજલિ સ્વરૂપે ખાસ કરીને 'કવર' ગીત રેકોર્ડ કરવામાં આવતાં. આપણે ત્યાં આ પ્રકારનાં ગીતોનાં રેકોર્ડીંગ્સને વાણિજ્યિક સફળતાના માપદંડથી મિશ્ર આવકાર મળ્યો છે. ઉદાહરણ સ્વરૂપે આપણે 'કિસ્મત' (૧૯૪૩)નાં અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ પારૂલ ઘોષનાં ગીત 'પપીહા રે પપીહા રે મેરે પિયા સે કહિયો જા'


ને લતા મંગેશકરે શ્રધ્ધાંજલિ સ્વરૂપે ગાયેલ વર્ઝન


સાંભળીએ.
કોઇ એક બહુ જ લોકપ્રિય ગાયક કે ગીતને અંજલિ  આપવા માટે ઘણા ખ્યાતનામ કલાકારો એ ગીતને પોતાના લાઇવ કન્સર્ટમાં પોતાના અંદાજમાં રજૂ કરતાં હોય છે. જેમ કે, મન્ના ડેના સૂરમાં ગવાયેલ ફિલ્મ 'વક્ત' (૧૯૬૫)નું ગીત 'અય મેરી ઝોહરા ઝબીં'


અને એક બહુ જ ખ્યાતનામ અફઘાન ગાયક ઉસ્તાદ સાદેક ફીતરત નશનાશે ગાયેલ અંજલિ સ્વરુપ તેની આ રજૂઆત.


ઇન્ટરનેટના આજના યુગમાં સંગીતનાં અનેક ચાહકોએ આવાં કેટલાંય અમૂલ્ય ગીતો અને તેનાં વર્ઝન ગીતોને  આપણી સમક્ષ લાવીને મૂકી આપ્યાં છે. એ બધાં જ ચાહકોનાં યોગદાનને પરિણામે આ અક્લ્પ્ય વારસાને એક નવો જન્મ મળ્યો છે.

આપણાં ફિલ્મ સંગીતમાં એક ગીતને વિવિધ સ્વરૂપે મૂકવા માટેની અનેકવિધ શક્યતાઓનો ભરપૂર ઉપયોગ આપણા સંગીતકારોએ કરેલ છે. આપણે આ લેખમાળામાં  આવા અલગ અલગ પ્રયોગોને સાંભળીશું અને માણીશું.

-          વેબ ગુર્જરી પર પ્રકાશીત થયા તારીખ : ૧૨ જૂલાઇ, ૨૦૧૪