Sunday, November 30, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૧ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ' ૧૧ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
દર વખતની જેમ આપણે બ્લૉગોત્સવના આ મહિનાના અંકની સફર પણ તિથિઓની યાદમાં લખાયેલ પોસ્ટ્સ વડે કરીશું.
મન્ના ડે - પહેલી મૃત્યુ તિથિ
અહીં મન્ના ડેની શાશ્વત ઓળખ સમાં પાંચ ગીતોને યાદ કરાયાં છે:
§ દિલકા હાલ સુને દિલવાલા - શ્રી૪૨૦ (૧૯૫૫) - શંકર જયકિશન
§ તુ પ્યારકા સાગર હૈ - સીમા (૧૯૫૫) - શંકર જયકિશન
§ કૌન આયા મેરે મનકે દ્વારે - દેખ કબીરા રોયા (૧૯૫૭)- મદન મોહન
§ અય મેરી ઝોહરાં ઝબીં - વક્ત (૧૯૬૬) - રવિ
§ ઝિંદગી કૈસી હૈ પહેલી હાયે - આનંદ (૧૯૭૦) - સલીલ ચૌધરી
અહીં પણ લેખકની પસંદના મન્ના ડેનાં ૧૦ આગવા ગીતોની યાદ તાજી કરાઇ છે.
Mandatory Sahir Post of the week! – ૨૫મી ઓક્ટોબરના રોજ તેમની ૩૪મી મૃત્યુ તિથિના રોજ પસંદ કરાયેલાં ગીતો પૈકી બે ગીતોની આપણે અહીં ખાસ નોંધ લઇશું:
એક ખાસ વાત એ પણ નોંધવી જોઇએ કે સાહિર લુધ્યાનવીએ ફિલ્મોમાં ઈશ્વરપ્રેમનાં બહુ જ ઉત્કૃષ્ટ ગીતો આપ્યાં છે, જેવાં કે - લતા મંગેશકરના અવાજમાં ભક્તિરસથી તરબોળ અલ્લાહ તેરો નામ (હમદોનો), આશા ભોસલેના અવાજમાં તોરા મન દરપન કહલાયે (કાજલ) કે મોહમ્મદ રફીના અવાજમાં દિલની ઊંડાઇઓને સ્પર્શતું આના હૈ તો આ કુછ દેર નહીં હે (નયા દૌર).
A tribute to S.D. Burman - ૩૧ ઑક્ટોબરના રોજ ૩૯મી મૃત્યુ તિથિ - લેખકનું કહેવું છે કે સચીન દેવ બર્મન તેમના માનીતા સંગીતકાર છે. એવી જ એમની ચાહત ઓ પી નય્યર માટે પણ છે.
Remembering Rehman… - બહુ જ પ્રતિભાશાળી, પણ જેનાં મૂલ્યની પૂરતી કિંમત ન થઇ હોય તેવા કળાકારોની અગ્રિમ હરોળમાં તેમનું સ્થાન રહ્યું, પરદાપર તેમની હાજરી અચૂક ધ્યાનાકર્ષક જ રહી.
આપણે અહીં રજૂ થયેલ ગીતો પૈકી બે ગીતોની ખાસ નોંધ લઇશું:
Remembering Sanjeev Kumarમાં આપણે હાયે તબસ્સુમ તેરા [નિશાન(૧૯૬૫)- સંગીતઃ ઉષા ખના - મોહમ્મદ રફી] પર પસંદગી ઉતારીશું. આ ગીતનું જોડીયું ગીત આશા ભોસલે એ ગાયું છે.
The Unforgettable Geeta Dutt ..કેટલી કમનસીબી છે કે ગીતા દત્તનાં પહેલ વહેલાં હીટ થયેલ ગીતના શબ્દો - મેરા સુંદર સપના બીત ગયા, મૈં પ્રેમમેં સબ કુછ હાર ગયી, બેદર્દ જમાના જી..ત ગયા' - તેની ટુંકી જીંદગીની દાસ્તાન સ્વરૂપ બની ગયા. અહીં રજૂ થયેલાં તેમનાં ગીતોમાંથી આપણે આજે ચાંદ હૈ વહી વહી સિતારે (પરિણિતા - ૧૯૫૩ - અરૂણ કુમાર) પસંદ કરીશું.
સલીલ ચૌધરીબહુમુખી પ્રતિભા, બેનમૂન પ્રયોગાત્મકતા અને માધુર્ય-સભર સુરીલી તર્જ
  • A tribute to a master – Salil Choudhary – વિશાળ ખજાનામાંથી ૧૦ ચુનંદા રત્નોની પેશકશ
  • The revolutionary music genius: Salil Chaudhary- કોમેન્ટ્સમાં SSWનાં તખલ્લુસથી જાણીતા, એવા સદાનંદ વૉરીયરનો મહેમાન લેખ, જેમાં સલીલ ચૌધરીની રેંજને આવરી લેવા સાથે એક ધૂનને વિવિધ ભાષામાં રજુ કરતી વખતે એ ભાષાની ખૂબીઓને પણ ઝીલી લેવાના પ્રયોગોને વણી લેવાયેલ છે. વધારે આનંદની વાત એ છે કે આ લેખ સલીલ ચૌધરી પરની શ્રેણીના પહેલા લેખ તરીકે જ રજૂ થયેલ છે.
Happy Birthday, Sitara Devi!... સઆદત હસન મન્ટો તેમને ઝંઝાવાત તરીકે વર્ણવતાં કહેતા - તેઓ પોતે જ એટલાં જુસ્સાદાર વ્યક્તિત્વ હતાં કે તેમનાં અભિનીત નૃત્યોમાં પણ એ જુસ્સો પૂરેપૂરો ઠલવાઇ જ રહેતો. એવાં મજેદાર અને ઠસ્સાદાર સાત ગીતોની સાથે સાથે તેમના વ્યક્તિગત રમૂજ અને આગવી અંગભંગીને રજૂ કરતાં થોડાં ધીમી લયનાં બીજાં બે ગીતો અહીં આવરી લઇને તેમની અદાકારીનાં બધાં પાસાંને રજૂ કરાયાં છે.
The Doyenne of Vintage Era: Khursheed….. ફિલ્મ સંગીતના પ્રભાત કાળના અકે બહુ જ અગ્રગણ્ય ગાયિકા..ભરેલાં ગળાંનો ખુલ્લો અને જોરદાર અવાજ..માત્ર ૧૯૩૦થી આખા ૧૯૪૦ના દાયકાના સમય જ નહીં , પણ ગાયકીની એક ખાસ શૈલી ફિલ્મ સંગીતકાળના પ્રભાત કાળની આગવી પરખ હતી, જે લતા મગેશકરના ઉદય બાદ નવું સ્વરૂપ ઓઢતી ગઇ. આ તફાવતની બહુ જ સ્પષ્ટ પરિભાષા ખુર્શીદની ગાયન શૈલીમાં છલકતી જોવા મળે છે.
Anil Biswas’s songs for Bombay Saigal: Surendra... કેટલીક કાયદાકીય ગુંચને કારણે, સાયગલનાં મુંબઇ આવી ગયા પછીના લગભગ લગભગ અરધા સમય અને કુલ્લે એક દાયકાથી વધારે સમાંતરે રહેલી કારકીર્દી રહેવા છતાં અનિલ બિશ્વાસ કે. એલ. સાયગલ માટે ગીતો ન રેકોર્ડ કરી શક્યા હતા. '૪૦ના દાયકાની શરૂઆતમાં સાયગલ તેમનાં ‘દેવદાસ’ બાદ કલકત્તા રહ્યે રહ્યે જ સમગ્ર દેશમાં યશપતાકા ફરકાવી રહ્યા હતા,ત્યારે મુંબઇ ફિલ્મ જગતને પોતાની પ્રાર્થનાઓના જવાબના સ્વરૂપમાં દેખાવડા પંજાબી ગાયક -અદાકાર સુરેન્દ્ર મળી આવ્યા હતા.
Musical Shammi Kapoor …શમ્મી કપૂરને યાદ કરીએ એટલે સંગીતની યાદ તેમાં ભળી જ રહે. એકદમ જોમદાર, રોમેન્ટીક, સંગીતપ્રધાન ગીતો તેમની ફિલ્મોનું અવિભાજ્ય અંગ હતાં..અહીં પસંદ કરાયેલાં તેમનાં એવાં ગીતો છે જેમાં શમ્મી કપૂર એક કે એકથી વધારે વાદ્ય પર પણ હાથ પણ જમાવી રહેલ હોય..
હવે આપણ એવી સાઇટ્સની મુલાકાત કરીશું, જેના પર એકથી વધારે લેખ જોવા મળશે:
Scroll .in
§ Remembering the Jewish refugee who composed the All India Radio caller tune
ઑલ ઇન્ડીયા રેડિયોની પ્રારંભ ધુન હજારો લાકો લોકોએ સાંભળી હશે. ૧૯૩૬માં રાગ શીવરંજની પર રચાયેલી એ ધુનના રચયિતા વૉલ્ટર કૌફમૅન ઝૅક યહુદી શરણાર્થીઓમાંના હતા જેઓ બીજાં વિશ્વ યુધ્ધ પછી ભારતમાં સ્થાયી હતા. તેઓ AIRના નિયામક હતા. તેમની Meditation શીર્ષસ્થ એક બીજી ધુન પણ સાંભળવી ગમશે.
  • Rediscover the virtuosity of Hindustani vocalist Amir Khan… અહીં તેમની કેટલીક શાસ્ત્રીય અને ફિલ્મ માટે રેકોર્ડ થયેલી બંદિશ યાદ કરાઇ છે જેમાંથી આપણે રાગ ખમાજમાં ગવાયેલ, બંગાળી ફિલ્મ 'ક્ષુધિત પાષાણ'માટેની એક ઠુમરીની બંદિશ પસંદ કરી છે. આ ફિલ્મ માટે સંગીત જાણીતા સરોદવાદક અલી અકબર ખાને આપ્યું હતું.
  • 'Sun Mere Bandhu Re': The double notes of S.D. Burman’s life - બહુ ખ્યાત કહાણીઓની ખૂબી એ છે કે તેને અનેકાનેક રીતે રજૂ કરી શકાતી હોય છે.સત્ય સરણનાં પુસ્તક Sun Mere Bandhu Re ‒The Musical World of S. D. Burmanને વાંચવાની આ આગવી મજા છે.
  • Before movie trailers, Indian producers used song booklets to publicise films - ૧૯૩૧માં પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા' રજૂ થયા બાદ, ગીતોએ ફિલ્મોની સફળતા કે નિષ્ફળતાની નિયતિ ઘડવામાં અતિ મહત્ત્વનો ફાળો આપ્યો છે. કેટલીય ફિલ્મોની ટીકિટબારી પરની સફળતા વારંવાર સાંભળવા મળતાં એ ફિલ્મનાં ગીતોની ભરપૂર સફળતાને કારણે રહી છે.ગીતોના ચાહકો માટે ગીતોની ચોપડીઓ સિનેમા હૉલની બહાર એ ગીતોને મમળાવવાં મદદ કરતી રહેતી.
  • What's Lata doing in a Britney Spears song? Western tunes with unlikely Bollywood samples - ભારતીય સંગીતકારો જ બહારનાં સંગીતમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે સાવે સાવ એવું નથી. નવાં, અવનવા અવાજોની ખોજને કારણે અમેરિકન સંગીતકારો પણ બૉલીવુડનાં ગીતોની આચમની તેમનાં સંગીતમા કરી લેતા હોય છે.આવી થોડી અકલ્પ્ય રચનાઓ સાંભળીએ.
Songs, Stories, Books and More…
બ્લૉગોત્સવના મોહમ્મદ રફી પરના લેખથી સમાપન કરતાં પહેલાં આપણે હજૂ થોડા બીજા લેખોની મુલાકાત લેવાની રહે છે :
  • My Favourites: Songs of First Love - કોઇ ખાસ વ્યક્તિ સાથે અચાનક જ મેળાપ થઇ જાય તો ? કામનાં એક બાણ પર સવાર એ એક સ્મિત દિલની ધડકન વધારી મૂકવા માટે પૂરતું છે ! પ્રેમમાં પડ્યા પછી કેવું લાગે ? આપણાં કાવ્યોમાં પહેલી ધારનો આ પ્રેમ અનેક સ્વરૂપોએ ઝીલાયેલ છે. જાણ-અજાણની બેખુદીમાં જ કોઇક આપણી ખુશીઓનું માલિક બની બેસે છે..હિંદી ફિલ્મનાં ગીતો પણ પ્રેમનાં આ ફુટતાં ઝરણાંને વાચા આપવામાં ઊણાં નથી પડ્યાં.. અહીં રજુ થયેલાં ગીતોએ એ અવનવા ભાવોને પ્રતિબિંબીત કર્યા છે..
  • Leke Pahela Pahela Pyar યાદ આવે છે? એમાં દેવ આનંદ અને શકીલા સિવાય બીજાં પણ બે કલાકારો હતાં - એક તો એ સમયની જાણીતી નર્તકી અદાકાર શીલા વાઝ અને બીજા ગુરુદત્તના મદદનીશ શ્યામ કપુર.… બહુ મહેનત પછી મળેલા શ્યામ કપુર અહીં ગુરુદત્તની યાદો અને પોતાની હાલની પરિસ્થિતિથી આપણને વાકેફ કરે છે.
  • આપણા મિત્ર ભગવાન થરવાનીએ વો દેખો ઉધર ચાંદ (રૂપ કુમારી -૧૯૫૬- મન્ના ડે અને ગીતા દત્ત)ની સાથે એસ એન ત્રિપાઠીએ જ ફરીથી ૧૯૬૧માં જાદૂ નગરીમાં લતા મંગેશકરના સ્વરમાં વાપરેલી નિગાહોંમે તુમ હો ને યાદ કરેલ છે.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
Combination of LP and Rafi in the films of Dharmendra and Jeetendra in the 1960sમાં ડૉ. સૌવિક ચેટર્જીએ મોહમ્મદ રફીની આસપાસ વીંટળાયેલ ૧૯૬૦ના દાયકાનાં ૭૧ ફિલ્મોનાં ગીતોને યાદ કર્યાં છે.
HEADY WINE : Rafi-Dada Burman - K.V.Ramesh - એસ ડી બર્મને પણ તેમના બીજા સમકાલીનોની જેમ શરૂઆતમાં સ્ત્રી પાર્શ્વગાયકોનાં પ્રાધાન્યથી કરેલ, જેમાં શમશાદ બેગમ અને ગીતા દત્ત (રૉય)નો સિંહ ફાળો હતો. પુરૂષ ગીતોમાં તો હજૂ પણ સાયગલની શૈલી આગળ ધપાવવાની જ ચાવી જ કામ કરતી હતી. મોહમ્મદ રફીનું દાદા સાથેનું પહેલું ગીત દુનિયા મેં મેરી અંધેરા હી અંધેરા (રાજા મહેંદી અલી ખાં) 'દો ભાઇ' (૧૯૪૭) માટેનું હતું. ખુબ ભાવથી ગવાયેલું ગીત ગીતા દત્તનાં યાદ કરોગે અને ‘મેરા સુંદર સપના બીત ગયા'નાં પૂરમાં ક્યાંય તણાઇ ગયું હતું.
Rafi’s Pancham note - આર ડી બર્મન અને કિશોર કુમારનાં સંયુક્ત પ્રયાસો બહુ ગવાયેલ છે, પણ મોહમ્મદ રફી માટે પણ પંચમે લગભગ ૧૧૦ ગીતો બનાવ્યાં છે, જેમાંના ચાર- પાંચ જ લોકપ્રિય નહીં થયાં હોય. ૧૯૬૧માં 'છોટે નવાબ' પહેલાં ગુરૂ દત્તની ૧૯૫૭ની ક્યારેય રજૂ ન થયેલી ફિલ્મ 'રાઝ' માટે ગીતા દત્ત અને હેમંત કુમારની સાથે મોહમ્મદ રફી રાહુલ દેવ બર્મનની પહેલી પસંદ હતા. આર ડીની ૧૯૬૫ની ફિલ્મ 'તીસરા કૌન'માં પણ મોહમ્મદ રફીનું 'મેરી જાં તુ ખફા હૈ તો ક્યા હુવા' એક ખાસ જગ્યા બનાવી શક્યું હતું. ગીતમાં શંકર જયકિશનની છાંટ સાંભળવા મળશે....
નવેમ્બર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૧)
ફિલ્મી ગીતોમાં પત્રો (૨)
‘બંદીશ એક, સ્વરૂપ અનેક’ – (૩) : આજ જાનેકી ઝિદ ના કરો
‘મલિકા-એ-તરન્નૂમ’ નૂરજહાઁ
અનિલ બિશ્વાસ અને તલત મહમુદ – એક અનોખું સંયોજન
                                                                                    પ્રકાશિત થયેલ છે.

પાદ નોંધઃ બહુ જ દુઃખ સાથે સિતારા દેવીની ૨૫-૧-૨૦૧૪ના રોજ ચિરઃવિદાયની નોંધ લઇએ.

Saturday, November 29, 2014

અનિલ બિશ્વાસ અને તલત મહમુદ - એક અનોખું સંયોજન - સોંગ્સ ઑફ યૉર

clip_image001તલત મહમૂદે તેની ફિલ્મ જગતની કારકીર્દીનું પહેલું ગીત અનિલ બિશ્વાસનાં સંગીતમાં ગાયું હતું એવું કંઇ જ નહોતું. ૧૯૪૫માં ગાયક-કલાકાર તરીકે તલત મહમૂદે કલકત્તામાં 'રાજ લક્ષ્મી' ફિલ્મ વડે ફિલ્મ જગતમાં કદમ મૂક્યો હતો. તે પછી ‘તુમ ઔર મૈં’ (૧૯૪૭) અને ‘સંપત્તિ’ તેમ જ ‘સ્વયંસિદ્ધા’ (૧૯૪૯)માં પણ તેમણે (પરદા પર પણ) ગીતો ગાયાં. આ ગાળામાં ફિલ્મી, અને તપન કુમારનાં તખલ્લુસ હેઠળ ગેર-ફિલ્મી, ગીતો મળીને તેઓ લગભગ ૪૦ થી ૫૦ ગીતો ગાઇ ચૂક્યા હતા. ફિલ્મ જગતમાં આવતાં પહેલાં ગીતો અને ગઝલ માટે તેઓ સારી એવી નામના પણ મેળવી ચૂક્યા હતા. 'સબ દિન એક સમાન નહીં"થી એમણે ગેરફિલ્મી ગીતો ગાવાની શરૂઆત તો ૧૯૪૧થી કરી દીધી હતી. તેમનું બીજું એક ગેરફિલ્મી ગીત તસ્વીર તેરી દિલ મેરા બહલા ન શકેગી (૧૯૪૪) સમગ્ર દેશમાં, આજની ભાષામાં, 'વાઈરલ" બની ચૂક્યું હતું અને તેમની પહેચાન બની ચૂક્યું હતું.

તલત મહમૂદ કલકતાથી વ્યાવસાયિક સ્તરે મુંબઇ આવ્યા તે સમયનું તેમનું પહેલું (ફિલ્મમાં ગવાયેલું) ગીત હતું ફિલ્મ આરઝૂ (૧૯૫૦)નું "અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો". હા, એવું જરૂર કહી શકાય કે "તસ્વીર તેરી' ગીતે જો તેમને ગેરફિલ્મી ગીત-ગઝલનાં સિંહાસને પર આરૂઢ કર્યા હતા, તો "અય દિલ મુઝે"એ તેમને ફિલ્મ જગતમાં સ્વપ્રકાશે ઝળહળતા તારક બનાવી દીધા. અનિલ બિશ્વાસે તેમના સમયના ઘણાં ગાયકોની ગાયકીને મઠારીને એ ગાયકનાં ગળાંની સ્વાભાવિક કળાને સૂરબધ્ધ કરવામાં બહુ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તલત મહમૂદના કિસ્સામાં તેમણે તલતનાં ગળાંની 'કંપન'ને તલતની આગવી પહેચાન બનાવી.

તલત મહમૂદના અવાજની કંપન [ Play and compare with normal technique] - જેને અનિલ બિશ્વાસ ઈટાલીયન શબ્દપ્રયોગ tremoloથી ઓળખાવવાનું પસંદ કરતા - વિષે શ્રી બીરેન કોઠારીએ તેમના બહુ જ જાણીતા પત્રકાર મિત્ર શ્રી શિશિર કૃષ્ણ શર્માના એક લેખ, बीते हुए दिन- 46,માં ટાંકેલો એક કિસ્સો યાદ કર્યો છે, જે અહીં તેમના શબ્દોમાં જ રજૂ કરેલ છેઃ
मुकेश अक्सर तलत को मज़ाक़ में यह कहकर छेड़ते थे कि तू गाता तो बहुत अच्छा है लेकिन तेरी आवाज में जो कंपन है वो सारे गीत का मज़ा किरकिरा कर देता है...मज़ाक़ में कही गयी इस बात को तलत बेहद गंभीरता से लेते थे...धीरे धीरे उनके मन में ये बात गहराई तक बैठती चली गयी थी...फिल्म ‘आरज़ू’ के एक साल बाद, 1951 में अनिल बिस्वास ने तलत महमूद को फ़िल्म ‘आराम’ का गीत ‘शुक्रिया ऐ प्यार तेरा शुक्रिया’ गाने के लिए बुलाया...

तलत ने वो गाना बेहद कांशस होकर गाया...गाने के कई कई रीटेक हुए लेकिन अनिल बिस्वास को जैसा चाहिए था, वैसा तलत नहीं गा पाए...अनिल बिस्वास ने ग़ुस्से में तलत महमूद से पूछा, आज तुम्हें हो क्या गया है? ढंग से क्यों नहीं गा रहे हो? तो तलत ने झिझकते हुए असलियत बता दी कि मुकेश उनके गले के कंपन का मज़ाक़ उड़ाते हैं, इसीलिए वो उस कंपन को दूर रखने की कोशिश कर रहे हैं।

ये सुनते ही अनिल बिस्वास का ग़ुस्सा और भी भड़क उठा...उन्होंने कहा, मूर्ख हो तुम...ये कंपन ही तलत को तलत बनाता है...अगर ये कंपन न हो तो तुममें और किसी सड़क चलते लड़के में कोई फ़र्क़ नहीं है...मुझे सपाट तलत नहीं चाहिए...मुझे कांपती आवाज़ वाला तलत चाहिए...चलो गाओ...

...........इसके बाद वाला टेक ओके हो गया...
આમ તલત મહમૂદની કારકીર્દીમાં બહુ જ મહત્ત્વનો કહી શકાય તેવો ફાળો આપવા છતાં, સી.રામચંદ્ર કે ગુલામ મોહમ્મદ કે મદન મોહન નાં તલત મહમૂદનાં ગીતોની સરખામણીમાં અનિલ બિશ્વાસનાં તલત મહમૂદનાં ગીતોની સંખ્યા બહુ થોડી કહી શકાય તેવી છે. ૧૯૫૦થી ૧૯૫૫ વચ્ચે, તેઓ બંનેએ માત્ર ૭ ફિલ્મોમાં જ સાથે કામ કર્યું છે, જેની નિપજ ૮ સોલો ગીતો, ૩ લતા મંગેશકર સાથેનાં યુગલ ગીતો અને ૪ સુરૈયા સાથેનાં યુગલ ગીતો છે.

તે ઉપરાંત ૧ ગેરફિલ્મી ગીત પણ આ જોડીને અંકે છે :

ભલે તુમ રૂઠ જાઓ....સીતારો તુમ ગવાહ રહેના - ગીતકાર : સાજન દેહલવી

તલત મહમૂદના અવાજની નીચેના સૂરમાં પણ જે ખૂબીઓ છે તે આ ગીતમાં અનિલ બિશ્વાસે ચરિતાર્થ કરી મૂકી છે.

હવે આપણે અનિલ બિશ્વાસ- તલત મહમુદની જોડીનાં ગીતોનાં અનોખાં વિશ્વની એક યાદગાર સફર કરીએ....

અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો - આરઝૂ (૧૯૫૦)- ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી

મેલા (૧૯૪૮) કે 'અંદાઝ' (૧૯૪૯)માં નૌશાદે દિલીપકુમારના અવાજ તરીકે, કે ખુદ અનિલ બિશ્વાસનાં જ "અનોખા પ્યાર"(૧૯૪૮)માં મુકેશનો અત્યંત સફળ પ્રયોગ કર્યા પછી, આ એક ગીતે તલત મહમુદને દિલીપ કુમારના અવાજ માટે પ્રસ્થાપિત કરી દીધા હતા. પછીથી ઘણાં પરિબળોની અસર રૂપે મોહમ્મદ રફી હરીફાઇમાં બહુ આગળ નીકળી ચૂક્યા ત્યારે તલત મહમૂદે એ તાજ ખોયો હતો. પરંતુ આજે પણ દિલીપકુમારનાં તલત મહમુદના અવાજમાં ગવાયેલાં 'ફૂટપાથ' (ખય્યામ) 'દાગ' અને 'શિક્સ્ત' (શંકર જયકિશન), 'બાબુલ' (નૌશાદ) કે ‘સંગદિલ’ (સજ્જદ હુસૈન) નાં ગીતો સાંભળીએ છીએ ત્યારે એ બંનેની ઈમેજ બહુ જ સહેલાઇથી કલ્પનાચિત્રમાં સામે આવે જ છે.
શુકરિયા અય પ્યાર તેરા શુકરિયા - આરામ (૧૯૫૧)- ગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ

આ ગીત ફિલ્મમાં તલત મહમૂદ પર જ ફિલ્માવાયું છે. ફિલ્મમાં તેમણે મહેમાન કલાકારની ભૂમિકા નિભાવી છે.

એક મૈં હૂં એક મેરી બેકસીકી શામ હૈ - તરાના (૧૯૫૧) ગીતકાર : કૈફ ઇરફાની

આ જ ફિલ્મનાં બીજાં બહુ જ લોકપ્રિય યુગલ ગીતોની સમકક્ષ ઊભું રહે તેવું આ સોલો ગીત છે. ગીતનાં ઓર્કેસ્ટ્રેશનમાં અનિલ બિશ્વાસની આગવી શૈલીનો સ્પર્શ તલત મહમૂદના સ્વરને એક બહુ જ મુલાયમ કશિશ બક્ષે છે.

નૈન મિલે નૈન હુએ નૈન હુએ બાંવરે - લતા મંગેશકર સાથે- તરાના (૧૯૫૧)- ગીતકાર : પ્રેમ ધવન

તલત મહમૂદનાં ગણો કે લતા મંગેશકરનાં ગણો, કે કોઇ પણ યુગલ ગીત ગણો , આ ફિલ્મનાં બંને યુગલ ગીતોની કોઇ પણ યાદીમાં અચૂક અગ્રીમ સ્થાન મેળવશે જ.

સીનેમેં સુલગતે હૈં અરમાં - લતા મંગેશકર સાથે - તરાના(૧૯૫૧) – ગીતકાર:- પ્રેમ ધવન

'નૈન મિલે નૈન હુએ'માં ઉભરતા પ્રેમની રોમાંચક લાગણીઓ જેટલી ઝણઝણી ઉઠતી સંભળાશે, તેટલી જ આ ગીતમાં પ્રેમમાં વિરહની પીડા પ્રતિબિંબીત થતી જોવા મળે છે.

આડ વાતઃ

ગીતની લોકપ્રિયતાનું એક માપ લાઇવ પ્રોગ્રામમાં અન્ય ગાયકો તેને રજૂ કરતાં રહે તે પણ ગણી શકાય. આવો સાંભળીએ 'સીનેમેં સુલગતે હૈં અરમાં' જગજીત સિંઘનાં અવાજમાં

મોહબ્બત તુર્કકી મૈંને, ગરીબાં સી લિયા મૈંને - દોરાહા (૧૯૫૨)- ગીતકારઃ સાહિર લુધ્યાનવી

તલત મહમૂદને ખુલતા ઉંચા સ્વરમાં પણ એટલી જ અસરકારકતાથી અનિલ બિશ્વાસ રજૂ કરવામાં સફળ રહ્યા છે.

દિલમેં બસા કે મીત બના કે - દોરાહા (૧૯૫૨) - ગીતકાર - ગીતકાર : પ્રેમધવન

અહીં તલત તેની મુલાયમતાની ઉત્કૃષ્ટ ઉંચાઇ પર જોવા મળશે.

તેરા ખયાલ દિલસે મિટાયા નહીં અભી - દોરાહા (૧૯૫૨) - ગીતકાર : જોશ મલિહાબાદી

આ ગીતમાં ફરી એક વાર અનિલ બિશ્વાસ તલત મહમૂદની રેંજને તેની સીમાઓ સુધી ખેંચી જાય છે, પણ પરિણામ એટલું જ મધુર બની રહ્યું છે, તેમાં કોઇ શક નથી.

ત્રણે ગીત એક જ વિડીયો ક્લિપમાં

મુખ સે ન બોલું અખિયાં ન ખોલું - લતા મંગેશકર સાથે - જલિયાંવાલા બાગ કી જ્યોતિ - ગીતકાર : ઉદ્ધવ કુમાર

લતાના ભાગે રમતિયાળ રમઝટમાં ગીત ભાવ રજૂ કરવાના આવ્યા છે, તેની સામે તલત મહમૂદ જેવા "ગંભીર" અવાજને ટકી રહેવું આકરૂં પડે, પણ સંગીતકારે દરેક વખતે પુરુષ અવાજ મૂકવામાં સંગીતના ટેકાથી એવું સુંદર સંતુલન ઊભું કર્યું છે, કે ગીત બેહદ શ્રાવ્ય બની રહે છે.


કભી હૈ ગમ કભી ખુશીયાં - વારીસ (૧૯૫૪) - ગીતકાર : ક઼્મર જલાલાબાદી

આ ગીત પણ તલતનાં સોલો ગીતોની કોઇ પણ યાદીના અગ્રક્રમમાં સ્થાન મેળવે તે કક્ષાનું છે.
વારીસ (૧૯૫૪)નાં, તલત મહમૂદનાં સુરૈયા સાથેનાં યુગલ ગીતો
રાહી મતવાલે તૂ આજા એક બાર

ઘર તેરા અપના ઘર લાગે

દૂર નહીં હોતે જો વો દિલમેં રહા કરતે હૈં
                             - આપણે, દુર પપીહા બોલા... ઉત્તરાર્ધ માં સાંભળી ચૂક્યાં છીએ.

જીવન હૈ મધુબન, તુ ઇસમેં ફૂલ ખીલા, કાંટોસે ન ભર દામન, બસ માન ભી જા - જાસૂસ (૧૯૫૫) - ગીતકાર : ઇન્દીવર

સુર અને સ્વરનું આવું મધ્રૂરૂં સંયોજન જવલ્લે જ સાંભળવા મળતું રહે છે. પાશ્ચાત્ય સંગીતમાં પિયાનો એકદમ સૉફ્ટ અને મીઠું વાદ્ય તો છે જ પણ અનિલ બિશ્વાસના સ્વર નિયોજનમાં તેની મીઠાશ અલૌકિક બની રહે છે.

આડ વાતઃ

આ ગીતની પ્રેરણા ડૉરીસ ડેનાં “ક્વે સેરા સેરા” (જે થવાનું છે તે થઇ જ રહેશે)પરથી છે એવું મનાય છે.

જો કે આપણને કદાચ તેવી કોઇ જ છાપ ન અનુભવાય તેવું પણ બને !

“ક્વે સેરા સેરા”ના શબ્દો, જીવન જીવવાની રીત માટે, 'જીવન હૈ મધુબન" જેટલા જ પ્રેરણાદાયક છે તે વળી બીજી આડ વાત કહી શકાય !

                                સાભાર : The Mentor and the Protégé: Talat Mahmood songs by Anil Biswas

Thursday, November 27, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : નસ્સીમ નિકોલસ તાલેબ – ઉત્તરાર્ધ

લેખના પૂર્વાર્ધમાં આપણે નસ્સીમ તાલેબના યાદૃચ્છિકતા વિષેના વિચારોનો પરિચય કર્યો. તાલેબનાં અત્યાર સુધીનાં છેલ્લાં બે પુસ્તકો અને કેટલીક સંલગ્ન રસપ્રદ આડવાત વિષે જાણવા માટે આજના આ ઉત્તરાર્ધને વાંચીએ...

clip_image002
પ્રોક્રસ્ટીઝની પથારી : દાર્શનિક અને વ્યવહારુ સૂત્રો \ The Bed of Procrustes: Philosophical and Practical Aphorisms. [2010]
 
clip_image004તાલેબના મત મુજબ મોટા ભાગની આજની દુનિયા, અને તેમાં પણ નાણાં વિશ્વ તો ખાસ, પ્રોક્રસ્ટીઝની પથારી જેવી છે. આજની સંકુલ વાસ્તવિકતાઓને અનુરૂપ સિદ્ધાંતો અને મૉડેલમાં ઢાળવાને બદલે આપણે મૉડેલ કે સિદ્ધાંત પ્રમાણે વાસ્તવિક જગતને વેતરવાની વેતરણમાં રહેતાં હોઈએ છીએ; અને પછી જ્યારે તેમાં સફળ ન થઈએ ત્યારે મૉડેલ કે સિદ્ધાંતની અધૂરપ કે ત્રુટિને સ્વીકારવાના બદલે પહેલેથી પારખી ન શકાયેલાં બાહ્ય પરિબળોને 'આ કાળા હંસ જેવી ઘટનાઓ તો આપણા કાબૂમાં જ કયાં હતી !' એમ કહીને દોષ દેવા બેસી જઈએ છીએ.

‘પ્રોક્રસ્ટીઝની પથારી’ જીવનની યાદૃચ્છિકતાની સરાહનાનો ઢંઢેરો નથી, કે નથી તે તેની મગરૂરી (અને અજ્ઞાન)ની આલોચના. નાણાં કે રોકાણ જેવા વિષય પરનાં થોથાંને બદલે ઓસ્કાર વાઈલ્ડના કટાક્ષમાં ઝબોળેલા ચાબખાઓના સંકલન જેવું આ પુસ્તક વધારે જણાશે. આવો, તેમાંનાં કેટલાક વિચારપ્રેરક ચાબખાની આપણે મજા પણ ઉઠાવીએ :
  •  “જગતને સમજવા વિજ્ઞાન જોઈએ, પણ વ્યાપાર જગતમાં તો લોકોમાં ગેરસમજ ઊભી કરવા માટે તે વધારે કામ આવે છે.“
  •  “ભણતર સમજુને થોડો બધુ સમજુ બનાવે છે, પણ મૂર્ખાઓને તો બહુ જ જોખમી બનાવી મૂકે છે.”
  •  “કુદરતમાં કોઈ પણ ગતિ બેવડાતી નહીં જોવા મળે, પણ ઑફિસ, વ્યાયામશાળા, દરરોજની કામ પર આવવાજવાની સફર કે ખેલકૂદ જેવી બંધક પ્રવૃત્તિઓમાં તો ફરીફરીને એનું એ જ થતું રહે છે, કોઈ જ પ્રકારની યાદૃચ્છિકતા માટે ત્યાં જગ્યા જ નથી.”
  • “જ્યાં સુધી કોઈની જાત પર હુમલો ન લઈ જાઓ, ત્યાં સુધી કોઈ દલીલ જીતી જ નથી શકાતી.”
  • “અખબારોથી કાયમી છૂટકારો મેળવવો હોય, તો એક વર્ષ પૂરતી ગયા અઠવાડિયાનાં અખબાર વાંચવાની આદત કેળવો.”
  •  “સામાન્યતઃ લોકો કોઈ આદર્શ વ્યક્તિત્વ જેવાં થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં હોય છે; પણ મોટાં થતાં અસરકારક નીવડી રહેવા માટે આનાં જેવાં જ ન થવાય તેવા પ્રતિઆદર્શોને નજરમાં રાખવા જોઈએ.”
  • "હેરોઈન, કાર્બોહાઈડ્રેટ અને દર મહિને મળતો પગાર એ ત્રણ સહુથી વધારે હાનિકારક વ્યસનો છે. મારી સફળતાનું માપ તો એક જ છે - મારી પાસે માખીઓ મારવા માટે કેટલો સમય છે.”
  •  “પદ્ય કે બહુ જ ઉત્કૃષ્ટ સાહિત્યનાં ટુંકાવી ન શકાય એવાં પુસ્તકો તો જૂજ હોય છે, ઘણાંને દસ પાનામાં ટુંકાવી દઈ શકાય અને મોટા ભાગનાંને કોરાં પાનાંમાં જ ટુંકાવી દઈ શકાય.”
  •  “કહે છે કે રૂખ પરથી સુસંગતતાને પારખવામાં સમજદારી છે (ઘટનાઓનાં), પણ આજના અટપટા વિશ્વમાં ખરી સમજદારી તો ભૂલથાપ ખવડાવતી રૂખને નજરઅંદાઝ કરીને જે અપ્રસ્તુત છે તેને પારખવામાં છે.”
  •  “શું ન કરવું તે સ્પષ્ટ પણે કહેવાને બદલે, આપણે શું શું કરવું જોઈએ એ કહેનારા જ વ્યાપાર જગતના ખરા ઊંટવૈદો છે.”
  • “સરકારી ખૈરાત અને ધૂમ્રપાન વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ‘આ મારી છેલ્લી સિગારેટ છે’ ગણ્યાગાંઠા કિસ્સાઓમાં પણ સાચું ઠરતું વિધાન છે.”
() () () ()
પ્રતિનાજુક - અવ્યવસ્થામાં લાભમાં રહેતીવસ્તુઓ \Antifragile: Things That Gain from Disorder [૨૦૧૨]
 
‘ધ બ્લેક સ્વાન’ અને ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’ જેવાં પહેલાંનાં પુસ્તકોમાં પ્રસ્થાપિત કરી ચૂકેલ વાતને આગળ ધપાવતાં, તેમના સહુથી છેલ્લા પુસ્તક ‘Antifragile’ માં તાલેબનું કહેવું છે કે ભવિષ્યની સહુથી મહત્ત્વની ખૂબી એ છે કે તેની આગાહી કરવી બહુ જ મુશ્કેલ, લગભગ મૂર્ખામી ભરેલ,કામ છે. એના કરતાં અનિશ્ચિતતા, યાદૃચ્છિકતા કે ઉથલપાથલ થતા સંજોગોને સ્વીકારી લેવામાં શાણપણ છે.

clip_image006"નાજુક'', ‘અડો તો પણ કરમાઈ જાય તેવું'-નો વિરૂદ્ધાર્થ શું કરવો ? મોટાભાગે જવાબમાં, 'મજબૂત કે 'ટકાઉ' કે 'બરછટ' સાંભળવા મળશે. 'મજબૂત' કે 'ટકાઉ' કે 'બરછટ' અચાનક થતાં પરિવર્તનો સાંખી જરૂર લઈ શકે - આકમિકતા સાથે તેમને કંઈ જ લેવાદેવા નથી હોતી. પરંતુ ‘નાજુક'નો ખરો વિરૂદ્ધાર્થ તો અચાનક જ આવતા આંચકાઓમાં મહોરી ઊઠવામાં જ ચરિતાર્થ થઈ શકે. અને તેથી તાલેબ 'પ્રતિનાજુક' શબ્દ પ્રયોગ કરે છે.

તાલેબનાં સહુથી છેલ્લા પ્રકાશિત થયેલ પુસ્તક Antifragileમાં નાજુકતાને ઘટાડવા માટે ભવિષ્યની યોજનાઓ ઘડ્યા કરવી, અને પછી અણકલ્પ્યાં પરિણામોને સમજાવ્યા કરવાને બદલે 'પ્રતિનાજુક' થવાની વાત છે.

તાલેબનું કહેવું છે કે જે ખરા અર્થમાં પ્રતિનાજુક છે તે અચાનક આવી પડેલ (અવળા) સંજોગોમાં પણ નીખરે છે કારણકે બીજાં બધાંની જેમ બાહ્ય દબાણ તેને પણ અસર તો કરે છે, પણ પછી ફરી સુવ્યવસ્થિત પણ તે જાતે જ થતાં રહે છે.

તેમનું માનવું છે કે સજીવ સૃષ્ટિ કે પછી બહુ જ જટિલ તંત્રવ્યવસ્થા મોટાભાગે 'પ્રતિનાજુક' જોવા મળે છે. જૈવિક ઉત્ક્રાંતિ, ટેક્નોલોજિનો વિકાસ કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયાઓ ગડબડીયા, પડ-આખડ જેવાં અણકલ્પ્યાં વાતાવરણથી ટેવાઈ ગયેલી કહી શકાય. કુદરતી અનિશ્ચિતતાઓથી બચવામાં સરવાળે જોખમ જ છે. તેઓ કહે છે કે ત્સુનામી કે ધરતીકંપ ક્યારે આવી પડશે તે કદાચ ભલે કહી ન શકાય, પણ તેની અસર સામે ભાંગી પડે તેવાં બાંધકામ કરવાં એ તો નરી મૂર્ખામી જ છે. પ્રતિનાજુકતાને આપણી જીવનપદ્ધતિમાં સમાવી લેવી એટલે 'કાળા હંસ' જેવી આકસ્મિક ઘટનાઓથી ઓછામાં ઓછું નુકસાન વેઠી, તેનો બને તેટલો લાભ ઊઠાવી લેવો.

પુસ્તકમાં આ માટેના અલગ અલગ શક્ય ઉપાયોની પણ ચર્ચા જોવા મળે છે. "'અજમાયશ અને ભૂલ' (માંથી શીખવાની) પડઆખડ"ને, આપણા વિશ્વને કેટલું ઓછું જાણીએ, સમજીએ છીએ અને એટલી પણ સમજણ પર વધારે પડતા મદારનાં કેવાં પરિણામો ભોગવીએ છીએ તેની અલગારી રખડપટ્ટી પણ કહી શકાય. “આપણા વિશ્વનાં એવાં કેટલાંય રહસ્યો છે જે જાતે અભ્યાસ કર્યા સિવાય, માત્ર બીજાંના અભિપ્રાયના જોરે સમજવાં અશક્ય છે.:

પ્રતિનાજુક તંત્ર વ્યવસ્થામાટે નિષ્ફળતાઓનું પણ બહુ મહત્ત્વ છે, એ વાત પણ પુસ્તકમાં વારંવાર કહેવાતી રહી છે. વ્યક્તિગત રીતે કે સામૂહિક સ્તરે, સફળતા કરતાં નિષ્ફળતામાંથી આપણે ઘણું વધારે શીખી શકીએ. કોઈ સિપાહી નિષ્ફળ નથી હોતો, તે કાં તો તે લડાઈની તૈયારીઓમાં જીવતો રહે કે કાં તો લડાઈમાં મરણ પામે; ભાગ્યે જ કોઈ સિપાહી નામર્દાઈની જિંદગી જીવવાનું પસંદ કરશે. એ જ સૂરમાં તાલેબ કહે છે કે નિષ્ફળ જતા ઉદ્યોગ સાહસિકો કે વૈજ્ઞાનિક સંશોધકોને, તાર્કિક ભૂમિકાએ, શહીદ થતા લશ્કરના જવાન જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ.

તાલેબને ખુરશીમાં બેસીને સિદ્ધાંતોની ચર્ચાઓ કરતાં લોકોને બદલે તેને વાસ્તવિક જીવનમાં અમલમાં ઉતારતાં એવાં લોકો માટે વધારે લગાવ છે જે પ્રયાસોમાંથી મળતા પદાર્થપાઠને આગળ જવા માટેનાં હોકાયંત્ર તરીકે વાપરે છે. ઉથલપાથલના પ્રવાહો સાથે લવચિકતા અને ઉત્પાદકતાનો સંબંધ કેળવવામાં ખરી ખૂબી રહેલ છે.

ઉથલપાથલ સાથે કેમ કામ લેવું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કુદરત પૂરું પાડે છે. તે આકસ્મિક ઘટનાઓની સાથે કામ લેવા માટે આગાહીઓનો આશરો લેવાને બદલે પોતાની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તેને પચાવી લે છે. એમ કહી શકાય કે નાની નાની આપત્તિઓ તો જાણે કુદરતને ગમે છે.

નાની આપત્તિઓથી કુદરત પોતાના તંત્રને સાજું નરવું કરી લે છે. કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી રાખી મૂકવાથી તેને કોહવાટ કે કાટ જ લાગશે. ત્રણ અઠવાડિયાં કંઈ જ કર્યા સિવાય પથારીમાં પડી રહો પછી શું હાલત થશે તે કહેવાની જરૂર છે ખરી ?

[] [] [] [] []

'મજબૂતીકરણ' અને 'પ્રતિનાજુકતા" જેવા વિચારોને હજુ વધારે સરળ રીતે સમજાવી શકાય તે રીતે કેમ રજૂ કરવા એને આજની તારીખમાં તાલેબ પોતાના માટે સહુથી મોટો પડકાર ગણે છે. અત્યારસુધી પ્રયોજેલ શબ્દ પ્રયોગોની ભાષામાં કહીએ તો 'કાળા હંસ' સમી આકસ્મિક, આત્યંતિક અને થયા પછી જ સમજાવી શકાય તેવી ઘટનાઓને જીરવવા અને તેમાંથી નીખરી ઉઠવા માટે પ્રતિનાજુકતા કેમ કેળવવી એ 'પોતે કેટલું જાણે છે તે જાણવાથી તે હકીકતે ઓછું જાણનાર' વિદ્વાનોને કેમ સમજાવવું એ તેમની સામેનો પડકાર છે.

તેઓ મધ્યમ માર્ગને બદલે જોખમના બે અંતિમોની વચ્ચેના ખેલના સંતુલનના પુરસ્કર્તા છે. દા. ત. જોખમ અસ્પષ્ટ હોય તેવા સંજોગોમાં ૧૦૦ રૂપિયા 'મધ્યમ જોખમી' રોકાણમાં કરી બધી જ મૂડીને જોખમમાં મૂકી દેવાને બદલે ૯૦ % એક્દમ સલામત સ્વરૂપ (જેવું કે રોકડ) અને ૧૦% ભલે ખાસ્સું જોખમી પણ ઘણું જ સારું વળતર આપે તેવા વિકલ્પમાં રોકાણ કરવાથી સરવાળે જોખમ તો મૂડીના ૧૦%નું જ રહ્યું અને નફો થાય તો સહુથી સારા વળતરનો લાભ ક્યાં નથી !
{} {} {} {}

Ø નસ્સીમ તાલેબનાં વ્યકતવ્યોની વીડિયો ક્લિપ્સને, Nassim Nicholas Taleb -LARGE AGGREGRATION OF NASSIM TALEB VIDEOS GENERATED BY YOUTUBE, પર એકત્રિત કરાઈ છે.

Ø નસ્સીમ નિકોલસ તાલેબ વિષે વધારે, તાજી, માહિતી મેળવતાં રહેવા માટે તેમની વેબસાઈટ, NASSIM TALEB .org (UNOFFICIAL news site), ની મુલાકાત લેતાં રહેશો.

ખરા અર્થમાં તો આપણા માટે આયોજન કરવું શક્ય જ નથી,કારણે કે ભવિષ્યને તો આપણે પુરેપુરૂં ક્યાં જાણીએ જ છીએ. જો કે, આપણી એ મર્યાદાને ધ્યાનમાં રાખીને જરૂર આયોજન કરી શકાય. હા, એ માટે જીગરમાં હામ જોઈએ !

વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૨૬-૯-૨૦૧૪

Wednesday, November 26, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : નસ્સીમ નિકોલસ તાલેબ – પૂર્વાર્ધ

-
clip_image002
clip_image003
નસ્સીમ નિકોલસ તાલેબ (ઍરેબિક : نسيم نيقولا نجيب طالب‎) લિબનીઝ-અમેરિકન નિબંધકાર, તજજ્ઞ અને આંકડાશાસ્ત્રી છે. યાદૃચ્છિકતા, સંભાવના અને અનિશ્ચિતતા તેમનાં અભ્યાસ, વ્યવસાય અને લખાણોમાં કેન્દ્રસ્થાને રહે છે. તેમનું સહુથી વધારે જાણીતું પુસ્તક 'ધ બ્લૅક સ્વાન' બીજા વિશ્વયુદ્ધ પછી પ્રકાશિત થયેલ સહુથી વધારે પ્રભાવશાળી ૧૨ પુસ્તકોમાં ગણના પામે છે. તેમનાં બધાં જ પુસ્તકો અને લેખો બહુ જ વંચાય અને ચર્ચાય છે.

તેમણે ઘણી યુનિવર્સિટીઓમાં અધ્યાપન પણ કર્યું છે. પરંતુ તેમના મૂળ વ્યવસાયની શરૂઆત બજારોમાં લેવેચના સોદા કરતા ડેરિવેટીવ ટ્રેડર તરીકે થયેલી. આગળ જતાં હેજ ફંડ મૅનેજર, ગાણિતિક નાણાંશાસ્ત્રના તજજ્ઞ જેવી ભૂમિકાઓ પણ ભજવી. રિસ્ક એન્જિનિયરીંગ તેમનો પ્રિય વિષય રહ્યો છે. સંભાવના [Probability] અંગેની પ્રાયોગિક, ગાણિતિક અને દાર્શનિક સમસ્યાઓ તેમનાં કામના કેન્દ્રમાં છે. રાજકીય સ્થિરતા, જોખમ અંગેનાં પગલાંઓનું કેન્દ્રાભિસરણ, આંકડાકીય યંત્રવિજ્ઞાન, મનોવૈજ્ઞાનિક પૂર્વગ્રહો અને નીતિને લગતી જોખમ-આધારિત તંત્રવ્યવસ્થાઓ જેવા વિષયો, જોખમ અંગેનાં તેમનાં કામમાં પ્રધાન સ્થાને છે.

તેઓ વર્તમાન નાણાકીય વિશ્વની રિસ્ક મૅનેજમેન્ટની પદ્ધતિઓના બહુ જ આકરા આલોચક રહ્યા છે. કોઈપણ આદર્શ બજાર વ્યવસ્થામાં યાદૃચ્છિકતાનાં મહત્ત્વને અવગણીને સુરેખ રૂખની મદદથી કરાતી આગાહીઓ માટેનો આગ્રહ તેમની નાપસંદનો કેન્દ્રવર્તી દૃષ્ટિકોણ રહ્યો છે.તેમના ટ્રેડીંગના દિવસોમાં તેમણે આ આગાહીવાદીઓથી અલગ હટીને કરેલા સોદાઓની અઢળક કમાણીને કારણે જ તેમની પાસે ફુરસદનો સમય આવી શક્યો તેવું તેઓ દરેક મંચ પર ભારપૂર્વક કહેતા રહ્યા છે. એ રીતે મળી ગયેલ અનઅપેક્ષિત ફુરસદના સમયને કારણે જ તેઓ ડૉકટરેટ સુધીનો અભ્યાસ અને આટલું બધું લખી/ વિચારી શક્યા છે, તે ખુદ પણ એક કાળા હંસ સમાન ઘટના જ છે તેમ પણ તેઓ હળવી ગંભીરતાથી કહેતા રહે છે.

આગાહી કરવી મુશ્કેલ હોય તેવી ઘટનાને સારી રીતે જીરવી શકતો હોય તેવા સમાજની તેઓ ખેવના કરે છે. તેઓ તંત્ર વ્યવસ્થાઓમાં 'પ્રતિનાજુકતા' [Antifragility]ના પ્રખર હિમાયતી છે. તેઓ એવાં તંત્ર વ્યવસ્થાપનની તરફેણ કરે છે જે અમુક કક્ષાની યાદૃચ્છિક ઘટનાઓ, ભૂલો કે વધઘટની ઉથલપાથલોને કારણે ફાયદામાં રહે અને તેના કારણે વિકસે. તેઓ બહિર્મુખ ખાંખાંખોળાની વૈજ્ઞાનિક શોધખોળની એવા મહત્ત્વના માર્ગ તરીકે હિમાયત કરે છે, જેમાં દિશાનિર્દિષ્ટ સંશોધનને બદલે અનેકવિધ વિકલ્પ વ્યવસ્થાના પ્રયોગો પણ યાદૃચ્છિક સંભાવનાઓના બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં ઉપયોગમાં લેવાતા હોય.
= = =

કૌટુંબિક પશ્ચાદ્‍ભૂમિકા અને અભ્યાસ
clip_image005
યુવાન નસીમ
નસ્સીમ તાલેબનો જન્મ લેબનોનનાં અમ્યૂંમાં થયો હતો. તેમનાં માતા, મીનરવા ઘોસ્ન, અને પિતા નજીબ તાલેબ ગ્રીક રૂઢિચુસ્ત લેબનાની સમાજજીવન વ્યતીત કરતાં હતાં. નસ્સીમના પિતા ઑન્કૉલોજીના તબીબ અને નૃવંશશાસ્ત્રના સંશોધક હતા. નસ્સીમ તાલેબનાં કુટુંબનું રાજકીય મહત્ત્વ અને સંપત્તિ, ૧૯૭૫માં શરૂ થયેલ લેબનાની આંતરવિગ્રહ દરમ્યાન ઘસાઈ ગયાં હતાં.

નસ્સીમ તાલેબ બહુ ભાષાઓના જાણકાર છે. અંગ્રેજી ફ્રેંચ,અને પ્રાચીન ઍરેબિકમાં તેઓ પ્રાવીણ્ય ધરાવે છે, તો તે સાથે ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓમાં વાતચીત કરવા જેટલી અને ગ્રીક, લેટિન, ઍરેબિક અને પ્રાચીન હિબ્રુના પ્રાચીન ગ્રંથો વાંચી શકવાની કુશળતા ધરાવે છે.
0000


નસ્સીમ નિકોલસ તાલેબનાં પુસ્તકો બહુ જ વંચાયાં અને ચર્ચાયાં છે.

તાલેબનાં લખાણોમાં જે તાજગી જોવા મળે છે તેનું એક કારણ ક્દાચ એ પણ છે કે આ પ્રકારનાં પુસ્તકોના અન્ય લેખકો કરતાં તેમની પશ્ચાદભૂમિકા મહદ્ અંશે અલગ છે - મોટી કંપનીની નોકરી તેમણે લાંબા સમય પહેલાં છોડી દીધી છે, શિક્ષણ જગત સાથે તેમનો સંબંધ બહુ ગાઢ નથી, પત્રકારત્વ તેમનો વ્યવસાય નથી, તેમનાં લખાણનું પ્રાથમિક ધ્યેય આર્થિક ઉપાર્જન પણ નથી. પોતે જે અનુભવ્યું તેને પોતાનાં લખાણો અને વિચારો દ્વારા લોકો સાથે વહેંચવું તેને તેમની પ્રેરણાનું મૂળ કહી શકાય.

‘એન્ટીફ્રેજાઈલ’, ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’, ‘ધ બ્લેક સ્વાન’, અને ‘ફૂલ્ડ બાય રેન્ડમનેસ’ – પોતાનાં આ ચાર પુસ્તકસમૂહને તાલેબ ઇટાલિયન ભાષાના શબ્દ પ્રયોગ, INCERTO [જેનું બહુ જ નજીકનું ગુજરાતી "અનિશ્ચિતતા' કરી શકાય] વડે વર્ણવે છે. અપારદર્શકતા, નસીબ,અનિશ્ચિતતા, સંભાવના, માનવીય ત્રુટિઓ અને જ્યારે આપણને કંઈ જ સમજણ ન પડતી હોય ત્યારે લેવાતા નિર્ણયોની તપાસની, એક બીજાથી અલગ રીતે, દાર્શનિક, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક ચર્ચાઓને આવરી લેતાં આ ચાર પુસ્તકોની શૈલી, આ પ્રકારના વિષયની ગંભીર ચર્ચા માટે ઘણી જ નવી કહી શકાય તેવી આત્મકથાનક વાતો અને બોધકથાઓનાં સ્વરૂપની છે.

Incertoનું મુક્તપણે ડાઉનલોડ કરાઈ શકે તેવું સમાંતર ગાણિતિક સ્વરૂપ Silent Risk પણ તેમણે રજૂ કરેલ છે, જેની એક સંક્ષિપ્ત કહી શકાય તેવી ટીવી ચર્ચા અહીં જોઈ શકાય છે.

નસ્સીમ તાલેબની વિચારસરણીને સમજવા માટે આપણે તેમનાં આ ચાર પુસ્તકોની સંક્ષિપ્ત ચર્ચા કરીશું.

યાદૃચ્છિકતાની છેતરામણી- (આકસ્મિક) ઘટનાનું જિંદગી અને બજારમાં મહત્ત્વ\ Fooled by Randomness: The Hidden Role of Chance in Life and in the Markets [2005]
clip_image008
‘યાદૃચ્છિકતાની છેતરામણી \ Fooled by Randomnessમાં નસ્સીમ તાલેબ તેમની ધારદાર ભાષાની લાક્ષણિક શૈલીમાં યાદૃચ્છિકતા સાથે સંલગ્ન, મૂળભૂત ગણી શકાય, એવા પાંચ સિદ્ધાંતો રજૂ કરે છે :

૧. ભાવિ અપેક્ષાનો સિધ્ધાંત : લોકો તેમની સંપત્તિમાં થનારા કુલ વધારા-ઘટાડાને બદલે એક સમયથી બીજા સમયમાં થતા સાપેક્ષ ફરકને જ મહત્ત્વ આપે છે, જેમ કે રૂ. ૧૦,૦૦૦ની મૂડી ૯,૦૦૦ કે ૧૧,૦૦૦ થશે તેને બદલે રૂ. ૧૦૦૦નાં નુકસાન કે નફાનો જ વિચાર કરશે. આના પરિણામે આપણાં આર્થિક લક્ષ્ય કે આયોજનના તાર્કીક સંદર્ભને બદલે આપણું ધ્યાન બજારમાં થતા વધારા-ઘટાડાની ચાલ તરફ દોરવાઈ જાય છે.

2. યાદૃચ્છિકતાનું ધોરણ નક્કી કરવાની લાક્ષણિકતા વડે, રોકાણકાર તેની મૂડીના પોર્ટફોલિઓની કેટકેટલા સમયે સમીક્ષા કરતો રહે છે તેના પર તેના પોર્ટફોલિઓની કામગીરી આધાર રાખે છે, એટલે કે બજારમાં થતી ઉથલપાથલના ઘોંધાટના કારણે નિશ્ચિત સમયે પોતાના પોર્ટફોલિઓની જોવી જોઈએ તે કામગીરી પર ધ્યાન આપવાને બદલે રોકાણકાર તેના પોર્ટફોલિઓને પણ એ ઉથલપુથલના વમળમાં ભેરવી પાડે છે.

3. આકસ્મિક ઘટનાઓ - બજારને અસર કરતી હોય કે ન કરતી હોય તેવી કોઈ પણ ઘટનાઓને બજારની કલાકકલાકની ઉથલથપાલ સાથે સાંકળી લેવા માટે તો બજારની ગતિવિધિઓના નિષ્ણાતો વ્યસ્ત રહે છે, અને બીજાંને વ્યસ્ત રાખે છે ! ખરેખર અસર કરનારી ઘટનાઓની અસર તો બજાર ક્યાં તો બહુ પહેલાં પચાવી ચૂક્યું હોય છે અથવા તો ઘટના થઈ ગયા પછીથી ભુરાયું થતું હોય છે. એટલે જ 'ડાહ્યાં લોકો અર્થઘટનોના ઘોંઘાટ સાથે નહીં, પણ પરિણામોની ફળશ્રુતિ સાથે નિસ્બત રાખે છે.'

૪. જીવન સીધી લીટીમાં ચાલતું જ નથી. તેથી જ, હવે પછી શું થશે તે નિશ્ચિતપણે કોઈ કહી નથી શકતું. આપણે આમ કરીશું તો આટલા સમય પછી પેલું તેમ કરશે એમ વિચારવા માટે આપણે પ્રશિક્ષિત કરાતાં રહીએ છીએ,પણ વાસ્તવિક જીવનમાં સફળતા કે નિષ્ફળતા અણધારી થતી વધારે જોવા મળે છે. એટલે જ બધી જ શક્યતાઓ માટે દરવાજા ખુલ્લા તો રાખવા જ જોઈએ.

૫. કોઈપણ વસ્તુ એક ભાવે ખરીદ્યા પછી જો તેનો ભાવ બમણો થઈ જશે, તો બહુ સસ્તું ખરીદી શકાયાનો આનંદ થશે અને વસ્તુ હવે બહુ કિંમતી જણાશે; પણ એ જ ‘કિંમતી’ વસ્તુ હવે આજના ભાવે ખરીદવાની હામ નહીં હોય. રોકાણનો મૂળભૂત સિધ્ધાંત તો એ છે કે જો ખરીદવા ધારેલી વસ્તુ ખરેખર મૂલ્યવાન હોય, તો જે ભાવે ખરીદવા જેટલું તેમાં મૂલ્ય ન હોય તો એ ભાવે તેને વેચી કાઢવી જોઈએ.

સરવાળે, તાલેબનું કહેવું છે કે
§ બજારમાં મળેલી સફળતાની પાછળ બજારનાં વલણ અને પ્રવાહને પારખી શકવાની આવડતની સાથે આપણે યોગ્ય સમયે યોગ્ય ભાવે કંઈપણ ખરીદી કે વેચી શક્યાં છીએ તે વાત ભૂલવી ન જોઈએ; અને

§ જ્યારે આપણી તાલીમ, આવડત અને તંત્રવ્યવ્સ્થા આપણને સાથ ન આપવનું ચાલુ કરે, ત્યારે શું કરવું તેનું આપત્તિકાલ- આયોજન હાથવગું રાખવું જોઈએ; જેથી આકસ્મિક ઘટનાની સાથે તાલમેલ રાખી શકાય.
= = = =
કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો\The Black Swan: TheImpact oftheHighly Improbable [2007]
 
clip_image010ઑસ્ટ્રેલિયાની શોધ થઈ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા જ હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતીદેવીના વાહનને યાદ કરીએ ! કોઈ પક્ષીવિદે પહેલો "કાળો હંસ' જોયો હશે, ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે; તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણાં અને મર્યાદાઓની વાત માંડે છે. તાત્ત્વિક-તાર્કિકતા સવાલને પેલે પાર જઈને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.

તેઓ"કાળા હંસ" સિધ્ધાંતની ત્રણ ખાસિયતો ગણાવે છે -
  • એક તો છે, એનું પરાયાપણું -ભૂતકાળની કોઈ જ ઘટનાઓ તેની હવે પછી થવાની સામાન્ય અપેક્ષાઓની સીમાની બહાર છે.
  • બીજું, તેની અસરો બહુ જ ગંભીર તેમ જ આત્યંતિક હોય છે; અને
  • ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં તેના થવા સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તેની થવાની શકયતા સમજાવી શકાય અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઈ જઈએ છીએ.
આ ત્રિપાંખી ખાસિયતોને વીરલતા, આત્યંતિક અસર અને પાર્શ્વવર્તી (જો કે ભાવિ નહીં જ) આગાહીક્ષમતા {predictability} વડે યાદ રાખી શકાય.

કોઈ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ "કાળા હંસ" ઘટનાઓ, સંખ્યામાં તેમ જ જટિલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે, વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્ત્વ પણ ઓછું થતું જઈ રહ્યું છે. લોકજુવાળને કારણે ઇજિપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઈએ કલ્પ્યું હતું ? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઈન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઈમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઈ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્ત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.

આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાદૃચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહીનતા છે. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્ત્વની ટેક્નોલોજિને લગતી શોધ કે કોઈપણ મહત્ત્વની સામાજિક ઘટના, કે આપણી કારકીર્દીના મહત્ત્વના વળાંકોને યાદ કરીને વિચારો, કે તે પૈકી શું શું કોઈ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું ?

આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. ભાતભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઈ રક્ષણ અનુભવાય છે ખરું ? આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્ત્વની ચાલની આપણને ખબર છે તેવું જ ચાલનું મહત્ત્વ ધૂળધાણી થઈ જાય છે, એટલે કે આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઈ જાણતાં હોઈએ છીએ તે બધું જ બિનમહત્ત્વનું બની રહે છે.

આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઈ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઈ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળના મહત્ત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઈ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાં પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે. હાલમાં કાશ્મીરમાં આવેલાં - ૫૦ વર્ષમાં પહેલી વાર થવાની વાત ઘટનાની આકસ્મિકતા સૂચવે છે - પૂરની જાણ થયે જે કંઈ પગલાં લેવાયાં હોત તે પુરુષાર્થની સામે હવે તેની અસરોને બેઅસર કરવાની ટૂંકા અને લાંબા ગાળાની કવાયત બહુ જ મોંઘી પડવાની છે.

‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃત્તિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics]નો પાયો જ ખામીયુક્ત અને સ્વસંદર્ભીય છે. તેઓ આંકડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે, કારણ કે જે દરથી, અને સંખ્યામાં, આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.

નસ્સીમ નિકોલસ તાલેબની વિચારધારા, તેમનાં હવે પછીનાં પુસ્તકોમાં નાણાકીય વ્યવહારોથી આગળ નીકળીને વધારે વ્યાપક ફલક પર વિસ્તરવા લાગી છે. આપણે તેની વાત આ લેખના ઉત્તરાર્ધમાં, ૨૭ નવેમ્બર ૨૦૧૪ના રોજ કરીશું.

વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૧૯-૯-૨૦૧૪

Monday, November 24, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - નવેમ્બર, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલનનાં હાર્દને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા રૂપ શરૂ કરેલી શ્રેણીમાં આપણે બિનઅનુપાલનનાં વિવિધ પાસાંઓ અને તે પછીનાં સુધારણાત્મક પગલાંની ચર્ચા કરતા અંક અગાઉના મહિનાઓમાં જોઈ ચૂક્યાં છીએ.
ઑક્ટોબર ૨૦૧૪થી ત્રણ મહિના માટે આપણે તેના પછીનાં સ્વાભાવિક કદમ - પુનરાવૃત્ત સતત સુધારણા-ની વાત માંડી છે. ગયે મહિને આપણે પુનરાવૃત્ત સતત સુધારણાની મૂળભૂત પરિકલ્પના વિષે વાત કરી હતી. આ મહિનાના આ અંકમાં આપણે પુનરાવૃત્ત સતત સુધારણા અને સતત સુધારણા વચ્ચેનાં અંતર અને સરખાપાણાંની વાત કરીશું. Continual vs. continuous
નિત્ય / પુનરાવૃત્ત : લાંબા સમય સુધી ચાલતો સમયગાળો, જેમાં વિક્ષેપ પડતા જોવા મળી શકે છે. ખાસ તો લાંબી , એક્દમ નજ્દીક આવૃત્તિથી નિયમિતપણે કે વારંવાર પુનરાવૃત્ત શ્રેણી - જેમ કે આડેધડ વાહન ચલાવનાર એ બીજાંની સલામતી પર નિત્ય ઝળુંબી રહેતો ખતરો છે.
નિરંતર / સતત : કોઇ જાતના વિક્ષેપ વગર - જેમ કે મારી બારીની બહાર મધમાખીઓનાં સતત ગુંજવાનો અવાજ આવ્યા જ કરતો હોય છે.
"Continuous" versus "continual"
ભાષાકીય નિર્દેશમાં સામાન્યતઃ કહેવાય છે કે "સતત" શબ્દનો પ્રયોગ જે શબ્દાર્થ કે સૂચિતાર્થ રીતે ગણિતની પરિભાષામાં 'સતત'ની બરાબર છે, જ્યારે "નિત્ય / પુનરાવૃત્ત" એ સ્પષ્ટપણે કુદકાઓના સ્વરૂપે થતી રહેતી પ્રવૃત્તિઓ માટે વપરાય છે. અ સમજ પ્રમાણે તો સતત સુધારણા'કે 'સતત સુધારણા પ્રક્રિયા'ને બદલે 'પુનરાવૃત સતત સુધારાણા કે પુનરાવૃત્ત સતત સુધારણા પ્રક્રિયા' શબ્દપ્રયોગો વધારે ઉચિત કહી શકાય.
એ દરમ્યાન, છેલ્લા કેટલાક દશકાઓથી વ્યાપરી ભાષાપ્રયોગમાં બંને પ્રકારની પરિસ્થિતિઓ માટે 'સતત સુધારણા'નો એકછત્ર, પરંપરાગત વપરાશ થતો રહ્યો હતો.જો કે ISO એ બહુ સંભાળપૂર્વક ISO 9000 કે ISO 14000 જેવાં માનકોમાં હવે આ શબ્દપ્રયોગ ક રવાનું શરૂ કરેલ છે; એટલે હવે આવનારા સમયમાં ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ અનુસાર વધારે ઉપયુક્ત શબ્દપ્રયોગ જ પ્રચલિત થશે તેમ માની શકાય.
Continuous improvement Vs Continual improvement
ફરક તો છે જ. પહેલાં તેના અર્થના ફરક સમજીએ.
સતત એટલે કોઇ જ જાતના વિક્ષેપ વિના, જ્યારે 'પુનરાવૃત્ત નિત્ય' માં નાના નાના, પણ બહુ જ નજદીક જ રહ્યા હોય તેવા વિક્ષેપ આવે ખરા, પણ સમગ્રપણે સુધારણા પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી રહે.
સતત સુધારણામાં સંસ્થા સુધારા કરતા રહેવા માટે નિરંતર પ્રયાસ કરતી રહે છે. અહીં પ્રવર્તમાન પ્રક્રિયાની અંદર જ સુરેખ અને ક્રમિક સુધારાઓ પર વધારે ભાર જોવા મળે છે.
પુનરાવૃત્ત સુધારણામાં સંસ્થા તબક્કાવાર સુધારણા સિદ્ધ કરતી રહે છે, દરેક તબક્કા વચ્ચે સમયનો થોડો અંતરાલ પણ હોય. છેક છેવાડા સુધી સુધારણાની અસરો પહોંચી છે કે પછી સુધારાઓ ટકાઉ રહ્યા છે કે કેમ જેવા મુદ્દાઓ સમજવા માટે આ સમય અંતરાલ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ! ઘણી વાર અપેક્ષિત પરિણામ આવવામાં, અને અપેક્ષિત પરિણામની અસરકારકતા સુનિશ્ચિત કરવામાં, પણ સમય જતો રહેતો હોય તેમ પણ બને.
Continuous Improvement vs. Continual Improvement
બહુ જ વ્યાવહારિક રીતે કહીએ તો એલાર્મ ઘડીયાળની ઘંટડીનું એક ધાર્યું વાગ્યે જ રાખવું એ સતત વાગવું કહેવાય, જ્યારે એક વાર ઘંટડી વાગે એટલે થોડી વાર માટે બટન દબાવી દો એટલે થોડી થોડી વારે ફરીથી એલાર્મ વાગતું રહે તે પુનરાવર્ત વાગવું કહેવાય. કોઇ વાર એલાર્મ ન વાગે અને આપ્ણે આપણા સ્વાભાવિક ક્રમમાં ઉઠીએ ત્યારે વધારે તાજા હોઇ શકીએ તેમ ઘણી વાર સતત સુધારણા કાર્યક્રમોમાંથી પણ લોકોને પોતાના વિચારો અને ઉર્જાની બેટરી રીચાર્જ કરવા માટે પણ સમયનો અંતરાલ આપવો જરૂરી બની રહે છે. સતત કે પુનરાવૃત્ત સુધારણાનો એવો અર્થ ન કરવો જોઇએ કે આપણી જાગૃતાવસ્થાનો (કે /અને સુવાની અવસ્થાનો પણ ) બધો જ સમય કૈઝૅનથી જ વ્યસ્ત બની રહે.
The Continual Improvement vs. Continuous Improvement Dilemma...
અમારી દૃષ્ટિએ તો સતત અને પુનરાવૃતમાં ઘણો ફરક છે.
જો કે અસરકારકતા અને કાર્યક્ષમતા એ બંનેમાં સુધારણાની એક જ વાકયમાં વાત કરીને ISO 9000પણ આ બંને વચ્ચેના ભેદના ફરકને કંઇક અંશે મોળો પાડી દે છે એમ પણ કહી શકાય. "પુનરાવૃત્ત" શબ્દપ્રયોગ કરતી વખતે ડેમિંગની નજર હંએશાં પ્રક્રિયામાં કરાતા અસરકારક સુધાર પર જ રહી છે.
મોટા ભાગનાં લોકો માને છે તે કરતાં ડેમિંગની સુધારણા માટેની સમજ બહુ જ વ્યાપક અર્થમાં રહી છે. તેમના વિચારો અને ફિલોસૉફીમાં તંત્રવ્યવસ્થાની સાથે લોકોનો પણ સમાવેશ થયો જ છે.આંકડાકીય ગુણવત્તા નિયમન (SPC)ના અમલમાં ડેમિંગ માટે પ્રવર્તમાન (અને ખાસ કરીને ઉત્પાદનની) પ્રક્રિયાઓ જ મુખ્યત્વે કેન્દ્રસ્થાને રહી છે.પરંતુ તેમની તાત્ત્વિક ચર્ચાઓમાં ઉગમસ્થળની ઘણીજ નજીકની પ્રવૃત્તિઓ પણ વિચારાધીન રહી છે, ભલે તે બહુ ઓછીવાર પુનરાવર્તન પામે છે તે પછી મહત્ત્વનું નથી રહ્યું.
જેમાં SPC જેવી "સતત સુધારણા' પણ હોય અને 'બીનસતત" કહી શકાય તેવી સંસ્થાગત 'રી-એન્જીનીયરીંગ' પરિયોજનાઓથી થતા તંત્ર વ્યવસ્થાના સુધાર કે આજની તારીખમાં અપ્રસ્તુત બની ગયેલ સંચાલન પ્રણાલિઓની સાફસૂફીની મદદથી બીનાસરકારક વ્યૂહરચનાઓમાં કરાતી સુધારણાઓ પણ શામેલ હોય તેવી બૃહદ વ્યૂહરચનાની વિચારસરણી 'પુનરાવર્તી સુધારણા'ની પરિક્લ્પનાની અહી વાત છે તેમ સમજવું જોઇએ. Deming’s 14 Points of Management.સુદ્ધાં અહીં સમાવાયેલ છે.
પુનરાવૃત્ત / નિત્ય સુધારણાનો વ્યાપ સતત સુધારણા કરતાં વધારે વ્યાપક હોય છે. પુનરાવૃત્ત સુધારણામાં - પહેલાં કરતાં અલગ એવાં નવીનીકરણ કે રીએન્જીનીયરીંગ કે લીન પરિયોજનાઓમાંથી નીપજતા સુધારા જેવી - બીનસતત સુધારણા માટે પણ જગ્યા છે. સતત સુધારણા વર્તમાન પરિસ્થિતિમાં સુરેખ, ક્રમિક સુધાર (કૈઝૅન) છે, જ્યારે પુનરાવત્ત સુધારણામાં આ ઉપરાંત બિનસતત કે નવીનીકરણ જેવા સુધાર પણ આવી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પુનરાવૃત્ત સુધારણા એ વારંવાર અને હંમેશાં થતી રહેતી પ્રક્રિયા સુધારણા છે, નહીં કે શું શું પ્રકારના સુધારા થઇ રહ્યા છે.
સતત અને નિત્ય સુધારણા વિષે અલગ અલગ રીતે વિચાર કરવો એ જ સંસ્થાની કંઈ પણ વસ્તુને ઊંડાણથી શીખવાની તૈયારી બતાવે છે. એટલે કે નિત્ય સુધારણા સિદ્ધ કરવા માટે સંસ્થા હરહંમેશ નવું નવું શીખવા માટે સક્ષમ બને તે જરૂરી બની રહે છે.
Difference Between Continuous Improvement and Continual Improvement
વ્યય અને મૂલ્યવૃધ્ધિ ન કરતી પ્રવૃત્તિઓનાં દૂર થવાથી પ્રક્રિયાની કાર્યક્ષમતામાં થતા સુધારાને સતત સુધારણા કહેવાય છે. જાપાનીઝ સંચાલકો એ કૈઝૅન,લીન કે 5S જેવી તકનીકોનો સતત સુધારણ માટે બહોળો ઉપયોગ કરી બતાવ્યો છે.કોઇ પણ ઉત્પાદન કે સેવા કે પ્રક્રિયામાં થતા રહેતા પ્રકારના સુધાર સતત સુધારણાનાં ઉદાહરણો ગણી શકાય.
પુનરાવૃત્ત સુધારણા એ એવાં પરિવર્તનો છે જે ગુણવત્તા સંચાલનના સિદ્ધાંતોની દૃષ્ટિનાં વધારે ઉચ્ચ કક્ષાનાં પરિણામો લાવે છે.
Innovation vs. Continuous Improvement
સતત સુધારણા એ એવી સુરેખ પ્રક્રિયા છે જે સ્થાયી પ્રક્રિયાની રચના તરફ દિશા નિર્દેશ કરે છે. જ્યારે નવીનીકરણ એ બીનસુરેખ પ્રક્રિયા છે જેનો સંબંધ અસ્થાયી પ્રક્રિયા સાથે છે.
હાલ જે સિદ્ધ થઇ ચૂક્યું છે કે માની લેવાયું છે તેમાં કોઇ નવો જ વળાંક આપી દઇને રમત જ નવેસરથી માંડવાને નવીનીકરણ કહેવાય; જ્યારે સતત સુધારણા એ નાના નાના ફેરફારોથી કાર્યક્ષમતામાં એ જ જૂની રીતોથી કરાતા સુધારા દર્શાવે છે. પણ જે કોઇ સુધારો જૂની પદ્ધતિને નવી રીતે કે બહારથી દાખલ કરેલ રીત કે દૃષ્ટિકોણથી કે પછી નવા જ કેન્દ્રવર્તી અભિગમ વડે કરવામાં આવે તો તે નવીનીકરણ બની જાય છે.સતત સુધારણા એ જ વિષયની ખાસ વિશિષ્ઠતા તરફ દોરી જાય છે, જ્યારે નવીનીકરણ જૂદા જૂદા પ્રકારની ક્ષમતાઓને એક કાર્યક્ષેત્ર, કે એકથી વધારે કાર્યક્ષેત્ર,ની વ્યકિતિઓના સામુહિક પ્રયાસમાંથી નીપજે છે.
સતત સુધારણા = તકનીકી વિશેષજ્ઞોના પ્રયાસોથી ઉત્પાદન કે સેવાને વધારે કાર્યક્ષમ બનાવીને ગ્રાહકની જરૂરિયાતોની કાયમ નજદીક રાખવી.જ્યારે કોઇ બિન-વિશેષજ્ઞ રમતના નિયમો વિષે સવાલ કરીને જ્ઞાનની તબદીલીના રસ્તા ખોળે છે અને પોતાના ઉદ્યોગનાં કાર્યક્ષેત્રની બહાર જઇને પણ કામ કરવાની રીત માટે ધરમૂળથી નવી પધ્ધતિ દાખલ કરે છે ત્યારે નવીનીકરણ સર્જાય છે. પરિવર્તનનો વ્યાપ, સ્તર અને અસર જેટલી વધારે વ્યાપક તેટલું એ (સતત) પરિવર્તન નવીનીકરણની દિશા તરફ છે તેમ કહી શકાય. બીજા શબ્દોમાં "નવીનીકરણ એ હિતધારકો માટેનાં મૂલ્યમાં વધારો" છે. જો હિતધારકો આંતરિક પ્રક્રિયા માલિકો હોય અને વપરાશકાર હિતધારકો એ જ રહે તો એવાં નવીનીકરણને સતત નવીનીકરણ કહી શકાય.
Continuous Improvement or Continual Improvement: The Same Thing or Different?
..પુનરાવૃત સુધારણા વધારે સારી રીતે કામને કરવા વિષે છે, પણ તે સતત જ થયા કરે તે જરૂરી નથી. પુનરાવૃત્ત સુધારણામાં એ જ સમસ્યાનો નવો જ ઉકેલ ખોળી કાઢવાની વાત છે, જ્યારે સતત સુધારણામાં વર્તમાન પ્રક્રિયામાં ક્રમિક સુધારાઓ વડે એ જ સમસ્યાના ઉકેલને વધારે કાર્યક્ષમ બનાવવામાં આવે છે.
Continual Improvement or Continuous Improvement?
પુનરાવૃત્ત સુધારણામાં કંપનીનાં ઉત્પાદન કે સેવાઓ, લોકો કે પ્રક્રિયાઓમાં ફેરફાર કરવા માટેનાં આયોજન અને વ્યૂહાત્મક કાર્યક્રમ પર વધારે ભાર હોય છે,જ્યારે સતત સુધારણામાં વ્યય થતા પ્રયાસો કે ખામીયુક્ત ઉત્પાદનો કે સેવઓ કે પ્રક્રિયામાં દૂર કરવા માટે રોજબરોજની કાર્યપધ્ધતિઓમાં ફેર કરવા માટે નિરંતર થતા પ્રયાસો કેન્દ્રસ્થાને રહે છે.
Continuous Improvement through intermittent interruptions for consolidations

એકત્રીકરણના તબક્કાઓના અંતરાલથી થતી સતત સુધારણા
Continuous Improvement vs. stage wise Continual Improvement

સમસ્યા નિવારણના તબક્કઓ વડે પુનરાવૃત સુધારણાની સરખામણીમાં એક્ધારી સતત સુધારણા
Continuous Improvement vs Continuous Change
Continuous Improvement vs. Contnuous Change
પુનરાવૃત્ત સુધારણા અને સતત સુધારણાની આ નમૂનારૂપ ચર્ચાને અહીં પૂરતી અટકાવીશું. હવે પછીના અંકમાં પુનરાવૃત સુધારણા પરના લેખોની નોંધ લઇશું.


Bill Troy, ASQ CEO આ મહિને Recruiting Members and Volunteers Amid a Changing Landscape પર ચર્ચા છેડે છે :

લેખ મૂળતઃ સંસ્થાની પ્રસ્તુતી વિષે વિચાર જગાવવાની કોશીશ છે. આ બાબતે કેટલીક ટીપ્સ :
  • સંસ્થાના જાહેર કાર્યક્રમોમાં હાજર રહેવા નિમંત્રણ. કાર્યક્ર્મોસાથે લોકો ખરાં દિલથી, અસરકારકપણે અને શકય એટલી સરળતાથી જોડાઈ શકે એ મહત્ત્વનું બની રહે છે
  • વર્તમાન સભ્યો તેમના મિત્રો અને સાથીઓને જોડાવા માટે પ્રેરીત કરે
  • જે સભ્યો વધારે પ્રતિબદ્ધતાથી ભાગ લઇ રહ્યાં હોય તેમને તેમની પસંદગીના વિભાગોમાં વધારે સક્રિય ભાગ લેવા પ્રેરવા. અન્ય સભ્યોને તેમનાં આ પ્રકારનાં સક્રિય જોડાણ વિષે જાણ કરવી.
Julia McIntosh, ASQ communications તેમના November Roundup: Engaging Members and Volunteers માં ASQ Bloggersના પ્રતિભાવોને શા માટે જોડાવું જોઇએ, સભ્યપદને કારણે શું મળ્યું અને એસોશીએશનો માટેની ટિપ્સ એમ ત્રણ પરિમાણમાં વર્ગીકૃત કરીને આપણી સમક્ષ રજૂ કરે છે.

આ અંકનો ASQ TV Episode Your World, Your Quality, Your Month વિષે છે.
નવેમ્બર ગુણવત્તા ઉજવણીનો મહિનો છે. આ અંકમાં જેનપેક્ટની ખર્ચમાં બચત જરતી સફળતાની કહાની,વિશ્વ ગુણવત્તા મહિના માટેની તૈયારીનું એક સાધન, કેટલાક ગુણવત્તા ગુરૂઓની પુનઃપહેચાન અને બે પ્રતિયોગિતાઓ જોવા મળશે.
આ મહિનાના ASQ’s Influential Voice છે - સ્કૉટ્ટ રધરફૉર્ડclip_image002
સ્કૉટ્ટ રધરફૉર્ડ આણ્વીક જહાજવાડાના ગુણવત્તા પ્રતીતિ વિભાગમાં કામ કરે છે. તેમની વિશેષતા કામગીરી સુધારણા છે. તેઓ તેમના બ્લૉગ, Square Peg Musings પર તેમની ASQ’s Influential Voice પ્રવૃત્તિઓ વિષે લખે છે.

આ મહિને પણ Curious Cat Management Improvement Carnival વિભાગમાં કંઇ પૉસ્ટ નથી થયું. એટલે હંમેશની જેમ આપણે Remembering Peter Scholtes પર નજર કરીશું. લેખમાં પીટર સ્કૉલ્ટૅનું ડેમિંગ ઇન્સ્ટિટ્યૂટમાંનું ૨૦૦૮નું વાર્ષિક અભિભાષણ , તેમનાં બહુ જ ચર્ચિત બે પુસ્તકો -The Team Handbook અને The Leader’s Handbook તેમ જ નેતૃત્વ માટેની છ ક્ષમતાઓની વાત આવરી લેવાયેલ છે.

આપણા બ્લૉગોત્સ્વને વધારે રસપ્રદ, ઉપયોગી અને માહિતીપ્રદ બનાવવા માટે આપનાં સૂચનોનો ઈંતઝાર રહેશે....

Monday, November 17, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ

કચ્છમાં થતી કુદરતી ઘટનાઓ, તેને લગતી ભૌગોલિક અને રાજકીય તેમ જ સામાજિક સમસ્યાઓ અને તેના શક્ય ઉકેલો ને 'કલમ કાંતે ક્ચ્છ' પુસ્તક શ્રેણીમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન લખાયેલા અગ્રલેખોમાં એક આગવું સ્થાન મળ્યું હોય તે સ્વાભાવિક છે - એમના એ કાર્યકાળમાં આવી ઘટનાઓ થવાનું પણ ઘણું બન્યું, જે ઘટનાઓ થઇ તે હતી પણ મહાકાય કક્ષાની, એટલે એ બંને દૃષ્ટિએ કીર્તિભાઇ જેવા જાગૃત અને વિચારશીલ ખબરપત્રીની બળૂકી કલમ એ સમયની પરિસ્થિતિને અને તેનાં અનેકવિધ પાસાંઓને પૂરેપૂરો ન્યાય કરી શકે તે રીતે ઝીલી લેવાના પડકારને સફળતાથી સિદ્ધ કરે તે પણ કદાચ એટલું જ સ્વાભાવિક કહી શકાય.આ પ્રકારના ઘણા લેખોને સ્વતંત્ર પુસ્તકના વસ્તુ તરીકે સંપાદિત કરવામાં શ્રી માણેકભાઇ પટેલે સારો એવો પરિશ્રમ ઉઠાવ્યો છે.

'કલમ કાંતે કચ્છ' શ્રેણીનું છઠું પુસ્તક છે "ધરતીતાંડવ". સંપાદક તેમના પ્રવેશક લેખમાં નોંધે છે કે,”૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું, તોયે કચ્છી માડુએ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઇને નવસર્જનનો એક અજોડ ઇતિહાસ સર્જ્યો એ સૌ કોઇ જાણે છે. પણ, કુદરતના અભિશાપને તકમાં પલટાવીને આશીર્વાદ સુધી લઇ જવાની આ પ્રક્રિયાના સાક્ષી બનીને કીર્તિભાઇ સતત લખતા રહ્યા હતા. જુદા જુદા જુદા તબક્કે લખાયેલા લેખો પૈકી પસંદ કરાયેલા લેખ આ પુસ્તકમાં સમાવી લેવાયા છે તે ખરા અર્થમાં તો પુનર્વસનના દસ્તાવેજીકરણ સમાન છે.”

દરેક પુસ્તકમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ અલગ અલગ વ્યક્તિઓના કીર્તિભાઇનાં વ્યાવસાયિક અને વ્યક્તિગત, વિવિધ પાસાંઓનું ચિત્રણ કરતા લેખોમાંથી ચૂંટેલા લેખને પ્રવેશક લેખ તરીકે લેવાયેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં આ પ્રકારનો પ્રવેશક લેખ પણ બહુ જ યથાર્થ પૂર્વભૂમિકા રચી આપે છે. "ભૂકંપ પછીના નવસર્જનની પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા"માં (પૃ.૧૯-૨૧)લેખક અને સમાજ ચિંતક શ્રી નલિન ઉપાધ્યાય હૃદયપૂર્વક એવું માને છે કે '૨૦૦૧ના કારમા ભૂકંપ બાદ કચ્છનું એ સદનસીબ જ રહ્યું કે ...નવસર્જનના બાર બાર વર્ષ સુધી કીર્તિભાઇ 'કચ્છમિત્ર'ના તંત્રી પદે રહ્યા.. કીર્તિભાઇની સમજુ અને પારખી દૃષ્ટિએ કચ્છના ધરતીકંપ બાદના નવસર્જનમાં લોકસહકારની ભૂમિકાની સંસ્કૃતિના સ્પિરીટને સમગ્ર વિશ્વની સામે રજૂ કરી મૂક્યું (છે)...કચ્છના નવસર્જનનો એક પણ મુખ્ય કે ગૌણ પ્રશ્ન એવો નથી જેની 'ક્ચ્છમિત્ર'એ નોંધ ન લીધી હોય'.

તે જ રીતે કીર્તિભાઇના 'ક્ચ્છમિત્ર'ના સહકાર્યકરના પ્રવેશક લેખ "સંવેદનશીલતાનો પર્યાય" (પૃ. ૨૨-૨૫)માં જો. ન્યૂઝ એડિટર નવીન જોશી ભલે 'ધરતીકંપના સમયની અને પછીની કીર્તિભાઇની સક્રિયતા અને સંવેદનશીલતા'ને સ્પર્શતાં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની વાત કરે છે, પણ એ વર્ણનો પણ આપણને પ્રસ્તુત પુસ્તકમાંના વિષયના સંદર્ભે લાગણી અને સંવેદનાને રંગે રંગાયેલી,કયા કયા પ્રકાર અને સ્તરની માહિતી જાણવા મળશે તેનું રેખાચિત્ર ખેંચી આપવામાં મદદરૂપ બની રહે છે.

કુલ ૨૧૨ પાનાંમાં ૬૭ લેખો વડે સમગ્ર પુસ્તકમાં ધરતીકંપની તાત્કાલિક અસરો, રાહત કામ ને પુનવર્સનની પ્રત્યક્ષ સમસ્યાઓની સાથે સાથે કેટલીય પરોક્ષ બાબતોને સાંકળી લેવાઇ છે. તેને કારણે પુસ્તક એક મસમોટા ધરતીકંપ વિષે માત્ર દસ્તાવેજી તવારીખ બની રહેવાને બદલે, ભવિષ્યમાં ક્યાંય પણ આ સ્તરની કુદરતી આપત્તિ આવી પડે તે પહેલાં સભાનતા અંગે શું કરવું (અને શું ન કરવું)થી લઇને, ટુંકા ગાળાનાં રાહતનાં અને લાંબા ગાળાના પુનર્વસનના કાર્યક્રમમાં કેવી કેવી બાબતોને પણ ધ્યાન રાખવી જોઇએ તેની માર્ગદર્શિકા તરીકે પણ એક મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ બની રહે તેમ છે.

પુસ્તકની શરૂઆતમાં જ ધરતીકંપની શક્યતાઓની આગોતરી જાણ અને તૈયારી વિષેના૨૭-૯-૧૯૯૬ના લેખ 'ધરતીકંપ સામે સાવધાની' (પૃ. ૩૭/૩૮)થી પહેલી એક વાત તો એ ફલિત થાય છે કે કચ્છ જેવા કુદરતી આપત્તિની સંભાવનાની પ્રબળ શકયતાઓ ધરાવતા પ્રદેશોમાં પણ તકનીકી સ્તરે આગોતરા અભ્યાસ હાથ ધરાતા તો હોય છે જ. પણ, આવી ઘટનાઓ ખરેખર જ્યારે થાય છે ત્યારે તેને માટે કોઇ જ પ્રકારની તૈયારી નથી હોતી. આ સંદર્ભમાં અગાઉ ઉલ્લેખ કરેલા શ્રી નવીન જોશીના પ્રવેશક લેખમાં સખેદ નોંધ લેવાઇ છે કે તે સમયે સાવધાની માટેના જે ઉપાયો ચર્ચાયા હતા તેનો અમલ ન થવાની અસરરૂપે ભુજમાં ૧૯૯૬થી ૨૦૦૧ના સમયમાં '૧૦૦થી ૧૨૫ એપાર્ટમેન્ટ ઊભા થઇ ગયાં જે પૈકી ૧૦૦ મકાનો ૨૦૦૧ના ધરતીકંપમાં ધરાશાયી થયાં હતાં.'

તે જ રીતે ધરતીકંપના પાંચેક મહિના જ પહેલાં લખાયેલા લેખ 'સાવધાન, ધરતી ધ્રૂજે છે' (પૃ. ૩૯/૪૦)માં પણ 'ધરતીકંપની શક્યતાઓનો નિર્દેશ થઇ શકે પણ ચોક્કસ આગાહી થઇ શકતી નથી...પણ..તે વખતે ઓછામાં ઓછું નુકસાન થાય એવી વ્યવસ્થા વિચારી શકાય...'એ સૂર ઉભરી રહે છે.
[પરિચયકર્તાનીનોંધઃ તાજેતરમાં કાશ્મીરમાં પણ આવેલાં પૂર વખતે કુદરતના ખોફની સાથે માનવ સર્જિત (ટૂંકા ગાળાના) પગલાંઓએ તબાહીમાં વધારે ફાળો આપ્યો એવું મનાય છે. તે જ રીતે વિશાખાપટ્ટ્નમ પર હુદ હુદ ત્રાટક્યું તેની બહુ જ ચોક્કસ જાણ થવાને કારણે માનવ જાનહાનિ મહદ્‍ અંશે નિવારી શકાઇ, જો કે માલ મિલ્કતને થયેલી નુકસાનીને રોકવા માટે તો બહુ જ લાંબા ગાળાની દૃષ્ટિએ લેવાયેલાં પગલાં જ કારગત નીવડી શકે છે.]
૫-૨-૨૦૦૧ના "કાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની ચેતવણી સરકારે સાંભળી હોત" (પ્રુ. ૪૪-૪૬)માં પણ “જે કોઈ ચેતવણીઓ અપાઇ તેની ધોરીધરાર અવગણના”નો સૂર ગાજે છે.

સમગ્ર પુસ્તક વાંચતાં એવું પણ જોઇ શકાય છે કે આવી અવગણનામાં જો સરકારી તંત્ર ઊણું પડતું જણાય છે, તો પ્રજામાનસ પણ કાચું પડતું જણાય છે.

પુસ્તકમાંના મોટા ભાગના લેખો ધરતીકંપ બાદની સીધી અસરો અને તેની રાહતનાં કામો પર પડતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો‍નો અભ્યાસને લગતા હોય તે સ્વાભાવિક છે. તેને કારણે આવડી મોટી કુદરતી ઘટનાની અસરોનાં વમળ ક્યાં ક્યાં સુધી પહોંચી શકે તે સમજવામાં ઘણી મદદ મળી રહે છે.ધરતીકંપ પછીના ૨૦૦૧ના વર્ષના ૧૮ લેખો આ પ્રકારના કહી શકાય.

૧૬-૨-૨૦૦૧ના લેખ "સીમા નજીકનાં એ ગામડાં 'માં (પૃ.૫૧) ધરતીકંપની અસરો અને રાહત કામો માટે કરીને “જ્યારે ..સમગ્ર પોલીસતંત્ર ઉપરાંત સીમા સુરક્ષા દળ અને લશ્કરી જવાનો બચાવ અને રાહતની કામગીરીમાં પરોવાયેલા છે..(ત્યારે) અલબત્ત ..સરહદ પર ચાંપતો બંદોબસ્ત છે.. (તેમ છતાં) કચ્છના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વિદેશી પણ મુક્ત રીતે હરીફરી શકે છે તે બાબતમાં સજાગ થવાની જરૂરિયાત.. છે” જેવી બહુ જ ચોક્કસ મુદ્દાની ચિંતા વ્યક્ત થઇ છે.

૨૧-૨-૨૦૦૧ના લેખ "નબળાં બાંધકામની તપાસમાં દાનત સાફ છે ખરી' શીર્ષકમાં જ નબળા બાંધકામના પ્રશ્ને રાહત અને પુનઃવસનનાં કામ રહેલાં 'દાનત'ને લગતાં સંભવિત ભયસ્થાનો વિષે બહુ પહેલેથી જ ચેતવણી અપાઇ છે.

૧૪-૩-૨૦૦૧ના લેખ "હિજરત રોકવામાં જ રાષ્ટ્રીય હિત છે"માં "ધરતીના લગાવથીયે કારમી એવી વેદના..(ને કારણે)..જ ભૂકંપનો મોકો ઝડપી લઇ ચોક્કસ જ્ઞાતિની સામૂહિક હિજરતને.. 'માત્ર સામાજિક ધરતીકંપ'ની નજરથી ન જોવાની અગમચેતી વર્તવાની ચાંપ કરાઇ છે. એ બાબતની ચર્ચામાં “આ દેખીતાં વલણમાં પાકિસ્તાનનો હાથ હોવાની અપવાદ રૂપ કારણ પણ નઝરઅંદાજ ન કરવાની” સાવચેતી વર્તવા માટે પણ ધ્યાન દોરાયું છે. તો વળી “સરહદી સલામતીની સાથે સામાજિક અને આર્થિક સલામતીનું વાતાવરણ સર્જીને આ હિજરત અટકાવવા”નો તકાજો પણ છે.

૨૩-૪-૨૦૦૧ના લેખ "ભૂકંપપીડિત પ્રજાને તો કોઈ કાંઈ પૂછતું જ નથી"માં જે બોલકી નથી એવી ૯૦% પ્રજાની મનોદશાનો ચિતાર રજૂ કરવાની સાથે સ્થાનિક તંત્રને રાહત કાર્ય માટે જરૂરી સત્તા નથી, નિર્ણયો લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ ન થવાથી નિર્ણય લેવામાં લેવાયેલા નિર્ણયોને યોગ્ય કક્ષાએ સમયસર જાણ કરવા સુદ્ધાંમાં થતા વિલંબ જેવાં પાસાંઓની પણ સવેળા જ ચર્ચા કરાઇ છે.

૩-૬-૨૦૦૧ના લેખ "ક્ચ્છ ઝંખે છે કેન્દ્રની ખાસ માવજત"માંતે સમયના વડાપ્રધાનની ક્ચ્છની મુલાકાતના સદર્ભમાં ક્ચ્છને થતા (રહેલા)'અન્યાય અને અવગણના'ને (પણ) વાચા આપવાની તક ચુકાઇ નથી.

૨૩-૬-૨૦૦૧ના લેખ 'કચ્છીયતની અગ્નિપરીક્ષા"માં (પૃ.૭૨-૭૪)દેશ-વિદેશની સહાયને સરકારના...આર્થિક પેકેજોની ભરમાર વચ્ચે 'કચ્છીયત અટવાઈ પડી' હોવાના સચિંત સૂરમાં રાહત કામગીરીમાં અનુચિત માનસિકતા અને વ્યવહારો દાખલ ન થઇ જાય એવી દહેશત પણ વ્યક્ત કરાઇ છે.

તે પછી, ધરતીકંપ પછીની પહેલી દિવાળીના ટાંકણે "સૌના નકાબ ભૂતાંડવે ચીરી નાખ્યા છે"માં (પૃ.૭૫-૮૦)'ભૂકંપ બાદ નવ માસ દરમ્યાનની વિવિધ કામગીરીમાં બહાર આવેલી ક્ષતિઓ' છતાં 'આટલો ગાળો સ્પષ્ટ તારણ કાઢવા માટે અપૂરતો જણાય છે'નો સમસ્યાઓ વચ્ચેથી પણ ટકી રહેલો આશાવાદ પ્રગટ થતો રહે છે. 'પ્રજાની વર્તણૂંક અને તેનો મિજાજ', 'સરકારની નવસર્જનની પ્રક્રિયા વેગવાન બનાવવાની નેમ', 'રાજકીય પક્ષોનીકામગીરી', ‘સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા’ જેવાં અનેકવિધ પાસાંઓના લેખાંજોખાં પણ સ્પષ્ટવિગતે ચર્ચાની એરણે ચડાવાયાં છે. તે સાથે અમલીકરણની કામગીરી વડે આ 'અભિશાપને આશીર્વાદમાં પલટાવી નાખવા માટે પારદર્શિતાની તેમજ ગેરરીતિમુક્ત રહેવાની' આગ્રહપૂર્વકની અપીલ પણ કરવાનો મોકો પણ ઝડપી લેવાયો છે.

૨૬-૭-૨૦૦૧ના લેખ "-તો આવતીકાલ આપણી છે" માં (પૃ.૯૪-૯૭) 'કુદરતી આપત્તિએ આપણી આજ કષ્ટમય અને અનિશ્ચિત ભલે બનાવી દીધી છે પણ આપણે સૌ..આત્મનિરીક્ષણ કરીશું તો આપણી આવતી કાલ ઉજળી હશે" જેવા આશાવાદમાં ધરતીકંપ પછીના છ મહિના પછીની પરિસ્થિતિનાં સકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચામાં પણ બધાં જ પક્ષકારો માટે સાવચેતીનો સૂર તો રહે જ છે.

અહીંથી હવે પ્રશ્નનાં સમગ્ર પાસાંઓને લગતા નીતિવિષયક નિર્ણયો અને તેના અમલ બાબતે વાર્ષીક સમીક્ષા કરતા લેખો ૨૬-૧-૨૦૦૨થી લઇને ૨૦૧૧નાં વર્ષના સમયખંડને આવરી લે છે. આ લેખોમાં પણ દરેક બાબતને લગતી સીધી સીધી ચર્ચાની સાથે નિર્ણયો અને / અથવા અમલનાં પગલાંની અનપેક્ષિત, પરોક્ષ અને વણકહેવાયેલી અસરોને પણ તેટલી જ વિધેયાત્મકતાથી આવરી લેવાઇ છે.

આમ કુલ ૬૭ લેખોમાંથી ૨૪ લેખો ધરતીકપ અને ધરતીકંપની બહુવિધ અસરોની નોંધ લેવાની સાથે દરેક મુદ્દાઓની છણાવટ પણ કરે છે.

તે પછીના વર્ષ ૨૦૦૨ના સમયને આવરી લેતા ૧૪ લેખો પણ વિષયોના વ્યાપને વધારતા રહેવાની સાથે આ પ્રકારની ઘટનાની, રાહતની અને નવસર્જનની પ્રક્રિયા પર પડતી, સીધી અને આડી અસરોની ઊંડાણથી રજૂઆત કરે છે.

"ટાઉન પ્લાનિંગમાં ફળિયા સંસ્કૃતિ જીવંત રાખવા અનેરી પહેલ" (પૃ.૧૨૪-૧૨૭)' 'ભુજઃનવસર્જનના વિરોધાભાસ' (પૃ.૧૨૮-૧૨૯)જેવા લેખોમાં નવેસરથી હાથ ધરાયેલ ટાઉન પ્લાનિંગની કવાયતમાં નડતી અનેકવિધ પ્રકારની અડચણોની ચર્ચા વડે આ પ્રકારના પ્રશ્નોની જટિલતાના વિવિધ આયામોનો પરિચય થાય છે.

ધરતીકંપ જેવી કુદરતી આપત્તિને લગતા અખબારોના તંત્રી લેખોમાં નુકસનનાં વિવરણ કે તે સમયે ચાલી રહેલી ગતિવિધિઓના અહેવાલોની સમીક્ષાનું વિવરણ વધારે હોય તે સ્વાભાવિક છે. તે પ્રાથમિક ફરજ પૂરી કરવાની સાથે સાથે ધરતીકંપ જેવી બહુ જ અસામાન્ય ઘટનાનાં દેખીતાં ન કહી શકાય તેવાં સીધાં કે આડકતરાં કંપનોનો કેલીડૉસ્કોપિક ચિતાર પણ બહુ જ નજદીકથી કરવાની સાથે વિધેયાત્મકતાનું અંતર જાળવવામાં પ્રસ્તુત પુસ્તક સફળ રહે છે.

પુસ્તક વાંચતાં વાંચતાં વાચકને થતા આ અનુભવની સાહેદી છેલ્લા ત્રણ લેખ પુરાવે છે, તે સાથે ધરતીંપની અસરોનું, પુસ્તકમાં આવરી લેવાયેલા સમયખંડના સંદર્ભમાં છેલ્લું ચિત્ર પણ દોરી આપે છે.

૭-૧-૨૦૧૦ના લેખ "ભૂકંપ કૌભાંડો...સજા ક્યારે?" (પૃ.૧૯૫/૧૯૬) :
ફરી એક વાર ભૂકંપને પગલે, કેશ ડૉલ્સ, વેપારી સહિતના પેકેજો, કાટમાળ ખસેડવાની કામગીરી હોય કે ટીપી કે કપાતને લગતી રાહત પ્રવૃત્તિ અને નવસર્જનની પ્રક્રિયામાં છડેચોક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ વિષે ઇન્કાર થઇ શકે તેમ નથી. પ્રજા, કર્મચારી, અધિકારી, કોઇ પણ સંસ્થા કે કોઇ અગ્રણી એમ સૌ લાભાર્થી સામેલ હોય એવો સામૂહિક ભ્રષ્ટાચાર થતાં કચ્છના ખમીરને, એની અસ્મિતાને અને સંસ્કારિતાને બટ્ટો લાગ્યો હોવાનો અહેસાસ પણ કચ્છપ્રેમીઓને થયો છે ..અને છેલ્લે, ભૂકંપને નવ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે અને ડરામણા (કૌભાંડી) આફ્ટરશૉક કચ્છને ધ્રુજાવી રહ્યા છે..ત્યારે.. એકનિષ્ઠા સાથે પુર્ણાહુતિનાં કામો થાય તો અનેક પરિવારો સુખચેનનો શ્વાસ લે !'
૨૬-૧-૨૦૧૦નો લેખ "મુદ્દો નવસર્જનના સંદર્ભે ચાણક્યનો" (પૃ.૧૯૭/૧૯૮) :
'ક્ચ્છના વિનાશક ભૂકંપની નવમી વરસીએ ચાણક્યને યાદ કર્યા છે કારણ કે કુદરતી આપત્તિના સમયે શું કરવું તે તેમના ગ્રંથમાં સ્પષ્ટપણે લખાયું છે...પહેલી વાત પ્રજાની ખુમારી અને મોરલની કરી છે.. આપત્તિ વેળાએ પ્રજાનું ખમીર અગ્નિપરીક્ષામાંથી સાંગોપાંગ પસાર થયું છે એ નોંધનીય છે....ગુજરાત સરકાર અને પ્રજાએ સાથે મળીને લોકભાગીદારીથી..નવસર્જન કર્યું છે...છતાં અફસોસ કે બાકી રહી ગયેલા ૧૦% કામોની ગાડી છેલ્લા ચાર વર્ષથી પાટા પરથી ઊતરી ગઇ છે..ક્યાંક કાયદાકીય આંટીઘૂંટીઓ છે તો ક્યાંક નીતિવિષયક અવરોધો છે, ક્યાંક અસરગ્રસ્તોના હઠાગ્રહ જેવાય પ્રશ્નો છે...અહીં ફરી ચાણક્યનો મુદ્દો આવે છે... જો રાજા કામ પૂરાં ન કરાવે તો પ્રજાએ એનું ધ્યાન દોરવું જોઇએ.. ભૂકંપ નવસર્જન(ની પ્રક્રિયા) જો અધૂરી જ રહેશે તો સરકારને કે કચ્છની પ્રજાને અને એના પ્રતિનિધિઓને ઇતિહાસ કદી માફ નહીં કરે.'
પુસ્તકનો સહુથી છેલ્લો લેખ - ૨૭-૩-૨૦૧૧ - "ભુજનું પુનર્વસન ..જાપાની યુવતીની નજરે..." (પૃ.૨૦૩-૨૦૭)માં ૧૯૯૮માં પહેલી વાર કચ્છ આવ્યા બાદ દર વર્ષે કમસેકમ એક વાર ક્ચ્છ આવતી રહેતી અને 'બ્લોક પ્રિન્ટિંગ' પર સંશોધન કરી રહેલી જાપાની યુવતી ડૉ. મિવા કાનેતાના સંશોધનમાંથી બોધપાઠ લેવા જેવાં તારણોની વિગતે ચર્ચા કરાઇ છે. પહેલું મહત્ત્વનું તારણ એ છે કે ક્ચ્છને પોતાની યુનિવર્સિટી મળ્યા છતાં 'કોઇ કચ્છી વિદ્યાર્થીને પુનર્વસનની પ્રક્રિયાના સારા-નરસા પાસાં તપાસવાનું યા તો સૂઝ્યું નથી અગર તો વિષય અનુસાર ગાઇડના અભાવે કે ગમે તે કારણે સંશોધન શક્ય બન્યું નથી. ડૉ.મિવા 'ધર્મ આધારિત વિભાજન ભુજના પુનર્વસનની પ્રક્રિયામાં સ્પષ્ટ'પણે જોઇ શક્યાં છે. આ હકીકતનો ઉલ્લેખ કરી તેઓ લખે છે કે ..ભૂકંપ પછી હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં ધાર્મિક ઉત્સવ-રીતરસમો-નું પ્રમાણ વધી રહ્યું હોય એવુંયે લાગે છે.'

એકંદરે "ધરતીતાંડવ"માં નોંધાયેલાં તારણો કે સ્પષ્ટ રીતે રજૂ થયેલાં મંતવ્યો કોઇ પણ આકસ્મિક કુદરતી પ્રકોપની સંભવિત અસરોને સમજવામાં મહત્ત્વના બોધપાઠ બની રહેશે. અને ૨૦મી અને ૨૧મી સદીનાં માનવ જાતનાં કૃત્યો અને કુદરતની પોતાની અકળ ચાલને કારણે આવી પ્રકોપકારી ઘટનાઓ વારંવાર થતી રહી છે, તેમ જ દરેક ઘટનાની અસરો પણ બહુ જ દૂરગામી થતી રહેશે તે પણ નિશ્ચિત છે. આવા સંજોગોમાં દરેક ભાવિ પેઢી માટે આ પ્રકારનું, સર્વગ્રાહી, દસ્તાવેજીકરણ ઇતિહાસમાંથી શીખીને ઇતિહાસનાં પુનરાવર્તનમાંથી બચવામાં મદદરૂપ થશે.

આ પુસ્તક વિષે કીર્તિભાઇ સાથે બીન ઔપચારિક વાત કરતા હતા તેમાંના બે મહત્ત્વના મુદ્દા અહીં રજૂ કરવાની તક ઝડપી લેવી છે.
- પહેલી વાતમાં કીર્તિભાઇ તે સમયે દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા સામાજિક સંશોધન દરમ્યાન અકસ્માત જ જોવા મળેલ એક તારણને યાદ કરે છે. જુદા જુદા કેમ્પોમાં ઘણા સમય સુધી કેટલાંય લોકોને પોતાનાં કુટુંબ કબીલાથી કદાચ, દૂર વસવું પડ્યું. સાથે રહીને મુશ્કેલીઓના સામનાઓ કરતાં કરતાં લાંબા સમયના 'એકલવાસ'માં માણસની જેમ જેમ ભૂખ , તરસ , ટાઢ તડકા સામે રક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પૂરી થાય એટલે 'દૈહિક વાસના' જેવી જરૂરિયાત સંતૃપ્તિનો અભાવ ઊંડે ઊંડે પોતાની જગ્યા કરતો જાય. આ સંશોધન કરતાં કરતાં એ વિદ્યાર્થીએ એવા ઘણા દાખલાઓ જોયા હતા કે જ્યાં આ અભાવે પણ પોતાની માંગ પૂરી કરી લીધી હોય.'ઘર'ની ચાર દિવાલો ન હોય એટલે સમાજ કેટલી હદ સુધી ઉઘાડો પડી જઇ શકે ત્યાં સુધીના વિચારો કરતાં કરી મૂકી શકે તે હદનાં આ અવલોકનો હતાં.પ્રસ્તુત પુસ્તકના પ્રવેશક લેખ "'ક્ચ્છી ગુજરાતી' અને 'ગુજરાતી ક્ચ્છી'ની બેવડી ભૂમિકા"માં જાણીતા દિગ્દર્શક અને લેખક પરેશ નાયક આ જ વાતની નોંધ લેતાં કહે છે કે "ભૂકંપ પછીના દિવસોમાં કચ્છી પ્રજા કેવા આંતરમંથનોમાંથી પસાર થઇ છે એ સમજવા માટે..ભૂકંપના વિવિધ પાસાનો અભ્યાસ કરીએ તો કદાચ સમાજશાસ્ત્રીઓનેપણ એમાંથી ..મહત્ત્વના નિષ્કર્ષો જડી આવે'. કીર્તિભાઇ આ બાબતે એમ પણ ઉમેરે છે કે આવી લાગણીઓના પ્રવાહને ઝીલવાનું કામ સૌથી વધારે સારી રીતે તો સર્જનાત્મક સાહિત્ય જ કરી શકે. કચ્છના જ વિચારશીલ લેખક હરેશ ધોળકિયા તેમની આવી જ પશ્ચાદ્‍ભૂ પર રચાયેલી નવલકથા "આફ્ટરશૉક”ની પ્રસ્તાવનામાં કહે છે તેમ માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીના અને સંબંધોને વ્યક્ત કરવા માટે કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ નીવડે. સખેદ નોંધ લેવી પડે છે કે આવી એક મહાપ્રભાવકારી ઘટનાને સાહિત્યસ્વરૂપે પ્રતિબિંબિત કરાઇ નથી.
- બીજી વાત છે જેમાં આ ધરતીકંપ કચ્છને જે જે રીતે છૂપા આશીર્વાદની જેમ ફળ્યો છે તેમાં કચ્છની બાકીના ગુજરાત સાથે પ્રસ્થાપિત થયેલી ભાવનાત્મક એકતાની નોંધ જેટલી લેવાવી જોઇએ તેટલી નથી લેવાઇ એમ કીર્તિભાઇને આજની તારીખમાં લાગે છે. સરકારી સંસાધનો કે દેશવિદેશમાંથી જે કંઇ સહાયનો પ્રવાહ ઉમટ્યો એમાં, ધરતીકંપ પછીના બે-ત્રણ મહિના સુધી, ગુજરાતનાં નાનાં મોટાં શહેરોમાંથી સ્વયંસેવકોની ટીમોએ, લગભગ સ્વયંભૂ ધોરણે, પોતાને ત્યાંથી ખાવાપીવાની ભાત ભાતની વસ્તુઓ લાવી કચ્છના નાનાં નાનાં ગામો સુધી પહોંચાડવાની અનામી જહેમત લીધી છે તેને કીર્તિભાઇ આ ભાવનાત્મક એકતાનું મૂર્ત સ્વરૂપ માને છે. તે પછીથી તત્કાલીન મુખ્યમંત્રીની પ્રયાસો દ્વારા કચ્છને પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવાની પહેલને કારણે આ ભાવનાત્મક એકતાને કંઇક્ને કંઇક અંશે બળ મળતું જ રહ્યું હશે એવું માનીએ.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪ 
પ્રકાશક : 
ગોરધન પટેલ 'કવિ; 
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ  ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું: rangdwar.prakashan@gmail.com 

  • વેબ ગુર્જરી પર પ્રકાશન  તારીખઃ November 6, 2014