Saturday, January 24, 2015

મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ - ૧૯૪૦ના દાયકાનાં ગીતો


મુકેશનો ફિલ્મોમાં પ્રવેશ 'નિર્દોષ' દ્વારા થયો હતો, જેનું નિર્માણ 'નેશનલ સ્ટુડિયોઝ' અને દિગ્દર્શન વીરેન્‍દ્ર દેસાઈ દ્વારા કરવામાં આવેલું. મુકેશે કારકિર્દીનું પહેલું ગીત 'નિર્દોષ'માં અશોક ઘોષના સંગીત નિર્દેશનમાં ગાયેલું, જેના શબ્દો હતા 'દિલ હી બુઝા હુઆ હૈ તો..' આપણે બધાં જ એ તો જાણીએ જ છીએ કે ફિલ્મ સંગીતમાં પોતાનું એક આગવું સ્થાન ૧૯૪૫ની ફિલ્મ 'પહેલી નઝર'થી થયું.

આની સાથે જોડાયેલી કહાની૧ પણ બહુ રોચક છે. મોતીલાલ અને અનિલ બિશ્વાસનો પરિચય 'સાગર મુવીટોન'ના કાળથી હતો. મોતીલાલ, મુકેશ અને મોતી સાગર (પ્રિતી સાગરના પિતા) પિતરાઈ ભાઈઓ હતા. મોતીલાલ તેને પોતાના મિત્ર અનિલ બિશ્વાસને મળવા લઇ ગયા, અને ફિલ્મોમાં ચાન્સ આપવા સિફારીસ કરી. અનિલ બિશ્વાસને મુકેશના અવાજમાં રસ પડ્યો, એટલે એમણે મોતીલાલને કહ્યું કે તેની આગામી ફિલ્મ "પહેલી નઝર'માં આ છોકરાને અજમાવીશું. પણ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક મઝહર ખાન તો આ વાત સાંભળીને છેડાઇ જ પડ્યા. વાત પડતી મુકાઇ ગઇ. અનિલ બિશ્વાસે કહ્યું કે ગીતો તે પોતે ગાઇ લેશે. આ સાંભળીને મુકેશ ચારે બાજુ બબડતા કે સંગીતકારો જ પોતે ગીતો ગાઇ લેવાનાં કામ કરશે તો ગાયકોએ તો ભૂખ્યા મરવાના જ વારા આવશે. વાત ઊડતી ઊડતી અનિલ બિશ્વાસના કાન પર પડી. તેમના દિલમાં રામ વસ્યા અને તેમણે મઝહર ખાનને મનાવી લીધા.

વાતમાં ટ્વીસ્ટ હવે આવે છે. ગીતના રેકોર્ડીંગના દિવસે મુકેશ ભાઇના તો ટાંટીયા પાણી પાણી થઇ ગયા. કોઇ બારમાં શરાબના જામ હેઠળ પોતાની ભાવિ ભવ્યતાની શોધમાં તેઓ ખોવાઇ ગયા. ગુસ્સાથી રાતા પીળા અનિલ બિશ્વાસ એ પીઠામાંથી મુકેશને ઢસરડી ગયા અને ઠંડા પાણીના શાવર નીચે ઊભાડી નશો વહેવરાવી દીધો. મુકેશે માફી માગી અને બીજે દિવસે પૂરા હોશોહવાશમાં આવવાનું વચન આપી જાન છોડાવવા મથ્યા. અનિલ બિશ્વાસ હવે એમ માને તેમ નહોતા - ગા તો અત્યારે જ, નહીં તો વહેતો થા.

બસ, આ સંજોગોમાં મુકેશે ગીતકાર ડૉ. સફદર ‘આહ’ સીતાપુરીનું તેમનું પહેલું ગીત "દિલ જલતા હૈ તો જલને દે" (પહેલી નઝર- ૧૯૪૫) ગાયું.


અનિલ બિશ્વાસ અને તલત મહમુદ વિષેના લેખમાં આપણે જોયું એમ અનિલ બિશ્વાસના હાથના જાદુએ મુકેશને પણ પોતાની આગવી ગાયકીની શૈલી ઘડી આપી. મુકેશે પણ અનિલ બિશ્વાસનાં રોકડાં ૨૪ જ ગીતો ગાયાં છે. બધું મળીને ૧૨ ફિલ્મોમાં ૧૨ સોલો, ૯ યુગલ ગીતો, બે ત્રિપુટી ગીતો અને એક ચતુષ્કોણી ગીત, એટલો નાનકડો હિસાબ. ગીતો ભલે દેખાય આટલાં જ, તો પણ મુકેશ પણ અનિલ બિશ્વાસની ઓળખાણ એમ જ આપતા કે,"મુકેશ આજે જે છે તે અનિલ બિશ્વાસની બદૌલત છે."૨

તય કર કે બડી દૂર કી પૂર-પેંછ ડગરીયા - પહલી નઝર (૧૯૪૫) – ગીતકાર : ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

'દિલ જલતા હૈ'માં મુકેશની કરૂણ ગીતના ગાયક તરીકે છાપ સ્થપાઇ એમ કહેવું હોય, તો આ ગીત માટે એમ કહી શકાય કે મુકેશ હલ્કાં ફુલ્કાં ગીતો પણ ભવિષ્યમાં સારી રીતે ગાઇ શકવા માટેની કેડી કંડારી આ ગીતે આપી.


પહેલી નઝરકા તીર લગા પહેલી નઝર કા - પહલી નઝર (૧૯૪૫) - ગીતકાર : ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

નસીમ અખ્તરની સાથેના આ યુગલ ગીતને લોક ગીતની લઢણનો સ્પર્શ છે. દેખીતી રીતે, મુકેશના ભાગે બહુ થોડું જ ગાવાનું થયું છે, પણ નવા જ પ્રકારનું ગીત ગાવાનું થયું, અને તેમાં પણ પહેલી નઝરની તીર નિશાને બેઠું છે.


જવાની યે ભરપૂર દિલકશ અદાયેં - નસીમ અખ્તર સાથે - ગીતકાર ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

નાટ્ય સંગીતની આછી અસરવાળાં આ ગીતમાં મુકેશ યુગલ ગીત ગાવાની હથોટી હસ્તગત કરી ચુક્યા છે.


જીવન સપના ટૂટ ગયા - અનોખા પ્યાર (૧૯૪૮) - ગીતકાર ઝીઆ સરહદી

બે વર્ષમાં જ હવે મુકેશ દિલીપકુમારના અવાજ તરીકે પ્રસ્થાપિત થઇ જાય તે કક્ષાનાં, લોકપ્રિય, ગીત ગાતા થઇ ગયા.


અબ યાદ ના કર, ભૂલ જા અય દિલ વો ફસાના - મીના કપુર સાથે - અનોખા પ્યાર (૧૯૪૮) - ગીતકાર : શમ્સ અઝીમાબાદી


ફિલ્મમાં જે ગીતોમાં મીના કપૂરનો અવાજ છે તેને કોઇ અગમ્ય કારણોસર રેકોર્ડ પર લતા મંગેશકરના સ્વરમાં ધ્વનિમુદ્રિત કરાયાં છે.
વો તીખી નઝરોંસે મેરે દિલ કૈસી બીજલી ગીરા રહે હૈં - વીણા (૧૯૪૮) - ગીતકાર પ્રેમ દહલવી

મુકેશનાં ટ્રેડ માર્કનાં પાયામાંનું ગીત, મુકેશના દિલિ ચાહકોની યાદની ટોચ પર રમતું રહે છે.


મેરે સપનોંકી રાની રે - વીણા (૧૯૪૮) – ગીતકાર : નરેન્દ્ર શર્મા

મલપતી ચાલનાં ગીતમાંથી રવાલ ચાલમાં પણ મુકેશના અવાજની કોમળતાની સંવાળપ રતિ ભાર પણ ઓછી નથી થઇ!


ગોકુલકી એક નાર છબીલી, જમુનાકે તટ પર - વીણા (૧૯૪૮) – ગીતકાર : સ્વામી રામાનંદ

નાયિકાનાં રૂપને યાદ કરતાં કરતાં ખોવાઇ ગયેલા નાયકનાં સ્વપ્નોને રુમઝુમ વાચા આપતું રમતિયાળ ગીત


૧૯૪૦ના દાયકાની ફિલ્મોનાં અનિલ બિશ્વાસ-મુકેશનાં ગીતો પૂરાં થવાની સાથે આપણે પણ વિરામ લઇએ. હવે પછીના લેખના બાકીના ભાગમાં, ૨૮-૦૩-૨૦૧૫ના રોજ, ૧૯૫૦ના દાયકાનાં, અને છેલ્લે ૧૯૬૫ની ફિલ્મનાં અનિલ બિશ્વાસ-મુકેશનાં ગીતોને સફર માણીશું. સંદર્ભઃ
શીખા બિશ્વાસ વોહરા અને સુધીર કપુરનો ઇન્ટરવ્યુ
"Mukesh My Mukesh !"

સાભાર : The Maker of Mukesh: Anil Biswas
  • વેબ ગુર્જરી પર ૨૪-૦૧-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ લેખ

No comments: