Saturday, June 6, 2015

સચીન દેવ બર્મન અને મોહમ્મદ રફી : દેવ આનંદ માટે ગવાયેલાં સોલો ગીતો (૧)


clip_image002clip_image004clip_image006

હિંદી ફિલ્મના સમયના સુવર્ણ કાળની ત્રિમુર્તિ તરીકે દિલીપ કુમાર, રાજ કપુર અને દેવ આનંદની કારકીર્દી દરમ્યાન ફિલ્મ સંગીત પણ હિમાલયની ઊંચાઇઓ સર કરતું રહ્યું. દિલીપ કુમાર સાથે સંગીતકાર તરીકે નૌશાદ અને ગાયક તરીકે મોહમ્મદ રફીનાં આગવાં સમીકરણની જેમ રાજ કપુર સાથે શંકર જયકિશન અને મુકેશનાં નામ લેવાય તો દેવ આનંદ સાથે સચીન દેવ બર્મનની સાથે જેટલું કિશોર કુમારનું નામ લેવાય એટલું જ આદરથી મોહમ્મદ રફીનું પણ નામ લેવાતું રહ્યું છે. જો કે સુવર્ણ કાળની ખૂબી એ છે કે આ ત્રિમુર્તિનાં અન્ય સંગીતકારો કે ગાયકો સાથેનાં ગીતો સંખ્યામાં આછાં પાતળાં જરૂર રહ્યાં હશે, પણ ગીતોની ગુણવત્તા કે લોકચાહનામાં આ ગીતો તસુ ભાર પણ ઊણાં નથી ઉતર્યાં. વેબ ગુર્જરી પરની ફિલ્મ સંગીતની સફરમાં આપણે આવી અલગ અલગ મેળવણીની લુત્ફ માણવાના જલસા કરીશું.

અનિલ બિશ્વાસનાં રચાયેલાં ગીતોની સફર આપણે ખેડી જ રહ્યાં છીએ. તેની સમાંતરે જ આપણે હિંદી ફિલ્મ સંગીત જગતના એક બહુ જ ખ્યાત, બહુ આયામી એવા સચીન દેવ બર્મનનાં ગીતોની પણ કેડીઓ કંડારવાનું, આ સાથે, શરૂ કરી છીએ. સચીન દેવ બર્મને રચેલાં ગીતોમાંથી આપણે તેમનાં રચેલાં પુરુષ સોલો અને યુગલ ગીતોથી આપણી સફરની શરૂઆત કરીશું.

સચીન દેવ બર્મને બધું મળીને લગભગ ૧૬૯ જેટલાં પુરુષ સોલો ગીતો હિંદી ફિલ્મો માટે રચ્યાં છે , જે પૈકી કિશોર કુમાર માટે કુલ ૧૧૫માંથી ૫૩ અને મોહમ્મદ રફી માટ કુલ ૯૦માંથી ૪૫ સોલો ગીતોની રચનાઓ કરી. આ સિવાય સચીન દેવ બર્મને એ સમયના અન્ય અગ્રણી પુરુષ ગાયકોમાં મન્નાડે (કુલ ૩૯માંથી ૨૪ સોલો ગીતો), તલત મહમુદ (૧૪માંથી ૧૦), હેમંત કુમાર (૧૪માં ૧૦), મુકેશ (૧૨માંથી ૪)નો પણ એટલી જ સહજતાથી ઉપયોગ કરવાની સાથે પોતાના જ અવાજમાં કુલ ૧૪માંથી ૧૦ સોલો ગીતો પણ હિંદી ફિલ્મ જગતને આપ્યાં છે.

આજે આપણે સચીન દેવ બર્મને દેવ આનંદ માટે રચેલાં મોહમ્મદ રફીનાં સોલો ગીતોની વાત કરીશું.

મોહમ્મ્દ રફી પાસે પહેલું (સોલો) ગીત ૧૯૪૭માં ગવડાવ્યા બાદ, જેને નિયમને બદલે અપવાદ વધારે ગણી શકાય એ રીતે સચીન દેવ બર્મન મોહમ્મદ રફીનો સોલો ગીતો માટે જ બહુ અલપ ઝલપ ઉપયોગ કરતા રહ્યા હતા, તેમાં પણ દેવ આનંદ માટે તેમની પસંદ તલત મહમુદ કે હેમંત કુમાર કે પછી કિશોર કુમારની જ રહી હતી. મોહમ્મદ રફીનો કદા ક્વચિત તેઓ ઉપયોગ દેવ આનંદ પર ફિલ્માવાયેલાં યુગલ ગીતોમાં બખુબી કરતા રહ્યા, પણ દેવ આનંદ પર ફિલ્માવાયેલાં સોલો ગીત માટે આપણે છેક ૧૯૫૮ સુધી રાહ જોવી પડશે.
કાલા પાની (૧૯૫૮) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
હમ બેખુદીમેં તુમકો પુકારે ચલે ગયે
સચીન દેવ બર્મને પોતાના જ અવાજમાં ગાયેલાં બંગાળી ગીત - ગમ ભુલેચી
-ને અહીં સાવ જ નવા અંદાજમાં રજૂ કર્યું.

આ ગીત દેવ આનંદ માટેનાં પાર્શ્વ ગાયનની દૃષ્ટિએ તો એક અનોખું પ્રકરણ રચી જ રહ્યું, પણ તે સાથે સચીન દેવ બર્મનનાં સ્વર નિયોજનમાં મોહમ્મદ રફીનાં સ્થાનને એક નવી ઊંચાઇએ લઇ જનારું પણ બની રહ્યું.
સોલવા સાલ (૧૯૫૮) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
યહી તો હૈ વોહ
રફીની ગાયકીમાં યુવાનોની તોફાની મસ્તીની છાંટ દેવ આનંદની રોમેન્ટીક નાયકની છાપને વધારે રોમાંચક કરી મૂકે છે

આ ફિલ્મમાં પણ જેને ફિલ્મનું મુખ્ય ગીત કહી શકાય તેવું ગીત - હૈ અપના દિલ તો આવારા (જે ફિલ્મમાં બે અલગ અલગ સિચ્યુએશનમાં ઉપયોગમાં લેવાયું છે) - હજૂ પણ દેવ આનંદના (એક સમયના) પાર્શ્વઅવાજ હેમંત કુમારના સ્વરમાં જ છે. આ ગીત ત્યારે પણ બહુ જ લોકપ્રિય થયું હતું, અને આજે પણ યાદ કરાય છે, તેથી જે કંઇ વ્યવસ્થા થઇ તે યોગ્ય પણ હતી જ એટલું તો સ્વીકારવું પડે !
બમ્બઇકા બાબુ (૧૯૬૦) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
સાથી ન કોઇ મંઝિલ
હિંદી ફિલ્મ સંગીતનાં સીમા ચિહ્ન રૂપ ગીતોમાં સ્થાન પામતાં ગીતો હવે સચીન દેવ બર્મન - મોહમ્મદ રફીનાં સંયોજન માટે સ્વાભાવિક ઘટના બનવા લાગ્યાં હતાં.

સચીન દેવ બર્મનની પ્રયોગલક્ષીતા પણ અચરજ પમાડે તેવી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ધારાનાં કહી શકાય તેવાં ગીતોમાં મોહમ્મદ રફીના અવાજની લાક્ષણિકતાઓનો બહુ જ અસરકારક ઉપયોગ કરવા ઉપરાંત થોડી અલગ સિચ્યુએશનનાં દેવ આનંદ પરનાં ગીત તક ધૂમ તક ધૂમ બાજેમાં મન્ના ડેનો અને બેકગ્રાઉંડ ગીતની - ચલ રી સજની અબ ક્યા સોચે - સિચ્યુએશનમાં મુકેશનો પણ તેમણે ઉપયોગ કર્યો છે.
એક કે બાદ એક (૧૯૬૦) - ગીતકાર : કૈફી આઝમી
ઠુમક ઠુમક ઠુમક હાયે ચલી તૂ કીધર
એક વાર ફરીથી દેવ આનંદની રોમેન્ટીક ઇમેજને બરકરાર કરતું ચુલબુલું ગીત, જેમાં રફીને પણ તેમની ગાયકીની અદાઓને રજૂ કરવા માટેનું પૂરતું ખુલ્લું મેદાન મળી ગયું છે.

ચલી યે ફૌજ હમારી રે
બાળ સહજ મસ્તીની હરકતો કરવામાં પણ મોહમ્મદ રફી કંઇ ક્મ નહોતા...

કાલા બાઝાર (૧૯૬૦) - ગીતકાર : શૈલેન્દ્ર
ખોયા ખોયા ચાંદ ખુલા આસમાં
મોહમ્મદ રફીએ તેમના અવાજની લયને સહારે આપણને પણ ખુલ્લાં આકાશની નીચે વિહરવાના અનુભવની મજા માણતાં કરી મૂક્યાં છે.

અપની તો હર આહ એક તૂફાન હૈ
અહીં તો મોહમ્મદ રફીના અવાજની મખમલી શરારતોએ તોફાન મચાવી દીધાં છે..

સુરજકે જૈસી ગોલાઇ.... તેરી ધૂમ હર કહીં

એ સમયે ફિલ્મોનાં પ્રિમિયરની કેવી ધમાકેદાર રજૂઆત થતી, તે યાદ કરાવી આપે છે આ ગીત. ગીતની શરૂઆતની ક્લિપમાં ફિલમ જગતની બડી બડી હસ્તીઓને તેમની યુવાનીમાં જોવાનો એક આ વધારાનો લ્હાવો છે.

ફિલ્મ સંગીતના ઇતિહાસકારો નોંધે છે કે આ ફિલ્મથી દેવ આનંદની ફિલ્મ પ્રોડક્શન કંપની 'નવકેતન'ની આ ફિલ્મમાં દેવ આનંદના મુખ્ય પાર્શ્વ અવાજ રૂપે મોહમ્મદ રફી આરૂઢ થઈ ચૂક્યા ગણાય. સચીન દેવ બર્મન કોઇ અકળ કારણોસર પ્રયોગો તો કરતા જ રહે છે. અહીં પણ તેમણે યુગલ ગીતમાં મન્ના ડેના સ્વરનો (બખૂબી) ઉપયોગ કર્યો.
જો કે આપણે એ સુવર્ણ ભૂતકાળનાં આટલાં વર્ષો પછીના આજના તબક્કે કોઇ સમીક્ષાત્મક કે તુલનાત્મક પરિક્ષણમાં ઉતરવાને બદલે સંગીતની ખૂબીઓને માણવા પ્રત્યે જ વધારે ધ્યાન આપવાનું પસંદ કરીશું. સચીન દેવ બર્મન હવે પછી મોહમ્મદ રફીના સ્વરનો દેવ આનંદ માટે ઉપયોગની આ રસપ્રદ અને અતિ કર્ણપ્રિય સફરનો સંગાથ ૨૦-૬-૨૦૧૫ના રોજના ભાગ (૨)માં ચાલુ રાખીશું.
આ લેખ માટે મૂળ ભૂત વિચારમાટે Rafi’s best songs by SD Burmanનો સહૃદય આભાર.....

No comments: