Monday, December 7, 2015

ભૂગોળનું વેર \ The Revenge of Geography

ભૂગોળનું વેર \ The Revenge of Geography
આવનારા સંધર્ષ અને ભવિષ્ય સામેની લડાઈ વિષે નકશા આપણને શું કહી જાય છે


રૉબર્ટ ડી કપ્લાનનું આ ચૌદમું પુસ્તક છે. ભૂતળીય ભૌગોલિક નકશાઓની રેખાઓ પર આપણા રાજકીય વિચારોને દોરી જવા માટે ભૂતકાળના ઇતિહાસના પ્રસંગોને ભૌગોલિક રાજનીતિના વિચારકોની વિચારસરણીનો રસાળ આધાર આ પુસ્તકની વિશેષતા કહી શકાય.

પુસ્તકની રજૂઆત ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવી છે.

પુસ્તકના પહેલા ભાગ - Visionaries \ દીર્ઘદ્રષ્ટાઓ-માં નજદીકના તેમ જ દૂરના ભૂતકાળના મહત્ત્વના ભૂગોળશાસ્ત્રીઓ અને ભૌગોલિક રાજનીતિના વિચારકોનાં ઇતિહાસના મહત્ત્વના વળાંકો પરનાં વિવરણોના પાયા ઉપર હવે પછી નજરે પડવાની સંભાવનાઓવાળી ઘટનાઓને જોવાનો મંચ લેખક ઘડે છે.

બીજા ભાગ - The Early-Twenty First Century Map \૨૧મી સદીની શરૂઆતનો નકશો - માં કપ્લાન યુરોપ, રશિયા, ચીન, ભારતીય ઉપખંડ, તુર્કી, ઈરાન અને મધ્ય પૂર્વીય આરબ જગતમાં બનેલી તાજેતરની કટોકટીની ઘટનાઓમાંથી શીખવા મળેલા બોધપાઠને અર્થઘટિત કરે છે.

ત્રીજા ભાગ - America’s Destiny \અમેરિકાની નિયતિ -માં ઉત્તર અમેરિકાના ઉપખડના સંદર્ભમાં અમેરિકાની ભૂતકાળની, વર્તમાન અને ભાવિ વિદેશ નીતિનું વિવેચનાત્મક વર્ણન કરાયું છે.

કોઈપણ પુસ્તકના એક જ લેખમાં કરાતા વિહંગાવલોકન સમા પરિચયને બદલે પુસ્તકની ખરી ભૂમિકાને સમજવા અને આપણને સીધી રીતે વધારે અસર કરતા વિષયો વિષે થોડું વિસ્તારથી સમજવા માટે કરીને આપણે પણ આ પરિચય ત્રણ હિસ્સામાં કરીશું. પહેલા હિસ્સામાં પુસ્તકની પ્રસ્તાવના અને પહેલા ભાગનાં બીજાં પ્રકરણ, બીજા હિસ્સામાં પુસ્તકના બીજા ભાગનાં બારમાં પ્રકરણ અને ત્રીજા હિસ્સામાં ત્રીજા ભાગનાં પંદરમાં પ્રકરણનાં અવતરણની મદદથી આપણે પુસ્તકથી પરિચિત થશું.

પ્રસ્તાવના – Frontiers \ સીમાડાઓ -માં લેખકે તેમનાં આ પહેલાંનાં ચાર પુસ્તકો - Soldiers of God (૧૯૯૦), An Empire of Wilderness (૧૯૯૮), Eastward to Tartary (૨૦૦૦) અને Hog Pilots, Blue Water Grunts (૨૦૦૭-ની સામગ્રીનો આધાર લીધો છે. મેદાનીય વિસ્તારો પર રોગચાળાની જેમ ત્રાટકતા રહેતા આધુનિકીકરણની અસરો સામે પોતાના પ્રદેશની સંસ્કૃતિને સાચવવાની ભૂમિકા પર્વતમાળાઓ ભજવે છે. જો કે આજના સમયમાં માર્ક્સિસ્ટ ગેરીલાઓ કે નશીલા પદાર્થોની હેરફેર કરતી આંતરરાષ્ટ્રીય ટોળકીઓનાં છૂપાં આશ્રયસ્થાન તરીકે પણ તેમનો ઉપયોગ કરાય છે તે વળી સાવ અલગ બાબત છે....બહુ જ મોટી ઉથલપાથલ જેવા રાજકીય કે સામાજિક પરિવર્તનોના સમયમાં નકશાઓનું મહત્ત્વ વધી જાય છે.પગતળેથી જ્યારે રાજકીય જમીન ખસકી જતી હોય છે ત્યારે હવે પછી શું થઈ શકે એ સમજવામાં નકશો મહત્ત્વ નું યોગદાન આપી શકે છે. એક સમયે રાજકીય રીતે વિભાજિત રહેલા જર્મની કે વિયેતનામ કે યેમેન જેવા દેશોના નકશાઓ એ વાતનો પુરાવો કહી શકાય કે તલવાર વીંઝીને પાણીને ગમે એટલો સમય અલગ રાખવાની કોશીશ કરવામાં આવે, તેમની મૂળભૂત એકતા આખરે તો હાવી થશે જ. એ ઘટનાઓ અણધારી હોવાની, કે હિંસક પણ બની રહેવાની, કે જ્યારે થવા માડે ત્યારે અતિઝડપથી થવાની સંભાવનાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ.

વાત વાતમાં 'સપાટ દુનિયા'નાં ગાણાં ગાતાં, લોકમત પર પોતાનો પ્રભાવ છાંટતાં રહેતાં બૌદ્ધિકો કલાકોમાં દુનિયાને એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે એવા આજના જેટ અને માહિતી યુગની ઝડપમાં લુપ્ત થતી જતી આપણી સંવેદનશીલતાને આપણે સતેજ કરવાની જરૂર છે….

ભૂગોળને પૃથ્વીનું વર્ણન કહીને તેને મોટે ભાગે નિયતિવાદ સાથે જોડીને તેને માનવ પસંદગીને સીમિત કરનારની છાપ મારી ઉતારી પાડવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે ભૂતળ નકશાઓ અને વસ્તીના અભ્યાસો પરંપરાગત વિદેશ નીતિની સંકુલતામાં એક મહત્ત્વનું પાસું ઉમેરે છે, અને એ રીતે દુનિયાને જોવાની એક શક્તિશાળી નજર બક્ષે છે. દુનિયાને જેમ જેમ સદીઓની લાંબી દૃષ્ટિથી જોઈએ છીએ તેમ તેમ ભૂગોળની ભૂમિકા વધારે ને વધારે અગત્યની બનતી જાય છે... ભલેને પછી આપણે બહારનાં સૂર્યમંડળમાં ઉપગ્રહો તરતા મૂકતાં થયાં હોઈએ, કે પછી નાણાંકીય બજારો અને સાઈબરવિશ્વમાં ભલે સીમાઓ ભુંસાઈ ગઈ હોય, હિંદુ કુશની પર્વતમાળા આજે પણ દુર્જેય તો છે જ..

બીજાં પ્રકરણ – The Revenge of Geography \ ભૂગોળનું વેર –માં હૅંસ જે મૉર્ગૅનથૌ (Politics Among Nations : The Struggle for Power and Peace) તેમની રજૂઆતની શરૂઆતમાં જ કહે છે કે આપણી દુનિયા માનવીના જન્મજાત સ્વભાવમાં જે પરિબળો રહેલાં છે તેનું જ પરિણામ છે. માનવ સ્વભાવ ભય, સ્વાર્થ અને માનથી પ્રેરાય છે. 'દુનિયાને સુધારવી હોય, તો આ પરિબળોની સામે નહીં, પણ સાથે રહેવું જોઈએ.' માનવ સ્વભાવ દુનિયામાં સતત સંધર્ષ અને બળજબરી પેદા કરતો રહે છે. દરેક માનવ પ્રવૃત્તિઓમાં, તેમાં ય રાજ્યોની તો ખાસ, હાવી થવાની ભાવના તો સમાયેલી જોવા મળતી જ હોય છે. માત્ર સત્તા જ સત્તાને નાથી શકે.

વાસ્તવવાદીઓ સ્વતંત્રતા કરતાં વ્યવસ્થાને વધારે મહત્ત્વ આપે છે - વ્યવસ્થા પ્રસ્થાપિત થયા પછી જ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાય છે. સાર્વભૌમત્વ અને જોડાણો સાવ ખાલી જગ્યામાં શક્ય નથી બનતાં; તે તો બીજાં સાથેના મતભેદોમાંથી જ પેદા થાય છે.

નકશો એ માનવ ભાગલાઓનું સ્થળ વિષયક નિરૂપણ છે. નકશા હંમેશાં સાચું જ કહેતા હોય તેમ જરૂરી નથી. તે કોઈ પણ અન્ય સામાન્ય વાત જેટલા જ વસ્તુલક્ષી હોઈ શકે છે. નકશા ભૌતિક છે અને એટલે જ મોટેભાગે તટસ્થ હોય છે. ખાસા જોખમી સાધન હોવા છતાં, નકશા વિશ્વ રાજકારણને સમજવા માટે અગત્યના તો છે જ.

કુદરત જે કંઈ લાગુ કરે છે તેને માનવી નકારતો ફરે છે. માણસનાં કામો ભૂગોળ દ્વારા લાગુ પડાતાં ભૌગોલિક પરિમાણોથી જ સીમિત બને છે. પણ તેમ છતાં તેની યુક્તિપ્રયુક્તિઓને પૂરતી મોકળાશ મળી રહે તેટલી આ સીમાઓ વિષાળ પણ છે... દુનિયાની મોટા ભાગની નીર્બળ વસાહતો ચારેબાજુ જમીનથી ઘેરાયેલી જગ્યાઓમાં વસતી જોવા મળે છે. ૪૫0 ઉત્તર અને દક્ષિણ રેખાંશની વચ્ચેના ઉષ્ણકટિબંધના પ્રદેશોમાંની વસાહતો સામાન્યતઃ ગરીબાઈ અનુભવતી જોવા મળશે.ઉચ્ચ આવકોવાળી વશાગતો મધ્ય અને તેના ઉપરના રેખાંશના પ્રદેશોમાં વસતી જોવા મળશે. એક સરખાં હવામાનમાં ટેક્નોલોજીનો પ્રસાર વધારે સહેલાઈ થી થઈ શકે છે, જેની અસર રૂપે પૂર્વ-પશ્ચિમતરફ ફેલાયેલ સમશીતોષ્ણ ક્ષેત્રમાં વસેલ યુરેશિયા સહારાની નીચે ઉત્તર-દક્ષિણ દિશાઓમાં વસેલ આફ્રિકન દેશો કરતાં વધારે સમૃદ્ધ છે.જમીનની ફળદ્રુપતાને કારણે વસ્તીની ગીચતા વધારે હોય, પણ ગીચ જંગલોને કારણે રેલ અને રસ્તાઓ ઓછાં હોય કે સમુદ્ર વગેરે બાહ્ય સંપર્ક ઓછા હોવાને કારણે આર્થિક વિકાસ ઓછો શકય બન્યો હોય તે પ્રદેશોમાં સરેરાશ સમૃદ્ધિ ઓછી જોવા મળશે.

સ્વતંત્રતાના દુશ્મન જમીનદારોને દૂર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સમુદ્રથી સુરક્ષિત હોવાને કારણે અમેરિકા અને બ્રિટન મુક્ત સમાજની પરિકલ્પનાને ઉજાગર કરી શક્યા. વીસમી સદીના મધ્ય ભાગમાં યુરોપમાં જોવા મળતા લશ્કરવાદ અને પરિણામલક્ષી વાસ્તવવાદને સમુદ્રનું પરિણામ કહી શકાય, નહીં કે તેનાં પ્રકૃતિગત ચરિત્રનું. ખીચોખીચ ભરેલા ખંડમાં એકબીજાંની હરિફાઈ કરતાં રાજ્યો અને સામ્રાજ્યો અડોઅડ વસ્યાં હતાં.જો લશ્કરી ચાલમાં કોઈ મોટી થાપ ખવાઈ જાય તો યુરોપનાં રાષ્ટ્રો પાસે સમુદ્રનો આશરો લેવાનું બારૂં આસાન નહોતું. આ કારણે સાર્વત્રિક નૈતિકતા તેમની નીતિઓને આધારમાં રાખવું અવહેવારૂ હતું. દેશની બે સીમાઓ પર આવેલા બે મહાસાગરોએ અમેરિકાના આદર્શવાદને તો પોષ્યો જ, પણ સાથે સાથે એક બાજુ એટલાંટિકને પાર યુરોપ અને બીજી બાજુ પ્રશાંત મહાસાગરની પેલે પાર પૂર્વ એશિયાના રાજકીય અને આર્થિક પ્રવાહો સાથે પણ સંબંધ કેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો.

ભૌગોલિક, ઐતિહાસિક કે માનવવંશીય ખાસીયતો ભવિષ્યની ઘટનાઓ પર પ્રભાવ જરૂર પાડે છે, પણ તેમાં નિર્ણાયક ભૂમિકા નથી ભજવતાં. પરંતુ, એટલું પણ ચોક્કસ છે કે રૉબર્ટ કપ્લાન આ પુસ્તક વડે ગઈકાલે જે હતી કે આવતી કાલે જે હશે તે ભૂગોળ વિષે વિચારતા તો જરૂર કરી મૂકે છે.એરિક કૌફમૅન નોંધે છે કે, પ્રાકૃતિક અવરોધના અભાવને કારણે અનુભવાતી અસલામતી કે સમુદ્ર પાસેની કે સંસાધનોના સ્ત્રોતો પાસેની વ્યૂહાત્મક નજ્દીકી કે થાણાંઓ સ્થાપવા માટેની કે પાઈપલાઈનો બીછાવવા માટેની નૈસર્ગિક સગવડો જેવી પ્રથમ કક્ષાની ભૌગોલોક અસરોનો સંદર્ભ આજના અને ભવિષ્યમાં વિકસનાર આંતરખંડીય આણ્વીક મિસાઈલો કે માહિતી ટેકનોલોજીના જમાનામાં નવા અર્થઘટન સ્વરૂપે જોવાની જરૂર છે. ઉકળતા ચરૂઓ જેવી રાષ્ટ્રીય ઓળખની ચળવળો જેવી બીજી કક્ષાની ભૌગોલિક અસરો કે રૂઢિવાદી ધાર્મિક ઉથલપાથલ જેવી ત્રીજી કક્ષાની ભૌગોલિક અસરો તેનાં ભૌગોલિક મૂળીયાંની પકડમાંથી મુક્ત થઈ રહેલ છે. આવા બદલતા ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં સુખ અને શાંત , આદર્શ, વિશ્વની સ્થાપનાના આપણા આદર્શોને ધૂળ, પથ્થર કે અંતરની ભૌગોલિક સીમાઓની જે મર્યાદાઓ નડી શકે છે તે અંગે જાગૃત કરવાની આલબેલ પોકારવાનું કામ કપ્લાન કરી આપે છે.


પોતાનાં પુસ્તક The Revenge of Geography વિષે ચર્ચામાં લેખક રૉબર્ટ કપ્લાન સમજાવે છે કે આ સદીની ઝળુંબી રહેલ રાજકીય કે સામાજિક ઉથલપાથલોને રોકવામાં સમયાતીત સત્યો અને કુદરતી હકીકતો શી રીતે મદદરૂપ બની શકે.



તા. ૨૧ ડીસેમ્બર, ૨૦૧૫ના પ્રકાશિત થનાર આ પરિચયના બીજા અંકમાં આપણે પુસ્તકના બીજા ભાગનાં બારમા પ્રકરણ India’s Geopolitical Dilemma \ભારતની ભૂરાજનૈતિક મથામણની વાત કરીશું

No comments: