Saturday, February 6, 2016

એક ગીતનાં અનેક સ્વરૂપ :: મણકો - ૩ - ખ : આનંદ અને દર્દની તડકી છાંયડીનાં પુરુષ એકલ વર્ઝન ગીતો



આ પહેલાં આપણે આનંદ અનેકરૂણ ભાવનાં પુરુષ એકલ વર્ઝન ગીતો સાથે પરિચય કર્યો હતો. ફિલ્મ સંગીતમાં એક ગીતનાં વિવિધ સ્વરૂપોનો આ પ્રકાર બહુ જ પ્રચલિત રહ્યો છે. સામાન્યતઃ ગીતના શબ્દોમાં ભાવને અનુરૂપ ફેરફાર તો કરાય જ. જ્યારે જ્યારે શક્ય ન બન્યું હોય ત્યારે ગીતની લય કે સૂર કે ગીતની વાદ્યસજ્જામાં ભાવને અનુરૂપ ફેરફાર તો કરાયા જ હોય છે.
આજે આ વિષય પર જ કેટલાંક વધુ ગીતોને માણીએ. 
ચલી રાધે રાની અખિયોંમેં પાની, અપને પ્રીતમસે મુખડા મોડકે - પરિણિતા (૧૯૫૩) - ગાયક : મન્ના ડે – સંગીતકાર : અરૂણકુમાર મુખર્જી
આ ગીત બંગાળની એક બહુ જ પ્રચલિત લોકસંગીત શૈલી-બાઉલ સંગીત-ની ધુન પર આધારિત છે. પહેલાં વર્ઝનમાં આનંદમય વાતાવરણમાં સાધુ પોતાની મસ્તીમાં આ ગીત ગાતાં ગાતાં પોતાની ભિક્ષાફેરી કરે છે. આમ પહેલું વર્ઝન એ સમયના સમાજનાં એક પાસાંનું ચિત્રણ રજૂ કરી ફિલ્મમાં એ સમયનું વાતાવરણ ખડું કરવા માટે વપરાયું છે.

પણ વાર્તા જ્યારે કરૂણ વળાંક લઇ લે છે ત્યારે દિગ્દર્શકે આ ગીતના શબ્દોના મૂળભૂત કરૂણાના ભાવને પણ ફિલ્મમાં એક આગવી અસર કરવા માટે  વણી લીધેલ છે. હવે ગીતની લય અને ગાયકના સૂરમાં પણ ગીતના ભાવને અનુરૂપ ફરક પણ જોઈ શકાય છે.

આડવાત :
આ ગીતનું ગીતા દત્તના સ્વરમાં એક વધારે વર્ઝન પણ રેકોર્ડ થયું હતું, જે પછીથી ફિલ્મમાં ઉપયોગમાં નહીં લેવાયું હોય.

જો એક બાર કહ દો કે હમ હૈ તુમ્હારે - પુજા (૧૯૫૪) – ગાયક : મોહમ્મદ રફી – સંગીતકાર : શંકર જયકિશન
માત્ર લયના જ મુખ્ય ફેરફારની સાથે સાથે બંને વર્ઝનના ભાવને અલગ પાડવા માટે તાલ વાદ્ય પણ બદલી નાખ્યું છે.
આનંદના ભાવનાં પહેલાં વર્ઝનમા ઢોલકનો પ્રયોગ કરાયો છે.
જ્યારે દુઃખદ પરિસ્થિતિમાં ગવાયેલ બીજાં વર્ઝનમાં તબલાંનો ઉપયોગ ધ્યાન ખેંચે છે.
કરમ ગત તારે ના - મિલન (૧૯૫૮) – ગાયક : મન્ના ડે – સંગીતકાર : હંસરાજ બહલ
પશ્ચાદભૂમાં વાગતાં ગીતથી ગીતની સીચ્યુએશનને વધુ અસરકારક કરવાની પધ્ધતિ ફિલ્મોમાં બહુ સફળ રીતે અજમાવાતી રહી છે.
ગીતનાં ત્રણ વર્ઝન કરમની ગતિના વાળાઢાળાની રજૂઆત કરતી સાંકળનાં સ્વરૂપે ઉપયોગમાં લેવાયેલ છે.
પહેલાં વર્ઝનમાં નાયક બાળકને ઇસ્પિતાલથી લઈ જતો દેખાય છે.
બીજાં વર્ઝનમાં મોટાં થયેલ બાળકની કોઇ વાતે તેની એ યાદોની મૂંઝવણ તેને ગૂંચવે છે.
ત્રીજાં વર્ઝનમાં નાયિકા મુશ્કેલ પરિસ્થિતિમાં છે.
મુઝે અપણા યાર બના લો - બૉયફ્રેન્ડ (૧૯૬૧) – ગાયક : મોહમ્મદ રફી – સંગીતકાર: શંકર જયકિશન
આ ગીતનાં ત્રણ અલગ અલગ વર્ઝનમાં ત્રણ અલગ અલગ ભાવ ઝીલી લેવાયા છે.
પહેલાં વર્ઝનમાં નાયકની ઝુમતી શૈલીને અનુરૂપ વાયોલિનના સૂરથી ગીતનાં પ્રીલ્યુડની વાદ્યસજ્જાની ગુંથણી કરાઈ છે.
બીજાં વર્ઝનમાં હવે માહૌલ પાર્ટીનો છે. નાયક તો તેની આગવી અદામાં નાયિકાને 'અપના યાર' બનાવવા માટે રીઝવવાની તરકીબો અજમાવતો રહે છે. ફિલ્મોની પાર્ટીઓમાં બનતું હોય છે તેમ પાર્ટીમાં આવેલ અન્ય લોકો પોતાનું અહીંયાં શું કામ છે તે સમજ્યા વિના જ ગીતને માણી લેતાં રહે છે.
અને ફિલ્મમાં આનંદની ઘડીઓ બાદ પ્રેમના વિરહની પીડાનું ચક્ર પૂરૂં થતાં વાર નથી લાગતી.
ત્રીજું વર્ઝન હવે વિરહની છૂપી પીડાને વાચા આપી રહે છે.
સુન લે તૂ દિલકી સદા, પ્યાર સે પ્યાર સજા - તેરે ઘર કે સામને (૧૯૬૩) – ગાયક : મોહમ્મદ રફી – સંગીતકાર : એસ ડી બર્મન
ગીતના ભાવ વડે ફિલ્મના મૂડને બહુ જ અસરકારક રીતે રજૂ કરવાની દિગ્દર્શકની આગવી સૂઝનો આ ગીત એક આદર્શ નમૂનો કહી શકાય. પહેલાં વર્ઝનમાં પોતાના (પણ સામ સામે કિનારે ઊભેલા બંને પક્ષના) વડીલોના આત્માના અવાજને ઢંઢોળી અને જૂઠા માનઅભિમાનની દિવાલ તોડી નાખવાની અપીલમાં નાયકના વિશ્વાસને ઝીલી લેવામાં આવ્યો છે.
પણ, પોતાના તેમ જ સમાજે ઊભા કરેલા, શાનોશૌકતના ખયાલો એમ કોઈને કીધે છોડે તો વડીલ વડીલ શેનાં કહેવાય ! આ પરિસ્થિતિમાં ઊંડે ઊંડે હાર પામવાની આછી આછી હતાશા નાયકનાં દિલમાં પણ છલકે, પણ ઉભરે છે, પણ તેને હાવી ન થવા દેવા માટે યુવાનીનાં જોશનો વિશ્વાસ પણ હજૂ બરકરાર છે તેવા મિશ્રિત ભાવોને બીજાં વર્ઝનમાં ઝીલી લેવાના છે. સંગીતકાર અને ગાયકે ગીતની ગાયકીમાં કરેલા સૂક્ષ્મ, પણ ખૂબ જ અસરકારક, ફેરફારો આ ભાવનાં નિરૂપણમાં સફળ રહેલ છે.
સચ્ચા હૈ અગર પ્યાર તેરા સનમ, હોંગે નહીં જૂદા કભી હમ - ઝૂક ગયા આસમાન (૧૯૬૮) – ગાયક : મોહમ્મદ રફી સંગીતકાર : શંકર જયકિશન
વૉલ્ત્ઝની મધ્યમ લયમાં સજાવાયેલાં ગીતમાં શંકર જયકિશનની વાદ્ય સજ્જા અને રાજેન્દ્ર કુમારની અદાકારીને ગાયનના ભાવમાં ઉતારવા માટે હવે જાણીતી થઇ ચૂકેલી મોહમ્મદ રફીની હરકતો પહેલાં વર્ઝનને રોમાંચિત કરી આપે છે.
બીજાં વર્ઝનમાં લય એકદમ ધીમી થઈ ગઈ છે, તાલવાદ્યોની જગા પિયાનોએ લઇ લીધી છે અને રફીની હરકતો નાયકની વિચારોમાં ગર્ત થયેલી દશાનું પ્રતિબિંબ પાડે છે.
ગીતનું પહેલાં વર્ઝનમાં નાયક ખુશી ખુશી પોતાના પ્યારના બંધનની શક્તિને પ્રેમિકા સાથે વહેંચે છે.
જીવનની રાહમાં આવી ગયેલા વળાંકોમાં હવે એકલો પડી ગયેલો નાયક પ્યારનાં એ જ બંધનની શક્તિના વિચારોમાં ખોવાઈને પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્નશીલ જણાય છે.
પહેલાં વર્ઝન અને બીજાં વર્ઝનની લય અને વાદ્યસજ્જામાં તો ભાવને અનુરૂપ ફેરફાર કરાયા જ છે, પણ તે સાથે મોહમ્મદ રફી તેમની 'હરકતો'ને પણ ગીતના મૂડને અનુસાર ઢાળી છે.


હવે પછીના અંકમાં આપણે આ સિવાયના વિવિધ મુડવાળાં પુરુષ એકલ ગીતોનાં વર્ઝન સાંભળીશું.

No comments: