Sunday, July 24, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૪)



આપણે ૧૬-૪-૨૦૧૬ના મણકામાં આપણે પ્રસ્તુત વિષયનો પરિચય કર્યો હતો. તે પછી -૫-૨૦૧૬ના અંકમાં આપણે આપણી સફરને આગળ ધપાવ્યા પછી શ્રી હરીશભાઈ રઘુવંશીએ  ૪-૬-૨૦૧૬ના રોજ આપણને મુકેશનાં જાણીતાં ગીતોના પરદા પર ઓછા જાણીતાં કળાકારો સાથે મેળાપ કરાવી આપ્યો. એ ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકારોની ઓળખાણ આજના આ લેખના અંતમાં થઈ શકશે.
આજે આપણે હવે એ જ રીતે મન્ના ડેના સ્વરમાં ગ્વાયેલ ગીતોના પર્દા પર ઓછા જાણીતા કળાકરોની વાત કરીશું.
મન્ના ડે એક એવા સક્ષમ પાર્શ્વગાયક હતા જેમના અવાજની ખૂબીઓ તેમને કોઈક જગ્યાએ વાણિજ્યિક સફળતાનાં ધોરણોને પાર કરવામાં નડી ગઈ. જેમ કે, તેઓ શાસ્ત્રીય ગાયનમાં નિપુણ હતા, એટલે એ સિવાયની સીચ્યુએશનમાં તેમનો બહુ ઉપયોગ કરવામાં સંગીતકારો પાછળ રહી જતા હતા. તેમના અવાજમાં એક એવી ખૂબૂ હતી જે સામાન્ય લોકો માટે ફરીથી ગાવામાટે તેમણે ગાયેલી ધુન મુશ્કેલ બનાવી દેતી. આ કારણે જે સુગેય, સરળ રચનાઓ હતી તે ગીતો જેમને સ્વરની સીમાઓ નડતી તેવા ગાયકોને ફાળે પહોંચી જતી. એટલે પછી એમ કહેવાતું કે મન્ના ડેનાં ગાયેલાં ગીતો સારાં બહુ, પણ લોકપ્રિય ઓછાં થાય !!
ખેર આપણો વિષય આ ચર્ચાનો નથી. પણ તેમના અવાજની આવી ખૂબીઓને કારણે તેમનાં બહુ ઘણાં ગીતો એવાં હતાં જે સામાન્ય સિચ્યુએશનમાટે ન રચાતાં. એટલે આવાં ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકાર પણ અસામાન્ય - એટલે કે પ્રથમ હરોળનાં નાયક/ નાયિકાઓ ન હોય - હોય તેવું પણ બહુ વાર થતું. બસ, આ છે આપણો વિષય......
ચલી રાધે રાની અખિયોંમેં પાની અપને મોહનસે મુખડા મોડ કે - પરિણીતા (૧૯૫૩) - મન્ના ડે - સંગીતકાર : અરૂણકુમાર મુખર્જી -  ગીતકાર:  ભરત વ્યાસ
બંગાળની બૌલ લોક ગીતની આગવી શૈલીમાં રચાયેલું છે. ફિલ્મમાં તેનાં બે વર્ઝન છે જે આ એક જ ક્લિપમાં સાંભળવા મળે છે.


ખરૂં કારણ નથી જાણવા મળ્યું કે આ ગીતને ગીતા દત્તના સ્વરમાં શા માટે રેકર્ડ કરવામાં આવ્યું હતું. 

આન મિલો આન મિલો શ્યામ સાંવરે - દેવદાસ (૧૯૫૫) - ગીતા દત્ત, મન્ના ડે – સંગીતકાર: સચિન દેવ બર્મન ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ પણ બૌલ શેલી પરની રચના છે. એક બહુ જ કર્ણપ્રિય યુગલ ગીત.

કેતકી ગુલાબ જૂહી ચંપક બન જૂલે - બસંત બહાર (૧૯૫૬) - પંડિત ભીમસેન જોશી, મન્ના ડે – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર

શંકર જયકિશનની પ્રસ્થાપિત થઈ ચૂકેલ લોકપ્રિયતાને 'બસંત બહાર'નાં શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતોએ અનોખો આયામ બક્ષ્યો. તેમાં પણ અજાણ કહી શકાય તેવા કળાકાર માટે અને તે પણ સ્પર્ધામાં હારી જવાની સ્થિતિમાં મુકાવાનું છે તેમ નક્કી હોવા છતાં એ પ્રકારની સીચ્યુએશનમાં પંડિત ભીમસેન જોશીની કક્ષાના ગાયકનો સ્વરપ્રયોગ કરવો એ બહુ મોટી વાત કહી શકાય.



ન તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ - બરસાતકી રાત (૧૯૬૦) - મન્ના ડે, એસ ડી બાતિશ, આશા ભોસલે, સુધા મલ્હોત્રા, મોહમ્મદ રફી અને સાથીઓ – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી

હિંદી ફિલ્મમાં કવ્વાલીઓનું સ્થાન અદકેરું રહ્યું છે. આ કવ્વાલી તો તાજ પરનો હીરો ગણાય છે.



તુમ જો આઓ તો પ્યાર આ જાયે, જિંદગીમેં બહાર આ જાયે - સખી રોબીન (૧૯૬૨) - મન્ના ડે, સુમન કલ્યાણપુર – સંગીતકાર: રોબીન બેનર્જી ગીતકાર: યોગેશ ગૌડ

કેટલું મધુરૂં યુગલ ગીત...


લાગા ચુનરીમે દાગ છુપાઉં કૈસે - દિલ હી તો હૈ (૧૯૬૩) - મન્ના ડે – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી  
શાસ્ત્રીય થાટ પર મન્ના ડે ગાયેલ અનેક રચનાઓમાંથી બહુ જ લોકપ્રિયતા પામેલી રચનાઓ પૈકી એક. મૂળ ગીતના પરદા પર ગાયક તો રાજ કપૂર છે એ તો આપણને તેમના છદ્મવેશ ઉપરાંત પણ ખબર પડી જ ગઈ છે. થિયેટરમાં બેઠેલાં બધાંને જ ખબર પડે કે વેશ બદલેલ કળાકાર કોણ છે, પણ ફિલ્મમાં કોઈને જ ખબર ન પડે!

પૂછો ન કૈસે મૈને રૈન બીતાઈ - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) – સંગીતકાર: સચિન દેવ બર્મન ગીતકાર: શૈલેન્દ્ર 

ગીતના પહેલા ભાગમાં પિતા બાળક અશોક કુમારને સંગીતના પાઠ ભણાવે છે. બાળકના સ્વરની એક પંક્તિ કોઈ સ્ત્રી ગાયિકા પાસે ગવડાવાઈ છે, પણ તેનું નામ ક્રેડીટ્સમાં નથી.
ચલત મુસાફિર મોહ લિયો રે પીંજરેવાલે મોનિયા - તીસરી કસમ (૧૯૬૪) - મન્ના ડે અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન  - ગીતકાર: શૈલેન્દ્ર

રાજ કપૂર તો આવીને ગીતની મજા માણવામાં એક નાનાં સાં વાદ્યથી તાલ આપવાનો ફાળો આપે છે.


ઉસકો નહીં દેખા હમને કભી, પર ઈસકી જરૂરત ક્યા હોગી, અય માં તેરી સૂરત સે અલગ ભગવાનકી સૂરત ક્યા હોગી - દાદીમા (૧૯૬૬) - મન્ના ડે અને મહેન્દ્ર કપૂર – સંગીતકાર: રોશન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીતમાં મા તરીકે ૧૯૫૩ની ફિલ્મનાં અનારકલી છે.

જીવનસે લમ્બે બંધુ યે જીવનકે રસ્તે - આશીર્વાદ (૧૯૬૮)- મન્ના ડે – સંગીતકાર: વસંત દેસાઈ ગીતકાર: ગુલઝાર
મન્ના ડેના સ્વરની બધી જ ખૂબીઓ અહીં સાંભળવા મળશે.


કાલ કા પહિયા ઘૂમે ભૈયા લાખ તરહ ઈન્સાન ચલે - ચંદા ઔર બીજલી (૧૯૬૯) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: નીરજ

આ ગીત મહદ અંશે બેકગ્રાઉન્ડમાંથી ગવાય છે એમ પણ કહી શકાય 



બલમા મોરા આંચરા - સંગત (૧૯૭૬) - મન્ના ડે, લતા મંગેશકર – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: યોગેશ

છે તો આ કળાકારો ફિલ્મનાં મુખ્ય કળાકારો પણ તેઓનાં  નામ હજૂ લોકજીભે ચડ્યાં નથી.



તેરી ગલીયોંમેં હમ આયેં - મિનૂ (૧૯૭૭) - મન્ના ડે, અંતરા ચૌધરી – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: યોગેશ

સલીલ ચૌધરીની કારકીર્દીના અંતકાળ કહી શકાય તેવાં વર્ષોમાં પણ તેઓ આવાં અદ્‍ભૂત ગીતો આપણને આપી ગયા છે.

આજના વિષયના વ્યાપને ધ્યાનમાં લીએ તો પણ મન્ના ડેનાં આ પ્રકારનાં ગીતો તો જેટલાં યાદ કરો તેટલાં મળી આવે. પરંતુ,  આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૪-૬-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-

  • મૈં જાનતી હૂં, તુમ જૂઠ બોલતે હો- મેમ દીદી (૧૯૬૧), લતા મંગેશકર, મુકેશ – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકાર : તનુજા કે સી મેહરા, ડેવીડ અબ્રાહમ, જયંત

  • સપનોંમેં મેરે કોઈ આયે જાય, ઝલકી દિખાયે ઔર છૂપ જાયે - પૂનમકી રાત (૧૯૬૫) - લતા મંગેશકર અને ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકારો : મનોજ કુમારની સાથે બીજા અંકમાં ફિલ્મ 'લાડલા'નાં ગીતમાં આપણે પરિચય કરી ચૂક્યાં છીએ તે કુમુદ છુગાની અને અંતરામાં @૨.૨૧ જે પ્રવેશે છે તે નંદિની

  • ઝિંદગી હૈ ક્યા ...બોલો ઝિંદગી હૈ ક્યા - સત્યકામ (૧૯૬૯) - કિશોર કુમાર, મહેન્દ્ર કપુર અને સાથીઓ સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: કૈફી આઝમી - પર્દા પર કળાકારો : અસરાની, ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર જ ઓળખાઈ શકાયા છે

  • હાલ ચાલ ઠીક ઠાક હૈ, સબ કુછ ઠીક ઠાક હૈ - મેરે અપને (૧૯૭૧) - કિશોર કુમાર અને સાથીઓ સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: ગુલઝાર - પર્દા પર કળાકારો : વિનોદ ખન્નાનાં નેતૃત્ત્વવાળી આ મિત્રટુકડીમાં પૈંટલ, દિનેશ ઠાકુર કે ડેની ડેંઝોગ્પા જેવા અમુક કળાકારો ઓળખાઈ શકે છે.

હવે પછીના અંકમાં મન્નાડેના સ્વરમાં એક બહુ જ પ્રચલિત થયેલ, પણ બહુ જ ખાસ પ્રકારનાં ગીતો દ્વારા બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોમાં જાણીતા કે ઓછા જાણીતા કળાકારો દ્વારા કરાયેલ વિશિષ્ઠ અદાયગી સાથેની સફર ચાલુ રાખીશું……………

No comments: