Sunday, January 29, 2017

દિલીપ ધોળકિયા - કિસ્મતે યારી ન આપેલ કાબેલ સંગીતકાર



૧૫મી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ આપણે દિલીપ ધોળકિયાનો ગાયક તરીકે સુપેરે પરિચય કર્યો છે. આજે આપણે તેમની સંગીતકાર તરીકેની કારકીર્દીથી અવગત  થઈશું.
ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો અને આધા તેલ ઔર આધા પાની એ બે ગીતો દિલીપ ધોળકિયાની સંગીતકાર તરીકે સફરનાં પહેલાં બે છડીદાર હતાં.
હિંદી ફિલ્મ સંગીતની નસીબ દેવીની કેવી બલિહારી છે કે સંખ્યાની દૃષ્ટિએ દિલીપ ધોળકિયાના નામે ગણીને  ૮ હિંદી અને ૧૧ ગુજરાતી ફિલ્મોનું સંગીત દિગ્દર્શન બોલે છે. નોંધપાત્ર વાત એ છે કે આટલી મર્યાદીત તકો દરમ્યાન પણ તેમણે એ સમયનાં દરેક પાર્શ્વ ગાયકો પાસે પોતાનાં ગીતો ગવડાવીને પોતાનાં કૌશલ્યનો પૂરતો પરિચય દુનિયા સમક્ષ મૂકી આપ્યો છે.
ગાયક તરીકે કે પછી સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકીર્દી રંગ લે ત્યાં સુધી રાહ જોવાને બદલે દિલીપ્ભાઇએ એસ એન ત્રિપાઠી સાથે અને પછી ચિત્રગુપ્ત સાથે સહાયકની ભૂમિકા સ્વીકારીને હિંદી ફિલ્મ જગત સાથે તેમનો સંબંધ જાળવી રાખ્યો.
આપણે આજે તેમણે રચેલાં હિંદી ફિલ્મનાં ગીતોની વાત કરીશું.
સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને પહેલો મોકો મળ્યો ૧૯૬૦ની એક ધાર્મિક ફિલ્મ 'ભક્ત મહિમા'માટે. એમણે આ ફિલ્મ માટે ૧૬ ગીતોની રચના કરી.કમનસીબે નેટ પર આમાનું એક ગીત પણ ઉપલ્બધ નથી જણાયું.
તે પઃઈ ૧૯૬૧માં તેમને 'તીન ઉસ્તાદ' ફિલ્મમાં સંગીત દિગ્દર્શનની તક મળી. તલત મહમૂદ-સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફી-સુમન કલ્યાણ્પુરનું એક એક યુગલ ગીત અને લતા મંગેશકર અને ઉષા મંગેશકરે ગાયેલાં એક એક સૉલો ગીતોની નોંધ નેટ પર લેવાયેલી જોવા મળે છે. પરંતુ સાંભળવા માટે આ પૈકી એક પણ ગીતનું ડિજીટલ વર્ઝન મળી શક્યું નથી.
એ જ વર્ષમાં તેમનૅ 'સૌગંધ' માટે પણ સંગીત આપ્યું. આ ફિલ્મ તમિળ ફિલ્મની હિંદીમાં રીમેક હતી.ફિલ્મમાં તેમણે તલત મહમૂદ અને લતા મંગેશકરનાં બે યુગલ ગીતો, લતા મંગેશકરનાં બે સૉલો ગીતો રેકર્ડ કર્યાં મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં યુગલ ગીત  - ખનકે કંગના ખન ખન રે   - માં તેઓ ખુદને અને ગીતકાર પ્રેમધવનને પણ ગાયનમાં જોડવાનો અનોખો પ્રયોગ પણ તેમણે કર્યો.
આજા રે ચાંદ મેરે આજા રે, ચાંદ મેરે ચાંદ મેરા દિલ યે તેરા રે - સૌગંધ (૧૯૬૧) - તલત મહમૂદ, લતા મંગેશકર - ગીતકાર પ્રેમ ધવન
પછીનાં વર્ષે દિલીપભાઈને 'બગદાદકી રાતેં'નાં સંગીતનું નિદર્શન કરવાની તક મળી.ગીતા દત્ત અને લતા મંગેશકર અ બન્નેનાં ત્રણ ત્રણ સૉલો ગીતોની સાથે મોહમ્મદ રફી+શમશાદ બેગમ અને મોહમ્મદ રફી-ગીતા દત્તનું એક એક યુગલ ગીત તેમણે રજૂ કર્યું. અહીં ગાયકોની પસંદગીમાં બજેટની સંકડાશ ઉપરાંત દિલીપભાઈની આગવી દૃષ્ટિ પણ જોઈ શકાય છે. અહીં પસંદ કરેલ ગીત એકદમ હળવા મુડનું છે, એટલે રફી અને શમશાદ બેગમને પોતપોતાની હરકતો કરવા માટે પૂરતી મોકળાશ કરી આપી છે.
ઝુલ્ફોંવાલો સે ન ભૂલ કે ભી પ્યાર કિજિયે જી - બગદાદકી રાતેં - મોહમ્મદ રફી, શમશદ બેગમ અને સાથીઓ - ગીતકાર - પ્રેમ ધવન 
અને આ ગીતમાં મધ્ય-પૂર્વ એશિયામાં પ્રચલિત ધુન અનેવાદ્યસજ્જાની પૂરતી છાંટ લેવાની સાથે ગીતા દત્તની રેશમી મુલાયમતાને જરા પણ ઝાંખી નથી પડવા દીધી.
કિસી સે પ્યાર હો તો દિલ બેક઼રાર હો તો આઓ જરા લેતે જાઓ અજી દિલકી દવા - બગદાદકી રાતેં - ગીતા દત્ત - ગીતકાર પ્રેમધવન 
૧૯૬૨માં દિલીપભાઈનાં સંગીત નિદર્શનવાળી હજૂ એક ફિલ્મ - પ્રાઈવેટ સેક્રેટરી-  પણ રજૂ થઇ હતી. ફિલ્મમાં અશોક કુમાર હીરો છે, મરાઠી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી , જયશ્રી ગડકર, હીરોઈન છે,ફિલ્મની વાર્તા એક થ્રીલર છે. આમ 'સામાન્ય' સંગીતકારની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જવા માટે જે કંઇ હોવું જોઈએ એ બધું જ આ ફિલ્મમાં હતું. અને દિલીપભાઈએ આ પડકાર ઝીલ્યો પણ એટલી જ અદાથી. ફિલ્મમાં ૭ ગીતો હતાં અને દરેક ગીત દાદ આપવાને યોગ્ય હતું. લતા મંગેશકરના સ્વરમાં કુલ ચાર ગીતો હતાં. એ સમયે લતા મંગેશકરનાં જે કંઈ ગીતો બન્યાં એમાનાં મોટા ભાગનાં ગીતોની તોલે આવે એવું એક  ગીત છે - જા જા રે ચંદા જા રે તેરી ચાંદની મોરા જિયરા જલાયે જા..


આ સિવાયનાં લતા મંગેશકરનાં બીજાં ત્રણ સૉલો ગીતો યુ ટ્યુબ પર સાંભળવા મળે છે.

મન્નાડે નું સૉલો ગીત  જા રે બેઈમાન તૂઝે જાન લિયા જાન લિયા આપણે'જાણીતાં ગીતોના ઓછાં જાણીતાં કળાકારો'ના  ૬-૮-૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ અંકમાં સાંભળી ચૂક્યાં છીએ. આજે મન્ના ડે અને મોહમ્મદ રફીનું એક સાવ હળવા મૂડનાં યુગલ ગીત - પ્યાર કા મારા હું મેં જૂલી -ની મજા માણીએ - 


કોઈ પણ સંગીતકારના હાથે એક આદર્શ મધુર રચના સર્જવા માટે બધાં જ તકનીકી પરિબળો હોય પણ જો તેમાં કંઈક એવીં ખાસ તત્વ ખૂટતું હોય છે જે ગીતને તકનીકી કક્ષાની સાથે લોકચાહનાની પણ ઊંચી ક્ક્ષાએ લાવી મૂકે. 'પ્રાઈવેટ સેક્રેટરી'નાં ગીતોએ સાબિત કરી આપ્યું હતું કે દિલીપ ધોળકિયા પાસે જાદુઈ સ્પર્શ છે. તે પછી ૧૯૬૩માં આવેલ ગુજરાતી ફિલ્મ 'સત્યવાન સાવિત્રી"નાં ગીતોમાં પણ એ સ્પર્શ જોવા મળવાનું ચાલુ રહ્યું.
આવી રસીલી ચાંદની, વન વગડો રેલાવતી - સત્યવાન સાવિત્રી (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર - ગીતકાર ભાસ્કર વોરા
મોહમ્મદ રફીનું સૉલો ગીત મીઠડી નજરૂં વાગી, એ ઝૂકી ઝૂકી શરમાય, મલકી હૈયું નચવી જાય, માંયલી ભરમું ભાંગી ગુજરાતી ગીતોમાં અગ્ર હરોળનું ગીત ગણી શકાય તે કક્ષાનું બન્યું છે.
હિંદી ફિલ્મોમાં સાંભળવાં મળે એ કક્ષાનાં ગીતો ગુજરાતી ફિલ્મોમાં પણ આપી શકાય એ  દિલીપભાઈએ કરી બતાવ્યું.
ખેર, આપણું ધ્યાન તો તેમનાં સંગીત નિદર્શનવાળી હિંદી ફિલ્મો પર છે એટલે આપણે પાછા મૂળ પાટે ચડીએ.
'પ્રાઈવેટ સેક્રેટરી'ની કમાલ છતાં દિલીપભાઈને તે પછીની હિંદી ફિલ્મ - વીર ઘટોત્કચ - છેક ૧૯૭૦માં આવી. ફિલ્મમાં મુકેશનું સૉલો ગીત - ઉસ પ્રથમ પ્રથમ પરિચયમેં હી મૈને ખોયા થા અપનાપન - ધ્યાનાકર્ષક જરૂર હતું, પણ પ્રાઈવેટ સેક્રેટરી'વાળો સ્પર્શ ક્યાંક ખૂટતો જણાવા લાગે છે.
૧૯૭૦માં જ દીલીપભાઈનાં સંગીત દિગ્દર્શનવાળી એક વધારે ફિલ્મ - દગાબાઝ - પણ રજૂ થઈ. ફિલ્મમાં મુકેશના સ્વરમાં હમ મનમૌજી રાહી મસ્તાને રાહોંમેં રૂકના ના જાને - બે અલગ મૂડમાં ગવાયેલું એક સૉલો ગીત હતું - 

મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં ફિલ્માવાયેલું આ મેરી બાહોંમેં ઝૂલ જા ચંદ્ર શેખર અને હેલન પર ફિલ્માવાયું છે. દિલીપભાઈની જેમ આ બન્ને કલાકારોમાં પણ હુન્નરની કમી નહોતી પણ સાથે સાથે તેમને પણ નસીબનો સાથ  નહોતો.
દિલીપભાઈની સંગીતકાર તરીકેની ભ્રમણકક્ષામાં ધાર્મિક ફિલ્મોનું બળ એટલું હશે કે ૧૯૭૨માં રજૂ થયેલ તેમની આઠમી હિંદી ફિલ્મ ફરી એકવાર એક ધાર્મિક ફિલ્મ - માતા વૈશ્નોદેવી - હતી. ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં ફિલ્માવાયેલું ગીત મન કે કોરે કાગઝ પર ખીંચ લો તસવીર રામ કી  બહુ જાણીતા ચરિત્ર કલાકાર જીવન પર ફિલ્માવાયું છે. જીવન જેમ વીલનની ભૂમિકાઓની છાપ મીટાવી ન શકયા તેમ દિલીપભાઈ ધાર્મિક ફિલ્મો માટે જ પોષાય તેવા સંગીતકારની છાપ ભુંસી ન શકયા !

નસીબની આ વક્રતા આ જ ગીતનાં આશા ભોસલેનાં સ્વરમાં ગવાયેલ ગીત સાથે પણ વળગી રહી છે. ફિલ્મમાં આ ગીત જયશ્રી ગડકર પર ફિલ્માવાયું છે જેઓ પણ હિંદી ફિલ્મોમાં ધાર્મિક ફિલ્મોની ભ્રમણકક્ષામાંથી બહાર ન આવી શકયાં.
આજના આ અંકનો આપણો મુખ્ય આશય દિલીપ ધોળકિયાનાં સ્વરબધ્ધ કરેલાં હિંદીફિલ્મોનાં ગીતો સાંભળવાનો છે તેમ છતાં લેખના અંતમાં તેમનાં હરીન્દ્ર દવે રચયિત ચાર ગૈરફિલ્મી ગુજરાતી ગીતોને યાદ કરવાની લાલચ નથી રોકી શકાતી.
કોઇ આઘે આઘેથી વેણુ વાય છે, રે મને જતી રહું, જતી રહું થાય છે. - સ્વર : કૌમુદી મુન્શી - રચના : હરિન્દ્ર દવે

ના ના નહીં આવું મેળાનો મને થાક લાગે - લતા મંગેશકર

રૂપલે મઢી છે રાત એનું ઢૂંકડું ન હોજો પ્રભાત - સ્વરઃ લતા મંગેશકર

અને દિલીપ ધોળકિયાની અને ગુજરાતી સુગમ સંગીતમાં ટોચની રચનામાં જેનું સ્થાન રહેશે તેવું એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે પલકમાં ઢળી પડે આથમણે

આમ જોઈશું તો નસીબે દિલીપ ધોળકિયાને દુન્યવી દૃષ્ટિએ યારી કદાચ ન આપી હોય, પણ સંગીત સાથેની લેણાદેણીમાં તેણે ક્યાંય હાથ ટૂંકો નથી કર્યો.

No comments: