Sunday, February 5, 2017

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૧૧)



૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૬-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૧૬-૭-૨૦૧૬ અને ૬-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડે અને તે પછી જ ૩-૯-૨૦૧૬ અને ૧-૧૦-૨૦૧૬ ના રોજ મોહમ્મદ રફીના સ્વરમાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા. ૫-૧૧ અને ૩-૧૨-૨૦૧૬ના અંકોમાં આપણે નૃત્ય ગીતોને પરદા પર ભજવતાં નામી અનામી કળાકારોની વાત કરી હતી. તે પછીની કડીમાં, ૭-૧-૨૦૧૭ના રોજ, આપણે પાર્શ્વગાયકને જ પરદા પર ગીત ભજવતાં જોયાં.

હિંદી ફિલ્મોમાં પ્લેબેક ગાયનની પ્રથા પ્રસ્થાપિત થઈ ગયા પછી ફિલ્મોમાં ગીતોની સીચ્યુએશન માટે દિગ્દર્શકોને વિવિધ વિકલ્પો શક્ય બનવા લાગ્યા કારણકે હવે તેમણે પરદા પર અભિનય કરનાર અદાકારનાં ગાયન કૌશલ્યને ગણતરીમાં લેવાની જરૂર નહોતી.જો કે મોટા ભાગનાં ગીતો જાણીતા ચહેરા પર જ ફિલ્માવવામાં વાણિજ્યિક સફળતાની સલામતી જોવામાં આવતી. આ કારણે '૫૦ના દાયકાથી લતા મંગેશકરના ભાગે સામાન્યતઃ મુખ્ય અભિનેત્રીઓમાટે જ ગીતો ગાવાનું રહેતું. તેમના સમયમાં ગીતા દત્ત પણ મુખ્ય નાયિકાઓ માટે ગીતો ગાતાં. આશા ભોસલેએ પણ ઘણી વાર મુખ્ય નાયિકાઓ માટે જ ગીતો ગાયાં છે. નૂત્ય ગીતો કે કવ્વાલીઓ જેવાં ખાસ પ્રસંગોનાં ગાયન પ્રકારોને બાદ કરતાં આ પાર્શ્વગાયિકાઓએ પણ પ્રસંગોપાત ઓછી જાણીતી અભિનેત્રીઓ માટે પણ ફિલ્મનાં કથાનકમાં મહત્ત્વનાં હોય તેવાં ગીતો ગાયાં છે. આજે આ પ્રકારનાં કેટલાંક ગીતો સાંભળીશું.

હવા મેં ઉડતા જાયે મેરા લાલ દુપટ્ટા મલમલકા હો જી - બરસાત (૧૯૪૯) – ગાયક: લતા મંગેશકર – સંગીત: શકર જયકિશન – ગીતકાર: રમેશ શાસ્ત્રી
રાજ કપૂર એક એવા દિગ્દર્શકોમાંના હતા જે ગીતની સીચ્યુએશનને મહત્ત્વ આપતા અને તે મુજબ પરદા પર બહુ ઓછાં જાણીતાં કલાકારને ભાગે એ ગીત ગાવાનું આવે તો તેને પણ એ મહત્ત્વ મુજબનો ફૂટેજ જરૂરથી આપતા. આ ગીત રેકર્ડ થયું ત્યારે લતા મંગેશકરનું હિંદી ફિલ્મોનાં એકમેવએક પાર્શ્વગાયિકા તરીકેનું ટોચનું સ્થાન હજૂ પ્રસ્થાપિત થવું બાકી હતું. એટલે આર. કે.ની પછીની ફિલ્મોમાં આ પ્રકારની સીચ્યુએશનમાં આવાં ગીતો લતા મંગેશકર સિવાયનાં ગાયકો એ ગાયાં, પણ તેથી એ ગીતોનાં મહત્ત્વ અને લોકપ્રિયતા પર અસર નથી પડી.
ગુરુ દત્ત પણ એવા જ એક દિગ્દર્શક હતા જે ગીતની સીચ્યુએશન મુજબ ગીતનું ફિલ્માંક્ન કરવાને મહત્ત્વ આપતા હતા. આ ગીતોમાં ઘણી વખત પરદા પર ભજવતાં કળાકાર બહુ જાણીતાં ન હોય, પણ તેમને ગીતમાં ઉચિત મહત્ત્વ મળતું. ગુરુ દત્તની ફિલ્મોનાં એવાં કેટલાંક ગીતો સાંભળીએ -

કભી આર પાર લાગા તીરે નઝર.. સૈયાં ઘાયલ રે કિયા તુને મેરા જિગર - આર પાર (૧૯૫૪) – ગાયક: શમશાદ બેગમ – સંગીત: ઓ પી નય્યર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીત પરદા પર ગાયું એ કુમકુમનું હિંદી ફિલ્મ જગતમાં આ નામથી પર પદાર્પણ હતું. જે પછીથી તેમની કારકીર્દી ઘણા ચડાવઉતાર સાથે આગળ વધીઅને તેમણે પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું હતું.

પૂરક વાતઃ
શિશિર કુમાર વર્માએ કુમકુમનો તાજેતરનાં વર્ષોમાં લીધેલો ઇન્ટરવ્યુ ‘Diya Na Bujhe Ri Aaj Hamara’ – Kumkum’ પર વાંચી શકાશે. તેમાં આ ગીત કુમકુમ પર કેવા સંજોગોમાં ફિલ્માવાયું હતું તે પણ જાણવા મળે છે.
અબ તો જી હોને લગા કિસીકી સુરતકા સામના - મિ. એન્ડ મિસીસ ૫૫ (૧૯૫૫) - ગાયક શમશાદ બેગમ - સંગીત ઓ પી નય્યર ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી


પરદા પર રજૂ કરનાર આ કલાકાર કદાચ તેમણે મુગલ-એ-આઝમમાં અનારકલી (મધુબાલા)ની બહેન તરીકે વધારે જાણીતાં થયાં છે.
 
નીલે આસમાની બુજો તો યે નૈના કિસકે લિયે હૈ - મિ. એન્ડ. મિસીસ ૫૫ (૧૯૫૫) – ગાયક: ગીતા દત્ત – સંગીત: ઓ પી નય્યર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
અહીં પણ કેમેરા પરદા પર ગીત ગાઈ રહેલ અભિનેત્રીની આંખના ઈશારાથી હીરોઈન (મધુબાલા)ની આંખો વડે હીરો (ગુરુ દત્ત) પર થઈ રહેલા જાદુ તરફ આપણું ધ્યાન ખેંચે છે.
આજ સજન મોહે અંગ લગા લે જનમ સફલ હો જાય - પ્યાસા (૧૯૫૭) – ગાયક: ગીતા દત્ત – સંગીત: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ગીતનાં કેન્દ્રમાં આમ તો ફિલ્મની વાર્તાની મુખ્ય ધારાને મદદરૂપ થતાં પાત્ર ગુલાબોની ભૂમિકામાં વહીદા રહેમાન છે, પરંતુ ગીત પૂરતું પરદા પર ગઈ રહેલ અભિનેત્રીની અદાકારીને જે મહત્ત્વ આપાયું છે તેને કારણે ગીતનું ફિલ્માંકન ગીત જેટલું જ ધ્યાનાકર્ષક બની રહ્યું છે.

હવે થોડાં એવાં ગીતો જોઈએ જેમાં ગીતને પરદા પર ભજવનાર અભિનેત્રી અનજાન હતી અને ગીત સદાબહાર થવા છતાં અનજાન જ રહી...

તુમ જિયો હઝારોં સાલ કે સાલકે દિન હો પચાસ હજાર - સુજાતા (૧૯૫૬)- ગાયક: આશા ભોસલે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
ગીતનું કેન્દ્ર જેમનો જન્મ દિવસ જોરશોરથી ઉજવાઈ રહ્યો છે તે, શશીકલા, છે.

ઓ પંછી પ્યારે સાંઝ સતારે બોલે તો કૌનસી બોલી - બંદિની (૧૯૬૩) – ગાયક: આશા ભોસલે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: શૈલેન્દ્ર
અબકે બરસ ભેજ ભૈયાકો બાબુલ સાવનમેં લીજો બુલાય રે - બંદિની (૧૯૬૩) – ગાયક: આશા ભોસલે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: શૈલેન્દ્ર
ફિલ્મનાં નયિકા માટેનાં ગીત તો લતા મંગેશકરને ફાળે જાય એ વણલખ્યા નિયમ મુજબ 'બંદીની'નાં એ ગીતો લતા મંગેશકરે ગાયાં. પરંતુ બિમલ રોય જેવા દિગ્દર્શકને માટે આવી વાર્તામાં અન્ય પાત્રો માટે પણ શીર્ષ ગીતોથી ઓછાં ગીત તો ચાલે નહીં. આમ આપણને આશા ભોસલેનાં બહુ વિરલ કહી શકાય તેવાં ગીતો સાંભળવા મળ્યાં.

ધીરે ધીરે મચલ અય દિલ-એ-બેક઼રાર કોઈ આતા હૈ - અનુપમા (૧૯૬૬) – ગાયક: લતા મંગેશકર – સંગીતકાર: હેમંત કુમાર –ગીતકાર: કૈફી આઝમી
ફિલ્મ જગતમાં નસીબ કોના ખોળામાં શું નાખશે (કે નહીં નાખે) તે તો હંમેશાં અકળ જ રહ્યું છે. પ્રાણ થવા માગતા હતા હીરો પણ ફિલ્મ જગતે તેમને સૌથી વધારે સફળ વિલન બનાવ્યા. હેલન જેવી કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમને સહાયક અભિનયની એટલી લાંબી ઈનિંગ્સ રમવા મળે કે તેમાં પણ તેમનું સ્થાન એક ચોક્કસ ચોખઠામાં નક્કી થઈ ગયું હોય. પરદા પર આ ગીત ગાઈ રહેલ અભિનેત્રીને મેરે હઝૂર, આદમી ઔર ઈન્સાન, સાત હિન્દુસ્તાની જેવી ફિલ્મોમાં પણ નાનીમોટી ભૂમિકાઓ મળી છે.આ ફિલ્મમાં તો હૃષિકેશ મુખર્જી જેવા બહુ આગવી સૂઝવાળા દિગ્દર્શકે તેમને ફિલ્મનાં એક બહુ જ સફળ ગીતમાં બહુ મહત્વની ભૂમિકા પણ આપી. પણ નસીબનો દરવાજો ન ખૂલ્યો તે ન જ ખૂલ્યો.

હમને દેખી હૈ ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ,હાથ સે છૂ કે ઈસે રીશ્તોંકા નામ ન દો -ખામોશી (૧૯૬૯) – ગાયક: લતા મંગેશકર – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગુલઝાર
આ ગીતને પરદા પર રજૂ કરતી અભિનેત્રીનું પાત્ર ફિલ્મમાં ખાસ મહત્ત્વ ધરાવે છે, તેથી તેમને ફાળે આ ગીત પણ આવ્યું છે.
હમ થે જિનકે સહારે વો ન હુએ હમારે ડુબી જબથી નૈયા સામને થે કિનારે - સફર (૧૯૭૦) – ગાયક: લતા મંગેશકર – સંગીત: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ઈન્દીવર
રેડીયો માટે રેકર્ડ થઈ રહ્યૂં એવા પ્રકારનું ગીત જેમાં ફિલ્મનાં મુખ્ય પાત્રોનાં મનની વાત રેડીયો પરનાં ગીતના ભાવમાં ઝીલાય છે.

ધરતી અંબર નીંદ સે જાગે દેખો અપને આંગનમેં - ચૈતાલી (૧૯૭૫) – ગાયક: લતા મંગેશકર, મન્ના ડે – સંગીત: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: આનંદ બક્ષી
આ ફિલ્મનાં મુખ્ય કલાકારો તો ધર્મેન્દ્ર અને સાયરાબાનુ હતાં પરદા પર લતા મંગેશકરના સ્વરને અભિનિત કલાકારને આ પછીથી થોડી વધારે ફિલ્મોમાં પણ સહાયક અભિનેત્રીઓના નાના મોટા રોલ મળતા રહ્યા, પરંતુ પોતાનું એક સ્થાન નક્કી કરવાની બાબતે આ કલાકાર પણ સફળ નથી રહી શક્યાં.

આજના અંકની શરૂઆતમાં આપણે કુમકુમની વાત કરી જેમણે પહેલું પગલું એક ગીત પૂરતી જ જેમને ભૂમિકા આપવામાં આવી હતી તેવાં કલાકાર તરીકે કર્યા બાદ પોતાનું એક આગવું સ્થાન બનાવ્યુ. એવી જ બીજાં એક કલાકારની કારકીર્દીનાં શરૂઆતનાં બે ગીત સાંભળીએ.

પંખ હોતી તો ઉડ આતીરે રસિયા હો જાલમા તૂઝે દિલકા દાગ દીખલાતી રે - સેહરા (૧૯૬૩) - ગાયક: લતા મંગેશકર- સંગીત: રામલાલ – ગીતકાર: હસરત જયપુરી
આ ગીત ફિલ્માવાયું તો છે ફિલ્મનાં નાયિકા સંધ્યા પર, પણ આપણા વિષયને અનુરૂપ આપણે ધ્યાન આપીશું તેમનાં સહકાલાર પર. પ્રસ્તુત ગીતમાં તો આ કલાકારને માત્ર મુખ્ય નાયિકાની સહિયર તરીકે હાજીહા કરવાની ભૂમિકા જ મળી છે.

અબ દેર હો ગયી વલ્લાહ તૂ છોડ મેરા પલ્લા - રૂસ્તમ સોહરાબ (૧૯૬૩) - ગાયક આશા ભોસલે – સંગીતકાર: સજ્જાદ હુસૈન – ગીતકાર: ક઼મર જલાલાબાદી
માત્ર 'સહિયર'ની ભૂમિકામાંથી એક ગીત ગાવા મળવા સુધીની બઢતી પહેલાં વર્ષે જ થી ચૂકી છે આ કલાકારની, અને તે પણ પ્રેમનાથ જેવા સિનીયર કલાકાર સાથે.નાની નાની ભૂમિકાઓ કરનાર કલાકાર આગળ જતાં પ્રથમ હરોળનું સ્થાન મેળવી શકે એવા ગણ્યાગાંઠ્યા અપવાદોમાં આ સહકલાકારનું નામ બહુમાનથી લેવાય છે.આપણા હરીભાઈ જરીવાલા - સંજીવ કુમાર - પણ એવા જ એક કલાકાર હતા. આ બન્ને કલાકરોએ (અલગ અલગ) બહુ બધી ‘બી’ અને ‘સી’ કક્ષાની ફિલ્મોમાં કામ કર્યું અને તેમને બન્નેને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી એક ફિલ્મ - ખિલૌના (૧૯૭૦) - બન્નેનાં નસીબના દરવાજાઓ ખોલી નાખનાર ચાવી બની હતી તે પણ એક બહુ નોંધપાત્ર યોગાનુયોગ છે.

આજના અંકના અંતમાં એક ખાસ ગીત ...

લડી રે લડી તુઝ સે આંખ જો લડી - શોલા ઔર શબનમ (૧૯૬૧) - ગાયક જગજિત કૌર - સંગીત ખય્યામ - ગીતકાર પ્રેમ ધવન

પરદા પર આ ગીત જેમણે ગાયું છે તે કલાકાર આપણાં ગુજરાતી અભિનેત્રી છે અને આ ફિલ્મથી તેમણે હિંદી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. ગુજરાતી રંગમચ સાથે બહુ પરિચિત ન હોય તેવાં મિત્રો માટે તેમની પહેચાન દીના પાઠકનાં બેન તરીકે પણ આપી શકાય. ફિલ્મના નાયક ધર્મેન્દ્ર પણ ફિલ્મ જગતમાં નવા સવા હતા. આ ફિલ્મનાં અન્ય ગીતો - જિત હી લેંગે બાજી હમ તુમ ખેલ અધૂરા છૂટે ના અને જાને ક્યાં ઢૂંઢતી રહેતી આંખે મુઝમેં રાખ કે ઢેરમેં શોલા હૈ ન ચીનગારી હૈ - હિંદી ફિલ્મનાં શ્રેષ્ઠ ગીતોની પ્રથમ હરોળમા સ્થાન પામેલાં સદાબહાર ગીતો છે.

હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર આવતા અંકમાં પૂરી કરીશું..

No comments: