Sunday, December 3, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૭ - પુરુષ / સ્ત્રી સ્વરનાં સૉલો / યુગલ કે કોરસ ગીતના ત્રણ કે વધારે વર્ઝન [૨]



સૉલો કે યુગલ ગીતનાં ત્રણ સૉલો કે યુગલ કે કોરસ વર્ઝન એક જ ફિલ્મમાં હોય એવાં કેટલાંક ગીતો આપણે પહેલા અંકમાં સાંભળ્યાં. આજે હવે આ મણકાનો બીજો અને અંતિમ ભાગ સાંભળીશું.
વો સુબહ કભી તો આયેગી... - ફિર સુબહ હોગી (૧૯૫૮) - સંગીતકાર ખય્યામ ગીતકાર સાહિર લુધ્યાનવી
ફિલ્મનો આધાર પ્રખ્યાત રશિયન નવલથાકાર ફ્યોદૉર દૉસ્તોવસ્કીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથા ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ માનવામાં આવે છે. અમદાવાદમાં જશવંત ઠાકરની સંસ્થા ભરત નાટય પીઠ દ્વારા ક્રાઈમ  એન્ડ પનીશમેન્ટપરથી અંતરનો અપરાધીનાટક પણ થયું છે.
આટલાં સંવેદનશીલ કથાવસ્તુ માટે 'વો સુબહ કભી તો આયેગી' થીમ ગીતનાં માધ્યમ તરીકે ફિલ્મમાં પ્રયોજાયું છે. અહીં જે ક્લિપ લીધેલ છે તેમાં જૂદા જૂદા ચાર પ્રસંગોએ ગવાયેલ આ ગીત સાંભળી શકાય છે. મૂળ ગીત મૂકેશ અને આશા ભોસલેના યુગલ સ્વરમાં છે, જેમાં અશા ભોસલેના સ્વરનો ઉપયોગ અદૂભૂત રીતે કરાયો છે. આશા ભોસલેનું સૉલો વર્ઝન તો હૃદયની અંદર છે ઊંડે સુધી સ્પર્શી જાય છે..આ ઉપરાંત ફિલ્મનાં ટાઈટલ્સમાં પણ મૂકેશનું સૉલો વર્ઝન સાથ આપે છે.

આ ગીત મૂળે સાહિર લુધ્યાનવીની કવિતા છે. આ કવિતાનાં બીજાં સ્વરૂપમાં કવિ પૂર્ણ આશાવાદી બની જાય છે. આ આશાવાદી કવિતાનો એક ટુક્ડો ઉપર રજૂ કરેલ ક્લિપના અંતમાં સાંભળવા મળે છે.
વર્ષો પછી 'બેગમજાન'માં આ ગીતનો ફરી એક વાર પ્રયોગ થયો –
૧૯૬૭માં પાકિસ્તાનમાં પણ 'ફિર સુબહ હોગી' શીર્ષકથી એક ફિલ્મ બની હતી. એ ફિલ્મનું ટાઈટલ ગીત પણ સાંભળીએ...

યાદ આ ગયી વો નશીલી નિગાહેં - મંઝિલ (૧૯૬૦) સંગીતકાર: એસ ડી બર્મન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીત પણ ફિલ્મમાં જૂદા જૂદા સંદર્ભમાં આવતું રહ્યું છે. ગીતના ગાયક હેમંતકુમાર છે.
પહેલી વાર દેવ આનંદ પિયાનો પર ગીતની તર્જ વાગડે છે. નુતન કંઈ ગૂઢ મસ્તીમાં ઊપર પોતાના રૂમમાં જાય છે, પાછી આવે છે.એ વખતે દેવ આનંદના હોઠો પર ગીત સ્ફુરી ઉઠેછે.
હિંદી ફિલ્મોમાં બનતું રહે છે તેમ સંજોગોએ કંઈક એવો પલટો ખાશો છે કે નાયક હવે શરાબને સહારે નશીલી નિગાહેં યાદ કરે છે
ત્રીજી વાર ગીત હવે જાહેર મંચ પર જાય છે. ફ્લ્યુટના એક મીઠા ટુકડાથી શરૂઆત થતું આ વર્ઝન હવે નાયકની યાદોની આર્દ્ર સફર છે, જેને તે યાદ કરે છે તે અંતમાં હૉલના દરવાજે આવે છે.....
જબ જબ બહાર આયી ઔર ફુલ મુસ્કરાયે મુઝે તુમ બહુત યાદ આયે - તક઼દીર (૧૯૬૭) – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: આનંદ બક્ષી
ફિલમાં ગીત ત્રણ વાર જૂદા જૂદા સમયના અંતરાલના સંદર્ભમાં પ્રયોજાયું છે. દરેક પ્રસંગે ગીતને જૂદાં જૂદાં પાત્રોએ ગાયું છે એટલે સ્વાભાવિક છે કે ગીત માટે જૂદા જૂદા ગાયકોના સ્વર ઉપયોગમાં લેવાયા હોય.
પહેલી વાર ભારત ભુષણ પોતાના કુટુંબ સાથે ગીત ગાય છે, મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં ગીતમાં પરદા પર ભારત ભુષણનાં છોકરાં પણ ગીતમાં સંગાથ કરે છે.
બીજી વાર માતા શાળાના એક કાર્યક્રમ કૉયરના અંદાજમાં આ ગીત લતા મંગેશકરના સ્વરમાં ગવડાવે છે. ગીતને ઝીલનારાં બાળકોમાં તેમનાં બાળકો પણ છે.
ત્રીજી વાર મોટાં થયેલાં છોકરાંઓ એક પાર્ટીમાં ગીત ગાય છે મા પણ સ્વર પૂરાવે છે. ભારત ભૂષણ પણ દૂરથી ગીત સાંભળે છે. આ વર્ઝન ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને ઊષા તિમોટીના સ્વરમાં છે
આ ફિલ્મ મલાયલામાં વિધિ શીર્ષક હેઠળ બની લાગે છે, જેમાં આ ગીત યેસુદાસ
અને એસ જાનકીના સ્વરમાં પણ સાંભળવા મળે છે.
તુમ બીન જાઉં કહાં - પ્યારકા મૌસમ (૧૯૬૯) – સંગીતકાર: આર ડી બર્મન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ફિલ્મમાં ગીત ચાર વખત પ્રયોજાયું છે.
પહેલી વાર યુવાન ભારત ભુષણ તેના પુત્રની સાથે ગીત ગાય છે. 
ફરી વાર મોટો થયેલો એ પુત્ર, શશી કપૂર, પોતાની પ્રિયતમાને ઉદ્દેશીને ગીત ગાય છે. 
તે પછી શશી કપૂરને ભરી મહેફિલમાં અપમાનભરી રીતે ગીત ગાવાનું કહેવામાં આવે છે, જેના પ્રતિભાવની ફરિયાદ એ આ ગીતના સ્વરૂપે કરે છે. 
છેલ્લે વૃધ્ધ ભારત ભુષણ નાની મોટી વસ્તુઓ વેંચીને ગીત ગાઈને ભૂતકાળને યાદ કરી લે છે. મોટો થયેલો પુત્ર, શશી કપૂર પણ આ ગીતને સાંભળે છે.
ભારત ભૂષણ પર ફિલ્માવાયેલાં બન્ને ગીતો કિશોર કુમારે લાગણીસભર સૂરમાં ગાયાં છે., જ્યારે શશી કપૂર પર ફિલ્માવાયેલાં બન્ને વર્ઝન અનુક્રમે પ્રેમના ઇજ઼્હાર અને તરછોડાવાના ક્રોધને દબાવવાના પ્રયાસના સૂરમાં, મોહમ્મદ રફીએ ગાયાં છે. ચારે ચાર વર્ઝન જૂદા જૂદા ભાવમાં ફિલ્માવાયાં છે.
ગીતનું મૂળ આ બંગાળી ગીત છે, જે પણ કિશોર કુમારે જ ગાયું હતું.
ઝિંદગી એક સફર હૈ સુહાના કલ ક્યા કિસને જાના - અંદાઝ (૧૯૭૧) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: હસરત જયપુરી.
બેફિક્ર મસ્તીમા ગાવાયેલું કિશોર કુમારના સ્વરમાં ગવાયેલું ગીત તો આપણને બધાંને સુપરિચિત છે.

એવા આ મસ્તમિજાજ યુવાનનું અકસ્માત અવસાન થાય છે.એ સમયે ફરીથી આ ગીતના કરૂણ ભાવને યાદ કરાયેલ છે.

ફિલ્મમાંથી જે વર્ઝન કદાચ હટાવી દેવાયું છે એ વર્ઝન મોહમ્મદ રફીના સ્વરમાં છે. રાજેશ ખન્નાનાં અકસ્માત અવસાનથી વ્યાકુળ રહેતી નાયિકાને હવે નવેસરથી જિંદગી જીવવા માટેની ગુજ઼ારિશ તેની સાથે નવા પરિચયમાં આવેલ શમ્મી કપૂર કરે છે.
છેલ્લે નાયિકા પોતાના પુત્રને બહેલાવવા આ જ ગીત બાળ ગીત સ્વરૂપે ગાય છે,. 


આડવાત:
 ન યે ચાંદ હોગા ન યે તારે રહેંગે
૧૯૫૪ની ફિલ્મ 'શર્ત'નું એસ એચ બિહારીએ લખેલ આ ગીત આમ તો હેમંતકુમારના  અને ગીતા દત્ત સૉલો  સ્વરોમાં ગવાયેલું જોડીદાર ગીત છે.

પરંતુ એક રસપ્રદ આડવાતને કારણે આ ગીતને અહીં સમાવવાની લાલચ રોકી નથી શકાઈ.
એ જ વર્ષમાં પાકિસ્તાનમાં એક ફિલ્મ બને છે જેમાં કૌસર પરવીનના સ્વરમાં જી એ ચિસ્તીએ આ ગીત ની ધુન પરથી બનાવેલું ગીત મૂકી દીધું જેના મુખડાના શબ્દો પણ એ જ રાખવામાં આવ્યા હતા.


એક જ ગીતનાં અનેક વર્ઝનની આ શ્રેણીમાં આપણે હવે પછી બન્ને વર્ઝ્ન યુગલ ગીતો હોય તેવાં ગીતો સાંભળીશું.

No comments: