Sunday, March 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૧૮



એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા - ૧૯૫૧ થી ૧૯૫૬
'૫૦-'૬૦ના દાયકનાં હિંદી ફિલ્મ સંગીતનાં ઘણાં ચાહકો મારી સાથે સંમત થશે કે એસ એન ત્રિપાઠી (૧૪ માર્ચ, ૧૯૧૩-૨૮ માર્ચ, ૧૯૮૮)ને વિસરાયેલા કહેવા એ માત્ર તેમને જ નહીં, પણ ફિલ્મ સંગીતના ચાહકોની ચાહતનું અપમાન કરવા જેવું કહી શકાય. તેમની કારકીર્દી દરમ્યાન ૨૫૦ જેટલી ફિલ્મોમાં તેંમણે સંગીત આપ્યું, ૨૦૦ જેટલી ફિલ્મોમાં અભિનય પણ કર્યો, ૩૭ જેટલી ફિલ્મોની પટકથા લખી અને ૩૯ જેટલી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું એ હકીકત સારી રીતે દસ્તાવેજિત થયેલ છે અને તેમના ચાહકોને સુવિદિત પણ છે. આંકડાઓ માત્ર તેમને માત્ર ધાર્મિક કે ઐતિહાસિક વિષયોની (તથાકથિત) બી/સી ગ્રેડની ફિલ્મોના સંગીતકાર તરીકે ભલે યાદ રાખે, પણ તેમના ચાહકોને જરૂર યાદ છે કે ફિલ્મની કક્ષા કે વિષય કે બજેટને કારણે તેમણે પોતાના સંગીતની ગુણવત્તા સાથે ક્યારે પણ બાંધછોડ નથી કરી. બીજા જાણીતા કહી શકાય એવા સંગીતકારોનાં આજે યાદ કરતાં ગીતો જેટલાં જ યાદ કરાતાં તેમનાં ગીતો આ જ કક્ષાની ફિલ્મોનાં છે એ હકીકકત પણ આપણને યાદ છે.

હા, આજે પણ યાદ કરાતાં તેમનાં ગીતો કરતાં તેમનાં વિસારે પડેલાં ગીતોની સંખ્યા જરૂર વધારે હશે, પણ ઇન્ટરનેટ જેવાં માધ્યમો પર તેમનાં ગીતોની યાદ તાજી કરાવનારા અનેક ચાહકો આજે પણ મોજૂદ છે.
તેમનાં વિસારે પડેલાં ગીતોને એક જ સ્થળે લાવવાના ઉપક્રમના ભાગ રૂપે આપણે ૧૯૪૧થી ૧૯૫૦નાં કેટલાંક ગીતો માર્ચ, ૨૦૧૭ના અંકમાં સાંભળ્યાં હતાં. આજે ૧૯૫૧થી ૧૯૫૬નાં કેટલાંક વિસારે પડેલ ગીતોને યાદ કરીશું. આજા અંક માટેનાં ગીતોને પસંદ કરવામાં શક્ય એટલાં વધારે ગાયકોનાં ગીતો આવરી લઈ શકાય એ આશયને વધારે મહત્ત્વ આપેલ છે.
ક્યું રૂઠ ગયે મુઝસે - હનૌમાન પાતાલ વિજય (૧૯૫૧) - ગીતા દત્ત – ગીતકાર: અન્જુમ જયપુરી (ઉપલબ્ધ માહીતીના આધારે)
ફિલ્મનો વિષય કંઈ પણ હોય, પરંતુ એસ એન ત્રિપાઠી દરેક ગાયકના સ્વરની ખૂબીઓને નિખારવામાં સફળ રહેતા હતા એ વાતની પૂર્તિ કરતું હોય તેવાં આ ગીતમાં ગીતા દત્તના સ્વરની બારીકીઓ માર્મિક સ્વરૂપે ઊભરતી સાંભળવા મળે છે.

આડવાત
અહીંથી શરૂ કરીને, એસ એન ત્રિપાઠીએ પરદા પર હનુમાનનું પાત્ર અનેક વાર અભિનિત કરેલ.


આજ અચાનક જાગ ઊઠે ક્યું હોઠોં પે ગીત,
શાયદ મનમેં જાગ ઊઠી હૈ ચંચલ પંખ ઔર પ્રીત,
કૈસે જાન ગયી યે અખીયાં શર્માને કી રીત
ધીરે ધીરે ગોરી તેરા બચપન રહા હૈ બીત લક્ષ્મી નારાયણ (૧૯૫૧) - ગીતા દત્ત, સુલોચના કદમ – ગીતકાર: બી ડી મિશ્રા
મીના કુમારી માટે ગીતા દત્તની ગાયન શૈલી અને તેની સખીઓ માટે સુલોચના કદમની ગાયન શૈલી દ્વારા ગીતના શબ્દોના ભાવને જીવંત કરી મૂકવાની એસ એન ત્રિપાઠીની કળા અહીં સ્પષ્ટપણે અનુભવી શકાય છે.
મીના કુમારીને વાસ્તવિક જીવનમાં તારૂણ્ય અને યુવાનીના ઉંબરે દૃષ્ટિગોચર થતાં જોવાં એ પણ એક અનેરો લ્હાવો છે. 

હૈ મેરા નામ રમઝાની - અલીબાબા ઔર જાદુઈ ચિરાગ (૧૯૫૨) - ચિત્રગુપ્ત, શમશાદ બેગમ – ગીતકાર: શ્યામ હિન્દી
એસ એન ત્રિપાથી 'અલીબાબા' વિષય પરની ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું જેમ તેમના આ ફિલ્મમાં સહાયક ચિત્રગુપ્તે 'સિંદબાદ' વિષય પરની ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું. આ પ્રકારની ફિલ્મોના વિષયની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પશ્ચાદભૂ સાથે સુસંગત સંગીત રચનાઓ સર્જન કરવામાં પણ એસ એન ત્રિપાઠીની બહુવિધ પ્રતિભા છતી થાય છે. 

છાઈ બિરહાકી રાત મોરા તડપે જિયા, મોસે રૂઠે પિયા કોઈ મનકા સહારા નહી - નવ દુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત – ગીતકાર: અન્જુમ જયપુરી (ઉપલબ્ધ માહિતી અનુસાર)
ફિલ્મનું નામ કે ગીતના બોલ વાંચીને આ ગીત તો બહુ જાણીતું ગીત છે એવો ખ્યાલ જલદી ન આવે ! 

દેખોજી ચાંદ નીકલા પીછે ખજૂર કે, બસરે કી હૂર નાચે આગે હૂઝૂર કે - અલીબાબા ઔર ચાલીસ ચોર (૧૯૫૪) - અશા ભોસલે – ગીતકાર:  રાજા મહેંદી અલી ખાન
ગીત માટેના સેટ્સ વિષયના ભૂસાંસ્કૃતિક ચિતારને રજૂ કરવામાં જેટલી હદે સફળ થય એ કરતાં ગીતની સંગીત રચના વધારે અસરકારક જણાય છે. 

જ઼રા ઠહેરો મૈં હાલ-એ-દિલ સુના લું ફિર ચલે જાના - ઈનામ (૧૯૫૫)- સુરૈયા – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

ઉપલબ્ધ માહિતી પ્રમાણે ફિલ્મનું એક ગીત સરસ્વતી દેવીએ સ્વરબધ્ધ કરેલ છે. આમ થવા પાછળનાં કારણો શું હશે તે તો જાણી નથી શકાયું, પણ આ હકીકતને એસ એન ત્રિપાઠીએ પોતાની કારકીર્દી સરસ્વતી દેવીના સહાયક તરીકે શરૂ કરેલી એ વાત સાથે સંબંધ હશે એમ તો માની શકાય. 

૧૯૫૬માં એસ એન ત્રિપાઠીએ સંગીતબધ્ધ કરેલ ૫ ફિલ્મો રજૂ થઈ  હતી.
મેહફિલમેં કૈસી છમ છમ, કિસકા હૈ યે તરાના, ઓ બેખબર તેરે સિવા સારા જહાં જાને - દિલ્લી દરબાર (૧૯૫૬)- ગીતકાર: શૈલેન્દ્ર
આ ફિલ્મમાં શૈલેન્દ્ર સાથે હસરત જયપુરીએ પણ ગીતો લખ્યાં છે. શંકર જયકિશન સિવાય અન્ય કેટલા સંગીતકારો સાથે આ બન્ને ગીતકારોએ સાથે કામ કર્યું હશે એ શોધી કાઢવું રસપ્રદ રહેવું બની રહેશે.

નખરે કરતી ડરતી નખરે કરતી ડરતી ગયી થી મૈં બાઝાર - હાતીમતાઈ (૧૯૫૬) - મિસ્ટર શેખ  ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
આ ફિલ્મનું તો નામ પણ મોટા ભાગને ખબર હશે, પણ એનું કારણ છે 'પરવરદિગાર-એ-આલમ તેરા હી હૈ સહારા, તેરે સિવા જહાંમેં કોઈ નહીં હમારા ' અને 'ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર, યે નઝર છીન કર લે ગઈ ક઼રાર' જેવાં ગીતોની સદાબહાર લોકચાહના.
એમ કહેવાય છે કે 'હાતીમતાઈ' જ્યારે પહેલી વાતર હૈદ્રાબાદમાં રજૂ થઈ ત્યારે નિઝામ પણ એ ફિલ્મ સિનેમાગૃહમાં જોવા ગયા હતા. 'પરવરદિગાર-એ-આલમ' ગીતના ભાવમાં એ એટલા અભિભૂત થઈ ગયા હતા કે એમણે ઉપરાઉપરી ૧૪ વખત એ રીલ જોઈ હતી.
એક બાજૂ પરવરદિગારની બંદગી છે, બીજી બાજૂ શુધ્ધ નિર્મળ પ્રેમની અભિવ્યક્તિ છે તો પ્રસ્તુત ગીતની જેમ એ સમયના પરિવેશની હળવી પ્રસ્તુતિ પણ એસ એન ત્રિપાઠી  બહુ સહેલાઈથી પેશ કરી શકે છે.  

ડર ક્યા હૈ તૂફાન કા, લેકે નામ ભગવાન કા, દાંવ લગા દે જાન કા - પન્ના (૧૯૫૬) - સુમન કલ્યાણપુર, મુહમ્મ્દ રફી – ગીતકાર: બી ડી મિશ્રા 
ફિલ્મનો વિષય કોઈ ઐતિહાસિક ઘટના હશે જેમાં યુધ્ધ પૂર્વે સૈન્યને જોશ પૂરૂં પાડવાનો ગીતનો હેતુ છે  તે તો ગીતની ધુન અને વાદ્યસજ્જા પરથી જ ખયાલ આવી જાય છે.

તેરે સંગ પ્રીત કિયે બડા દુઃખ હોયે  - રાજરાની મીરા (૧૯૫૬) - લતા મંગેશકર – ગીતકાર: બી ડી મિશ્રા
ભજન સાંભળતાંની સાથે આ પછી રજૂ થયેલી જનક જનક પાયલ બાજે, કે મીરા કે સિલસિલામાં જો તુમ તો ડો પિયા મૈં નહીં તોડું રે'નાં વિવિધ સ્વરૂપ યાદ આવી જાય તો નવાઈ પામવા જેવું નથી, કેમકે આ બધી રચનાઓ મૂળે રાગ ભૈરવી પર આધારિત છે. 

વો દેખો ઉધર ચાંદ નિકલા ગગન મેં ઈધર આ ગયી ચાંદની મુસ્કરાતી, બહારોકી યે રંગીન મુસ્કરાહટ, દિલોમેં ઉમંગો કી દુનિયા બસાતી - રૂપ કુમારી (૧૯૫૬) = ગીતા દત્ત, મન્ના ડે – ગીતકાર: બી ડી મિશ્રા
ફિલ્મનો વિષય તો કોઈ ઐતિહાસિક ઘટના જ હશે, પણ નિર્ભેળ રોમાંસનું યુગલ ગીત રચવાની તક મળતાં જ એસ એન ત્રિપાઠીએ વૉલ્ઝની લયને કેટલી સરળતાથી ગીતસંરચનામાં વણી લીધી છે !

દરેક અંકના અંતમાં મુહમ્મદ રફીનં ગીતને મૂકવની પરંપરા માટે આજના અંકના સમયકાળનું એસ એન ત્રિપાઠીએ રચેલ ગીત બહુ સહેલાઈથી મળી શકે છે, કેમકે સંગીતકારે ધાર્મિક કે ઐતિહાસિક કોઈ પણ વિષયની ફિલ્મમાં બહુધા પ્રયોજાતાં બેકગ્રાઉન્ડ ગીતો માટે મુહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ જ કરેલ છે. પણ, એ દરમ્યાન એક એવું ગીત મળી ગયું જે થોડું અનોખું કહી શકાય એવું છે.
જબ રૂપ હી પ્યાસા હોકર યું, છૂપ છૂપ કર પાની પીયેગા, રો રૂપકા પ્યાસા જો હોગા વો  ફિર ક્યા ફિર પી કર જીએગા -  રત્નમંજરી (૧૯૫૫)- મુહમ્મદ રફી - ગીતકાર બી ડી મિશ્રા
કોઈ ઐતિહાસિક વિષયના સમયકાળમાં પણ (ભાવિ) પ્રેમિકા સાથે મીઠી છેડછાડ કરી લેવાતી હશેજ, ફરક કદાચ એટલો છે કે છેડછાડ કરવામાં આવેલ છે ગંભીર અંદાજમાં !


આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

No comments: