Showing posts with label 'નવનીત સમર્પણ. Show all posts
Showing posts with label 'નવનીત સમર્પણ. Show all posts

Sunday, January 15, 2012

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાંથી વધારે પસંદ પડ્યું તેની નોંધ

નવનીત - સમર્પણ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાં 'જો મારું આ છેલ્લું પ્રવચન હોય તો' શ્રુંખલામાં શ્રી અમૃતલાલ વેગડે [પૃ.૫૦ -૫૪]તેમનાં જીવનની ચાર માળ - વત અને પિતા, શંતિનિકેતન, નર્મદાની પહેલી પરિક્રમા અને નર્મદાની બીજી પરિક્રમા-ની વાત જે લાગણીસભર મધુર લાઘવથી કહી છે તે પોતે તો અસરકારક પ્રત્યાયનનું અનુસરણીય ઉદાહરણ તો છે જ, સાથે સાથે જીવનસાફલ્યવિષે પણ કેટકેટલું કહી જાય છે.
નર્મદાની પરિક્રમાને તેમણે તેઓએ સારા માણસ બનવાની કૉલૅજ કહી છે.શ્રધ્ધા અને વિનમ્રતા તેમ જ સાદગી અને સરળતા જેવા ભાવનાત્મક ગુણોને તેમણે આ યાત્રાઓમાં અનુભવથી આત્મસાત કર્યા અને આપણને પરિચિત કર્યા છે.
વ્યક્તિએ જીવનમાં producer  વધુ અને consumer ઓછા થવું જોઇએ તેવા મહત્વના જીવન સિધ્ધાંતની તેમની રજૂઆત મર્મસ્પર્શી છે. સમાજ પાસેથી જેટલું લઇએ તેના કરતાં વધારે પાછું આપવું અથવા જેટલું આપી શકીએ તેના કરતાં ઓછું લઇએ એવી સાદી સમજ જો આપણે દરેકે અપનાવી હોત તો ૨૦મી સદીના અંત સુધીમાં આપણે જે  global warming કે વૈશ્વિક મંદી કે ઠેક્ઠેકાણે નાનાંથી મોટાં વિદ્રોહનાં પ્રદર્શનો જોયાં તે કદાચ કદિ પણ થયાં જ ન હોત.
શ્રી અમૃતલાલભાઇએ જીવનમાં સાદગી કેટલી હદ સુધી ઉતારી હતી તે તો તેમણે અઠવાડીયાં પહેલાં જ લગ્ન થયેલ પત્નીને પણ પોતના મિત્રને જવા આવવાના થઇને છ કિલોમીટર ચલાવ્યાં તેનાપરથી સમજી શકાશે.["પરિક્રમાનું ભાથું બંધાઇ રહ્યું છે" - ઉપરોક્ત પ્રવચન પહેલાં શ્રીઅમૃતલાલ વેગડનો એમનાં પત્ની શ્રીમતિ કાન્તાબહેને આપેલો પરિચય - પૃ.૪૮-૪૯]
આ સંદર્ભે પૃ.૯૭ પર આલ્બર્ટ સ્વાઇત્ઝરનું કથન -" હું દ્રઢતાપૂર્વક માનતો આવ્યો છું કે જગતનાં દુઃખોના એકાદ અંશ્નો પણ અંત લાવવા માટે આપણામાંની દરેકવ્યક્તિ જરાક અજેટલો પુરૂષાર્થ તો કરી શકે જ"- વિચારીએ તો એમ લાગે કે આજે પણ જો આપણે મનથી નક્કી કરીએ તો છેલ્લી બે-ત્રણ સદીઓથી કરેલાં પર્યાવરણનાં નુકસાનને આપણે આ સદીમાં જ ભરપાઇ કરી દઇ શકીએ.

સાદગીના સિધ્ધાંતને અનુસરવાથી આ કક્ષાના બદ્લાવ શક્ય છે તેમ માનવા માટે શ્રધ્ધા જરૂરી છે. શ્રી અમૃતલાલભાઈ જીવનપ્રત્યે અને જીવનમાં શ્રધ્ધા મેળવી નર્મદાની પરિક્રમાઓથી. તો શ્રી મકરંદ દવે જેવા તેમની નૈસર્ગીક શ્રધ્ધાને આ રીતે સમજાવે છેઃ
                  “કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક.
          કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જૂદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅંક બેઠી છે આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ."
["કુન્દનિકા કાપડીઆ - એક મુલાકાત" - લેખિકાઃ અનુરાધા ભટ્ટ; પૃઃ ૩૪-૪૨]
આ લેખનાં પહેલાં જ પાને [પૃ.૩૪]પર કુન્દનિકાબહેનનો ફોટોગ્રાફ તેમનાં "વધુ સૌમ્ય, વધુ શાંત અને .. કેટલેક અંશે અંતર્મુખ થઇ" રહેલ વ્યક્તિત્વને અનેરી અસરકારકતાથી પ્રતિબિંબીત કરે છે. કોઈ જગ્યાએ ફોટોગ્રાફરનાં નામ ને ફોટોગ્રાફ લીધાના સમયની નોંધ જોવા ન મળી એટલે હાલ પૂરતું તે અનામી કલાકારને આપણી સલામ આપણે તંત્રીશ્રી દ્વારા મોકલીએ. તંત્રી શ્રી દિપકભાઇને આ ફોટોગ્રાફની પસંદગી અને તેને આ સ્થાને મૂકવા બદલ અભિનંદન અલગથી પાઠવીએ.

અને હવે, આ અંકમાંનાં કેટલાંક Quotable Quotes:
" જગત દેખાય છે તેવું નથી અને બોલે છે તેમ ચાલતું નથી." - "કાર્ટૂનની કલા" - ડૉ. જયંતી પટેલ 'રંગલો'ઃ પૃઃ ૧૩૫
"... મેં લાંબા કાળથી ધન (મધ) એકઠું કર્યું હતું પણ મેં ન ખાધું! અન્ય કોઇને ખાવા ન આપ્યું. પરિણામે લૂંટનારા લૂંટી ગયા. આવા વિચારથી મધમાખી પગ - માથું ઘસી રહી છે." -- "એક ઘડી આવી ઘડી .." - સં. રમેશ સંઘવી;પૃ. ૮૪
"પ્ર્ભાતના સૂર્યની ઉષ્મા પામીને હૃદય સૂરજમુખીની જેમ ખીલી ઉઠે ઃએ ત્યારે વીતી ગયેલ રાતનું એકાદ આંસુ એની ઉઘાડી રહેલી પાંખડી પર ઝિલાતેલું તો હોય છે જ.પછી સૂર્ય એને વીખેરી નાખે ખરો, પણ તે પહેલાં એ આખાય સૂર્યને પોતાની ભંગૂર સીમાઓ વચ્ચે પૂરી દે છે ખરું! આંસુ તથા સૂર્યને સહોદરની જેમ ઉછેરવા જેટલું શક્તિશાળી આપણું હૃદય હોવું જોઇએ." - સુરેશ જોશી - પૃ. ૬૦
અને મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા તો આ બ્લૉગ પર, નવનીત નો આ અંક હાથમાં આવ્યો તેના બે-એક દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાની એક પૉસ્ટ આજ વિષયપર વાંચી હતી એટલે તે સમયે જ પ્રસિધ્ધ કરી દીધેલ છે. [મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]]

Saturday, December 31, 2011

મારો ઘર પ્રત્યેનો ભાવસંબંધ -- ભગવતીકુમાર શર્મા [નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૧૨]

"સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દ્દયકાઓનો માણસ છું. મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશક - માશુકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે!આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સીત્તેર વર્ષમાં મેં એક જ વાર ઘર બદલાવ્યું છે. ઘર વિષેનું મારું આ સુદીર્ઘ સંબંધ-સાતત્ય સઘન ભાવ-સાતત્યમાં પરિણમ્યું છે તે અનનવ્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે. આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એક આખું વર્ષ અનિદ્રાથી પીડાયો છું. ઇષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ ઘરમાં રંજાડ્યો છે.અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્યપથે વળ્યો છું.અહીં જ મેં કોડીયે,ખડીયે,ફાનસે અખૂટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણાં જેવી બારીમાંથી મેં વરસાદનું વહાણ અને સૂરજનો સંતાપ ઝીલ્યાંછે. આ ઘર મને એક સાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાની પુંજ જેવું અનુભવાય છે!"
- ભગવતીકુમાર શર્મા

ઘર એટલે...ઃસંપાદનઃકાન્તિ પટેલ,પૃ. ૮૪, કિંમત - રૂ. ૨૦૦, પ્રથમ આવૃત્તિ -૨૦૧૧,
  ઘર વિષેના ગદ્યપદ્ય, પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, ૨૦૨,હર્ષ કોમ્પ્લેક્ષ,ખત્રી પોળ, પાડાપોળ સામે, ગાંધી રૉડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧


સંજોગવશાત બે દિવસ પહેલાં જ શ્રી તન્મય વોરાએ પણ  તેમના બ્લૉગ પર આ જ વિષય પર 'ઘર  વિષે' શિર્ષકથી ઘણી જ મનનીય ભાવના રજૂ કરી છે.


Saturday, December 10, 2011

નવનીત સમર્પણ, ડીસેમ્બર,૨૦૧૧ ના અંકના ત્રણ લેખવિષે મારા વિચારો


નવનીત સમર્પણ [http://www.bhavans.info/periodical/samarpan.asp]નો હું પાંત્રીસ - ચાલીસ વર્ષથી હું [માત્ર] વાંચક અને [અદમ્ય] ચાહક રહ્યો છું.મને એવું યાદ નથી આવતું કે તેના કોઇપણ અંકમાંનું ઓછામાં ઓછાં એક ઘટક - લેખ કે કાવ્ય કે નવલિકા કે 'અને છેલ્લે'નો એકાદ ટૂચકો- પરનો પ્રતિભાવ કોઇ સાથે share ન કર્યો હોય.
ડીસેમ્બર,૨૦૧૧ ના અંકમાં પણ બધું જ વાંચવાની મજા તો પડી જ, પરંતુ તેમાંના ત્રણ લેખ આ પૉસ્ટમાટેનું પ્રેરકબળ બની રહ્યા.
શ્રી હસમુખ વ્યાસે "ડાયરો" ['શબ્દચર્ચા', પૃ. ૨૨] જમાવતાંવેંત જ આપણને સમજાવી દીધું કે પાંચ સાત ડાહ્યા લોકોના એકઠા થવાના મંચને 'ડાયરો' કહેવાય.મનમાં ને મનમાં આપણેપણ એ પાંચ સાતમાં છીએ તેવું માની લઇએ ત્યાં સુધીમાં તો લેખક સાફ શબ્દોમાં ચોખવટ કરી નાંખે છે કે ન તો આ અર્થઘટન કે ન તો આ વ્યુત્પતિ બરાબર છે. મૂળ "[અ.] દાયર  દાઇરહ  દાઇરાહ દાહિરાડાયરા ડાયરો [ગુ.]" સાચું ગણાય. જો કે 'ડાયરા' શબ્દની મારી સહુથી પહેલી ઓળખાણ તો બાળપણમાં શ્રીઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ના ગામના રાજવીઓને ત્યાં ભરાતા દરબાર તરીકેની છે. તે વખતે ચારણો પોતાનાં પદ્ય દુહાને સ્વરૂપે સંભળાવે, કસુંબાપાણી થાય અને રાજના સમાચારની આપલે થાય. એટલે એ દ્રષ્ટિએ તે એક વર્તુળાકારની બેઠક જરૂર હોય અને તેમાં ડહાપણ, સાંપ્રત સમાજ અને સાહિત્યને સ્થાન પણ રહેતું. તેથી આજના સૌરાષ્ટ્રના લોકસંગીત અને લોકકળાના જાહેર કાર્યક્રમોને 'ડાયરો' કહેવાયા તે પણ સમજ તો પડે. અચરજ માત્ર એ વાતનું રહ્યું કે મૂળ અરબી કુળનો શબ્દ માત્ર સૌરાષ્ટ્રની લોકકળાનાં એક પ્રકારનાં પ્રદર્શન સુધી કઇ રીતે પહોંચ્યો હશે?
તે ઉપરાંત હિન્દીમાં दायरेमें रहेना કે होना તેમ [અંગ્રેજી 'purview'ની સમકક્ષ (equivalent)] વપરાતો શબ્દ  दायरा આ શબ્દચર્ચાના દાયરામાં આવે કે નહીં? અને જો આ 'દાયરા' અને સૌરાષ્ટ્રનો 'ડાયરો'એક જ અરબ શબ્દની ઉપજ હોય તો તેમના ઉપયોગમાં આટલું અંતર કેમ હશે? લેખકે રજૂ કરેલ ત્રીજા ઉપયોગમાં આ કડી શોધીએ? તેમણે અરબીના 'દાઇ'નૉ એક અર્થ ધર્મ પ્રચારક [કે ઉદેશક] થાય છે તેમ જણાવીને તે સબબ એકઠા થતા સમુદાયને 'દાયરા' એમ સમૂહવાચક ઓળખાણ મળી તેવી વ્યુત્પતિ સમજાવી છે.
…                            …                                                              
શ્રી દિનકરભાઇ જોષીની જીવન પ્રત્યેની સંતુલિત આસક્તિ [કે અનાસક્તિ]ની લાગણીનો માર્મિક ધબકાર "જો આ હોય મારું અંતિમ પ્રવચન"માં [પૃ. ૩૯-૪૯]માં અનુભવી શકાય છે. યોગેશ્વરજીના દેહત્યાગની ઘડીનું તાદ્દશ્ય વર્ણન આપણને પણ જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાની,તેમણે અનુભવી હશે તેટલી જ ઉત્કટતાથી,અનુભૂતિ કરાવી આપે છે. અને તેમ છતાં 'સંસારી' હોવું આવી શારિરીક મૃત્યુ કે મા-અપમાનના માનસિક મૃત્યુ જેવા અનુભવોને 'બધિર' ચેતાતંત્રથી સહન કરી જવા કે 'ક્યાંય ફોટો' ન થઇ જવાના 'સંન્યસ્ત' મર્મમય જીવી જાણવું તેવી શક્તિ કેળવવી તેવો સંદેશ પણ આપણને મળે છે.શ્રી મહેશભાઇ શાહે તેમને ૨-૧૦-૨૦૧૧ના રોજ યોજાયેલાં આ પ્રવચનના પરિચય દરમ્યાન શ્રી જોષીને 'દરેક પાત્રોનાં ઉંડાણ સુધી જઇને તેનો મર્મ' પારખી શકે તેવા 'કવિ'કેમ કહ્યા છે તે કેટલું યથાર્થ છે તે સમજી શકાય છે.
દરેક દુઃખનું ઓસડ દહાડા છે તે આદિકાળનુ કથન આપણે બધા જ જાણીએ છીએ અને તે રીતે [કોઇપણ] યાદ(memory)કે લાગણીની આવરદા ટુંકી હોય છે તે પણ સમજતા હોઇએ છીએ. તેમ છતાં તેમનો "માણસ અમરત્વના અભિશાપને શીદને શોધતો હશે" સવાલ આપણને યુધિષ્ઠીરને યક્ષે પૂછેલા પ્રશ્નની યાદ અપાવડાવે છે.
                                                                                        
ભારતીય કંઠ્ય શસ્ત્રીય સંગીતમાં અમીરખાં સાહેબ શા માટે મારી [લગબગ એક માત્ર] પસંદ રહ્યા છે તે પણ સમજી કે સમજાવી ન શકું તેટલું પણ મારું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી એમ સ્વિકારવામાં હું જરાપણ શરમાતો નથી, અને તેમ છતાં મારી શ્રવણેન્દ્રીય તેને સ-રસ સાભળી અને મગજનો સંલગ્ન ભાગ તેને સમજી અને માણી જરૂર શકે છે તેમ કહેવામાં હું ખોટું નથી કહી રહ્યો.
શ્રી સરોજ પોપટનો "પં. મહેન્દ્ર ટોકે" લેખ બીજા રસપ્રદ લેખોની જેમ જ વાંચી ગયો હોત, પરંતુ શરૂઆતમાં જ 'ઉસ્તાદ અમીરખાં'ના નામના વજનદાર ઉલ્લેખની સાથે સાથે તેમની 'અદ્વિતિય ગાયકીનો પ્રભાવ ... ફિલ્મ સંગીતમાં પણ.. પાથર્યો હતો' જેવી ટીપ્પણીના ખટકાને કારણે આખો લેખ જીણવટથી વાંચવાનું મન થયું. આગળ જતાં શ્રી મહેન્દ્રા ટોકેએ અમીરખાં સાહેબની ગાયકી પસંદ કરવા પાછળ આપેલ કારણ - "ઘરમાં ચોવીસે કલાક ઉસ્તાદ અમીરખાંની ગાયકી ગૂંજ્યા કરતી.એ ગાયકી એક પ્રકારની અધ્યાત્મ સાધના જેવી છે. તમે ક્યારે સ્વરસમાધિમાં સરકી પડો એનો તમને પોતાને પણ ખ્યાલ ન રહે" - એ હવે તે વ્યક્તિત્વમાં પણ રસ બની ચૂક્યો હતો.
એટલે પછીથી Googleપરની શોધ પરથી તેમની LinkedInની link [http://in.linkedin.com/pub/mahendra-toke/18/71a/388] જોવા મળી એટલે તેમના  પરની બે રાગ - ભટિયાર 










અને લલિત ની clip 





સાંભળી. 
મારાં સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે તેમની ગાયકી પર કંઇ ન કહેવામાં શાણપણ છે.
                                                                          
પૂર્ણતાના આગ્રહી એક વાચકે દિવાળી અંક વાચતાં પહેલાની પહેલી નજરે જ 'શરદ ઋતુના રાગો -રોગો'માં કેટલીક હકીકત ત્રુટિઓ ગણાવી દીધી છે. જેના જવાબમાં તંત્રીશ્રીએ આ બાબતે તેમનાં [સ્વાભાવિક જ] અજ્ઞાનને દરગુજર કરવાની ક્ષમા અરજી પણ કરી દીધી. જો કે કોઇપણ લેખમાંની આવી ટેકનિકલ  ક્ષતિઓમાટે તો લેખક જવાબદાર હોવા જોઇએ.ખરેખર, નવનીત સમર્પણ જેવાં સામયિકના તંત્રી થવું એ કંઇ ખાંડાના ખેલ નથી!

Saturday, November 5, 2011

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

૧૯૭૦ના દાયકામાં તેમની 'અસૂર્યલોક' વાંચી ત્યારથી શ્રી ભગવતીકુમાર શર્મા મારા પહેલી પસંદના સામ્પ્રત ગુજરાતી લેખક હતા. તેમનું પદ્ય 'નવનીત સમર્પણ'માં તેમ જ 'કવિતા' વાંચવાનું થતું રહ્યું છે, તે જ રી તે તેમની નવલિકાઓ પણ [સામાન્યતઃ] કોઇ ને કોઇ દીપોત્સવી અંકમાં વાંચાઅનું થતું રહ્યું છે, પરંતુ તે હું સંગ્રહી નથી શક્યો. તે ઉપરાંત તે પછીથી તેમની અન્ય ગદ્ય- નવલકથાઓ કે વિવેચનો સાથે પણ ખાસ સંપર્ક નથી રહ્યો તે મારાં કમનસીબ.

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

Sunday, October 16, 2011

ભાષા અને શક્તિ - અજય સરવૈયા - નવનીત સમર્પણ - ઑક્ટૉબર ૨૦૧૧

નવનીત સમર્પણનો ઑક્ટૉબર ૨૦૧૧નો દીપોત્સવી અંક શક્તિ વિશેશાંક છે.તેથી 'ભાષા અને શક્તિ' જેવું લેખ-શિર્ષક જોઇને આ લેખ પણ શક્તિનાં અન્ય સ્વરૂપોપર લખાયેલ ટેક્નીકલ લેખ સમજીને કુદાવી જવાની ભૂલ કે ભાષાપર કોઇ અઘરો લેખ વાંચવામાટે બે-ત્રણ બદામ ખાઇને મગજને તૈયાર કરવાની જરૂર નથી.
શ્રી અજય સરવૈયા આ વિષયના નિષ્ણાત છે તે લેખના વિષયની પસંદગી પરથી અને વ્યવસાયે અધ્યાપક છે તે તેમની સરળ શૈલીથી જણાઇ આવે છે.
ચાર ચઢતા ક્રમમાં ભાષાને આધારે સૃષ્ટિનાં વર્ગીકરણની સમજ તેઓ પહેલા જ ફકરામાં આપી દઇને વાંચકને આગળ વધવા માટેનું પ્રોત્સાહન પુરૂં પાડે છે.
ભાષાના જન્મ જેવો અતિગહન વિષય તેમણે ધ્વનિઓનાં જોડાણથી (કેવી રીતે) થયેલ છે તે વાત ઘીથી લથબથ ગરમ ગરમ શીરો ગળેથી ઉતરી જાય તેવી અસરકારકતાથી સમજાવેલ છે.
તો વળી, વ્યાકરણના અર્થ અને તેની સમયસાથેની પરિવર્તનશીલતાને સમજાવવામાંતો તેમણે કમાલ જ કરી છે.
શક્તિના બંને મુળભુત ગુણો- સતત સંચલન અને બે સંદર્ભ બિંદુને જોડવામાટેનું માધ્યમ- ભાષામાં પણ (કઇ રીતે) છે તે સમજાવ્યું પણ છે અને ભાષાને તેને કારણે શક્તિનો દરજ્જો શા કારણે મળ્યો છે તે શાસ્ત્રોક્તરીતે સાબિત પણ કર્યું છે.
ભાષાના અન્ય ઉપયોગોની સાથે સાથે 'સ્વ' (capital I, 'હું જાતે')ને સમજવા, પામવા કે ખોળવા જેવા વૈદિક ફીલૉસૉફી ઉપયોગને સમજાવવા ઉપરાંત તત્વમીમાંસાનાં ગહનસ્તલની દુનિયા સુધીની ડુબકીઓ પણ ખવડાવે છે.
બીજામાટે જેટલું ઉપયોગી તેટલું જ પોતાનેમાટે ઉપયોગી - જેવા વિચારને અંગ્રેજી ભાષાની માતબરતા reflexitivity જેવા એક જ શબ્દમાં કહી શકે છે, પણ ગુજરાતીમાં તેનો પર્યાય - સ્વનિરિક્ષણ- થોડો ઓછો પડતો જણાય છે.

આ લેખ વાંચ્યા પછીથી અંગ્રેજી માધ્યમમાં ભણતા કે જીવતા  સાંપ્રત ગુજરાતી સમાજને ગુજરાતી ભાષા આટલી સમૃધ્ધ અને શક્તિશાળી થવી ઘટે તેવો પડકાર જીલી લેવાનો સામુહિક ઉમળકો થવો જોઇએ.