Showing posts with label ચિત્રલેખા. Show all posts
Showing posts with label ચિત્રલેખા. Show all posts

Tuesday, February 5, 2013

"મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" - શિશિર રામાવત


છેલ્લાં દોઢ વર્ષ સુધી 'ચિત્રલેખા'ની ધારાવાહિક નવલકથાની પરંપરાને ઉજાગર કરતી શિશિર રામાવતની "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું કથાનક સ્ત્રી દેહ વિક્રય વેપાર, સાજાં સારાં માનવી પર આવી પડતી અકલ્પિત શારીરીક અક્ષમતા અને સમયની સાથે,જાણ્યે-અજાણ્યે, પલટાતા માનવમનના આંતરપ્રવાહો જેવાં સંકુલ કથાબીજના ત્રિકોણીય પાયા પર છેલ્લાં દોઢેક વર્ષથી વહેતું રહ્યું છે.. 
જો કે તે માટે લેખકે, તેમના પત્રકારત્વના અતિજિજ્ઞાસુ અનુભવ અને હેતુલક્ષી અભિગમને કામે લગાડીને જે  ચીવટપૂર્વકનું સંશોધન અને વ્યાપક ફીલ્ડ વર્ક કર્યું છે, તે મહેનતને કારણે કથાનકનું પોત જેટલું રસપ્રદ બન્યું છે, તેટલું જ જીવંત પણ બન્યું છે.
નવલકથાનો કથાપ્રવાહ પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં, અનેક ચટ્ટાનો અને વળાંકો વચ્ચેથી, ધસમસતો રહે છે.
પ્રથમ ભાગમાં નિહારીકાને દેહવિક્રયના વેપારમાટે 'કાચા માલ'રૂપી છોકરીઓના પુરવઠાની શ્રુંખલામાં પ્રવૃત ટોળકી દ્વારા  ઉપાડી જવું, તેને કારણે તેનાં માનસ પર પડેલા ઘાનું સમય સમયે તાજા થતું રહેવું, ઓમનો પોતાના ઍડવર્ટાઇઝીંગ વ્યવસાય પ્રત્યેનો સ્વસ્થ અને પુખ્ત અભિગમ, નિહારીકા તરફ પરિણયથી માંડીને લગ્નજીવન સુધી ઉદારચરિત લાગણીશીલ લગાવ, મંદિરાની જીવન પ્રત્યે આક્રમક અલ્લડતાની  સાથે વિવેકની પૌરૂષમય અકળ ઝીંદાદીલીનું સંયોજન જેવી પાત્રલેખનાત્મક ઘટનાઓની હારમાળાની મદદથી લેખક કથાનકના પ્રથમ ભાગમાં મુખ્ય પાત્રોનાં  વ્યક્તિત્વોને સુગઠિત કરવાની સાથે સાથે ધારાવાહિકના દરેક હપ્તામાં કથાનકને વિશાળ મંચ પર રમતું મુકી દેતા જણાય છે. લાગણી સભર સંવાદો, ચીવટથી કરેલાં સુરેખ વર્ણનો તેમ જ વર્તમાન અને ભૂતકાળને જોડવામાટે ફ્લેશબેકના સમયોચિત ઉપયોગની મદદથી લેખકે દરેક હપ્તાના ઘટનાક્રમને રસવંતો, અને વેગવંતો, રાખવામાં પણ સફળતા મેળવી છે.
કથાનકના મધ્યભાગમાં પ્રવેશમાટે લેખકે કથાને દસ-પંદર વર્ષનો કુદકો મરાવી દેવાનો  પ્રયોગ કર્યો છે.આ તબક્કે કથાનકના ફલકનું કેન્દ્ર નિહારીકાનું વ્યાવસાયિક જીવન બની રહે છે.વ્યાવસાયિક જીવનની વ્યસ્તતા અને સફળતાને કારણે જન્મી ચૂકેલ અહંને કારણે નિહારીકા ઓમથી લાગણીના સંબંધે દૂર થતી રહે છે. પ્રથમ ભાગમાં ઓમ અને નિહારીકાનાં પાત્રોની સંવેદીનશીલતાને લાગણીની પુખ્તતા સાથે વણાતી અનુભવી હોવાથી નિહારીકાના સ્વભાવમાં આ પ્રકારનું પરિવર્તન થોડું અચરજ જરૂર પેદા કરે. જો કે સમયની સાથે સાથે વ્યક્તિના સ્વભાવમાં કોઇ ફેરફાર ન જ થાય એમ કહેવાનો આશય નથી. પણ જે પાત્રને કથાનકના પ્રારંભના ભાગમાં એક ઠરેલ, બુધ્ધિશાળી અને લાગણીશીલ વ્યક્તિ તરીકે જોયું હોય, તેના સ્વભાવમાં આવા ધરમૂળના ફેરફારને થતા જોવાનો અવકાશ આપણને  આ મધ્ય ભાગમાં ન મળતો હોવાથી, આપણે નિહારીકાનાં પાત્રને સમજવામાં કશે ભૂલ તો નથી કરી રહ્યા ને એવું જણાયા કરે છે.
ખૂબ જ ઝડપથી બનતી રહેતી ઘટનાઓ સમજવામાં વ્યસ્ત, કોઇ કોઇ, વાચક તો નિહારીકાના વ્યક્તિત્વમાં આવેલ આ પરિવર્તનને પારખી પણ ન શકે એવું પણ કદાચ બને. તે જ રીતે, પોતાનો ઍડવર્ટાઇઝીગનો સફળ અને વ્યસ્ત વ્યવસાય હજૂ જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો છે ત્યારે તેમાંથી ઓમની (અકાળ) નિવૃત્તિ પણ કદાચ સામાન્ય વાચકને ગળે ન ઉતરે. પરંતુ, વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ સફળતા મેળવી ચૂકેલ,આજની ચાળીસી પાર કરેલી પેઢીમાં આ બન્ને પ્રકારની મનોદશા જોવા મળે છે અને એ જ પેઢીના આ કથાના  લેખકે આજના પ્રવર્તમાન સામાજિક પ્રવાહનું પ્રતિબિંબ ઝીલી લીધું છે.
કથાનકના મધ્ય ભાગમાં પેદા થતી આવી અવઢવની સાથે સાથે, ડોલી એ મંદિરા જ છે તે જાણ્યા પછી તેને નિહારીકાનાં આંતર્‍ અને બાહ્ય જીવનની રજેરજની ખબર કેમ મળતી રહે છે, સભ્ય સમાજની સ્વિકૃત વ્યવસ્થાને આટલી હદે વળોટી ગયેલા નિશાંતની વાત જેસિકા નિહારીકાને બહુ જ મોડું થઇ ગયા પછી શા માટે કહે છે એવા સવાલો પણ વાચકના મનમાં પેદા થતા હશે.
આમ મધ્યભાગમાં કથાનક તેની દિશા ભુલી તો નથી રહ્યું ને તેવો વિચાર આવે ત્યાં સુધીમાં તો લેખક, બહુ જ સલુકાઇથી, કથાના અંતનો આરંભ કરી દે છે. અને કથાનો અંત ભાગ તો કોઇ ઍકશન-થ્રીલરની અદાથી વાચકને ચારે બાજૂએથી બનતી દિલધડક ઘટનાઓની જેમ ઘેરતો રહે છે. રહસ્યકથા લેખકના સ્વાંગમાં રમી રહેલા આપણી કથાના લેખકે દરેક વાચકને હવે પછીના અંકની ઉત્કટ જીવે રાહ જોતા જરૂર કરી દીધા હશે.
આમ, દીર્ઘ સમય સુધી ચાલવા છતાં વાચકને ઝકડી રાખતી ધારાવાહિક નવલકથા(ઓ) આપવાની પરંપરાનાં કીર્તિમાનને  "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"એ ચાર આંગળ ઉંચાં લઇ જવામાં તો સફળતા મેળવી છે જ. તે સાથે તલસ્પર્શી સંશોધન અને વ્યાપક ફીલ્ડવર્કના આધાર પર નવલકથાનાં સર્જન કરવાની આધુનિક રીતને ગુજરાતી સાહિત્યમાં રૂઢ કરવામાં પણ "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું આગવું યોગદાન રહેશે એમ મારૂં માનવું છે.
મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" ની શૈલી ધારાવાહિક સ્વરૂપે રજૂ કરવામાં અસરકારક રહી છે, તેથી હવે તેને જ્યારે પુસ્તકનાં સ્વરૂપે પ્રકાશીત કરાશે, ત્યારે લેખક આ કથાનકની રજૂઆતમાં કોઇ (અથવા કયા) ફેરફારો કરશે, તે જાણવામાટે રાહ જોઇએ.

Wednesday, December 28, 2011

ઉત્પાદન આવરદા ચક્રના સંદર્ભમાં -- "કેવી હતી આપણી ગઇકાલ?" [‘ચિત્રલેખા’, ૨-૧-૨૦૧૨] - બિમલ મહેશ્વરી


તારીખ ૨-૧-૨૦૧૨ના હિસાબે પ્રસિધ્ધ થયેલ 'ચિત્રલેખા'ના અંકમાં શ્રી બિમલ મહેશ્વરીનો "કેવી હતી આપણી ગઇકાલ" લેખ વાંચતાં પેદા થયેલ વિચાર વમળમાં મૉપૅડ અને ઇન્ડીપૅન યાદ આવી ગયાં. આ પ્રતિભાવાત્મક લેખ તેમની યાદમાં લખ્યો છે.
વેચાણ સંચાલન [Marketing Management]ના એક આદ્યગુરૂ ફીલીપ કૉટલર વ્યવસાયનાં કે ઉત્પાદન /સેવાનાં વેચાણનાં અસરકારક સંચાલનમાટે ઉત્પાદન આવરદા ચક્ર [Product Life cycle]ની સમજણપર બહુ જ ભાર આપે છે. આ વિભાવનાની મદદથી ઉત્પાદન /સેવાની આવરદાની તંદુરસ્તી માટે આવરદાના અલગ અલગ તબક્કામાટે યોગ્ય કસરતો, 'આહાર-વિહાર' તેમ જ પથ્યાપથ્યના પ્રયોગ અને ઉપયોગથી ઉત્પાદન / સેવાને હરહંમેશ ગ્રાહકભોગ્ય રાખી શકવામાં મદદ મળે છે.
તેમ છતાં અહીં પણ 'બાળમરણ' કે 'લીલી વાડી મૂકી ગયા', 'ભરયુવાનીમાં ફાટી પડ્યો' જેવી ઘટનાઓ પણ મનુષ્ય જીવનની જેમ જ બનતી રહે છે.
 જો પ્રાવૈધાનિક વિજ્ઞાનની પ્રગતિ [Technological advancements] ઉત્પાદનની આવરદાને થતું કેન્સર છે તો ગ્રાહકની બદલતી પસંદ/નાપસંદ આવરદાને થતું ગ્રહણ કહી શકાય. તે જ રીતે ઉત્પાદન કે સેવાના ઉપયોગ કરવાની રીત પણ ઉત્પાદનની આવરદાની તબિયતને અસર કરે છે.
દૂરસંદેશ વ્યવહારનાં સાધન તરીકે મોબાઇલ [સેલ્યુલર (સેલ)] ફૉન એ ખુદ જ પ્રાવૈધાનિક પ્રગતિનું પ્રતિક છે, જેણે વિશ્વનાં ભૌતિક અંતરને ઘટાડી નાખવામાં 'પાસા-પલટી નાખનાર' [Game-changer] પરિબળ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ તો અંકે કરી જ લીધું છે. એક સાધન તરીકે તે હાથ કે કોઇપણ ઘડીયાળનાં અસ્તિત્વામાટે ભયની ઘંટડી છે તો વૈભવ કે પ્રતીષ્ઠાનું કે પછી વય જૂથનું એક પ્રતિક પણ બની જ ગયું છે. તેમાં વપરાતી પ્રૌદ્યોગિકીય પ્રક્રિયામાં ઉપગ્રહ દ્વારા તરંગોનાં વહનની ગૃહસ્થી ઑપ્ટીકલ ફાઇબરના કૅબલ્સ[OFC] અને રૅડીયો-તરંગો [RF waves]ના ઉપયોગની પ્રક્રિયાએ ઉપપત્નીની જેમ પચાવી પાડી.
તો એક અજ કુટુંબમાં [હીરો સાયકલ્સ અને ઍટલસ સાયક્લ્સનાં ઉત્પાદન-ગૃહો] મૉપૅડનો જન્મ થતાં જ મોટી બહેન (બાઈ)સાયકલના 'ભાવ ગગડી' ગગડી જવાનું શરૂ થઇ ગયું હતું. દૂધનાં મોટાં કૅન [બોઘરણાં]ની હેરફેર કરવા કે સ-પત્ની સહેલ કરવા જેવા સાઇકલના જન્મજાત ઉપ્યોગ પર મૉપૅદ શહેરોથી માંડી ગામડાંઓ સુધી છવાઇ ગયેલ.અમારા એક સંબંધી જામનગરમાં લગ્નમાં હાજરી આપવા રાજકોટથી 'લુના' પર નીકળ્યા તો હતા પણ રસ્તામાં પોતાની પૂરી તાકાત લગાડવા છતાં સામેથી આવતા પવનને કારણે તે સ્થિતપ્રજ્ઞ થઇ ગયેલ. આગળ જવાનો ભ્રમ થાય પણ જ્યારે પવન પડી જાય અત્યારે જ તે આગળ વધી શકતું. થોડું ચઢાણ આવે અને બે હટ્ટીકટ્ટી સવારીને વટથી હાંફતાં લઇ જતું 'સુવેગા' રસ્તામાં જ સુઇ ન જાય એટલે બન્ને જણાં નીચે ઉતરીને ખેંચી જતાં. આમ છતાં શ્રી ચામુંડી મૉપૅડ નામક કંપની  ૭૦ના દાયકાના અંતમાં કે ૮૦ના દાયકાની શરૂઆતમાં તેનું જાહેર ભરણું અનેક ગણું છલકાઇ જવા પછી પણ ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ બંધ થઇ ગઇ. કારણ! આ જ કુળનાં પિત્રાઇ ઉત્પાદન મૉટર સાઇકલમાં ૧૦૦ સીસીનું પદાર્પણ!

આ મૉટર સાઇકલ [એટલે Fill It, Shut It, Forget It વાળી હીરોહોન્ડા]ને કારણે તો જેની દહેજમાં માગવા સુધીની ઇજ્જત હતી તે ગીયરવાળાં સ્કુટર [એટલે કે 'વૅસ્પા' અથવા 'ચેતક']ના જન્મદાતા [બજાજ લિ.]એ રાતોરાત કાવાસાકી આશ્રમમાંથી કિશોરવસ્થામાં પહોંચી ગયેલ મૉડેલ્સને દત્તક લેવાં પડેલ. જો કે પાંચ છ ઉત્પાદકોની લીલી વાડીની કક્ષાએ પહોંચેલ સ્કુટરનો ગીયર વગરનાં સ્કુટર તરીકે બીજાં ઘરોમાં પુનર્જન્મ થયો છે. ફરક માત્ર એટલો પડ્યો કે પહેલાં જે કન્યાનાં લગ્નમાં દહેજ તરીકે મૂછાળો પુરૂષ તેનો સવાર ગણાતો તેને બદલે એ જ કન્યાનું તે ફૅશન કથન બની ગયું.

મૉપૅડના વિકાસને કારણે સાયકલને 'ક્ષય' લાગૂ પડી ગયો, એ તો ભલું થજો કસરતની સાયકલ કે રેસીંગ જેવી રમતગમતમાટેનાં બહુ-ગીયર્ડ સ્વરૂપ કે બાળકોનાં રમક્ડાં તરીકે રંગરંગીન સ્વરૂપ જેવી દવાઓનું કે જેને કારણે 'સાયકલ' ખોળિયું તો બચી ગયું પણ રૅલૅ [Releigh]  કે હર્ક્યુલસ જેવી બ્રાંડ અને તેના પ્રણેતા મદ્રાસ [હવે ચેન્નઇ]ની ટીઆઈ સાયકલ્સ નામ તો 'ભવ્ય' ભૂતકાળ થઇ ગયાં.

એક એવી પણ બ્રાંડ છે જે વસ્તુનું ઉત્પાદન તેના ઉત્પાદકે વર્ષો પહેલાં બંધ કરી દીધું છે, જે કંપનીનાં નામમાંથી કરારની શરતોને આધીન તેનાં નામોનિશાન ભુંસી નાખવાં પડ્યાં છે, જેનું વાસ્તવિક અસ્તિત્વ બહારનાં ઉપકરણોની મદદથી જીવંત દેખાતાં માનવ શરીર જેવું છે [કારણકે તેને એ રીતે આપણી આગવી જુગાડ કળા જ ચાલતું રાખી રહી છે]. આપણે વાત કરીએ છીએ ત્રિ-ચક્રી મીની-બસ 'ટેમ્પો'ની, જે આજે પણ ઉત્તર ભારતનાં કેટલાક ભાગમાં મસ્તીથી ટેમ્પો ટેક્ષીનું કામ કરે છે. માનવામાં ના આવતું હોય તો ઝી ટીવી પર આવતી સિરિયલ 'અફસર બિટિયા' આટલા સારૂ પણ જોશો.

આ બધી ચર્ચામાં યાતાયાતનું સહુથી પહેલું સાધન - ઘોડાગાડી- જે એકવીસમી સદીના બીજા દશકમાં કોઇ રડીખડી જૂના સમયપર આધારીત ફિલ્મ જોઇએ તો જ જોવા મળે તેની તવારીખ કોણ યાદ કરે.
આટલી જ રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ છે કલમ [પેન]ની જીવનસફર.

શાહીના ખડીયામાં થોડીથોડીવારે બોળીને લખી આપતી લેખણી કલમ  તરીકે ઓળખાઇ હતી. ઍટલે જ્યારે પેનમાં જ શ્યાહી ભરીને તેને ખડીયાથી સ્વતંત્રતા અપાવી ત્યારૅ તેને  Independent Pen[Indi Pen] કહી.પુરૂષના ડ્રેસ-કૉડમાં તે આભુષણ તો સ્ત્રીમાટે તે ફૅશન કથન પણ બની. મૉં બ્લાં [Mount Blanc], પીયર કાર્ડીન[Pierre Cardin] અને પાર્કર [Parker] કે ક્રૉસ [Cross]જેવી બ્રાંડ તો જેને ભેટમાં મળે તે પોતાને ધન્ય ગણે તે કક્ષાની બની રહી.

પરંતુ બૉલ-પેનનાં આગમનથી  Independent Pen[Indi Pen]નું અસ્તિત્વ સરકારી કે કાયદાકીય દસ્તાવેજપર કાળી શ્યાહીથી કે અમુક વર્ષોસુધી પરીક્ષામાં પ્રશ્નપૅપરના જવાબ જેટલું પરાણે રહી ગયું.જો કે શ્યાહી લીક થવાને કારણે હાથ બગડતા બંધ થઇ ગયા, હોળીને દિવસે શાળામાં મિત્રને પેન છટકોરીને 'રંગી' નાખવાનું બંધ થઇ ગયું.

શ્યાહીની ટેક્નૉલૉજીમાં થયેલ પ્રગતિએ જેલ-પેનના અવતરણ બાદ તો હવે Indi Penના દિવસો ભરાઇ ગયા.
આવીજ રસપ્રદ જીવનસફર છે અવાજ કે દ્રષ્યને મુદ્રિત કરી અને વિતરણમાં વપરાતી લાકહ કે પ્લાસ્ટીકની રેકર્ડ્સ કે ફિલ્મની રીલની છે.સીડી , પછી થી ડીવીડી અને બ્લુ-રૅ ડિસ્કને mp કે mpeg  જેવાં સ્વરૂપે ઇન્ટરનૅટ પર ચડાવવાનું કે તેનાપરથી ઉતારી લેવાનું એટલું સરળ કરી આપ્યું કે વચગાળામાં મૅગ્નૅટીક ટૅપ જેવું કોઇ માધ્યમ હતું તે દંતકથા લાગે.

Tuesday, November 15, 2011

'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪: ‘ચિત્રલેખા'


'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪ ને ‘ચિત્રલેખા'ના ઇતિહાસ અને વિકાસનો સ-રસ અને માહિતિસભર ગ્રંથનાં સ્થાને મુકી પણ શકાય. ને તેમ છતાં ધારીએ તો એક બેઠકે વાચી પણ જઇ શકાય તેમ છે.
ભારતમાં અખબાર અને મૅગૅઝિન પ્રકાશનક્ષેત્રે કુટુંબદ્વારા સંચાલનથી શરૂ થયેલ, પણ સમયની માંગ પ્રમાણે વાણિજ્યિક તેમ જ તંત્રી વિભાગોમાં વ્યાવસાયિક પ્રતિભાને વિકસવામાટેની પૂરતી તકો આપવી તે પ્રણાલિકા તો જોવા મળે જ છે. જો કે સામાન્ય રીતે અન્ય પ્રકાશનગૃહો કોઇને કોઇ ઔદ્યોગિકગૃહનો હિસ્સો જ હોય છે.એટલે, ત્યાં ઔદ્યોગિક સંચાલનની કુનેહનો લાભ પ્રકાશન સંસ્થાને પણ મળી રહે.
જ્યારે 'ચિત્રલેખા' ની શરૂઆતની ભાત થોડી અલગ છે. એક વ્યાવસાયિક પ્રથમ જ વાર ઉદ્યોગસાહસિકના સ્વાંગમાં મંચ પર આવ્યા હતા, પ્રકાશનો હજૂ સયંસંચાલનના વેગમાં પહોંચે તે પહેલાં અકાળે મંચ છોડી પણ દીધો.તે પછીથી ગૃહિણિમાંથી વ્યવસાય સંચાલન, અને તે પણ મૅગૅઝીન પ્રકાશન જેવું સંકુલ સંચાલન મધુરીબેને સંભાળ્યું,હરકિશનભાઇ જેવા શુભચિંતક વ્યાવસાયિકને એવા કપરા સંજોગોમાં સંસ્થામાં જોડવા માતે પ્રેરિત કરવા એ બધું 'ચિત્રલેખા'ને અન્ય પ્રકાશનોથી સંજોગોના પ્રભાવની બાબતે તેટલાં પૂરતું અલગ પાડી દે છે.
અને તે પછીનો ઇતિહાસ આ પુસ્તિકામાં જીવંત સ્વરૂપે લખાયો છે.
ચિત્રલેખાની તવારીખના ઉતાર-ચડાવ તૉ હરકિશન મહેતાની નવલકથાનું વાંચન યાદ કરાવી દે.
ચિત્રલેખાના આજ સુધીની આ સફલયાત્રા માટે તેમની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ યશનું હકદાર છે. જે સંસ્થાને ઉત્તરોત્તર આવું બાહોશ અને નિષ્ઠાવાન નૅત્રુત્વપુરું પાડે તેવી વ્યક્તિઑ મળી રહે તે સદ્‌ભાગ્ય તૉ ખરું જ,પરંતુ દરેક પુરોગામી નેતાની દુરંદેશીભરી દ્રશ્ટિ સિવાય આવું ભાગ્ય સદ્‌ભાગ્ય સુધીની કક્ષાએ પહોંચે નહીં તેમ પણ સ્વિકારવું જોઇએ. 
ચિત્રલેખા કુટુંબ - ટીમની દરેક વ્યક્તિ તરફ હું એક વાચક્ની દ્રષ્ટિથી ખુબ જ અહોભાવ અનુભવું છું.