Showing posts with label Diwali. Show all posts
Showing posts with label Diwali. Show all posts

Sunday, October 30, 2016

હિંદી ફિલ્મોનાં ગીતોમાં દીવાળી



દર વર્ષે દીવાળીના દિવસો નજીક આવે ત્યારે દિવાળીના મૂડને રજૂ કરતાં ગીતોને શોધી શોધીને સાંભળવાં એ પણ મારે માટે ઉજવણીનો એક નિયમ જ બની ગયો છે. દર વખતે જૂદા જૂદા લેખો મળી જાય એટલે દિવાળીનાં ગીતોને એક જ જગ્યાએ સંગ્રહી લેવાનું જામતું નહીં. આ વખતે દિવાળી પરનાં ગીતો યાદ કરવા જતાં યાદ તો ત્રણ જ ગીત આવ્યાં -
લાખોં તારે આસમાન મેં..દેખ કે દુનિયાકી દિવાલી દિલ મેરા ચૂપચાપ જલા - હરિયાલી ઔર રાસ્તા (૧૯૬૨)- મુકેશ, લતા મંગેશકર- શંકર જયકિશન – શૈલેન્દ્ર
એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ, ઉજ઼ડા હુઆ ગુલશન હૈ, રોતા હુઆ માલી હૈ - નઝરાના (૧૯૬૧) - મુકેશ - રવિ - રાજેન્દ્ર કૃષ્ણ
સાથે યાદ આવ્યું કે આ ગીતનું 'વો ભી દિવાલી'ની ઉજવણીને રજૂ કરતું એક બીજું વર્ઝન પણ છે :
મેલે હૈ દિવાલી કે રંગીન દિવાલી હૈ - લતા મંગેશકર
ત્રીજું ગીત છે 'ગાઈડ' (૧૯૬૫)નું, જે ગીતોનાં ફિલ્મીકરણમાટે બહુ જાણીતા એવા દિગ્દર્શક વિજય આનંદની એક વધુ બેમિસાલ કમાલ છે. ફિલ્મની નાયિકાની કારકીર્દીના આલેખની ઉપર જતી રેખાને સાંકળતા સ્ટેજ શૉના પહેલા જ અંતરામાં -  @8.25 - દીવાળીને વણી લીધી છે.
પિયા તોસે નૈના લાગે રે  નૈના લાગે રે - ગાઈડ (૧૯૬૫) - લતા મંગેશકર - એસ ડી બર્મન - શૈલેન્દ્ર 

આ ત્રણ ગીતોનું યાદ આવવું, કમસે કમ મારા કિસ્સામાં, આમ તો કંઈ નવાઈની વાત નથી. ત્રણે ગીત '૬૦ના દાયકાનાં છે, જે સમયની ફિલ્મો જોતાં જોતાં જૂની ફિલ્મો અને એ ફિલ્મોનાં ગીતો માટેનો રસ કેળવાયો હતો ! આજના લેખ પૂરતી મહત્ત્વની વાત એ છે કે આમ થવાથી આ સમય પહેલાંનાં દિવાળી ગીતોને એક જ સાથે સંગહી લેવાની મારી ઈચ્છાને હવે પૂરતું કારણ મળી ગયું.બસ, એ શોધખોળ કરતાં જે ગીતો મને મળ્યાં છે તે અહીં ફિલ્મનાં રજૂ થવાનાં વર્ષના ક્રમમાં આપની સમક્ષ સાદર રજૂ કર્યાં છે :
સૌથી પહેલી જ ફિલ્મ મળી જેનાં શીર્ષકમાં જ "દિવાલી" છે. ૧૯૪૦ની એ ફિલ્મનું સંગીત  ખેમચંદ પ્રકાશે નિર્દશિત કર્યું હતું, મોતીલાલ અને માધુરી તેમાં મુખ્ય ભૂમિકાઓમાં હતાં અને જયંત દેસઈ ફિલ્મના દિગ્દર્શક હતા એટલી માહિતી નેટ પર મળે છે. ઇન્ટરનેટના મરજીવાઓ ફિલ્મનાં ગીતો સુધી હજૂ પહોંચ્યા નથી જણાતા.
જો કે ૧૯૪૦નાં જ વર્ષનું એક બીજું ગીત પણ  મળી આવેલ છે -
આઈ હૈ હોલી આઈ હૈ દિવાલી - સંસ્કાર (૧૯૪૦)- જ્યોતિ, હરીશ - અશોક ઘોષ - કન્હૈયાલાલ
એ પછીના દશકમાં આપણને ગીતોનો બહુ સમૃદ્ધ ફાલ મળે છે -
દિવાલી ફિર આયી સજની - ખઝાનચી (૧૯૪૧) - શમશાદ બેગમ - ગુલામ હૈદર - વલી સાહબ
પંજાબનાં ઘરોમાં કોઈ પણ ઉત્સવની ઉજવણી સમયે ઢોલકના તાલના સંગાથે જે વાતાવરણ જોવા મળે તે આ ગીતમાં દૃશ્યમાન થાય છે
આયી દિવાલી આયી દિવાલી - રત્તન (૧૯૪૪) - જોહરાબાઈ અંબાલેવાલી - નૌશાદ - ડી એન મધોક
દિવાળીના દીવાઓની જ્યોત પર ફીદા થતાં પતંગીયાઓ અને બહાર ચાલી રહેલી દિવાળીની ઉજવણી પોતાના પ્રેમીજનના પ્રેમોલ્લાસની જ્યોતમાં ભળી ન જવાનો, કે ન તો ઉજવણીમાં તેનો સાથ હોવાનો, ગ઼મ નાયિકાના મનમાં ઘુંટે છે.
ઘર ઘર મેં દિવાલી હૈ, મેરે ઘરમેં અંધેરા - કિસ્મત (૧૯૪૩) - અમીરબાઈ કર્ણાટકી - અનિલ બિશ્વાસ - પ્રદીપ
પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે જ નાયિકાનાં જીવનમાં અંધારૂં છે એ ખેદ સિવાય પણ પોતાનાં જીવનમાં અનેક સમસ્યાઓના ફટાકડાઓ ફૂટતા રહેવાથી જિંદગીમાં ક્યાંય આશાનો ઉજાશ નથી કળાતો એવી ફરિયાદ પણ નાયિકા આ પ્રસંગે કરે છે
આયી દિવાલી દીપોંવાલી - મહારાણા પ્રતાપ (૧૯૪૬)- ખુર્શીદ, સાથીઓ - રામ ગાંગુલી - સ્વામી રામાનંદ
ગીતની ધુન, લય અને વાદ્યસજ્જામાંથી જ  દિવાળીની ઉજવણીનો આનંદ છલકે છે 
આયી દિવાલી દીપ જલા લા - પઘડી (૧૯૪૮) - સીતારા કાનપુરી, શમશાદ બેગમ - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
દિવાળીની ઉજવણીમાં આખું કુટુંબ હેલે ચડ્યું છે....
દિવાલી કી રાત પિયા ઘર આનેવાલે - અમર કહાની (૧૯૪૯) - સુરૈયા - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
પરંપરાગત રીતે ઘરનો પુરુષ વર્ગ આજિવિકા રળવા બહારગામ વસતો હોય, એટલે દિવાળીને ટાંકણે ઉત્સવની ઉજવણી એ સાથે આવીને કરે એવી આશામાં મીટ માંડેલી નાયિકાના મનના ભાવ અહીં રજૂ થાય છે 
આયી હૈ દિવાલી - શીશ મહલ (૧૯૫૦) - ગીતા દત્ત, શમશાદ બેગમ - વસંત દેસાઈ - નઝીમ પાનીપતી
મહેલ, રાજ દરબાર અને આખું નગર દિવાળીને આવકારે છે
શામ ઔર હુઈ ઔર દીપ જલે - બસેરા (૧૯૫૦) - મુબારક બેગમ, સુલોચના કદમ - એમ એ રૌફ ઉસ્માની - સરદાર ઈલ્હામ
એ જ સાંજ, એ જ દીપ પણ મનમાં ભાવ સાવ જ અલગ પેદા થાય. એક જ ગીતમાં બે સાવ અલગ મૂડ આવરી લેવાયા છે
જગમગતી દિવાલી કી રાત આ ગયી - સ્ટેજ (૧૯૫૧) - આશા ભોસલે - હુસ્નલાલ ભગતરામ - શર્શાર શૈલાની
ઉત્સવની ઉજવણીનો આનંદ ગીતમાં ઝગમગે છે 
યુટ્યુબ પર ગીતનું એક બીજું વર્ઝન જોવા મળે છે જેમાં ગાયક તરીકે લતા મંગેશકર જણાવાયાં છે (?)

દીપ જલે ઘર ઘર મેં આયી દિવાલી - ઘર ઘરમેં દિવાલી (૧૯૫૫) - લતા મંગેશકર, શમીન્દર - રોશન - પ્રેમ ધવન

શીર્ષકમાં 'દિવાળી'શબ્દપ્રયોગ થયો હોય એવી એક બીજી ફિલ્મ. ફિલ્મનાં બીજાં કેટલાંક ગીતો ઇન્ટરનેટ પર મળે છે, પણ આ ગીત હજૂ ઇન્ટરનેટની પહોંચમાં આવ્યું જણાતું નથી.

ઈસ રાત દિવાલી કૈસે - સબ સે બડા રૂપૈયા (૧૯૫૫) = મોહમ્મદ રફી, શમશાદ બેગમ, આશા ભોસલે શૌકત દેહલવી - પી એલ સંતોષી
ઘરની અંદર દંપતિનાં મિલનની ઘડી અને બહાર દિવાળીની રાતની ઉજવણીનો કવ્વાલી શૈલીમાં સંગમ.. 

કેવો મજાનો યોગાનુયોગ છે કે દિવાળીનાં ગીત ધરાવતી બીજી એક ફિલ્મનાં પણ શીર્ષકમાં 'પૈસા' છે...

દીપ જલેંગે દિવાલી આયી - પૈસા (૧૯૫૭)- ગીતા દત્ત - રામ ગાંગુલી - નઝીર અકબરાબાદી
ઉત્સવની ઉજવણીના આનંદને ગીતા દત્ત તેમના અવાજનાં ઊંડાણ સુધી ઘુંટે છે
જહાં મેં આયી દિવાલી - તાજ (૧૯૫૬) - લતા મંગેશકર - હેમંત કુમાર - રાજેન્દ્ર કૃષ્ણ
દિવાળીના દીવાઓના ઝગમગાટથી વિરહની જ્યોતથી દાઝી જવાની પીડા વધારે અસહ્ય બને છે 
કૈસે દિવાલી મનાયે હમ લાલા, અપના તો બારાહ મહિને દીવાલા -પૈગામ (૧૯૫૯) - મોહમ્મદ રફી - સી રામચંદ્ર - પ્રદીપ
શ્રમજીવી અને મધ્યમ વર્ગ માટે તો દિવાળીનું બોનસ મળે તો પણ ચાદર તો એક સંધો ત્યાં તેર તૂટે એ બારાહ મહિને દીવાલા  જ હાલત રહેવાની...
આયી અબ કે સાલ દિવાલી - હક઼ીક઼ત (૧૯૬૪) - લતા મંગેશકર - મદન મોહન - કૈફી આઝમી
ફરજ માટે હંમેશાં ખડે પગે રહેતાં લશ્કર માટે તો દિવાળીમાં પણ પોતાનાં નજ્દીકનાં લોકોથી અંતર તો સહન કરવું જ પડે, અને તેમાં પણ યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિ ચાલતી હોય ત્યારે એક બાજૂ યુદ્ધની ભયાનકતાની ખાઈ અને બીજી બાજૂ પોતાનાંઓથી દૂર હોવાની પીડાની ખીણ જેવી દશા પણ ભોગવવી પડે...
દિવાલી આઈ રે ઘર ઘર દીપ જલે - લીડર (૧૯૬૪) - લતા મંગેશકર, મોહમ્મદ રફી, સાથીઓ - નૌશાદ - શકીલ બદાયુની
સ્ત્રી નૃત્યકારોના હાથમાં દીવા ને પુરૂષ નૃત્યકારોના હાથમાં મશાલ નગારાંની દાંડીની ચોટ પર સમાજના બન્ને વર્ગ માટે દિવાળીના અલગ અલગ સંદેશ કહી જાય છે.
અહીંથી આગળ મારી શોધ દરમ્યાન મને એવું જણાયું કે '૭૦ કે '૮૦ના દાયકામાં 'દિવાળી' ગીતો ફિલ્મોમાં મુકવાનું નહિવત થઈ ગયું છે, કેમકે મને છેક '૯૦ના દાયકાના અંતનાં કે તે પછીનાં ગીતો જ જોવા મળ્યાં.
ખેર. મારો રસ તો આમ પણ મને જે ગીતો યાદ આવ્યાં તે પહેલાંના ગીતો અને એ ગીતોના વિષય, ગાયકો, સંગીતકારો નાં વૈવિધ્ય બાબતોમાં જ રસ હતો, જે તો આટલાં ગીતોના દીપમાંથી ફૂટતા પ્રકાશનાં અનેકવિધ તરંગો એ જ સંતુષ્ટ કરી આપ્યો છે. એટલે આજના લેખમાટે અહીં જ વિરમતાં પહેલાં એક એવું ગૈરફિલ્મી ગીત જરૂર રજૂ કરીશ, જેનાં ગાયક,સંગીતકાર અને ગીતકારનાં સંયોજને આપણને કેટલાંક બેનમૂન ગૈર ફિલ્મી ગીતો આપ્યાં હતાં. એ પછીથી સંગીતકારને ફિલ્મી દુનિયા બહુ ફળી અને તેમનાં ફિલ્મનાં ગીતો જ એક સીમાચિહ્ન બની રહ્યાં- 
મૈં ઘીકા દિયા જલાઉં, ઘર આઓ - સી એચ આત્મા - ઓ પી નય્યર - સરોજ મોહિની નય્યર 


દિવાળીનું પર્વ આપણને સૌને જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમકી ગંગા બહાતે ચલો (સંત જ્ઞાનેશ્વર, ૧૯૬૧)ની ભાવના પ્રજ્વળિત રાખવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે આપ સૌને દિવાળીનાં પર્વની ખુશીઓ મંગળમય રહો એ શુભેચ્છા....