Showing posts with label Jaidev. Show all posts
Showing posts with label Jaidev. Show all posts

Sunday, January 14, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - જાન્યુઆરી ૨૦૨૪

 

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૮


જયદેવ
(વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) ની માનપૂર્વકની ઓળખ કવિઓના સંગીતકાર તરીકે રહી છે. તેમનાં ગીતોની રચના ગીતકારની રચનાનાં હાર્દને અગ્રભૂમિમાં જાળવીને જ શાસ્ત્રીય કે લોક ગીતોના આધાર પર રચાતી રહી. શરૂઆતના દાયકા બાદ તેમનાં ગીતો આમ શ્રોતામાં ઓછાં સ્વીકાર્ય થતાં જણાવા લાગ્યાં હતાં. પરંતુ, '૭૦ના દાયકાના મધ્યમાં તો તેઓએ પોતાની કારકિર્દીના બીજા દાવમાં તેમની આગવી શૈલીનો સ્પર્ષ પાછો મેળવી લીધો હોય તેમ જણાવા લાગ્યું હતું. પરિણામે ૧૯૯૭ થી ૧૯૮૦માં તેમની શ્રેષ્ઠ રચનાઓ હિંદી ફિલ્મ સંગીતની તવારીખને ચોપડે નોંધાઈ. જયદેવ હવે તેમની સંગીત રચનાઓમાં ઓછાં જાણીતાં ગાયકોના સ્વરો વડે અવનવા પ્રયોગો પણ બહુ સહજતાથી કરવા લાગ્યા હતા.    

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને, અને

§  ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુ, આલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

આજના મણકામાં આપણે ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમન, સોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતોની યાદ તાજી કરીશું.

ગમન (૧૯૭૮)

આજિવિકાની શોધમાં મુંબઈમાં આવી વસતા પરપ્રાંતીઓનાં કથાવસ્તુ પર રચાયેલી ફિલ્મ 'ગમન'ની ઓળખ તેનાં ફિલ્માંકન કરતાં સંગીતથી વધારે રહી છે.  જયદેવને સંગીતકાર તરીકે મળેલા ત્રણ રાષ્ટ્રીય પુરકારો પૈકીનો બીજો રાષ્ટ્રીય પુરસ્કાર 'ગમન'નાં સંગીત માટે મળ્યો. દિગ્દર્શક તઈકે મુઝફ્ફર અલી, ચરિત્ર અભિંનેતા નાના પાટેકર અને દક્ષિણમાં ગાયક તરીકે જાણીતા થઈ ચુકેલા હરિહરને હિંદી ફિલ્મોમાં પદાર્પણ કર્યું એવી અનોખી વિશેષતા પણ 'ગમન'ને નામે નોંધાઈ છે. 

સીનેમેં જલન આંખોંમેં તૂફાન સા ક્યો ં હૈ .. ઈસ શહરમેં હર શખ્સ પરેશાન સા ક્યું  હૈ - સુરેશ વાડકર - ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

મૂંબઈમાં આજિવિકા રળવાના સંઘ્રષમાં ખુંપી ગયેલ પરપ્રાંતવાસી ટેક્ષી ડ્રાઈવરની મનોવ્યથા આ ગઝલમાં વ્યક્ત થાય છે. જોકે આ ગઝલના અર્થની ગહનતા કરતાં ગંંભીર પ્રકારનાં ગીતો માટે પ્રમાણમાં નવોદિત ગાયક કહી શકાય એવા સુરેશ વાડકરનો સ્વર અને  શાહર્યારની મહદ અંશે શુદ્ધ ઉર્દુ કહી શકાય તેવી ગઝલ રચના આજે પણ જ્યારે આપણા કાન પર પડી જાય છે તો તરત જ આપણાં મન પર સંપૂર્ણપણે કબજો લઈ લેતી અનુભવાય છે. 



આપકી યાદ આતી રહી રાત ભર ..... ચશ્મ -એ - નમ મુસ્કુરાતી રહી રાત ભર - છાયા ગાંગુલી - ગીતકારઃ મુક઼દ્દમ મોહીઉદ્દીન 

આ ગીત માટે છાયા ગાંગુલીને પણ શ્રૅષ્ઠ સ્ત્રી ગાયિકા તરીકેનો રાષ્ટ્રીય પુરકાર એનાયત થયો હતો. એક ગઝલ તરીકે બહુ ઘણાં ગાયકોએ તેને પોતપોતાની રીતે રજુ કરી છે, પણ જયદેવના આગવા સ્પર્શને કારણે આ ગીત એ બધાંથી અલગ જ તરી આવે છે.



આ ગીતની રચનામાં ઓછામાં ઓછાં વાદ્યોના પ્રયોગની સાદગીની ખુબીને સમજવા માટે ડી ડી સહ્યાદ્રી પર છાયા ગાંગુલીનાં આ ગીતનાં લાઈવ ગાયનને સાંભળવું જોઈએ.


અજીબ સનેહા મુઝ પર ગુઝર ગયા યારોં ..... મૈં અપને સાયે સે ..... કલ રાત ડર ગયા યારોં - હરિહરન - ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

મનના વિચારોમાં ખોવાયેલ વ્યક્તિના મનોભાવોને વ્યકત કરતી આ ગઝલની આગવી રજૂઆત દ્વારા હરિહરન હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ કરે છે.



બડે ધૂમ ગજરસે આયો રે નૌશા અમીરો કા - હીરા દેવી મિશ્રા, સાથીઓ -  ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

લગ્ન ગીતોની લોકપરંપરાનું આ ગીતની  સ્વાભાવિક અસર પેદા થાય એ માટે જયદેવે શાસ્ત્રીય ગાયકીનાં  હીરા દેવી મિશ્રાના સ્વરનો સફળ પ્રયોગ કર્યો છે.


અરે પથિક સુન ઈતની કહિયો ટેર ...... દિગ ઝર લાયી રાધિકા અબ બ્રીજ ભુલત ફેર ..... રસ કે ભરે તોરે નૈન સાંવરિયા - હીરા દેવી મિશ્રા  ગીતકારઃ (અખ્લક઼ મોહમ્મદ ખાન) શાહર્યાર

રાધા કૃષ્ણનાં પ્રેમ શૃંગારનાં ગીતોની પણ લોકસંગીતમાં આગવી પરંપરા છે. સામાન્ય રીતે આવી રચનાઓને ભૈરવી ઠુમરીમાં રજુ કરાતી હોય છે.

આવી પારંપારિક રચનાઓને પણ જયદેવના સ્પર્શથી કેવી અલગ થતી રહે છે તે સમજવા માટે ગૌહર જાન, ગીરીજા દેવી, બેગમ અખ્તર અને પંડિત ભીમસેન જોશી જેવાં કલાકારોની આ રચનાની રજુઆત સાંભળવી ગમશે. 

પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહ (૨૦૧૩)મા આ રચનાને શફક઼ત અમાનત અલી અને અર્પિતા ચક્રબોર્તીના સ્વરમાં પ્રયોજેલ છે. 

સોલવાં સાવન (૧૯૭૮)

પી. ભારતીરાજા દ્વારા દિગ્દર્શિત તમિળ  ફિલ્મ '૧૬ વયતીનલે' (૧૬ વર્ષની ઉમરે)ની હિંદી રીમેક છે. તમિળ સંઅકરણ ખુબ સફળ રહ્યું હતું. એ સંસ્કરણ માટે પી સુશીલાને શ્રેષ્ઠ ગાયિકા તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર અને કમલ હસનને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ફિલ્મફેર પુરકાર મળેલ હતો, પણ હિંદી સંસ્કરણ્માં શ્રીદેવીનાં પદાર્પણની જાણે કોઈ જ નોંધ ન લેવાઈ. હિંદી સંસ્કરણમાં સહમુખ્ય ભૂમિકામાં અમોલ પાલેકર હતા.

પી કહાં પી કહાં ..... ધીરે સે હૌએ સે સુન મેરી યે, મેરે કાનોંમેં કહ દે રી પવન - વાણી જયરામ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

તારૂણ્યના ઊંબરે આવી ચૂકેલ ૧૬ વર્ષની કુમારીકાનાં મનમાં ફૂટતી પ્રેમની સરવાણીઓને જયદેવે આ ગીતમાં વાચા આપી છે.


બુઆ બકરી લેકર આયી હાંડી .... ફિર બીવીને સાગ પકાયાન સોચું તિલક લગાકે , સાગ સામને આયા હાથીકે બેટે , હાથી કે બેટેકી જવાની કાલી કોયલિયા ને સુની કહાની યેસુદાસ, અનુરાધા પૌડવાલ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

ગામડાંઓમાં અમુક ઉત્સવોની ઉજવણીમાં હાસ્યરસનાં ગીતોનું એક આગવું સ્થાન હોય છે. અહીં પણ એક એવાં પારંપારિક ગીતને જયદેવ પોતાની રીતે રજુ કરે છે.



ગોરીયા ઓ ગોરીયા ક્યું તુને ફુલ સજાએ રેશમી બાલોંમેં - વાણી જયરામ, યેસુદાસ, સાથીઓ - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

સ્થાનિક ઉત્સવની ઉજવણીમાં ગામના યુવાનો અને યુવતીઓ જાહેરમાં પોતાના મનના ભાવ કહી લે એવાં ગીતોની પણ એક સહજ પરંપરા રહી છે. 



હજુ એક ગીત  - સારા રારા રારા ઢોલ કહાં બજા -ની નોંધ જોવા મળે છે, પણ ગીત યુટ્યુબ પર નથી મળી શક્યું.

તુમ્હારે લિયે (૧૯૭૮)

'તુમ્હારે લિયે' બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિતપુનર્જન્મનાં કથાવસ્તુ પર આધારિત ફિલ્મ હતી.

હો બોલે રાધા શ્યામ દીવાની, પી કા મુખડા ભોર સુહાની પ્રીત બીના જીવન ઐસા .... જૈસે નદીયા હો બીણ પાની  - લતા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

ભતૃહરીના જીવન પર આધારિત પારંપારિક નાટ્યકૃતિના પ્રસંગને ફિલ્મને અનુરૂપ બનાવીને રજુ કરાયો છે.


બાંસુરીયાં મન લે ગયી રે તેરી બાંસુરીયાં - આશા ભોસલે - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવની મુશ્કેલ ગીતરચનાને આશા ભોસલે પૂર્ણ રીતે ન્યાય આપે છે. 


મેરે હાથોંમેં લાગે તો રંગ લાલ મહેંદી તેરે નામકી - આશા ભોસલે - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવે નાયિકાના મનમાં ફૂટતા પ્રેમના  ભાવોને ન્યાય આપવાની જવાબદારી આશા ભોસલેને સોંપવાનું નક્કી કર્યું છે.

મોરે તરસ ગયે નૈના પિયા તોરે દરસ બીના .... બની દુલ્હન કભી ન રૈના પિયા તોરે દરસ બીના - ઉષા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી 

જયદેવ ફરી એક વાર ઓછાં જાણીતાં ગાય્કો પાસેથી યાદગાર ગીતો ગવડાવી શકવાની પોતાની ખુબીને સાબિત કરે છે.


તુમ્હેં દેખતી હું લગતા હૈ ઐસા કે જૈસે તુમ્હેં જાનતી હું - લતા મંગેશકર - ગીતકાર નક઼્શ લ્યાલપુરી  

જયદેવના આ પ્રયોગશીલ તબક્કામાં પણ માધુર્યભરાં ગીતોને સરઈ શકવાની લાક્ષણીકતા ઝળક્યા વિના નથી રહેતી.



જયદેવના બીજા દાવની આપણી આ સફર, હવે પછીના મણકાઓમાં આગળ વધતી રહેશે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, January 9, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી ૨૦૨૨

 

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૪-૧૯૭૫


જયદેવ
(વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ - અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭)ની કારકિર્દીનાં ૧૯૩૩માં માંડેલાં પહેલાં પગરણથી તેમનાં ૧૯૮૭માં અવસાન સુધી આ અત્યંત પ્રતિભાશાળી સંગીતકાર સાથે નિયતિનું વર્તન ઓરમાયું જ રહ્યું. એક સમયે જેમણે અત્યંત માધર્યપુર્ણ અને વાણિજ્યિક દૃષ્ટિએ સફળ પણ, ગીતો રચ્યાં તે પછી તરત જ 'સમાંતર સિનેમા'ના સંગીતકાર તરીકે જયદેવ હાંસિયામાં ધકેલાઈ ગયા. જે મુખ્ય ધારાની ફિલ્મોનાં ગીતોની ધુમ સફળતા તેમને 'ફિલ્મફેર' જેવા લોકચાહનાના માપદંડ ગણાતા પારિતોષિકો ન અપાવી શકી એવા જયદેવને 'સમાંતર સિનેમા'નાં ગીતોએ ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો અપાવ્યા, જે એમની પેઢીના સંગીતકારોના સંદર્ભે અનોખો રેકોર્ડ છે.

જે સમયમાં જયદેવ સક્રિય હતા એ સમયમાં સમાંતર સિનેમા અમુક ચોક્કસ દર્શક વર્ગની પસંદ અનુસાર જ બનતી, એટલે એ ફિલ્મોનું સંગીત પણ વ્યાપક લોકચાહના મેળવે એવી કોઈ અપેક્ષા જ ન રખાતી હોય. જો ક્દાચ સંગીત એ બરનું હોય, તો સમાંતર સિનેમાનાં ટાંચાં બજેટમાં  ફિલ્મની જ પબ્લિસિટિ માટે જોગવાઈ ન કરાતી હોય ત્યાં એ ફિલ્મોનાં સંગીતને માટે તો કંઈ જોગવાઈ હોય એવી તો આશા જ ન રખાય.

પરંતુ જયદેવમાંના તળ કલાકારે સમાંતર સિનેમાની પ્રસિદ્ધિ આડેના આ બધા અવરોધોને સાવ જ નવાં ગાયકોને તક આપવા જેવી  પોતાની પ્રયોગશીલતાને ખીલવા માટેના અવસરમાં ફેરવી કાઢ્યો. આ પ્રકારનાંગીતોમાંથી મોટા ભાગનાં ગીતોએ આ ગાયકોને તો માનભર્યું સ્થાન અપાવ્યું જ, પણ તે સાથે ફિલ્મ સંગીતનાં સાવ નીચાં જઈ રહેલાં મનાતાં ધોરણને નવી જ દિશા ચીંધવાનું પણ કામ કર્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી.

ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને, અને

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને;

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે ૧૯૭૪ની 'આલિંગન', 'ફાસલા' અને 'પરિણય' અને ૧૯૭૫ની 'એક હંસ કા જોડા' અને 'આંદોલન' ફિલ્મોનાં જે ગીતો યાદ કરીશું તે ગીતો આપણને તેમનાં સંગીતમાં જરા પણ ન કરમાયેલી તાજગી અને પ્રયોગશીલતાની ખુબીનો પણ આસ્વાદ કરાવે છે.

આલિંગન (૧૯૭૪)

હમારે દિલ કો તુમને દિલ બના લિયા - મોહમ્મદ રફી, આશા ભોસલે  - ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

ગીતના પૂર્વાલાપમાં મોટરબાઈકની ગતિ અનુભવાય છે જે ગીતના વૉલ્ઝના ઝડપી તાલમાં ફેરવાઇ જાય છે. મોહમમ્દ રફી અને આશા ભોસલેની ગાયકીની ખુબીઓને પણ જયદેવે બહુ ગીતમાં વણી લીધી છે.  


પ્યાસ થી ફિર ભી તક઼ાઝા ન કિયા - મન્ના ડે – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

લાગણીઓની રજુઆતને ગીતના ઉપાડમાં મન્ના ડે એકદમ મૃદુતાથી કરે છે, પરંતુ જેમ જેમ ઉત્કટતા વધતી જાય છે તેમ તેમ સુર ઊંચે જતો જાય છે. સેક્સોફોનનો સંગાથ વાતાવરણમાં ઘુટાય છે જે પણ ઉત્તેજનાને હવા દે છે. 

  

ફાસલા (૧૯૭૪)

આ ઉઠા લે અપના જામ ક્યા તુજ઼ે કિસી સે કામ - રાનુ  મુખર્જી – ગીતકાર: કૈફી આઝમી

રાનુ મુખરજીના ભારી સ્વરનો પ્રયોગ જયદેવે ક્લબ ડાન્સનાં ગીતનાં ઉત્તેજક વાતાવરણને ઘુંટવામાં કર્યો છે.


ઝિંદગી સિગરેટકા ધુંઆ, યે ધુઆં જાતા હૈ કહાં - ભુપિન્દર – ગીતકાર: કૈફી આઝમી

જયદેવ, કૈફી આઝમી અને ભુપિન્દરનું સંયોજન ઝિંદગી તો સિગરેટનો ધુમાડો છે, જે ક્યાં જાય છે તે ન પુછો જેવા ગંભીર ભાવથી શરૂ થતાં પ્રેરણાત્મક ગીતને સાવ હળવા અંદાજમાં રજુ કરે છે. 



પરિણય (૧૯૭૪)

જૈસે સુરજકી ગર્મી સે જલતે હુયે તન કો - દીનબન્ધુ શર્મા,રામાનન્દ શર્મા, સાથીઓ-  ગીતકાર: રામાનન્દ શર્મા

જયદેવનો સ્પર્શ ભજન ગીતોના સુપ્રસિદ્ધ ગાયકો શર્મા બંધુઓની ગાયકી  અને રાગ જૌનપુરીમાં થયેલ ગુંથણીને લોકપ્રિયતાની વધારે ઊંચાઈએ લઈ જવામાં પોતાની આગવી ભૂમિકા ભજવે છે.


મિતવા મિતવા મોરે મન મિતવા આજા રે આજા - મન્ના ડે, વાણી જયરામ – ગીતકાર: નક઼્શ લ્યાલપુરી

જયદેવ યુગલ ગીતમાં '૫૦ના દાયકાનું માધુર્ય જીવંત કરે છે. આવું મધુર અને છતાં બાંધણીમં સહજ ગીત મન્ના ડેના ચાહકોમાં તેમ જ ફિલ્મ સંગીતની ખુબીઓ માટે ખાસ ચાહત ધરાવતા શ્રોતા વર્ગમાં લોકપ્રિય ન થયું હોત તો જ નવાઈ કહેવાય  !


આડવાત :

'પરિણય'ને ૧૯૭૪નાં વર્ષ માટેનો રાષ્ટ્રીય એકતા માટેના ખાસ નરગીસ દત્ત રજત કમળ પુરસ્કાર એનાયત થયો હતો.

ફિલ્મના દિગદર્શક કાંતિલાલ રાઠોડ છે જેમની ગુજરાતી ફિલ્મ 'કંકુ' ((૧૯૬૯)ને પણ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે અને તેમની અનેક નોંધપાત્ર દસ્તાવેજી ફિલ્મો પૈકી  Cloven Horizon (૧૯૬૫)માટે બળકો માટેની ફિલ્મનો પુરસ્કાર મળ્યા હતા.

એક હંસકા જોડા (૧૯૭૫)

સાથી મિલતે હૈં બડી મુશ્ક઼ીલ સે, કિસીકા સાથ ન છોડના - કિશોર કુમાર – ગીતકાર: ઈન્દીવર

જયદેવ અને કિશોરકુમારનો સંગાથ, બન્નેની બીજી ઇનિંગ્સમાં પણ, થવો એ પોતાની રીતે જ એક વિરલ ઘટના છે. ખુબ ભાવવાહી ગીતને અનુરૂપ જયદેવ સંગીતની બાંધણી પિયાનોના મૃદુ સુરોની સાથે કિશોર કુમારના સ્વરને પણ એ ઉપર જતા અને નીચે રહેતા સુરમાં વણી લે છે.


એક હંસ કા જોડા જિસને પ્યાર મેં હર બંધન તોડા - અજિત સિંઘ – ગીતકાર: ગૌહર કાનપુરી

ગૌહર કાનપુરી જેવા શાયરના બોલની અજિત સિંઘ જેવા પોપ ગાયકના સ્વરમાં, ગિટાર અને ફુંક વાદ્યોના હળવા સુરોમાં વણાયેલ પોપ સંગીતની શૈલીમાં જ, બાંધણી કર્યા પછી પણ ગીતનું માધુર્ય જાળવવું એ જયદેવ જેવા '૫૦ના દાયકાના સંગીતકારની પ્રયોગશીલતા જ કરી શકે. 


મેરે દિલમેં તેરી તસવીર સદા રહેતી હૈ - ભુપીન્દર, આશા ભોસલે – ગીતકાર: ઈન્દીવર

ભુપીન્દરના સ્વરને તો નાયિકાને ભૂતકાળની યાદોમાં લઈ જતી સાખી પુરતો જ પ્રયોજ્યો છે. 



આંદોલન (૧૯૭૫)

દર-ઓ-દિવાર પે હસરત-એ-નઝર કરતે હૈં, ખુશ રહો અહલ-એ-વતન હમ તો સફર કરતે હૈં - ભુપીન્દર - ગીતકાર રામપ્રસાદ 'બિસ્મિલ'

ફિલ્મ વિશે જે કંઈ થોડી માહિતી મળે છે તેના પરથી એટલો ખયાલ બેસે છે કે ફિલ્મ સ્વાતંત્ર્ય સંગ્રામના સમયકાળનામ કથાવસ્તુ પર નિર્માણ પામી છે. કમર્શિયલ ફિલ્મોના કાબેલ અને સફળ દિગ્દર્શક હોવા છતાં નીતુ સિંઘને બાદ કરતાં મોટા ભાગનાં અન્ય કળાકારો આર્ટ સિનેમા' સાથે વધારે સંકળાયેલાં ગણાતાં હતાં એટલે કદાચ ફિલ્મને 'સમાંતર સિનેમા' તરીકે વર્ગીકૃત કરાઈ હશે!

ગીતમાં લેવાયેલ 'સાખી' લખનૌના નવાબ વાઝિદ અલી શાહને કલકતાની જેલમાં 'દેશનિકાલ' કરાઈ રહયા હતા ત્યારે તેમણે કરેલી વિખ્યાત રચનાનો એક હિસ્સો છે.


મઝલૂમ કિસી કૌમ કે જબ ખ્વાબ જગતે હૈં - મન્ના ડે - ગીતકાર વર્મા મલિક

'અગ્રેજ ' સરકારની પોલીસના દમન સામે પોતાની દેશદાઝને બુલંદ રાખી રહેલ સ્વાતંત્ર્ય વીરના મનોભાવને તાદૃશ કરવા મન્ના ડે જેવા બુલંદ સ્વર પર જયદેવ પોતાની પસંદ ઉતારે છે.


પાંચ રૂપૈયા અરે પાંચ રૂપૈયા દે દે બલમવા મેલા દેખન જાઉંગી - મિનુ પુરુષોત્તમ, કૃષ્ણા કલ્લે - ગીતકાર જાં નિસ્સાર અખ્તર

ફિલ્મનાં કોઈ પાત્રને દુશ્મનથી સાવચેતા કરવા કે તેને ભાગવાની પુરતી તક મળી રહે એ પુરતું 'પેલાઓ'ને આડે રસ્તે રોકી રાખવાના આશય સારૂં પણ હિંદી ફિલ્મોમાં શેરી 'તમાશા' ગીતો ઘણાં હાથવગાં ગણાતાં રહ્યાં છે.


આડવાત :

ગીતમાં @૩.૪૧ પર સ્પષ્ટપણે જોવા મળતાં દાઢી ચશ્માવાળા 'રઈસ' પાત્રમાં વિન્ટેજ એરાના ખ્યાતનામ ગાયક જી એમ દુર્રાની છે.

પિયા કો મિલન કૈસે હોયે રી મૈં જાનું નહીં - આશા ભોસલે - ગીતકાર મીરાબાઈ

જયદેવે આ પહેલાં સાંગિતીક દૃષ્ટિએ જટિલ કહી શકાય છતાં ખુબ જ કર્ણપ્રિય એવી તૂ ચંદા મૈં ચાંદની (ગીતકાર :બાલ કવિ બૈરાગી) અને એક મીઠી સી ચુભન (ગીતકાર: ઉધ્ધવ કુમાર - (રેશ્મા ઔર શેરા, ૧૯૭૧) કે યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે,મુઝે ઘેર લેતે હૈ બાહોં કે સાયે (ગીતકાર: જાં નિસ્સાર અખ્તર) અને યે નીર કહાં સે બરસે હૈ… યે બદરી કહાંસે આઈ હૈ  (ગીતકાર: પદ્મા સચદેવ)  (પ્રેમ પર્બત, ૧૯૭૩) જેવી રચનાઓનો જયદેવનો જદુઈ સ્પર્શ અહીં નથી જોવા મળતો !

જયદેવની કારકિર્દીનાં આ પાનાંની યાદો મમળાવતાં મમળાવતાં આજે અહીં વિરામ લઈએ. જોકે જયદેવ રચિત અદ્‍ભૂત ગીતોની વિસરાતી દાસ્તાનની આપણી આ સફર તો હજૂ ચાલુ જ રહે છે…….


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.