Showing posts with label Raghav Behl. Show all posts
Showing posts with label Raghav Behl. Show all posts

Tuesday, March 8, 2016

મહા આર્થિકસત્તાઓ/ Super Economies : આ યાત્રાના મનોરથ સિદ્ધ થશે?



મહાઆર્થિકસત્તાઓ/ Super Economies
અમેરિકા, ભારત, ચીન અને વિશ્વનું ભાવિ
ISIN: 978-06-7008-812-6 ǁ પ્રકાશક: રૅન્ડમ હાઉસ ǁ કિંમત: રૂ. ૬૦૦/-

૧૮મી જાન્યુઆરી, ૨૦૧૬ના પ્રકાશિત થયેલ પહેલા ભાગમાં  આપણે રાઘવ બહ્‍લની ભારતની મહાઆર્થિકસત્તાપદ તરફની મંજિલ માટેની પૂર્વભૂમિકાથી અવગત થયાં હતાં. તે પછીથી બીજા ભાગમાં ૨-૨-૨૦૧૬ના રોજ, ૨૧મી સદી દરમ્યાન ભારત મહાઆર્થિકસત્તા બની શકશે કે નહીં તે માટે આંતરરાષ્ટ્રીય તખ્તાનાં પરિબળોના ૨૦મી સદીના સાનુકુળ પ્રવાહોનાં વિશ્લેષણની આપણે વાત કરી હતી.  તે પછીના ત્રીજા હપ્તામાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક હિતોના સંબંધોને સ્વાભાવિકપણે સબળ કરી શકે તેવા સકારાત્મક પરિબળોની રાઘવ બહ્‍લે કરી છણાવટની સમીક્ષા કરી હતી.
પ્રસ્તુત પરિચયના આજના સમાપન હપ્તામાં આપણે રાઘવ બહ્‍લે હવે ભારતની ભવિષ્ય સંભાવનોનો તખ્તો કેવો રહી શકે તેનાં કરેલ તારણોની વાત કરીશું.

૨૦મી સદીની મૂખ્ય રાજનૈતિક અને આર્થિક ગતિવિધિઓનાં ચાલકબળ ભૂરાજનૈતિક પરિબળો હતાં. બર્લિનની દિવાલ ખસી જવા બાદ ૧૯૮૯ પછી આ પરિસ્થિતિમાં બહુ નાટકીય વળાંક આવ્યા. સદીના અંતના દાયકા સુધીમાં તો બીજાં વિશ્વ યુદ્ધ પછી જાપાને જે જાદુઈ હરણફાળ ભરી હતી તેનો પન્નો ટુંકો પડતો હોય તેમ જોવા મળતું હતું. યુરોપનાં રાષ્ટ્રોને યુરોપિયન યુનિયનની ધરીની જાદુઈ છડી કારગત નીવડતી નહોતી. એ સમયમાં ચીનમાં, અને કંઈક અંશે ભારતમાં, અમલ કરાયેલા આર્થિક સુધારાઓની ચર્ચા ચારેતરફ હતી.
૨૧મી સદીના પ્રારંભમાં જ થયેલ ૯/૧૧ના હુમલાએ ધીમે ધીમે થતા ફેરફારોની દિશા એક જ ઝાટકે જાણે ફેરવી નાખી....એ ધડાકાઓની ગુંજ પૂરી શમે તે પહેલાં તો વૈશ્વિકરણના પવનોએ પ્રભાવકારી ભૂરાજનૈતિક પરિબળોની પહેચાન બદલી નાખી હતી. એક સમયે દેશની સત્તા પર તેની લશ્કરી તાકાતની આણ પ્રવર્તતી. તેને બદલ હવે નાગરિક ચળવળો, વ્યાપારી સંસ્થાઓનાં આંતરરાષ્ટ્રીય હિતો કે બીનસરકારી સંસ્થાઓની આર્થિક, સાંસ્કૃતિક કે માનવીય પ્રવૃત્તિઓના પ્રભાવ મહત્ત્વના થતા જણાવા લાગ્યા હતા.
મહાસત્તાઓના સમયના શીતયુદ્ધના અણબનાવો અને લાગણીશૂન્યતાના તણાવને બદલે મહાઆર્થિકસત્તાના દૌરમાં, સંઘર્ષના સમયે પણ, એક અજબ પ્રકારનાં હુંફાળા પારસ્પારિક પગલાંઓ હવે પ્રતિભાશાળી 'શસ્ત્રો' બનતાં ગયાં છે. મહાઆર્થિકસત્તાના દૌરમાં, એક નાગરિકથી બીજા નાગરિક વચ્ચેના વ્યવહારો પણ મહાસત્તાના સમયના વ્યવહારો કરતાં સાવ જ જૂદા પ્રકારના થવા લાગ્યા હતા.
આ અસામાન્ય કક્ષાનું એકીકરણ મહાઆર્થિકસત્તાના યુગને મહાસત્તાના સમયથી અલગ પાડે છે. ….અને તેમ છતાં, આજની વ્યવસ્થા એક મહત્ત્વની બાબતમાં મહાસત્તાના યુગની એક મહત્ત્વની લાક્ષણિકતાનું પ્રતિબિંબ પાડે છે : રશિયા કે ચીન જેવા કેટલાક દેશો આ નવા સમયમાં પણ એક પક્ષની એકહથ્થુ સત્તાનાં જડબેસલાક નિયંત્રણો હેઠળ પણ નોંધપાત્ર વિકાસ કરતા રહ્યા છે.
વૈશ્વિક વ્યાપાર અને મહત્ત્વાકાંક્ષાઓ અને રાજકીય વિચારધારાના સંધર્ષોનું મૂળ સ્થાનક જેમ વીસમી સદીમાં યુરોપ હતું તેમ એકવીસમી સદીમાં તે સ્થાન એશિયાનું થશે. છેલ્લાં પાંચસો વર્ષમાં પહેલી વાર, વૈશ્વિક સત્તા યુરોપ કે અમેરિકામાં નહીં પણ એશિયામાંથી ઉદ્‍ભવશે.
વૈશ્વીકરણે 'શીત યુદ્ધ'ને નિરર્થક બનાવી મૂકેલ છે; લગભગ બધા જ દેશો એકબીજા સાથે આર્થિક રીતે એટલી હદ સુધી નિર્ભર છે કે કોઈ પણ વ્યાપાર ભાગીદારને અવગણવા, કે એકલો પાડી દેવા કે નિર્મૂલ કરી દેવાથી, એક યા બીજી રીતે, સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાના પાયા જ હચમચાવી લેવાનું જોખમ જ સામે દેખાય. 
શીત યુદ્ધના બચ્યાખુચ્યા ટુકડાઓ મહાઅર્થિકસત્તાઓના સમયના દ્યોતક હતા તે જેમ કોઈ કલ્પી નહોતું શક્યું, તે જ રીતે આવનારાં વર્ષોમાં ભૂરાજનૈતિક ચિત્ર કેમ ખીલતું જશે તે કહેવું પણ અતિમુશ્કેલ જ છે. એકવીસમી સદીમાં વિશ્વ વ્યવસ્થાને ઊંડે સુધી અસર કરે તેવાં અનેક પરિબળોમાંથી આ પાંચ વાસ્તવમાં થશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી જણાતી :
૧. NATO અને NAFTA જેવી પ્રશાંત મહાસાગરને સ્પર્શતા દેશોની વ્યવસ્થા એશિયાને પણ સ્થિર કરવામાં મદદરૂપ બનશે. એશિયાના લોકશાહી દેશોનું સંકલન ચીનનાં વર્ચસ્વ સામે સંતુલિત કરનારૂં પરિબળ બની રહે.
૨. ભારતનાં અર્થતંત્રનો જોમદાર વિકાસ અને પોતાની અર્થવ્યવસ્થાને સવળે પાટે ચડાવવામાં અમેરિકાની સફળતામાંથી પરિણમતા કુલ આર્થિક પ્રવાહ ચીનના અર્થતંત્રને વામણું બનાવવા માટે સક્ષમ બની શકે છે.
3. ચીન તાઈવાનને ફરીથી પોતામાં ભેળવી દેશે અને દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનું આધિપત્ય વધારે સુદૃઢ કરી શકશે
૪. અમેરિકા, ચીન અને ભારત સંયુક્તપણે ઇસ્લામ આતંકવાદ સામે એક થઇને તેને મ્હાત કરશે.
૫. ચીન લોકશાહીની નજદીક ઢળશે અને તેનાં પરિણામે વધારે ખુલ્લો સમાજ બની રહેશે.
પ્રસ્તુત પુસ્તક જ્યારે પ્રકાશિત થયું હતું ત્યારે જેટલી  પણ અભ્યાસુ સમીક્ષાઓ લખાઈ હતી તેમાં કાચબા સમાં ભારતની સામે ચીન જેવાં સસલાંની હરિફાઈ વિષે રાઘવ બહલનાં વિશ્લેષણ અને તારણોને શેખચલ્લીના ખ્યાલો ગણી કાઢવામાં પણ આવ્યા હતા. પરંતુ, સવાલ અત્યારે હવે એ નથી કે મહાઆર્થિકસત્તાની દોડમાં ભારત ક્યાં કાચું પડશે.  એ ચર્ચા તો હંમેશાં થતી જ રહી છે! થોડા ઘણા શબ્દો કે પ્રાથમિકતાઓના ફરક સિવાય, એ શિખરો સર કરવા માટે ભારતની નબળાઈઓ વિષે ચર્ચા કરવાને બદલે તેને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની અલગ વિચારધારા ભલે ધરાવતો હોય પણ પોતે ભારતનો નાગરીક હોવાને કારણે, માત્ર એટલાં જ કારણસર પણ, એ નબળાઈઓને દુર કરી, આર્થિક, અને તેને પરિણામે સર્જાતાં સામાજિક કે માનવીય પરિણામોની સંભવિત હરણફાળ સિદ્ધ કરવામાં  પોતે જેટલું યોગદાન આપી શકે તે આપવા માટે કર્મબદ્ધ બને તે વધારે મહત્ત્વનું છે.
પુસ્તકપ્રકાશિત થયું ત્યારથી માંડીને આજ સુધીના બે વર્ષ જેટલા ગાળામાં પણ અમેરિકા કે ભારત કે ચીનના આર્થિક-રાજકીય-સામાજિક મચ પરના ખેલની ભજવણીમાં બહુ જ અણધાર્યા અને અવનવાં તત્ત્વો ભળી ચૂક્યાં છે, જેને કારણે મૂળ સ્ક્રિપ્ટને ઓળખવી પણ મુશ્કેલ થવા લાગ્યું છે. આ પ્રકારની ગતિશીલ, સંકુલ સંભાવનાઓને પહેલેથી જ પારખવાની, તેનો પડકાર બીજા દેશો કરતાં વધારે સારી રીતે ઝીલવાની પોતાની મંઝિલ ભારતે સિદ્ધ કરવાની છે. મંઝિલનો માર્ગ ખરેખર ટળવળાનારો છે. પણ જીવનમાં એક જ વાર આવી તક મળતી હોય છે તે પણ એટલું જ સાચું છે. ભારતની વર્તમાન પેઢી માટે આ કરો યા મરોની સ્થિતિ છે. જે કંઇ પ્રયાસો તે કરશે તેનાં પરિણામોથી ભારત મહાઆર્થિકસત્તા બને કે ન બને,પોતાના જ સમયમાં તેનાં ફળ ચાખવા મળે કે ન મળે, કમ સે કમ આવનારી પેઢીઓ માટે તેમણે આ મંઝિલ સિદ્ધ તો કરવી જ રહી. પોતાના ખભા પર એ જવાબદારીની ધુંસરી નંખાઈ જ ચૂકી છે, હવે તો મંઝિલને પામવી એ  જ એક, અને એક માત્ર, ધ્યેય જ આપણો જીવનમંત્ર બની રહેવો જોઈશે.

Sunday, February 21, 2016

મહા આર્થિકસત્તાઓ/ Super Economies : અમેરિકા અને ભારત - એક વંશ, એક શાસકીય વ્યવસ્થાની સકારાત્મક, પણ સમાંતર, લાક્ષણિકતાઓ



મહાઆર્થિકસત્તાઓ/ Super Economies
અમેરિકા, ભારત, ચીન અને વિશ્વનું ભાવિ
                                  ISIN: 978-06-7008-812-6 ǁ પ્રકાશક: રૅન્ડમ હાઉસ ǁ કિંમત: રૂ. ૬૦૦/-


૧૮મી જાન્યુઆરી, ૨૦૧૬ના પ્રકાશિત થયેલ પહેલા ભાગમાં  આપણે રાઘવ બહ્‍લની ભારતની મહાઆર્થિકસત્તાપદ તરફની મંજિલ માટેની પૂર્વભૂમિકાથી અવગત થયાં હતાં. તે પછીથી બીજા ભાગમાં ૨-૨-૨૦૧૬ના રોજ, ૨૧મી સદી દરમ્યાન ભારત મહાઆર્થિકસત્તા બની શકશે કે નહીં તે માટે આંતરરાષ્ટ્રીય તખ્તાનાં પરિબળોના ૨૦મી સદીના સાનુકુળ પ્રવાહોનાં વિશ્લેષણની આપણે વાત કરી હતી

આજના હપ્તામાં હવે અમેરિકા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક હિતોના સંબંધોને સ્વાભાવિકપણે સબળ કરી શકે તેવા સકારાત્મક પરિબળોની રાઘવ બહ્‍લે કરી છણાવટની સમીક્ષા જોઈશું.
Foetal Siblings or Estranged Democracies?\સહોદર ભાંડરૂઓ કે અણબનાવને કારણે કતરાતી લોક્શાહીઓ?” માં પોતપોતાનાં સ્વાતંત્ર્ય પહેલાં અને પછીની અમેરિકા અને ભારતની ઘટનાઓનું સવિસ્તર વિશ્લેષણ કરાયું છે. સ્વાતંત્ર્ય પછીથી બંને દેશોએ જે સૌથી પહેલા પડકારનો સામનો કરવો પડ્યો, તે હતો મહ્દ અંશે સાવ ભિન્ન એવાં અલગ અલગ રાજ્યોનું એક સમવાય દેશ તરીકે વિલીનીકરણ. ૧૫૦ વર્ષ પહેલાંનાં અમેરિકા જેમ ભારત પણ સ્વતંત્ર બન્યું ત્યારે દૂરંદેશી, હિંમતવાન અને દેશદાઝ નેતાઓ ની હાજરી તે બહુ જ સદ્‍નસીબ અને સરખી ઘટના હતી. મુક્ત બજાર અર્થતંત્રના પ્રયોગના એક શતકના અમેરિકાના અનુભવો પણ ભારતને ખેતીપ્રધાન અર્થતંત્રમાંથી આધુનિક ઔદ્યોગિક અર્થતંત્ર તરફ જવા માટેના તેના પ્રયાસો માટે માર્ગદર્શક પરવડી શકે છે.
ઓગણીસમી સદીમાં અમેરિકા જેમ વિકાસ કરતું ગયું, અને સમૃદ્ધ બનતું ગયું, તેમ તેમ તેના પરંપરાગત નીતિશાસ્ત્રના સાદગી, મહેનત અને ન્યાયપૂર્ણ વ્યવહારના સિદ્ધાંતોની જગ્યાએ ભૌતિકવાદી અને અતિમહત્વાકાંક્ષી માનસ હાવી થતું ગયું. થોડા ઘસાતા સૂરમાં આ માનસને 'લુટારૂ ઉમરાવશાહી' તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકાલિન યુગમાં મુસાફરોને લુંટી, તેમની મત્તા પાછી આપવા પૈસા પડાવવાના, અને પૈસા ન આપે તો માલ જપ્ત કરી વેચી ખાવાના, ધંધા કરતા લોકોને 'લુટારૂ ઉમરાવો' તરીકે ઓળખવામાં આવતા. યેન કેન, નિર્દય, પ્રકારે ધન એકઠું કરવું એ તેમની માનસિકતાની લાક્ષણિકતા હતી. સમૃદ્ધ થતાં જતાં અમેરિકામાં નવ્યતવંગર વર્ગની છાપ પણ આવી જ હતી. ઔદ્યોગિક ક્રાંતિના શરૂઆતનાં વર્ષોમાં પ્રસરેલ નવીનીકરણ, કાર્યક્ષમતામાં સુધારા કે હરિફાઈ જેવાં સાધ્યને હાંસલ કરવાની અને નફો રળવાની અગ્રિમતાવાળી બાબતોમાં કળા કે વિજ્ઞાન જેવા બૌદ્ધિક વિચારો માટે સ્થાન નહોતું. ૧૮૨૦થી ૧૮૭૦ના સમય દરમ્યાન અમેરિકામાં સમૃદ્ધિની ખોજમાં આવેલા ૭૦ લાખથી પણ વધારે સ્થળાંતરિત પ્રજાએ પણ આ નવી માનસિકતાને વધારે પ્રગાઢ બનાવવામાં મદદ કરી.
અમેરિકન ઉદ્યોગના પહેલી પેઢીના સફળ ઉદ્યોગપતિઓએ તેમનાં જીવનની શરૂઆત ગરીબી અને અભાવો વચ્ચે કરેલી.એટલે 'બધાં માટે સમાનતા' જેવા પારંપારિક નૈતિક સિદ્ધાંતો અને પોતાનાં બળે આગળ વધતાં લોકોના નવ્યવર્ગની શાનોશૌકતની ચમકદમકની વચ્ચે તેઓ ખેંચાતા રહેતા હતા. દરેક પ્રકારની રીતરસમો અજમાવીને, પણ  પોતાનાં સ્વબળે, આગળ વધેલ આ વર્ગને હવે સમાજના અન્ય વર્ગના હક્કો કે તેમના ભાગની ન્યાયિક સગવડો પણ અણછાજતાં  લાગવા માંડ્યાં હતાં. સરકારનાં મુક્ત-બજાર તરફી વલણને પરિણામે આ ઉદ્યોગપતિઓ માટે તેમનાં સામ્રાજ્યોને વિકસાવવાનું સરળ બની ગયું. આમ કરતાં તેઓએ જે સંપત્તિ એકઠી કરી તે એ સમયે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઉસેડી લીધેલી સંપત્તિને તો ક્યાંય ઝાંખી પાડી દઈ શકે તેમ હતી.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વધારે પડતા ઉધામાઓએ જેમ લડનમાં બેઠેલ તાજને હિંદુસ્તાનના રાજવહિવટમાં હસ્તક્ષેપ કરવા તરફ ધકેલેલ, તેમ ૧૯મી સદીના અંતના મહાજનોના અતિરેકોએ અમેરિકાની તત્કાલિન સરકારોને બજારોને મુક્ત રાખવા માટેના કાયદાઓ ઘડતા જવાની ફરજ પાડી.
જો કે તે પછીથી, વીસમી સદીમાં તો અમેરિકાની કંઈ કેટલી નદીઓનાં કેટલાંય પાણીઓ પ્રશાંત કે ઍટલાંટિક મહાસાગરોમાં વહી ચૂક્યાં છે. કોઇ એકની નજરે જે 'લુટારૂ ઉમરાવ' હતો તે હવે બીજાં કેટલાંકની નજરોમાં 'દૂરંદેશ ઔદ્યોગિક સાહસિક' બની રહેતો. 'રાજકીય ઔદ્યોગિક સાહસિકો'એ સરકારી રાહતો અને યોજનાઓનો લાભ લઈને હરિફાઈનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો અને પોતાનાં સામ્રાજ્યો ખડાં કર્યાં. 'બજાર ઔદ્યોગિક સાહસિકો'એ ઓછાં ખર્ચે વધારે સારી પેદાશો બનાવીને પોતાની નામના વિશ્વમાં ફેલાવી. આ બધાં લોકોના વારસા સ્વરૂપે આજના ઔદ્યોગિક સાહસિકોને માત્ર વૈશ્વિક જ નહીં પણ ઘણાં વધારે મુક્ત હરિફાઈવાળાં, વધારે નિયમન હેઠળનાં, મહદ્‍ અંશે લોક્શાહી ઢબે ચાલતાં વ્યાપાર વિશ્વમાં પાંગરવાનું વાતાવરણ મળી રહ્યું છે.
૧૯૯૧ પછી ભારતનાં અર્થતંત્રમાં પણ આર્થિક સુધારાઓનો જે પવન વહ્યો તેમાં પાંગરેલા ભારતના વ્યાપાર-ઉદ્યોગના નવ્યમાંધાતાઓને "સુધારા ઉમરાવ" કહી શકાય. છેક નવેસરથી પોતાના વ્યાપાર-ઉદ્યોગ શરૂ કરનારા 'પહેલી-પેઢીના ઉમરાવો' પણ હવે ભારતમાં એક બહુમાન્ય વર્ગ તરીકે ખીલી ચૂક્યા છે. જો કે આજે હવે ચર્ચામાં પહેલી પેઢીના કે સુધારા ઉમરાવો નથી. આજે હવે ચર્ચાને ચકડોળે, કંઇક અંશે સિદ્ધાંતો જોડે ખાસ નાતો ન રાખવાવાળા ગણાતા, 'મળતિયા મૂડીવાદીઓ' છે. આ મૂડીવાદી વર્ગ શાસકો સાથે સુંવાળપભર્યા સંબંધો કેળવીને દેશનાં કુદરતી સંસાધનોને બહુ ઓછા ભાવે હસ્તગત કરી તેમાંથી તગડો નફો રળી લેવા માટે પંકાય છે !
એકબીજાના સરખાપણાંને કારણે એકબીજાંનાં હિતો પણ સરખાં જ રહેશે તેમ પણ બંને દેશોએ માની લેવાની જરૂર નથી. તે જ રીતે પોતપોતાના હિતની રક્ષા માટેના પોતાને યોગ્ય જણાતા દૃષ્ટિકોણના સ્વાભાવિક ફરકને કારણે એકબીજાંની બીનજરૂરી આલોચના કરવા પણ બેસી જવાની જરૂર નથી. બંનેના પાયામાં જે સામ્યતાઓ છે તેની શક્તિનો ઉપયોગ કરીને બંને દેશોએ, આપસી સહકારથી, લોકશાહી શાસનપ્રથાની સમસ્યાઓના સ્વયંસુધારણાના હલ કાઢી આપવાની ખૂબીનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનાં સમાધાન માટે કરવો જોઈએ.
વિવિધ પ્રકારની આગવી ખાસીયતો ધરાવતાં રાજ્યોને "The Centre Will Hold \એકસૂત્રે બાંધતું કેન્દ્ર'નાં શીર્ષક અને લોકશાહી અને "Democracy and Law\કાયદાનું શાસન" પેટાશીર્ષક સાથેનાં પ્રકરણમાં રાઘવ બહ્‍લ આધુનિક રાષ્ટ્ર તરીકે અમેરિકા અને ભારતની પાયાની સામ્યતાઓને એક મહત્ત્વનાં પરિબળ તરીકે રજૂ કરે છે. જ્યોર્જ બર્નાડ શૉએ એક વાર કહ્યું હતું કે અમેરિકા અને બ્રિટન સમાન ભાષાથી અલગ પડતા દેશો છે.  ઑગીલ્વી એન્ડ મૅથરના ભારતના ઉપાધ્યક્ષ મધુકર સબનવીસ તેવા જ એક રૂપક જેમ અમેરિકા અને ભારતને સમાન રાજકીય શાસન વ્યવસ્થાથી જૂદા પડતા દેશો કહે છે. આ ઉપરાંત અમેરિકામાં જેમ વિવિધ સાંસ્કૃતિક ખાસીયતો ધરાવતા અલગ અલગ દેશોમાંથી આવી થયેલાં લોકોના સમૂહ છે તેમ બાર ગાઊએ માત્ર બોલીની સાથે, એક જ ધર્મ કે જાતિનાં જ લોકોની રીત, રિવાજ, રહેણીકરણી,ખાનપાન જેવી ઘણી અલગ ખાસીયતો ધરાવતાં જૂદા જૂદા વર્ણો અને નાતજાતના સામાજિક સ્તરોમાં વહેંચાયેલાં લોકો ભારતમાં એક દેશના છત્ર હેઠળ વસે છે.  અમેરિકાનું વૈવિધ્ય તેનાં અન્ય દેશોમાંથી સ્થળાંતરીત લોકોને કારણે હોવાથી તે પરંપરાગત રીતે  તે જેને રાષ્ટ્ર કહી શકાય એવો જુદાં જુદાં રાજ્યોનો સમવાય દેશ બની રહ્યો છે, જ્યારે તેની સરખામણીમાં ભારત એ અનેક દેશ સમાં રાજ્યોનું સંઘરૂપ રાષ્ટ્ર કહી શકાય.અમેરિકાનું સમવાય તંત્ર 'સમમિતિક(symmetrical)' છે તો ભારતનું સમવાય તંત્ર 'અસમમિતિક(asymmetrical)' છે. સાવ જ જૂદાં જૂદાં મતતાંરરોવાળાં જૂથોને એકસાથે રાખવા માટે બહુ જ વ્યૂહાત્મક સમજશક્તિ અને સામુહિક સંક્લ્પબળ જરૂરી બની રહે છે….સ્વરૂપ કે શૈલીમાં કેટલા પણ તફાવત હોય, અમેરિકા અને ભારતની લોક્શાહી વ્યવસ્થાનું મૂળ પોત અને તેમાં વણાયેલ ભાવ મહદ્‍ અંશે સમાનપણું ધરાવે છે.
કેન્દ્રવર્તી અને વિકેન્દ્રિત પરિબળો વચ્ચે જરૂરી છે તેવું નાજુક સંતુલન જાળવી રાખવામાં જ લોકશાહીની સફળતા છે. મતાધિકારમાં જે વધારે બોલકાં હોય તેવા સમાજનાં શક્તિશાળી હિતોના ભોગે દેખીતી રીતે ઓછા પ્રભાવશાળી મતાધિકારવાળા વર્ગનાં હિતોને નુકસાન ન થવા દેવું એ આદર્શ લોકશાહી શાસન વ્યવસ્થાની કસોટી છે. આ બંને બાબતોમાં અમેરિકા અને મહદ અંશે ભારત ખરાં ઉતરતાં રહ્યાં છે.
જરૂરી નથી કે લોકશાહી શાસન વ્યવસ્થા હંમેશાં પ્રામાણિક કે સર્વહિત માટે સમાન નીવડે, પણ  સત્તાના બેલગામ ઉપયોગ, ન્યાયનાં ઉઘાડે છોગ ઉલ્લંઘન જેવા આત્યંતિક ઘટનાક્રમ પર મોડો મોડો પણ અંકુશ લાવી શકવામાં કે શાસનમાં પારદર્શીતા લાવી શકવામાં લોકશાહી વ્યવસ્થા વધારે વિશ્વનિય રહી છે.વાણી સ્વાતંત્ર્ય જેવા નાગરિક હક્કો અમર્યાદ સત્તા પર લગામ તરીકે બહુ જ મહત્ત્વનું સાધન નીવડી રહેલ છે….ગમે તેટલી હદ સુધી વાત વણસે, પણ  લોકશાહીમાં અંતે તો ન્યાયનું પલડું જ ભારી બની રહે છે. અમેરિકા અને ભારતની શાસન વ્યવસ્થામાં સૌથી વધારે ધ્યાનાકર્ષક બાબત છે સત્તાનાં સરળ હસ્તાંતરણની પ્રક્રિયા, જે ચીન જેવી આર્થિક મહાસત્તાને આ બે દેશોથી અલગ તારવી રહે છે. લગભગ દરેક આત્યંતિક કે સામાન્યત: બને તેમ ન હોય તેવી પરિસ્થિતિઓને હલ કરવા માટેની શાસકીય વ્યવસ્થા લોકશાહી દેશોમાં, ક્યાં તો પરંપરાગત સ્વરૂપે કે ક્યાં તો વૈધાનિક સ્વરૂપે, આલેખાયેલી જોવા મળે જ છે.જો, અને જ્યારે, ચીન લોક્શાહી તરફ ઢળે તો તેના માટે અમેરિકા કરતાં ભારતના વિવિધ લોકવિચાર, મતતાંતરો, ધર્મો કે જાતિઓ છતાં સફળતાપૂરવક અમલ થયેલ લોકશાહી વ્યવસ્થાના અનુભવો વધારે ઉપયોગી પરવડશે.….ઇતિહાસ એ કરવટ લે કે ન લે, તેમની પ્રબળ લોકશાહી સંસ્થાઓ, વિકેન્દ્રિત રાજ્યોને જોડી રાખતાં કેન્દ્ર જેવાં સમાન અને પ્રતિભાશાળી પરિબળોના આધાર પર તેમના સંબંધોમાં અંતરાય બનતી રાજદ્વારી અડચણોને અતિક્રમતા રહેવા પર જ અમેરિકા અને ભારતની સરકારો ભાર આપતી રહે તે બંને માટે શ્રેયકારક છે.
Treading Softly / ધીમેથી મંડાતાં કદમનું પેટાશીર્ષક The Race to Win Investors and Other Admirers \ નિવેશકારો અને અન્ય ચાહકોને જીતી લેવાની હોડધબધબ અવાજ કરતાં પગલાં ની જેમ ધ્યાન ખેંચે છે. આ પ્રકરણમાં રાઘવ બહ્‍લે ભારતની મહાઆર્થિકસત્તા ભણીની કાચબા દોડના સંદર્ભમાં આર્થિક ચિત્રની સમીક્ષા છેક તળ પરનાં સ્તરનાં ઉદાહરણોની મદદથી કરી છે. એક રાજયની હદ પસાર કરવાં જ્યારે એક ટ્રકને ત્રણ ત્રણ દિવસ લાગી જતા હોય તેવાં વાતાવરણમાં... નાની બાબતોમાં પણ નફાતોટાનો હિસાબ કરનારા નિવેશકો ચીનની રાહ પકડી લે તે સ્વાભાવિક છે. આર્થિક અને વ્યાપારઉદ્યોગની બાબતો વિષે જાણીતા કટારલેખક ગુરચરણ દાસનું કહેવું છે કે, 'ભારત નીચેથી ખીલે છે, જ્યારે ચીન ઉપરથી વીકસે છે. નીચેથી ખીલતો વિકાસ વધારે ટકાઊ નીવડે છે કારણ કે સત્તા પર કોઈ પણ આવે કે જાય, ખરૂં કામ તો લોકોની મહેનત અને ધગશથી થતું હોય છે'. તેમનાં પુસ્તક, India Grows at Night : A Liberal Case for a Strong State[1],માં તેઓ જણાવે છે કે ભારતને જરૂર છે બહુ જ મજબૂત, મવાળમતવાદી રાજ્યવ્યવસ્થાની. આ પ્રકારની રાજ્યવ્યવસ્થામાં શાસનપાસે ઝડપથી, અસરકારક નિર્ણયો લેવાની, વાસ્તવીક. સત્તા હોવી જોઈએ. આ નિર્ણયોને પરિણામે લેવાતાં પગલાં કાયદેસરનાં હોવાં જોઈએ ,અને જેમણે તેમને સત્તા સોંપી છે તે સામાન્ય પ્રજાને ઉત્તરદાયી હોવાં જોઈએ. ગુરચરણ દાસ સ્વીકારે છે કે આમ કરવું સહેલું નથી કારણ કે, ઐતિહાસિક સંદર્ભોથી જોતાં પણ દેખાશે કે ભારતમાં શાસન વ્યવસ્થાની સરખામણીમાં તેની સામાજિક વ્યવસ્થાઓ બળવત્તર રહી છે. ગોલ્ડમૅન સૅક઼્સના એક અહેવાલમાં [Ten Things for India to Achieve its 2050 Potential’ - Jim O’Neill and Tushar Poddar, 2008]માં ભારતનું અર્થતંત્ર ૨૦૫૦માં ચાલીસ ગણું થઈ શકે તેમ અંદાજાયું છે. આ સિદ્ધ કરવા માટે એ અહેવાલ શાસન વ્યવસ્થામાં સુધાર, ફુગાવા પર નિયંત્રણ, વિશ્વનિય રાજવિત્તીય નીતિઓનો અમલ, નાણાં બજારોનાં નિયમનોનું સરળીકરણ, પાડોશી દેશો સાથે વધારે વ્યાપાર જેવાં આર્થિક પગલાંઓ, પાયાનાં શિક્ષણનાં ધોરણોમાં વિશ્વસ્તરીય સુધાર, યુનિવર્સિટીઓની સંખ્યા અને ગણવત્તામાં નોંધપાત્ર સુધાર જેવાં સામાજિક સ્તરનાં પગલાંઓ કે કૃષિતંત્રની ઉત્પાદકતામાં હરણફાળ સમાન વધારા કે આંતરમાળખાંકીય સિવિધાઓ કે પર્યાવરણીય બાબતોમાં નોંધપાત્ર સુધારા જેવાં પાયાનાં પગલાંઓ જેવા વિવિધલક્ષી અભિગમોના પડકાર ઝીલવામાં ભારત કેટલું સફળ રહેશે તેના પર ભાર મૂકે છે.……એક મહાસત્તા માટે જરૂરી એવાં ભૌતિક માપદંડ સૂચકોનાં લક્ષ્ય સિદ્ધ કરવામા ચીન વધારે સફળ રહે પણ ઉપર જણાવેલ બાબતોમાંનાં સૉફ્ટ માપદંડ સૂચકોને સિદ્ધ કરવાં તેને માટે પણ આસાન નહીં હોય. જો કે એક વાર મહાઆર્થિકસત્તાની કક્ષાએ પહોંચ્યા પછી, દેશની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સાચવવા માટેની દેશદાજ અને દરેક સ્તરની સગવડો પ્રજાનાં દરેક સ્તર સુધી પહોંચાડવાની કિંમત ચૂકવી શકવાનું ગજું, લોકોનાં દિલ અને દિમાગ બંનેને જીતવાની કળા પણ તેને શીખવાડી દે !
The Ties That Bind \જોડી રાખી શકે તેવી કડીઓમાં લેખક ભારતમાંથી અમેરિકા જઈ સ્થાઈ થયેલ ભારતીયોના પ્રભાવ (The Power of the Indian Diaspora)ની સમીક્ષા કરે છે. આજના મહાઆર્થિકસત્તાના વૈશ્વિક યુગમાં વિદેશમાં સ્થાયી થયેલ નાગરિકો આર્થિક અને રાજદ્વારી બાબતોમાં મહત્ત્વની કડી બની રહી શકે છે. અમેરિકામાં સ્થાયી થયેલ જૂદા જૂદા દેશની પ્રજાઓમાં ભારતીય લોકો સૌથી વધારે આવક ધરાવતો સમુદાય છે, તેઓએ પ્રાસર માધ્યમોથી લઇને તબીબી ક્ષેત્રો અને સરકારી સેવાઓ જેવાં અનેક ક્ષેત્રોમાં મહત્ત્વનાં સ્થાનો સુધી તેઅમનો પ્રભાવ વિસ્તાર્યો છે....આ કારણોસર તેઓ ત્યાંની સ્થાનિય પ્રજા અને અન્ય સ્થળાંતરીત સમુદાયોમાટે ઈર્ષ્યા અને આદરના મિશ્ર પ્રતિભાવો માટેનું કેન્દ્ર પણ બની રહેલ છે. જો કે હજૂ પણ તળ અમેરિકન પ્રજાનો તેમની સાથે વસતા બહારથી આવેલા સમુદાયો પ્રત્યેનો દૃષ્ટિકોણ, અમેરિકન પ્રજાના એ સમુદાયોના મૂળ દેશો પ્રત્યેના દૃષ્ટિકોણથી અલગ નથી પડતો. ભારતદ્વારા એકવીસમી સદીની મહાઅર્થિકસત્તા પદ મેળવવામાં કે ભારતને અમેરિકાના ગાઢ સાથી તરીકે સ્વીકૃત કરવામાં ભારતીય અમેરિકન પ્રજા ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.
એકવીસમી સદીની મહા આર્થિકસત્તા પદમાટેની ભારતની યાત્રાના આંતરરાષ્ટ્રીય મંચ પર ભુતકાળની ઘટનાઓની ભજવણીનાં વિગતવાર વિશ્લેષણો અહીં પૂરાં કરી, રાઘવ બહ્‍લ હવે ભારતની ભવિષ્ય સંભાવનોનો તખ્તો કેવો રહી શકે તેનાં તારણો રજૂ કરવાની તૈયારી કરી ચૂક્યા છે.
હવે પછીના ૬-૩-૨૦૧૬ના આ પરિચયના સમાપન હપ્તામાં આપણે રાઘવ બહ્‍લે કરેલ આ તારણોની વાત કરીશું.


[1] India Grows at Night: A Liberal Case for a Strong State