Showing posts with label Saarthak Jalso. Show all posts
Showing posts with label Saarthak Jalso. Show all posts

Thursday, October 28, 2021

'સાર્થક – જલસો’:પુસ્તક - ૧૫

'સાર્થક જલસો'નો નવો અંક હાથમાં આવે એટલે મારૂં સૌ પહેલું કામ 'જલસો' માટે પહેલી જ વાર લખતાં હોય એવાં, 'નવાં', લેખકોના લેખો પર એક નજર કરી જવાનું હોય અને તે પછી 'નિયમિત' લેખકોએ આ અંકમાં રજુ કરેલા નવા વિષયો પર નજર કરી લઉં.  'જલસો'ના ઑક્ટોબર ૨૦૨૧માં વૈવિધ્યસભર વાંચનને એક પરિચયાત્મક લેખમાં આચમન જેટલો પણ ન્યાય નહી આપી શકાય તેવી સભાનતા સાથે સમગ્ર અંકનાં પ્રથમદર્શી વાંચન પુરતી જ અહીં વાત કરીશ.

પ્રથમ દર્શનની પ્રક્રિયામાં મારૂ ધ્યાન સહુથી પહેલાં તો સુશ્રી સરૂપ ધ્રૂવના લેખ 'મારા ભાષાશિક્ષણના પ્રયોગો'માંની માઈક બ્રિયર્લી અને માનાબેન' જેવાં શીર્ષક સાથેની તસવીર પર ગયું. મારા માટે માઈક બ્રિયર્લી એટલે એક અને એક માત્ર,' 
૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં ઈંગ્લાંડની ક્રિકેટ ટીમના કપ્તાન જ. પરંતુ એમની
તસ્વીર અને તે પણ એક ગુજરાતી સન્નારી સાથે
,અને તે પણ  'ભાષાશિક્ષણના પ્રયોગો'માં ક્યાંથી હોય? એટલે એ લેખનો એટલો જ હિસ્સો વાંચી કાઢ્યો. માઈક બ્રિયર્લી તો એ જ હતા. 'માઈકભાઇને ગુજરાતી વાતચીત શીખવવાની ચર્ચામાંથી પછી જેમ જેમ આખો લેખ વંચાતો ગયો તેમ તેમ બીજા બિનભારતીયોને ખપજોગું ગુજરાતી શીખવવાના અનુભવોની વાત જેવા બીજા પણ 'ઓસરીમાં ઘોડા દોડવવા' જેવા પ્રયોગોની એક અનોખી દુનિયાનો પરિચય થતો ગયો..

બીજો જે લેખ ધ્યાન ખેંચી ગયો હતો તે શ્રી હસિત મહેતાનો લેખ - પકડો હસ્તપ્રત ને કોઈ પળે.... એ લેખનાં વિષયવસ્તુ અંગેની સંપાદ્કીય નોંધમાં જણાવાયું છે કે અહીં 'નડિયાદના ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં રહેલી દુર્લભ હસ્તપ્રતોને જાળવવાના ત્રણ દાયકાના સંઘર્ષની કથા.'વાંચવા મળે  છે. વિષય તો આ પણ રસપ્રદ લાગ્યો એટલે વાંચવાનું શરૂ કર્યું. બસ પછી તો ૧૯૮૯-૯૦થી લઈને ૨૦૧૮ સુધી લગભગ ૩૦ વર્ષ સુધી ચાલેલા આ યજ્ઞની કથા પણ કંઈ કેટલાય આટાપાટાઓની ગલીઓની સફર કરાવતી ગઈ. અને તેમ છતાં લેખક તો એમ જ કહે છે કે 'ખરું જોતાં આ એક અલ્પવિરામ છે,.....હસ્તપ્રતોને મામલે 'હજુ બાકી છે'ની .. ગુંજ.. મનમાંથી ક્યારે નીકળશે, ખબર નથી.

ત્રીજા લેખ - લૂલીએ દી વાળ્યો- (લેખક જેઠાલાલ સેનવા)નું પણ શીર્ષક જ ધ્યાન ખેંચનારૂં છે. આખા લેખમાં ઠેકઠેકાણે ભેંસના ચિત્રો મુક્યાં છે, એટલે આ 'લૂલી' તે દાટ વાળે તેવી જીભડીની નહીં પણ કોઈ ભેંસની વાત હશે એટલો તો ખ્યાલ આવી જ જાય. લેખ વાંચવાનું શરૂ કરો એટલે એક જ શ્વાસે પુરો કરવો પડે તેવી એક - પાછળના બે પગેથી લંગડાતી- લૂલી ભેંસની સાથેની લેખકનાં બાળપણથી માંડીને યુવાની સુધીની લાગણીસભર અનુભવગાથા છે. જે 'લૂલી' ભેંસે આખાં કુટુંબનો 'દી' વળ્યો' એની 'પાંચમી કે છઠ્ઠી પેઢીનો ઓર' આજે  પણ લેખકના ઘરના 'આંગણે ઝૂલે છે.'

'અણખેડ્યાં સ્થળોની સાથોસાથ અણધારી મદદનો રોમાંચ'માં (કોવિડના કેરને કારણે) કોઈ પ્રવાસ ન ગોઠવાયો એટલે ક્યાંય ફરવા નહીં જવાય એવા 'ટ્રિપોફોબીઆ'ની મનોદશામાં અટવાયેલાં, લેખિકા વર્ષા પાઠક, તેમની કેટલીક ભૂતકાળની સફરોની યાદોને આપણી સાથે વહેંચે છે. આ બધી એવી સફરો છે જેમાં અકલ્પનીય સંજોગોમાં સામાન્ય દેખાતી, સાવ અજાણી વ્યક્તિ પાસેથી અણધારી મદદ મળી હોય તેવા પ્રસંગોની તેમની'પ્રવાસ કથા' છે. સ્વાભાવિક છે કે પ્રવાસો દરમ્યાન જેમને આવા અનોખા અનુભવો થતા હોય એમને તો એવું લાગે જ છે કે 'હજી ઘણું જોવા માટે, ઘણા લોકોને મળવા માટે પૂરતો સમય છે',

ગુજરાતી સાહિત્યના છેલ્લાં  પચાસેક વર્ષોના પ્રવાહોથી થોડી પણ પરિચિત વ્યક્તિ માટે જયંત મેઘાણીનું નામ અજાણ્યું ન હોય. તેમનાં જીવન અને કાર્યો અંગેની બહુ બધી વિગતો પણ થોડી જ શોધ કરતાં મળી પણ આવે, પણ તેમનાં એક વ્યક્તિ તરીકેનાં અંતરંગ પાસાંઓ ભલભલી સર્ચલાઈટ વડે પણ ખોળ્યાં મળે નહી. સ્વ. જયંત મેઘાણીના પુત્ર, નિહાર મેઘાણી, તેમના પિતાની યાદોની પોતાની એવી મંજૂષામાંથી 'પપ્પા એટલે ...’' લેખમાં જયંતભાઈનાં વ્યક્તિત્વનાં અનેક અજાણ્યાં પાસાંઓની અમૂલ્ય જણસ આપણી સમક્ષ રજૂ કરે છે.

વ્યવસાયે મૅનેજમૅન્ટ કન્સલટન્ટ એવા શૈલેશ મોદી લગ્નપ્રસંગે ચાલીસ વર્ષથી પાકિસ્તાનમાં સ્થાયી થયેલ તેમનાં પત્નીનાં બાળપણનાં મિત્રના દીકરાના લગ્નમાં ભાગ લેવા જાન્યુઆરી ૨૦૧૯માં દસ દિવસ માટે પાકિસ્તાન એટલે કે,પાકિસ્તાનનાં વિસાનાં નિયંત્રણોને પ્રતાપે, વધારે તો કરાચી, જઈ આવેલ છે. તેમની તીવ્ર નિરીક્ષણ શક્તિના પરિપાકરૂપ લેખ - કરાચી, પાકિસ્તાનમાં દસ દિવસ- આપણી સમક્ષ પાકિસ્તાનનાં સામાન્ય જનજીવનની અછૂતી કહી શકાય એવી વાતો રજૂ કરે છે. છપ્પન ભોગના એ રસથાળમાંથી 'શાકાહાર' શીર્ષક હેઠળના એક જ વિષયના કેટલાક અંશનો સ્વાદ માણીએ -'કરાચીની શેરીઓમાં શાકની લારીઓ જોઈ, પણ સમજણ ન પડી કે આ ખાય છે કોણ?...મોંઘાં રેસ્ટોરાંના પણ લાંબા મેનુમાં શાકાહારી વાનગીઓમાં ફક્ત એક શાક અને એક દાળ જ હોય. ઓછા ભાવવાળા રેસ્ટોરાંમાં કશું શાકાહારી ન હોય. કરાચીવાસીઓને સજા કરવી હોય તો સતત બે ભોજન સંપૂર્ણ શાકાહારી આપવાં….. શરાબની દુકાન ક્યાંય દેખાઈ નહીં…...પણ ધૂમ્રપાન વ્યાપક પ્રમાણમાં છે.'

કોરોનાએ જેમને જીવનની સફરમાંથી અધવચ્ચે જ આપણી પાસેથી ખુંચવી લીધા એવા આશિષ કક્કડના લેખ 'ફિલ્મોના રિવ્યૂનો રિવ્યૂ'માં તેઓ કહે છે તેમ વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય અને મંતવ્ય અલગ અલગ જ રહે છે. એ બધી વાત એમની માન્યતા અનુસાર સાચી પણ હોય જ. એ મુજબ, 'સાર્થક જલસો'ના ૧૫મા અંકમાં પહેલી જ નજરે મને શું ગમી ગયું એ વાત મને ગમે તેટલી સારી લાગતી હોય, પણ એક પુસ્તકના પરિચયાત્મક લેખમાં તેને એક માત્રાથી આગળ ન લંબાવાય એ પણ મને સમજાય છે. એટલે બાકીના લેખોનાં વિષયવસ્તુનો પરિચય,બહુ જ સંક્ષિપ્તમાં.  

પોતીકું લાગતું ઘર મકાન બની જવાની વ્યથા-આશિષ કક્કડના ઘર અને વ્યક્તિત્વને સાંકળતો લેખ-લેખનાં લેખિકા અને લેખનાં મુખ્ય પાત્ર, આરતી નાયર, અને'આશિષ કક્કડનું ઘર'માં જેમનું નામ છે તેવા આશિષ કક્કડ વચ્ચે શારીરિક ઉમરનો તફાવત તો વીસ વર્ષનો પણ મિત્રાચારીના સંબંધમાં એ તફાવતને ઓગાળી દેવામાં એ 'ઘર'નો ફાળો કેટલો મોટો તે આ વાક્ય સમજાવી દે છે - 'ઘર ઘણી રીતે વેરવિખેર હતું, પણ તેના વાતાવરણમાં જાણે મારા માટે આવકાર ઊઠતો હતો. એ આગળ જતાં મારૂ ઘર બની રહેવાનું હતું...' એવાં ઘરમાં જ્યારે મિત્રના પડઘાતાં હાસ્યને બદલે કૉફિનમાં મુકાયેલો 'મૂક' નશ્વર દેહ જોવાનું આવે ત્યારે એ ઘર, એક મકાન નહીં પણ ઘર કેમ હતું એ સમજાય.

મૃત્યુનો સામનોઃ અનુભવ અને અભિવ્યક્તિ- દોસ્તોયેવસ્કીની નવલકથા ધ ઇડિઅટનો રસાસ્વાદ-જેને 'ક્લાસિક્સ' તરીકે ઓળખવામાં આવે છે તે સાહિત્ય મોટા ભાગનાં સરેરાશ વાંચકો વાંચવાનું ટાળતાં હોય છે. કેમ કે, કે તેનાં વિષયવસ્તુને સમજવું એટલું અઘરૂં પડે કે કૃતિનો કોઈ પણ રસ માણી ન શકાય. એવાં એક ક્લાસિક 'ધ ઈડિયટ' (લેખક ફ્યોદોરદોસ્તોયેવસ્કી)ને એટલી અકલ્પ્ય સરળતાથી દીપક સોલિયા  સમજાવી દે છે કે લેખ પુરો થતાં જ 'ધ ઈડિયટ' લઈને વાંચી નાખવાનુ મન થઈ આવે એટલી હિંમત આવી જાય.

મોટા ભાગનાં લોકોને પોતાનાં મા કે પિતા સાથેના સંબંધમાં કઈ, કે કોઈ, ખુબી સમજાવવાનું આવે તો મનમાં ઘણું હોય પણ તે માટે યોગ્ય શબ્દો ન મળે એવો અનુભવ થતો હશે.  મારા સહિત એવાં લોકોને–‘મા, તારે કારણે જ જગતનાં સર્વ સુખ મળ્યાં- માતૃવંદના-(ચંદુમહેરિયા)અને મહેતાજી, તમે એવા શું?’- પિતૃવંદના- (ભરત મહેતા) - માં પોતાનો એવો અભાવ સંતોષાતો અનુભવાશે.

દરેક ચોમાસે અખબારોમાં નર્મદા ડૅમ આટલા ફૂટ ભરાયો એટલું વાંચવા જેટલો જ મોટા ભાગનાં લોકોને નર્મદા ડેમ સાથે સંબંધ રહ્યો હશે. એ યોજનાના અમલ દરમ્યાન તકનીકી, વહિવટી,કાયદાકીય, પર્યાવરણીય, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક  જેવાં કેટકેટલાં પાસાંઓની કેટકેટલી આંટીઘૂટીઓ પડી હશે ! તેનો પ્રાથમિક પરિચય મેળવવા માટે હસમુખ પટેલનો લેખ  'નર્મદા યોજના નિમિત્તે સરકારી કામગીરીનાં સાડા ચાર વર્ષ' વાંચવો પડે. સરકારમાં (જાત અનુભવે કહૂં તો ખરેખર તો કોઈ પણ ક્ષેત્રમાં)રહીને કંઈ પણ અર્થપૂર્ણ કામ કરવામાં નેવાંનાં પાણી શી રીતે મોભે ચડાવવાં પડે તેનો વાસ્તવિક અંદાજ આ લેખમાં મળી રહે છે. લેખનું આ અંતિમ વાક્ય લેખના ધ્વનિ અને હાર્દને સમજવા પૂરતું થઈ પડશે, 'સરકારમાં રહેવાનો આખો ગાળો તો મારા માટે રા'નવઘણને તલવારથી ડુંગળી સમારવા બેસાડો તેવો હતો. પણ મેં એની પૂરી મજા માણી' સલમાન, સની, સંજય, સુનીલ અને રિચર્ડ્સથી પ્રેરિત મારી વ્યાયામસાધના- ડૉ. અશ્વિનકુમારનો પરિચય 'ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન (માસ કમ્યુનિકેશન)ના પ્રાધ્યાપક; તરીકે અપાયો છે. 'જલસો'ના નિયમિત વાંચકો તેમના લેખોની સહજ હળવી શૈલીમાં કહેવાતી ચોટદાર વાતોથી પણ પરિચિત છે. પણ તેમનો 'વ્યાયામસાધના' સાથેનો પ્રેમ, કિશોરાવસ્થાથી પ્રૌઢાવસ્થા સુધી  પણ પરવારી ગયો નથી તે વાત કદાચ સહેલાઈથી ગળે ઉતરે એ માટે જ તેમણે લેખમાં વારંવાર 'આ વર્ણનનું એક પણ નામ કલ્પિત નથી' એવી બાહેંધરી આપવી પડી છે. તેમ છતાં પણ જો વિશ્વાસ ન જ આવે તો પછી તેમના 'નાનકડા કાર્યાલયના એક ખૂણામાં પડેલાંડમ્બ-બેલ્સન્ની જોડી'ને જાતે જોઇને પુરાવો મેળવી લેવો જ રહે !

ભૂપેન ખખ્ખર-વલ્લવદાસ શાહ :અંતરંગના રંગ - એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચિત્રકાર અને બીજા સાવ સીધાસાદા સંસારી ગૃહસ્થ, એ બે અલગ અલગ અંતિમ જેવાં વ્યક્તિત્વો વચ્ચે અંતરંગ સંબંધ શક્ય બની શકે ખરો? આ સવાલના જવાબના જે જે અલગ અલગ પરિમાણ બીરેન કોઠારીનાં પ્રસ્તુત ચરિત્રલેખનમાં ખુલે છે તે આપણને પણ એ અનામ સંબંધની એક અનોખી દુનિયામાં લઈ જાય છે.

હવે તો નિયમિતપણે 'જલસો'ને પાને વાંચવા મળતું રજનીકુમાર પંડ્યાનું આત્મકથાનકનું પ્રકરણ 'સરનામા પર શાહી ઢોળી દીધી આખરે...' તેમની શૈલીની પ્રવાહિતામાં વંચાઈ જાય છે ખુબ જ રસપૂર્વક, પણ એ પુરૂં થતાંવેંત જ એમણે (અને તરૂબેને) જે ઉદ્વેગ અનુભવ્યો હશે તે આપણું મન પણ અનુભવી રહે છે.

'શુદ્ધ ભાવનગરી - 'નોરી" રમૂજો'માં પિયૂષ પંડ્યા સમજાવે છે કે ભાવનગરના નાગરોમાં પ્રશ્નોરાઓ માટે 'નોરા' શબ્દ પ્રયોગ થતો હોવાથી એમની રમૂજો 'નોરી' કહેવાય. આખાય લેખમાં અનેક સૂક્ષ્મ રમૂજના પ્રસંગોને યાદ કરીને તેના દ્વારા ઉભરતી ભાવનગરી અને તેમાંય પ્રશ્નોરી અસ્મિતાને ઉજાગર કરવામાં આવી છે.

'સાર્થક જલસો'ની આખરી ચોટ સમા' ગુજરાતી પત્રકારત્વની યશકલગી સમાં કેટલાંક સામયિકો'માં ઉર્વીશ કોઠારીએ ગુજરાતી પત્રકારત્વનાં બસોમાં વર્ષ નિમિત્તે દસ વિશેષ ઉલ્લેખનીય સામયિકોની રસપ્રદ માહિતી રજૂ કરી છે. હજુ કેટલાંક અન્ય સામયિકોનોપરિ્ચય હવે પછીના અંકમાં (કે પછી અલગ પુસ્તિકારૂપે) રજૂ કરવાની તેમની નેમ છે.

આ સાથે 'જલસો'નું મારૂં પહેલું વાંચન અહીં પુરૂં થયું. દરેક પાને એટલી એટલી રસપ્રદ વાતો હોય કે પહેલું વાંચન કર્યા પછી આવતા થોડા મહિના સુધી થોડા થોડા સમયના અંતરે અમુક અમુક પાનાંઓ 'વધારે નિરાંત'થી વાંચીશ. વળી ક્યારેક આખો ને આખો લેખ પણ ફરીથી વાંચવાનું બનતું રહે છે..એ જોતાં ક્યારેક એમ લાગે કે આવાં પ્રકાશનો જો દર મહિને પ્રકાશિત થતાં રહે તો તેમાંની ઘણી વિગતોને પુરાં ઊંડાણ સુધી જવાની કદાચ તક ન પણ મળે.

/\/\/\/\/\/\

સાર્થક જલસો૧૫પ્રાપ્તિ સ્રોત:

ü  બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સએપ્પ: +૯૧ ૯૦૯૯૦૦૦૩૬૨ | www.gujaratibookshelf.com

ü  અથવા

ü  સાર્થક પ્રકાશન: www.saarthakprakashan.com | ઈ-મેલ: spguj2013@gmail.com | વોટ્સએપ્પ; +91 98252 90796

ü  પૃષ્ઠસંખ્યા: ૧૭૬, કિમત;૧૦૦/-

ü  ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.


Thursday, January 3, 2019

'સાર્થક – જલસો’:: પુસ્તક - ૧૧


છેલ્લા દસ દસ અંકોથી 'સાર્થક જલસો'ની છ મહિનાની પ્રકાશન અવધિ એટલી બધી ચોક્કસ સમય ક્રમમાં થતી આવી છે કે તેના નિશ્ચિત વાચકો તેનો નવેમ્બર, ૨૦૧૮નો ૧૧મો અંક ક્યારે હાથમાં આવે, આ વ્ખતે કયા
થીમ પર કયા લેખકોના કેવા કેવા લેખો હશે તે બાબતે જ હવે રાહ જુવે છે.

'સાર્થક જલસો'ના દરેક અંકમાં લેખોના વિષયની વિવિધતા અને તાજાપણું એ દરેક અંકના વાચનને સાર્થક બનાવીને એ વાંચનની મજાનો જલસો કરાવતાં આવ્યાં છે. અત્યાર સુધીના દસ અંકોની વૈવિધ્યની પરંપરાને જલસો-૧૧માં એક વિષયની દેખીતી રીતની પેશકશમાં જાળવે છે. ૧૧મા અંકંમાં આત્મકથાનક લેખોની સંખ્યા વધારે કહી શકાય એવી છે, પરંતુ પ્રસ્તુત અંકના તંત્રીલેખમાં તંત્રીશ્રીઓ બહુ જ સ્પષ્ટ હૈયાધારણ આપે છે કે 'સાર્થક જલસો'ના પહેલા અંકથી આત્મકથાનક લેખોને સ્થાન મળતું જ રહ્યું છે. હા, તેમાં બીબાંઢાળ લકાણોને સ્થાન નથી મળતું. વધુમાં તંત્રીલેખ જલસો-૧૧માટેની તેમની રણનીતિને વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે અહીં રજૂ થયેલા આત્મકથાનક લેખોમાં એકબીજાથી અલગ બહુસ્તરીય સૃષ્ટિઓ, કે સમાજજીવનનાં વિવિધ ભાતનાં ચિત્રો નિખરી રહેલાં જોવા મળશે. આપણે પણ પહેલાં જલસો -૧૧ના આત્મકથાનક લેખોનો પરિચય, જલસો-૧૧માંની રજૂઆતના ક્રમમાં જ, કરીએ –
- 'મારો ગાંધીડો'માં ચંદુભાઈ મહેરિયા તેમનાં માતા -પિતા, પોતાનો ખાદીનો ઝભ્ભા-લેંઘાનો પહેરવેશ અને તેમનાં કિશોરવય સુધીનાં પૂર્વ અમદાવાદની શ્રમિકોની રહેણાક, એ સમયનાં મજુર મહાજનની વિવિધ પ્રવૃત્તિઓની ભૂમિકા જેવાં પ્રતિકોનાં કેલાઈડોસ્કૉપ વડે દલિત સમાજની સમયની સાથે બદલતી રહેતી મનોસ્થિતિમાં ગાંધીજીની વિચારધારાનાં સ્થાનનું નિરપેક્ષ ચિત્રણ કર્યું છે.
- 'ગુજરાતના પહેલા અને છેલ્લા ગાંધીવાદી મુખ્ય મંત્રી - બાબુભાઈ પટેલ' પહેલી નજરે લેખક હસમુખભાઈ પટેલના તેમની સાથે ૨૨ વર્ષના સાંનિધ્યમાં બાબુભાઈ પટેલના સાદગી, શુચિતા અને નખશિખ પ્રામાણિકતાનાં પર્યાય સમાં વ્યક્તિત્વનો લેખક હસમુખભાઈ પટેલના તેમની સાથે ૨૨ વર્ષના સાંનિધ્યમાં પ્રસરતું પહેલા પુરુષ એકવચનના દૃષ્ટિકોણનું આલેખન જણાઈ શકે. જોકે લેખકનો હેતુ તો (એક સમયે) ગુજરાતમાં નોખું રાજકારણ અને અનોખા રાજપુરુષો હતા તેની પ્રતીતિ કરવવાનો છે.
- 'દોસ્તોના દેશમાં' એ દોસ્તોએવ્સકીની નવલકથા 'વ્હાઈટ નાઈટ્સ'નાં વાંચનના અધારે, વ્યક્તિગત 'વૉકિંગ ટુર'નું છાયાબહેન ઉપાધ્યાયે ઝીણવટપૂર્વક કરેલું પ્રવાસ વર્ણનની સીમામાં રહ્યું હોત તો પણ રસપ્રદ અને માહિતીપ્રદ બન્યું હોત. પરંતુ છાયાબહેને તેમની સાથે સંપર્કમાં આવેલી તેમની ટુર ગાઈડ ઈરીના, ઍના, જૅન અને ઍલિસ, મોડી રાતે ટેક્સીમાં બેસાડવા આવેલ ત્રણ સખીઓનું વૃંદ, ટ્રામ સ્તેશને બાંકડે બેસ્વા માટે જગ્યા કરી આપતી રશિયન સૌષ્ઠવવાળી સ્ત્રીઓ, ત્યાંની એક પ્રાથમિક શાળાના 'માસ્તર' ઈવાન અને તેમનાં 'ચબરાક' વિદ્યાર્થીઓનાં જીવંત પાત્રાલેખન વડે રશિયનોને એક પ્રવાસીની નજરે જોવાને બદલે પોતાનાં જેવાં જ માનવી તરીકેની દૃષ્ટિથી જોયાં છે, તેથી આ પ્રવાસ વર્ણન આપણે પણ અનુભવી શકીએ છીએ.
- માણસની માણસાઈ પર આજે તરત વિશ્વાસ ન મુકવાના સમયમાં બીરેન કોઠારી 'ઈન હવાઓંકા મોલ ક્યા દોગે'માં તેમના એવા પ્રવાસોને યાદ કરે છે જ્યારે તેમને પણ પૈસાથી બધું ખરીદી શકવાનાં રીઢા પ્રવાસીપણાં છતાં "અજાણ્યાં' લોકોની માનવતાના જે અનુભવો થયા છે તેની રોમાંચક વાત કહે છે.
- જ્યોતિબહેન ચૌહાણને પણ ઉત્તરાખંડના એક પ્રવાસ વખતે માણસની માનવતાના એવાજ અનુભવો થયા હતા. 'જાને કબ કિસ મોડ પે બન જાયે કોઈ અફસાના'માં ખોટી બસ પકડાઈ જતાં સાચો માણસોનો ભેટો થવું, લિંગડીનું શાક ચખાડવા માટે પોતાના ઘરે સાંજનું ભોજન જમાડનારૂં હરસિલનું દંપતિ, લદારીમાં લટાર મારવા નીકલ્યા પછી ગામની સ્ત્રીઓ સાથે સાથે ચા પીવડાવતી એક બહેન સુધીના અનુભવોમાં તો અજાણી વ્યક્તિઓની ઓળખ શક્ય બની હતી. પરંતુ ઋષિકેશના નીર ધોધની મુલાકાત સમયે સાથે થઈ ગયેલા ચાલીસ વર્ષના એક ભાઈ બહુ જ સહજપણે ચા અને નાસ્તાના પૈસા ચૂકવી દે અને પછી 'આભાર'નો શબ્દ પણ કહી શકવાની તક આપવા પૂરતા પણ રોકાય નહીં એવો અનુભવ આજના સમયમાં પણ થાય ત્યારે મનમાં જે છાપ પડી જાય છે તે અમીટ બની જાય છે.
- કૉલેજકાળના મિત્રો પૈકી એક એવા વીનેશ પટેલનાં અણગમતાં પહેલાં વેવિશાળનાં તુટવામાં કાસદ બનવાથી માંડીને વીનેશનાં બીજી કન્યા સાથે લેવાયેલાં લગ્ન સુધીની સમયયાત્રાને રજનીકુમાર પંડ્યા તેમની વહેતી કલમમાં કહે છે. એ સમયે, એક તરફ તેમનાં પોતાનાં પહેલાં લગ્નનો છૂટા છૅડાનો મુકદ્દમો પણ ચાલતો હતો તો બીજી તરફ તેમનાં જીવનને અનેક રંગોથી જે ભરી દેવાનાં હતાં તે કન્યા - તરુલતા કનૈયાલાલ દવે - નો તેમનાં જીવનમાં આકસ્મિક, નાટકીય રીતે, પ્રવેશ પણ થયો હતો. આટલું અધુરૂં હોય તેમ, વેવિશાળ તૂટવા અંગેની પોતાની ભૂમિકા માટે વીનેશ પટેલના પિતાની નજરે પોતે કણાંની જેમ ખુંચતા જણાતા હોવા છતાં પોતાની ઑડીટની નોકરી સબબ વીનેશ પટેલનાં ગામ ધોરાજીમાં એક સામટો બે-ત્રણ મહિનાનો રહેવાસ પણ કરવો પડ્યો. આવી, નાનીમોટી 'અમારી પોતપોતાની પીડાઓએ અમારું એક સગપણ રચી આપ્યું હતું'નો આખો ઘટનાક્રમ રજનીકુમારભાઈની કલમે આત્મકથાનકનું એક રસાળ પ્રકરણ બની રહેવાની સાથે એ સમયનાં સામાજિક જીવનનું તાદૃશ ચિત્રણ પણ બની રહ્યું છે.
- બિમલ રોયની 'દો બીઘા ઝમીન' કે શ્યામ બેનેગલની 'અંકુર' જોતાં મનમાં જે આળાશ પ્રસરી રહે તેવી જ અનુભૂતિ સંપૂર્ણ સત્યઘટના પર આધારિત, નરેશ મકવણાની 'આગ પેટની અને અંતરની' વાંચતાં જ મનને ઘેરી વળે છે.
- મુસ્લિમ સમાજની મનોદશાનું ચિત્રણ શરીફ લાલીવાલા 'બહેતી હવાઓં, યાદ રખના । હમ યહાં પર રહ ચૂકે હૈં' જલસો-૧૧માં જ વાંચી ચૂકેલ વર્ણવ્યસ્થાનો વર્ગભેદ, ગામડાઓમાં આજે પણ અમલમાં હોય તેવી જમીનદારશાહી જેવી આજના ભારતીય સમાજના રંગપટના ગ્રે શેડ્સની રજૂઆતને વધુ ઘેરી બનાવે છે. જેના પર પોતાનો કોઈ જ પ્રભાવ નથી પડી શકે એવી બાહ્ય ઘટનાઓના પ્રવાહને કારણે 'વિસ્થાપિત' થવાનો અનુભવ કેવો હોય એ તે પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થયુ ન હોય તે ભલે અનુભવી ન શકે, પણ આ મનોચિંતનાત્મક ફ્લૅશબૅક વાંચીને સમજી તો જરૂર શકશે.
- આપણાં નજીકનાં કોઈ સગાંની બહુ જ કષ્ટદાયક, દીર્ઘ બીમારીમાં નજદીકથી સારવાર કરવાને કારણે કે કોઈ નિકટનાં સ્વજનનાં આકસ્મિક, અકસ્માત મૃત્યુને કારણે આપણા મનના ખૂણા પર જે પ્રકારની ગમગીની એક છાયા પડી રહે છે તેવા જ અનુભવ 'ઈચ્છામૃત્યુના જેસમાં દુભાષિયા તરીકે કામ કરવાનું આવે ત્યારે...' પણ થાય છે. ઈચ્છામૃત્યુની આખી કાયદાકીય, જટિલ એવી, સરકારી તંત્રની વ્યવસ્થામાં પણે જે જે લોકોએ ભૂમિકા ભજવવી પડતી હશે તે તો માનવ સહજ લાગણીઓ અનુભવે એ પણ સહજ ઘટનાક્રમ લાગે. ટોરંટો (કેનેડા)માં વસતા સલિલ દલાલના, ઈચ્છામૃત્યુના કિસ્સાઓમાં, દુભાષિયા તરીકેની વ્યાવસાયિક સ્વાનુભવો આધારિત રજૂઆત લોકો સાથે - સારાનરસા, કડવામીઠા - સીધા જ સંપર્કમાં રહેવું પડે તેવા આપણી આસપાસના વ્યાવસાયિકોની મનોસ્થિતિને સમજવા માટે ઉદ્દીપકની ગરજ સારે છે.
- દીપક સોલિયા 'એક ફિલ્મી 'ચુટકુલો'' તેમની જિંદગીમાં પણ કેવો હસીન ચુટકુલા તરીકે કોતરાઈ ગયો છે તેની રસાળ વાત માંડે છે. વાત પહેલા પુરુષ એકવચનમાં છે પણ કથાનાયક છે 'ચુટકુલા' શબ્દના આદ્યસ્ત્રોત પ્રવીણ નિશ્ચલ. પ્રવીણ નિશ્ચલની સાથે જોડાયેલો છે દીપક સોલિયાનો ફિલ્મની વાર્તાઓના લેખનના શોખને વ્યવસાયમાં ફેરવવાનો એક અનોખો અનુભવ. તેમના આ અનુભવની વાતમાં વહી જતાં જતાં આપણને પણ અપણા જીવનમાં અનુભવેલા આવા પ્રયાસો યાદ આવી જાય કે જેમાં 'ખાયા પીયા કુછ નહીં,પણ ગ્લાસ તોડા બારહ આનાકા'વાળો ખેલ પડયા છતાં આજે તે યાદ આવતાં મનમાં હળવો પ્રકાશ રેલાઈ રહે.
- આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ'નાં સર્જન સાથે સાથે મેલબોર્ન (ઓસ્ટ્ર્લીયા)માં વસતા એક ગુજરાતી, ગિરીશ મકવાણાની 'જીવન અને કળાની જુગલબંદી'માં દેખીતી રીતે વાત તો ત્રણ સમય ખંડોમાં વિસ્તરેલી તેમની સર્જનાત્મક સફરની વાત છે. પાંચ વર્ષની ઉમરે પિતાએ અપાવેલ હાર્મોનિયમ અને દસ વર્ષે આણંદની નિવાસી વિકલાંગ શાળામાં અભ્યાસ કરતાં કરતાં હોસ્ટેલની સામે આવેલી ટૉકીઝનાં ફિલ્મોનાં (એ જમાનામાં હાથેથી ચિતરાતાં) પાટીયાંઓ જોઈને આખી ફિલ્મની વાત વિકસાવીને કાલ્પનિક સૃષ્ટિ ખડી કરવાના પ્રથમ ખંડમાં લેખકની સફરનાં મૂળ સાથે આપણો પરિચય થાય છે. માઈક્રોબાયોલોજીમાં બીએસ.સી કર્યા બાદ વડોદરામાં સંગીતમાં માસ્ટર્સ કરતાં કરતાં હિન્દી ફિલ્મોનાં ગીતોના કાર્યક્રમોમાં વાદન સુધી પહોંચ્યા પછી ના બીજાખંડમાં તેમને ખુદની ઓળખમાં કશુંક ખુટતું જણાતું હતું. પહેલાં ૧૯૯૭માં અને ફરીથી ૨૦૦૪માં ઑસ્ટ્ર્લિયાની ભૂમિ પર સફરના ત્રીજા ખંડની એક એક વાત ઝીણવટથી કહેવાતી જાય છે. આંતર રાષ્ટ્રીય સ્તરે આચરાતા વંશીય ભેદભાવ અને આપણે ત્યાં જાતિવાદના શ્યામ રંગોને વણી લેતી તેમની ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ', ૨૦૧૦માં મડાણ થયા બાદ વિધિવત ૨૦૧૭માં પ્રકાશિત થઈ ચૂકી, પણ સમાજમાં ઘર કરી ગયેલા રંગબેદ અને જાતિભેદના બંધ દરવાજાઓને કારણે તેને પરદા પર વ્યાપક સફળતા હજુ નથી મળી. (યુ ટ્યુબ પર ફિલ્મનાંગીતો અને ટ્ર્લર જોવા મળે છે.)
જલસો-૧૧ના સિંહ હિસ્સાને આવરી લેતાં આ આત્મકથા નક ચિત્રોની સાથે 'ગુજરાતમાં અને ગુજરાતીમાં સમજશાસ્ત્રનાં 'દાદી' "તારાબહેન પટેલ"ની ગૌરાંગ પટેલ દ્વારા રજૂ થયેલ જીવનચરિત્રાત્મક વાત જેટલી માહિતીપ્રદ છે તેનાથી વધારે તો ઘણી રસપ્રદ છે. સમાજશાસ્ત્રનાં વિષયનાં ઉચ્ચશિક્ષણ સાથે સંકળાયેલાં કેટલાંક લોકો સિવાય તારબહેન પટેલ અને તેમનાં જેવાં અનેક ઉદાહરણીય જીવન અજ્ઞાત જ રહેતાં હોય છે. એ અજ્ઞાનના અંધકારમાં પ્રતુત લેખ એક દીવા ની ભૂમિકા અસરકારકપણે ભજવે છે.

જલસો-૧૧માં આત્મકથાનક પણ ન હોય અને જીવનચરિત્રાત્મક પણ ન હોય છતાં એક વ્યક્તિ કેન્દ્રમાં હોય તેવો પણ એક લેખ છે – ‘ફિલ્મોની જાહેરાતમાં ગાંધીજી’. આઝાદી પછીની ફિલ્મોમાં ગાંધીજીનાં જીવન પરથી બનેલી, કે પછી તેમના જીવનને સંદર્ભમાં રાખીને બનેલી ફિલ્મો આવી છે. એટલા પુરતું એ ફિલ્મની જાહેરાતમાં ગાંધીજીનો ઉલ્લેખ હોય તે સમજી શકાય. પરંતુ અહીં ઉર્વીશ કોઠારી દ્વારા દસ્તાવેજી પુરાવા જેવી ૧૯૩૯ /૪૦ની ફિલ્મોની જે જાહેર ખબરો રજૂ કરાઈ છે તેમાં ગાંધીજીનો 'બ્રાંડ એમ્બેડેસર' તરીકે ઉપયોગ થયો છે - પણ તેમાં તેમની સંમતિ તો નહીં જ હોય કે તેમને એ જાહેરાતનું કોઈ મહેનતાણું પણ નહીં જ મળ્યું હોય !

'ડિજિટલ ટૅક્નૉલોજી અને સાહિત્ય સર્જન'માં અપૂર્વ આશર લેખન,મુદ્રણ અને પ્રકાશનનાં ક્ષેત્રે ડિજિટલ ટેક્નૉલોજીને અપનાવવા પર ભાર મૂકે છે. આજે જ્યારે હવે સ્માર્ટફોન તો દરેક ખીસ્સામાં (કે પર્સમાં) હોય છે ત્યારે બોલાયેલા શબ્દો (ઑડીયો) કે દૃશ્ય સામગ્રી (ફોટોગ્રાફ્સ કે વિડીઓ)જેટલી જ સરળતાથી લખાયેલ શબ્દ પણ વાચકના હાથમાં મુકીને તેની આંખ સામે લાવી શકવાનું શક્ય બની ચૂક્યું છે. આ તક જો ચુકી જવાશે તો ગુજરાતી ભાષા અને ગુજરાતી જણ દાયકાઓ પાછળ રહી જશે.

આટલા ટુંક પરિચયથી પણ જલસો-૧૧નાં રસવૈવિધ્યનો અંદાજ આવી શકશે. 'જલસો'ના આદી બની ચૂકેલા વાચકોને તે મેળવીને માણી લેવાનું મુશ્કેલ નહીં પડતું હોય, પરંતુ, દેખીતી રીતે ઉપલ્બધ માહિતી અનુસાર, 'જલસો' હજી ડીજિટલ સ્વરૂપમાં ઉપલ્બધ નથી જણાતો, એટલે નવા વાચકોએ અહીં નીચે જણાવેલ પ્રાપ્તિ સ્ત્રોત દ્વારા આ કામ પાર પાડવું રહેશે.
/\/\/\/\/\/\
સાર્થક જલસો ૧૧પ્રાપ્તિ સ્રોત:

ü બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬। વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796

       પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)

ü ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.

Sunday, July 15, 2018

'સાર્થક – જલસો' :: પુસ્તક - ૧૦ :: મે, ૨૦૧૮


'સાર્થક જલસો'ના નિયમિત વાંચકોના દર છ મહિને પરાકાષ્ટાએ પહોંચતા ઈંતઝારનો અંત લાવતો 'સાર્થક જલસો'નો ૧૦મો અંક મે, ૨૦૧૮માં પ્રકાશિત થઈ ચૂક્યો છે. દર છ મહિને પ્રકાશિત કરવાની, વેંચાણ માટે લવાજમનાં માધ્યમનો ઉપયોગ કર્યા સિવાય અને વર્તમાનમાં પ્રકાશન પામતાં ગુજરાતી સામયિકોમાં સામાન્યતઃ જોવા ન મળે એવા વિષયોની સામગ્રી જેવી બીનપરંપરાગત સંપાદન નીતિને પાંચ વર્ષથી સંન્નિષ્ઠતાથી અનુસરીને અંકની સંખ્યાને બે આંકડાનું સીમાચિહ્ન પાર કરી રહી છે.
તો ચાલો, આપણે પણ ૨૦ વર્ષથી ૮૦ વર્ષની વય ધરાવતા, અત્યાર સુધીના જુદા જુદા ૭૬ લેખકોનું પ્રતિનિધિત્વ કરતા ૧૫ લેખકોના ૧૫ લેખોનો સંક્ષિપ્ત પરિચય 'સાર્થક જલસો'ના ૧૦ અંકમાં કરીએ.
ગુજરાતની છેલ્લી ચાર પાંચ પેઢી 'બકોર પટેલ' નામથી પરિચિત હોવાની જેટલી શક્યતા છે તેની સામે તેના સર્જક, હરિપ્રસાદ વ્યાસ, વિષે ભાગ્યે જ કોઈને કંઈ માહિતી હશે. તેનું એક કારણ તો એ કે હરિપ્રસાદ વ્યાસ વિષે પધ્ધતિસરનું ખાસ દસ્તાવેજીકરણ જ નથી થયું.'સુપરહિટ પાત્ર બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ'માં ઉર્વીશ કોઠારી આ બહુ મોટી પુરી કરી આપે છે. ખુબ ખંત અને કાળજીપૂર્વક હરિપ્રસાદ વ્યાસનાં અંગત જીવન વિષેની, દુર્લભ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ સાથેની માહિતી અહીં ગ્રંથસ્થ થયેલ છે.
હસમુખ પટેલ બહુ જ પ્રામાણિકતાથી તેમની ચારેક દાયકાની રચના અને સંઘર્ષની જાહેરજીવનની કામગીરીના 'રાજકીય-બીનરાજકીય ગાંધીજમાતના મારા અનુભવો'માં વણાયેલ આદર, આશ્ચર્ય, આધાત..ની કેફીયત રજૂ કરે છે. ગાંધીજીએ જ્યારે કોઈ પોતાના નામે 'વાદ'નું સમર્થન નથી કર્યું એટલે લેખક 'ગાંધીવાદ'ને સાચાંખોટાં કારણોસર ઓળખાયેલ પ્રતિક તરીકે લેખના વિષયના સંદર્ભમાં વાપરે છે. આ તથાકથિત વિચારધારા સાથે સંકળાયેલાં અનેક જાણીતાં પાત્રોને ઘણાં નજ્દીકથી જોવા જાણવાને કારણે એ પાત્રો અને તેમની કર્તવ્યભૂમિકાઓનાં સારાંનરસાં પાસાંઓમાં નબળાં પાસાંઓને જોવા અનુભવવાનું લેખકને પણ થયું છે. સમાજમાં  'કોમવાદી અને પ્રજાવિરોધી પરિબળો'ની જાણ્યેઅજાણ્યે બાહ્ય ધ્યેયસમાનતાની સામે અસરકારક પડકાર તરીકે આજે ઉભરવા માટે 'ગાંધીજનો' કે 'રૂઢ  ગાંધીબિરાદરી'ના સમાજ-પરિવર્તનના પ્રયાસોમાં અનુબધ્ધ સંકલનની અપેક્ષા લેખક રાખે છે.   
મુખ્ય પાત્રના ઉજાસની પાછળ ઢંકાઈ જવાને કારણે, પિયૂષ એમ પંડ્યાએ દસ્તાવેજ કરેલી 'ગુમનામીમાં અસ્ત પામેલ' સિતારા 'સુરેન્દ્રરાય મેઢ'ની દાસ્તાન પણ એટલી જ માહિતીપ્રદ છે. એ સમયનાં સાત ભાઈબહેનોનાં માતાપિતાનાં 'ખાતાંપીતાં' કુટુંબના ત્રીજાં સંતાન સુરેન્દ્રરાય મેઢનાં બાલ્યકાળ કે કિશોરાવસ્થાની બહુ વિગતો પ્રાપ્ય નથી. ૨૦ વર્ષની ઉંમરે, સન ૧૮૯૮માં, દક્ષિણ આફ્રિકાની વાટ પકડનાર સુરેન્દ્રરાય,  ૧૮૯૯થી ૧૯૦૨ દરમ્યાનના બોર-એંગ્લો યુધ્ધમાં સૈનિકોને તબીબી સેવામાં મદદ કરતાં કરતાં ગાંધીજીના એક સમર્પિત સાથીદાર બની ગયા. જાહેરજીવનની તડકી છાંયડીઓ વચ્ચે એક આદર્શ વ્યક્તિત્ત્વના ઓપે ઘડાઈ ચૂકેલા સુરેન્દ્રરાય લગભગ ૪૦ વર્ષની વયે સાંસારિક જીવનની ગાંઠે બંધાયા. બન્ને અલગ પ્રકારનાં જીવનના પ્રવાહોમાં તેઓ કદાચ એક પણ કિનારાને અસરકારક રીતે પામી ન શક્યા.એમના અંતિમ દિવસોમાં એમને જોનારાં કહે છે કે પોતાના મકાનની રવેશમાં શૂન્ય તરફ તાકતા એ એકલાઅટૂલા બેસી રહેતા. આવી અવસ્થામાં ૧૯૫૮માં તેઓ અવસાન પામ્યા. જાહેર અને અંગત જીવનની સાવ જ જૂદા પ્રકારની તકલીફો વચ્ચે તેઓ કેમ સમતુલા નહી જાળવી શક્યા હોય ? જાહેર જીવનના આદર્શો અને સિધ્ધાંતો અને અંગત જીવનની વ્યાવહારિકતાઓ એકબીજાની વિરૂદ્ધ જ રહે? વ્ય્કતિની વ્યક્તિગત સફળતા કે નિષ્ફળતામાં તેમનાં કૌટુંબિક પરિબળોનો ફાળો કેટલો? કેટલાં લોકોનાં જીવનમાં આવા અનેક સવાલો અનુત્તર રહી જતા હશે ?
જીવનમાં કેટલીક ઘટનાઓ કે સંબંધોમાં જાણ્યેઅજાણ્યે રહસ્યો ઘુંટાઈ જતાં હોય છે. બીરેન કોઠારીના કૉલેજ કાળ દરમ્યાન પણ મહેમદાવાદથી નડીયાદ અપડાઉન કરતાં કરતાં 'વાત એક સીધા સાદા રહ્યસ્યની' વિકસે છે  વાતના આ ઘટનાક્રમનું મુખ્ય પાત્ર છે 'હરેન્દ્રભાઈ'. જે સંબંધની સીમા અપડાઉન ગ્રૂપ પૂરતી જ રહે એટલું જ ઈચ્છવા છતાં હરેન્દ્રભાઈ તેને એકપક્ષી  ધોરણે ઘર સુધી ક્યારે પહોંચાડી ગયા એ ખયાલ જ નથી આવતો. ઘટનાક્રમ વિકસે છે આલ્ફ્રેડ હિચકોકના 'હવે પછી શું થશે?'ની શૈલીમાં અને દસેક વર્ષ પછી અંત પણ એકપક્ષે જ હરેન્દ્રભાઈની પહેલી પુણ્યતિથિની જાણ થવાથી. જીવન દરમ્યાન જેમની આસપાસની  ઘટનાઓનો તાળો મેળવવા પ્રયાસ નહોતો કરાયો એમની આકસ્મિક, નાટ્યાત્મક, રહસ્યમય વિદાય પછી રહી જાય છે માનવમનના આટાપાટાઓનું વણઉકલેલ રહસ્ય.
'એકબીજાને ક્યારેય ના નહીં કહેવાની' જેવી કોલેજના મિત્રો વચ્ચે રમત રમતમાં લેવાયેલી એક પ્રતિજ્ઞા પોતપોતાની કારકીર્દીઓમાં સેટલ થયેલા મિત્રો ફરી પાછા એક મિત્રની દીકરીના લગ્નસમારંભમાં યાદ આવી જાય છે. તેની સાથે એ પ્રતિજ્ઞા સાથે જોડાયેલી કેટલીય નાની મોટી ઘટનાઓ પણ સ્મરણપટમાં ખુલવા લાગે છે. બેમાંથી એક પક્ષ જે સૂચન કે ફરમાન  કે વિનંતિ કરે તેને બિનશરતી માન્ય કરી લેવાના આશય સાથેની આ  'છોટી સી બાત' વિશે વિચારતાં દીપક સોલિયાને સમજાય છે કે જગતના કોઈપણ સુંદર રીતે વિકસેલા સંબંધની પાછળ આ પ્રતિજ્ઞાની પેદાશ સમો ભરોસો પાયામાં રહેલો જોવા મળશે. લેખકને હવે એ પણ સમજાય છે કે વ્યાપક જણાતા આ ભરોસાને હલબલાવી નાખે છે અવિશ્વાસ-કુસંપ-યુધ્ધ જેવા અપવાદો. પરંતુ જ્યારે આપણને ખાતરી થઈ જાય છે કે કોઈ તો આપણી સાથે જ છે અને સાથે જ રહેશે ત્યારે આ રમતિયાળ પ્રતિજ્ઞા બહુ મહામૂલી બની રહે છે.
પોતાની સક્રિય કારકીર્દીના સમયમાં ફરીથી પોતાનાં કૌટુંબિક વતન મહેમદાવાદમાં રહેવાનું આવ્યું ત્યારે તળ માનવવાદી, બૌધ્ધિક એવા બિપિન શ્રોફ (પરીખ)ને મળેલ ગામ, તાલુકા અને જિલ્લાના ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ અને જ્ઞાતિઆધારિત સત્તાલક્ષી રાજકારણને નજદીકથી જોવાની તક મળી. 'સાકાર થયેલા એક અનોખાસ્વપ્નની વાત'નો મુખ્ય કાર્યકાળ લગભગ ૧૯૭૪થી ૧૯૮૪ના દસકો ગણી શકાય. 'ભારતીય ખેડૂત દેવામાં જન્મે છે, દેવા તળે જીવે છે અને વારસામાં દેવું આપીને મૃત્યુ પામે છે' વાળી પરિસ્થિતિના ખેડૂતોના પાયા પ્રશ્નો ઉકેલવાની તેમની વ્યક્તિકથાની રસપ્રદ, પણ આપણા જેવા મહદ અંશે શહેરી લોકોને આંચકા લાગે, તેવી ઘટનાઓની રજૂઆત છે. પ્રસ્તુત લેખ લખતાં પહેલાં લેખકે આ વિસ્તારોની ચાલુ વર્ષના શરૂઆતના મહિનાઓમાં ફેરમુલાકાત લીધી. જે ગામોમાં પાક-ધિરાણ યોજના સફળતાપૂર્વક અમલ થઈ શકી છે એ ગામોમાં શહેરીકરણના સામાજિક અને આર્થિક ફેરફારો ઊડીને આંખે વળગે તેવા જોવા મળ્યા. તો બીજી તરફ જે તરફનાં ગામોમાં અતિ મર્યાદિત પ્રમાણમાં પાક-ધિરાણ બાબતે જાગૃતિ રહી છે એ ગામોમાં હજૂ સમય થંભી ગયેલો લાગે છે. આખો લેખ વાંચી રહ્યા પછી જાણે આપણા દેશનાં સાંપ્રત આર્થિક ચિત્રનું ટ્રેલર જોતાં હોઇએ તેવો ભાવ મનમાં ફરી વળે છે.
ચેતન પગી એંશી-પંચાશી પહેલાં જન્મેલ પેઢીને 'પોસ્ટકાર્ડ લખવાના' અને 'ફેસબુક' પર પણ લખવાના મહાવરાવાળી પેઢી કહે છે. તેમના જીવનકાળનો 'પોસ્ટકાર્ડકાળ'માં તે ગોધરામાં અંકુરિત થઈને વિકસ્યા હતા અને આજે હવે પત્રકારત્વના વ્યવસાયની કારકીર્દીએ અમદાવાદમાં 'કાઢી રહ્યા છે'. અમદાવાદમાં રહ્યે રહ્યે પણ તેમના માટે ગોધરા સુધીનું અંતર જણાય છે તો 'શૂન્ય કિલોમીટર' જેટલું, પણ વચ્ચે વચ્ચે ગોધરા જવા મળે છે તે 'આજીવન જેલની સજા ભોગવી રહેલા કેદીને પેરોલ' મળવા જેવું લાગે છે. આ મનોભાવની નજરે તેઓ 'ગોધરા - એવરી બડી લવ્સ એ ગુડ રાયટ'માં તેમનાં બાલ્ય-કિશોર-કૉલેજકાળનાં ગોધરાનાં જીવનના અનુભવો મમળાવે છે. એ સમયે પણ પરંપરાગત મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગે કુટુંબની મહિલાઓ અંબે માના ગરબા રમતી પણ તેમણે જોઈ છે. આજે જ્યારે ગોધરા જાય છે ત્યારે સુલેમાનને ઠેલે આમ્લેટ ખાતાં ખાતાં તેમને એ સમયના ગ્રાહકને ગળગળા થઈને અનુભવાતી મહેમાન-નવાજીમાં તેમને ટનલના છેડે પ્રકાશનું કિરણ દેખાડી રહે છે.
જીવનના બીજા દાયકાના બીજા મધ્યભાગની વયનાં આરતી નાયર વયના તફાવતને કારણે થતા મતભેદ તરીકે ઓળખાતા 'જનરેશન ગૅપ'નાં 'બદલાયેલાં સમીકરણ' આપણી સમક્ષ રજૂ કરે છે. ગઈ સદીમાં, '૨૦-'૩૦માં જન્મેલાં પતિપત્ની વચ્ચે જ દસેક વર્ષનો તફાવત બહુ સામાન્ય વાત હતી તો તેમનાં સંતાનોમાં જ સૌથી મોટાં અને નાનાં વચ્ચે પણ દસબાર વર્ષનો તફાવત પણ રહેતો. જ્યારે આજે હવે લેખિકાનો પિતરાઈ ભાઈ પાંચેક વર્ષના તફાવતમાં જ પસંદનાપસંદના નોંધપાત્ર ફરક જૂએ છે. આજના ડિજિટલ યુગના ખુબ ઝડપથી થતા ફેરફારો ઊમરના તફાવતનાં સમીકરણો તો બદલાતાં જોવાશે, પણ તે સાથે જનરેશન ગૅપના પ્રકારો અને વિષયોમાં પણ ઝડપથી ફેરફારો થશે. એટલે, 'આપણે આપણને ગમતું કરીએ અને બીજાંની પસંદગીમાં માથું' ન મારીએ તો જનરેશન ગૅપ સહ્ય અને સ્વીકાર્ય બની રહી શકશે. દરેક પેઢી માટે આક્થનને અમલમાં ઉતારવું મુશ્કેલ રહ્યું છે.
૧૯૫૭માં એચ એલ કૉલેજ ઑફ કોમર્સની બૉય્ઝ હૉસ્ટેલમાં પાંગરેલી મિત્રતાની યાદોનાં ઉમટેલાં પૂરના પરિપાક રૂપે ઉમટી આવેલ વાતો રજનીકુમાર પંડ્યા તેમની રસાળ શૈલીમાં આપણી સાથે 'બેતાબ થા દિલ, બેચેન નઝર, અંજામ ન થા માલૂમ જીસે'માં કહે છે. ખુબ જ આત્મીય ભાવસાથે જે રીતે રજનીકુમારભાઈ જે રીતે ઘટ્નાક્રમની ઝીણી ઝીણી બાબતો રજૂ કરે છે તેને કારણે આપણી સમક્ષ પણ એ ભાવજગત તાદૃશ થઈ જાય છે.
ઈન્ટરનેટ, ઓનલાઈન અખબારો અને ઈન્ડિયન ન્યૂઝ ચેનલો વડે  સલિલ દલાલને કેનેડા બેઠાં બેઠાં, લાઉડસ્પીકરો પર મંદિરોના ઘંટારવ, મસ્જિદોની આઝાનો કે લગ્નોના વરઘોડામાં ગવાતાં ગીતો, બંધ રેલ્વે ક્રોસિંગની નીચેથી નીકળીને ૧૮૦ સેકંડ જેવા મહામૂલા સમયને બચાવવા મથતો સ્કુટર સવાર  જેવી, કેટકેટલી 'વો સબ યાદ આયે બહોત યાદ આયે'. 
ચા પીવી એ જ નહીં પણ ચામાં બોળીને ખાવું એ પણ ચા બનાવવા જેટલી જ ઍટીકૅટ માગી લે છે. ચાની ચાહતને આશિષ કક્કડ 'ચા દેવી - સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા'માં લહેજતથી માણે છે અને આપણને પણ તેની સોડમથી તરબતર કરે છે.
'અર્થશાસ્ત્ર અઘરું નથી' એ સમજી જવા માટે જરૂરી કેટલાક મૂળભૂત સિધ્ધાંતોને કાર્તિકેય ભટ્ટ અનોખી સરળતાથી સમજાવે છે, જેથી એ વિષયની ચર્ચાઓમાં ભલે છવાઈ ન જઈએ પણ માણસનાં વર્તનની પાછળ એ સિધ્ધાંતો શી રીતે પોતાની અસર કરે છે એ વિષે તારણો કાઢવામાં આપણો અભિગમ તાર્કિક બની શકે.
ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનનું ખેડાણ અપવાદ રૂપે જ થયું છે એવું મહેણું ગુજરાતીઓને સદી ગયું છે! વિજ્ઞાન સાહિત્યના અભ્યાસી ડૉ. સુશ્રુત પટેલ 'ગુજરાતીના કેટલાક 'સુપરસ્ટાર' વિજ્ઞાનલેખકો અને તેમની ખ્યાત કૃતિઓ'માં એવા લેખકો અને તેમની રચનાઓને રજૂ કરી છે જે કાળક્રમે ગુમનામીની ગર્તમાં વિસરાઈ ચૂક્યા છે. અહીં જે પુસ્તકો પસંદ કરવામાટે એ પુસ્તક મૌલિક હોય, લોકભોગ્ય હોય, એ વિષય પૂરતું ગુજરાતીમાં સંભવતઃ પહેલું હોય અને હાલમાં અપ્રાપ્ય હોય એવાં ધોરણ અપનાવવાને કારણે પ્રસ્તુત લેખ વિજ્ઞાનના વિષયના ચાહકો માટે સંગ્રહ કરવા જેટલો મહત્ત્વનો બની રહે છે. 
એક સમય હતો જ્યારે સમાજના અમુક જ વર્ગની સ્ત્રીઓ અર્થોપાજનમાટે ઘરની બહાર જતી. એ સમયમાં કામ કરનારનું અનેક રીતે કામ કરાવનાર શોષણ કરતાં. એ સમાજની વર્ગવ્યવસ્થામાં આ પ્રકારનાં શોષણ મહદ અંશે સહન કરી લેવાતાં. પરંતુ આજે હવે એ પરિસ્થિતિ બદલી ચૂકી છે. કામ કરનાર વર્ગને અનેક વિધ કાયદાઓથી શક્ય તેટલું રક્ષણ આપવા માટે આજની સરકારો પ્રયત્નશીલ રહે છે. પોતાની કામગીરી રૂપે સ્ત્રીઓ જે જગ્યાએ જતી હોય ત્યાં તેમને કામુકતાભરી સતામણી સામે સંસદમાં ઘડાયેલ Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 / કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિરાકરણ) અધિનિયમ, 2013 કાયદાની કેટલીક પ્રાથમિક વ્યવસ્થાઓ અને જોગવાઈઓ વિષે હજૂ જોઈએ એટલી જાણકારી જોવા નથી મળતી. માર્ગી પરીખ 'કાર્યાલયમાં સ્ત્રીઓની કામુકતાપ્રેરિત સતામણી અને આપણાં આંખમિચામણાં"માં આ વિષય પરની  શારીરીક સતામણી સિવાય અન્ય સતામણીની ઘટનાઓ, કાયદાનો વ્યાપ અને ફરિયાદ સમિતિની ભૂમિકા જેવી કેટલીક સામાન્ય બાબતો ભણી આપણું ધ્યાન દોરે છે.
પ્રસ્તુત અંકના સંપાદકીય અગ્રલેખમાં જણાવાયું છે કે 'સાર્થક જલસો'માં પ્રકાશિત થતો દરેક લેખ બધા જ સંપાદકોને એક સરખો ગમે તો જ તે લેખને સમાવવામાં આવે છે.  'સાર્થક પ્રકાશન'ની વેબસાઈટ પર 'જલસો ૧૦'ની શીર્ષ ટેગલાઇનમાં કરાયેલ 'વાચનસમૃદ્ધિનું સાતત્ય' પ્રયોગને આ દસમા અંકમાં એક વાર ફરીથી સાર્થક થતો માણવા માટે દરેક લેખને ખૂબ ધ્યાનથી જરૂરથી વાંચશો.....
/\/\/\/\/\/\
સાર્થક જલસો ૧૦પ્રાપ્તિ સ્રોત:

  • બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796

  • પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)