Showing posts with label Tadatmya Vaishnav. Show all posts
Showing posts with label Tadatmya Vaishnav. Show all posts

Tuesday, March 22, 2016

મૉર ધૅન બૉલીવુડ - સ્ટડીઝ્‍ ઈન ઈન્ડિયન પૉપ્યુલર મ્યુઝિક



પરિચય - રજૂઆત : તાદાત્મ્ય વૈષ્ણવ
થોડા દિવસો પહેલાં મને 'મોર ધૅન બૉલીવુડ - સ્ટડીઝ્‍ ઈન ઈન્ડિયન પૉપ્યુલર મ્યુઝિક' શીર્ષસ્થ પુસ્તક વાંચવાની તક મળી. ભારતીય હિંદી સિનેમા, તેમ જ ગેરફિલ્મ સંગીત, પરના સંશોધન નિબંધોને આ પુસ્તકમાં ગ્રેગરી ડી. બૂથ અને બ્રૅડલી શૉપૅએ સંકલિત કરેલ છે.
'મોર ધૅન બૉલીવુડમાં ભારતમાં જેને લોકપ્રિય સંગીત કહીએ એવાં સંગીતના સ્વરૂપોના ઐતિહાસિક તેમ જ પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યની રજૂઆતની સાથે ભારતીય ફિલ્મ સંગીતનાં મહત્ત્વ અને યોગદાનની પણ ચર્ચાની સાથે લોકપ્રિય ગૈર-ફિલ્મ સંગીત પરનાં સંશોધનો પણ એક જ પુસ્તકમાં જોવા મળે છે. આમ એકંદરે, આ પુસ્તક નૃવંશીયસંગીતશાસ્ત્ર તેમજ સિનેમાના કે લોકપ્રિય સંગીતના અભ્યાસ અંગેનાં સંશોધનનાં દસ્તાવેજીકરણની સાથે સંકળાયેલ સંશોધકો, વિદ્યાર્થીઓ, ઈતિહાસકારો, કે સામાન્ય  રસિકજનોમાટે બહુ અગત્યનો માહિતીસ્ત્રોત પણ બની રહે છે.
મૂળતઃ લેખોનું પોત સંશોધનાત્મક લેખો હોવાને કારણે, અને અમુક લેખોના વિષયોમાં કંઇક અંશે ઓછો રસ હોવાને કારણે, મને ત્રણેક લેખમાં વધારે રસ પડ્યો છે.
પ્રકરણ ૧ - મુંબઈમાં વિદ્યમાન અવસરની ઐતિહાસિક ઘડી \ A Moment of Historical Conjuncture in Mumbai
આ પ્રકરણમાં ગ્રેગરી બૂથ પ્રસ્થાપિત કરે છે કે હિંદી ફિલ્મ ગીતનાં જે સ્વરૂપને ૧૯૯૦ સુધી આપણે જોતાં સાંભળતાં આવ્યાં છીએ તે સ્વરૂપ મહદ્‍ અંશે આઝાદી પછીનાં, ૧૯૪૮થી ૧૯૫૨નાં, પાંચ વર્ષોમાં ઘડતર પામ્યું. ૧૯૩૧થી ૧૯૪૭ના સમયને તેઓ હિંદી ફિલ્મ સંગીતનાં રંગરૂપ અને વ્યાવસાયિકતાના સંક્રાતિકાળ તરીકે ઓળખાવે છે. આ સમયમાં થયેલા કેટલાક ફેરફારોમાં ગીતોનાં ચિત્રાંકણમાં વધતાં જતાં કૌશલ્ય અને ગીતોમાં સ્ત્રી અવાજમાં થયેલ ફેરફાર જેવા ફેરફારોને મહત્ત્વના ગણી શકાય. આ ફેરફારો કરવામાં સૌથી મહત્ત્વનાં યોગદાન પ્રદાન આપનારાં પરિબળો કે વ્યક્તિઓને અલગ તારવવા માટે લેખકે જે જે આંકડાકીય અભ્યાસની મદદ લીધી છે તેનાં પરિણામ સ્વરૂપે તેઓએ ત્રણ સંગીતકારો - નૌશાદ, શંકર જયકિશન અને સી. રામચંદ્ર, બે ઍરેન્જર્સ - એન્થની વૅઝ અને સેબાસ્ટીઅન ડી'સોઝા - તેમ જ એક પાર્શ્વગાયક - લતા મંગેશકર-નાં કામને અલગ તારવેલ છે. આ દરેકનાં પોતપોતાનાં આગવાં અને અલગ કૌશલ્યનાં એકબીજાનાં પૂરક સંયોજનને કારણે આમ થવું શક્ય બન્યું એમ કહી શકાય. ફિલ્મ સંગીતની આધુનિક ઢબની વાદ્યસુબદ્ધતા, ભારતીય શાસ્ત્રીય સંગીત અને લોકપ્રિય પાશ્ચાત્ય સંગીત સાથેનું સંધાન અને સ્ત્રી અવાજની નવી પહેચાન જેવા મહત્વના ફેરફારો તેમની પોતાની અલગ અલગ સ્તરે ભજવાયેલી ભૂમિકાઓના માંથી નિપજેલ સામૂહિક પરિણામો સ્વરૂપે પ્રસ્થાપિત થતા ગયા. જાણે નિયતિએ 'યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે' હાજર રાખવા માટે જ તેમને પસંદ કર્યાં હતાં!
૧૯૪૮થી ૧૯૫૨ દરમ્યાન જે વ્યાવસાયિક સ્તરે જે ભાત અને સંગીતનું સ્વરૂપ વિકસ્યું તે મહદ્‍ અંશે છેક ૧૯૭૦ સુધી પ્રચલિત રહેલ જોવા મળે છે. તે પછીનાં વીસ વર્ષોમાં ફિલ્મ સંગીતનાં ક્ષેત્રે આવેલ સંગીતકારોની નવી પેઢી મહત્ત્વની ભૂમિકા ભજવવા લાગી હતી. ફિલ્મ સંગીતનાં મૂળભૂત માળખાંમાં જે ફેરફારો થયા તેનો અભ્યાસ કોઈ એક વર્ષમાં જેની એકથી વધારે ફિલ્મો આવી હોય તેમના હિસ્સા જેવાં પરિમાણોના આંકડાઓની મદદથી જાણી શકાય છે. એ એક વર્ષમાં જેનાં ઘણાં ગીતો 'બહુ જ લોકપ્રિય' થયેલ હોય તેવી કક્ષામાં તો દરેક વર્ષે બે-ત્રણ સંગીતકારો જ આવતા જોવા મળે છે. ૧૯૫૨ સુધીમાં એક વર્ષમાં એકથી વધારે ફિલ્મોમાં સંગીત આપનારા સંગીતકારોની સંખ્યામાં ૬૨%નો વધારો જોવા મળે છે. પછીનાં દસ વર્ષોમાં આ પ્રકારના સંગીતકારોનો હિસ્સો  લગભગ ૫૦%ની આસપાસ રહ્યો જે ૧૯૬૭માં ફરી એક વાર ૩૦%ની આસપાસ આવી ગયો. ૧૯૩૨-૧૯૪૭ દરમ્યાન આ આંકડો ૬૦%ની આસપાસ રહ્યો હતો. ૧૯૪૭થી ૧૯૫૭ના દશકામાં સૌથી વધારે કમાણી કરનાર ૬૦ ફિલ્મોમાંથી ૩૨% ફિલ્મો ૧૯૪૮થી ૧૯૫૨માં રજૂ થયેલી હતી. તેમાંથી પણ નૌશાદ, શંકર જયકિશન અને સી રામચંદ્રનો મળીને હિસ્સો ૬૮%  હતો.
પુરુષ ગાયકોમાં પણ ગણ્યા ગાંઠ્યા ગાયકોનાં વધતું આધિપત્ય પણ એક નવો પ્રવાહ બનવા લાગ્યો હતો. ૧૯૫૨ પછીથી ૧૯૬૯ સુધી મોહમ્મદ રફીનાં ગીતોનો  લગભગ સિંહ હિસ્સો રહ્યો, જે સ્થાન તે પછીથી કિશોર કુમારે લઈ લીધું હતું. જો કે સ્ત્રી પાર્શ્વ ગાયિકાઓની સરખામણીમાં તે સિવાય મહત્ત્વનું સ્થાન ધરાવતા પુરુષ ગાયકોની સંખ્યા ખાસી નોંધપાત્ર કક્ષાની હતી. સ્ત્રી પાર્શ્વગાયિકાઓના કિસ્સામાં તો ચિત્ર સાવ નાટકીય પણે બદલી ચૂક્યું હતું. ૧૯૫૨ પછીથી ભરેલા સૂરના ગળાં ધરાવતી ગાયિકાઓનો તો સમય જાણે સાવે લુપ્ત જ થઈ ગયો. ૧૯૫૧માં લતા મંગેશકર, આશા ભોસલે અને ગીતા દત્તનાં ગીતોનો હિસ્સો ત્રીજા ભાગથી થોડો વધારે હતો. ૧૯૫૭માં, અંગત કારણોસર ગીતા દત્ત મેદાનમાંથી ખસી ગયાં તે પછીથી માત્ર લતા મંગેશકર અને આશા ભોસલે ત્રીજા ભાગથી વધારે હિસ્સો પોતાનાં અંકે કરતાં થઈ ગયાં. આમ બહુ જ જૂદા જૂદા પરિમાણોથી આંકડાકીય વિશ્લેષણ કર્યા પછી લેખક સંગીત, ગીતોની બાંધણી અને રજૂઆતનાં સૌંદર્ય તેમ જ વ્યાવસાયિક પ્રથાઓ ની આપસી પરિસ્થિતિની વિગતે ચર્ચા હાથ પર લે છે.
લેખકનાં બધાં જ તારણો સાથે આપણે કદાચ સહમત ન પણ થઈએ - હું તો નથી જ થઈ શક્યો-  જેમ કે  'ફિલ્મમાં ગાયકી'ને બદલે 'ફિલ્મનાં ગીત'ની બાંધણીને  અંતરાની વાદ્યવૃંદસજ્જાની ચોક્કસ ગૂંથણી, તાલ, વાદ્યવૃંદમાં વાદ્યો અને સાજિંદાઓની સંખ્યા, રેકોર્ડિંગ ટેકનીક અને ગાયકોનાં વ્યાવસાયિકરણ જેવાં પરિમાણોના સંદર્ભમાં નૌશાદે વધારે સ્પષ્ટ બનાવી;  કે પછી, પુરુષ ગાયકોની ગાયન શૈલી સાયગલની શૈલીને જ અનુસરતી રહી જ્યારે સ્ત્રી ગાયકોની ગાયન શૈલીમાં લતા મંગેશકરે નવા ચાસ પાડ્યા. (હુ  આ વાકયના પાછળના ભાગ સાથે સહમત થઈશ.) 
લગભગ દરેક મુદ્દાને આંકડાકીય વિશ્લેષણની સાથે જ રજૂ કરાયેલ છે. મોટા ભાગનાં તારણો રસપ્રદ તો રહે જ છે. ગાયકને તેમ જ ગીતનાં ધ્વનિમુદ્રણને ગીતનાં ચિત્રાંકનથી અલગ કરી નાખતી પાર્શ્વ ગાયનની અને રેકોર્ડિંગની ટેકનીકમાં થયેલ વિકાસ ફિલ્મ સંગીતની સાથે સાથે હિંદી ફિલ્મોના વિકાસ માટે મશાલધારક બની રહ્યો એ તારણ સાથે આપણે બધાં જ સહમત થશું.
પ્રકરણ ૨: વૈશ્વિક મસાલા ઉદારીકરણ પછીનાં ભારતીય ફિલ્મ સંગીતની ડિજિટલ ઓળખો અને સૌંદર્યલક્ષી પ્રક્ષેપપથ \ Global Masala – Digital Identities and Aesthetic Trajectories in Post-Liberalization Indian Film Music - નાતાલી સર્રાઝીન
૧૯૯૦માં શરૂ થયેલ ઉદારીકરણના સમય પછીથી વૈશ્વિકીકરણ તેમ જ ટેક્નૉલોજિએ લોકપ્રિય સંગીત, ખાસ કરીને ફિલ્મ સંગીતની રચના, પર કેવી અસર કરી તેનો બહુ સારી રીતે લખાયેલ અહેવાલ અહીં રજૂ કરાયો છે.
'રોજા'નાં ટાઈટલ ગીતના પૂર્વાલાપનાં દરેક સેકન્ડનાં વિગતવાર વિશ્લેષણની મદદથી લેખિકાએ શ્રાવ્ય ઘટકને દૃશ્ય ઘટકનાં એક એક અંગ સાથે કેમ પહેલાં કરતાં કેમ વધારે અસરકારક રીતે સાંકળી શકવાનું શક્ય બન્યું છે તે સમજાવ્યું છે.
'સૌંદર્યલક્ષી નિર્ણયો' એ બીજો એક સરસ વિભાગ છે. અહીં સંગીતકારની ભૂમિકા ને બદલે હવે શ્રોતાને સાંભળવા મળતાં તૈયાર ગીતમાં સાઉંડ એન્જિનીયર કેમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તે પ્રતિપાદિત કરાયું છે. આ ફેરફાર ક્રાંતિકારી જરૂર હશે, પણ ઘણા ક્રાંતિકારી ફેરફારો જેમ બહુ છાતી ફુલાવવા જેવાં પરિણામો નથી લાવી શકયા તેમ જ આ ફેરફારનું પણ કહી શકાય. લેખિકા પોતે પાશ્ચાત્ય પરિપ્રેક્ષ્યમાંથી આવતાં હોવાને કારણે,  તેમ જ તેમને પોતાને જૂનાં સંગીત માટે બહુ ખાસ પ્રીતિ નથી તેથી, આવા મહત્ત્વના ફેરફારને લેખિકા પચાવી જઈ શકતાં જણાય છે.
પ્રસ્તુત લેખનાં સમાપનમાં લેખિકાનું કહેવું છે કે વિશ્વના મંચ પર હિંદી સિનેમાએ બહુ જતનથી ઘડાયેલી, ભારતીય લઢણની સંગીતમાં વણી લેવાયેલ  ઓળખ અને ઈચ્છાઓની સંભાળ એવી રીતે લેવી જોઈએ કે તે સંગીતનાં આંતરરાષ્ટ્રીય બજારના કાનને ગમે અને ભારતીય વંશ સિવાયનાં અન્ય લોકોને પણ રસપ્રદ નીવડે. વિશ્વના મંચ પર જૂદા જૂદાં ક્ષેત્રોમાં ભારત બહુ સક્રિયપણે પોતાની આગવી પહેચાન ઊભી કરી રહ્યું છે. તેમાં તેને સ્વરનાં એવાં માધ્યમની જરૂર રહેશે જે ભારતની વર્તમાન ઉર્જાનું નિરૂપણ તો કરતું જ હોય, પણ તે સાથે એક યોગ્ય આર્થિક ભાગીદાર તરીકેની ભારતની છબીને  પણ પેશ કરતું હોય. આ પ્રકારનાં સંગીતે સફળ થવા માટે ભારતમાં, અને ભારતની બહાર રહેતાં, ભારતીયોનાં સ્વપ્ન અને ઈચ્છાઓ માટે અવકાશ ઊભો કરવાની સાથે બીજાંઓની પ્રબુદ્ધ કલ્પનાઓમાં હંમેશ છવાયેલ રહેલ પલાયનવૃત્તિને પણ પોષવી પડશે.
દસમાં પ્રકરણ, ૧૯૩૦-૫૦ દરમ્યાન મુંબઈમાં જોવા મળતી ગતિમાન તસ્વીરોમાં અને જાકજમાળ  કૅબરૅમાં લેટિન અમેરિકન સંગીત \ Latin American Music in Moving Pictures and Jazzy Cabarets in Mumbai, 1930-1950,માં બ્રૅડલી શૉપૅ ૧૯૩૦ના દાયકાના મધ્યથી કરીને ૧૯૫૦ના દાયકાના શરૂઆતના સમય દરમ્યાન હોલીવૂડની ફિલ્મોમાં લેટિન અમેરિકન સંગીતના પ્રભાવની મુંબઈના મનોરંજન મંચ પર પડેલી અસરોની વિગતે વાત કરે છે. એ સમયમાં ગોવાનીઝ કે એંગ્લોઈન્ડિયન કે પારસી સમાજનાં લોકો જ હૉટલ કે થિયેટરમાં જાકજમાળ કૅબરૅ નૃત્યો જોવાં જતાં. એ સમયના આમ-ભારતીય પ્રેક્ષકની અભિરૂચિની કાલ્પનિક દુનિયાને આ નૃત્યો અને સંગીત વડે હિંદી ફિલ્મોએ સજાવવાની હતી. પ્રસ્તુત પ્રકરણના પહેલા ભાગમાં હોલીવૂડની ફિલ્મ Flying Down the Rio[i] થકી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનેલ  બ્રાઝિલનાં તળપદી નૃત્ય, કૅરિઑકા,ની હિંદી ફિલ્મોનાં સંગીત અને ગીતો પરની અસરોની ચર્ચા ઉદાહરણો સાથે કરવામાં આવી છે.  પ્રકરણના બીજા ભાગમાં મુંબઈમાં ભજવાતાં કૅબરૅ નૃત્યો અને લૅટિન અમેરિકાનાં સંગીત અને તેની નૃત્યો દ્વારા થતી રજૂઆતની હિંદી ફિલ્મો પરની અસર વચ્ચેના સંબંધની વાત કરવામાં આવી છે.
ભારતનાં કેટલાંક શહેરોમાં Flying Down to Rio (1933)ને ખાસી સફળતાથી રજૂ કરાઈ. મુંબઈની નાઈટક્લબો કે રેસ્તરાંઓ, હોટલ બૉલરૂમ્સ કે સામાજિક મનોરંજન કાર્યક્રમોમાં કે કૅબરૅ નૃત્યોનાં શ્રોતાઓને  આ ફિલ્મમાં બતાવાયેલાં કૅરિઓકા નૃત્યએ આકર્ષ્યાં. જે શ્રોતાઓને આ નૃત્ય શીખવું હતું તેઓ ક્યાં તો વારંવાર આ ફિલ્મ જોવા જતાં અથવા તો પછી નૃત્યશિક્ષણના વર્ગોનો આશરો લેતાં. ૧૯૪૦ના દાયકા સુધીમાં તો બહુબધાં જાઝ ઑરકેસ્ટ્રા ગ્રૂપને ખ્યાલ આવી ગયો હતો કેવધારેને વધારે કામ મેળવવા માટે લૅટિન અમેરિકન નૃત્યોને પોતાના શૉના ભાથામાં સમાવી લેવાનું બહુ ફાયદાકારક નીવડી શકે છે. એટલે  લતા મંગેશકર અને અમીરબાઈ કર્ણાટકીના સ્વરોમાં 'સમાધિ' (૧૯૪૯) માટે ગોરે ગોરે ઓ બાંકે છોરેની તર્જ માટે સી. રામચંદ્રએ
'ડૉલ ફેસ'(૧૯૪૫)નાં  Chico Chico from Puerto Ricoનો આધાર લીધો એમાં કોઈ નવાઈ ન લાગે.


નૌશાદનાં, 'કાનૂન'(૧૯૪૩)નાં  ગીત, એક તૂ હો એક મૈં હૂં (સુરૈયા),માં પણ લૅટિન સંગીતના સૂરોની લાક્ષાણિકતાઓ સાંભળવા મળે છે. આવાં વાતાવરણમાં, ૧૯૫૧ની 'અલબેલા'નાં સંગીતમાટે સી રામચંદ્રની ધૂનોની વાદ્યસજ્જામાટે એ સમયનાં ખ્યાતનામ વાદ્યવૃંદ 'હિઝ મ્યુઝિક મૅકર્સ'ના નિદર્શક ચિક ચૉકલેટનો વિધિવત સહયોગ થવો એ કોઈ અકસ્માત નહોતો!  દિવાના.. યે પરવાના ગીતમાં સ્ટેજ પર જે વાદ્યવૃંદ કળાકારો જોવા મળે છે તે ચિક ચૉકલેટનાં વાદ્યવૃંદના જ સભ્યો છે, જે લૅટિન અમેરિકન નૃત્ય પોષાકશૈલીમાં જ સજ્જ થયેલ છે.
મજાની વાત તો એ છે કે આ ગીતની ધૂન કે વાદ્યસજ્જા કે નૃત્યની રજૂઆત પૂરતી જ ૧૯૪૧ની 'વીક-એન્ડ ઈન હવાના' ફિલ્મનાં શીર્ષક ગીતની અસર મર્યાદિત નથી રહી, ગીતા બાલીનું વેશ પરિધાન અને નૃત્યભંગીઓ પર મૂળ ગીતની નાયિકા કારમૅન મિરાન્ડાની અસર જોઈ શકાય છે.
'અલબેલા'નાં દિલ ધડકે નજ઼ર શરમાયેમાં લેટિન અમેરિકન સંગીતનો ત્રણ+બેનો ઠેકો, કે મેરે દિલકી ઘડી કરે ટિક ટિકમાં રણઝણ રણઝણ થતા પિયાનોના સૂર પણ, બહુ સ્પષ્ટપણે સાંભળવા મળે છે. હિંદી ફિલ્મોનો મોટા ભાગનો શ્રોતાગણ તો લૅટિન અમેરિકન અસરવાળી ફિલ્મો કે ગીતોથી પરિચિત ન જ હોય, એટલે આ સંગીતના ઉપયોગથી હિંદી ફિલ્મનાં વાતાવરણની દુન્યવી મર્યાદાઓને અતિક્રમી તેમની કલ્પનાઓના તારને ઝણઝણાવાનું બહુ મુશ્કેલ પણ નહી રહ્યું હોય !
જોકે, હવાઈ કે આઈલેન્ડ કે સ્પૅનિશ કે આરબ કે ફ્રેન્ચ સંગીતની ધૂનોનો, બહુ જ સર્જનાત્મકપણે, હિંદી ફિલ્મ સંગીતકારોએ ગીતોની બાંધણીમાં ઉપયોગ પણ વ્યાપકપણે કર્યો છે. અપવાદરૂપ કિસ્સાઓમાં જોવા મળતી સીધી જ ઉઠાંતરીને બાદ કરતાં આપણી ફિલ્મોના દિગ્દર્શકો અને સંગીતકારોએ  આ બધાં સંગીતને આપણાં શાસ્ત્રીય કે લોકસંગીતની જેમ જ એટલી સ્વાભાવિક રીતે વણી લીધાં કે એ ગીતો સફળ પણ થયાં અને કર્ણપ્રિય પણ રહ્યાં.
પુસ્તકનાં દરેક પ્રકરણમાં રજૂ થયેલ મુદ્દાઓને વધારે સ્પષ્ટ કરવા કે ઉત્તર અમેરિકાનું જે સંગીત સહેલાઈથી ઉપલ્બધ ન હોય તે ઉપલબ્ધ કરવા માટે ઓક્સફર્ડની વેબ સંગીત સાઈટ પર આવા ઑડિયો કે વિડીયો ટ્રેક્સને મૂકવામાં આવેલ છે.
પુસ્તક પ્રકાશનની વિગતો:
પ્રકાશન વર્ષ : ૨૦૧૩ǁ ૩૮૦ પૃષ્ઠǁ ISBN-13: 9780199928835
ઑક્સફર્ડ સ્કૉલરશિપ ઑનલાઈન પર પ્રકાશન: જાન્યુઆરી, ૨૦૧૪
પેપરબૅક આવૃત્તિ : પ્રકાશન: ૧૨ ડીસેમ્બર, ૨૦૧૩| ૩૮૪ પૃષ્ઠ | ISBN: 9780199928859
લેખકોનાં અન્ય પુસ્તકો:
Behind the curtain: making music in Mumbai's film studios – Gregory D Booth


[i]  Flying Down the Rio