Wednesday, November 26, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : નસ્સીમ નિકોલસ તાલેબ – પૂર્વાર્ધ

-
clip_image002
clip_image003
નસ્સીમ નિકોલસ તાલેબ (ઍરેબિક : نسيم نيقولا نجيب طالب‎) લિબનીઝ-અમેરિકન નિબંધકાર, તજજ્ઞ અને આંકડાશાસ્ત્રી છે. યાદૃચ્છિકતા, સંભાવના અને અનિશ્ચિતતા તેમનાં અભ્યાસ, વ્યવસાય અને લખાણોમાં કેન્દ્રસ્થાને રહે છે. તેમનું સહુથી વધારે જાણીતું પુસ્તક 'ધ બ્લૅક સ્વાન' બીજા વિશ્વયુદ્ધ પછી પ્રકાશિત થયેલ સહુથી વધારે પ્રભાવશાળી ૧૨ પુસ્તકોમાં ગણના પામે છે. તેમનાં બધાં જ પુસ્તકો અને લેખો બહુ જ વંચાય અને ચર્ચાય છે.

તેમણે ઘણી યુનિવર્સિટીઓમાં અધ્યાપન પણ કર્યું છે. પરંતુ તેમના મૂળ વ્યવસાયની શરૂઆત બજારોમાં લેવેચના સોદા કરતા ડેરિવેટીવ ટ્રેડર તરીકે થયેલી. આગળ જતાં હેજ ફંડ મૅનેજર, ગાણિતિક નાણાંશાસ્ત્રના તજજ્ઞ જેવી ભૂમિકાઓ પણ ભજવી. રિસ્ક એન્જિનિયરીંગ તેમનો પ્રિય વિષય રહ્યો છે. સંભાવના [Probability] અંગેની પ્રાયોગિક, ગાણિતિક અને દાર્શનિક સમસ્યાઓ તેમનાં કામના કેન્દ્રમાં છે. રાજકીય સ્થિરતા, જોખમ અંગેનાં પગલાંઓનું કેન્દ્રાભિસરણ, આંકડાકીય યંત્રવિજ્ઞાન, મનોવૈજ્ઞાનિક પૂર્વગ્રહો અને નીતિને લગતી જોખમ-આધારિત તંત્રવ્યવસ્થાઓ જેવા વિષયો, જોખમ અંગેનાં તેમનાં કામમાં પ્રધાન સ્થાને છે.

તેઓ વર્તમાન નાણાકીય વિશ્વની રિસ્ક મૅનેજમેન્ટની પદ્ધતિઓના બહુ જ આકરા આલોચક રહ્યા છે. કોઈપણ આદર્શ બજાર વ્યવસ્થામાં યાદૃચ્છિકતાનાં મહત્ત્વને અવગણીને સુરેખ રૂખની મદદથી કરાતી આગાહીઓ માટેનો આગ્રહ તેમની નાપસંદનો કેન્દ્રવર્તી દૃષ્ટિકોણ રહ્યો છે.તેમના ટ્રેડીંગના દિવસોમાં તેમણે આ આગાહીવાદીઓથી અલગ હટીને કરેલા સોદાઓની અઢળક કમાણીને કારણે જ તેમની પાસે ફુરસદનો સમય આવી શક્યો તેવું તેઓ દરેક મંચ પર ભારપૂર્વક કહેતા રહ્યા છે. એ રીતે મળી ગયેલ અનઅપેક્ષિત ફુરસદના સમયને કારણે જ તેઓ ડૉકટરેટ સુધીનો અભ્યાસ અને આટલું બધું લખી/ વિચારી શક્યા છે, તે ખુદ પણ એક કાળા હંસ સમાન ઘટના જ છે તેમ પણ તેઓ હળવી ગંભીરતાથી કહેતા રહે છે.

આગાહી કરવી મુશ્કેલ હોય તેવી ઘટનાને સારી રીતે જીરવી શકતો હોય તેવા સમાજની તેઓ ખેવના કરે છે. તેઓ તંત્ર વ્યવસ્થાઓમાં 'પ્રતિનાજુકતા' [Antifragility]ના પ્રખર હિમાયતી છે. તેઓ એવાં તંત્ર વ્યવસ્થાપનની તરફેણ કરે છે જે અમુક કક્ષાની યાદૃચ્છિક ઘટનાઓ, ભૂલો કે વધઘટની ઉથલપાથલોને કારણે ફાયદામાં રહે અને તેના કારણે વિકસે. તેઓ બહિર્મુખ ખાંખાંખોળાની વૈજ્ઞાનિક શોધખોળની એવા મહત્ત્વના માર્ગ તરીકે હિમાયત કરે છે, જેમાં દિશાનિર્દિષ્ટ સંશોધનને બદલે અનેકવિધ વિકલ્પ વ્યવસ્થાના પ્રયોગો પણ યાદૃચ્છિક સંભાવનાઓના બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં ઉપયોગમાં લેવાતા હોય.
= = =

કૌટુંબિક પશ્ચાદ્‍ભૂમિકા અને અભ્યાસ
clip_image005
યુવાન નસીમ
નસ્સીમ તાલેબનો જન્મ લેબનોનનાં અમ્યૂંમાં થયો હતો. તેમનાં માતા, મીનરવા ઘોસ્ન, અને પિતા નજીબ તાલેબ ગ્રીક રૂઢિચુસ્ત લેબનાની સમાજજીવન વ્યતીત કરતાં હતાં. નસ્સીમના પિતા ઑન્કૉલોજીના તબીબ અને નૃવંશશાસ્ત્રના સંશોધક હતા. નસ્સીમ તાલેબનાં કુટુંબનું રાજકીય મહત્ત્વ અને સંપત્તિ, ૧૯૭૫માં શરૂ થયેલ લેબનાની આંતરવિગ્રહ દરમ્યાન ઘસાઈ ગયાં હતાં.

નસ્સીમ તાલેબ બહુ ભાષાઓના જાણકાર છે. અંગ્રેજી ફ્રેંચ,અને પ્રાચીન ઍરેબિકમાં તેઓ પ્રાવીણ્ય ધરાવે છે, તો તે સાથે ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓમાં વાતચીત કરવા જેટલી અને ગ્રીક, લેટિન, ઍરેબિક અને પ્રાચીન હિબ્રુના પ્રાચીન ગ્રંથો વાંચી શકવાની કુશળતા ધરાવે છે.
0000


નસ્સીમ નિકોલસ તાલેબનાં પુસ્તકો બહુ જ વંચાયાં અને ચર્ચાયાં છે.

તાલેબનાં લખાણોમાં જે તાજગી જોવા મળે છે તેનું એક કારણ ક્દાચ એ પણ છે કે આ પ્રકારનાં પુસ્તકોના અન્ય લેખકો કરતાં તેમની પશ્ચાદભૂમિકા મહદ્ અંશે અલગ છે - મોટી કંપનીની નોકરી તેમણે લાંબા સમય પહેલાં છોડી દીધી છે, શિક્ષણ જગત સાથે તેમનો સંબંધ બહુ ગાઢ નથી, પત્રકારત્વ તેમનો વ્યવસાય નથી, તેમનાં લખાણનું પ્રાથમિક ધ્યેય આર્થિક ઉપાર્જન પણ નથી. પોતે જે અનુભવ્યું તેને પોતાનાં લખાણો અને વિચારો દ્વારા લોકો સાથે વહેંચવું તેને તેમની પ્રેરણાનું મૂળ કહી શકાય.

‘એન્ટીફ્રેજાઈલ’, ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’, ‘ધ બ્લેક સ્વાન’, અને ‘ફૂલ્ડ બાય રેન્ડમનેસ’ – પોતાનાં આ ચાર પુસ્તકસમૂહને તાલેબ ઇટાલિયન ભાષાના શબ્દ પ્રયોગ, INCERTO [જેનું બહુ જ નજીકનું ગુજરાતી "અનિશ્ચિતતા' કરી શકાય] વડે વર્ણવે છે. અપારદર્શકતા, નસીબ,અનિશ્ચિતતા, સંભાવના, માનવીય ત્રુટિઓ અને જ્યારે આપણને કંઈ જ સમજણ ન પડતી હોય ત્યારે લેવાતા નિર્ણયોની તપાસની, એક બીજાથી અલગ રીતે, દાર્શનિક, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક ચર્ચાઓને આવરી લેતાં આ ચાર પુસ્તકોની શૈલી, આ પ્રકારના વિષયની ગંભીર ચર્ચા માટે ઘણી જ નવી કહી શકાય તેવી આત્મકથાનક વાતો અને બોધકથાઓનાં સ્વરૂપની છે.

Incertoનું મુક્તપણે ડાઉનલોડ કરાઈ શકે તેવું સમાંતર ગાણિતિક સ્વરૂપ Silent Risk પણ તેમણે રજૂ કરેલ છે, જેની એક સંક્ષિપ્ત કહી શકાય તેવી ટીવી ચર્ચા અહીં જોઈ શકાય છે.

નસ્સીમ તાલેબની વિચારસરણીને સમજવા માટે આપણે તેમનાં આ ચાર પુસ્તકોની સંક્ષિપ્ત ચર્ચા કરીશું.

યાદૃચ્છિકતાની છેતરામણી- (આકસ્મિક) ઘટનાનું જિંદગી અને બજારમાં મહત્ત્વ\ Fooled by Randomness: The Hidden Role of Chance in Life and in the Markets [2005]
clip_image008
‘યાદૃચ્છિકતાની છેતરામણી \ Fooled by Randomnessમાં નસ્સીમ તાલેબ તેમની ધારદાર ભાષાની લાક્ષણિક શૈલીમાં યાદૃચ્છિકતા સાથે સંલગ્ન, મૂળભૂત ગણી શકાય, એવા પાંચ સિદ્ધાંતો રજૂ કરે છે :

૧. ભાવિ અપેક્ષાનો સિધ્ધાંત : લોકો તેમની સંપત્તિમાં થનારા કુલ વધારા-ઘટાડાને બદલે એક સમયથી બીજા સમયમાં થતા સાપેક્ષ ફરકને જ મહત્ત્વ આપે છે, જેમ કે રૂ. ૧૦,૦૦૦ની મૂડી ૯,૦૦૦ કે ૧૧,૦૦૦ થશે તેને બદલે રૂ. ૧૦૦૦નાં નુકસાન કે નફાનો જ વિચાર કરશે. આના પરિણામે આપણાં આર્થિક લક્ષ્ય કે આયોજનના તાર્કીક સંદર્ભને બદલે આપણું ધ્યાન બજારમાં થતા વધારા-ઘટાડાની ચાલ તરફ દોરવાઈ જાય છે.

2. યાદૃચ્છિકતાનું ધોરણ નક્કી કરવાની લાક્ષણિકતા વડે, રોકાણકાર તેની મૂડીના પોર્ટફોલિઓની કેટકેટલા સમયે સમીક્ષા કરતો રહે છે તેના પર તેના પોર્ટફોલિઓની કામગીરી આધાર રાખે છે, એટલે કે બજારમાં થતી ઉથલપાથલના ઘોંધાટના કારણે નિશ્ચિત સમયે પોતાના પોર્ટફોલિઓની જોવી જોઈએ તે કામગીરી પર ધ્યાન આપવાને બદલે રોકાણકાર તેના પોર્ટફોલિઓને પણ એ ઉથલપુથલના વમળમાં ભેરવી પાડે છે.

3. આકસ્મિક ઘટનાઓ - બજારને અસર કરતી હોય કે ન કરતી હોય તેવી કોઈ પણ ઘટનાઓને બજારની કલાકકલાકની ઉથલથપાલ સાથે સાંકળી લેવા માટે તો બજારની ગતિવિધિઓના નિષ્ણાતો વ્યસ્ત રહે છે, અને બીજાંને વ્યસ્ત રાખે છે ! ખરેખર અસર કરનારી ઘટનાઓની અસર તો બજાર ક્યાં તો બહુ પહેલાં પચાવી ચૂક્યું હોય છે અથવા તો ઘટના થઈ ગયા પછીથી ભુરાયું થતું હોય છે. એટલે જ 'ડાહ્યાં લોકો અર્થઘટનોના ઘોંઘાટ સાથે નહીં, પણ પરિણામોની ફળશ્રુતિ સાથે નિસ્બત રાખે છે.'

૪. જીવન સીધી લીટીમાં ચાલતું જ નથી. તેથી જ, હવે પછી શું થશે તે નિશ્ચિતપણે કોઈ કહી નથી શકતું. આપણે આમ કરીશું તો આટલા સમય પછી પેલું તેમ કરશે એમ વિચારવા માટે આપણે પ્રશિક્ષિત કરાતાં રહીએ છીએ,પણ વાસ્તવિક જીવનમાં સફળતા કે નિષ્ફળતા અણધારી થતી વધારે જોવા મળે છે. એટલે જ બધી જ શક્યતાઓ માટે દરવાજા ખુલ્લા તો રાખવા જ જોઈએ.

૫. કોઈપણ વસ્તુ એક ભાવે ખરીદ્યા પછી જો તેનો ભાવ બમણો થઈ જશે, તો બહુ સસ્તું ખરીદી શકાયાનો આનંદ થશે અને વસ્તુ હવે બહુ કિંમતી જણાશે; પણ એ જ ‘કિંમતી’ વસ્તુ હવે આજના ભાવે ખરીદવાની હામ નહીં હોય. રોકાણનો મૂળભૂત સિધ્ધાંત તો એ છે કે જો ખરીદવા ધારેલી વસ્તુ ખરેખર મૂલ્યવાન હોય, તો જે ભાવે ખરીદવા જેટલું તેમાં મૂલ્ય ન હોય તો એ ભાવે તેને વેચી કાઢવી જોઈએ.

સરવાળે, તાલેબનું કહેવું છે કે
§ બજારમાં મળેલી સફળતાની પાછળ બજારનાં વલણ અને પ્રવાહને પારખી શકવાની આવડતની સાથે આપણે યોગ્ય સમયે યોગ્ય ભાવે કંઈપણ ખરીદી કે વેચી શક્યાં છીએ તે વાત ભૂલવી ન જોઈએ; અને

§ જ્યારે આપણી તાલીમ, આવડત અને તંત્રવ્યવ્સ્થા આપણને સાથ ન આપવનું ચાલુ કરે, ત્યારે શું કરવું તેનું આપત્તિકાલ- આયોજન હાથવગું રાખવું જોઈએ; જેથી આકસ્મિક ઘટનાની સાથે તાલમેલ રાખી શકાય.
= = = =
કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો\The Black Swan: TheImpact oftheHighly Improbable [2007]
 
clip_image010ઑસ્ટ્રેલિયાની શોધ થઈ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા જ હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતીદેવીના વાહનને યાદ કરીએ ! કોઈ પક્ષીવિદે પહેલો "કાળો હંસ' જોયો હશે, ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે; તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણાં અને મર્યાદાઓની વાત માંડે છે. તાત્ત્વિક-તાર્કિકતા સવાલને પેલે પાર જઈને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.

તેઓ"કાળા હંસ" સિધ્ધાંતની ત્રણ ખાસિયતો ગણાવે છે -
  • એક તો છે, એનું પરાયાપણું -ભૂતકાળની કોઈ જ ઘટનાઓ તેની હવે પછી થવાની સામાન્ય અપેક્ષાઓની સીમાની બહાર છે.
  • બીજું, તેની અસરો બહુ જ ગંભીર તેમ જ આત્યંતિક હોય છે; અને
  • ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં તેના થવા સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તેની થવાની શકયતા સમજાવી શકાય અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઈ જઈએ છીએ.
આ ત્રિપાંખી ખાસિયતોને વીરલતા, આત્યંતિક અસર અને પાર્શ્વવર્તી (જો કે ભાવિ નહીં જ) આગાહીક્ષમતા {predictability} વડે યાદ રાખી શકાય.

કોઈ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ "કાળા હંસ" ઘટનાઓ, સંખ્યામાં તેમ જ જટિલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે, વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્ત્વ પણ ઓછું થતું જઈ રહ્યું છે. લોકજુવાળને કારણે ઇજિપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઈએ કલ્પ્યું હતું ? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઈન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઈમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઈ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્ત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.

આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાદૃચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહીનતા છે. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્ત્વની ટેક્નોલોજિને લગતી શોધ કે કોઈપણ મહત્ત્વની સામાજિક ઘટના, કે આપણી કારકીર્દીના મહત્ત્વના વળાંકોને યાદ કરીને વિચારો, કે તે પૈકી શું શું કોઈ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું ?

આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. ભાતભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઈ રક્ષણ અનુભવાય છે ખરું ? આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્ત્વની ચાલની આપણને ખબર છે તેવું જ ચાલનું મહત્ત્વ ધૂળધાણી થઈ જાય છે, એટલે કે આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઈ જાણતાં હોઈએ છીએ તે બધું જ બિનમહત્ત્વનું બની રહે છે.

આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઈ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઈ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળના મહત્ત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઈ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાં પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે. હાલમાં કાશ્મીરમાં આવેલાં - ૫૦ વર્ષમાં પહેલી વાર થવાની વાત ઘટનાની આકસ્મિકતા સૂચવે છે - પૂરની જાણ થયે જે કંઈ પગલાં લેવાયાં હોત તે પુરુષાર્થની સામે હવે તેની અસરોને બેઅસર કરવાની ટૂંકા અને લાંબા ગાળાની કવાયત બહુ જ મોંઘી પડવાની છે.

‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃત્તિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics]નો પાયો જ ખામીયુક્ત અને સ્વસંદર્ભીય છે. તેઓ આંકડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે, કારણ કે જે દરથી, અને સંખ્યામાં, આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.

નસ્સીમ નિકોલસ તાલેબની વિચારધારા, તેમનાં હવે પછીનાં પુસ્તકોમાં નાણાકીય વ્યવહારોથી આગળ નીકળીને વધારે વ્યાપક ફલક પર વિસ્તરવા લાગી છે. આપણે તેની વાત આ લેખના ઉત્તરાર્ધમાં, ૨૭ નવેમ્બર ૨૦૧૪ના રોજ કરીશું.

વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૧૯-૯-૨૦૧૪

Monday, November 24, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - નવેમ્બર, ૨૦૧૪

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલનનાં હાર્દને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા રૂપ શરૂ કરેલી શ્રેણીમાં આપણે બિનઅનુપાલનનાં વિવિધ પાસાંઓ અને તે પછીનાં સુધારણાત્મક પગલાંની ચર્ચા કરતા અંક અગાઉના મહિનાઓમાં જોઈ ચૂક્યાં છીએ.
ઑક્ટોબર ૨૦૧૪થી ત્રણ મહિના માટે આપણે તેના પછીનાં સ્વાભાવિક કદમ - પુનરાવૃત્ત સતત સુધારણા-ની વાત માંડી છે. ગયે મહિને આપણે પુનરાવૃત્ત સતત સુધારણાની મૂળભૂત પરિકલ્પના વિષે વાત કરી હતી. આ મહિનાના આ અંકમાં આપણે પુનરાવૃત્ત સતત સુધારણા અને સતત સુધારણા વચ્ચેનાં અંતર અને સરખાપાણાંની વાત કરીશું. Continual vs. continuous
નિત્ય / પુનરાવૃત્ત : લાંબા સમય સુધી ચાલતો સમયગાળો, જેમાં વિક્ષેપ પડતા જોવા મળી શકે છે. ખાસ તો લાંબી , એક્દમ નજ્દીક આવૃત્તિથી નિયમિતપણે કે વારંવાર પુનરાવૃત્ત શ્રેણી - જેમ કે આડેધડ વાહન ચલાવનાર એ બીજાંની સલામતી પર નિત્ય ઝળુંબી રહેતો ખતરો છે.
નિરંતર / સતત : કોઇ જાતના વિક્ષેપ વગર - જેમ કે મારી બારીની બહાર મધમાખીઓનાં સતત ગુંજવાનો અવાજ આવ્યા જ કરતો હોય છે.
"Continuous" versus "continual"
ભાષાકીય નિર્દેશમાં સામાન્યતઃ કહેવાય છે કે "સતત" શબ્દનો પ્રયોગ જે શબ્દાર્થ કે સૂચિતાર્થ રીતે ગણિતની પરિભાષામાં 'સતત'ની બરાબર છે, જ્યારે "નિત્ય / પુનરાવૃત્ત" એ સ્પષ્ટપણે કુદકાઓના સ્વરૂપે થતી રહેતી પ્રવૃત્તિઓ માટે વપરાય છે. અ સમજ પ્રમાણે તો સતત સુધારણા'કે 'સતત સુધારણા પ્રક્રિયા'ને બદલે 'પુનરાવૃત સતત સુધારાણા કે પુનરાવૃત્ત સતત સુધારણા પ્રક્રિયા' શબ્દપ્રયોગો વધારે ઉચિત કહી શકાય.
એ દરમ્યાન, છેલ્લા કેટલાક દશકાઓથી વ્યાપરી ભાષાપ્રયોગમાં બંને પ્રકારની પરિસ્થિતિઓ માટે 'સતત સુધારણા'નો એકછત્ર, પરંપરાગત વપરાશ થતો રહ્યો હતો.જો કે ISO એ બહુ સંભાળપૂર્વક ISO 9000 કે ISO 14000 જેવાં માનકોમાં હવે આ શબ્દપ્રયોગ ક રવાનું શરૂ કરેલ છે; એટલે હવે આવનારા સમયમાં ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ અનુસાર વધારે ઉપયુક્ત શબ્દપ્રયોગ જ પ્રચલિત થશે તેમ માની શકાય.
Continuous improvement Vs Continual improvement
ફરક તો છે જ. પહેલાં તેના અર્થના ફરક સમજીએ.
સતત એટલે કોઇ જ જાતના વિક્ષેપ વિના, જ્યારે 'પુનરાવૃત્ત નિત્ય' માં નાના નાના, પણ બહુ જ નજદીક જ રહ્યા હોય તેવા વિક્ષેપ આવે ખરા, પણ સમગ્રપણે સુધારણા પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી રહે.
સતત સુધારણામાં સંસ્થા સુધારા કરતા રહેવા માટે નિરંતર પ્રયાસ કરતી રહે છે. અહીં પ્રવર્તમાન પ્રક્રિયાની અંદર જ સુરેખ અને ક્રમિક સુધારાઓ પર વધારે ભાર જોવા મળે છે.
પુનરાવૃત્ત સુધારણામાં સંસ્થા તબક્કાવાર સુધારણા સિદ્ધ કરતી રહે છે, દરેક તબક્કા વચ્ચે સમયનો થોડો અંતરાલ પણ હોય. છેક છેવાડા સુધી સુધારણાની અસરો પહોંચી છે કે પછી સુધારાઓ ટકાઉ રહ્યા છે કે કેમ જેવા મુદ્દાઓ સમજવા માટે આ સમય અંતરાલ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ! ઘણી વાર અપેક્ષિત પરિણામ આવવામાં, અને અપેક્ષિત પરિણામની અસરકારકતા સુનિશ્ચિત કરવામાં, પણ સમય જતો રહેતો હોય તેમ પણ બને.
Continuous Improvement vs. Continual Improvement
બહુ જ વ્યાવહારિક રીતે કહીએ તો એલાર્મ ઘડીયાળની ઘંટડીનું એક ધાર્યું વાગ્યે જ રાખવું એ સતત વાગવું કહેવાય, જ્યારે એક વાર ઘંટડી વાગે એટલે થોડી વાર માટે બટન દબાવી દો એટલે થોડી થોડી વારે ફરીથી એલાર્મ વાગતું રહે તે પુનરાવર્ત વાગવું કહેવાય. કોઇ વાર એલાર્મ ન વાગે અને આપ્ણે આપણા સ્વાભાવિક ક્રમમાં ઉઠીએ ત્યારે વધારે તાજા હોઇ શકીએ તેમ ઘણી વાર સતત સુધારણા કાર્યક્રમોમાંથી પણ લોકોને પોતાના વિચારો અને ઉર્જાની બેટરી રીચાર્જ કરવા માટે પણ સમયનો અંતરાલ આપવો જરૂરી બની રહે છે. સતત કે પુનરાવૃત્ત સુધારણાનો એવો અર્થ ન કરવો જોઇએ કે આપણી જાગૃતાવસ્થાનો (કે /અને સુવાની અવસ્થાનો પણ ) બધો જ સમય કૈઝૅનથી જ વ્યસ્ત બની રહે.
The Continual Improvement vs. Continuous Improvement Dilemma...
અમારી દૃષ્ટિએ તો સતત અને પુનરાવૃતમાં ઘણો ફરક છે.
જો કે અસરકારકતા અને કાર્યક્ષમતા એ બંનેમાં સુધારણાની એક જ વાકયમાં વાત કરીને ISO 9000પણ આ બંને વચ્ચેના ભેદના ફરકને કંઇક અંશે મોળો પાડી દે છે એમ પણ કહી શકાય. "પુનરાવૃત્ત" શબ્દપ્રયોગ કરતી વખતે ડેમિંગની નજર હંએશાં પ્રક્રિયામાં કરાતા અસરકારક સુધાર પર જ રહી છે.
મોટા ભાગનાં લોકો માને છે તે કરતાં ડેમિંગની સુધારણા માટેની સમજ બહુ જ વ્યાપક અર્થમાં રહી છે. તેમના વિચારો અને ફિલોસૉફીમાં તંત્રવ્યવસ્થાની સાથે લોકોનો પણ સમાવેશ થયો જ છે.આંકડાકીય ગુણવત્તા નિયમન (SPC)ના અમલમાં ડેમિંગ માટે પ્રવર્તમાન (અને ખાસ કરીને ઉત્પાદનની) પ્રક્રિયાઓ જ મુખ્યત્વે કેન્દ્રસ્થાને રહી છે.પરંતુ તેમની તાત્ત્વિક ચર્ચાઓમાં ઉગમસ્થળની ઘણીજ નજીકની પ્રવૃત્તિઓ પણ વિચારાધીન રહી છે, ભલે તે બહુ ઓછીવાર પુનરાવર્તન પામે છે તે પછી મહત્ત્વનું નથી રહ્યું.
જેમાં SPC જેવી "સતત સુધારણા' પણ હોય અને 'બીનસતત" કહી શકાય તેવી સંસ્થાગત 'રી-એન્જીનીયરીંગ' પરિયોજનાઓથી થતા તંત્ર વ્યવસ્થાના સુધાર કે આજની તારીખમાં અપ્રસ્તુત બની ગયેલ સંચાલન પ્રણાલિઓની સાફસૂફીની મદદથી બીનાસરકારક વ્યૂહરચનાઓમાં કરાતી સુધારણાઓ પણ શામેલ હોય તેવી બૃહદ વ્યૂહરચનાની વિચારસરણી 'પુનરાવર્તી સુધારણા'ની પરિક્લ્પનાની અહી વાત છે તેમ સમજવું જોઇએ. Deming’s 14 Points of Management.સુદ્ધાં અહીં સમાવાયેલ છે.
પુનરાવૃત્ત / નિત્ય સુધારણાનો વ્યાપ સતત સુધારણા કરતાં વધારે વ્યાપક હોય છે. પુનરાવૃત્ત સુધારણામાં - પહેલાં કરતાં અલગ એવાં નવીનીકરણ કે રીએન્જીનીયરીંગ કે લીન પરિયોજનાઓમાંથી નીપજતા સુધારા જેવી - બીનસતત સુધારણા માટે પણ જગ્યા છે. સતત સુધારણા વર્તમાન પરિસ્થિતિમાં સુરેખ, ક્રમિક સુધાર (કૈઝૅન) છે, જ્યારે પુનરાવત્ત સુધારણામાં આ ઉપરાંત બિનસતત કે નવીનીકરણ જેવા સુધાર પણ આવી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પુનરાવૃત્ત સુધારણા એ વારંવાર અને હંમેશાં થતી રહેતી પ્રક્રિયા સુધારણા છે, નહીં કે શું શું પ્રકારના સુધારા થઇ રહ્યા છે.
સતત અને નિત્ય સુધારણા વિષે અલગ અલગ રીતે વિચાર કરવો એ જ સંસ્થાની કંઈ પણ વસ્તુને ઊંડાણથી શીખવાની તૈયારી બતાવે છે. એટલે કે નિત્ય સુધારણા સિદ્ધ કરવા માટે સંસ્થા હરહંમેશ નવું નવું શીખવા માટે સક્ષમ બને તે જરૂરી બની રહે છે.
Difference Between Continuous Improvement and Continual Improvement
વ્યય અને મૂલ્યવૃધ્ધિ ન કરતી પ્રવૃત્તિઓનાં દૂર થવાથી પ્રક્રિયાની કાર્યક્ષમતામાં થતા સુધારાને સતત સુધારણા કહેવાય છે. જાપાનીઝ સંચાલકો એ કૈઝૅન,લીન કે 5S જેવી તકનીકોનો સતત સુધારણ માટે બહોળો ઉપયોગ કરી બતાવ્યો છે.કોઇ પણ ઉત્પાદન કે સેવા કે પ્રક્રિયામાં થતા રહેતા પ્રકારના સુધાર સતત સુધારણાનાં ઉદાહરણો ગણી શકાય.
પુનરાવૃત્ત સુધારણા એ એવાં પરિવર્તનો છે જે ગુણવત્તા સંચાલનના સિદ્ધાંતોની દૃષ્ટિનાં વધારે ઉચ્ચ કક્ષાનાં પરિણામો લાવે છે.
Innovation vs. Continuous Improvement
સતત સુધારણા એ એવી સુરેખ પ્રક્રિયા છે જે સ્થાયી પ્રક્રિયાની રચના તરફ દિશા નિર્દેશ કરે છે. જ્યારે નવીનીકરણ એ બીનસુરેખ પ્રક્રિયા છે જેનો સંબંધ અસ્થાયી પ્રક્રિયા સાથે છે.
હાલ જે સિદ્ધ થઇ ચૂક્યું છે કે માની લેવાયું છે તેમાં કોઇ નવો જ વળાંક આપી દઇને રમત જ નવેસરથી માંડવાને નવીનીકરણ કહેવાય; જ્યારે સતત સુધારણા એ નાના નાના ફેરફારોથી કાર્યક્ષમતામાં એ જ જૂની રીતોથી કરાતા સુધારા દર્શાવે છે. પણ જે કોઇ સુધારો જૂની પદ્ધતિને નવી રીતે કે બહારથી દાખલ કરેલ રીત કે દૃષ્ટિકોણથી કે પછી નવા જ કેન્દ્રવર્તી અભિગમ વડે કરવામાં આવે તો તે નવીનીકરણ બની જાય છે.સતત સુધારણા એ જ વિષયની ખાસ વિશિષ્ઠતા તરફ દોરી જાય છે, જ્યારે નવીનીકરણ જૂદા જૂદા પ્રકારની ક્ષમતાઓને એક કાર્યક્ષેત્ર, કે એકથી વધારે કાર્યક્ષેત્ર,ની વ્યકિતિઓના સામુહિક પ્રયાસમાંથી નીપજે છે.
સતત સુધારણા = તકનીકી વિશેષજ્ઞોના પ્રયાસોથી ઉત્પાદન કે સેવાને વધારે કાર્યક્ષમ બનાવીને ગ્રાહકની જરૂરિયાતોની કાયમ નજદીક રાખવી.જ્યારે કોઇ બિન-વિશેષજ્ઞ રમતના નિયમો વિષે સવાલ કરીને જ્ઞાનની તબદીલીના રસ્તા ખોળે છે અને પોતાના ઉદ્યોગનાં કાર્યક્ષેત્રની બહાર જઇને પણ કામ કરવાની રીત માટે ધરમૂળથી નવી પધ્ધતિ દાખલ કરે છે ત્યારે નવીનીકરણ સર્જાય છે. પરિવર્તનનો વ્યાપ, સ્તર અને અસર જેટલી વધારે વ્યાપક તેટલું એ (સતત) પરિવર્તન નવીનીકરણની દિશા તરફ છે તેમ કહી શકાય. બીજા શબ્દોમાં "નવીનીકરણ એ હિતધારકો માટેનાં મૂલ્યમાં વધારો" છે. જો હિતધારકો આંતરિક પ્રક્રિયા માલિકો હોય અને વપરાશકાર હિતધારકો એ જ રહે તો એવાં નવીનીકરણને સતત નવીનીકરણ કહી શકાય.
Continuous Improvement or Continual Improvement: The Same Thing or Different?
..પુનરાવૃત સુધારણા વધારે સારી રીતે કામને કરવા વિષે છે, પણ તે સતત જ થયા કરે તે જરૂરી નથી. પુનરાવૃત્ત સુધારણામાં એ જ સમસ્યાનો નવો જ ઉકેલ ખોળી કાઢવાની વાત છે, જ્યારે સતત સુધારણામાં વર્તમાન પ્રક્રિયામાં ક્રમિક સુધારાઓ વડે એ જ સમસ્યાના ઉકેલને વધારે કાર્યક્ષમ બનાવવામાં આવે છે.
Continual Improvement or Continuous Improvement?
પુનરાવૃત્ત સુધારણામાં કંપનીનાં ઉત્પાદન કે સેવાઓ, લોકો કે પ્રક્રિયાઓમાં ફેરફાર કરવા માટેનાં આયોજન અને વ્યૂહાત્મક કાર્યક્રમ પર વધારે ભાર હોય છે,જ્યારે સતત સુધારણામાં વ્યય થતા પ્રયાસો કે ખામીયુક્ત ઉત્પાદનો કે સેવઓ કે પ્રક્રિયામાં દૂર કરવા માટે રોજબરોજની કાર્યપધ્ધતિઓમાં ફેર કરવા માટે નિરંતર થતા પ્રયાસો કેન્દ્રસ્થાને રહે છે.
Continuous Improvement through intermittent interruptions for consolidations

એકત્રીકરણના તબક્કાઓના અંતરાલથી થતી સતત સુધારણા
Continuous Improvement vs. stage wise Continual Improvement

સમસ્યા નિવારણના તબક્કઓ વડે પુનરાવૃત સુધારણાની સરખામણીમાં એક્ધારી સતત સુધારણા
Continuous Improvement vs Continuous Change
Continuous Improvement vs. Contnuous Change
પુનરાવૃત્ત સુધારણા અને સતત સુધારણાની આ નમૂનારૂપ ચર્ચાને અહીં પૂરતી અટકાવીશું. હવે પછીના અંકમાં પુનરાવૃત સુધારણા પરના લેખોની નોંધ લઇશું.


Bill Troy, ASQ CEO આ મહિને Recruiting Members and Volunteers Amid a Changing Landscape પર ચર્ચા છેડે છે :

લેખ મૂળતઃ સંસ્થાની પ્રસ્તુતી વિષે વિચાર જગાવવાની કોશીશ છે. આ બાબતે કેટલીક ટીપ્સ :
  • સંસ્થાના જાહેર કાર્યક્રમોમાં હાજર રહેવા નિમંત્રણ. કાર્યક્ર્મોસાથે લોકો ખરાં દિલથી, અસરકારકપણે અને શકય એટલી સરળતાથી જોડાઈ શકે એ મહત્ત્વનું બની રહે છે
  • વર્તમાન સભ્યો તેમના મિત્રો અને સાથીઓને જોડાવા માટે પ્રેરીત કરે
  • જે સભ્યો વધારે પ્રતિબદ્ધતાથી ભાગ લઇ રહ્યાં હોય તેમને તેમની પસંદગીના વિભાગોમાં વધારે સક્રિય ભાગ લેવા પ્રેરવા. અન્ય સભ્યોને તેમનાં આ પ્રકારનાં સક્રિય જોડાણ વિષે જાણ કરવી.
Julia McIntosh, ASQ communications તેમના November Roundup: Engaging Members and Volunteers માં ASQ Bloggersના પ્રતિભાવોને શા માટે જોડાવું જોઇએ, સભ્યપદને કારણે શું મળ્યું અને એસોશીએશનો માટેની ટિપ્સ એમ ત્રણ પરિમાણમાં વર્ગીકૃત કરીને આપણી સમક્ષ રજૂ કરે છે.

આ અંકનો ASQ TV Episode Your World, Your Quality, Your Month વિષે છે.
નવેમ્બર ગુણવત્તા ઉજવણીનો મહિનો છે. આ અંકમાં જેનપેક્ટની ખર્ચમાં બચત જરતી સફળતાની કહાની,વિશ્વ ગુણવત્તા મહિના માટેની તૈયારીનું એક સાધન, કેટલાક ગુણવત્તા ગુરૂઓની પુનઃપહેચાન અને બે પ્રતિયોગિતાઓ જોવા મળશે.
આ મહિનાના ASQ’s Influential Voice છે - સ્કૉટ્ટ રધરફૉર્ડclip_image002
સ્કૉટ્ટ રધરફૉર્ડ આણ્વીક જહાજવાડાના ગુણવત્તા પ્રતીતિ વિભાગમાં કામ કરે છે. તેમની વિશેષતા કામગીરી સુધારણા છે. તેઓ તેમના બ્લૉગ, Square Peg Musings પર તેમની ASQ’s Influential Voice પ્રવૃત્તિઓ વિષે લખે છે.

આ મહિને પણ Curious Cat Management Improvement Carnival વિભાગમાં કંઇ પૉસ્ટ નથી થયું. એટલે હંમેશની જેમ આપણે Remembering Peter Scholtes પર નજર કરીશું. લેખમાં પીટર સ્કૉલ્ટૅનું ડેમિંગ ઇન્સ્ટિટ્યૂટમાંનું ૨૦૦૮નું વાર્ષિક અભિભાષણ , તેમનાં બહુ જ ચર્ચિત બે પુસ્તકો -The Team Handbook અને The Leader’s Handbook તેમ જ નેતૃત્વ માટેની છ ક્ષમતાઓની વાત આવરી લેવાયેલ છે.

આપણા બ્લૉગોત્સ્વને વધારે રસપ્રદ, ઉપયોગી અને માહિતીપ્રદ બનાવવા માટે આપનાં સૂચનોનો ઈંતઝાર રહેશે....

Monday, November 17, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ

કચ્છમાં થતી કુદરતી ઘટનાઓ, તેને લગતી ભૌગોલિક અને રાજકીય તેમ જ સામાજિક સમસ્યાઓ અને તેના શક્ય ઉકેલો ને 'કલમ કાંતે ક્ચ્છ' પુસ્તક શ્રેણીમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન લખાયેલા અગ્રલેખોમાં એક આગવું સ્થાન મળ્યું હોય તે સ્વાભાવિક છે - એમના એ કાર્યકાળમાં આવી ઘટનાઓ થવાનું પણ ઘણું બન્યું, જે ઘટનાઓ થઇ તે હતી પણ મહાકાય કક્ષાની, એટલે એ બંને દૃષ્ટિએ કીર્તિભાઇ જેવા જાગૃત અને વિચારશીલ ખબરપત્રીની બળૂકી કલમ એ સમયની પરિસ્થિતિને અને તેનાં અનેકવિધ પાસાંઓને પૂરેપૂરો ન્યાય કરી શકે તે રીતે ઝીલી લેવાના પડકારને સફળતાથી સિદ્ધ કરે તે પણ કદાચ એટલું જ સ્વાભાવિક કહી શકાય.આ પ્રકારના ઘણા લેખોને સ્વતંત્ર પુસ્તકના વસ્તુ તરીકે સંપાદિત કરવામાં શ્રી માણેકભાઇ પટેલે સારો એવો પરિશ્રમ ઉઠાવ્યો છે.

'કલમ કાંતે કચ્છ' શ્રેણીનું છઠું પુસ્તક છે "ધરતીતાંડવ". સંપાદક તેમના પ્રવેશક લેખમાં નોંધે છે કે,”૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું, તોયે કચ્છી માડુએ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઇને નવસર્જનનો એક અજોડ ઇતિહાસ સર્જ્યો એ સૌ કોઇ જાણે છે. પણ, કુદરતના અભિશાપને તકમાં પલટાવીને આશીર્વાદ સુધી લઇ જવાની આ પ્રક્રિયાના સાક્ષી બનીને કીર્તિભાઇ સતત લખતા રહ્યા હતા. જુદા જુદા જુદા તબક્કે લખાયેલા લેખો પૈકી પસંદ કરાયેલા લેખ આ પુસ્તકમાં સમાવી લેવાયા છે તે ખરા અર્થમાં તો પુનર્વસનના દસ્તાવેજીકરણ સમાન છે.”

દરેક પુસ્તકમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ અલગ અલગ વ્યક્તિઓના કીર્તિભાઇનાં વ્યાવસાયિક અને વ્યક્તિગત, વિવિધ પાસાંઓનું ચિત્રણ કરતા લેખોમાંથી ચૂંટેલા લેખને પ્રવેશક લેખ તરીકે લેવાયેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં આ પ્રકારનો પ્રવેશક લેખ પણ બહુ જ યથાર્થ પૂર્વભૂમિકા રચી આપે છે. "ભૂકંપ પછીના નવસર્જનની પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા"માં (પૃ.૧૯-૨૧)લેખક અને સમાજ ચિંતક શ્રી નલિન ઉપાધ્યાય હૃદયપૂર્વક એવું માને છે કે '૨૦૦૧ના કારમા ભૂકંપ બાદ કચ્છનું એ સદનસીબ જ રહ્યું કે ...નવસર્જનના બાર બાર વર્ષ સુધી કીર્તિભાઇ 'કચ્છમિત્ર'ના તંત્રી પદે રહ્યા.. કીર્તિભાઇની સમજુ અને પારખી દૃષ્ટિએ કચ્છના ધરતીકંપ બાદના નવસર્જનમાં લોકસહકારની ભૂમિકાની સંસ્કૃતિના સ્પિરીટને સમગ્ર વિશ્વની સામે રજૂ કરી મૂક્યું (છે)...કચ્છના નવસર્જનનો એક પણ મુખ્ય કે ગૌણ પ્રશ્ન એવો નથી જેની 'ક્ચ્છમિત્ર'એ નોંધ ન લીધી હોય'.

તે જ રીતે કીર્તિભાઇના 'ક્ચ્છમિત્ર'ના સહકાર્યકરના પ્રવેશક લેખ "સંવેદનશીલતાનો પર્યાય" (પૃ. ૨૨-૨૫)માં જો. ન્યૂઝ એડિટર નવીન જોશી ભલે 'ધરતીકંપના સમયની અને પછીની કીર્તિભાઇની સક્રિયતા અને સંવેદનશીલતા'ને સ્પર્શતાં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની વાત કરે છે, પણ એ વર્ણનો પણ આપણને પ્રસ્તુત પુસ્તકમાંના વિષયના સંદર્ભે લાગણી અને સંવેદનાને રંગે રંગાયેલી,કયા કયા પ્રકાર અને સ્તરની માહિતી જાણવા મળશે તેનું રેખાચિત્ર ખેંચી આપવામાં મદદરૂપ બની રહે છે.

કુલ ૨૧૨ પાનાંમાં ૬૭ લેખો વડે સમગ્ર પુસ્તકમાં ધરતીકંપની તાત્કાલિક અસરો, રાહત કામ ને પુનવર્સનની પ્રત્યક્ષ સમસ્યાઓની સાથે સાથે કેટલીય પરોક્ષ બાબતોને સાંકળી લેવાઇ છે. તેને કારણે પુસ્તક એક મસમોટા ધરતીકંપ વિષે માત્ર દસ્તાવેજી તવારીખ બની રહેવાને બદલે, ભવિષ્યમાં ક્યાંય પણ આ સ્તરની કુદરતી આપત્તિ આવી પડે તે પહેલાં સભાનતા અંગે શું કરવું (અને શું ન કરવું)થી લઇને, ટુંકા ગાળાનાં રાહતનાં અને લાંબા ગાળાના પુનર્વસનના કાર્યક્રમમાં કેવી કેવી બાબતોને પણ ધ્યાન રાખવી જોઇએ તેની માર્ગદર્શિકા તરીકે પણ એક મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ બની રહે તેમ છે.

પુસ્તકની શરૂઆતમાં જ ધરતીકંપની શક્યતાઓની આગોતરી જાણ અને તૈયારી વિષેના૨૭-૯-૧૯૯૬ના લેખ 'ધરતીકંપ સામે સાવધાની' (પૃ. ૩૭/૩૮)થી પહેલી એક વાત તો એ ફલિત થાય છે કે કચ્છ જેવા કુદરતી આપત્તિની સંભાવનાની પ્રબળ શકયતાઓ ધરાવતા પ્રદેશોમાં પણ તકનીકી સ્તરે આગોતરા અભ્યાસ હાથ ધરાતા તો હોય છે જ. પણ, આવી ઘટનાઓ ખરેખર જ્યારે થાય છે ત્યારે તેને માટે કોઇ જ પ્રકારની તૈયારી નથી હોતી. આ સંદર્ભમાં અગાઉ ઉલ્લેખ કરેલા શ્રી નવીન જોશીના પ્રવેશક લેખમાં સખેદ નોંધ લેવાઇ છે કે તે સમયે સાવધાની માટેના જે ઉપાયો ચર્ચાયા હતા તેનો અમલ ન થવાની અસરરૂપે ભુજમાં ૧૯૯૬થી ૨૦૦૧ના સમયમાં '૧૦૦થી ૧૨૫ એપાર્ટમેન્ટ ઊભા થઇ ગયાં જે પૈકી ૧૦૦ મકાનો ૨૦૦૧ના ધરતીકંપમાં ધરાશાયી થયાં હતાં.'

તે જ રીતે ધરતીકંપના પાંચેક મહિના જ પહેલાં લખાયેલા લેખ 'સાવધાન, ધરતી ધ્રૂજે છે' (પૃ. ૩૯/૪૦)માં પણ 'ધરતીકંપની શક્યતાઓનો નિર્દેશ થઇ શકે પણ ચોક્કસ આગાહી થઇ શકતી નથી...પણ..તે વખતે ઓછામાં ઓછું નુકસાન થાય એવી વ્યવસ્થા વિચારી શકાય...'એ સૂર ઉભરી રહે છે.
[પરિચયકર્તાનીનોંધઃ તાજેતરમાં કાશ્મીરમાં પણ આવેલાં પૂર વખતે કુદરતના ખોફની સાથે માનવ સર્જિત (ટૂંકા ગાળાના) પગલાંઓએ તબાહીમાં વધારે ફાળો આપ્યો એવું મનાય છે. તે જ રીતે વિશાખાપટ્ટ્નમ પર હુદ હુદ ત્રાટક્યું તેની બહુ જ ચોક્કસ જાણ થવાને કારણે માનવ જાનહાનિ મહદ્‍ અંશે નિવારી શકાઇ, જો કે માલ મિલ્કતને થયેલી નુકસાનીને રોકવા માટે તો બહુ જ લાંબા ગાળાની દૃષ્ટિએ લેવાયેલાં પગલાં જ કારગત નીવડી શકે છે.]
૫-૨-૨૦૦૧ના "કાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની ચેતવણી સરકારે સાંભળી હોત" (પ્રુ. ૪૪-૪૬)માં પણ “જે કોઈ ચેતવણીઓ અપાઇ તેની ધોરીધરાર અવગણના”નો સૂર ગાજે છે.

સમગ્ર પુસ્તક વાંચતાં એવું પણ જોઇ શકાય છે કે આવી અવગણનામાં જો સરકારી તંત્ર ઊણું પડતું જણાય છે, તો પ્રજામાનસ પણ કાચું પડતું જણાય છે.

પુસ્તકમાંના મોટા ભાગના લેખો ધરતીકંપ બાદની સીધી અસરો અને તેની રાહતનાં કામો પર પડતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો‍નો અભ્યાસને લગતા હોય તે સ્વાભાવિક છે. તેને કારણે આવડી મોટી કુદરતી ઘટનાની અસરોનાં વમળ ક્યાં ક્યાં સુધી પહોંચી શકે તે સમજવામાં ઘણી મદદ મળી રહે છે.ધરતીકંપ પછીના ૨૦૦૧ના વર્ષના ૧૮ લેખો આ પ્રકારના કહી શકાય.

૧૬-૨-૨૦૦૧ના લેખ "સીમા નજીકનાં એ ગામડાં 'માં (પૃ.૫૧) ધરતીકંપની અસરો અને રાહત કામો માટે કરીને “જ્યારે ..સમગ્ર પોલીસતંત્ર ઉપરાંત સીમા સુરક્ષા દળ અને લશ્કરી જવાનો બચાવ અને રાહતની કામગીરીમાં પરોવાયેલા છે..(ત્યારે) અલબત્ત ..સરહદ પર ચાંપતો બંદોબસ્ત છે.. (તેમ છતાં) કચ્છના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વિદેશી પણ મુક્ત રીતે હરીફરી શકે છે તે બાબતમાં સજાગ થવાની જરૂરિયાત.. છે” જેવી બહુ જ ચોક્કસ મુદ્દાની ચિંતા વ્યક્ત થઇ છે.

૨૧-૨-૨૦૦૧ના લેખ "નબળાં બાંધકામની તપાસમાં દાનત સાફ છે ખરી' શીર્ષકમાં જ નબળા બાંધકામના પ્રશ્ને રાહત અને પુનઃવસનનાં કામ રહેલાં 'દાનત'ને લગતાં સંભવિત ભયસ્થાનો વિષે બહુ પહેલેથી જ ચેતવણી અપાઇ છે.

૧૪-૩-૨૦૦૧ના લેખ "હિજરત રોકવામાં જ રાષ્ટ્રીય હિત છે"માં "ધરતીના લગાવથીયે કારમી એવી વેદના..(ને કારણે)..જ ભૂકંપનો મોકો ઝડપી લઇ ચોક્કસ જ્ઞાતિની સામૂહિક હિજરતને.. 'માત્ર સામાજિક ધરતીકંપ'ની નજરથી ન જોવાની અગમચેતી વર્તવાની ચાંપ કરાઇ છે. એ બાબતની ચર્ચામાં “આ દેખીતાં વલણમાં પાકિસ્તાનનો હાથ હોવાની અપવાદ રૂપ કારણ પણ નઝરઅંદાજ ન કરવાની” સાવચેતી વર્તવા માટે પણ ધ્યાન દોરાયું છે. તો વળી “સરહદી સલામતીની સાથે સામાજિક અને આર્થિક સલામતીનું વાતાવરણ સર્જીને આ હિજરત અટકાવવા”નો તકાજો પણ છે.

૨૩-૪-૨૦૦૧ના લેખ "ભૂકંપપીડિત પ્રજાને તો કોઈ કાંઈ પૂછતું જ નથી"માં જે બોલકી નથી એવી ૯૦% પ્રજાની મનોદશાનો ચિતાર રજૂ કરવાની સાથે સ્થાનિક તંત્રને રાહત કાર્ય માટે જરૂરી સત્તા નથી, નિર્ણયો લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ ન થવાથી નિર્ણય લેવામાં લેવાયેલા નિર્ણયોને યોગ્ય કક્ષાએ સમયસર જાણ કરવા સુદ્ધાંમાં થતા વિલંબ જેવાં પાસાંઓની પણ સવેળા જ ચર્ચા કરાઇ છે.

૩-૬-૨૦૦૧ના લેખ "ક્ચ્છ ઝંખે છે કેન્દ્રની ખાસ માવજત"માંતે સમયના વડાપ્રધાનની ક્ચ્છની મુલાકાતના સદર્ભમાં ક્ચ્છને થતા (રહેલા)'અન્યાય અને અવગણના'ને (પણ) વાચા આપવાની તક ચુકાઇ નથી.

૨૩-૬-૨૦૦૧ના લેખ 'કચ્છીયતની અગ્નિપરીક્ષા"માં (પૃ.૭૨-૭૪)દેશ-વિદેશની સહાયને સરકારના...આર્થિક પેકેજોની ભરમાર વચ્ચે 'કચ્છીયત અટવાઈ પડી' હોવાના સચિંત સૂરમાં રાહત કામગીરીમાં અનુચિત માનસિકતા અને વ્યવહારો દાખલ ન થઇ જાય એવી દહેશત પણ વ્યક્ત કરાઇ છે.

તે પછી, ધરતીકંપ પછીની પહેલી દિવાળીના ટાંકણે "સૌના નકાબ ભૂતાંડવે ચીરી નાખ્યા છે"માં (પૃ.૭૫-૮૦)'ભૂકંપ બાદ નવ માસ દરમ્યાનની વિવિધ કામગીરીમાં બહાર આવેલી ક્ષતિઓ' છતાં 'આટલો ગાળો સ્પષ્ટ તારણ કાઢવા માટે અપૂરતો જણાય છે'નો સમસ્યાઓ વચ્ચેથી પણ ટકી રહેલો આશાવાદ પ્રગટ થતો રહે છે. 'પ્રજાની વર્તણૂંક અને તેનો મિજાજ', 'સરકારની નવસર્જનની પ્રક્રિયા વેગવાન બનાવવાની નેમ', 'રાજકીય પક્ષોનીકામગીરી', ‘સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા’ જેવાં અનેકવિધ પાસાંઓના લેખાંજોખાં પણ સ્પષ્ટવિગતે ચર્ચાની એરણે ચડાવાયાં છે. તે સાથે અમલીકરણની કામગીરી વડે આ 'અભિશાપને આશીર્વાદમાં પલટાવી નાખવા માટે પારદર્શિતાની તેમજ ગેરરીતિમુક્ત રહેવાની' આગ્રહપૂર્વકની અપીલ પણ કરવાનો મોકો પણ ઝડપી લેવાયો છે.

૨૬-૭-૨૦૦૧ના લેખ "-તો આવતીકાલ આપણી છે" માં (પૃ.૯૪-૯૭) 'કુદરતી આપત્તિએ આપણી આજ કષ્ટમય અને અનિશ્ચિત ભલે બનાવી દીધી છે પણ આપણે સૌ..આત્મનિરીક્ષણ કરીશું તો આપણી આવતી કાલ ઉજળી હશે" જેવા આશાવાદમાં ધરતીકંપ પછીના છ મહિના પછીની પરિસ્થિતિનાં સકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચામાં પણ બધાં જ પક્ષકારો માટે સાવચેતીનો સૂર તો રહે જ છે.

અહીંથી હવે પ્રશ્નનાં સમગ્ર પાસાંઓને લગતા નીતિવિષયક નિર્ણયો અને તેના અમલ બાબતે વાર્ષીક સમીક્ષા કરતા લેખો ૨૬-૧-૨૦૦૨થી લઇને ૨૦૧૧નાં વર્ષના સમયખંડને આવરી લે છે. આ લેખોમાં પણ દરેક બાબતને લગતી સીધી સીધી ચર્ચાની સાથે નિર્ણયો અને / અથવા અમલનાં પગલાંની અનપેક્ષિત, પરોક્ષ અને વણકહેવાયેલી અસરોને પણ તેટલી જ વિધેયાત્મકતાથી આવરી લેવાઇ છે.

આમ કુલ ૬૭ લેખોમાંથી ૨૪ લેખો ધરતીકપ અને ધરતીકંપની બહુવિધ અસરોની નોંધ લેવાની સાથે દરેક મુદ્દાઓની છણાવટ પણ કરે છે.

તે પછીના વર્ષ ૨૦૦૨ના સમયને આવરી લેતા ૧૪ લેખો પણ વિષયોના વ્યાપને વધારતા રહેવાની સાથે આ પ્રકારની ઘટનાની, રાહતની અને નવસર્જનની પ્રક્રિયા પર પડતી, સીધી અને આડી અસરોની ઊંડાણથી રજૂઆત કરે છે.

"ટાઉન પ્લાનિંગમાં ફળિયા સંસ્કૃતિ જીવંત રાખવા અનેરી પહેલ" (પૃ.૧૨૪-૧૨૭)' 'ભુજઃનવસર્જનના વિરોધાભાસ' (પૃ.૧૨૮-૧૨૯)જેવા લેખોમાં નવેસરથી હાથ ધરાયેલ ટાઉન પ્લાનિંગની કવાયતમાં નડતી અનેકવિધ પ્રકારની અડચણોની ચર્ચા વડે આ પ્રકારના પ્રશ્નોની જટિલતાના વિવિધ આયામોનો પરિચય થાય છે.

ધરતીકંપ જેવી કુદરતી આપત્તિને લગતા અખબારોના તંત્રી લેખોમાં નુકસનનાં વિવરણ કે તે સમયે ચાલી રહેલી ગતિવિધિઓના અહેવાલોની સમીક્ષાનું વિવરણ વધારે હોય તે સ્વાભાવિક છે. તે પ્રાથમિક ફરજ પૂરી કરવાની સાથે સાથે ધરતીકંપ જેવી બહુ જ અસામાન્ય ઘટનાનાં દેખીતાં ન કહી શકાય તેવાં સીધાં કે આડકતરાં કંપનોનો કેલીડૉસ્કોપિક ચિતાર પણ બહુ જ નજદીકથી કરવાની સાથે વિધેયાત્મકતાનું અંતર જાળવવામાં પ્રસ્તુત પુસ્તક સફળ રહે છે.

પુસ્તક વાંચતાં વાંચતાં વાચકને થતા આ અનુભવની સાહેદી છેલ્લા ત્રણ લેખ પુરાવે છે, તે સાથે ધરતીંપની અસરોનું, પુસ્તકમાં આવરી લેવાયેલા સમયખંડના સંદર્ભમાં છેલ્લું ચિત્ર પણ દોરી આપે છે.

૭-૧-૨૦૧૦ના લેખ "ભૂકંપ કૌભાંડો...સજા ક્યારે?" (પૃ.૧૯૫/૧૯૬) :
ફરી એક વાર ભૂકંપને પગલે, કેશ ડૉલ્સ, વેપારી સહિતના પેકેજો, કાટમાળ ખસેડવાની કામગીરી હોય કે ટીપી કે કપાતને લગતી રાહત પ્રવૃત્તિ અને નવસર્જનની પ્રક્રિયામાં છડેચોક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ વિષે ઇન્કાર થઇ શકે તેમ નથી. પ્રજા, કર્મચારી, અધિકારી, કોઇ પણ સંસ્થા કે કોઇ અગ્રણી એમ સૌ લાભાર્થી સામેલ હોય એવો સામૂહિક ભ્રષ્ટાચાર થતાં કચ્છના ખમીરને, એની અસ્મિતાને અને સંસ્કારિતાને બટ્ટો લાગ્યો હોવાનો અહેસાસ પણ કચ્છપ્રેમીઓને થયો છે ..અને છેલ્લે, ભૂકંપને નવ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે અને ડરામણા (કૌભાંડી) આફ્ટરશૉક કચ્છને ધ્રુજાવી રહ્યા છે..ત્યારે.. એકનિષ્ઠા સાથે પુર્ણાહુતિનાં કામો થાય તો અનેક પરિવારો સુખચેનનો શ્વાસ લે !'
૨૬-૧-૨૦૧૦નો લેખ "મુદ્દો નવસર્જનના સંદર્ભે ચાણક્યનો" (પૃ.૧૯૭/૧૯૮) :
'ક્ચ્છના વિનાશક ભૂકંપની નવમી વરસીએ ચાણક્યને યાદ કર્યા છે કારણ કે કુદરતી આપત્તિના સમયે શું કરવું તે તેમના ગ્રંથમાં સ્પષ્ટપણે લખાયું છે...પહેલી વાત પ્રજાની ખુમારી અને મોરલની કરી છે.. આપત્તિ વેળાએ પ્રજાનું ખમીર અગ્નિપરીક્ષામાંથી સાંગોપાંગ પસાર થયું છે એ નોંધનીય છે....ગુજરાત સરકાર અને પ્રજાએ સાથે મળીને લોકભાગીદારીથી..નવસર્જન કર્યું છે...છતાં અફસોસ કે બાકી રહી ગયેલા ૧૦% કામોની ગાડી છેલ્લા ચાર વર્ષથી પાટા પરથી ઊતરી ગઇ છે..ક્યાંક કાયદાકીય આંટીઘૂંટીઓ છે તો ક્યાંક નીતિવિષયક અવરોધો છે, ક્યાંક અસરગ્રસ્તોના હઠાગ્રહ જેવાય પ્રશ્નો છે...અહીં ફરી ચાણક્યનો મુદ્દો આવે છે... જો રાજા કામ પૂરાં ન કરાવે તો પ્રજાએ એનું ધ્યાન દોરવું જોઇએ.. ભૂકંપ નવસર્જન(ની પ્રક્રિયા) જો અધૂરી જ રહેશે તો સરકારને કે કચ્છની પ્રજાને અને એના પ્રતિનિધિઓને ઇતિહાસ કદી માફ નહીં કરે.'
પુસ્તકનો સહુથી છેલ્લો લેખ - ૨૭-૩-૨૦૧૧ - "ભુજનું પુનર્વસન ..જાપાની યુવતીની નજરે..." (પૃ.૨૦૩-૨૦૭)માં ૧૯૯૮માં પહેલી વાર કચ્છ આવ્યા બાદ દર વર્ષે કમસેકમ એક વાર ક્ચ્છ આવતી રહેતી અને 'બ્લોક પ્રિન્ટિંગ' પર સંશોધન કરી રહેલી જાપાની યુવતી ડૉ. મિવા કાનેતાના સંશોધનમાંથી બોધપાઠ લેવા જેવાં તારણોની વિગતે ચર્ચા કરાઇ છે. પહેલું મહત્ત્વનું તારણ એ છે કે ક્ચ્છને પોતાની યુનિવર્સિટી મળ્યા છતાં 'કોઇ કચ્છી વિદ્યાર્થીને પુનર્વસનની પ્રક્રિયાના સારા-નરસા પાસાં તપાસવાનું યા તો સૂઝ્યું નથી અગર તો વિષય અનુસાર ગાઇડના અભાવે કે ગમે તે કારણે સંશોધન શક્ય બન્યું નથી. ડૉ.મિવા 'ધર્મ આધારિત વિભાજન ભુજના પુનર્વસનની પ્રક્રિયામાં સ્પષ્ટ'પણે જોઇ શક્યાં છે. આ હકીકતનો ઉલ્લેખ કરી તેઓ લખે છે કે ..ભૂકંપ પછી હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં ધાર્મિક ઉત્સવ-રીતરસમો-નું પ્રમાણ વધી રહ્યું હોય એવુંયે લાગે છે.'

એકંદરે "ધરતીતાંડવ"માં નોંધાયેલાં તારણો કે સ્પષ્ટ રીતે રજૂ થયેલાં મંતવ્યો કોઇ પણ આકસ્મિક કુદરતી પ્રકોપની સંભવિત અસરોને સમજવામાં મહત્ત્વના બોધપાઠ બની રહેશે. અને ૨૦મી અને ૨૧મી સદીનાં માનવ જાતનાં કૃત્યો અને કુદરતની પોતાની અકળ ચાલને કારણે આવી પ્રકોપકારી ઘટનાઓ વારંવાર થતી રહી છે, તેમ જ દરેક ઘટનાની અસરો પણ બહુ જ દૂરગામી થતી રહેશે તે પણ નિશ્ચિત છે. આવા સંજોગોમાં દરેક ભાવિ પેઢી માટે આ પ્રકારનું, સર્વગ્રાહી, દસ્તાવેજીકરણ ઇતિહાસમાંથી શીખીને ઇતિહાસનાં પુનરાવર્તનમાંથી બચવામાં મદદરૂપ થશે.

આ પુસ્તક વિષે કીર્તિભાઇ સાથે બીન ઔપચારિક વાત કરતા હતા તેમાંના બે મહત્ત્વના મુદ્દા અહીં રજૂ કરવાની તક ઝડપી લેવી છે.
- પહેલી વાતમાં કીર્તિભાઇ તે સમયે દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા સામાજિક સંશોધન દરમ્યાન અકસ્માત જ જોવા મળેલ એક તારણને યાદ કરે છે. જુદા જુદા કેમ્પોમાં ઘણા સમય સુધી કેટલાંય લોકોને પોતાનાં કુટુંબ કબીલાથી કદાચ, દૂર વસવું પડ્યું. સાથે રહીને મુશ્કેલીઓના સામનાઓ કરતાં કરતાં લાંબા સમયના 'એકલવાસ'માં માણસની જેમ જેમ ભૂખ , તરસ , ટાઢ તડકા સામે રક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પૂરી થાય એટલે 'દૈહિક વાસના' જેવી જરૂરિયાત સંતૃપ્તિનો અભાવ ઊંડે ઊંડે પોતાની જગ્યા કરતો જાય. આ સંશોધન કરતાં કરતાં એ વિદ્યાર્થીએ એવા ઘણા દાખલાઓ જોયા હતા કે જ્યાં આ અભાવે પણ પોતાની માંગ પૂરી કરી લીધી હોય.'ઘર'ની ચાર દિવાલો ન હોય એટલે સમાજ કેટલી હદ સુધી ઉઘાડો પડી જઇ શકે ત્યાં સુધીના વિચારો કરતાં કરી મૂકી શકે તે હદનાં આ અવલોકનો હતાં.પ્રસ્તુત પુસ્તકના પ્રવેશક લેખ "'ક્ચ્છી ગુજરાતી' અને 'ગુજરાતી ક્ચ્છી'ની બેવડી ભૂમિકા"માં જાણીતા દિગ્દર્શક અને લેખક પરેશ નાયક આ જ વાતની નોંધ લેતાં કહે છે કે "ભૂકંપ પછીના દિવસોમાં કચ્છી પ્રજા કેવા આંતરમંથનોમાંથી પસાર થઇ છે એ સમજવા માટે..ભૂકંપના વિવિધ પાસાનો અભ્યાસ કરીએ તો કદાચ સમાજશાસ્ત્રીઓનેપણ એમાંથી ..મહત્ત્વના નિષ્કર્ષો જડી આવે'. કીર્તિભાઇ આ બાબતે એમ પણ ઉમેરે છે કે આવી લાગણીઓના પ્રવાહને ઝીલવાનું કામ સૌથી વધારે સારી રીતે તો સર્જનાત્મક સાહિત્ય જ કરી શકે. કચ્છના જ વિચારશીલ લેખક હરેશ ધોળકિયા તેમની આવી જ પશ્ચાદ્‍ભૂ પર રચાયેલી નવલકથા "આફ્ટરશૉક”ની પ્રસ્તાવનામાં કહે છે તેમ માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીના અને સંબંધોને વ્યક્ત કરવા માટે કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ નીવડે. સખેદ નોંધ લેવી પડે છે કે આવી એક મહાપ્રભાવકારી ઘટનાને સાહિત્યસ્વરૂપે પ્રતિબિંબિત કરાઇ નથી.
- બીજી વાત છે જેમાં આ ધરતીકંપ કચ્છને જે જે રીતે છૂપા આશીર્વાદની જેમ ફળ્યો છે તેમાં કચ્છની બાકીના ગુજરાત સાથે પ્રસ્થાપિત થયેલી ભાવનાત્મક એકતાની નોંધ જેટલી લેવાવી જોઇએ તેટલી નથી લેવાઇ એમ કીર્તિભાઇને આજની તારીખમાં લાગે છે. સરકારી સંસાધનો કે દેશવિદેશમાંથી જે કંઇ સહાયનો પ્રવાહ ઉમટ્યો એમાં, ધરતીકંપ પછીના બે-ત્રણ મહિના સુધી, ગુજરાતનાં નાનાં મોટાં શહેરોમાંથી સ્વયંસેવકોની ટીમોએ, લગભગ સ્વયંભૂ ધોરણે, પોતાને ત્યાંથી ખાવાપીવાની ભાત ભાતની વસ્તુઓ લાવી કચ્છના નાનાં નાનાં ગામો સુધી પહોંચાડવાની અનામી જહેમત લીધી છે તેને કીર્તિભાઇ આ ભાવનાત્મક એકતાનું મૂર્ત સ્વરૂપ માને છે. તે પછીથી તત્કાલીન મુખ્યમંત્રીની પ્રયાસો દ્વારા કચ્છને પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવાની પહેલને કારણે આ ભાવનાત્મક એકતાને કંઇક્ને કંઇક અંશે બળ મળતું જ રહ્યું હશે એવું માનીએ.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪ 
પ્રકાશક : 
ગોરધન પટેલ 'કવિ; 
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ  ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું: rangdwar.prakashan@gmail.com 

  • વેબ ગુર્જરી પર પ્રકાશન  તારીખઃ November 6, 2014

Saturday, November 8, 2014

ફિલ્મી ગીતોમાં પત્રો (૨) - કન્વર્ઝેશન્સ ઑવર ચાય

૧૧ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ આપણે ફિલ્મી ગીતોમાં પત્રોનો પૂર્વાર્ધ વાંચીને મમળાવ્યો. આજે હવે આગળ....
ચિઠીયાં હો તો હર કોઇ બાંચે, ભાગ ન બાંચે કોઈ.....સજનવા બૈરી હો ગયે હમાર - તીસરી કસમ (૧૯૬૬) - ગાયકઃ મુકેશ | સંગીતકાર : શંકર જયકિશન | ગીતકાર : શૈલેન્દ્ર
image
પરદેશ વસેલા , સૌતનના ચડાવેલા, સાંવરિયાનો નથી કોઇ સંદેશ કે નથી કોઈ ખબર. આને કારણે ભંવરમાં ડૂબી ચૂકેલી છટપટાતી મમતાની વેદનાની કથની સમા આ ગીતના શબ્દોનો પૂર્વાપર સંબંધ આ ક્લિપની એકદમ શરૂઆતમાં જોવા મળે છે.
નાયિકા હીરાબાઈ તેના 'સાંવરિયા'નો અલવિદાનો સંદેશ વાંચે છે, પણ ગળે નથી ઉતારી શકતી, અને તેમ છતાં તેનાં મનની વેદના "કભી કોઈ અપના નહીં ઈસ જમાનેમેં, ન આશિયાને કે બાહર ન આશિયાને કે અંદર' જેવી પંક્તિઓમાં હોઠ પરથી સરી પડે છે. એ વેદના તેના 'હમસફર' ગાડીવાન હીરામનનાં મોઢેથી આ ગીતનાં સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે.
ખત લિખ દે સાંવરીયા કે નામ બાબુ - આયે દિન બહાર કે (૧૯૬૬) - ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : આનંદ બક્ષી
image

બહારગામ વસતા પ્રિયજનને પ્રિયતમા પોતાની તડપ પહોંચતી કરવા પણ 'ખત'નાં માધ્યમનો સહારો લે અને તેમાં હવે ટપાલી પત્રલેખનનો લહિયો બનવાનો પાઠ પણ નિભાવે એ લોક સંસ્કૃતિ કેટલી રૂઢ હશે એ સમયમાં, કે કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચ પર નૃત્યનાટિકા તરીકે ભજવવા માટે પણ પત્રલેખનનો વિષય સિક્કા પડાવે છે.
ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં, ફૂલ નહીં મેરા દિલ હૈ - સરસ્વતીચંદ્ર (૧૯૬૮) – ગાયક : લતા મંગેશકર અને મુકેશ | સંગીતકારઃ કલ્યાણજી આણંદજી | ગીતકાર ઈન્દીવર
image

તાજા જ પરિણયના તાંતણે જોડાયાં હોય કે જુગ જુગથી પ્રેમનો પ્રગાઢ સંબંધ હોય, પણ વિરહ એ બે પ્રેમીઓની લાગણીઓને અવનવા સ્વરૂપે અભિવ્યકત કરે જ છે. ગુજરાતીની સીમાચિહ્ન નવલકથા 'સરસ્વતીચંદ્ર' પરથી બનેલી એ જ નામની આ ફિલ્મમાં નાયિકા કુમુદ અને નાયક સરસ્વતીચંદ્રના પ્રણયના નવપલ્લવિત ફૂલને પત્ર દ્વારા મ્હોરતાં કરી મૂકવાની બહુ જ કાવ્યમય રજૂઆત અહીં જોવા/ સાંભળવા મળે છે.
લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં સિતારે હો ગયે - કન્યાદાન (૧૯૬૯) ગાયક મોહમ્મદ રફી સંગીતકાર શંકર જયકિશન ગીતકાર નીરજ
image
પ્રેમની યાદમાં લખેલા પત્રો બધાજ રાતના સિતારા અને સવારે ફૂલો બની જાય તેવી છલોછલ ખુશીઓનું ગીત...
આયેગી જરૂર ચિઠ્ઠી - દુલ્હન (૧૯૭૪)- ગાયક : લતા મંગેશકર| સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
image

લગ્નની પહેલી જ રાતે મૂત્યુ પામેલા પતિની યાદથી જેનું દિલ તૂટી ગયું છે પણ આશ નથી છૂટી , તેવી ગામ આખાની તેના માટેની દયા ખાવાની લાગણી ન સમજી શકતી દુલ્હન (?)ની સદા પ્યાસી આંખોમાં કદી ન આવનાર ચિઠ્ઠી જરૂર આવશે તેવો નાસમજ ભોળપણનો આગ્રહ આ ગીતમાં વણી લેવાયો છે.
ડાકિયા ડાક લાયા - પલકોંકી છાઓંમેં (૧૯૭૭) - ગાયકઃ કિશોર કુમાર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ | ગીતકાર : ગુલઝાર
image
અહીં ઘેર ઘેર ટપાલ વહેંચતા અને ગામડાંના લોકોને તેમના પત્ર(ગાઈને) વાંચતા કે લખતા ટપાલીની છબીનું ચિત્રણ છે.

ગામડાનાં નિરક્ષર લોકોની પણ ભાવનાઓનો શબ્દદેહ તો બળૂકો જ હોય ! પોતાના પતિની રાહ જોતી વ્યથિત નારીનો સંદેશ પણ એક ખેપમાં ડાકિયો આ શબ્દોમાં ગાઈ લખી આપે છે - વિરહમાં રાતો કેમ કરીને પસાર કરવી, સાવનની ભીની ભીની ફુહારોમાં પણ વૈમનસ્ય કનડે છે, વરસાદનું ટીપે ટીપું તારી બાંવરીને અગ્નિની જ્વાળાને જેમ સળગાવે છે. આ મૂઈ નોકરી મૂકીને પણ હવે તો તું મારી પાસે જ આવતો રહે....
આ.. આ... ઈ....ઈઈ..માસ્ટરજીકી આયી ચિઠ્ઠી - કિતાબ (૧૯૭૭) - ગાયિકાઓ ઃ પદ્મિની અને શીવાંગી કોલ્હાપુરે | સંગીતકાર રાહુલ દેવ બર્મન | ગીતકાર ગુલઝાર
image

છોકરાંઓની (અપદ્યાગદ્ય) નિર્દોષ તોફાન મસ્તીની ગુલછડીઓની ધીંગામસ્તી...
અને હવે ગેરફિલ્મી પત્રોની કેટલીક વાત..
કાસિદકે આતે આતે તક ખત એક લીખ રખું - મિર્ઝા ગાલિબ (૧૯૮૮ની દૂરદર્શન પર પ્રસારીત થયેલ સીરીયલ) - ગાયક-સંગીતકારઃ જગજીત સિંગ | શાયર : મિર્ઝા ગાલિબ
તેરે ખુશ્બુમેં ડૂબે ખત મૈં જલાતા કૈસે - ગાયક અને સંગીતકાર - જગજીત સિંગ | શાયર : રાજેન્દ્રનાથ રાહબર
'૭૦ના દાયકા પછીની ફિલ્મોમાં પણ 'ખત', 'ચિઠ્ઠી' સમયે સમયે દેખા તો દે છે, પણ તેની વાત આપણી નિર્ધારિત સીમાઓની પેલે પાર છે.....
અને છેલ્લે, પત્ર, ખત વિષય પરની કેટલીક ફિલ્મોઃ
પ્રેમ પત્ર (૧૯૬૨) - નિર્દેશક : બિમલ રૉય | સંગીતકાર : સલીલ ચૌધરી
image
મેડીકલ કૉલેજમાં ભણતા નાયકને નાયિકાએ લખેલા પ્રેમ પત્રની આસપાસ ગુંથાયેલ એક બહુ સંવેશદનશીલ કથાનકવાળી ફિલ્મ ….
આખરી ખત (૧૯૬૬) - નિર્દેશક : ચેતન આનંદ | સંગીતકાર : ખય્યામ
image

મંદિરમાં ગાંધર્વ લગ્ન કરેલ નાયિકા અને નાયક વિધિસર એક નથી થઇ શક્તાં. અલગ થઇ ચૂકેલા નાયકને નાયિકા મળે છે પણ નાયક તેનો સ્વીકાર નથી કરતો. પણ તેમના પ્રેમનું પુષ્પ ધરતી પર અવતરી ચૂકે છે. નાયિકા નાયકને પત્ર લખીને બધી પરિસ્થિતિની જાણ કરે છે...એક સાવ નાના બાળકની આસપાસ ભમતી ફિલ્મનો એક અનોખો જ પ્રયોગ …..
વેલકમ ટુ સજ્જનપુર (૨૦૦૮) - નિર્દેશક : શ્યામ બેનેગલ | સંગીતકાર : શાંતનુ મોઈત્રા
image
પત્ર લેખન એ આ ફિલ્મના યુવાન નાયકની રોજીરોટીની જ કહાની માત્ર નથી ,પણ તેના પ્રેમની પણ વાત છે. ગ્રામ્યજીવનનાં સામાજિક, રાજકીય, કૌટુંબિક અને વ્યક્તિગત સ્તરે પણ ખતના માહાત્મ્યની પણ આ ફિલ્મ છે.
આશા કરીએ કે આ લેખ વાંચીને આપણને પત્રલેખનની ચાહત ફરીથી જાગશે...કંઇ નહીં તો સ-રસ મજાની કોમેન્ટ્સ તો લખતા રહેવાની મજા માણવાની અને મણાવવાની તો તલપ જાગશે જ...





"કન્વર્ઝેશન્સ ઑવર ચાય " પરના લેખોના અનુવાદ 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત કરવાની, બહુ પ્રોત્સાહક, સંમતિ આપવા બદલ 'ફિલ્મ સંગીતની સફર'ની સંકલન સમિતિ સુશ્રી અનુરાધા વૉરીયરનો હાર્દિક આભાર માને છે.

વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૮ નવેમ્બર, ૨૦૧૪

Monday, November 3, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪ : દરિયાની આંખે આંસુ

શ્રી કીર્તિ ખત્રીના 'કચ્છમિત્ર' સાથેના કાર્યકાળના લેખો પરથી શ્રી માણેકલાલ પટેલ દ્વારા સંપાદિત 'કલમ કાંતે કચ્છ'પુસ્તક શ્રેણીના ૪થા પુસ્તક "દરિયાની આંખે આંસુ"ની વાત આજે કરીશું.

સંપાદન કરતી વખતે લેખક અને સંપાદકે દરેક પુસ્તકના વિષયને બહુ જ સબળ શીર્ષકની મદદથી સ્પષ્ટ કર્યો છે.

કચ્છનો કાંઠો એક સમયે દાણચોરો માટે સ્વર્ગ મનાતો. ભૌગોલિક, ઐતિહાસિક અને રાજકીય કારણોસર કચ્છના દરિયા કિનારાનો સીમાડો દુર્ગમ અને જટિલ રહ્યો છે.તેમ છતાં (અથવા કદાચ, તેને કારણે)દાણચોરીની પ્રવૃત્તિનાં પરિમાણો સમગ્ર રાષ્ટ્રની સલામતી સુધી પોતાનો પ્રભાવ ફેલાવતાં રહ્યાં છે. કીર્તિભાઇની કલમ દેશવિરોધી પ્રવૃત્તિઓની સામે જેહાદ, જાસૂસીની ચકચાર અને આપણી જે તે સમયની સરકારોને જાગતા રહેવાની આલબેલ પોકારતી રહી છે.

દરેક પુસ્તકની શરૂઆતમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ તેમજ 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરોના લેખ મુકાયા છે. સમગ્ર શ્રેણીમાં જે કેટલાંક પુસ્તકોમાં આ લેખો વિષય પ્રવેશકની બહુ જ અસરકારક ભૂમિકામાં રજૂ થયા છે, તેમાંનું એક આ પુસ્તક 'દરિયાની આંખે આંસુ' છે.

પહેલા પ્રવેશક લેખ 'આદર્શ તંત્રીની સાકાર કલ્પના'(પૃ. ૧૩-૧૭)માં ગુજરાતી એબીપી ન્યૂઝના બ્યૂરૉ ચીફ શ્રી બ્રીજેશકુમાર સિંહ કીર્તિભાઇ સાથેના કેટલાક યાદગાર પ્રવાસોને યાદ કરે છે. તે પૈકી જખૌથી સાંઘી સિમેન્ટ એકમ સુધીના દરિયાઇ માર્ગે કરાયેલા પ્રવાસનાં વર્ણનમાં કીર્તિભાઇના કચ્છને સ્પર્શતા અનેક વિષયોના એનસાઇક્લોપીડિક વ્યાપનો, અને એ જ્ઞાન મેળવવા માટે જાતે જ સ્થળો પર જઇને પ્રશ્નોની વિગતોને અલગ અલગ બાજુએથી સમજવાની તેમની ચીવટ અને જહેમતનો ચિતાર વાચક સમક્ષ તાદૃશ થઇ રહે છે.

આ એક પ્રવાસ ઉપરાંત શ્રી બ્રિજેશકુમાર સિંહે આ પુસ્તકને સ્પર્શતા અન્ય મુદ્દાઓની પણ દાદ પણ એક સમકાલીન વ્યાવસાયિકની નજરે લીધેલ છે.ઉદાહરણ તરીકે એક જ ટાંક બહુ થઇ રહેશે :'ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દશક કરતાં પણ વધુ સમયથી વિવાદોનું કારણ રહેલા ૬૮ કિલોમીટરના નાળાનું સાચું નામ "સિરક્રીક"......અહીં મોટા પ્રમાણમાં મળી આવતી 'સિરિ' નામની માછલીને કારણે પડ્યું (છે)....કોઇ બ્રિટિશકાલીન 'સર'ને કારણે નહીં'

[પરિચયકર્તાની નોંધઃ આવી જાણકારીનું મહત્ત્વ સમજવું હોય તો 'સિર ક્રિક' 'કોરી ક્રીક' કે 'હરામી નાળા' જેવા શબ્દોની ઇન્ટરનેટ પર ખોજ કરી જોવી જોઇએ, જેથી આ વિષયો પર માહિતી વિષેના સ્રોત કેટલા મર્યાદિત છે, અને જે કંઇ માહિતી મળે તે કેટલી અપૂરતી અને અછડતી હોઇ શકે છે તેનો સાચો અંદાજ આવે!]

'કીર્તિભાઈનાં લખાણો સંખ્યાબંધ પત્રકારો માટે પાઠ્યપુસ્તક જેવાં બની રહ્યાં છે'(પૃ. ૧૮ -૨૬)માં કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડ્યા “સરહદી સલામતી વિષય..(પર)..કીર્તિભાઇએ અત્યાર સુધી આપેલાં યોગદાનની વાત કોઇ ફિલ્મના કથાનક જેવી રસપ્રદ” ગણે છે. તેમણે કીર્તિભાઇના આ વિષયો પરના ઊંડાણભર્યા અહેવાલ અને તે માટેની મહેનત અને દિલધડક પ્રવાસોના "ભારે રોમાંચ” અહીં વર્ણવ્યા છે.

પુસ્તકમાં આવરી લેવાયેલા વિષયોની વાત માંડતાં પહેલાં કીર્તિભાઇ પત્રકારત્વનાં હાર્દની સાથે સાથે દેશહિત અને એવા અન્ય વિરોધાભાસી દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન કેમ જાળવતા રહ્યા તે સમજી શકાય તેવા એક કિસ્સાનો શ્રી નિખિલ પંડ્યાએ એમના લેખના અંતમાં કરેલો ઉલ્લેખ (પૃ. ૨૬)અહીં અસ્થાને નહીં ગણાયઃ 'પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ‘જીયે સિંધ’ ચળવળ ચાલતી હતી તે અરસામાં કોટેશ્વરની જેટી પર એક નૌકામાં અમુક લોકો ઊતર્યા અને બસમાં બેસીને જતા રહ્યા... આ શંકાનું પગેરું દાબવામાં આવતાં વળતો જવાબ આવ્યો કે કોટેશ્વરની જેટી પર ઊતરેલા શખ્શો ‘જીયે સિંધ’ ચળવળ સાથે સંકળાયેલા હતા અને તાલીમ લેવા આવ્યા હતા. કોઇ પણ અખબાર માટે કે પત્રકાર માટે આ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના સમાચાર હતા. શંકાને સમર્થન આપનાર અધિકારીની, દેશહિતમાં એ સમાચાર ન છાપવાની ભારપૂર્વકની વિનંતિને કીર્તિભાઇએ પ્રાધાન્ય આપ્યું હતું.'

'દરિયાની આંખે આંસુ'માં કુલ ૪૭ લેખોમાં ૧૯૮૫થી છેક ૨૦૧૩ના સમયખંડને આવરી લેવાયો છે.

૧૯૮૫ અને ૧૯૮૭ના સમયના લેખોનાં 'કચ્છની નધણિયાતી દરિયાઈ સીમાઓ' (પૃ.૫૦થી ૫૮), ‘જખૌ નજીક નાપાક ચાંચિયાગીરી : ઊંડા કાવતરાંનો પ્રથમ અંક?’ (પૃ. ૩૭-૪૪) કે 'કચ્છના દાણચોરો દ્વારા એક કાંકરે ત્રણ પક્ષી મારવા પ્રયાસ?' (પ્રુ.૬૦-૬૨) શીર્ષકો જ સમગ્ર વિષયના ફલકને નજર સમક્ષ કરી આપે છે. લેખની વિગતો પ્રશ્નોની તત્કાલીન તાસીર સમજવામાં પડદા પાછળ, અને પડદા પર ભજવાતા, ઘટનાપ્રવાહોની સમજ આપવામાં મદદરૂપ થાય છે.

૧૯૯૩ના લેખ 'મરદ દોસ્ત 'લાલ ટોપી'ને સો સો સલામ' (પૃ. ૮૬-૮૯)માં એક તરફ '૮૦ના દાયકાનાં શરૂઆતનાં ચાર પાંચ વર્ષોમાં કસ્ટમ ખાતાના જિંદાદિલ, નિષ્ઠાવાન અધિકારીઓએ દાણચોરોને તોબા પોકરાવી દીધી હોવાનું બયાન છે. એ જ લેખમાં બીજી બાજુએ, જેને ૧૯૮૭માં રાષ્ટ્રપતિનો એવૉર્ડ પણ મળી ચૂક્યો તેવા કસ્ટમના એક અધિકારી એલ. ડી. અરોડાની હત્યા ૧૯૯૩માં જ શા માટે કરાઇ છે તેનાં સંભવિત કારણોમાં 'કોણ જાણે કેટલાયે મહાનુભાવોના પગમાં રેલા લાવી દે' જેવા બેધડક ઉલ્લેખ પુસ્તકના શીર્ષકમાં 'આંસુ'ના મહત્ત્વને સ્પષ્ટ કરી આપે છે.

૧૯૯૪ના લેખ 'ચરસ પ્રકરણના સૂચિતાર્થો' (પ્રુ. ૯૦-૯૧)માં કીર્તિભાઇ નાર્કો-ટેરરિઝમના છેડા કચ્છ સુધી લંબાતા જોઈ શકે છે. તે જ રીતે ૧૯૯૬ના લેખ 'કચ્છમાં વધુ એક નાપાક જાલીનોટ કૌભાંડ' (પૃ. ૯૨-૯૪)માં 'એકના એક ઇસમ વારંવાર કેમ પકડાય છે', 'અગાઉ નોટ ભારતમાં છપાયેલી હતી, જ્યારે હાલના કિસ્સામાં નોટો પાકિસ્તાનથી આવેલી છે અને ત્યાં જ છપાઇ છે' જેવાં સૂચક નિરીક્ષણોની મદદથી, આ પ્રકારના કિસ્સાઓમાં બંને પક્ષોની મોડસ ઑપરેન્ડીના વિગતવાર વર્ણન સાથે તેનાં લેખાંજોખાંની પણ ચર્ચા જોવા મળે છે.

૧૯૯૯ના લેખ 'કારગિલની ભાવનાને ઝારાની લાગણીમાં પલટાવીએ' (પૃ.૧૦૭-૧૦૯) જેવાં શીર્ષકોમાં તત્કાલીન ઘટનાઓ અને પ્રખ્યાત પાત્રોને મૂકવાથી લેખ તરફ આકર્ષણ તો જન્મે જ છે, પણ તે સાથે લેખ વાંચ્યા પછી તેનો સંદેશ પણ વાચકના દિમાગમાંથી દિલ સુધી અસર કરી જાય છે. જેમ કે, "જાસૂસી વિમાનને અબડાસા પાસે ફૂંકી મારવાની ઘટનાથી કચ્છની ક્રીકની સીમાઓ સમાચાર માધ્યમોમાં ચમકતી થઇ ગઇ હતી. તે કારણે પાકિસ્તાનમાં પેદા થયેલી લાગણીઓના ઊભરાને શાંત કરવા ઘુસણખોર ટુકડીઓને કચ્છની દરિયાઈ સરહદ વાટે ઘુસાડવાની પેરવીઓ થઇ હતી. એમાંના મોટા ભાગના તો દેખાવ અને ભાષાને કારણે જુદા તરી આવે તેથી કદાચ પોલીસ કે અન્ય સલામતી દળો માટે તેમને શોધી કાઢવામાં ખાસ વાંધો ન આવે...પણ રણકાંધીઓ કે સંવેદનશીલ દરિયાકાંઠાની પટ્ટીએ બેઠેલી પ્રજાની એ ફરજ છે કે કોઈ વિદેશી તત્ત્વ નજરે ચડે તો તરત જ તેને ખુલ્લો પડે.'

૧૯૯૯ના બીજા એક લેખ 'જો જો સિરક્રીક બીજું છાડબેટ ન બને !' (પૃ.૧૩૦-૧૩૬)માં 'નધણિયાતી સીમાઓ પર ઘુસી આવીને અડ્ડો જમાવી દીધા પછી વિવાદ ઊભો કરવાની..ખંધી અને નફ્ફટ મોડસ ઓપરેન્ડી' વિષે આલબેલ પોકારતાંની સાથે ૨૦૦૪ની સાલ સુધીમાં ખંડીય છાજલી બાબતના દાવા યુનો સમક્ષ નોંધાવી દેવા, એ વિષેના જે તે સમયની કચ્છની રાજાશાહી સરકાર અને સિંધ (મુંબઇ સરકાર) વચ્ચેના કરાર જેવા પ્રશ્નનાં વિવિધ ઐતિહાસિક પાસાંઓની બહુ જ વિગતે છણાવટ પણ રજૂ કરાઇ છે. આ વિસ્તાર પર પાકિસ્તાનનો ડોળો માત્ર ઘુસણખોરી કે ત્રાસવાદને દાખલ કરવાની બારી જેટલો જ મર્યાદિત ન હોઇને એ વિસ્તારમાંના તેલ અને ગેસના ભંડારો જેવી કુદરતી સંપત્તિ પર પણ કબજો દબાવવાની દાનત હોવાની શકયતા વિષે પણ લેખક પોતાની ચિંતા વ્યક્ત કરે છે.

તે પછીના સમયને સ્પર્શતા લેખો - ક્રીક સીમાએ તરતી ચોકી (૨૦૦૨), ક્રીક સીમાએ આક્ર્મક બોટ (૨૦૦૫), સિરક્રીક વિવાદના જળમાં એક વધુ નાપાક પથરો (૨૦૧૨), કચ્છી 'હરામી નાલો' સીલ કરે જ છૂટકો (૨૦૦૧), શારકામમાં ખચકાટ શાને? (૨૦૦૪)-માં આ વિષયની સમયોચિત ચર્ચાનો દૌર ચાલુ જ રહે છે. તેમાં પુસ્તકના અંતમાં આવેલા બે લેખ ખાસ ધ્યાન ખેંચે છેઃ

('કચ્છમિત્ર'ના વિશેષાંક 'સાઠ વરસનાં સંભારણાં) ૨૦૦૮ના લેખ 'દાણચોરોની સ્વર્ગભૂમિઃ સોનાચાંદીથી આર.ડી.એક્સ.'માં ૧૯૫૦થી ૨૦૦૮નાં વર્ષનો, દાણચોરી, શસ્ત્રો, ઘુસણખોરી અને જાસૂસી એવા પેટા વિભાગોમાં, (કચ્છના દરિયા સીમાડાઓથી ચાલતી) દેશ વિરોધી પ્રવૃતિઓનો ઘટનાક્રમનું દસ્તાવેજીકરણ આ પુસ્તકના મૂલ્યને અનેકગણું વધારી નાખે છે.

તે જ રીતે ૨૦૧૩ના, પુસ્તકના છેલ્લા લેખ – ‘સાવધાન, સોનાની દાણચોરી ફરી શરૂ થઈ ચૂકી છે’ -માં જાણે આંખમાં આંસુ સાથે લેખક પોતાનાં દિલનાં દર્દને આ રીતે વાચા આપે છે :'૧૯૯૨માં સુવર્ણ અંકુશ ધારો રદ્દ થતાં કચ્છથી કેરળ સુધીના વિસ્તારોમાં બંધ થયેલી સોનાની દાણચોરી હાલમાં સોનાની આયાત પરની ડ્યૂટી ૧ ટકાથી વધારીને ક્રમશઃ ૬ ટકાની કરી દેવાતાં...દાણચોરી શરૂ થઇ ગઇ હોવાનો એકરાર કસ્ટમ અને ડી.આર.આઈ. સત્તાવાળાઓ કરી રહ્યા છે....ભૂતકાળની જેમ ફરી મોટા પાયે સંગઠિત..દાણચોરીનો દૌર શરૂ થશે તો રોગ કરતાં ઈલાજ વધારે ખતરનાક બની જશે...આખરે આવી જ દાણચોરીના નેટવર્કનો ઉપયોગ ભારત સામે આતંક ફેલાવવામાં થયો હતો ..એ યાદ ..(કરવું)…એ સમયનો તકાદો છે.'

દરિયાઇ સીમાડે થતી રહેતી દેશવિરોધી પ્રવૃત્તિઓનનાં વિવિધ પાસાંઓની ચર્ચા વચ્ચે '-ને હવે ભુજના જેલ સત્તાવાળાઓનું વલણ વિવાદ સર્જે છે'’ (૧૯૮૭), 'ભુજમાં જેલફોડીનું નાપાક કાવતરું’(૧૯૯૨), ‘જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાંથી સંદિગ્ધ ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા ઈસમોનું નાસી છૂટવું’ (૨૦૦૨),'છ પાકિસ્તાની ભાગી જતાં પોલીસને માથે કલંક' (૨૦૦૮), 'શંકાની સોય કસ્ટમ તરફ' (૧૯૯૪), ‘કોસ્ટ ગાર્ડ શંકાના વમળમાં' (૨૦૦૭), 'કસ્ટમ કચેરી કે દારૂહાટ ?'(૨૦૦૭)જેવા લેખોમાં કૂડા સાથે વસવાને કારણે સરકારનાં વિવિધ તંત્રોમાં પેસી જતા કોહવાટના પાસની આડ અસર માટે ચિંતાની લાગણીનો સૂર જોવા મળે છે.

કચ્છની દરિયાઇ સીમાઓની વાત કરતાં પુસ્તકમાં આપણે અત્યાર સુધી જોયા તેવા જ વિષયો સ્વાભાવિકપણે લગભગ બધી જ જગ્યા રોકી લે તેમ માની લેવાય. પણ કચ્છના દરિયા સાથે કચ્છના ઐતિહાસિક, સામાજિક અને આર્થિક જન જીવનને સ્પર્શતાં બે અન્ય પાસાંઓની વાત કર્યા વગર કચ્છના દરિયાની સમસ્યાઓ પરનું કોઇ પણ પુસ્તક અધૂરું તો રહે જ.

એમાંનું એક પાસું છે માછીમારી. અહીં પણ 'નાના માછીમારોની સમસ્યા' (૧૯૯૭),'પગડિયા માછીમારોનો પ્રશ્ન'(૨૦૦૦),'માછીમારો માટે 'કોમન' ફિશિંગ ઝોન' (૨૦૦૪) અને 'જાનના જોખમે માછીમારી’ (૨૦૦૫)એ ચાર લેખોમાં આ બાબતનો અછડતો કહી શકાય તેવો ઉલ્લેખ છે.

એટલો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે કચ્છના દરિયાકાંઠેથી (એક સમયે તો બહુ જ નોંધ પાત્ર કક્ષાએ) થતા આંતરરાષ્ટ્રીય અને આંતર્દેશીય પરિવહન અને વેપારનો, તેમ જ તેની સાથે સંકળાયેલ કચ્છનાં બંદરોઅનેકચ્છના વહાણ બાંધવાના ઉદ્યોગની સમસ્યાઓનો. અહીં આ બાબતની વાત કરતા 'માંડવી બંદરની દુર્દશા!' (૧૯૯૯), માંડવીમાં જહાજનિર્માણ યુનિવર્સિટી (૨૦૦૫) અને 'મુંદરા બંદર પરનું જોખમ' (૨૦૦૨) એવા ત્રણ જ લેખ જોવા મળે છે.

એમ માનીએ કે કીર્તિભાઇના ૩૦૦૦થી વધુ લેખોમાંથી જે લેખો આ પુસ્તકોમાં નથી સમાવી શકાયા તેમાં આ વિષયો પરના લેખો હશે અને ભવિષ્યમાં તેમનાં મહત્ત્વને અનુરૂપ અલગ પુસ્તક સ્વરૂપે આપણી સમક્ષ આવશે. અથવા તો આ પ્રશ્નોએ આ પુસ્તકોના સમયખંડમાં કચ્છના સમાચારોમાં જ બહુ દેખા ન દીધી હોય, એટલે કીર્તિભાઇને તેમના પર બહુ લેખો કરવાનો મોકો જ ન મળ્યો હોય !

એટલે જ, કદાચ, "કચ્છમિત્ર"ના તંત્રીપદે રહીને ૩૩ વર્ષની .. પ્રજાલક્ષી પત્રકારત્વની કારકિર્દી પછી નિવૃત્ત થયા બાદ' લખાયેલા, અને દરેક પુસ્તકના પ્રારંભમાં મુકાયેલા, કીર્તિભાઇના લેખનું શીર્ષક છે :"કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પિછાણી શક્યા નથી."......!!!???


કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪: દરિયાની આંખે આંસુ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 22, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Saturday, November 1, 2014

બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૧)

દેવ આનંદ અને શમ્મી કપૂર, બંને પોતપોતાની રીતે તેમની ફિલ્મ ભૂમિકાઓમાં તો પ્રેમમાં મસ્ત રહેવામાં માહેર રહ્યા જ છે. સાથેસાથે નારાજ ભાવિ પ્રેમિકાને મનાવવાની પરીક્ષાથી માંડીને પ્રેમમાં ખાબકી ચૂકેલી પ્રેમિકાને ઈઝહાર કે વિરહમાં તરબોળ કરી નાખનારી પ્રેમસફરમાં પણ તેઓ એટલા જ નિપુણ પણ રહ્યા છે. આના કારણે તેમની ફિલ્મોમાં બંને નાયકો એક સમાન પરિસ્થિતિઓમાં મુકાતા પણ હશે જ.
બસ, આ પૂર્વધારણા પર શોધખોળ કરતાં દસ એવી પરિસ્થિતિઓ મળી આવી, જેમાં બંને નાયકો સરખી પરિસ્થિતિમાં તો મુકાયા હતા; પણ દરેકે તે પરિસ્થિતિને ન્યાય પોતાની આગવી અદાઓથી આપ્યો. આપણા માટે મજાની વાત એ કે આપણને એવી પરિસ્થિતિઓનાં ૨૦ ગીતોને, આ નવા અંદાજમાં, માણવાની તક મળી.
એક ફિલ્મમાંથી એક જ ગીત, તેમ જ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાની ફિલ્મોનાં જ ગીતો, અહીં આવરી લેવાયાં છે.
# # નાયિકાની નારાજગી છતાં કારની સફર તો કરાવવી જ....
દેવ આનંદ કે શમ્મી કપૂર જેવા ઊડતાં પંખીઓ પાડી શકે તેવા છેલછબીલાઓ માટે આ કંઈ બહુ મુશ્કેલ કામ તો ન જ કહેવાય, પણ મજાની વાત તો એ છે કે ગીતની શરૂઆત પહેલાં સાવેસાવ છેડાઈ પડેલી નાયિકા ગીત પૂરું થતાં સુધીમાં તો નાયકને - ભલે ક્યારેક લુચ્ચાઈ ભરેલ- મુસ્કાનથી પલાળતી તો થઈ જ જાય !
જીવનકી સફરમેં રાહી, મિલતે હૈં બિછડ જાને કો - મુનિમજી (૧૯૫૫) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયકઃ કિશોરકુમાર
clip_image002
આજે ભલે ભેગાં થયાં પણ કાલે કદાચ છૂટાં પડી જવાય તેવી ગહન ફિલસુફી જો કોઈ હસતાંગાતાં સંભળાવે તો કોણ ભલા પોતાની નારાજગી પકડી રાખી શકે.....
આડવાતઃ
એક ગીતનાં એ જ ફિલ્મમાં પહેલા ગીતથી જુદા એવા ભાવવાળાં સ્વરૂપનો ઉપયોગ ફિલ્મ સંગીતમાં બહુ જ વ્યાપકપણે થયેલ જોવા મળશે. તેમાં ગાયક એજ હોય, અલગ અલગ હોય, એક ગીત સોલો હોય તો બીજું યુગલગીત હોય તેવા પ્ર-પ્રકારો આગળ જતાં 'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં નવાનવા રંગ પૂરશે.
અહીં આ ગીતને લતા મંગેશકરના સ્વરમાં, કરૂણ ભાવમાં, સાંભળીએ :

રાહી મિલ ગયે રાહોંમેં - દિલ દેકે દેખો (૧૯૫૯) | સંગીતકાર : ઉષા ખન્ના | ગાયક : મોહમ્મદ રફી
clip_image004
કોઈકની ભાવિ પરણેતરને સાથે જીપમાં પરાણે બેસાડી અનોખી મસ્તીથી પોતાની જન્મોજ્ન્મની પ્રેમિકાની અદાથી નાયક સમજાવી દે છે કે મુસાફરીની મજા તો સાથે થઈ જવામાં, અને પ્રેમથી મુસાફરી કરવામાં, જ છે.
## બનાવટી વેશમાં કોઠાની મુલાકાતે
આ કોઠામાં જવાવાળી વાત ભદ્ર સમાજમાં કહેવી કદાચ અનુચિત લાગશે, દેવ આનંદ અને શમ્મી કપૂર જે ફિલ્મોમાં કામ કરતા તેની સામાજિક પશ્ચાદભૂમાં પણ એ બહુ સ્વીકાર્ય નહોતું. એટલે જ તો વેશપલટો કર્યો ને ! ના ભાઈ ના, આ તો પેલા બદમાશો ઓળખી ન જાય ને એટલે વેશપલટો કર્યો છે - પ્રેક્ષક તોય ઓળખી જ પાડે અને અને શરૂઆતની હરોળની બેઠકોમાં બેઠેલાં તો આવા વેશપલટા કરેલા નાયકને જેટલી વાર જુએ તેટલી વાર સિસોટીઓ પણ મારે !
હમ બેખુદીમેં તુમકો પુકારે ચલે ગયે -કાલા પાની (૧૯૫૮) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયક : મોહમ્મદ રફી
clip_image006
જેલમાં સબડતા પોતાના પિતાની ખોટી સાક્ષી પુરાવનાર તવાયફના કોઠા પર નાયક નકલી મૂછો, શેરવાની અને અચકનમાં આંટા મારે છે, તેની શાયરીની ઠઠ્ઠામશ્કરી કરી તેને ઉશ્કેરે છે અને આ ગઝલ પેશ કરે છે. સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફીની જુગલબંધીમાં જે કમાલનાં ગીતો થયાં છે, તેમાં આ ગીત ટોચ પરનાં ગીતોમાં સદાબહાર રહ્યું છે.
આડ વાત :
એક ગીતનાં અનેક સ્વરૂપ'માં એક સ્વરૂપ છે, હિંદી ગીતોનાં અન્ય ભાષામાં સમાયેલાં સ્વરૂપો. તેમાં પણ ફિલ્મ જગતના બંગાળી સંગીતકારોએ તેમની મૂળ બંગાળી ધૂનને સાવ નવા જ અંદાજમાં હિંદી ફિલ્મોમાં રજૂ કરી, અને દાદ તો દેવી પડે આ ગીતકારોને જેમણે બની બનાવી ધૂન પર પ્રસ્તુત પરિસ્થિતિને અનુરૂપ દિલબાગ કરી દેતી શાયરીઓ લખી આપી.
આવો સાંભળીએ ખુદ સચીન દેવ બર્મને ગાયેલ મૂળ બંગાળી ગીત – ગૂમ ભૂલેચી નિઝુમ નિશીથે જેગે થાકી
હિંદી ફિલ્મગીતનાં અન્ય ભાષાઓમાં જોવા મળતાં આ પ્રકારનાં ગીતોને આગળ જતાં 'એક ગીતના અલગ પ્રકાર' માં એક પ્ર-પ્રકાર રૂપે અલગથી રજૂ કરીશું.


બડા કાતિલ હૈ મેરા યાર, ચીના ચીન ચુન ચીના - ચાયના ટાઉન (૧૯૬૨) | સંગીતકારઃ રવિ | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે
clip_image008
અહીં શમ્મી કપૂરે પોતના જોડિયા ભાઈનો સ્વાંગ પહેલાં રચ્યો અને તેમાં પછી આ પરિસ્થિતિમાં તો શાયરનો એક વધારે વેશ ભજવે છે. તે માટે પહેરવેશ આધુનિક ઠઠાડ્યો છે. સામે ગુંડાઓ છે, એટલે જો મારામારી કરવી પડે તો તૈયારી તો રાખવી પડે ને !
## કાશ, થોડો સમય વધારે રોકાઈ શકાય તો...
હિંદી ફિલ્મોમાં આ પરિસ્થિતિ બહુ પ્રચલિત છે અને તેને કારણે બહુ ઘણાં ગીતો પણ બન્યાં છે.
અભી ન જાઓ છોડકે કે દિલ અભી ભરા નહીં - હમ દોનો (૧૯૬૨) | સંગીતકાર : જયદેવ | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે
clip_image010
'હજુ તો હમણાં જ શું આવ્યાં ને શું ચાલ્યાં' એવાં રૂસણાં-મનામણાંનાં ગીતોમાં આ ગીત અલગ ભાત પાડે છે.- નાયક ગીડગીડાવે, લાગણીની ધમકીઓ દે, પણ નાયિકા… ઠંડે કલેજે ભાવ ખાય.
આ ગીતમાં બે પ્રેમીજનોની વિરહની ઘડીનો તલસાટ બહુ જ માધુર્યથી રજૂ થયો છે.
આડવાત :
'એક ગીતનાં અલગ સ્વરૂપ'માં એક યુગલ ગીત અને બીજું પુરુષ કે સ્ત્રી અવાજમાં એકલ ગીત હોય એવાં અલગઅલગ સ્વરૂપમાં વર્ગીકૃત કરતા આ વિશિષ્ટ પ્રકારની રજૂઆત પણ આપણે આગળ ઉપર માણીશું -
ગીતનાં પહેલાં સ્વરૂપમાં આવી રહેલ વિરહની તડપ છે, તો તેનાં બીજાં સ્વરૂપ - જહાંમેં ઐસા કૌન હૈ કે જિસકો ગમ મિલા નહીં-માં ખરેખર આવી ઊભેલી વિરહની ઘડીની લાગણીઓની ઊંડી સમજને નાયિકા નાયકના દિલમાં ઉતારે છે. આશા ભોંસલેના અવાજના લાગણીશીલ, ગંભીર ઉપયોગનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૈકી એક છે આ ગીત.

આસાન હૈ જાના મહેફિલ સે કૈસે જાઓગે નિકલ કે દિલ સે - જંગલી (૧૯૬૧) | સંગીતકાર : શંકર જયકિશન- ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર
clip_image012
શમ્મી કપૂરનાં રમતિયાળપણાંને પૂરેપૂરો ન્યાય મળે તેવાં ફિલ્માંકરણની મોકળાશ કરી આપે એવી ધૂન, કાશ્મીરનાં હસીન આઉટડોરની સાથે તાલ મિલાવતી સેટ સજ્જા, કલર ફોટોગ્રાફીની કમાલ, વિરહનાં દર્દને રોમૅન્ટિક લાગણીઓની આડશમાં નાજુકાઈથી સમાવતા કાવ્યમય બોલ અને રફી-લતાના અવાજનાં આદર્શ મિશ્રણ સમું આ ગીત ૧૯૬૦ના દાયકામાં પણ '૫૦ના દાયકાની બધીજ ખૂબીઓ જળવાઈ રહેશે તેવી અપેક્ષા જગાવે છે.
## પૈસા કમાવાની તરકીબો પણ અજમાવવી તો પડશે જ
'૬૦ના દાયકામાં દેવ આનંદ અને શમ્મી કપૂરની ભૂમિકાઓ 'આમ આદમી'માંથી અમીર કુટુંબના નબીરાઓ સુધીની તડકી છાંયડીઓ જોતી રહી હતી. અમીર કુટુંબના નબીરા હોવા છતાં તેમણે પૈસા તો કમાવા જ પડે તેવી પરિસ્થિતિઓના વળાંક પણ ફિલ્મોમાં જોવા મળતા.
ઝિંદગી હૈ ક્યા સુન મેરી જાન, પ્યાર ભરા દિલ મીઠી જબાં - માયા (૧૯૬૧) | સંગીતકાર : સલીલ ચૌધરી - ગાયક : મોહમ્મદ રફી
clip_image014
ફિલ્મમાં નાયક એટલો બેતમા દૌલતનો વારિસ છે કે સોનાના ચમચામાં જમીજમીને તે જીવનથી કંટાળી ચૂક્યો છે, એટલે એક ગરીબ બસ્તીમાં રહીને જીવનના ખરા પાઠ ભણવા માગે છે. દાલઆટાના ભાવની સમજ પડવા લાગે છે, આઈસ કુલ્ફીની લારી ચલાવીને પૈસા કમાવા પણ નીકળી પડે છે, પણ પોતાના અમીરી અંદાજમાં....

ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રીજ બાલા - બ્લફમાસ્ટર (૧૯૬૩) | સંગીતકાર : કલ્યાણજી આણંદજી - ગાયક : મોહમ્મદ રફી અને સાથીઓ
clip_image016
આ ગીત સાંભળ્યા પછી, પહેલાંના સમયમાં ગોવિંદાઓ મટકી કેમ ફોડતા હશે તે જ બધાં ભૂલી ગયાં છે. આ ગીતને અમરત્વ બક્ષવામાં શમ્મી કપુરની અદાકારી ચડે કે મોહમ્મદ રફીની ગાયકી ચડે તેની ચર્ચા કર્યા સિવાય ગીતની ધૂનમાં ઝૂમી ઊઠીએ.






[આ લેખમાં અર્ધેથી થોડો પહેલાં વિરામ એટલા માટે પાડ્યો છે કે 'આડ વાતે' એ પહેલા ભાગમાં ગીતોનો થોડો ઉલાળ કરી દીધો છે. એટલે આ લેખનો આટલો જ રસપ્રદ બીજો ભાગ આપણે તારીખ ૧ નવેમ્બર, ૨૦૧૪ના રોજ માણીશું]

"ડસ્ટેડઑફ" પરના લેખોના અનુવાદ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ સુશ્રી મધુલિકા લિડ્ડલનો હાર્દિક આભાર. 
  1. વેગુ પર પ્રકાશિત કર્યા તારીખ : ૧ નવેમ્બર, ૨૦૧૪

Friday, October 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૦ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ' ૧૦ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આ મહિને તો એક નવી શોધની વાત સહુથી પહેલી કરીએ.'શોધ' શબ્દ વાપરવાનું કારણ તો એ કે આ બ્લોગ પુનઃજીવીત થયો છે ફેબ્રુઆરી ૨૦૧૪માં, પણ નજર કોણ જાણે કેમ આ મહિને પહેલી વાર પડી.

આપણે વાત કરીએ છીએ Songs, Stories, Books and More… Random Musings ની. કાર્નીવલના આ મહિનાન અંકમાં તો આપણે આ અંકમાં સામાન્યતઃ જે સમયને આવરી લેતાં રહ્યાં છીએ, તે સમયની જ આ બ્લૉગપરની પૉસ્ટની વાત કરીશું, પણ સમયોચિત તક મળ્યે થોડા પાછળના સમયની પૉસ્ટની મુલાકાત પણ રસપ્રદ બની રહેશે.

આ અંકની શરૂઆત (૨૮ સપ્ટેમ્બરના રોજ) લતા મંગેશકરનાં જન્મદિવસની યાદને ઉજાગર કરતી બે પૉસ્ટથી કરીશું. નોંધપાત્ર વાત એ છે કે બંને પૉસ્ટ એક બીજા છેડેથી આ વિષયને સ્પર્શે છે, જો કે લતા મંગેશકરની વાત હોય એટલે છેલ્લે તારણ તો એક સરખું રહે તે સ્વાભાવિક જ છે. Happy Birthday, Lata ji એ આશા ભોસલેનાં ચાહક દ્વારા લતા મંગેશકરનાં ગીતોને યાદ કરતાં કરતાં લતા મંગેશકરનાં દીર્ઘાયુની કામના છે. The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas, એ SoYની પરંપરાની પૉસ્ટ છે, જેમાં અનિલ બિશ્વાસ ને લતા મંગેશકરનાં ૩૦ ફિલ્મોના ૧૨૩ ગીતોનાં સહકાર્યમાંથી ચૂટેલાં ગીતોની સ-રસ રજૂઆત છે.

October sets in… oh yes, Happy Birthday Asha Parekh… માં ‘ફિર વહી દિલ લાયા હૂં’નાં ગીતો પસંદ કરયાં છે. જેમાનાં લાખોં હૈ નિગાહમેં સનમ હસીં જવાં સાંભળતાં ‘તુમસા નહીં દેખા’નું જવાનીયાં હૈ મસ્ત મસ્ત બીન પિયે યાદ આવે. લેખક કહે છે કે ગીતો બંને ગમે જ છે, પણ તુમસા નહીં દેખાનું ગીત જોવાનું અને ફિર વહી..નું ગીત સાંભળવાનું ગમે.

Gungunaoonga Yehi Geet Main Tere Liye – Remembering Sachin Dev Burman and Majrooh Sultanpuri – સચીન દેવ બર્મનની ૧૦૮મી અને મજરૂહ સુલ્તાનપુરીની ૯૫મી જન્મ જયંતિની યાદમાં લખાયેલ છે. લેખકને એવું વાંચ્યું હોવાનું યાદ આવે છે કે આ ધુનમાં તલત મહમુદની કંપન પસંદ ન હોવાને કારણે બર્મનદા આ ગીત માટે મોહમ્મદ રફીની તરફેણમાં હતા. પણ તે સમયના તેમના મદદનીશ જયદેવે તેમને તલત મહમૂદ માટે મનાવી લીધા હતા. રહીના ભલભલા ચાહકો ને જલતે હૈં જીસકે લિયેમાં તલત મહમૂદ બહુ જ ગમે છે એ વાતમાં શક નથી.

ગીતા દત્ત અને આશા બોસલેનાં બબ્બે ગીતોની પણ બહુ જ મજેદાર પૉસ્ટ પણ વાંચવાની અને માણવાની મજા આવશે.

Chali Re Chali Re Main toh Des Parayee (Saranga, 1961)માં સરાદાર મલિકે આશા ભોસલેનો બખૂબી ઉપયોગ કર્યો છે. Thank you for the music and memories, Asha ji! માં આશા ભોસલેના જન્મ દિવસના ઉપલક્ષમાં કેટલાંક ગીતો રજૂ કરાયાં છે, જેમાંથી 'કાશ્મીરકી કલી (૧૯૬૪)માં આશા ભોસલેએ જે લહેકથી આ ગુનગુનાહટને લહેરાવી છે તે ફરી ફરીને સાંભળાવાનું મન થશે.

ગીતા દત્તે ગાયેલું ગીત - ઋત ફિરે દિન હમારે - પ્યાસા (૧૯૫૭)માં સમાવાયું નથી, પણ સાહિર લુધ્યાનવી પર એક લેખ તો દરેક અઠવાડીયે કરવો જ એવી નીતિના પરિપાકરૂપે અહીં . Rut Phire Par din Hamare Phire Na (Pyaasa, 1957) સમાવાયેલ છે. નસરીન મુન્ની કબીરનાં Conversations with Waheeda Rehman'માં આ ગીત વિષેની વાત લેખક યાદ કરે છે. ફિલ્મ માટે ગીતનું શુટીંગ પણ કરી લેવામાં આવ્યું હતું,
બધાંને પસંદ પણ આવ્યું હતું, પણ વહીદા રહેમાનથી બોલી જવાયું હતું કે આ ગીત ફિલમની ગતિને ધીરી પાડી દેશે. ગુરૂદત્તે આ વાત સાંભળી હતી, એટલે પહેલાં જ સ્ક્રીનીંગ વખતે લોકોને આ ગીત વખતે ચા પાણી કરવા નીકળી પડતાં જોઇ, તેમણે ગીતને ફિલ્મમાંથી હટાવી નાખ્યું. આ પુસ્તકમાંના કેટલાક અંશ Excerpt | Conversations With Waheeda Rehmanમાં પણ વાંચી શકાય છે. ગીતા દત્તનું બીજું ગીત છે 'કાલા બાઝાર (૧૯૬૦)નું ગીતા દત્ત અને સુધા મલ્હોત્રાના યુગલ અવાજમાં ગવાયેલું ભજન - ના મૈં ધન ચાહું ના રતન ચાહું . Na Main Dhan Chahun Na Ratan Chahun (Kala Bazaar, 1960)માં લેખક યાદ કરે છે કે આ ગીત મૂળ તો જયદેવની રચના છે તેમ કહેવાય છે. અને આ વાતે નવાઇ ન લાગે, કારણ કે જયદેવે તે પછી હમ દોનો (૧૯૬૧)માં 'અલ્લાહ તેરો નામ" અને પ્રભુ તેરો નામ, જો પાયે ફલ પાયે..' જેવાં અમર ભજનો આપણને આપ્યાં જ છે.

ગુરુ દત્તની ૫૦મી મૃત્યુ તિથિના ઉપલક્ષમાં San San San Woh Chali Hawa – Kaagaz Ke Phool, 1959 માં તેની બહુ જ કરૂણ ફિલ્મનું એક મોજમસ્તીનું ગીત એટલે યાદ કરવું છે કે મૃત્યુ સમયે ગુરુ દત્ત માત્ર ૩૯ વર્ષના જ હતા.

તિથીઓની વાતમાં આગળ વધીએ

Happy 88th Birthday, Madam Noor Jehan!માં ૨૦૦૯થી દર વર્ષે નુરજહાંના જન્મદિવસે રજૂ થતી પોસ્ટની લિંક તો છે જ, તે ઉપરાંત '૯૦ના દાયકામાં બીબીસી પર રજૂઅ થયેલા નૂરજહાંના ઈન્ટરવ્યુની પણ ક્લિપ્સ પણ છે તેમાં તેમની ફિલ્મોની વાત તેમની નજરે જોવા/સાંભળવાનો અનેરો મોકો મળી રહે છે.

On Begum Akhtar's birth centenary, a musical tribute at her grave.માં બેગમ અખ્તરનાં જન્મનાં સો વર્ષ
બાદ હવે તેમની મઝારને ફરીથી મરમ્મત કરાઇ છે અને તેમની યાદને લગતા કાર્યક્રમ પણ નિયમિતપણે કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે.

How Begum Akhtar changed my life: a tribute on the singer's 100th birth anniversaryમાં નાનપણમાં સાંભળેલ બેગમની ગાયકીનાં પ્રેમ, આશ્ચર્યો, ઝટકા, એકલતા, જીવન સાથેનો આગવો રોમાંસ કે પોતાની જ ટેવો પર હસી નાખવાના છૂપા અનુભવોને આજે ૪૦ વર્ષની ઉમરે તિષા શ્રીવાસ્તવ ફરીથી જીવે છે.

The Lonely Ghazal Queen: Begum Akhtar સખેદ નોંધે છે કે બેગમ અખ્તર બહુ જ નની વયમાં ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. મહેંદી હસન, તલત મહમૂદ, મદન મોહન, પંડિત જસરાજ, અને પંડિત રવિશંકર જેવા દિગ્ગજો સહિત કેટલીય પેઢીઓને ગઝલો માણવાના અનેરા અવસર આપી ચૂક્યાં હતાં, એવાં બેગમ અખ્તરનું અંગત જીવન દુઃખ, પીડા, પોતાનાં જ લોકોના છેહ કે અતિ કષ્ટદાયક સંબંધોનાં કળણમાં ફસાયેલું રહ્યું હતું.

Unfathomable greatnessમાં સલીમ કીદવાઇ નોંધે છે કે ગાતી વખતે શબ્દોને તોડવા કે જોડવાની બાબતે બેગમ અખ્તરની સ્વાભાવિક કુશળતાથી સમજી શકાય છે કે તેઓનું ઉર્દુ ભાષા પર કેવું અદ્‍ભૂત પ્રભુત્વ હતું. ઉર્દુ ભાષા પર આટલું જ પ્રભુત્વ તેમનાં પછીના મહેંદી હસન કે ઇકબાલ બાનો કે ફરીદા ખાનુમ જેવાં કેટલાંક ગાયકોમાં જોવા મળ્યું છે.

Kishore Kumar’s duets by SD Burman - સચીન દેવ બર્મને બીજા કોઇ પણ પુરુષ ગાયક કરતાં વધારે (૧૧૫ ગીતો) કિશોર કુમાર સાથે કર્યાં છે. Surjit Singh’s siteઅનુસાર આમાંથી ૫૩ સોલો છે જ્યારે ૫૧ સ્ત્રી_પુરુષ યુગલ ગીતો, ૮ પુરુષ યુગલ ગીતો અને ૩ અન્ય ગીતો છે. આરાધના (૧૯૬૯) પહેલાંનાં આ પૈકી ઘણાં યુગલ ગીતો બહુ જ મધુર, મસ્તીભર્યાં અને એસ ડી બર્મન તેમ જ કિશોર કુમારાની કળાનાં વૈવિધ્ય જ્યાય આપી શકનારાં હતાં તે તો મોહમ્મદ રફીના અઠંગ ચાહકો પણ સ્વીકારે.

Geet Gaya Paththaron Ne – Rajakamal Studioમાં વી. શાંતારામની ફિલ્મોને બહુ પ્રેમથી યાદ કરાઇ છે. પોસ્ટને અંતે રાજકમલ સ્ટુડિયોની શકુંતલા(૧૯૪)૩થી પિંજરા (૧૯૭૩) સુધીની ફિલ્મોમાંથી એક એક ગીતની લિંક મૂકીને લેખનું મૂલ્ય અનેક ગણું વધારી દીધું છે..

My Favourites: Songs of Yearning - "કોઇક"નો ખ્યાલ બહુ ધુંધળો છે. સામાન્ય રીએ આપણને ખબર નથી હોતી એ વ્યક્તિ કોણ હશે, ક્યાં અને ક્યારે મળી જશે, અરે કદી મળશે કે કેમ તે પણ ખબર નથી હોતી.પણ આપણાં સ્વપ્નો, સંજોગો કે તક઼્દીર કોઇને તો આપણાં જીવનમાં 'વિશિષ્ટ' બનાવી જરૂર રાખે છે, જેની શોધ આપણો જીવન મંત્ર બની જતો હોય છે. અહીં આવી મીઠી તડપનાં ગીતો રજૂ થયાં છે.

Ten of my favourite string instrument songs માં કોઇ વિધિસરનું વાદ્ય વૃન્દ તંતુ વાદ્યો વગાડતું હોય તેમ નહીં, પણ વ્યાવસાયિક વાદ્ય કલાકારનો પાઠ ન ભજવી રહેલ અભિનેતા, કે અભિનેત્રીએ તંતુ વાધ વગાડતાં વગાડતાં ગાયેલાં ગીતોને યાદ કરાયાં છે.

Radio Playback Indiaમાં પંડિત હરિપ્રસાદ ચૌરસીઆની રાગ હંસધ્વનિની રજૂઆત મુકાઇ છે. રાગ હંસધ્વનિ સાથેનું મારૂં મૂળ મુદ્દે સંધાણ 'પરિવાર' (૧૯૫૬)નાં લતા મંગેશકર અને મન્નડેનાં બેનમૂન યુગલ ગીત "જા તો સે નહીં બોલું કન્હૈયા,રાહ ચલત પકડી મોરી બૈંયા'થી છે. તો વળી આ ગીતેને કારણે હંસધ્વનિમાં ગાયેલા તરાનાને કારણે ઉસ્તાદ અમીરખાં સાહેબ માટેનો આદર પણ અનેક ગણ્યો વધ્યો હતો. મજાની વાત તો એ છે કે હંસધ્વનિના આટલા અમથા પરિચયે જ મારી બહુ જ શરૂઆતની એક પોસ્ટના ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩ પણ લખાયા છે.

આપણે દર મહિને શ્રી સુરેશ ચાંદવણકરના લેખની પણ મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ઑક્ટોબર ગાંધીજીના જન્મનો મહિનો છે, જેના માટે શ્રી ચાંદવણકરે When Bollywood maestros collaborated to put a Gandhi prayer to melody. લેખમાં વસંત દેસાઇઅનાં સંગીતમાં મન્નાડે અને સાથીઓના સ્વરમાં ગાંધીજીની જ કાવ્ય રચનાને સ્વરબદ્ધ કરી તે (૭૮ આર પી એમની) રેકર્ડને યાદ યાદ કરાવી આપી છે.

How a goatherd and Mozart inspired the score for Bimal Roy’s 'Madhumati',માં બિમલ રોયનાં દીકરી રીન્કી રોય ભટ્ટાચાર્યએ લખેલ પુસ્તક Bimal Roy’s Madhumati: Untold Stories from Behind the Scenesમાંથી કેટલીક રસપ્રદ વાતો સંક્ષિપ્તમાં મુકાઇ છે.

તમિળનાડુનાં (માજી) મુખ્યંત્રી, જે. જયલલિતા, પણ ઑક્ટોબર માસમાં સમચારમાં ગાજ્યાં.એટલે તેમનાં ફિલ્મોને યાદ કરતો કોઇ લેખ ન થાય તો જ નવાઇ લાગે. Four dance sequences from classic Jayalalithaa moviesમાં તેમનાં બહુ જ પ્રચલિત એવાં ચાર નત્ય ગીતોને યાદ કરી તેમની નૃત્યકળાની યાદને (પણ) તાજી કરાઈ છે. આપણે તેમાંથી હિંદી ફિલ્મ ઇઝ્ઝત (૧૯૬૭)નું નૃત્ય ગીત - જાગી બદનમેં જ્વાલા, સૈયાં તૂને ક્યા કર ડાલા"ને અહીં યાદ કરીશું.

ચરિત્ર અભિનેતા મનમોહન કૃષ્ણ અચ્છા ગાયક પણ છે. MANMOHAN KRISHNA SINGS FOR OP NAYYAR માં તેમણે ગાયેલાં, ઓ પી નય્યરે સ્વર બદ્ધ કરેલાં બે, અનોખાં, ગેરફિલ્મી ગીતો યાદ કરાયાં છે. બંને ગીતો સરોજ મોહિની નય્યરે લખ્યાં છે.બુઝે દિયે હુઆ અંધેરા તો તેઓ બધાં લાહોર હતાં ત્યારે રેકોર્ડ થયું હતું. જ્યારે દિયા તો જલા સબ રાત રે બાલમ પછીથી ફિલ્મ ‘ઢાકે કી મલમલ’માં સી એચ આત્માના અવાજમાં પણ રજૂ થયું છે.

આ અંકની શરૂઆત આપણે Songs..Books….and Moreથી કરી અને અંત પણ ત્યાં જ મુકાયેલ મોહમ્મદ રફીનાં, એક બહુ અનોખા સંજોગોમાં ગવાયેલાં, ગીતથી કરીશું. Sabhi Kuch Lutakar (Singer – Mohd Rafi, Movie Indrani, 1958) - એ બહુ જ મજાનું રોમેન્ટીક ગીત છે, જે બંગાળી ફિલ્મમાં હિંદી ગીતનાં સ્વરૂપે ફિલ્મમાં મુકાયું છે.

ઑક્ટોબર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
‘બંદીશ એક, સ્વરૂપ અનેક’ –(૨) : વૈષ્ણવજન
ફિલ્મી ગીતોમાં પત્રો (૧)
કાનનદેવી
દુર પપીહા બોલા… – ઉત્તરાર્ધ
                                                             પ્રકાશિત થયેલ છે.