Saturday, April 30, 2016

સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી - લતા મંગેશકરનાં યુગલ ગીતો



 સચિન દેવ બર્મને લતા મંગેશકર માટે રચેલાં ૧૮૨ ગીતોમાંથી ૧૩૨ ગીતો સૉલો ગીતો છે, જ્યારે ૫૦ જ યુગલ ગીતો છે. પરંતુ સચિનદાનાં સૉલો ગીતોએ ગાયકની ખૂબીઓનો જે કમાલથી ઉપયોગ કર્યો છે તેટલી જ સહજતાથી યુગલ ગીતોમાં પણ તેમણે ગાયકોના સ્વરને નવા આયામ બક્ષ્યા છે. સચિન દેવ બર્મનનાં યુગલ ગીતો તેમનાં સંગીતની નવી જ દિશાઓ ખોલી આપે છે.
સચિન દેવ બર્મન સક્રિય રચનાકાળના ત્રણે ત્રણ સમયખંડમાં લતા મંગેશકરનું સ્થાન એક ખાસ મહત્ત્વ ધરાવતું રહ્યું છે. ૧૯૫૮થી ૧૯૬૨ના સમય દરમ્યાન રહેલા એ બંનેના અણબનાવને કારણે સચિન દેવ બર્મને આશા ભોસલે જેવી ગાયિકા પાસેથી જે કંઇ કામ લીધું તે કામનાં વૈવિધ્ય અને ઊંડાણમાં સચિનદાના ચાહકો તેમની અને સંગીતના ચાહકો ગાયક ઉપર સર્જક તરીકે સંગીતકાર તરીકેની સરસાઈ જૂએ તો એ દૃષ્ટિકોણ ખોટો નહોતો તેમ કહી શકાય. પણ એક સાચા સર્જક અને વ્યાવસાયિક તરીકે સચિન દેવ બર્મન સમજતા હશે કે સરવાળે બધાંને પક્ષે ક્યાંકને ક્યાંક, દેખાતું કે ન દેખાતું, ઓછે વત્તે અંશે નુકસાન તો છે જ. ૧૯૬૨ની ફિલ્મ 'ડૉ. વિદ્યા' માં તેમણે બંને ફરીથી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ૧૯૬૩માં આવેલી 'બંદીની'માં તેમણે લતા મંગેશકરનાં અને આશા ભોસલેનાં શ્રેષ્ઠતમ પૈકીનાં સૉલો ગીતોને એક જ ફિલ્મમાં મુકીને આ વાતની એક રીતે જડબેસલાક સાબિતી મૂકી દીધી. 
આ વાતનો  અહીં ઉલ્લેખ કરવાનો આશય સચિન દેવ બર્મનનાં યુગલ ગીતોનાં તેમનાં સંગીતમાંના મહત્ત્વ તરફ ફરી એક વાર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
સચિન દેવ બર્મનનાં લતા મંગેશકરનાં મોહમ્મદ રફી સિવાયનાં અન્ય ગાયકો સાથેનાં યુગલ ગીતોની પણ આપણે સમય આવ્યે વાત કરીશું.
મુઝે પ્રીત નગરીયા જાના હૈ, દિલસે દિલ કૈસે સમજાઉં - એક નઝર (૧૯૫૧) - પર્દા પર કલાકાર : રહેમાન, નલીની જયવંતગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ

માત્ર આંકડાઓની તવારીખની દૃષ્ટિએ જોતાં ૧૯૫૧ પછી છેક ૧૯૬૨માં મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં સચિન દેવ બર્મનનું યુગલ ગીત જોવા મળે છે. આ પ્રકારની ઘટનાનાં કંઈ કેટલાંય અથઘટનો એ સમયમાં પણ થયાં હતાં, અને આજે પણ કરવાં હોય તો કરી શકાય.
આપણે તો એક જ બાબતની નોંધ લઈશું - આ સમયમાં કિશોર-લતા, તલત-લતા, હેમંત-લતા, મન્ના ડે-લતા એવી કેટલીય જોડીઓનો સચિન દેવ બર્મને બહુ જ અસરકારક અને સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. એ દૃષ્ટિએ જોઈએ તો એમ કહી શકાય કે સચિન દેવ બર્મન યુગલ ગીતોની બાબતે હજૂ સુધી કદાચ કોઈ એવા ઢાંચામાં નહોતો પડ્યા જેમાં કોઈ ચોક્કસ બે ગાયકોને ધ્યાનમાં રાખીને ગીતોની તર્જ બનાવે. ૧૯૫૭ પછીથી મોહમ્મદ રફીની સાથે સચિન દેવ બર્મનનું સંયોજન બહ મજબુત બની ચુક્યું હતું, પણ લગભગ એ જ ગાળામાં તેમને લતા મંગેશકર સાથે કોઈક વાતે અણબનાવ પણ થયો હતો, જે ૧૯૬૨માં ફરી સામાન્ય સ્થિતિમાં પરિણમ્યો. એ વાતની અહીં નોંધ લેવાથી રફી-લતા જોડીને નજરઅંદાજ કરાયેલ છે તેવી માન્યતા બંધાતી અટકી જશે.
શીશે કા હો યા પથ્થરકા હો દિલ - બાત એક રાત કી (૧૯૬૨) - પર્દા પર કલાકારો:  ચંદ્ર શેખર અને વહીદા રહેમાન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સ્ટેજ પર ભજવાઈ રહેલ એક નૃત્ય ગીત.... મોહમ્મદ રફીને ફાળે તો તેમની પોતાની આગવી અદામાં ગાવા માટે સાખીમાં મૂકાયેલો એક શેર જ છે.

મૈં કલ ફિર મિલુંગી - ડૉ. વિદ્યા (૧૯૬૨) - પર્દા પર કલાકારો : મનોજ કુમાર, વૈજયંતિ માલા – ગીતકાર:  મજરૂહ સુલ્તાનપુરી
આ ધુનનો બે જ વર્ષમાં સચિનદા 'કૈસે કહું'નાં રફી-આશાનાં યુગલ ગીત 'કિસીકી મુહબ્બતમેં સબ કુછ લુટાકે'માં ફરીથી ઉપયોગ કરવાના છે.

તેરે બિન સુને નૈન હમારે...બાત કરત ગયે સાંજ સિતારે - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) - પર્દા પર કલાકારો : અશોક કુમાર, આશા પારેખ ગીતકાર: શૈલેન્દ્ર
રફી-લતાનાં યુગલ ગીતોમાં સદા મોખરાની હરોળમાં ગણાતું આ યુગલ ગીત ગાયકો, સંગીતકાર અને ગીતકાર બધાંની ખૂબીઓના મહાસંગમની નિપજ કહી શકાય.

તેરે ઘરકે સામને એક ઘર બનાઉંગા….દુનિયા બસાઉંગા તેરે ઘરકે સામને - તેરે ઘરકે સામને (૧૯૬૩) - પર્દા પર કલાકારો : દેવ આનંદ, નુતનગીતકાર : હસરત જયપુરી
પીણાંથી ભરેલા ગ્લાસમાં નુતનનાં પ્રતિબિંબને ઝીલવાની સૂઝ વિજય આનંદની ગીતનાં ચિત્રાંકન કરવાની સૂઝ ચિત્રાંકન કરવાની કળાનાં ટેક્ષ્ટ-બુક ઉદાહરણની ગણનામાં બેસે છે.

દેખો રૂઠા ન કરો, બાત નઝરોંકી સુનો…. હમને બોલેંગે સનમ, તુમ હમેં ન સતાયા કરો - તેરે ઘરકે સામને (૧૯૬૩) - પર્દા પર કલાકારો : દેવ આનંદ, નુતનગીતકાર : હસરત જયપુરી
પ્રેમિકાનું રૂઠવું અને પ્રેમીનું મનાવવું એ હિંદી ફિલ્મોમાં ગીતની સીચ્યુએશન માટેનો સ્ટેપલ ફુડ ગણી શકાય. પણ સંગીતકાર, ગાયકો અને ગીતકારે મળીને તૈયાર કરેલ ઘટકોને દિગ્દર્શકે એક સાવ અનોખી, મધુર, ફરીને ફરીને જોવી સાંભળવી ગમે તેવી રચનાનાં સ્વરૂપમાં રજૂ કરી દીધી છે.

ચંપાકલી દેખો ઝુક સી ગયી રે, જાદુ કિયા તેરે પ્યારને... - ઝીદ્દી (૧૯૬૪) - પર્દા પર કલાકારો: જોય મુખર્જી, આશા પારેખ – ગીતકાર: હસરત જયપુરી
જોય મુખર્જીની ફિલ્મોમાં સંગીત હંમેશાં બહુ જ મજબુત પાસું રહ્યું હતું.

આ પછી ૧૯૬૫માં આવેલી 'ગાઈડ'માં રફી સૉલો ગીતોમાં છવાયેલા રહ્યા પણ લતા મંગેશકર સાથેનું એક માત્ર યુગલ ગીત સચિનદાએ કિશોરકુમારને ફાળવ્યું. તે પછીથી આવેલ 'જ્વેલ થીફ' અને તેનાથી પણ પછીથી આવેલી ફિલ્મોમાંનાં રફી-બર્મનનાં સહકાર્યનાં અંત સુધી રફીનાં સૉલો ગીત અપવાદ રૂપે જ આવ્યાં. પણ હજુએ રફી-લતાનાં યુગલ ગીતોમાં '૫૭-૬૭ના દાયકાની એ લય, એ મીઠાશ, ગાયકોનું એ સાયુજ્ય કાયમ રહેલાં જ જોવા મળે છે.
દિલ પુકારે આરે આરે..અભી ના જા મેરે સાથી.. - જ્વેલ થીફ (૧૯૬૭) - પર્દા પર કલાકારો: દેવ આનંદ, વૈજયંતિમાલા ગીતકાર:  મજરૂહ સુલ્તાનપુરી
કહેવાય છે કે ફિલ્મનાં ગીતો મૂળે શૈલેન્દ્ર લખવાના હતા. પરંતુ તેમની 'તીસરી કસમ'ની નિષ્ફળતાએ તેમની કલમ "રૂલાકે ગયા સપના મેરા" જેવા પ્રોફેટીક ગીતને લખીને કાયમ માટે થંભી ગઇ. ફિલ્મનાં બીજાં બધાં, અલગ અલગ ભાવનાં, ગીતોમાં મજરૂહ સુલ્તાનપુરીની વર્સેટીલીટી એટલી જ સ્વાભાવિકતાથી ગોઠવાઈ ગઈ છે.

બાગોંમેં બહાર હૈ, કલિયોં પે નિખાર હૈ.... - આરાધના (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેશ ખન્ના (દીકરાના બીજા રોલમાં) ફરીદા જલાલ
બે યુવાન પ્રણયી જીવડાંઓનાં મિલનને દરમ્યાન થતી વાતચીતને સંગીતમય મુલાકાતની યાદગાર પળોમાં ફેરવી નાખી શકે તેવી ધુન, એટલી જ મધુર સંગીતગુંથણી અને એટલી જ જીવંત ગાયકોની ગાયકીએ આ ગીતને પણ એ સમયે અદ્‍ભુત સફળતા અપાવી હતી. 

પલકોં કે પીછેસે  તુમને ક્યા કહ ડાલા, ફિર સે તો ફરમાના...- તલાશ (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેન્દ્ર કુમાર શર્મિલા ટાગોર - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
'૫૭-'૬૭માં તેની પરાકાષ્ઠાએ પહોંચેલ જ્યોત હજૂ પણ એટલો જ પ્રકાશ આપી રહી છે. રાજેન્દ્ર કુમારની અદાઓને છાજે તેવી ગાયકીની હરકતો પણ મોહમ્મદ રફી એટલી જ સ્વાભાવિકતાથી ફરમાવી રહ્યા છે..સચિનદાની મીઠાશ ભરી ધુન અને વાદ્યસજ્જાની સંરચનાની હથોટી પણ એટલી જ સજ્જ છે.


આજ કો ઝુનલી રાતમા ધરતી પર હૈ આસમાં - તલાશ (૧૯૬૯) - પર્દા પર કલાકારો : રાજેન્દ્ર કુમાર શર્મિલા ટાગોર - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
લોકગીતના ઢાળની ધુનને કેટલી સરળતાથી સજ્જ કરી શકાઈ છે !!

યે દિલ દીવાના હૈ, દીવાના હૈ યે દિલ...દીવાના - ઈશ્ક઼ પર જોર નહીં (૧૯૭૦) - પર્દા પર કલાકારો : સાધના - ગીતકાર આનંદ બક્ષી
શમામાં હજૂ પણ આટલી રોશની હોય, તો કોને અંદાજ આવે કે એ તો હવે બુઝતી જાય છે......

તેરે નૈનોંકે દીપ મૈં જલાઉંગા - અનુરાગ (૧૯૭૨) - વિનોદ મહેરા, મૌસમી ચેટર્જી - ગીતકાર : આનંદ બક્ષી
ગીતની ધુન દેખીતી રીતે બહુ સાદી અને સરળ છે, પરંતુ રફી-લતાની ગાયકીએ તેને સરેરાશ ગીતોથી બે એક કદમ ઉપર જરૂર મૂકી આપી છે.

તેરી બિંદીયા રે.. આય હાય તેરી બિંદીયા રે - અભિમાન (૧૯૭૩) - પર્દા પર કલાકારો અમિતાભ બચ્ચન, જયા ભાદુરી - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
સચિનદા-રફીની છેલ્લી ફિલ્મ 'ઈશ્ક઼ પર જોર નહીં' પછીની ફિલ્મોમાં ગત પેઢીના લગભગ બધા જ કલાકારો માટે સચિનદા કિશોર કુમારનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. 'અભિમાન'માં પણ નવી પેઢીના હીરો અમિતાભ માટે પણ સૉલો કે પ્રેમની લાગણીની રજૂઆત કરતાં યુગલ ગીત જેવાં ગીતો તો કિશોર કુમારને ફાળે જ રહ્યાં હતાં. પણ જ્યારે પતિનો અવાજ ખીબ જ પ્રસિદ્ધ થ ઈ ચૂકેલ પત્નીના અવાજની બરોબરી કરી શકે છે એવું બતાવવાની વાત આવી ત્યારે સચિન દેવ બર્મનની પસંદ આજે પણ હજૂ મોહમ્મદ રફી પર જ ઢળતી જણાય છે. મોહમ્મદ રફી પોતાની ભૂમિકાને પૂરેપૂરો ન્યાય આપવામાં શતપ્રતિશત સફળ પણ રહ્યા છે..


પરંતુ લાગણીશૂન્ય ઈતિહાસની તવારીખમાં સચિન દેવ બર્મન-મોહમ્મદ રફીની યુગલ ગીતોની ખાતાવહીને ચોપડે આ અંતિમ ગીત બની રહ્યું.
હવે પછી સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં યુગલ ગીતો

Tuesday, April 26, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં એપ્રિલ, ૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૫નાં વર્ષના અંતિમ સંસ્કરણમાં આપણે સપ્ટેમ્બર ૨૦૧૫માં પ્રકાશિત થયેલ ISO 9001:2008 ની સંવર્ધિત આવૃતિ, ISO 9001:2015 માં કરાયેલા મુખ્ય ફેરફારો નો પરિચય કર્યો હતો. તે પછી આપણે ISO 9001:2015માં કરાયેલા ફેરફારોની એક એક કરીને ચર્ચા કરવાની સાથે આપણે અન્ય બ્લૉગ્સની પણ મુલાકાત કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપક્રમમાં, જાન્યુઆરી, ૨૦૧૬માં આપણે 'ISO 9001:2015માં પ્રક્રિયા અભિગમ' વિષે વાત કરી હતી. તે પછીથી, ફેબ્રુઆરી, ૨૦૧૬ માં આપણે 'ISO 9001:2015માં જોખમ આધારિત વિચારસરણી' વિષે વાત કરી હતી. માર્ચ, ૨૦૧૬માં આપણે જોખમ આધારિત વિચારસરણીની સમજ માટે વ્યાપક દૃષ્ટિકોણનું ફલક અપનાવ્યું હતું.
આ મહિને આપણે સંસ્થાનાં ગુણવત્તા સંચાલન તંત્રના વ્યાપને સંસ્થાના સંદર્ભ સાથે સાંકળવાની આવશ્યકતા વિષે વિચાર કરીશું.
'Context'ને મેર્રીઅમ વેબસ્ટર ડિક્ષનરીમાં બહુ સરસ રીતે સમજાવેલ છે. ગુજરાતી લેક્ષિકોન પર આપણને તેનો ગુજરાતીમાં અર્થ "શબ્દ કે લખાણનો પૂર્વાપર સંબંધ, સંદર્ભ" તરીકે જોવા મળે છે. આમ જોઈ શકાય છે કે 'સંદર્ભ' પૂર્વાપર સંબંધ સાથે નિસ્બત ધરાવે છે. એ દૃષ્ટિએ જોતાં 'સંસ્થાનો સંદર્ભ' એ એવી પરિસ્થિતિ છે છે જેના પૂર્વાપર સંબંધમાં સંસ્થા કામ કરી રહેલ છે / કામ કરતી રહેશે.

What is the Context of the Organization? ઈટાય અબુહાવ
ISO 9001:2015 પ્રમાણે સંસ્થાનો સંદર્ભ એટલે સંસ્થાનાં કાર્યક્ષેત્રનાં વાતવરણને ઘડતાં, કે તેના પર પ્રભાવ પાડતાં નિયોજિત કાર્યો, પ્રક્રિયાઓ, નિવિષ્ટિઓ અને નિપજો, તેમજ મર્યાદાઓ, જેના દ્વારા કોઈ પણ સંસ્થા તેની અંદર કે બહાર કાર્ય કરે છે, અંદર કે બહારનાં ઘટકો સાથે સંબંધ ધરાવે છે અને સંસ્થાને લગતી માહિતી જે બધાં અંતરાયોમાંથી ગળાઈને વહે છે.
સંસ્થાનાં ઘટકોને સંકલિત કરવાથી સંસ્થાનો સંદર્ભ ઘડાય છે. ISO 9001:2008માં તેને 'મુખ્ય પ્રક્રિયાઓના સંબંધ અને ઘટનાક્રમ' (૪.૧.બી) અને તેમનાં આકૃતિ કે અન્ય કોઈ પણ ઉચિત પદ્ધતિથી કરાયેલ વર્ણન'એ શબ્દોમાં રજૂ કરાયેલ.
How to identify the context of the organization in ISO 9001:2015 - સ્ટ્રઈન્ય સ્ટોયાનોવિક (Strahinja Stojanovic)
સંસ્થાનો સંદર્ભ એ ISO 9001નાં ૨૦૧૫ સંસ્કરણમાં સુચવાયેલ નવી આવશ્યકતા છે. સંસ્થાના વ્યૂહાત્મક ઉદ્દેશ્યો અને ગુણવત્તા સંચાલન તંત્રનાં આયોજન પર અસર કરતાં આંતરિક અને બાહ્ય પરિબળોને વિચારણામાં લેવાનું હવે આવશ્યક કરવામાં આવેલ છે. આમ કલમ ૪ અંગેની વિચારસરણી અને તેના અમલમાં ઘણો મોટો ફેરફાર કરાયો છે. સંસ્થાના સંદર્ભને લગતી આવશ્યકતાનું શાબ્દિક વર્ણન પહેલી નજરે થોડું અચોક્કસ કદાચ જણાશે. એટલે આ કલમની આવશ્યકતાની પૂર્તતા કરવા માટે શું કરવું પડશે?
ISO 9001:2015ની કલમ ૪ મુજબ સંસ્થાના સંદર્ભ અંગે વિચાર કરવા માટે સંસ્થાએ પોતાનું અને પોતાના સંદર્ભનું મૂલ્યાંકન કરવાનું રહે છે. એટલે સંસ્થા પર અસર કરતાં જૂદાં જૂદાં પરિબળોને સંસ્થાએ ઓળખી અને ગુણવત્તા સંચાલન તંત્ર, સંસ્થાનાં વાતાવરણ, ઉદ્દેશ્યો અને લક્ષ્યો,પેદાશોની જટિલતા, પ્રક્રિયાઓના ને માહિતી પ્રવાહ સંસ્થાનું કદ, બજારો, ગ્રાહકો જેવાં ઘટકો પર તેની અસરો નક્કી કરવાની રહે છે. આના વડે સંસ્થાના સંદર્ભમાં સંસ્થાને લાગૂ પડતાં જોખમો અને તકોનું પણ મૂલ્યાંકન શકય બને છે.
શરૂઆત ક્યાંથી કરવી ?
સૌથી પહેલાં તો એ નક્કી કરી લેવું પડે કે નવાં સંસ્કરણની કઈ કઈ આવશ્યકતાઓ હાલમાં સંતુષ્ટ થઈ રહી છે, જેમકે ISO 9001:2008માં સૂચવાયેલ ગુણવત્તા મેન્યુઅલની આવશ્યકતા હવે નવાં સંસ્કરણમાં આ કલમમાં આવરી લેવાયેલ છે.
બાહ્ય સંદર્ભ નક્કી કરવા માટે સંસ્થાની આસપાસના સામાજિક, ટેક્નોલોજીને લગતા, પર્યારવરણને લગતા, નૈતિક, રાજકીય, કાયદાકીય અને આર્થિક વાતાવરણને લગતા મુદ્દાઓ વિચારણામાં લેવા જોઈએ. જેમ કે:
સરકારી નિયમનો અને કાયદાના ફેરફારો
સંસ્થાનાં બજારોમાં થતા આર્થિક ફેરફારો
સંસ્થાને અનુભવવી પડતી હરિફાઈ
સંસ્થાની છાપને અસર કરતી ઘટનાઓ
ટેક્નોલોજીના ફેરફારો
સામાન્યતઃ, સંસ્થાના મુખ્ય સંચાલક કે વરિષ્ઠ સંચાલક મંડળનાં સભ્યોનાં દિમાગમાં તો આ બધી બાબતો રમ્યા જ કરતી હોય છે, પરંતુ ઘણી વાર તેની સુનિયોજિત સ્વરૂપે વિચારણા કે દસ્તાવેજીકરણ નથી થતું. આ માહિતી એકઠી કરવા માટેના શ્રેષ્ઠ માર્ગો પૈકી એક છે સામુહિક વિચાર મંથન. આ બધી માહિતિને પદ્ધતિસરની તંત્રરચનામાં મૂકવાથી સંસ્થા તરીકે આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પડકારોના સંદર્ભમાં કેટલાં પાણીમાં છીએ તેની મૂલ્યાવન માહિતી, સંસ્થામાં જરૂર પડે ત્યારે, તરત જ મળી શકે છે.
ISO 9001ના પરિપ્રેક્ષ્યમાં સંસ્થાનો સંદર્ભ નક્કી કરવા માટે કોઈ ચોક્કસ રીતો નથી સૂચવાઈ, તેથી આપણે અહીં જણાવી છે તેવી, ચાર પગલાંની, એક સરળ અને વ્યવહારૂ રીતની વાત કરીશું:
૧. સંસ્થાનાં ઉત્પાદનો, સેવાઓ, રોકાણ કે હિતધારકોને અસર કરી શકે તેવાં આંતરિક પરિબળો નક્કી કરો.
૨. સંસ્થાનાં ઉત્પાદનો, સેવાઓ, રોકાણ કે હિતધારકોને અસર કરી શકે તેવાં બાહ્ય પરિબળો નક્કી કરો.
૩. હિતધારકો કોણ છે અને તેમની આવશ્યકતાઓ શી છે તે નક્કી કરો.
૪. ઉપર મુજબ નક્કી થયેલ આંતરિક અને બાહ્ય પરિબળો તેમ જ હિતધારકોને લગતી જૂદી જૂદી બાબ તોની નિયમિતપણે સમીક્ષા થતી રહે અને પદ્ધતિસર રીતે દેખરેખ થતી રહે તેવી તંત્રવ્યવસ્થા ગોઠવો.
સંસ્થાને લગતા આંતરિક મુદ્દાઓમાં
          નિયમન આવશ્યકતાઓ
          નીતિઓ અને ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટેની વ્યૂહરચનાઓ
          કર્મચારીઓ, ભાગીદારો કે પુરવઠાકારો સહિતના હિતધારકો
          સંસાધનો અને જાણકારી (મૂડી, લોકોનો અનુભવ, પ્રક્રિયાઓ અને ટેક્નોલોજી)
          જોખમ માટેની આંતરિક (સ્વાભાવિક) મનોવૃત્તિ
          અસ્કયામતો
          ઉત્પાદનો અને સેવાઓ
          સંસ્થાએ અપનાવેલ સ્ટાન્ડર્ડ્સ, માર્ગદર્શિકાઓ અને મૉડેલ્સ
          માહિતી તંત્ર
જેવી બાબતો આવરી લેવી જોઈએ.
ISO 9001:2008 vs. ISO 9001:2015 – Context of the Organization - ઈટાય અબુહાવ – ISO 9001:2008માં એ જોવાનું આવશ્યક હતું કે સંસ્થાનું ગુણવત્તા સંચાલન તંત્ર સર્વસામાન્ય આવશ્યકતા પૂરી કરે છે કે કેમ. ISO 9001:2015 અને તેમાં જણાવેલ 'સંસ્થાના સંદર્ભ'ની દૃષ્ટિએ સંસ્થાની ગુણવત્તા સંચાલન તંત્રપ્રણાલિને અસર કરતાં (કે અસર કરી શકતાં) આંતરિક અને બાહ્ય પરિબળોનું ઝીણવટથી પરિક્ષણ કરવું આવશ્યક છે.


'સંસ્થાના સંદર્ભ'ને સમજવામાં અને નક્કી કરવામાં બીજું એક પરિબળ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે છે - હિતધારકો. તેના વિષે આપણે આપણા બ્લૉગોત્સવના મે, ૨૦૧૬ના અંકમાં વાત કરીશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ, ASQ’s Influential Voiceમાં ની ગોળમેજી ચર્ચામાં 'ગ્રાહકનો અવાજ (Voice of Customer)'ને રજૂ કરવાની સાથે સાથે - ગુણવત્તા વ્યાવસાયિકો માટે 'ગ્રાહકનો અવાજ' એટલે શું? તેનું મહત્ત્વ શું? એ માહિતી એકઠી કરવાની કઈ છે?, જેવા - મુદ્દાઓને આવરી રહે છે. લુસીઆના પૌલીસ ગ્રાહકનો અવાજ અંકે કરવા માટેનાં કેટલાંક નવાં સાધનોની ચર્ચા કરે છે. પૅમ સ્કૉડ્ટનું કહેવું છે કે VoC સ્ટાન્ડર્ડ્સ એકત્ર કરવાની શ્રેષ્ઠ રીત તો રૂબરૂ મુલાકાત પછી લખાણમાં લીધેલ અને ચકાસેલ વિસ્તૃત વિગતવિવરણ (specifications) જ છે. ડૉ. સુરેશ ગેટ્ટાલા માટે, કહીસુની અટકળો નહીં પણ ગ્રાહકના મોઢેથી સીધું જ જાણવું મહત્ત્વનું છે. લુઈગી સીલ્લૅ માહિતી એકઠી કરવા જેટલું જ મહત્ત્વ તેના યથોચિત ઉપયોગને પણ આપે છે. તેમનું કહેવું છે કે માહિતી એકઠી કરવામાં મહેનત કર્યા બાદ જો તેને અસરકારકરૂપે કામે ન લગાડાય તો બધા પ્રયત્નો પાણીમાં ગયા બરાબર છે..
આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :
§  Metrics for Management  : ટીમ ઍડમ્સ, એન્જિનીયરીંગ પ્રતીતીકરણ વિશેષજ્ઞ, નાસા,એ ૨૦૧૫ની ASQ World Conferenceમાં તેમનાં ગુણવત્તા અને સુધારણા વિષય પરનાં પ્રેઝન્ટેશન વિષે ASQ TVસાથે થોડી વાત કરી. આ ચર્ચા દરમ્યાન ઍડમ્સએ મેટ્રિક્સને નક્કી કરવા અને તેનો ઉપયોગ કરવા બાબતે કેટલાક માર્મિક મુદ્દાઓની પણ ચર્ચા કરી હતી.
§  Benchmarkingમાં શ્રેષ્ઠ કાર્યપ્રણાલિને આધાર માપદંડ રાખવાની તકનીક (benchmarking), એ પ્રક્રિયાની સફળતા માટે ભલામણ કરાતા છ તબક્કાઓની સમજ મેળવવાની સાથે સાથે benchmarkingના અતિમહત્ત્વનાં ઘટક - મેટ્રિક્સ- સાથે પુનઃપરિચત પણ થશું.
§  The Torque Chain of Quality Large - વધારે માહિતી માટે www.srtorque.comની મુલાકાત લો. દરરોજની torque ચકાસણી વધારે ને વધારે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી બની ગઈ છે. પણ તેનાથી ભૂલો થતી અટકી જ શકે? ના, અને કદાચ વિપરીત પણ થાય... જો આપણું ટૉર્ક વાંદરી પાનું જ જો ટોર્કની સ્વીકૃત-સીમાની મર્યાદામાં નહીં હોય,તો દરરોજની ચકાસણી સલામતીની ખોટી લાગણી પેદા કરી રાખશે. આ વિડિયો અને તે પછીની દરેક લિંક આપણને ગુણવત્તા સાંકળની દરેક કડી સાથે પરિચય કરાવી કયા કયા તબક્કે ભૂલો થઇ શકતી હોય (કે અસ્થાને રહેલા વધારે પડતા વિશ્વાસને કારણે ભૂલો નજરમાં જ ન આવતી હોય) તેની સમજ પાડે છે.
Jim L. Smithનાં માર્ચ, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.

  • Integrate DFSS with Existing Design Processesઘણી સંસ્થાઓ તેમની ડિઝાઈન
    પ્રક્રિયાઓને
    Design for Six Sigma [DFSS] વડે બદલી નાખવાની ભૂલ કરી બેસતી હોય છે. યાદ રહે કે DFSSનો આશય ક્યારે પણ સંસ્થાની ડિઝાઈન પ્રક્રિયાને પૂરેપુરી રીતે બદલી નાખવાનો હતો જ નહીં.
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....