Sunday, May 21, 2017

'સાર્થક - જલસો :૮':મે, ૨૦૧૭



'જલસો'ના પ્રકાશક 'સાર્થક પ્રકાશન'ની વેબસાઈટ પર 'જલસો' વિષે આ મુજબ કહેવાયું છે -"રસાળ પણ છીછરી નહીં, મનોરંજક પણ ચીલાચાલુ નહીં, અભ્યાસપૂર્ણ પણ માસ્તરીયા નહીં, ઊંડાણભરી પણ શુષ્ક નહીં, સાહિત્યિક પણ પાંડિત્યપૂર્ણ નહીં, વર્તમાન સાથે નાતો ધરાવતી પણ છાપાળવી નહીં- એવી વાચનસામગ્રીનો સંચય એટલે સાર્થક જલસો.’"
પડકાર નાનો સૂનો નથી એ વાત જેટલી નક્કી છે તેટલી જ હદે 'સાર્થક-જલસો' તેના દરેક અર્ઘવાર્ષિક અંકમાં આ પડકારને કેવી રીતે ઝીલી લેશે તે જાણવાવાંચવાની ઈંતેઝારી પણ વાચકના મનમાં સળવળતી જ રહે છે.
છ મહિનાના એક ઔર ઈંતઝારનો અંત આવી ગયો છે 'સાર્થક - જલસો ૮'ના પ્રકાશનથી. દરેક અંકની જેમ, 'સાર્થક - જલસો ૮'ની સામગ્રી વૈવિધ્યપૂર્ણ તો છે જ, વળી  પ્રસ્તુત અને રસપૂર્ણ પણ એટલી જ છે.
જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈની ખાસ નજરથી જોવાયેલાં દૃશ્યોને આપણે 'જલસો'ના એક સિવાયનાં બધાં જ મુખપૃષ્ઠો તરીકે જીવંત થતાંઅનુભવ્યાં છે. પહેલી નજરે સાવ અલગઅલગ જણાતી આ તસવીરોમાં સામ્ય હોય તો એટલું એ કે એમાં જલસો અને સાર્થકનો ભાવ તાદ્રશ્ય થાય છે. 'જલસો-૮'ની તસવીરમાં પણ વાંસળી વેચવાવાળાની નિજમસ્તી છલકે છે. તેના ભાથામાં દેખાતી અનેક પ્રકારની વાંસળીઓ આપણને આ અંકમાં અપેક્ષિત વૈવિધ્યના સુર માણવા માટે તૈયાર કરે છે.
બિનીત મોદીએ 'ઍક્શન રિપ્લે - તારક મહેતા (૧૯૨૯-૨૦૧૭)ને સાર્થક અંજલિ'માં તારક 'ઊંધાં ચશ્માં' મહેતાને તસવીરી અંજલિ સંકલિત કરી છે. ચાર પાનાંઓમાં ફેલાયેલી તારક મહેતાની તસવીરોમાં તેમની જીવનયાત્રામાં તેમણે ભજવેલ અંગત જીવનમાંના તેમજ મચ પરના કીરદારોને જીવંત કરાયાં છે.
રામચંદ્ર ગુહા એવા અર્વાચીન ઈતિહાસકારોમાંના છે જે પોતે પોતાના વિષય માટે ઊંડાણથી સંશોધન કરે છે અને ખાસી તટસ્થતાથી વિષયની રજૂઆત કરે છે.  તેમનાં ઘણાં પુસ્તકો પૈકી India After Gandhiનો ભારતની ઘણી ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. હવે સાર્થક પ્રકાશન તેને 'ગાંધી પછીનું ભારત' અને નહેરુ પછીનું ભારત' એમ બે ભાગમાં ગુજરાતીમાં રજૂ કરવાનું છે. 'કાશ્મીર - રક્તરંજિત અને રળિયામણો ખીણપ્રદેશ' એ પુસ્તકમાં આવરી લેવાયેલ કાશ્મીરવિવાદનાં મૂળની તવારીખ આપણી સમક્ષ રજૂ કરે છે.
આમ તો એમ કહી શકાય કે અગ્નિ અને પૈડાંની શોધથી માનવે યંત્રયુગનો પાયો નાખી દીધો હતો. પરંતુ લગભગ ૧૭૬૦થી ૧૮૨૦-૪૦ના સમય દરમ્યાન માનવકૌશલ્યનું સ્થાન મશીનોએ લઈ લેવામાં મહદ અંશે સફળતા મેળવી લીધી હતી. એ પછી તો કુદકે ને ભુસકે માનવી યંત્ર વડે કામ કરવાને બદલે યંત્ર માટે કામ કરતો થઈ ગયો. કૃષિક્ષેત્રની સાથે ઉત્પાદન ક્ષેત્ર જેટલું જ કે, તેથી વધારે મહત્ત્વનું વિશ્વ અર્થકારણમાં સેવા ક્ષેત્ર બની રહ્યું. આ દરેક તબક્કે 'મશીનો બધું કામ કરશે તો માણસો શું કરશે?' એ સવાલ સામે આવતો રહ્યો છે. તેમની આગવી શૈલીમાં લેખક દીપક સોલિયા આ પ્રશ્નની છણાવટ કરે છે.  અત્યાર સુધી માણસનાં હાથપગનું કામ મશીન કરતાં હતાં, હવે માણસનાં મગજનું કામ પણ મશીન કરી આપે એ ભણી માણસ મચી પડ્યો છે. વિષયનાં જૂદાં જૂદા પાસાંઓની છણાવટ કર્યા પછી લેખક ભવિષ્યની શકયતાની આગાહી સુદ્ધાં કરે છે. તેમનું કહેવું છે કે એક વાર આ ચક્ર તેની એટલી ચરમ સીમાએ પહોંચશે કે ત્યાંથી પછી આગળ જવાનું અસંભવ બનવા લાગશે. માનવી ત્યારે તેના પ્રયત્નોમાં ખમૈયા કરશે. એ સમયે ફરીથી માણસનાં હાથપગ જ તેને કામ આવશે. એક બીજા સંદર્ભમાં જેમ આઈન્સ્ટાઈનનું કહેવું છે કે ચોથાં વિશ્વ યુધ્ધમાં શસ્ત્રો તરીકે પથ્થરોને હાથથી ફેંકવા જેટલી જ માનવસંસ્કૃતિ બચી હશે. એજ રીતે વાર્યો ન માનેલો માનવી હાર્યો માનશે. 
હાલના આ દશકામાં સ્ટાર્ટ-અપ શબ્દ લોકોને ઈલમકી લકડી જેવો દેખાવા લાગ્યો છે. આજના સમયમાં જ્યારે નોકરીઓ ઓછી થતી ગઈ છે ત્યારે પોતાનાં વ્યાપાર સાહસને સફળ કારકીર્દી તરીકેનાં સપનાં જોતાં કરવામાં કેટલાક સફળ સ્ટાર્ટ-અપના કિસ્સાઓએ ઈંધણ પૂરૂં પાડ્યું છે. આરતી નાયર ઉથલપાથલ થતાં આ  મોજાની ઉપર ટકી રહેલાં સફળ યુવાસાહસકારોમાંના એક છે. સ્ટાર્ટ-અપ સાહસની આવરદા નક્કી કરવાની કુંડળી જેના વડેલખાય છે એવા આઈડીયાથી રીસ્ક કેપીટલ ફાઈનાન્સના સમગ્ર સ્ટાર્ટ-અપ ચક્રના મહત્ત્વના તબક્કાઓના જૂદા જૂદા ગાળાનો તેમને સ્વાનુભવ છે. 'સ્ટાર્ટ-અપ ગાજે છે એટલા વરસશે?'માં આરતી નાયર સપનાંઓની દુનિયામાં રાચતા નવસાહસિકોને કેટલીક નક્કર વાસ્તવિકતાઓનો આયનો બતાવે છે. પોતાનાં સ્વપ્નની સિધ્ધિમાટે જોશમાંને જોશમાં જમીન પરથી બન્ને પગ ઉંચકી લેનાર મિત્રોને તેઓ સમજાવે છે કે કુદકો મારતી વખતે નીચે કઠણ જમીન જોઇએ અને કુદકો માર્યા પછી પણ વાસ્તવિકતાઓની કઠણ દુનિયા પર જ આવીને પગ ટેકવવાના છે. 
'બધાંને ડિગ્રી જોઈએ છે, જ્ઞાન કોઈને નથી જોઈતું' જેવી પંક્તિના ઉપાડથી જ કાર્તીકેય ભટ્ટ તેમના લેખ 'શિક્ષણથી બેકારી વધે કે ઘટે?'ના અંગુલિનિર્દેશની દિશા સ્પષ્ટ કરી દે છે. બધાંને એકસરખું, એક જ સમયે અને એક જ રીતે ભણાવતી શિક્ષણ વ્યવસ્થામાં બનતા માલની બજારમાં માંગ હોવા છતાં ખરીદાર કેમ નથી મળતા તે બાબતની વિચારપ્રેરક રજૂઆત પ્રસ્તુત લેખમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કરવામાં આવી છે.
સાંપ્રત સમાજની દુખતી રગ સામે નજર કર્યા બાદ 'સાર્થક - જલસો - ૮' 'ફ્લેશ', 'સ્કોપ' અને 'સફારી' જેવાં યુગસર્જક કક્ષાનાં સામયિકો એકલે હાથે કાઢનાર અને ચલાવનાર 'હાર્ડકોર' ઉદ્યોગસાહસિક પ્રકાશક-લેખક શ્રી નગેન્દ્ર વિજયનાં કલ્પના વિશ્વની સાથે મુલાકાત કરાવે છે. 'નૉટબંધી, નગેન્દ્ર વિજય અને નવલકથા'માં ઉર્વીશ કોઠારી નગેન્દ્ર વિજય સાથેની વાતચીતમાં નગેન્દ્ર વિજયના એકમાત્ર મૌલિક નવલકથા લખવા સાથે સંકળાયેલાં રહસ્યનાં જાળાં સાફ કરવાનો  આયામ કરે છે. 'ફ્લેશ'માં હપ્તાવાર પ્રગટ થયેલ આ નવલકથા 'ફ્લેશ' બંધ થવાની સાથે બંધ પણ થઈ ગઈ. એક થ્રીલર નવલકથામાં જોવા મળે  તેવી બીજી ઘટના વધારે આશ્ચર્યનો આંચકો આપે છે. નવલકથાના જેટલા હપ્તા લખાયા છે તેટલા સચવાયા પણ નથી. ગુજરાતી થ્રીલર સાહિત્ય જગતે શું ખોયું છે તેનો અંદાજ વાચક ખુદ બાંધી લે એટલા સારૂ નવલકથાનાં પહેલાં અને ત્રીજાં પ્રકરણને અહીં રજૂ કરાયાં છે.
વતનમાં પસાર કરેલાં વર્ષોની વાત મનમાં તો સંઘરાઈને પડી જ હોય. હાલની વાસ્તવિકતાઓની અસરને ખાળવા છેતાળીસ વરસથી છૂટી ગયેલાં વતન ભાવનગરની ખાટીમીઠી યાદોને પિયૂષ એમ. પંડ્યા 'ગુઝરા હુઆ જમાના આતા નહીં દોબારા...'માં આપણી સાથે વાગોળે છે.
આણંદથી 'લાંબા સમય' સુધી ચલાવેલ સ્થાનિક બાબતોને જ પ્રાધાન્ય આપતાં સાપ્તાહિક અખબારની હાલમાં કેનેડા વસતા સલિલ દલાલ (એચ.બી. ઠક્કર)  'ઋષિકેશ મુખરજીનો ઢોળ ચડેલું સાહસ - આનંદ એક્સપ્રેસ'માં એ અખબારનાં વિવિધ પાસાંઓની સાથે સંકળાયેલાં સંસ્મરણોને યાદ કરે છે. એ સમયનાં આણંદ અને ખેડા જીલ્લાનાં સામાજિક અને રાજકીય જીવનની ઝાંખી પણ આ સ્મરણોમાં છલકી રહે છે.
હેમન્ત દવેના લેખ 'સૌથી સારો - કે સૌથી ઓછો ખરાબ - ગુજરાતી શબ્દકોશ કયો?નું શીર્ષક જ શબ્દકોષની બાબતે ગુજરાતીની સ્થિતિનો ચિતાર આપી દે છે. છેલ્લાં બસો વર્ષમાં ગુજરાતીના એકભાષી, દ્વિભાષિ કે ત્રિભાષી કોશોની સમગ્રતયા યાદી અને છણાવટ કોઈ એક લેખમાં કદાચ સમાવવાં  શક્ય ન હોય એટલે પ્રસ્તુત લેખમાં મહ્દ અંશે ત્રણ કોશની જ વિગતોની છણાવટ છે.  કયો કોશ શા માટે સારો કે ખરાબ એ સમજવાની કશ્મકશમાં ગુજરાતી ભાષાની પરિસ્થિતિ બહુ નિરાશાજનક છે એવાં તારણ પર સામાન્ય વાચક ઉતરી પડે એવું બની શકે છે.
'...પણ મારે લગન નથી કરવાં'ના લેખક નરેશ મકવાણાને, એમના સમયમાં શરૂ થયેલા નવા ટ્રેન્ડ મુજબ, ૧૬-૧૭ વર્ષની ઉમરે પરણાવવાનાં ચક્રો ગતિમાન થવા લાગ્યાં. એ સમયની સામાજિક પરિસ્થિતિઓને કારણે શહેર અને ગામડાંનાની જીવન પધ્ધતિઓમાં રહેલાં અંતર સાથે સંકળાયેલાં કારણો આગળ કરીને કિશોરવયના લેખકે 'અમદાવાદની કન્યાને ન પરણવું તેવી મનોમન ગાંઠ' વાળી હતી. આટલું તો આપણે લેખના બીજા ફકરા સુધીમાં જ જાણી શકીએ છીએ. એ પછી પહેલી કન્યાને જોવા જવાની, પોતાની ના હોવા છતાં 'અમારા તરફથી હા' હોવાનું સામા પક્ષને જણાવી દેવાનું, આસપાસ- સગાં પાડોશીને પણ જાણ થઈ જવા સુધીની ઘટનાઓ, લેખકની નામરજી જતાવતાં રહેવા છતાં, થતી જ જાય છે. સાદી નજરે એ વર્ણન વાંચતાં એમ લાગે કે લેખક સમગ્ર પરિસ્થિતિઓને હળવાશથી સમજાવી રહ્યા છે. જો કે લેખના અંત સુધીમાં તો સમાજના રીતરિવાજોનાં દબાણનાં લાગતાંવળગતાં પાત્રોને વ્યક્તિગત તેમ જ કૌટુંબીક સ્તરે થતા (સંભવિત)માનસિક સંતાપની ગંભીરતા સ્પષ્ટપણે ઉભરી રહે છે.
દરેક વ્યક્તિ સભાન (કે કદાચ અભાન)પણે કોઈને કોઈ, નાના યા મોટા, ભ્રમ પોષતી હોય છે. ભ્રમની ગુંથણી કે વાસ્તવિકતાના સ્વીકારના જેમની સાથે સીધો જ સંપર્ક રહ્યો છે એવાં ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલાં ત્રણ પાત્રો સાથેના અનુભવો બીરેન કોઠારીએ 'ભ્રમ અને વાસ્તવિકતાઃચાલક કે મારક?'માં વર્ણવ્યા છે. આપણી આસપાસ, અરે ખુદ આપણી જ અંદર, જોઈશું તો (હવે) દેખાશે કે ભ્રમ અને વાસ્તવિકતાના બે અંતિમો વચ્ચે જીંદગીનો એક વિશાળ પટ રહેલો છે. જીવનના જૂદા જૂદા તબક્કે, આ પટનાં કોઈ એક બિંદુએ આપણે હોઈએ છીએ. આપણું આ હોવું સાપેક્ષ પણ હોય છે અને ગતિશીલ પણ!
શ્રી ચંદુ મહેરિયાએ તેમની હંમેશની રસાળ શૈલીમાં 'બોવ ભણજો, હોં'માં આજથી ચાલીસ પચાસ (જ) વર્ષ પહેલાં, અમદાવાદ જેવાં શહેરમાં રહેતાં,  સમાજના છેવાડાનાં સ્તરનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ કેમ મળ્યું, એ બાળકોને મોટા થતાં જીવનની કેવી દિશા મળી જેવી  બાબતોનું માર્મિક વર્ણન કર્યું છે. એ વાંચીને તમારા મનમાં કેવી લાગણી થાય, એ વર્ણનની પાછળના ભાવને તમે કયાં પરિપ્રેક્ષ્યમાં જૂવો છે તેતો તમારા પોતાના સંદર્ભોને આધીન છે. હા, એમણે જે અમુક તારણો લખ્યાં છે તે આજના – સમાજના - કોઇ પણ સ્તરના લોકો માટે પ્રસ્તુત છે એમ તો કહી જ શકાય. જેમકે, 'મારો દોહિત્ર તથ્ય અઢી ત્રણ વરસની ઉમરે પ્લે ગ્રૂપમાં જતો હતો. મોંઘી ફી વાળી અંગ્રેજી  માધ્યમની પ્રાઇમરી સ્કૂલમાં હવે તે ભણે છે. બાળપણની મારી હોશીયારીની તુલનામાં તે ઘણો સ્માર્ટ અને બોલકો છે. તેને મારી જેમ 'બોવ ભણજો'ના આશીર્વાદની જરૂર નથી. ભણેશરી ગણાઈને હું પણ કંઇ બહુ બધું તો નથી ભણ્યો પણ સ્વમાનભેર પગભર થઈ શક્યો અને દાદાની ખેતમજૂરી કે બાપાની મિલમજૂરીથી ઉગરી શક્યો તે પ્રતાપ શિક્ષણનો છે એટલું તો નક્કી.'
ફિંદી ફિલ્મ જગતના સુવર્ણકાળના સંગીતકારોમાંના પ્રથમ હરોળના સંગીતકારોમાં જેમનું સ્થાન ગણાય છે તેવા સી. રામચંદ્રની, વર્ષોથી અપ્રાપ્ય, મરાઠી આત્મકથા 'માઝ્યા જીવનાચી સરગમ'ના વીણા પાલેજા દ્વારા અનુવાદિત, સંકલિત, અંશો  'સાર્થક જલસો - ૮'ના છેલ્લા લેખ, 'અલબેલા સંગીતકારનાં ફિલ્મી સંભારણાં' તરીકે મૂકી છે. એ રીતે જલસાની યાદ હવે પછીના છ મહિના સુધી  મમળાવતાં રહીએ તેવી અસર સંપાદકોએ સફળતાથી ઊભી કરી છે. પ્રસ્તુત લેખને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલા ભાગમાં સી. રામચંદ્રની મહિને પંદર રૂપિયામાં સોહરાબ મોદીની નિર્માણ સંસ્થામાં એકસ્ટ્રા તરીકેની કારકીર્દીથી શરૂઆતથી ફિલ્મસંગીતના ક્ષેત્રે પદાર્પણ, શરૂઆતની નિષ્ફળતાઓ પછી 'અલબેલા'ની સફળતા અને 'અનારકલી' સુધીમાં હવે ઊંચકાયેલા ભાવે પ્રસ્થાપિત થઇ ચૂકેલા સંગીતકાર તરીકેની સફરની દાસ્તાન છે. બીજા ભાગમાં લતા મંગેશકર અને નૂરજહાંની ભાત-પાકિસ્તાનની સીમા પરના નો મેન્સ ભૂખંડ પરની અલૌકિક મુલાકાતનું  વર્ણન છે. ત્રીજા ભાગમાં ભારત-ચીન વચ્ચે ૧૯૬૨નાં યુધ્ધ પછી ૨૭મી જાન્યુઆરી ૧૯૬૩ના તો તત્કાલીન પ્રધાનમંત્રી સમક્ષ લાઈ રજૂ થયેલ 'અય મેરે વતનકે લોગો'નાં સર્જન પાછળની વિગતો છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસને થોડે ઘણે જાણતાં ભાવકોએ આ ત્રીજા ભાગ વિષે જૂદાં જૂદાં સ્વરૂપે વાતો સાંભળી હશે,પરંતુ પહેલા બે ભાગ તો ખરેખર 'જલસો' પાડી દે તેવા છે.
/\/\/\/\/\/\
સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:

  •  બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ । www.gujaratibookshelf.com), અથવા કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796 // પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)

Sunday, May 14, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૧૭



સ્નેહલ ભાટકર - હમારી યાદ આયેગી
હિંદી ફિલ્મનાં ગીતોનાં ચાહકો માટે 'કભી તન્હાઈયોંમેં... હમારી યાદ આયેગી'નાં ગાયિકા મુબારક બેગમ છે તે યાદ કરવામાં જરા સરખી પણ તસ્દી લેવાની જરૂર ન હોય, પરંતુ કદાચ એ ગીતના રચયિતા સ્નેહલ ભાટકર છે એ યાદ દેવડાવવું પડે તો અચરજ ન પણ થાય !

સ્નેહલ ભાટકર (૧૭ જુલાઈ, ૧૯૧૯ // ૨૯ મે ૨૦૦૭) તો તેમનાં અનેક તખ્ખલુસોમાંનું એક હતું. આ પહેલાં તેમનાં મૂળ નામ, વાસુદેવ ગંગારામ ભાટકર,ને બદલે તેઓ વાસુદેવ, બી. વાસુદેવ,સ્નેહલ અને વી જી ભાટકર જેવાં નામોના પણ પ્રયોગ કરી ચૂક્યા હતા. તેમની કારકીર્દી દરમ્યાન તેમણે ૧૭ હિંદી અને ૧૨ મરાઠી ફિલ્મો માટે સંગીત નીદર્શન સંભાળ્યું હતું. બીન ફિલ્મી મરાઠી ગીતો સંદર્ભે તેમનાં યોગદાનની બહુમાનથી નોંધ લેવાય છે.
તકનીકી દૃષ્ટિએ સ્નેહલ ભાટકરની સૌથી પહેલી ફિલ્મ ૧૯૪૬માં રજૂ થયેલ 'રૂકીમણી સ્વયંવર' કહેવાય, તેમાં તેમણે સુધીર ફડકે સાથે 'વાસુદેવ-સુધીર'નાં નામથી ગીતો રચ્યાં એ પછીથી આ બન્ને સંગીતકારોએ પોતપોતાની આગલી કારકીર્દી કંડારી.
મેરા સંદેશા લે જા - રૂકીમણી સ્વયંવર (૧૯૪૬) - લલિતા દેઉલકર 
પોતાનાં એકલાં નામથી જેમાં તેમણે સંગીત પીરસ્યું તેવી પહેલી ફિલ્મ હતી 'નીલકમલ' (૧૯૪૭). હવે તેમણે બી. વાસુદેવ નામાભિધાન કર્યું હતું. આ ફિલ્મ દ્વારા રાજ કપૂર અને મધુબાલાએ પણ ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો.
જૈયો ના બિદેસ મોરા જિયા ભર આયેગા - નીલ કમલ (૧૯૪૭) - રાજકુમારી, બી. વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા
આ ફિલ્મમાં રાજ કપૂરે જે કોઈ ગીત પર્દા પર ગાયાં છે તેનું પાર્શ્વગાન બી. વાસુદેવે કર્યું છે. મુકેશના સ્વરમાં જે કોઈ ગીતો છે તે અન્ય કલાકારો પર ફિલ્માવાયાં હતાં.
આ પછીની તેમની બે ફિલ્મો - 'સુહાગ રાત' અને 'ઠેસ'-માં પણ તેમણે બી. વાસુદેવના નામથી જ કામ કર્યું.
યે બુરા કિયા જો સાફ સાફ કહ દિયા કે મેરે સાંવરે પિયા, તોસે દૂર રહ કે ચૈન ન પાયે જિયા - સુહાગ રાત (૧૯૪૮) - રાજકુમારી, મુકેશ - ગીતકાર કેદાર શર્મા
આ ફિલ્મમાં ભારત ભુષણ અને ગીતા બાલીનો હિંદી ફિલ્મ જગતમાં પ્રવેશ થયો હતો.
સ્નેહલ ભાટકરનાં સંગીતમાં ગીતા રોય (દત્તે) બહુ ગીતો નથી ગાયા. એટલે આપણે આ જ ફિલમનાં અન્ય એક ગીતમાં ગીતા દત્તનના સ્વરમાં બી. વાસુદેવની સ્ત્રી યુગલ ગીત તરીકે સ્વરબધ્ધ થયેલ રચના સાંભળીએ.
મેરે દિલકી હો મેરે સીને કી મેરે ધડકનોમેં સખી કૌન આ સમાયા - સુહાગ રાત (૧૯૪૮) - ગીતા રોય, શમશાદ બેગમ -  ગીતકાર કેદાર શર્મા 
૧૯૫૦માં શોભના સમર્થે પોતાનાં નિર્માણ અને દિગ્દર્શન હેઠળ ફિલ્મ - હમારી બેટી -  બનાવી જેનાં સંગીત માટેની ધુરા વાસુદેવ ભાટકરને સોંપાઈ. એ સમયે તેમનાં ઘેર સ્નેહલતા નામક પુત્રીરત્નનો જન્મ થયો હતો, જેને કારણે હવે વાસુદેવ ભાટકરે પછીથી પ્રચલિત રહેલ એવું સ્નેહલ  ભાટકર નામ રાખ્યું.
તુઝે કૈસા દુલ્હા ભાયે, બાંકી દુલ્હનિયાં - હમારી બેટી (૧૯૫૦) - નુતન - ગીતકાર પંડિત ફણી
આ ફિલ્મમાં શોભના સમર્થે તેમની મોટી દીકરી નુતન ની સાથે નાની દીકરી તનુજાને પણ બેબી તનુજા તરીકે પરદા પર રજૂ કરી. પ્રસ્તુત ગીત નુતનના જ સ્વરમાં ગવાયું છે.

આડવાત:
ફિલ્મ સંગીતના સુજ્ઞ ચાહકને તો યાદ જ હશે કે નુતને ફરી વાર (પોતાના જ માટે)પાર્શ્વ ગાયન ૧૯૬૦ની ફિલ્મ 'છબીલી' માટે કર્યું. આ ફિલ્મનું નિર્માણ પણ શોભના સમર્થે કર્યું હતું. ફિલ્મમાં હવે નુતનનાં મુખ્ય પાત્ર સાથે નાની બહેન તનુજા પણ સહમુખ્ય પાત્રની ભૂમિકામાં રજૂ થઈ હતી. ફિલ્મમાં નુતનનું સૉલો 'અય મેરે હમસફર રોક તૂ અપની નજ઼ર' હેમંત કુમાર સાથેનું યુગલ ગીત લહરોં પે લહર ઉલ્ફત હૈ જવાં, ગીતા દત્ત સાથેનું યુગલ ગીત યારોં કીસીસે ન કહેના અને સુધા મલ્હોત્રા સાથેનું યુગલ ગીત મીલા લે હાથ આજે પણ ભુલાયાં નથી. છબીલીમાં પણ સંગીત તો સ્નેહલ ભાટકરનું જ હતું તે કહેવાની તો ભાગ્યે જ જરૂર હોય.
એ પછી  છેક ૧૯૮૩ની ફિલ્મ 'મયુરી'માં નુતને પર્દા પાછળ પણ પોતાનાં ગીતો ગાયાં, જે લખ્યાં પણ તેમણે જ હતાં  આ ગીતોને સ્વરબધ્ધ કનુ રોયે કર્યાં હતાં.

નૈનનમેં બરસાત મન મે કાજલ કાલી રાત, અંધકાર હી અંધકાર હૈ, દિવસ રૈન બન જાત - નંદ કિશોર (૧૯૫૧)- લતા મંગેશકર - ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા
સ્નેહલ ભાટકરનું લતા મંગેશકર સાથેનું જોડાણ હવે મજબૂત બનવા લાગ્યું હતું.
ૠત બસંત કી મદ ભરી ફૂલો કા સારીંગા, આજા મેરે ભવરા કલીયાં કરે પુકાર, ચલોગે ક્યા ચલોગે ક્યા મેરે સાથ - ભોલા શંકર (૧૯૫૧) - રાજકુમારી - ગીતકાર ભરત વ્યાસ
ફિલ્મમાં લતા મંગેશકરનાં  તેમ જ રાજુમારીનાં બન્નેનાં બબ્બે સૉલો ગીતો છે. ગીતોમાં વૈવિધ્ય જળવાઈ રહે તે સારૂ આપણે રાજકુમારીનું પ્રસ્તુત, રમતીયાળ, સૉલો ગીત અહીં મૂકેલ છે. ફિલ્મમાં સ્નેહલ ભાટકરે પણ એક યુગલ અને બે ત્રિપુટી ગીત માટે પોતાનો સ્વર પણ અજમાવ્યો છે. આ ગીતો આપણા નેટ મિત્રોને હાથ હજૂ નથી પડ્યાં લાગતાં! 
એ પછી ૧૯૫૩માં સ્નેહલ ભાટકરનાં સંગીતવાળી ફિલ્મ – ગુનાહ - આવી છે. આ ફિલ્મનાં યુટ્યુબ પર સાંભળવા મળતાં ગીતો લતા મંગેશકરનાં સ્વરમાં છે. સ્નેહલ ભાટકરનાં સંગીતમાં હજૂ બીજાં ગાયકોને સાંભળવાની તક ઝડપી લેવા સારૂં કરીને આપણે તેમની ૧૯૫૫ની ત્રણ ફિલ્મો અને ૧૯૫૬ની એક ફિલ્મ પર નજર કરીશું.
પ્યાર કી નઝરો સે ઉનકો  દેખતા જાતા હૈ દિલ, બાત ઉનકે સામને કહને સે ઘબરાતા હૈ દિલ - આજ કી બાત (૧૯૫૫) - તલત મહમૂદ - ગીતકાર રાજ બલદેવ રાજ
આ ફિલ્મ લીલા ચીટનીસે નિર્માણ અને દિગ્દર્શીત કરેલ પહેલી ફિલ્મ છે. ગીતમાં તલત મહમૂદ તેમના અસલ અંદાજમાં પેશ થયા છે.

મેરા રેશમ કા રૂમાલ કરે જાદુ કા કમાલ, મૈં આઈ હું આસમાન સે સુનો જમીં પે રહનેવાલો, આસમાન પર બડે મજે હૈ, આસમાન કા ટિકત કટાલો ટિકટ કટાલો - ડાકુ (૧૯૫૫) - આશા ભોસલે, અનવર હુસૈન - ગીતકાર : કૈફ ઈરાની
નરગીસના મા, જદ્દનબાઈનાં (ઈર્શાદ મીર ખાન સાથેનાં) બીજાં લગ્નનું સંતાન અનવર હુસૈન આ સંબંધે નરગીસના ઓરમાન ભાઈ થયા. નરગીસ જદ્દનબાઈનાં (મોહન બબુ સાથે) ત્રીજાં લગ્નનું સંતાન હતાં.પ્રસ્તુત ગીત નૃત્ય ગીત છે જેમાં એ સમયનાં જાણીતાં નૃત્યાંગના અઝુરી માટે આશા ભોસલેનો સ્વર લેવાયો છે. અનવર હુસૈન તો પરદા પર અને ગીતમાં પણ સહાયક તરીકે જ પેશ થયા છે.
ચુપકે ચુપકે કોઈ મેરે સપનો મે આને લગા....ધીરે ધીરે કોઈ મેરે દિલ કો તડપાને લગા - બિંદીયા (૧૯૫૫)- મધુબાલા ઝવેરી - ગીતકાર એસ એચ બિહારી
જ્યારે કોઈ સંગીતકારનાં ગીતો ટિકીટ બારી પર સિક્કા નથી ખણખણાવતાં ત્યારેથી તેને ભાગે બી કે સી ગ્રેડની ફિલ્મોમાં સંગીત આપવાની નિયતી નક્કી થી જતી હોય છે. આ કક્ષાની ફિલ્મોનાં બજેટ ટૂંકા હોય એટલે પણ અને ઓછા જાણીતા નિર્માતા કે કલાકારો માટે ગીત ગાવા મટે સમય ફાળવવાનું નામી ગાયકો માટે કંઈક અંશેૂ છું શક્ય બનવા લાગે છે, ત્યારે પેલા સંગીતકારે ઓછાં જાણીતાં ગાયકોની સાથે કામ કરીને પોતાની સર્જકતાને ખીલેલી રાખવાનો પડકાર પણ ઝીલવો પડે છે.એ સમયે આ ક્રૂર વાસ્તવિકતાને કારણે એ સંગીતકાર કે નિર્માતા કે ગાયકને બહુ ફાયદો કદાચ ન પણ થયો હોય, પણ આજે આપણા જેવાં સંગીત ચાહકો માટે વૈવિધ્યનો લ્હાવો તો શક્ય બની જ રહે છે.
ભૌ ભૌ ભૌ ભૌ ....….છોટા સા પપ્પુ હું જાઉં કહાં - જલદીપ (૧૯૫૬)
સ્નેહલ ભાટકરનાં ભાથાંમાંથી આપણને એક સાવ નવી જ વાનગી ચાખવા મળે છે.સાવ હલકું ફુલકું, સાવ સામાન્ય જણાતી સીચ્યુએશન પર કોઈ જ જાણીતાં જ હોય એવાં ગાયકમાટે ગીત રચના કરવામાં પણ સ્નેહલ ભાટકરનો આગવો સ્પર્શ તો જોવા મળે જ છે. આ વિડીયો ક્લિપની સાથેની નોંધમાં જણાવાયું છે કે ત્રણ કલાકારોમાંનો તરૂણ કલાકાર કેદાર શર્માનો પુત્ર અશોક શર્મા છે, નાનો છોકરો દુબે છે અને છોકરી પ્રીતીબાલા છે જે આગળ જતાં ઝેબ રહેમાન તરીકે ઓળખાઈ. 
આજના અંકના અંતની શરૂઆતમાં આપણે મહેન્દ્ર કપૂરનાં સૌથી પહેલાં સૉલો ગીતને સાંભળીએ.
તેરે દરકી ભીખ માંગી હૈ ઓ દાતા દુઈયા - દીવાલી કી રાત (૧૯૫૬) - મહેન્દ્ર કપૂર - ગીતકાર મધુકર રાજસ્થાની
આપ સૌને એ તો વિદિત જ હશે કે હિંદી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરે ગાયેલું સૌથી પહેલવહેલું ગીત એક યુગલ ગીત હતું. સંગીતકાર વી બલસારાએ ડી. ઈન્દોરવાલા સાથે મહેદ્ર કપૂર પાસે કીસી કે ઝુલ્મકી તસ્વીર એ યુગલ ગીત ગવડાવ્યું હતું. ફિલ્મ હતી મદમસ્ત (૧૯૫૩). પ્રસ્તુત ગીત મહેન્દ્ર કપૂરનાં પહેલાં વહેલાં સૉલો ગીત તરીકેનું સ્થાન ધરાવે છે.

આપણા દરેક અંકની સમાપ્તિમાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીત મૂકવાની પરંપરા અનુસાર આજે આપણે સાંભળીએ મોહમ્મદ રફીનું મૂકેશ સાથેનું પહેલું યુગલ ગીત -
બાત તો કુછ ભી નહીં, દિલ હૈ કે ભર આયા હૈ - ઠેસ (૧૯૪૯) - ગીતકાર કેદાર શર્મા 


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……