Friday, October 5, 2012

જન્મભૂમિ પ્રવાસીની ૨૯ સપ્ટૅમ્બર,૨૦૧૨ની 'મધુવન' પૂર્તિમાંનું પસંદીદા વાચન

આજે આપણે જન્મભૂમિ પ્રવાસીની ૨૯ સપ્ટૅમ્બર,૨૦૧૨ની 'મધુવન' પૂર્તિના અંકમાંથી કેટલીક એવી રચનાઓની વાત અહીં નોંધીશું, જેનું અહીં શક્ય એવું અતિ લઘુ સ્વરૂપ પણ રસાળ હોય,ફરી એક વાર ડીજીટલ દસ્તાવેજીકરણ કરવા યોગ્ય હોય અને આ લેખના કોઇ અન્ય વાચકને ભવિષ્યમાં પણ એટલું જ રસપ્રદ લાગે જેટલું મને એ લેખોનું પ્રથમ વાચન લાગ્યું છે.

'ફેમિલિ રૂમ'માં આચાર્ય કૃપાલાનીના ગાંધીજી વિષેનાં અવલોકનો - 'મેં બાપુની નેતાગીરી કેમ સ્વીકારી?'- આપણને ગાંધીજીનાં વ્યક્તિત્વનાં કયાં પાસાં તેમને શા માટે અસર કરી ગયાં તે તો જાણવામાં મદદ કરે જ છે, તેની સાથે સાથે ગાંધીજીની વિચારધારા આજના સમાજ માટે તેમ જ આપણાં અંગત વ્યક્તિઘડતર માટે આજે પણ કેટલી પ્રસ્તુત છે તે પણ સચોટપણે સમજાવે છેઃ
"તેઓ એટલા નીચા અને દૂબળા હતા કે કોઇને ખ્યાલ ન આવે કે અહીં કોઇ મહાપુરુષ બેઠો છે, પણ તેમની જે બે વસ્તુઓ એમને બધાથી જુદા પાડી દે છે, તે છે તેમની વાણી અને આંખો...પ્રથમ મુલાકાતમાં જ હું સમજી ગયો કે આ મનુષ્ય જે કામ હાથમાં લેશે એને પૂરું કર્યા વગર છોડશે નહીં. કાં તો કામ પૂરું કરશે કાં તો પોતાને જ સમાપ્ત કરી દેશે. આ ઉપરાંત...એક બીજી શક્તિ પણ દેખાતી હતી...મનુષ્યોને પોતાની તરફ આકર્ષવાની શક્તિ. આ આક્ર્ષણનું કારણ એ હતું કે આ માણસ બધી રીતે પ્રમાણિક હતો...મારા જેવા વિદ્રોહી..પણ એમની નેતાગીરી સ્વીકારે એનું કારણઃ
'દુનિયામાં ત્રણ પ્રકારના માણસો હોય છે. પહેલા પ્રકારના માણસો પોતાની મહત્તા અને શક્તિ સમજે છે. એમનામાં બીજાઓને સાથે લઇને ચાલવાની શક્તિ હોય છે.બીજા પ્રકારના એ લોકો છે, જેમનામાં બીજાઓને ચલાવવાની શક્તિ નથી હોતી.તેઓ અનુયાયી બનવા સર્જાયા હોય છે. એટલે તેઓ બીજાની મહત્તા અને શક્તિને સમજે છે, સ્વીકાર કરી શકે છે અને સ્વીકાર કરી લે છે. ત્રીજા પ્રકારના લોકો એવા હોય છે, જેમનામાં મહત્તા અને શક્તિ નથી હોતાં. તેઓ બીજાની મહત્તા અને ક્ષમતાને સમજી નથી શકતા. આ લોકો કંઇ નથી કરી શકતા. એમની સ્થિતિ ત્રિશંકુ જેવી ઘણી વિચિત્ર હોય છે.'
'એને કોઇ પણ કામ નાનું નથી લાગતું..આપણે લોકો આત્માં પરમાત્માનું દર્શન કરવાનું કહીએ છીએ, એમ તે આ વસ્તુઓમાં સ્વરાજનાં દર્શન કરે છે. એટલા માટે જ એની સાથે કોઇ હરીફાઇ નથી કરી શકતું."
[આમ આપણે નેતૃત્વની મૂળભૂત પરીભાષા અહીં સમજીએ છીએ. વ્યક્તિએ પોતે જાણી , સમજી,સ્વીકારી લેવાની જરૂર છે કે તેના વ્યક્તિત્વમાં નેતૃત્વનું કે અનુયાયીનું કે 'ત્રિશંકુ'માથી કયું, જન્મજાત કે કેળવી શકવાની શક્યતાવાળું, સત્વ છે અને તે પ્રમાણે તેણે પોતાનાં જીવનને કઇ દિશા આપવી જોઇએ. આપણે આપણી સ્વાભાવિક શક્તિઓને ખીલવવા કે નબળાઇઓને સુધારવા માટે પ્રયત્ન કરીએ અને તેનાથી જે ફેર લાવવો શક્ય છે તે કૃત્રિમ કે બાહ્ય દેખાવને મઠારવાના લાખ પ્રયાસથી પણ શક્ય નથી બનતું.
તે જ રીતે, આપણે એ પણ જોઇ શઈએ છીએ કે ઉત્કૃષ્ટતા એ માત્ર મોટી બાબતો નહીં પણ નાની બાબતોને પણ એટલાં જ ધ્યાન, ધગશ અને એકાગ્રતાથી વિચારવી અને અમલ કરવી જોઇએ - ખાસ કરીને જ્યારે તે તમારાં મુખ્ય ધ્યેયની સિધ્ધિ સાથે સંકળાયેલ હોય.]

શ્રી અનિલ જોષી થોડાંક કેટલાંક અઠવાડીયાંથી આપણને 'કૉફી હાઉસ'માં ફિલ્મ જગતના જૂદા જૂદા રસાસ્વાદ કરાવી રહ્યા છે.આ અંકમાં તેમણે એક સદાબહાર ફિલ્મ 'બાઇસિકલ થીફ'ની વાત કરવા માટે "'બાઇસિકલ થીફ' ફિલ્મ યાદ છે?" જેવાં શિર્ષકથી જેમણે આ ફિલ્મ ન જોઇ હોય તેમનું ધ્યાન પણ આકર્ષી લીધું છે.એટલું જ નહીં, તેમની રજૂઆતની મદદથી તેઓ આપણને ફિલ્મ ને તેમની દ્રષ્ટિએ જોતા પણ કરી દીધા છે, તેમ જ એ દ્ર્ષ્ટીકોણ શા માટે છે તેમ પણ સમજાવી દે છે. આખો લેખ અહીંથી વાંચી શકાશે, પરંતુ હાલ પૂરતું તો રસની વાટકીઓ માણીએઃ
"અહીં બ્રૂનોનો ઉપયોગ બેરોમીટર તરીકે કરવામાં આવ્યો છે.સાઇકલની શોધમાં રિકીના ચહેરા ઉપર કે ઉદ્વિગતા, અસંતોષ, ત્રાગા, ગુસ્સો અને આનંદના જે ભાવ છે તે બધા જ ભાવનું પ્રતિબિંબ દીકરા બ્રૂનોના નિર્દોષ ચહેરા ઉપર વાંચી શકાય છે."
v  "બાપ-દીકરાની જોડી રોમની ગીરદીમાં એક ધૂસરતાનું પર્યાવરણ લઇને ઘૂમતી ફરતી રહે છે."
v  "'બાઇસિકલ થીફ' જેવી ફિલ્મ એ વાત ઉપર ખાસ ભાર મૂકે છે કે કોઇપણ રાજકીય પક્ષ અથવા ધાર્મિક ચર્ચ આમ આદમીન પ્રશ્નો ઉકેલી શકતા નથી. આમ આદમી તો ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે."
v  "પોતાની સંસ્કૃતિનો એક ખૂણો બનાવવા માટે જ્યારે સિનેમા અને કળાનો ઉપયોગ ફિલ્મકાર કરે છે ત્યારે સાહિત્ય અથવા સંગીત પ્રમાણે ફિલ્મમાં વ્યક્તિગત અભિવ્યક્તિ થાય છે."
v  "'બાઇસિકલ થીફ' ફિલ્મ સર્વકાલીન ફિલ્મ છે. સમયની ધૂળ એને ચડી નથી."

ડૉ. પ્રદીપ પંડ્યાની ધારદાર શૈલિ અને તિક્ષ્ણ વિચારધારાને આપણે, તેમની નવલક્થાઓ અને અન્ય લેખોમાં એમ બન્ને અંતિમોમાં, માણી છે. આ સપ્તાહની "આંબાની ડાળે"માં તેઓ દરેક વ્યક્તિ અને સમાજના અલગ અલગ પાસાં જોવાની દ્રષ્ટિએ "ઇતિહાસનું મહત્વ" રજૂ કર્યું છે. આખા લેખની મજા તો તો તેને પૂરેપૂરો વાંચવામાં જ હોય, અહીં તોડેલી થોડીક કેરીઓથી સંતોષ નહીં વળે
v  "ઇતિહાસનાં પાનાં ઉકેલાય તથાપિ, યાદ જેવું તરણ ટળવળે તથાપિ." - સતીષ ડણાક
v  "મિત્ર અને શત્રુની વચ્ચોવચ્ચ ખલીલ ઊભો હતો, એક આફત પાછળ, એક નજર સામે હતી." - ખલીલ ધનતેજવી.
v  "સમ્ગ્ર યુરોપમાં બત્તીઓ બુઝાઇ રહી છે તે આપણા જીવનમાં ફરી સળગશે નહિ." - લૉર્ડ ગ્રે, ૧૮૬૨-૧૯૩૭, અંગ્રેજ નેતા, ૩ ઑગસ્ટ ૧૯૧૪નાં શરૂ થયેલ પ્ર્થમ વિશ્વયુધ્ધ્ના પ્રથમ દિવસે.

શ્રી રજનીકુમાર પંડ્યા આ સપ્તાહના "શબ્દવેધ"માં આપણને 'સરસ્વતીચંદ્ર'ના પાંચમા ભાગના જન્મની કથાના ઇતિહાસથી તો પરિચય કરાવે છે જ, પરંતુ સાથે સાથે તેનો ટૂંકો, પણ રસાળ, પરિચય પણ કરાવે છે.૨૦૧૦માં પ્રકાશિત થયેલ આ પુસ્તકના લેખક ગુજરાત હાઇકૉર્ટના નિવૃત ન્યાયધીશ શ્રી ચિન્મય જાની છે.
[ખાસ નોંધઃ સરસ્વતીચંદ્રફક્ત પચાસ રૂપિયામાં બે સીડીના સેટમાં ઉપલબ્ધ છે, જેમાં ચાર ભાગની આખી નવલકથા ગો.મા.ત્રિ.ના હસ્તાક્ષરમાં હસ્તપ્રતરૂપે અને છાપેલાં પૃષ્ઠ એમ બેવડા સ્વરૂપમાં વાંચવા મળશે. (અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સમડીચકલા, નડિયાદ-387001. ફોન.:091-268-2567271).: - સરસ્વતીચંદ્રનવલકથા હવે સી.ડી. સ્વરૂપે ઉપલબ્ધ]
આ અઠવાડીયાંની 'મધુવન' નાં કેટલાંક દ્રષ્યોને માણતાં માણતાં આપણે નોંધી પણ શકીએ છીએ કે 'જન્મભૂમિ પ્રવાસી" એ એક અખબારપત્ર ની જવાબદારી નિભાવવાની સાથે સાથે સમાજને પથદર્શકની ભૂમિકા પણ કેવી સુપેરે ભજવી રહેલ છે.

દરેક લેખની સાથે પૂર્તીનાં પ્રસ્તુત પાનાંની પીડીએફ નકલની કડી પણ દર્શાવી છે, જેને કારણે  એ લેખ ઉપરાંત પૂર્તિનું એ આખું પાનું વાચવાનો લાભ પણ જન્મભૂમિ અખબાર મંડળ હજૂ ડીજીટલ પ્રકાશનની પ્રાથમિક કક્ષાએ હોવાને કારણે મળી રહ્યો છે. જો તેઓ આ બાબતે ઘણા આગળ વધ્યા હોત તો પણ લાભ અને નથી વધ્યા તો થોડી મહેનત વધારે પણ અણધાર્યો થોડૉ ફાયદો પણ વધારે.
Post a Comment