Thursday, February 26, 2015

ઉત્તરાધિકારની સોંપણી માટેનું આયોજન અને અમલ :૩: બહેતર નેતૃત્વ... અને તેનાથી આગળ

ઉત્તરાધિકારની સોંપણી માટેનાં અયોજન અને અમલના સંદર્ભમાં, આપણે ૧૨-૨-૨૦૧૫ના રોજ ગરિમાપૂર્ણ નિવૃત્તિ અને ૧૮-૨-૨૦૧૫ના રોજ 'લક્ષ્ય અને લક્ષક્ષમતા'નાં મહત્ત્વ વિષે વાત કરી હતી.
ઉત્તરાધિકારની સોંપણીનાં આયોજન માટે જરૂરી દીર્ઘદર્શન અને સફળ અમલ માટે જરૂરી તાજગીસભર સ્ફૂર્તિ એ સંસ્થાનાં વર્તમાન વરિષ્ઠ નેતૃત્વ માટેની પાયાની જરૂરિયાતો છે. તે સાથે સાથે આજના ઉથલપુથલ, અનિશ્ચિત, જટિલ અને સંદિગ્ધ [VUCA] સંજોગો નેતૃત્વક્ષમતાની આકરી કસોટી કરતા રહે છે.
મૂળે ૨૦૧૫ના નવા વર્ષ માટે વિચારમંચની ભૂમિકાની રજૂઆત તરીકે લખાયેલા લેખ -'બહેતર નેતૃત્વ... અને તેનાથી આગળ'-માં, શ્રી તન્મય વોરા આપણા સમક્ષ નવ મુદ્દા રજૂ કરે છે, જે ઉત્તરાધિકારની સફળ સોંપણી કરવા ઇચ્છુક નેતૃત્વ માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.

બહેતર નેતૃત્વ... અને તેનાથી આગળ ǁ ૨૦ ફેબ્રુઆરી,૨૦૧૫
આપણી આસપાસનાં કાર્યક્ષેત્રનું વિશ્વ શ્વાસ ઊંચા થઇ જાય એ દરથી બદલાતું રહે છે. ઉથલપુથલ થતા (Volatile), અનિશ્ચિત (Uncertain), જટિલ (Complex) અને સંદિગ્ધ (Ambiguous) - VUCA - સંજોગો આપણા એ બદલાતા વિશ્વના સંદર્ભોને ગતિશીલ અર્થ બક્ષતા રહે છે. તેમને નેતૃત્વ પૂરું પાડતા અગ્રણીઓ બાબતે લોકોની અપેક્ષાઓ પણ વધતી જ રહે છે. તેમાં વળી બદલાતી જતી પેઢીનાં મતમતાંતરો અને વ્યાપાર મૉડેલમાં થતા ધરખમ ફેરફારો નેતૃત્વની કસોટીને વધુ કઠોર બનાવતાં રહે છે.
જો કે આ જ પડકારો નેતૃત્વની ખૂબીઓ બહાર લાવવા માટેની તક પણ પૂરી પાડે છે; બશર્તે, આવા કસોટીના અને તે પછીના સમયની માગને તેના સહી પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય.
અહીં આ બાબતના નવ મહત્ત્વના મુદ્દાઓ આપની વિચારણા અર્થે રજૂ કરેલ છે:
૧. અગ્રણીઓએ સત્તાની નવી વ્યાખ્યા સમજવી જોઇએ. આજે તમારાં પદના જોરથી કે તમારી ઑફિસ કેટલી મોટી છે કે પદાનુક્રમમાં તમારું સ્થાન કેટલામું છે તેનાથી તમારી સત્તાની આણ કેટલી પ્રસરશે તે નક્કી નથી થઈ શકતું. આજે અગ્રણીઓ બીજાંને કેટલી સ્વાભાવિકતાથી સંસ્થાનાં ઉદ્દેશ્યની પૂર્તિમાં કામે લગાડી શકે છે, તેમની સાથે કેટલું સહકારનું સાયુજ્ય રચી શકે છે કે સકારાત્મક પ્રભાવનું ક્ષેત્ર કેટલું વિકસાવી શકે છે કે લોકોને વિકસવા માટેની પૂરેપૂરી તકો મળી શકે તેવું વાતાવરણ ખડું કરી શકે છે તેના પરથી તેમની સત્તાનું ક્ષેત્ર વિકસી શકેછે.
૨. સ્થિરતા કલ્પનાવિશ્વમાં જ વસે છે. જો આગળ તરફ વધતો વિકાસ જો તમે સિદ્ધ નથી કરી શકો, તો તે જ પાછળ પડ્યા બરાબર છે. દીર્ઘ દર્શન અને ઉદ્દેશ્યની સિદ્ધિનાં માધ્યમ વડે, તમારી ટીમ લાંબા ગાળે સકારાત્મક વેગ ટકાવી રાખે તે અગ્રણી તરીકે તમારી જવાબદારી છે. ઉત્પાદનો (કે સેવાઓ)માં અને પ્રક્રિયાઓમાં સતત સુધારણા (અને નાવીન્યકરણ) બની રહે તે સકારાત્મક વેગ પ્રાપ્ત કરવાના માર્ગો પૈકીનો એક માર્ગ છે.
3. સંવાદ, સહકાર, રચનાત્મકતા અને પ્રતિબદ્ધતા એ આજના અસરકારક અગ્રણીની શક્તિનાં સ્ત્રોત છે.
૪. આજના જટિલ વાતાવરણમાં, પરિવર્તન લાવવાની કે તેને પાર પાડવાની ક્ષમતા જેટલી જ મહત્ત્વની ક્ષમતા બાહ્ય પરિવર્તનોને અસરકારક પ્રતિસાદ આપવાની છે. અગ્રણીઓ પરિવર્તનનાં સર્જક પણ હોવાં જોઈએ.
૫. અગ્રણીઓએ લોકોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઇએ. દેખીતી રીતે, પારંપારિત માન્યતાથી સાવ વિરુદ્ધનું આ કથન જણાશે, પણ લાંબા સમય સુધી ટકી રહેતી આંતરસ્ફૂરણા બાહ્ય પ્રોત્સાહનો વડે નથી લાવી શકાતી. આંતરસ્ફૂરણાનાં ઝરણાં ફૂટતાં રહે તેવું વાતવરણ અને તંત્રવ્યવસ્થાનું ઘડતર કરવું ભવિષ્યદૃષ્ટા અગ્રણી પાસેથી રખાતી પાયાની અપેક્ષા છે.
૬. પોતાના કામનું પ્રયોજન જાણવું અને સમજવું, એ બે બાબતો આજે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. અગ્રણીની એ મૂળભૂત (અને સદૈવ) જવાબદારી છે કે તેમની સાથે કામ કરતાં લોકોને તેમનાં કામનું મહત્ત્વ અને તેની રૂપરેખા તેમને ગળે ઊતરે તે રીતે સમજાવતા રહે. લોકોનાં પોતાનાં કામ સાથેનાં સાયુજ્યનું આ પાયાનું પ્રેરક બળ છે, જેના માટે સઘન સંવાદ અને સંદર્ભોની પ્રસ્તુતિની આપસી ચર્ચાઓ બહુ મહત્ત્વનાં બની રહે છે.
૭. સતત અને સ્વપ્રેરિત શીખતાં રહેવું એ આજનાં અગ્રણી માટે વૈકલ્પિક પસંદની બાબત નથી રહી. સતત શીખતાં રહેતાં અગ્રણીઓ અનિશ્ચિતતાનો સામનો ચુસ્તીથી કરી શકવા માટે સક્ષમ બની તો રહે જ છે, સાથે સાથે તેમનાં સહકાર્યકરો માટે બહુ સારું, અનુકરણ કરવા લાયક, ઉદાહરણ પણ પૂરું પાડે છે.
૮. લોકોના વિકાસ માટે કામ એ એક મહત્ત્વનું સંસાધન છે. સુવિકસિત લોકો જ સારું કામ કરી આપી શકે છે. પરંપરાગત રીતે એમ મનાતું કે અગ્રણી સંચાલકોએ લોકો પાસેથી કામ લેવાનું છે. એ વાત સાચી તો ખરી જ, પણ કામના અનુભવની મદદથી લોકોની શક્તિઓને ખીલવવાની તક પણ પેદા કરી શકાય છે. લોકોને સાધનને બદલે સંસાધન તરીકે ગણવા માટે કામને લોકોના વિકાસનું સંસાધન ગણવું મહત્ત્વનું બની રહે છે.
૯. દેખીતી અનિશ્ચિતતા કે અરાજકતાની પ્રતિકૂળતા વચ્ચે પણ, આજના સમયમાં અગ્રણીઓનું શિષ્ટ અને સભ્ય બની રહેવું પણ મહત્ત્વનું છે. લોકોનાં આત્મસન્માન, તેમના સમય અને તેમની શક્તિઓને ઉચિત માનની નજરે જોવાં જોઇએ.
Post a Comment