Thursday, March 5, 2015

ઉત્તરાધિકારની સોંપણી માટેનું આયોજન અને અમલ : ૪ : વારસદાર – ઉત્તરાધિકારી

clip_image002ઉત્તરાધિકાર સોંપણી પ્રક્રિયાનું આયોજન અને અમલ વિષય પર આપણે અત્યાર સુધી 'ગરિમાપૂર્ણ નિવૃત્તિ', 'લક્ષ અને લક્ષક્ષમતા' તેમ જ 'બહેતર નેતૃત્વ..અને તેનાથી આગળ' એમ ત્રણ અલગ અલગ વિચારની વાત કરી ચૂક્યાં છીએ.

'ઉત્તરાધિકારી' અને 'વારસ' એમ બે અલગ અલગ શબ્દપ્રયોગો પણ આ વિષયની ચર્ચા દરમ્યાન થતા રહ્યા છે. કાયદાકીય પરિભાષામાં 'વારસ' એ છે કાયદાની કે વસિયતનામાની રૂએ જેને મિલ્ક્તના માલિકી અધિકાર મળે છે. અહીં જન્મજાત હક્કની વાત પર ભાર અપાય છે, જ્યારે 'ઉત્તરાધિકારી' એ કોઈ પણ સંસ્થામાં હક્કો (અને /કે જવાબદારી)નાં હસ્તાંતરણની અધિકારી વ્યક્તિ કે સંસ્થા છે.

'ઉત્તરાધિકારની સોંપણી'ના આપણા વિષયના સંદર્ભમાં આપણા માટે મહત્ત્વનું એ છે કે 'ઉત્તરાધિકારી (કે વારસ)'એ ભાવિ જવાબદારીઓનું નિર્વહન કરવાનું છે.

વારસદાર પસંદ કરતી વખતે કરવી જોઈતી ચકાસણીના સંદર્ભમાં, 'ઉત્તરાધિકારી-વારસ'માં "‘મેં’ કેટલી મહેનત પછી આ બધું મેળવ્યું છે, તે એળે થોડું જવા દેવાય ?"થી લઈને 'જીવનભર આપતા રહીને પોતાના ગયા પછી પણ લોકોનું જીવન સુધરતું રહે ' ત્યાંસુધીની ભાવનાની ચર્ચા વડે ડૉ. જગદીશ જોશી આપણા વિષયની પૂર્વભૂમિકા તૈયાર કરી રહ્યા જણાય છે.વારસદાર – ઉતરાધિકારી ǁ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૫

ડૉ. જગદીશ જોશી ǁ સંબંધોને સથવારે
clip_image004


ઢળતી ઉંમરે પિતાને ‘વારસદાર’ની ચિંતા હોય, બિઝનેસમેનને ‘ઉત્તરાધિકારી’ની ચિંતા હોય. કોઈક ઉંમરે દરેક વ્યક્તિને પોતાની સંપત્તિ – પછી તે નાણાકીય હોય, સામાજિક હોય કે વિચારધારાનો વારસો – કોઈકને સોંપી જવાની ‘ઇચ્છા’ થાય છે.

કેમ ?

દરેકના મનમાં એક ભ્રાંતિ જીવિત છે – ‘મેં’ કેટલી મહેનત પછી આ બધું મેળવ્યું છે, તે એળે થોડું જવા દેવાય ? – પણ ….. હકીકતમાં એ પોતે મેળવેલી (?) સંપત્તિ પર મૃત્યુ પછી ‘પોતાનો’ સિક્કો યથાવત્ રાખવા ઇચ્છે છે. મૃત્યુ પછી પણ જીવંત રહેવાની ઘેલછા રાખતો હોય છે. (‘પોતે મેળવેલી’ પછી મેં પ્રશ્નાર્થ મુકેલું છે, કારણ કે મને લાગે છે કે વ્યક્તિની કાર્યસિધ્ધિમાં જેટલું મહત્ત્વ વ્યક્તિનાં જ્ઞાન અને મહેનતનું છે એટલું જ મહત્ત્વ કાર્યસિધ્ધિને અનુકૂળ ‘પરિસ્થિતિ’નું પણ છે. આમ આ અનુકૂળતા ઊભી કરનાર પરિબળોનો ફાળો પણ વ્યક્તિએ મેળવેલી કાર્યસિધ્ધિમાં છે.)

કુટુંબમાં ‘વારસદાર’ અને વ્યવસાયમાં ‘ઉત્તરાધિકારી’ ની જરૂરિયાત સામાન્ય છે.

સામાન્ય પિતાનું ઉદાહરણ જુઓ. ‘આ બધું તમારા માટે કરું છું’ એવા શબ્દો તો દરેક કુટુંબમાં વારંવાર સાંભળવા મળે છે. આમાં ખરેખર સાચું કેટલું ? શું વ્યક્તિ જે કાંઈ કરે છે તે પોતાના કુટુંબીઓ માટે કરે છે ? પોતે પ્રાપ્ત કરેલી સિધ્ધિઓનો યશ કુટુંબીઓને આપે છે ? (જો કે જાહેરમાં કહેવાતા આ શબ્દો કહે છે તે કુંટુંબ પ્રત્યેનું ‘આભાર દર્શન’ છે, પણ માનસિક રીતે તો સિધ્ધિ પોતાની જ ગણે છે). હકીકત પણ એ જ છે કે વ્યક્તિ જે કંઈ સિધ્ધિ પ્રાપ્ત કરે છે તે પોતાના સ્વબળે અને અનુકૂળ પરિસ્થિતિના કારણે જ પ્રાપ્ત કરે છે. આથી યશનો હકદાર તો તે પોતે વધારે છે, પણ પોતે ઊભું કરેલું સામ્રાજ્ય જ્યારે અન્યને સોંપવાની વાત કરે છે, ત્યારે કદાચ પોતાની ગેરહાજરીમાં પણ જીવંત રહેવાની તેની ઇચ્છા મહત્ત્વનો ભાગ ભજવે છે, અને આથી જ તેને ચિંતા હોય છે કે તેનો વારસદાર પોતે જે ઊભું કર્યું છે તેની યોગ્ય જાળવણી તો કરશે ને ? જેને કોઈ એવી તૃષ્ણા હોતી નથી, તે વારસદારની ચિંતા કરતો નથી. આપણા સંતો જુઓ ! એમણે કશું એકઠું કર્યા સિવાય જીવનભર આપ્યા જ કર્યું, છતાંય એ જ્ઞાનનો એવો વારસો આપતા ગયા કે એ જ્ઞાનના આધારે ઘણાંનાં જીવન સુધરી ગયાં. રામકૃષ્ણ પરમહંસને જુઓ, નરેન્દ્ર (વિવેકાનંદ)ને જુઓ. કશું કહ્યા વગર આપી દીધું. અને …. આજના સંતોને જુઓ, આશ્રમોની સમૃધ્ધિઓના વારસદાર માટે રાજકારણો ખેલાય છે.

પિતા પુત્રને વારસદાર બનાવવા માગે છે, પણ તેણે ખરેખર તે માટે શા પ્રયત્ન કર્યા છે ? દરેક વ્યક્તિ જીવનમાં પોતાની રીતે પુખ્ત થાય છે. મા-બાપ, સમાજ તેને પુખ્ત થવામાં મદદ કરે છે; પણ વ્યક્તિ વિચારસરણી તો પોતાની રીતે જ ઘડે છે. જો પિતાએ પોતાના ‘વારસા’ની ચિંતા કરવી હોય તો બાળકને પોતાની વિચારસરણીમાં શરૂઆતથી જ ઢાળવો જોઈએ. તો જ બાળક મોટું થતાં પોતાના પિતાનો વારસો પિતાની ઇચ્છા મુજબ જાળવી શકે. યુવાનો કેરિયરની ચિંતા અને દોડધામમાં તેમનાં બાળકોના યોગ્ય ઉછેરની નૈતિક ફરજ છે એ ચૂકી જાય છે. એવું પણ કહી શકાય કે ‘વારસો’ જાળવવાનો પોતાનો સ્વાર્થ પણ ચૂકી જાય છે, પછી ‘ઉઠિયાણ’ પાક્યો એવી ફરિયાદ પણ કરી નાખે છે.

કુટુંબમાં વારસદાર કે વ્યવસાયમાં ઉત્તરાધિકારી નક્કી કરવાની એક આખી પ્રક્રિયા છે. એને અનુસરવામાં આવે તો વારસો કે વ્યવસાય જળવાઈ રહે છે.

વારસદાર પસંદ કરવાની પ્રક્રિયાની એક નાનકડી વાર્તા નાનપણમાં સાંભળેલી, તમને કદાચ મજા આવશે –

સસરાએ ઘરની જવાબદારી ચાર વહુઓમાંથી કોને સોંપવી એ નક્કી કરવા ચારે વહુઓને બોલાવી, દરેકને એક એક મુઠ્ઠી દાણા આપ્યા અને કહ્યું ‘આ દાણાનું તમારે જે કરવું હોય તે કરો, છ મહિના પછી હું નક્કી કરીશ કે ઘરનો કારભાર કોને સોંપવો.’ મોટી વહુ જરા સુખી ઘરમાંથી આવેલી, એને મુઠ્ઠી દાણાનું મહત્ત્વ ન લાગ્યું. તેણે દાણા ફેંકી દીધા. બીજા નંબરે દાનધર્મમાં માને એથી તેણે મંદિરમાં મૂક્યા, ત્રીજીને થયું કે છ મહિના પછી તિજોરીની ચાવીઓ લેવી હોય તો આ દાણા સાચવી રાખું, સૌથી નાનીએ વિચાર્યું કે આ દાણાને બીજ તરીકે જમીનમાં વાવી દઉં, છ મહિને વધારે મળશે. છ મહિના પછી સસરાએ વહુઓને બોલાવી પૂછ્યું, ‘મેં આપેલા દાણાનું શું કર્યું ?’ બધીએ પોતપોતાની કેફિયત રજૂ કરી, પણ નાની વહુએ એક મુઠ્ઠીના બદલે બે ખોબા ભરીને દાણા ભરીને સસરાને પરત આપ્યા, અને સસરાએ તિજોરીની ચાવી નાની વહુને સોંપી.

અહી તો વારસદારને પસંદ કરવા થયેલી ચકાસણીની વાત કરી, પણ વારસદાર તૈયાર કરવો પડે અને તેમાં માબાપનો રોલ ખૂબ મહત્ત્વનો છે એ વાત ન ભૂલવી જોઈએ.
આ લેખના લેખક ડૉ. જગદીશભાઈ જોશીનાં સંપર્ક સૂત્રઃ
નેટવિશ્વનું સરનામું:Post a Comment