Tuesday, April 14, 2015

ઉત્તરાધિકારની સોંપણી માટેનું આયોજન અને અમલ : ૬ : 'ઉત્તરાધિકારી'

પહેલાંના લેખ -ઉત્તરાધિકારની સોંપણી માટેનું આયોજન અને અમલ : ૪ : વારસદાર -માં ડૉ. જગદીશ જોશીએ વારસદારની પસંદગી વિષે ચકાસણીનાં મહત્ત્વની ભૂમિકા રજૂ કરી હતી. પોતાની વ્યક્તિગત મૂડી કે વિચારધારાને પોતાનાં સ્વપ્નના સંદર્ભમાં આગળ ધપાવવામાટે જેટલું 'વારસ'નું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ સંસ્થાનાં કામકાજને સંસ્થાનાં લાંબા ગાળાનાં દીર્ઘ દર્શનને સિદ્ધ કરવા માટે 'ઉત્તરાધિકારી'નું મહત્ત્વ છે.

આજના લેખમાં ડૉ. જગદીશ જોશી ઉત્તરાધિકારીની સફળતા માટે તેની પસંદગી અને તેને તૈયાર કરવાની પ્રક્રિયા વિષે ચર્ચા કરે છે.

ઉત્તરાધિકારીǁ૧૩ માર્ચ ૨૦૧૫
ડૉ. જગદીશ જોશી ǁ સંબંધોને સથવારે
image

ઉત્તરાધિકારી અત્ર-તત્ર સર્વત્ર છવાયેલા છે. નોકરી કરતી વ્યક્તિને પ્રમોશન મળે કે રિટાયર્ડ થાય તો તેની જગ્યા સંભાળનાર જોઈએ, નાના કારખાનેદાર અપંગ બને કે મૃત્યુ પામે તો કારખાનું સંભાળનાર કોઈ જોઈએ, મોટી કંપનીમાં કંપનીસ્થાપક રિટાયર્ડ થાય, અપંગ થાય કે મૃત્યુ પામે તો નવો માણસ જોઈએ. ક્યાંક હરીફાઇમાં તૈયાર હોય અને ક્યાંક તૈયાર કરવો પડે કે ક્યાંક પસંદ કરવો પડે, આમ ઉત્તરાધિકારી વગર કાર્યપ્રણાલિ ખોરંભાઈ જાય.

એકદમ નાના ઉદ્યોગથી કે વ્યવસાયથી વિચાર કરીએ તો સામાન્ય રીતે સમગ્ર કાર્યપ્રણાલિ એક હાથમાં હોય. આથી જો માલિકનું મૃત્યુ થાય કે અપંગ બને; તો ધંધો વેચી દેવો પડે, પોતાના વારસદારને સોંપવો પડે કે માલિકીહક્ક રાખીને કોઈને ચલાવવા આપવો પડે. આવા નાના ઉદ્યોગ/વ્યવસાયમાં ધંધાનો વ્યાપ ઓછો હોવાના કારણે બહુ પ્રશ્નો ઊભા ન થાય. પાર્ટનરશીપ હોય અને એમાંથી કોઈ પાર્ટનરને આવો પ્રશ્ન થાય તો અન્ય પાર્ટનર સંપૂર્ણ ધંધો સંભાળી લે અથવા અપંગ થયેલા કે મૃત્યુ પામેલા પાર્ટનરનાં કુટુંબીજનોને ધંધામાં દાખલ કરે કે તેમની મૂડીના પ્રમાણમાં ભાગ આપવાનું નક્કી કરી લે. અહીં એક મુદ્દો યાદ રાખવો જરૂરી છે કે ધંધામાંથી પોતાનો ભાગ લઈ છૂટા થઈ જવું એના કરતાં ભાગ ચાલુ રાખવો હિતાવહ છે.

જ્યારે નાનો ઉદ્યોગ/વ્યવસાય વિકાસ પામી ભવિષ્ય તરફ ગતિ કરતો હોય, ત્યારે ઉત્તરાધિકારીનો મુદ્દો અગત્યનો બની જાય. કંપનીના માલિકે ‘પોતાના પછી કોણ ?’ વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. સ્વતંત્ર માલિકીનો ધંધો હોય ત્યારે માલિક પોતાના પુત્રોને કહેતા જ હોય છે કે આ બધું તમારે જ સંભાળવાનું છે… પણ સંભાળવા માટે ઉત્તરાધિકારીને તૈયાર કરતા નથી. ધંધામાં માલિકની હયાતી બાદ અંધારું છવાઈ જાય છે.

મોટી કંપનીઓમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવાબદારી હોય છે કે તેમણે કંપનીના હિતમાં ઉત્તરાધિકારીની વિચારણા વહેલાથી કરી દેવી જોઈએ.

પ્રથમ સવાલ એ આવે કે ઉત્તરાધિકારીની પસંદગી કેવી રીતે કરવી ?

કોઈપણ સાહસ શરૂ કરતાં પહેલાં સાહસિક એક સ્વપ્ન લઈને શરૂ કરે છે અને જાણે અજાણે સાહસના કેટલાક પેરામિટર્સ – ‘આ રીતે કાર્ય કરીશ’ નક્કી કરે છે. અજય દેવગણના Once upon a time in Mumbai માં દેવગણ પોતે રાજકારણમાં જવાનું નક્કી કરે છે અને પોતાનો વારસો તેના એક માણસને સોંપે છે. હવે દેવગણનો સિદ્ધાંત હતો કે તે દારૂ નહીં બનાવે, પણ તેના ઉત્તરાધિકારીએ આ સિધ્ધાંતને નેવે મૂક્યો અને પ્રશ્નો ઊભા કર્યા. કોઈ ઉદ્યોગસાહસિક નક્કી કરે કે તે નિશ્ચિત નફો લઈને જ ધંધો કરશે, પણ જો તેનો ઉત્તરાધિકારી એ નિયમને નેવે મૂકે તો ધંધામાં પ્રશ્નો ઊભા થવા સંભવ છે. મોટી કંપનીઓમાં પણ, કંપની શરૂ કરતી વખતે સ્થાપક એક ‘Vision’ લઈને શરૂ કરે છે અને આ કંપનીઓ તેના ‘Vision’ ને લઈને ઓળખાય છે. હવે જો ઉત્તરાધિકારી કંપનીના ‘Vision’ થી અલગ વિચરસરણી ધરાવતો હોય તો કંપની પરનો ભરોસો અને ભવિષ્ય ખતરામાં પડે છે. આજે હરીફાઈના અને બદલાતી માંગના જમાનામાં કંપનીના પોતાના વિઝનમાં બદલાવની પણ જરૂરત હોય છે. આમ અહીં ‘ફ્લેક્સીબીલીટી’ની પણ જરૂર રહે છે. આમ ઉત્તરાધિકારી નક્કી કરતાં પહેલાં આ બધી બાબતો અંગે તેના વિચારો જાણી લેવા જોઈએ અથવા તેને સમજણ આપીને આ ‘vision’ ને અનુસરવાની તૈયારી અંગે જાણી લેવું જોઈએ. આ તો ઉત્તરાધિકારીની પસંદનો એક મુદ્દો જ કહ્યો, આ સિવાય અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.

તમે જેને ઉત્તરાધિકારી બનાવવા ઇચ્છતા હો તેને શરૂઆતમાં મોટી જવાબદારી સોંપો, પરોક્ષ રીતે તેના પર નજર રાખો, જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપો.

ઉત્તરાધિકારી માટે ચોક્કસ સ્ટાન્ડડર્ડ નક્કી કરો, તેમાં તમારી પસંદની વ્યક્તિ કેટલા અંશે ફીટ થાય છે તે જુઓ.

ઉત્તરાધિકારીની પસંદ વખતે એક બાબત જરૂર વિચારો તમે કંપનીની ‘આવતી કાલ’ ને નક્કી કરો છો, વર્તમાનને નહીં.

બહુ અગત્યનું – ‘તમારા જેવા’ (clone) ને પસંદ કરવું સહેલું છે; પણ અંગત પસંદ ભૂલી જઈ, આવનાર વ્યક્તિ કંપનીને નવી ઊંચાઈઓ સર કરાવવા સક્ષમ છે કે નહીં તે જુઓ.

ઉત્તરાધિકારી પસંદ કરી કંપનીમાં તેને મૂકવાની પ્રક્રિયા કંપનીના અન્ય કર્મચારીઓ માટે આશ્ચર્યજનક ન હોવી જોઈએ,. એક ‘succession plan’ તૈયાર કરવો જોઈએ, જેથી કંપનીમાં કોઈ ખળભળાટ મચે નહીં.
Post a Comment