Tuesday, May 5, 2015

ઉત્તરાધિકારની સોંપણી પ્રક્રિયા - આયોજન અને અમલ : એક સંક્ષિપ્ત નોંધ

ઉત્તરાધિકારની સોંપણીની વિધિપુરઃસરની ચર્ચા શરૂ કરતાં પહેલાં 'ઉત્તરાધિકાર' અને 'વારસો' વચ્ચેના તફાવત અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી લઈએ.

સીધોસાદો 'વારસો' તો આપણે આપણાં આનુવાંશિક માળખાંને કારણે મેળવીએ છીએ તે છે, જે વિષે આપણી પાસે પસંદ કે નાપસંદના વિક્લ્પ નથી. આજના પ્રવર્તમાન કાયદાકીય અર્થઘટન મુજબ તો 'વારસો' એ વંશપરંપરાગત સંપત્તિનો, બિનવસિયતી ભોગવટો છે. વસિયત દ્વારા મળતા ભોગવટાના હક્કને 'લાભાર્થી' કહેવાય છે. વારસા હક્કની પરંપરાગત અને કાયદાકીય સ્વીકૃતિ ધર્મ, સમાજ અને સમય મુજબ બદલાતી રહી છે. imageકોઈ વ્યક્તિ કે સંસ્થાના પદ કે સ્થાન કે હક્કોના ભોગવટાના કાયદાની રૂએ પ્રસ્થાપિત થતા અનુગામીને 'ઉત્તરાધિકારી' કહેવામાં આવે છે.
દરેક વ્યક્તિ કે સંસ્થાને એક સમય આવે છે જ્યારે પોતે કરેલાં કામોને આગળ ધપાવવા માટે યોગ્ય ઉત્તરાધિકારીની પસંદ મહત્ત્વની બાબત બની જાય છે. બધાં પાસાંઓની વિચારણા કરીને ઉત્તરાધિકારી નક્કી કરવાનો સમય મળે તેમ કરી શકવું શકય હોય ત્યારે એ તક હાથમાંથી જતી ન રહે તે પણ ઘણું વધારે મહત્ત્વનું બની રહેતું હોય છે. આમ સંસ્થાની કામગીરીને લાંબા ગાળે ટકાવી રાખવાના સંદર્ભમાં 'ઉત્તરાધિકાર' એ માત્ર હક્ક્નો ભોગવટો નથી, પણ જવાબદારીઓનું અસરકારક વહન પણ છે.

વ્યાપાર-ઉદ્યોગ જગતમાં ઉત્તરાધિકારીની પસંદગી વિષે ઘણું વિચારાયું છે અને લખાયું છે. જેટલું વિચારાયું તેમાંથી ઘણું ધાર્યા મુજબ ન ઊતર્યાનાં પણ ઉદાહરણોની ચર્ચાઓ પણ આ સાહિત્યનો એક ખાસ પ્રકાર બની રહ્યો છે.
++++++++++++++++++
imageઉત્તરાધિકારની સોંપણી એ વ્યૂહાત્મક અભિગમ છે જેના દ્વારા, જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે, જરૂરી નૈસર્ગિક પ્રતિભા, આવડત, કૌશલ્ય અને અનુભવ સાથેની વ્યક્તિ(ઓ) ઉપલબ્ધ બની રહે, જેથી સંસ્થાની કામગીરીના સાતત્યમાં કોઈ વિક્ષેપ પડે નહીં. પદોન્નતિ કે બઢતીથી આ અભિગમ એ દૃષ્ટિએ અલગ પડે છે કે અહીં વ્યક્તિની વર્તમાન ક્ષમતાનું મૂલ્યાંકન એવી ભાવિ જવાબદારીઓનાં નિર્વહન માટે કરાઈ રહ્યું છે જે તે વ્યક્તિએ અત્યાર સુધી કદાચ કદી પણ નિભાવી ન હોય. અત્યાર સુધી ઉત્તરાધિકાર સોંપણી પ્રક્રિયાનું મહત્ત્વ નિવૃત્ત થતા વરિષ્ઠ કર્મચારી (કે માલિક)ની જગ્યા પૂરી કરવા માટે વધારે ગણાતું, પણ આજના અતિ ઝડપથી બદલાતી જતી દુનિયાના પડકારોને સફળતાથી ઝીલવા માટે હવે તેને એક અતિ મહત્ત્વના સંસાધનનો દરજ્જો મળી ચૂક્યો છે.

ઉત્તરાધિકાર વિષે ઘણું મૅનેજમૅન્ટ સાહિત્ય ખેડાયું છે. અહીં આ વિષયને સ્પર્શતા બધાજ મુદ્દાઓનો સમાવેશ કરવાને બદલે ઉત્તરાધિકાર પ્રક્રિયા અંગેની કેટલીક પાયાની બાબતો અને અલગ અલગ વિચારસરણીઓ રજૂ કરીને વિચારનું ભાથું બાંધવાનો આશય રખાયો છે.

આપણા દેશમાં તાતા જૂથના મુખ્ય પ્રબંધક તરીકે રતન તાતાના ઉત્તરાધિકારીની પસંદગીની સાયરસ મિસ્ત્રીની વરણીમાં પરિણમેલી પ્રક્રિયાને પૂર્ણપણે સર્વગ્રાહી અને સુઆયોજિત પદ્ધતિનું બહુ આદર્શ મૉડેલ ગણી શકાય. રતન તાતાની વરણી પણ આવી જ સર્વગ્રાહી પ્રક્રિયાને અંતે જ થયેલી અને તેમ છતાં તેમના પ્રભાવની આણ સંસ્થાના દરેક ખૂણે એકસરખી અનુભવાય એમ કરવામાં શરૂઆતના તબક્કામાં તેમને ઘણા વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. આ અનુભવમાંથી મળેલી શીખનો પણ બહુ જ સફળતાપૂર્વક અહીં ઉપયોગ કરાયો હતો. આદિત્ય બિરલા બિરલા ગ્રુપના નૈસર્ગિક ઉત્તરાધિકારી હોવાના નાતે તેમના માટે એ સ્થાન નિશ્ચિત હતું, છતાં પણ સંક્રાતિ કાળ દરમ્યાન ઉચાટ અનુભવાયો હતો. આ દરમ્યાન જે શીખ મળી તેને આદિત્ય બિરલાએ બહુ સમયસર જ સંસ્થાગત કરી લીધેલ, જેના પરિણામે તેમના ઉત્તરાધિકારીની નિમણૂક તેમની માંદગીને કારણે એકંદરે ઉતાવળથી કરવાની થઈ, ત્યારે નૈસર્ગિક ઉત્તરાધિકારી કુમારમંગલમ્ બિરલા પ્રમાણમાં 'કાચી વય'ના હોવા છતાં સંક્રાંતિ પ્રક્રિયા સરળતાથી પાર કરી શકાઈ હતી.આઈટીસીના ચેરમેન વાય સી દેવેશ્વર ૨૦૧૭માં તેમનો હોદ્દો છોડવાના છે, પણ તેમના ઉત્તરાધિકારીની ચયન પ્રક્રિયા અત્યારથી જ સક્રિય કરી દેવાઇ છે. image
કેટલાક મૂળભૂત સિદ્ધાંતો :
  • છેક છેલ્લી ઘડી સુધી રાહ ન જોવી જોઇએ. શકય તેટલી વહેલી શરૂઆત કરવામાં જ શ્રેય રહેલ છે.
  • વ્યક્તિ(ઓ) પર નહીં, પણ નીતિઓ, મૂલ્યો, પડકારો પર ભાર મુકાવો જરૂરી છે.
  • ઉત્તરાધિકાર પસંદગીની પ્રક્રિયા એ કોઈ એક વ્યક્તિ કે વિભાગને માત્ર નહીં પણ લાગતાં વળગતાં સહુને આવરી લેતી હોવી જોઈએ.
  • ઉત્તરાધિકારી માટેની જરૂરિયાતોને જેટલી સ્પષ્ટતાથી નક્કી કરવામાં આવે અને પારદર્શિતાથી જાણ કરવામાં આવે, તેટલી પસંદગીની ગુણવત્તા ઊંચી હોવાની શકયતા ઊજળી રહે છે.
image

આ વિષયને લગતાં મોટાભાગનાં સાહિત્યમાં ઉત્તરાધિકાર પ્રક્રિયાને પાંચ હિસ્સામાં વહેંચી દેવામાં આવેલી જોવા મળે છે. પહેલું પગલું : સંસ્થાની લાંબા ગાળાની કામગીરી માટે મહત્ત્વની ભૂમિકા ધરાવતાં સ્થાન નક્કી કરવાં.
આ એવાં સ્થાન છે, જેમાં સક્ષમ પદાધિકારીનું હોવું એ એ માત્ર તે વિભાગ માટે જ નહીં; પણ સંસ્થાના દીર્ઘદર્શનના પરિપ્રેક્ષ્યમાં ઉદ્દેશ્યો અને મૂલ્યોની સિદ્ધિ માટેની સમગ્રતયા કામગીરી અંગેની સફળતા માટે મહત્ત્વ ધરાવે છે. અહીં સ્થાનની પસંદગીમાં એ સ્થાનનો ભવિષ્યના પડકાર સાથેના સંદર્ભને ખાસ ભાર અપાવો જરૂરી બની રહે છે.
બીજું પગલું : દરેક સ્થાનને લગતા વર્તમાન તેમ જ ભાવિ પડકારોને પહોંચી વળવા માટે જરૂરી ક્ષમતાઓનું સ્પષ્ટ ચિત્ર તૈયાર કરો.
સ્થાનનાં મૅનેજમૅન્ટનાં માળખાં એ પદનું વ્યૂહાત્મક મહત્ત્વ અને ભાવિ પડકારોને પહોંચી વળવામાં તેની ભૂમિકા માટે એ પદગ્રહણ કરનારી વ્યક્તિમાં જરૂરી ક્ષમતાનું જેટલું વધારે વિગતવાર અને સ્પષ્ટ ચિત્ર તૈયાર થશે તેટલી હદે ઉત્તરાધિકારીની પસંદગી પછી તેને નવી ભૂમિકા માટે તૈયાર કરવા માટેનાં પ્રશિક્ષણ માટેની જરૂરિયાતો પણ સ્પષ્ટ બની રહેશે. બંને પક્ષે ભાવિ જવાબદારી અદા કરવાની કામગીરી અને કામગીરીની સફળતાની માપણી બાબતે પણ સ્પષ્ટતા બની રહેશે.
ત્રીજું પગલું: ઉત્તરાધિકાર પ્રક્રિયાનાં સંચાલન માટેની વ્યૂહરચના ઘડી કાઢો
એક વાર જરૂરી સ્થાન અને તેના માટે જરૂરી ક્ષમતા અંગે સ્પષ્ટતા થઈ જાય એટલે ઉમેદવારની પસંદગી સંસ્થાની અંદરના જ ઉમેદવારોમાંથી કરી શકાશે કે બહારના ઉમેદવારોમાંથી તે અંગે પણ વિચારણા કરવી પડશે. નિમણૂક અને જોડાવા અંગેની માર્ગદર્શિકાઓ અને જરૂરી પ્રશિક્ષણ પૂરું પાડવા માટેનાં સંસાધનોની ઉપલબ્ધિ જેવી બાબતોને આવરી લેતી વૈકલ્પિક વ્યૂહરચનાઓ પણ ઘડી કાઢવી જોઈએ.
ચોથું પગલું : ઉત્તરાધિકાર સોંપણીનાં આયોજન અને અમલની યોજનાનું દસ્તાવેજીકરણ કરી અને કાર્યાન્વિત કરો.
વૈકલ્પિક વ્યૂહરચનાઓ ઘડી કાઢ્યા બાદ હવે જુદા જુદા તબક્કાઓની સમયરેખા, એ સમયે જુદી વ્યક્તિઓની ભૂમિકા અને જવાબદારી જેવી બાબતોની યોજનાને ઘડી કાઢી તેનો અમલ કરી દેવાનું શરૂ કરી શકાય.
પાંચમું પગલું: નિયમિત સમયના અંતરે સમગ્ર પ્રક્રિયાની કામગીરીની મૂલવણી કરો.

image
મૂલવણી માટેના માપદંડ ઉત્તરાધિકાર સોંપણીની યોજનાનું મહત્ત્વનું ઘટક છે. પ્રક્રિયાની અસરકારકતાની મુલવણી કરતી વખતે હવે પછી જે પ્રવૃત્તિઓ કરવાની રહે છે તેના પર અત્યાર સુધીની સફળતાની શું અસર પડી છે તે બાબતનું આકલન પણ કરવું જરૂરી છે. imageકોઈપણ આયોજનમાં જેટલું મહત્ત્વ તેનાં ઘડતરની પાછળ કરવામાં આવેલી મહેનતનું છે, તેટલું જ મહત્ત્વ તેના લવચિક અને સક્રિય અમલનું પણ છે. ઉત્તરાધિકારીની પસંદગીની સફળતા જેટલી એ વ્યક્તિની ક્ષમતાનાં સ્થાનની જરૂરિયાતો પૂરી કરી શકવા સાથે કેટલો મેળ પડી જાય છે તેના પર છે; તેટલો જ પસંદગીની પ્રક્રિયામાં સામેલ વ્યક્તિઓની ક્ષમતા, હેતુલક્ષિતા અને પ્રતિબધ્ધતા પર પણ રહે છે.

પસંદગી કરી લીધા પછી શું થશે તે વિષે આશંકાઓ, પસંદગીની પ્રક્રિયાને ઉમેદવારો વચ્ચેની સ્પર્ધાનો અખાડો બનાવી દેવો, પ્રક્રિયાને ભાવિ જવાબદારીઓનાં વહન માટેનાં માધ્યમ તરીકે ન જોવાને બદલે માત્ર સત્તાનાં હસ્તાંતરણનાં સગવડિયાં સાધન તરીકે જોવું જેવી બાબતો સમગ્ર પ્રક્રિયાની અસરકારકતા પર બહુ જ મહત્ત્વનો પ્રભાવ પાડી શકે છે.

એક જ લેખમાં ઉત્તરાધિકારની સોંપણીનાં બધાં જ પાસાં, અલગ અલગ કિસ્સાઓના જમા-ઉધારની ફેફિયત કે જૂદી વ્યૂહરચનાઓ માટેના નમૂનેદાર ઢાંચાઓ જેવી બધી જ બાબતોને ન્યાય આપવો શક્ય નથી, તેથી વધારાની માહિતી, વાંચન અને સંદર્ભો માટેની કેટલીક સામગ્રીની યાદી અહીં રજૂ કરી છે.
પુસ્તકોઃ
Succession Planning – Basics – Christee Gabor Atwood
Succession Planning – Sandra Hastings
Succession Planning and Management: A Guide to Organizational Systems and Practices – David Berke
Succession Planning for the Family Owned Business - Mike Fager, Dave McKinney
Great Leadership Development and Succession Planning eBook – Dan McCarthy
લેખઃ
GE Succession a Leadership Lesson
Buffett’s Succession Plan Is About More Than Just the Right People
Apple a Succession Planning, Corporate Culture Success Story
How good is succession planning in Indian cos?
The Tata way of succession planning is exemplary
Institutionalizing leadership - The HUL story
The ITC King’s Gambit
વિડીયો ક્લિપ્સઃ
Succession Planning in Family Business (The Indian way) | DevduttPattanaik
CEO Succession Planning: The Good, the Bad and the Ugly| Rock Center
Succession Planning and the Development of Your High Potentials | Webinar 02.03.15

સાભાર નોંધઃ અહીં લીધેલાં ચિત્રો નેટ પરથી, પ્રસ્તુતના લેખના સંદર્ભને આધારે લીધેલાં છે. તેના પ્રકાશાનધિકાર તેના મૂળ રચયિતા / પ્રકાશકના જ રહે છે.
Post a Comment