Sunday, November 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર,૨૦૧૮



શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો (૧)

સલીલ ચૌધરી (૧૦ નવેમ્બર, ૧૯૨૨ - ૫ સપ્ટેમ્બર, ૧૯૯૫) એ બીનપરંપરાગત સંગીત રચના સર્જનની શૈલીના સંગીતકાર તરીકે વધારે જાણીતા છે. તેમણે આસામી અને બંગાળી લોકધુન સાથેનો નાભી સંપર્ક જાળવીને, બાખ, બીથોવન, મોઝાર્ત જેવા સંગીતકારોની રચનાઓ દ્વારા પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત પ્રત્યે પોકાનું આકર્ષણ જીવંત રાખીને અને ભારતીય શાસ્ત્રીય રાગોને આગવી ઓળખ આપીને પોતાનાં સંગીતને સાવ નવા અવતારમાં પેશ કર્યું. તેઓ અનેક વાદ્યોના જ માત્ર નિપુણ ન હતા, પણ ૧૯૪૦-થી '૫૪-૫૫ની એમની કલકત્તા નિવાસની પહેલી ઈનિંગ્સ દરમ્યાન એક વાર્તા લેખક, ગીતકાર, પટકથા લેખક, વૃંદગાન સંચાલક તેમ જ સંગીત રચયિતા તરીકે પણ જાણીતા થઈ ચુક્યા હતા. 'દો બીધા ઝમીન'ની સાથે શરૂ થયેલ તેમની મુંબઈ નિવાસની હિંદી ફિલ્મ સંગીત સાથેની બીજી ઈનિંગ્સના પ્રારંભમાં જ તેમનો પરિચય એવાજ એક અનોખા, સંવેદનશીલ, કવિ અને છેલ્લાં ચારેક વર્ષમાં ગીતકાર તરીકે હિંદી ફિલ્મ જગતમાં એક ચોક્કસ સ્થાન બનાવી રહેલા ગીતકાર શૈલેન્દ્ર સાથે થયો.


શૈલેન્દ્રનો બંગાળી ભાષાનો મહાવરો હોય કે તેમના પૂર્વજીવનમાં તેમનો શ્રમજીવી વર્ગ સાથેનો ઘરોબો હોય કે કવિતા પ્રત્યે જીવનોભિમુખ વાસ્તવિક અભિગમ હોય, પણ સલીલ ચૌધરી સાથે તેમનો સંગાથ ઘણો લાંબો, ફળદાયી, સફળ અને અનોખો રહ્યો એ બાબત બધે બધાં જ સહમત થાય છે. સંખ્યાની દૃષ્ટિએ શંકર જયકિશન પછી સૌથી વધારે ગીતો શૈલેન્દ્રએ સલીલ ચૌધરીનાં સંગીતમાં લખ્યાં છે. ગીતની સીચુએશનના સંદર્ભની સીમાઓમાં રચી શકાતાં ફિલ્મનાં ગીતોની મર્યાદામાં પણ સલીલ ચૌધરી અને શૈલેન્દ્રએ પોતપોતાની આગવી મૌલિકતાને અકબંધ રાખીને નવા નવા પ્રયોગો પણ કર્યા છે. સલીલ ચૌધરી મોટા ભાગે પહેલાં ધુન બનાવીને પછી ગીતના બોલ લખાવવાનું પસંદ કરતા, તેમ છતાં શૈલેન્દ્રનાં ગીતોના કાવ્યસભર ભાવમાં એ બંધનની જરા સરખી છાંટ પણ નથી વર્તાતી.


'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ની લેખમાળામાં આપણે હિંદી ફિલ્મ સંગીતક્ષેત્રે જાણીતા અમુક અમુક કલાકારોનાં ગીતોને તેમની જન્મ/અવસાન તિથિના ઉપલક્ષ્યમાં દર વર્ષે કે લેખના હિસાબે શ્રેણીબધ્ધ સ્વરૂપે યાદ કરવાનો ઉપક્રમ આપણે કરતાં રહ્યાં છીએ. સલીલ ચૌધરીના જન્મ મહિના નવેમ્બરમાં આપણે તેમણે રચેલાં શૈલેન્દ્રનાં ગીતોને યાદ કરીશું. સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલ લગભગ ૭૫ જેટલી હિંદી ફિલ્મોમાંથી શૈલેન્દ્રએ તેમના માટે જે ચોથા ભાગથી પણ વધુ ફિલ્મો માટે ૧૦૮ જેટલાં ગીતોને લખ્યાં છે તે ગીતોને આ વાર્ષિક શ્રેણીમાં યાદ કરીશું. ફિલ્મોની વર્ષવાર રજૂઆતના ક્રમને અનુસરતાં રહીને, જે ગીતો આજે પણ આપણા હોઠે છે તેવાં ગીતોની નોંધ લેતાં જઈને વિસરાતાં ગીતોને વધારે નજદીકથી યાદ કરવાનો આપણો અભિગમ રહેશે.

દો બીધા જમીન (૧૯૫૩)

આ ફિલ્મની પટકથા સલીલ ચૌધરીએ તેમની જ વાર્તા 'રીક્ષાવાલા"પરથી લખી છે. બહુ શરૂઆતના વિચાર મુજબ તો સલીલ ચૌધરીની ભૂમિકા આટલેથી જ પુરી થઇ ગઇ હોત, પરંતુ નિયતિએ તેમની ઝોળીમાં ફિલ્મનું સંગીત પણ ભરી નાખ્યું. એ જ વર્ષમાં બીમલ રોય દિગ્દર્શિત 'બિરાજ બહુ' માટે પણ સલીલ ચૌધરીની જ સંગીતકાર તરીકે પસંદગી થઈ હતી. ફિલ્મમાં ગીતકાર તરીકે શૈલેન્દ્રની પસંદગી કેમ થઈ હશે તે વિષે બહુ આધારભૂત નોંધ જાણવા નથી મળતી. આપણને, જોકે, તે બાબતે બહુ સંબંધ પણ નથી ! ફિલ્મનાં ચારે ચાર ગીતો એકદમ અનોખાં હતાં, દરેકની પોતપોતાની આગવી સર્જનકહાની પણ અનેક દસ્તાવેજોમાં નોંધ પામેલ છે. આ ચારમાંથી ત્રણ ગીતો આજે પણ ગુંજતાં સાંભળવા મળે છે:

આજે અહીં આપણે જે ગીતને વિગતે સાંભળવાનાં છીએ તે પણ છે તો આટલું જ જાણીતું અને લોકપ્રિય.એ છે એક હાલરડું, એટલે વળી એકદમ જ માર્દવભર્યું પણ છે. હાલરડું હોવા છતાં ગીતના બોલની પસંદગીમાં શૈલેન્દ્રનો આગવો સ્પર્શ પણ વર્તાય છે, એવાં આ ગીત - આજા રી તુ આ નીંદીયા તુ આ - ની એક વિશેષતા એવી છે જેને કારણે તેનો અલગથી ઉલ્લેખ કરવાની તક મળે છે. બિમલ રોય એ સમયમાં અશોક કુમારના નિર્માણમાં બની રહેલી 'પરિણીતા' પણ દિગ્દર્શન કરી રહ્યા હતા. બન્ને ફિલ્મો સાથે સંકળાયેલા હૃષિકેશ મુખર્જીએ 'પરિણીતા"ની મુખ્ય અભિનેત્રી મીના કુમારીને આ હાલરડું પરદા પર ગાવા રાજી કરી લીધાં હતાં, જેને પરિણામે માત્ર અમુક જ ગીત કે પ્રસંગ માટે કોઈ પણ ફિલ્મમાં કામ કરવાનો આ મીના કુમારીની કારકીર્દીનો એક માત્ર દાખલો બની રહ્યો.



નૌકરી (૧૯૫૪)

એક નેપાળી ધુન પર આધારીત છોટા સા ઘર હોગા બાદલોંકી છાઓંમેં (ગાયકો: કિશોર કુમાર, શીલા બેલ્લે)ની અભૂતપૂર્વ લોકપ્રિયતાએ આ ફિલ્મના બીજાં ગીતોને પોતાના પડછાયામાં જાણે સંતાડી દીધાં છે. આ ગીતનાં કરૂણ ભાવનાં વર્ઝન માટે સલીલ ચૌધરીએ હેમંત કુમારનો સ્વર વાપરવાનું ઉચિત ગણ્યું છે.

એક છોટીસી નૌકરીકા તલબગાર હું - કિશોર કુમાર, શંકર દાસગુપ્તા, શ્યામલ મિત્ર

ભણીને આજીવીકાની શોધમાં તૃષાર્ત યુવા વર્ગની અપેક્ષાઓને શૈલેન્દ્રએ એટલા યથાર્થ ભાવમાં ઝીલી છે કે આજના યુવા વર્ગને કંઠે પણ આ ગીત અપ્રસ્તુત નહીં જણાય. સલીલ ચૌધરી પણ હળવા મિજ઼ાજની રચનાઓ રમતી મુકવાની તેમની કાબેલિયત સિધ્ધ કરે છે.

અરજી યે હમારી મરજી હમારી, જો સોચે બીના ઠુકરાઓગે બડે પછતાઓગે - કિશોર કુમાર

ગીતનો ઉપાડ નોકરી અરજી અસ્વીકાર કરવાની વાતથી થાય છે પણ મૂળ આશય તો 'સામનેવાલી ખીડકી' પાસે પોતાના પ્રેમની દરખાસ્ત રજૂ કરવાનો છે. સલીલ ચૌધરી જેવાની સંગીતમય રજૂઆતમાં શૈલેન્દ્રની કાવ્યમય કલ્પના ભળે તો આ પ્રકારની અરજીએ તો સ્વીકારાવું જ પડે !


ઝૂમે રે કલી ભંવરા ઉલઝ ગયા કાંટોમેં - ગીતા દત્ત

પરંપરાગત સમાજના રૂઢિચુસ્ત સમયમાં જ્યારે એક નવયૌવના એકલી એકલી પોતાના પ્રેમનો ઈકરાર કરતી હોય ત્યારે દિલના છલકાતા ભાવમાં જે દબાયે ન દબાતો ઉલ્લાસ છતો થતો હોય તેને તાદૃશ કરવા માટે સલીલ ચૌધરીએ ગીતા દત્તના ભાવવાહી માર્દવ સ્વરના મુલાયમ સ્પર્શને પ્રયોજે છે. શૈલેન્દ્રના બોલ પણ ગીતના ભાવને વ્યકત કરવામાં લેશ માત્ર ઊણા નથી પડતા.


ઓ મન રે ન ગમ કર, યે આંસુ બનેંગે સિતારે...., જુદાઈમેં દિલ કે સહારે - લતા મંગેશકર

સલીલ ચૌધરીએ એક જગ્યાએ કહ્યું છે કે લતા મંગેશકર માટે તેમને એટલો ભરોસો રહેતો કે તે જે ગીત ગાવાનાં હોય તે મારાથી બીજાં ગીતો કરતાં કંઈક વધારે અઘરાં જ બની જતાં. નોકરીની શોધ માટે જતા નાયકની જિંદગીમાં હવે જે ગતિની અપેક્ષા છે તેને પ્રસ્તુત ગીતમાં દિગ્દર્શક ટ્રેનની ગતિનાં રૂપક વડે બતાવે છે. એ દૃશ્યોને સલીલ ચૌધરીએ પૂર્વાલાપમાં હાર્મોનિકા અને અંતરાનાં સંગીતમાં વાયોલિન અને ફ્લ્યુટના ઉપયોગ વડે વણી લીધેલ છે જ્યારે ગીત તેમની આગવી (અઘરી) શૈલીમાં ગવાય છે. નોકરીની શોધ માટે નીકળેલા પ્રેમીને શુભેચ્છા દેતાં દેતાં નાયિકાના મનમાં અનુભવાતી જુદાઈની વ્યથા ગીતના બોલમાં વ્યક્ત થાય છે.



અમાનત (૧૯૫૫)

આ ફિલમનાં બે ગીતને હું (કમ સે કમ સલીલ ચૌધરીના ચાહકોની દૃષ્ટિએ) જાણીતા ગીતો તરીકે વર્ગીકૃત કરવાનું ઉચિત ગણીશ –
- હેમંત કુમાર અને ગીતા દત્તના સ્વરમાં ગવાયેલું યુગલ ગીત હો જબસે મીલી તોસે અખીયાં જિયરા ડોલે હો ડોલે આસામી લોક ધુન પર આધારીત છે. ફિલ્મનાં મુખ્ય પાત્રો જે લાગણીને વાચા ન આપી શકે તેને કોઈ અન્ય પાત્ર પાસે ગીતના સ્વરૂપે રજૂ કરવાના પ્રકારનાં આ ગીતમાં ગીત ગાઈ રહેલાં પુરુષ ને સ્ત્રી વચ્ચે નદીના તટથી અર્ધી નદીના પ્રવાહનું જે લાં…બું અંતર છે તે અંતરના ભાવથી પુરાઈ જતું હોવાની કલ્પના છે. જે બે વ્યક્તિ આ ભાવ ખરેખર વ્યક્ત કરવા માગે છે તે ભૌતિક રીતે નજદીક હોવા છતાં પોતાના ભાવ વ્યક્ત ન કરી શકવાનાં અંતરથી જુદાં છે.
- આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું મેરી વફાયેં તુમારી જફાએં આંસુ લીખેંગે ફસાના મેરે પ્યારકા (અહીં કોઈના વતી કોઈ દ્વારા) પ્રેમીની નિર્દોષ મજાકની મસ્તીનું ગીત છે. ઓ પી નય્યરનાં આશા ભોસલેના ગીતોના પછીથી વહી નીકળેલા ધોધના પ્રવાહમાં તણાઈ જતું જણાતું આ ગીત આશા ભોસલેના ચાહકોને તરત જ યાદ આવી જશે.
ચેત રે મુરખ ચેત રે અવસર બીત જાયે રે - મન્ના ડે, આશા ભોસલે

એક વૃધ્ધ અને તેનાં રાહદર્શક સાથી તરીકે કિશોર બાળા ભિક્ષા માગવા નીકળે અને સાથે સાથે જીવન જીવવાનો મહત્ત્વનો સંદેશો પણ કહેતાં જાય એ પણ એ સમયની હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત ગીત પ્રકાર હતો. પુરુષ સ્વર માટે પાર્શ્વગાયક તરીકે મન્ના ડે એ ચોકઠાંમાં એવા ફસાઈ ગયા હતા કે તેમણે એમાંથી બહાર નીકળવા માટે બહુ મહેનત કરવા ઉપરાંત નસીબની યારીની પણ રાહ જોવી પડી હતી. 


છલ છલ પાની હમારી જિંદગાની યે ચલ કે રૂકના જાને ના - મન્ના ડે, આશા ભોસલે, સાથીઓ

કુવામાંથી ડબલાંઓની રેંટ વડે સીચાતા પાણીના નાની-સી નીકમાં વહેતા પ્રવાહને જિંદગીના ધસમસાટનાં રૂપક તરીકે દિગ્દર્શકે પ્રયોજ્યું છે. પોતાની કલ્પનાના ભવિષ્યના આદર્શ સમાજની કલ્પના વ્યકત કરવા માટે શૈલેન્દ્રને મળી ગયેલી તકનો તેમણે ગીતના બોલના ખોબલે ખોબલે લાભ લુંટ્યો છે. પાણીના મુકત પ્રવાહની ગતિને સલીલ ચૌધરીએ ગીતની ધુનમાં ઝીલી લીધી છે. 


બાંકી અદાયેં દેખના જી દેખના દિલ ન ચુરાયે દેખનાજી - ગીતા દત્ત

હૃદયની અંદરથી ઊઠતા કુમાશભર્યા મારકણા ભાવની ગીતમં રજૂઅત કરવી હોય તો એ સમયના સંગીતકારોની પહેલી પસંદગી ગીતા દત્ત રહેતાં. 'મેરી વફાયેં'વાળી સીચ્યુએશન કરતાં અહીં ભૂમિકા બદ્લાઇ ગયેલી જણાય છે. ચાંદ ઉસ્માનીએ મલકાતાં મલકાતાં પિયાનો સંભાળી લીધો છે અને કદાચ એમના જ મનના ભાવનું પ્રતિબિંબ આશા માથુર ગીતમાં ઝીલે છે.


જબ તુમને મહોબ્બત છીન લી, ક્યા મિલેગા બહારોંસે - આશા ભોસલે

પ્રેમનાં ઘુંટાતાં રહેતાં દર્દને વાચા આપતાં ગીત માટે સલીલ ચૌધરીએ આશા ભોસલે પર કેમ પસંદગી ઉતારી હશે તે તો જાણવામાં નથી આવ્યું, પણ આશા ભોસલે આટલી મુશ્કેલ તર્જ઼ને અણ પૂરેપૂરો ન્યાય આપી શક્યાં છે તે વાત તો પહેલી નજરે ધ્યાન પર આવે જ છે. આ કક્ષાનાં ગીત બીનપરંપરાગત શૈલીનાં વ્યાકરણની દૃષ્ટિએ કે કર્ણપ્રિયતાની દૃષ્ટિએ સાંભળવું ગમે, પણ એક સામાન્ય ચાહક માટે તે ગણગણવું અતિમુશ્કેલ છે.અને જે ગીત ગણગણી નથી શકાતું તે લોકજીભે પણ નથી ચડતું ! 


આવાઝ (૧૯૫૬)

મહેબુબ ખાન નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક ગીતકાર ઝીઆ સરહદી હતા. ફિલ્મમાં શૈલેબ્દ્ર ઉપરાંત બીજા ત્રણ ગીતકાર હતા. ફિલ્મનાં કુલ ૧૦માંથી ત્રણ ગીત શૈલેન્દ્રએ લખ્યાં છે. દિલ તેરે લિયે ડોલે રે, ધિતાંગ ધિતાંગ બોલે રે (ગીતકાર પ્રેમ ધવન), દિલ દીવાના દિલ મસ્તાના માને ના અને આરા રમ તારા રમ દુનિયા કે કૈસે ગમ (ગીતકાર ઝીઆ સરહદી) ફિલ્મનાં જાણીતાં થયેલાં ગીતોમાં ગણી શકાય. આ ત્રણેય ગીત શૈલેન્દ્રનાં લખેલાં નથી. -

બાબા તેરી ચીરૈયા,જાયે અનજાનેકી નગરીયા - લતા મંગેશકર

દીકરીનાં લગ્ન લેવાયાં હોય ત્યારે તેની બહેનપણીઓ જુદા પડવાની ગમગીનીને ગીતોમાં વણીને કન્યાને લગ્નની વિધિઓ માટે તૈયાર કરતી જાય એ આપણે ત્યાંની બહુ સ્વીકૃત પ્રથા છે. ગીતનાં અંતરાનાં સંગીતમાં સલીલ ચૌધરીએ વરપક્ષની આવી રહેલ બારાતની બેન્ડ પાર્ટીના સુરને આવરી લેવાનો સ-રસ પ્રયોગ કરેલ છે.

આપણી આ શ્રેણીના દરેક લેખનો અંત વિષય-સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી કરવાની પરંપરા સાથે આજના અંકના છેલ્લાં બે ગીત બરાબર બંધ બેસી જાય છે.

આયી બારાત બાજે ગાજે સે... આજ મેરા દુલ્હા કમ નહીં કીસી રાજે સે - એસ બલબીર અને સાથીઓ સાથે

અહીં બારાતીઓમાં આવેલા વરરાજાના મિત્રોએ વરરજાને ખભે ઉપાડી લેવાની સાથે સાથે આ ગીત પણ ઉપાડી લીધું છે.થોડી ઝીણવટથી જોતાં જણાય છે કે પહેલાંના ગીતમાં જે બહેનપણી હતી તે હવે લગ્ન મડપમાં કન્યા બનવાની છે.

લો ભોર હુઈ પંછી નીકલે...તલાશમેં દાને દાનેકી,ઈન્સાન ભી ઘર સે નીકલા, ધુન રોટી કમાને કી - મોહમ્મદ રફી

ગીત શ્રમજીવી વર્ગની ભાવનાઓને વાચા આપે છે. ઝીઆ સરહદી ખુદ પણ મવાળવાદી વિચારસરણી ધરાવતા હતા, પણ અહીં તેમણે જવાબદારી શૈલેન્દ્રને સોંપી છે, જેને શૈલેન્દ્રએ જરા સરખી પણ ગુમાવી નથી. ગીત ફિલ્મમાં ક્રેડીટ ટાઈટ્લ્સની અનોખી રજૂઆત સાથે ફિલ્મના વિષયની પૂર્વભૂમિકા બાંધી આપે છે. મોહમ્મદ રફીએ ગીતને જે સુંવાળપભર્યા સુરમાં ગાયું છે તે વાત પણ ખાસ ધ્યાન પર આવે છે.

આ ચાર ફિલ્મોનાં શૈલેન્દ્રએ લખેલં સલીલ ચૌધરીનાં સંગીતબધ્ધ કરેલ વિષય અને રજૂઆતની વૈવિધ્યતા પ્રચુર આટલાં ગીતોથી આજના લેખને સમાપ્ત કરીશું. હવે પછીનો એંક એક વર્ષ પછી આવશે તે ઈંતજ઼ાર કદાચ બહુ લાંબો લાગે, પણ આવાં અને આટલાં ગીતોને આટલાં વર્ષે માણવાં હોય તો તેને ફરી ફરી સાંભળવાં પડે, અને એટલે એક વર્ષનો સમય ઉપયુક્ત જણાય છે.

Thursday, November 8, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો : પુરુષ-પુરુષ યુગલ ગીત અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો


પુરુષ-પુરુષ યુગલ ગીત
૧૯૪૭નં વર્ષ માટે હિંદી ફિલ્મ ગીત કોષમાંથી એક જ પુરુષ-પુરુષ યુગલ ગીત મળી શક્યું છે.
જી એમ સાજન, મોહમ્મદ રફી, સાથીઓ - દેશમેં સંકટ આયા હૈ અબ કુછ કરકે દીખાના હૈ - આપકી સેવામેં - સંગીતકાર દત્તા દેવજેકર - ગીતકાર મહિપાલ

ત્રિપુટી/ત્રિપુટી+ગીતો
સંખ્યાની દૃષ્ટિએ ૧૯૪૭નાં વર્ષ માટેનાં ત્રિપુટી ગીતો સાંભળવા મળે છે ૫ સંગીતકારોની માત્ર ૬ ફિલ્મોમાની રચના સ્વરૂપે, પરંતુ ગાયકો અને ગીતની સીચ્યુએશનની દૃષ્ટિએ વૈવિધ્ય વધારે જોવા મળશે. હિંદી ફિલ્મ ગીત કોષમાં હજૂ પણ બીજાં બે-ત્રણ ત્રિપુટી ગીતો જોવા મળ્યાં હતાં, પણ તેમની યુ ટ્યુબ લિંક ન મળી શકી હોવાને કારણે અહીં તેમને સમાવ્યાં નથી.
બહુ જાણીતાં થયેલાં ગીતો
ઝોહરા, નુરજહાં, શમશાદ બેગમ, સાથીઓ -હાયે રે ઊડ ઊડ જાયે મોરા રેશમી દુપટ્ટા - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી 

ઝોહરા, નુરજહાં, શમશાદ બેગમ, સાથીઓ -રૂત રંગીલી આયી ચાંદની છાયી, ચાંદ મોરે આજા હો - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીતા રોય, લતા મંગેશકર, ચિતળકર - જવાની કી રેલ ચલી જાયે રે - શેહનાઈ – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી

ઓછાં સાંભળેલાં ગીતો
આભા, ગીતા રોય,જી એમ દુર્રાની, સાથીઓ - ચમકત ચમકત દામિની શોર કરત ઘનઘોર - ગીત ગોવિંદ - સંગીતકાર જ્ઞાન દત્ત - ગીતકાર પંડિત ઈન્દ્ર (ભાગ ૧)

ગીતા રોય,રેખા રાની,જી એમ દુર્રાની, સાથીઓ - વિયોગન દીપ શીખા સી જલ રહી - ગીત ગોવિંદ - સંગીતકાર જ્ઞાન દત્ત - ગીતકાર પંડિત ઈન્દ્ર (ભાગ ૨)

ગીતના બીજા બે ભાગ - મન હી મનમેં જલને લગી (ગીતા રોય, રેખા રાની, જી એમ દુર્રાની) અને માન જા માન જા માનિની (રેખા રાની, જી એમ દુર્રાની)ની યુટ્યુબ લિંક નથી મળી શકી.
ગીતા રોય, રાજકુમારી, ભાટકર, સાથીઓ - બૃજમેં ધુમ મચા જા ઓ મથુરા કે રાજા - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા

મોહમ્મદ રફી, ગીતા રોય, લલીતા દેઉલકર, સાથીઓ - હમ બંજારે સંગ હમારે ધુમ મચા લે દુનિયા - સાજન - સંગીતકાર સી રામચંદ્ર - મોતી બી એ

મોહમ્મદ રફી, ગીતા રોય, લલીતા દેઉલકર, સાથીઓ -સંભલ કે જૈયો બંજારે, દેલ્હી દૂર હૈ  - સાજન - સંગીતકાર સી રામચંદ્ર - મોતી બી એ

ગીતા રોય, બીનાપાની મુખ્રર્જી, ચિતળકર - ચઢતી જવાની મેં ઝુલો ઝુલો મેરી રાની - શેહનાઈ – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી

બીનાપાની મુખર્જી, મીના કપૂર, મોહનતારા, સાથીઓ - છુક છુક છૈયા છૈયા...સોને કી મછરીયાં - શેહનાઈ – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭નાં મારાં ગમતાં યુગલ ગીતોથી યુગલ ગીતોની ચર્ચા પૂરી કરીશું.

Sunday, November 4, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૯ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૮]

અનાયાસ મળી આવતાં ગીતોને કારણે અલગ અલગ ફિલ્મોમાં જૂદાં જૂદાં સ્વરૂપે રજૂ થયેલાં વર્ઝન ગીતોની શૃંખલા રસભરી બનતી જતી આવી છે. આ અંકમાં પણ કોઈ એક ગીત યાદ આવી જવાનું કારણ સંઆંતરે ચાલી રહેલી અન્ય શૃંખલાઓ છે. એ શ્રેણીઓમાં એક ગીત સંભળતાંવેંત બીજાં એ જ મુખડા પરનું ગીત સાંભળ્ય અહોવાનું યા દાવી જાય અને આપણી આ હાલમાં ચાલી રહેલી શ્રેણી પર જાણે અટકવાનું નામ લેવાના મૂડમાં જ નથી આવતી!
આજના અંકની શરૂઆત હજૂ હજૂ તાજેતરમાં જ  સાંભળેલ એસ ડી બર્મને ગાયેલ બે ગૈર ફિલ્મી ગીતો છે.

ઝન ઝન ઝન ઝન મંજીરા બાજે

એસ ડી બર્મનની ગાયકીની ખૂબીઓને તો માણવાની સાથે આપણે ઉસ્તાદ ફૈયાઝ ખાને ગાયેલ આ બંદિશ અને સચિન દેવ બર્મને આ ગીતના મુખડાના કગભગ સરખા શબ્દોની અન્યત્ર વાપરેલ રચના બુઝદિલ (૧૯૫૧)ની લતા મંગેશકરના સ્વરની છે તે પણ જોઈ ચૂક્યાં છીએ.

પરંતુ, લગભગ આ જ શબ્દો સાથે ૧૯૪૭માં સંગીતકાર જ્ઞાન દત્તે પંડિત ઈન્દ્રના શબ્દોમાં રચાયેલ રચના - જન જન જન જન પાયલિયા બાજે - મન્નાડેના સ્વરમાં રજૂ કરી છે.


એસ ડી બર્મને ગાયેલ બીજું ગીત છે - પ્રીતમેં હુએ બદનામ સાંવરિયા તેરે લિયે - જે પણ આજના અંકમાં સમવાવા માટે થનગની રહ્યું છે



સી રામચંદ્રએ ફિલ્મ 'સુબહ કા તારા'માં મુખડાના પ્રસ્તુત શબોપરથી નુર લખનવીએ રચી કાઢેલ તવાયફના મુખેથી રમતી રમતી વહેતી રચના - યૂં હી હુએ બદનામ સાંવરિયા તેરે લિયે - લતા મંગેશકરના સ્વરમાં રજૂ કરેલ છે.



હવે આપણે જેને કદાચ સૌથી વધારે મૂળ શબ્દો વપરાયા હોય એવું માની શકાય એવી આ રચના બેગમ અખ્તર જ્યારે હજૂ અખ્તરી બાઈ ફૈઝાબાદી તરીકે પોતાનું સ્થાન કામ કરી રહ્યાં હતાં ત્યારની છે - મુફત હુએ બદનામ સાંવરિયા તેરે લિયે



અને મુખડાના હજૂ પણ થોડા જ શબ્દો પર ધ્યાન અપતાં જ આપણને યાદ આવે છે મુકેશના સ્વરમાં ગવાયેલું મુફ્ત હુએ બદનામ કિસી સે હાયે દિલ કો લગાકે (ફિલ્મ - બારાત (૧૯૬); સંગીતકાર ચિત્રગુપ્ત; ગીતકાર મજરૂહ સુલતાનપુરી)



મુખડાના પહેલા થોડા જ શબ્દો સરખા હોય પણ ગીત આટ્લી હદે જૂદાં હોય....

યે તો કહો કૈન હો તુમ કૌન હો તુમ - આશિક઼ (૧૯૬૨) - મુકેશ, લતા મંગેશકર - સંગીતકાર - શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર

શંકર જયકિશનની સિગ્નેચર ધૂન, ગીત સાંભળતાંવેંત ગીત રાજ કપૂર પર ફિલ્માવાયું છે તે પણ જાણકારોને અંદાજ આવી જાય


યે તો કહો કૌન હો તુમ, મેરી બહાર તુમ હી તો નહીં. - અકેલી મત જૈયો (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર - સંગીતકાર મદન મોહન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

મદન મોહનના ચાહકો માટે ગીત રચનામાં અનેક નવીનતાઓ જોવા મળે છે - મોહમ્મ્દ રફીના ભાગે 'યસ માય ડાર્લીંગ' અને શરૂઆતનાઓ એક મીઠડો આલાપ આબ્યાં છે.



હમેં તો લૂટ લિયા મિલકે હુશ્નવાલોને - અલ હિલાલ (૧૯૫૮) - ઈસમાઈલ આઝાદ અને સથીઓ - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર શેવાન રીઝવી

હિંદી ફિલ્મની આદિ કવ્વાલીઓમાં માનભર્યું સ્થાન પામતી આ કવ્વાલી આજે કદાચ બુલાતી જણાતી હશે, પણ તેને સાંભળીશું તો કવ્વાલી ગાયનનો અંદાજ માણવની મજા આવશે.



આ કવ્વાલીની પૅરોડી કહી શકાય એવી કવ્વાલી હમેં તો માર દિયા મિલ કે દુનિયાવાલોંને ૧૯૬૬ની ફિલ્મ 'હમ કહાં જા રહે હૈ'ની છે, જેને મહેન્દ્ર કપૂર અને કૃષ્ણા કલ્લેના સ્વરમાં સંગીતકાર વસંત પ્રકાશે સંગીતમાં વણી લીધેલ છે.



આ જ ફિલ્મમાં એક બીજું ગીત પણ છે જેના પણ મુખડાના શબ્દો એક બહુ જ પ્રખ્યાત રચના પરથી લેવાયેલ જણાય છે

રફ્તા રફ્તા વો હમારી હસ્તી કા સામાં હો ગયે - પહલે દિલ ફિર દિલરૂબા ફિર દિલકે મહેમાં હો ચૂકે - હમ કહાં જા રહેં હૈ (૧૯૬૬) - મહેન્દ્ર કપૂર, આશા ભોસલે - સંગીતકાર: વસંત પ્રકાશ , ગીતકાર: ક઼મર જલાલાબાદી

જે બહુ જ જાણીતી રચાનાની આપણે વાત કરીએ તે છે મહેંદી હસન સાહેબના સ્વરમાં ગવાયેલ - રફ્તા રફ્તા વો હમારી હસ્તીકા ....



આ રચનાને પાકીસ્તાની ફિલ્મ 'શબનમ'માં પણ થોડાક ફેરફાર સાથે મહેંદી હસન સાહેબે ફરમાવેલ છે.




આ શ્રેણીમાં હજૂ પણ કેટલાંક ગીતોની નોંધ લેવાની રહે છે જે હવે પછીના અંકમાં સાંભળીશું.

Wednesday, October 31, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૧૦_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૦_૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
સપ્ટેમ્બર, ૨૦૧૮ના અંકમાં આપણે મુખ્ય વિષય તરીકે ધ્યાનમાં લીધેલ 'આર કે સ્ટુડીઓ'ને કપૂર કુટૂંબે લીધેલા નિર્ણયની કંપનો હજુ સુધી શમી હતી, એટલામાં, ૧લી ઓક્ટોબરે કપૂર કુટુંબનાં મોભી, હિંદી ફિલ્મજગતનાં સન્માનભર્યાં 'બહુ', કૃષ્ણા કપૂરના અવસાનના સમાચારોએ અખબારો અને મિડીયા જગતને ફરી એક વર દોડતાં કરી મૂક્યાં...
Krishna Raj Kapoor: the grand matriarch - Madhu Jain - ધવલ ભરેલ રોર્ગંડી સાડી, મોતીની માળા અને સફાઈદાર સજાવેલ કેશભૂષામાં બહારની દુનિયાને જોવા મળતાં કૃષ્ણા કપૂર શાંત નદીના પ્રવાહ જેવાં જ જણાતા, ભલેને અંગત જીવનમાં પછી ગમે તેવાં વમળો ઘૂમરી લેતાં હોય...રાજ કપૂરનું એક કથન બહુ જાણીતું છે - મને મારી એમ્બેસેડર કાર ભલી, ઈમ્પાલા તો તેમનાં પત્નીને શોભે. એમણે એટલી જ સહજતાથી એમ પણ કહેલું કે, કૃષ્ણા મારાં સંતાનોની મા છે જ્યારે નરગીસ તેમની ફિલ્મોની જનેતા છે.
કૃષ્ણા અને રાજ કપૂર -  સહજીવનના આરંભ (લગ્ન-૧૯૪૬)- ડાબે- અને અંતના આરંભે (દાદા સાહેબ ફાળકે પારિતોષિક સન્માન પ્રસંગે ૧૯૮૭ - જમણે
અખબારો અને મિડીયા જગતે ફિલ્મોની લાઈટ્સમાં ન ચમકી હોય તેવી 'બહાર' ગણાય તેવી ફિલ્મ જગતની કોઈ હસ્તીને આટલું સાદર કવરેજ ભાગ્યે જ આપ્યું હશે. કેટલાંક ઉદાહરણો -

હવે આપણે ઓક્ટોબર મહિનામાં આવતી  વર્ષગાંઠ અને અવસાનતિથિઓને ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.
Annapurna Devi – The Pink Star Lost To The Worldરોશનાઆરા ખાન તરીકે જન્મેલાં અન્નપૂર્ણા દેવી ઉસ્તાદ અલાઉદીન ખાં સાહેબનાં બે પુત્રીઓ જહાંઆરા અને શરીજા અને વિશ્વવિખ્યાત સરોદવાદક પુત્ર અલી અકબર ખાંનાં સંતાન હતાં. કંઠ શાસ્ત્રીય સંગીત ઉપરાંત સિતાર અને સુરબહારનાં તે ઉત્કૃષ્ટ કલાકાર હતાં. હરિપ્રસાદ ચૌરસિયા, નિત્યાનંદ હલ્દીપુર, નિખિલ બેનર્જી, અમિત રોય બસંત કાબરા જેવા શાસ્ત્રીય સંગીતનાં અનેક નામી કલાકારોને તેમણે શિક્ષા આપી હતી. તેમનાં સંગીતનો એક અંશ માત્ર જ બાહ્ય દુનિયાને જાણવા મળી શક્યો છે.

The Faint Echoes of the October Revolution: A Centenary of the Capricious Philosophy in the Socio-political life!(મહેમાન) લેખિકા સુશ્રી શાલન લાલે ૧૦૧ વર્ષ પૂર્વે રશિયામાં થયેલ 'મહાન ક્રાતિ'ની હિદી ફિલ્મો પર પડેલી સીધી અને આડકતરી અસરોને પ્રતુત લેખમાં ઝીલી લીધી છે.
Dina Pathak – The Multifaceted Doyenne Of Hindi Cinemaચરિત્ર ભૂમિકાઓ ભજવનારાં કલાકારોમાં સૌથી વધારે આદરથી લેવાતાં નામોમાં દીના પાઠક અગ્રસ્થાને રહ્યાં છે. '૬૦ના દાયકાથી લઈને સદીના અંત સુધી તેમણે ખુબ શક્તિશાળી અને ગરિમાપૂર્ણ કિરદારોને તેમણે પર્દા પર જીવંત કર્યા. એમનાથી પણ પહેલાંના સમયનાં ગાયિકા રાજકુમારીના સ્વરમાં ગવાયેલું હર દિન તો બીતા શામ હુઈ (કિતાબ, ૧૯૭૭; સંગીતકાર: આર ડી બર્મન; ગીતકાર: ગુલઝાર) કદાચ દીના પાઠક પર ફિલ્માવાયેલું એક માત્ર સોલો ગીત હશે.

Manto, movie buffs, time machines - નંદિતા દાસની મટોમાં સઆદત હસન મંટોનું જીવન અને તેમની વાર્તાઓનાં દૃશ્યોની ગુંથણી રચાય છે.
Zindagi kaisi hai paheli haaye - હૃષિકેશ મુખર્જીના જન્મ દિવસે વિજય કુમાર તેમની ફિલ્મ કળા અને તેમની ફિલ્મ 'આનંદ'ને યાદ કરે છે.
સચિન દેવ બર્મનના ૧૧૨મા જન્મ દિવસના મહિનામાં તેમની ફિલ્મ જગતની યાત્રાને  Mehfil Celebrates ‘S D Burman’ Month + S D Burman – Early Days + S D Burman – The 50s માં વણી લેવાયેલ છે.
ફિલ્મ સંગીતના ચાહકોને  Relishing The Combination Of S D Burman And Majrooh Sultanpuriમાં મજા પડી જશે.
In Tandem: SD Burman – Majrooh Sultanpuri માં સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલાં મજરૂહ સુલ્તાનપુરીનાં ગીતો દેવ આનંદ પર ્ફિલ્માવાયેલાં અને અન્ય કલાકારો પર ફિલ્માવાયેલાં એમ બે પ્રકારે માણી શકાશે.
Meet the Kishore Kumar fans behind new film: ‘People are still looking for the quality of his voice’ - પ્રસન્નજિત ચેટરજી અભિનિત કૌશીક ગાંગુલીની ફિલ્મ ‘Kishore Kumar Junior   એવાં લોકોને અર્પિત છે જેમણે કિશોર કુમાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય.
‘Main Dhoondhta Hoon Jinko Raaton Ko Khayalon Mein’ - Shiv Kumar -. હિંદી સિને જગતમાં સુદેશ કુમાર, શૈલેશ કુમાર રાકેશ પાંડે કે વિક્રમ જેવા અનેક કલાકારો આવ્યા જેમને પગ ટેકવવાની જગ્યા મળ્યા પ્છી પણ લાંબે ગાળે દર્શકોની ચાહ જાળવી ન શક્યા. એ યાદીમાં એક મહત્ત્વનું નામ શિવ કુમાર પાઠકનું પણ છે જે ફિલ્મોમાં શિવ કુમાર તરીકે જાણીતા હતા. ૧૯૬૫માં 'પુનમ કી રાત'માં પદાર્પણ કર્યા પછી ૧૯૬૯ની 'મહુઆ' અને ૧૯૭૪ની 'ઠોકર'ની સફળતાએ તેમનો સિતારો બુલંદ કર્યો હતો.

ચાર દાયકાઓ  સુધી ૩૦૦થી વધારે ફિલ્મોનું ધ્વનિમુદ્રણ જેમણે સંભાળ્યું એવા ‘Unsung hero, Pope of sound’: A documentary resurrects legendary mixing engineer Mangesh Desai પરની ફિલ્મ The Sound Man – Mangesh Desaiમાં મંગેશ દેસાઈની સિધ્ધિઓ, તેમની કામ કરવાની શૈલીની નીતિ, અને તેમનાં અંગત જીવનની રસપ્રદ અને બહુ ઓછી જાણીતી બાબતોને એમના સહકાર્યધર્મી સાહૂએ વણી લીધી છે. ૧૧૨ મિનીટ્ની ફિલ્મમાં ફિલ્મ જગતના અનેક દિગ્ગજોસાથેના કિસ્સાઓ  રજૂ રજૂ કરાયેલ છે.
ધ્વનિ મુદ્રણના કસબી મંગેશ દેસાઈને રજૂ કરતું રામ મોહનનું એક લાક્ષણિક ચિત્ર
Shammi Kapoor - The hero who never needed a choreographer - શમ્મી કપૂરની 'તીસરી મંઝિલ'ના દિગ્દર્શક વિજય આનંદનું કહેવું હતું કે શમ્મી કપૂર પોતાને નૃત્યમાં નિપુણ નહોતા અમાનતા, કે ન તો તેમણે પધ્ધતિસરની તાલીમ લીધેલી. પણ એમને ગીત સંભળાવી કહો કે 'જામી પડો' તો તે નૃત્યમાં ખોવાઈ જતા કારણકે તેમનામાં લયની ગજબની સૂઝ હતી.

વિનોદ ખન્નાની પહેલી પુણ્ય તિથિના ઉપલક્ષમાં Quiz: How much do you know about Vinod Khanna’s key roles?
૧૦ ઓક્ટોબર, ૨૯૧૪માં જન્મેલ રેખા, ખાલીદ મોહમ્મદને પોતાની આત્મકથા વર્ણવતાં પોતાને Rekha -The Much Maligned and Misunderstood Woman કહે છે. તેઓ જણાવે છે મારે ઘરે આવવા હું કોઈને આમંત્રણ નથી આપતી. મારી નીજી જિંદગી કોઈ પટકથા કરતાં પણ વધારે સારી રીતે ચાલતી રહી છે. મારાં કામ બાબત કંઈ પણ વાત કરવી હોય તેણે મારી ઑફિસે મળવા આવવું પડે. ઘરે તો માત્ર મારાં કુટુંબીજનોને જ આવવા મળે.
Shakespeare Wallah’, original ‘Suspiria’ among restored classics at Mumbai Film Festival  ની સાથે ‘Pixoteઅને ‘Hyenasપણ નવાં જીવન સાથે રજૂ થશે.
The Top Sad Songs of Dev Anand માં જીવનની ફીલોસોફી પણ આવરી લેવાઈ છે.
The Great Composer Duo of the Golden Era of Bollywood એક જોડી તરીકે બરસાત (૧૯૪૯)થી સાથે કામ કરવાનું ચાલુ કર્યું તે જયકિશનનાં ૧૯૭૧માં અવસાન સુધી ચાલુ રહ્યું. જોકે તે પછી પણ શંકરે શંકર જયકિશનના નામથી ફિલ્મોમાં સંગીત આપવાનું ચાલુ રાખ્યું હતું.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Women in Proper Noun Roles૨૦૧૭માં કરાયેલ એક અભ્યાસમાં લગભગ ૫૦ વર્ષોની બોલીવુડની ફિલ્મોની સમીક્ષા કરવામાં આવી, જેમાં એવું તારણ નીકળતું હતું કે ૧૯૭૦-થી ૧૯૭૫ના ગાળામાં સ્ત્રી-પ્રધાન ફિલ્મો માત્ર ૭%થી વધીને અત્યારે ૧૨% જેટલે પહોંચી છે.ફિલ્મ ભલે સ્ત્રી-પ્રધાન હોય, પણ ફિલ્મનું શીર્ષક અદાલત (૧૯૫૮), સાધના (૧૯૫૮) ઈન્તકામ (૧૯૬૯), આંધી (૧૯૭૫) કે બાઝાર (૧૯૮૨) જેવું નિષ્પક્ષ હોય તો પુરુષ અહંને ઠેંસ નથી પહોંચતી. સ્ત્રી-પાત્રનાં નામ પરથી શીર્ષક હોય એવી અનપઢ(૧૯૬૨), અર્ધાંગીની(૧૯૫૯), બડી બહુ (૧૯૧)એવી સર્વનામ શીર્ષક્ધારી ફિલ્મો હોય તો વાંધો પડે પણ ચલાવી લેવાય. ખરી મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે ફિલ્મનાં મુખ્ય સ્ત્રી-પાત્ર પરથી ફિલ્મનું શીર્ષક નક્કી થયું હોય, જેમ કે અનુરાધા(૧૯૬૦), પુર્ણિમા(૧૯૬૫), રઝીઆ સુલ્તાન (૧૯૮૨). પ્રસ્તુત પૉસ્ટમાં પાત્રનાં નામ પરથી શીર્ષક ધરાવતી ફિલ્મમાં એ જ નામનાં પાત્ર વડે ગવાયેલાં ગીતોની યાદી રજૂ કરવામાં આવી છે.
The Male Advantage - હવામાનશાસ્ત્રીઓ મોટા ભાગે પુર્ષ હતા એટલે વાવાઝોડાંનાં નામ સ્ત્રીનાં નામ પરથી રાખીને બીચારા સંતોષ વાળી લેતા. પછી બન્ને પક્ષે સમાનતા વધતી ગઈ તેમ હવે વારા ફરતી પુરુષ અને સ્ત્રી-વાચક નામથી વાવાઝોડાંઓને ઓળખવામાં આવે છે. આપણી ફિલ્મોનાં શક્તિશાળી જગત પર નજર કરીશું તો કે ફિલ્મોની ચાલકની ગાદી પર તો પુરૂશોનો જ હક્ક રહ્યો છે.જો કે અશોક કુમાર, બલરાજ સહાની , ધર્મેન્દ્ર જેવા કેટલાક પુરુષ કલાકારોએ સ્ત્રી-પાત્રનાં નામ પરથી શીર્ષક ધરાવતી ફિલ્મોમાં પણ ખેલદીલીથી ભૂમિકાઓ  નિભાવી છે. પ્રસ્તુત પૉસ્ટમાં પુરુષ પાત્રનાં નામ પરથી બનેલી ફિલ્મોમાં એ પાત્રે ગાયેલાં ગીતની યાદ રજૂ કરવામાં આવી છે.
Introducing Food and Food Movie Month on Dustedoff એ ૧૬મી ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ આહાર દિવસની અનોખી ઉજવણીની ભાત પાડે છે. એ ઉજવણીની તૈયારી પેટે લેખિકા મધુલિકા લીડ્ડલે છેક એપ્રિલ મહીનાથી આહાર વિષય પરની ફિલ્મો જોવાનું શરૂ કરી દીધેલ,અને એ ફિલ્મોના સંક્ષિપ્ત રીવ્યુ પણ લખતાં ગયાં અને જે જે વાનગીઓ ઘરે બનવાવાના પ્રયોગો કર્યા તેની રીત પણ લખતાં ગયાં. પરિણામે, આ બધો સામગ્રીથાળ ચાર પૉસ્ટમાં વહેંચાઈને માણવાનો રહેશે. Part 1, Part 2 અને Part 3માં એમણે રાંધેલી વાનગીઓ અને જોયેલી આહાર-ફિમોની સંક્ષિપ્ત સમીક્ષાઓ સમાવાઈ છે. ‘Ten of my favourite food songsમાં આહાર (કે પીણાં)ની પ્રશંસા ભલે ન  કરવામાં આવી હોય પણ વાનગીનો ઉલ્લેખ પણ હોય એવાં દસ ગીતોને યાદ કરાયાં છે. એ માટે આ ગીતો '૭૦ની પહેલાંનાં વર્ષોમાં હોય, વાનગીનું નામ મુખડામાં જ આવી જતું હોય કે ગીતની તકિયા કલમ હોય અને પીણું 'દારૂ ' ન હોય - દારૂ પર એક અલગ પૉસ્ટ પહેલં પ્રકશિત થઈ ચૂકી છે - એવી શરતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. પૉસ્ટની નવીનતાને ધ્યાનમાં લેતાં એ ગીતોની યાદી અહીં ફરી એક વાર રજૂ કરેલ છે:
૨. સુરજ જ઼રા આ પાસ આ - ઉજાલા, ૧૯૫૯)
3. તુ મેરા જો નહીં - ભીગી રાત (૧૯૬૫) - ગીતમાં કોકા કોલાનો ઉલ્લેખ વારંવાર થયો છે.
પ. પાન ખાયે સૈયાં હમારો - તીસરી કસમ (૧૯૬૬)
૬. ચણા જોર ગરમ મૈં લાયા મઝેદાર - નયા અંદાઝ (૧૯૫૬)
૭. મૈને કહા થા આના સન્ડે કો - ઉસ્તાદોં કે ઉસ્તાદ (૧૯૬૩)
૮. ઈચક દાના બીચક દાના - શ્રી ૪૨૦ (૧૯૫૫)
વાચકોએ પણ પૉસ્ટની ચર્ચામાં બીજાં ઘણાં ગીતો ઉમેર્યાં છે.
The Audio Pole Star - શાસ્ત્રીય સંગીતમાં મુખ્ય કલાકારને લયની સતત સંગત પૂરી પાડનાર વાદ્ય તરીકે તાનપુરો (તંબૂરો) મોતા ભાગનાં લોકો માટે અપરિચિત નથી. તેની હાજરી દેખાય પર અસર સમજનાર લોકોને જ જણાય એવી તેની નિયતિને કારણે લોક્બોલીમાં ઉપાલંભનાં સાધન તરીકે પણ પ્રયોજાય છે. સંગીતમાં ટેક્નોલોજીના વધતા જતા પ્રભાવે તાનપુરાનું સંગીતની દૃષ્ટિએ સ્થાન લગભગ ખતમ કરી નાખ્યું છે. પ્રસ્તુત પૉસ્ટમાં પર્દા પર તાનપુરાને રજૂ કરતાં ગીતોને યાદ કરાયાં છે.
સંગીતની મારી જે કંઈ સમજ છે તેનાં ઘડતરમાં '૬૦ના દાયકામાં રેડિયો પર સાંભળવા મળેલ સંગીતનું યોગદાન અમૂલ્ય જ કહી શકાય ! એટલે Radio – My Constant Song Companion  વાંચતાં વાંચતાં મારી એ યાદો પણ તાજી થાય છે. 
Knifing the Body – Depiction of Maiming in Cinema - પોતાના દર્શક વર્ગને ઝકડી રાખવા માટે ઘણી વાર ફિલ્મ નિર્માતાઓ અતિ જુગુપ્સાપ્રેરક દૃશ્યોનો સહારો લેતા હોય છે. આ પ્રકારની ફિલ્મોની ઊંડે સુધીની વિગતોમાં Amitava Nag અને Shiladitya Sarkar પ્રસ્તુત લેખમાં ગયા છે.
Chehre pe khushi chha jaati hai - લતા જગતીઆણી - વિશાળ પિયાનો તેની ત્રણ બાજૂએ પ્રણ્યત્રિકોઅણની ત્રણ બાજુઓ જેવી નયનરમ્ય સાધના, દેખાવડો સુનીલ દત્ત અને સદાધ્યાનાકર્ષક રાજ કુમાર. સાહિરના અર્થપૂર્ણ સંવેદનશીલ બોલ, રવિની મધુર ધુન અને આશા ભોસલેનો ગીતના ભાવનો નશામય સુર - શું વધારે પસંદ પડે છે તે જ નક્કી કરવું મુશ્કેલ બની રહે.
Iss Nadi Ko Mera Aaina – Chashme Buddoor – Reflections Of Love - સાદો ખોરાક, સાદાં કપડાં, સરળ શબ્દો, સરળ રજૂઆત, સાદી જીવનશિલી, અને હા, સાદી ફિલ્મો, ક્યારે પણ અપ્રસ્તુત નથી બની જતાં. આવાં રોમેન્ટીક ગીતમાં (ગાયકો હૈમંતી શુલ્ક, શૈલેન્દ્ર સિંઘ / સંગીતકાર રાજ કમલ / ગીતકાર ઈન્દુ જૈન) પણ સંઇ પરાંજપેએ હાસ્ય રસને સુકાવા નથી દીધો.

ફિલ્મના નિર્દેશક લેખ ટંડનના શબ્દોમાં Story Behind The Making Of Jao Re Jogi Tum Jao Re – Amrapali
જુની હિંદી ફિલ્મોમાં અદૃશ્ય પાત્રના વિષયને કેવી કેવી રીતે રજૂ કરાયો છે તેની ચર્ચા Naked invisible men I have known: Mr India and his forebearsમાં કરવામાં આવી છે.
 ૧૯૪૭નાં સ્ત્રી ગાયકોનાં સૉલો ગીતોમાં આપણે આ મહિને આપણે ૧૯૪૭નાં યુગલ ગીતોમાં મુકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો પછીથી મોહમ્મદ રફીનાં, જી એમ દુર્રાનીનાં અને અન્ય પુરુષ ગાયકોનાં યુગલ ગીતોને ભાગ ૧, ભાગ ૨, ભાગ ૩માં અને  સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો સાંભળ્યાં છે. તે દરમ્યાન સોંગ્સ ઑફ યોર પર ૧૯૪૭નાં યુગલ ગીતોની સમીક્ષા કરતી પૉસ્ટ, Best songs of 1947: Wrap Up 3 . પ્રકાશિત થઈ ચૂકી છે, જેમાં હમકો તુમ્હારા હી આસરા (સાજન, સંગીતકાર: સી રામચંદ્ર) અને યહાં બદલા વફા કા બેવફાઈ કે સીવા ક્યા હૈ (જુગનુ, સંગીતકાર ફિરોઝ નિઝામી)ને સંયુક્તપણે ૧૯૪૭નાં શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે પસંદ કરાયાં છે..
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓક્ટોબર, ૨૦૧૮ના લેખો:
બીસ સાલ બાદ - અલગ પરિપ્રેક્ષ્યમાંરાજીપો અને રંજ એટલે 'કભી ક્ખુશી કભી ગમ'ની  સાક્ષી એક તારીખએક અભિનેતાના અનેક અવાજસુરીલા 'રાજા'ની સુરીલી 'રાજાશાહી'
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓક્ટોબર, ૨૦૧૮ના લેખો.:



'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ ઓક્ટોબર, ૨૦૧૮માં હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતજ્કાર જોડી હુસ્નલા ભગતરામ પરની શ્રેણીનો આરંભ કર્યો છે
બેમિસાલ સંગીતકાર હુશ્નલાલ ભગતરામ'તેરી કુદરત તેરી તદબીર મુઝે ક્યા માલૂમ...' સુરૈયા કને પણ આ બંને ભાઇઓએ સરસ ગીતો ગવડાવેલાં'તેરી ગલી સે બહુત બેકરાર હો કે ચલે...' મખમલી ગાયક તલત મહેમૂદે પણ કેટલાંક યાદગાર ગીતો આપ્યાં
મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. ઓક્ટોબર, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, તેઓ જણાવે છે કે પહેલી ફિલ્મ આમિર ફ્લોપ નીવડી, પરંતુ એનાં બે ત્રણ ગીતો ઉલ્લેખનીય બની રહ્યાં...
ઓક્ટોબર, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
બંદિશ એક, રૂપ અનેક – ૪૮ – “મોરા સૈયાં મોસે બોલે ના” ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૨) સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી હિંદી ગીતો [૨] તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૬) – દિવાળી એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૯]
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
સાથી ન કૉઇ મંઝિલ, દિયા હૈ ન કોઈ મહેફિલ - બંબઈકા બાબુ (૧૯૬૦) - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

સોલાહ સિંગાર કર કે જો આયી સુહાગ રાત...જલવે તુમ્હારે લાયી સુહાગ રાત - ગબન (૧૯૬૭) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી

રાહી મિલ ગયે રાહોંમેં, બાતેં હુઈ નીગાહોં મેં - દિલ દેકે દેખો (૧૯૬૯)- સંગીતકાર ઉષા ખન્ના ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

સદક઼ે હીર તુઝપે હમ ફકીર સદક઼ે - મેરા નામ જોકર  (૧૯૭૦) = સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર પ્રેમ ધવન

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.