Sunday, December 30, 2018

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : વ્યંગ્યચિત્રોમાં વર્ષાન્ત સમીક્ષાઓ


દરેક (ગ્રેગેરીયન) વર્ષ પુરૂં થવામાં હોય એટલે એ વર્ષની મહત્ત્વની ઘટનાઓની જૂદા જૂદા દૃષ્ટિકોણથી સમીક્ષા કરવાનું ચલણ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક બહુ નિયમિત ઘટના બની રહી છે. ઘણાં સામયિકો અને અખબારોમાં વ્યંગ્યચિત્રોના દૃષ્ટિકોણથી આવી સમીક્ષાઓ વાંચ્યાનું યાદ આવે છે. વેબ ગુર્જરી પરની આપણી 'વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં' શ્રેણીના પણ, નાંદી લેખ સહિત, ૧૧ હપ્તા પૂરા થઈ ચૂક્યા છે, અને મહિનો પણ ગ્રેગેરિયન તારીખીયાંનાં વર્ષ ૨૦૧૮નો છેલ્લો મહિનો ડીસેમ્બર છે. આથી આ મહિનાના મણકા માટે 'વર્ષાન્ત ઘટનાઓ' પરનાં વ્યંગ્યચિત્રોને પસંદ કરવાનું સૂઝ્યું.

૨૦૧૮ની સમીક્ષાઓ માટે તો હજુ થોડું વહેલું કહી શકાય , એટલે ૨૦૧૬ કે ૨૦૧૭ની જે સમીક્ષાઓ જોવા મળી તેમાંથી માહિતી લેવી તેમ વિચાર્યું. જેટલાં કંઈ વ્યંગ્ય ચિત્રો જોવા મળ્યાં તેમના મોટા ભાગના વિષયો એ દેશના સંદર્ભમાં એ સમયે આકર્ષીત કરે એવા રાજકારણને લગતા વિષયોનું પ્રમાણ વધારે જણાયું.

વીતેલું વર્ષ વૃદ્ધ તરીકે વિદાય લઈ રહ્યું હોય અને શિશુ જેવા નૂતન વર્ષનું આગમન થઈ રહેલું બતાવાયું હોય એ સૌથી સામાન્ય વિષય જોવા મળે છે.
++++++++
image
વર્ષાન્તે યોજાયેલા ડિનર અગાઉ આભાર માનવાની ઔપચારિક પ્રણાલિકા એવી છે કે વીતેલા વરસની ઘટનાઓ પર એક નજર કરીએ અને જે રીતે તે પસાર થયું એના માટે આભાર વ્યક્ત કરીએ. પણ વર્ષભરની ઘટનાઓ જે રીતે બનતી આવી છે એના પ્રતિભાવમાં એકસૂરમાં 'ના હો, કોઈ આભારબાભાર નથી માનવો'નો ધ્વનિ સામૂહિક રીતે ગુંજી ઊઠે છે એમ બતાવાયું છે. આ કાર્ટૂન કૉલિન સ્ટૉક્સ/Colin Stokes નું છે.
++++++++
image
એક દિશાની શોધખોળમાંથી પૂરતી માહિતી ન મળી એટલે હવે 'વર્ષાન્ત'નો વ્યાપ વધારવાનું વિચાર્યું. સૌથી પહેલી યાદ આવે નાણાકીય વર્ષ પુરૂં થવાની ધમાચકડી અને તાણ. કેરન બીસ્લી/Caron Beesley એ આ કાર્ટૂનમાં બતાવ્યું છે કે દર વર્ષે આવતો વર્ષાન્ત હમેશાં આટલો જ ગુંચવણભર્યો કોયડો રહેતો હોય છે.
++++++++
image


જે વીતી ગયું તેને ક્યાં તો યોગ્ય ઠરાવવા માટે, અથવા તો વીતેલા નિરાશાનાં વાદળમાંથી આશાનું કિરણ બતાડવા માટે, હવે પછી શું શોધીએ તો દૂઝતા ઘા પર મલમ લગાડી શકાય, એ ખેલ હંમેશાં એક ગૂઢ કોયડો જ રહ્યો છે. કાચના ગોળામાં જોઈને પણ એ ભાખીએ શકાય એમ નથી. અહીં એક વ્યવસાયિક આ મૂંઝવણને ઉકેલવાનો પ્રયત્ન કરતા બતાવાયા છે.

++++++++
image

આજના હિસાબનીશનું કામ હવે આવક જાવકના આંક્ડાના હિસાબ રાખવાનું ઓછું અને તેને આંખને જોવું ગમે, કાનને સાંભળવું ગમે અને ખીસાંને પોષાવું ગમે તેમ સજ્જ કરીને રજૂ કરવાનું વધારે ગણાય છે. હિસાબનીશને આથી જ તેના બૉસ ઠપકો આપે છે. માર્ટી બુચેલ્લા/ Marty Bucellaના આ કાર્ટૂનમાં બન્નેના હાવભાવ આબાદ ઝીલાયા છે. માર્ટીનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.martybucella.com/ પર માણી શકાશે.
++++++++
આ જ વાતને માર્ક એન્‍ડરસન/Mark Anderson ના કાર્ટૂનમાં જરા જુદી રીતે કહેવાઈ છે. થોડી વધારાની રેખાઓ અને રંગ ઉમેરતાં જ આ તળિયે જઈ બેઠેલી આવકનો આ આલેખ રમણીય પર્વતીય દૃશ્ય જેવો દેખાશે.
image
આંકડાના નિરાશ ભૂખરા રંગે રંગાયેલાં ચિત્રમાં પણ આશાના રંગો પૂરીને બે ઘડી મન બહેલાવી લેવામાં કંઈ ખોટું તો ન કહેવાય !
એન્‍ડરસનનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ www.andertoons.com પર જોઈ શકાશે.
++++++++
image
અવળા (કે સવળા) આંકડાઓની અસર બહુ લાંબા સમય સુધી પોતાનો ઓછાયો પાથરી રહે છે એ વાતને આ વ્યંગ્યચિત્રમાં બહુ ધારદાર સુક્ષ્મતાથી બતાવાઈ છે. અસર પામેલા સજ્જનની હૅટની જેમ તેમનો ચહેરો પણ ચાડી ખાવામાં સાથ પૂરાવે છે. નીચે મુકેલું કેપ્શન વ્યંગ્યચિત્રની પંચલાઈન સમજવામાં મદદ કરે છે. આ કાર્ટૂન વિલીયમ સ્ટીગ/ William Steig નું છે.
++++++++

વર્ષાન્ત 'સેલ' પણ વ્યંગ્યચિત્રો માટે એક અખૂટ વિષય રહ્યો છે. જે. ગ્રિવેલ/ J.Gravelle ની આ ચિત્રપટ્ટીમાં તેમાંનો એક જોઈએ.
image
'સેલ'માં અહીયાં ત્યાં, આમાં અને પેલામાં, આટલામાં અને વળી તેટલામા, આમ તેમ, અહીં આટલા ટકા અને તંઈ તેટલા ટકા બચાવતાં બચાવતાં ખરીદનારનાં ખીસાં ખાલી અને વેચનારનાં ચિક્કાર એવો તાલ દરેક સીઝનના ખેલમાં પડે છે અને તેમ છતાં બધી જ સીઝનના ખેલ એટલા જ જામતા રહે છે...
અહીં આર કે લક્ષ્મણે દોરેલું એક કાર્ટુન યાદ આવે છે જેમાં એક બહેનનાં ઘરનો એક આખો ઓરડો ‘અમુક નંગ સાબુ પર એક સાબુ મફત’ના સેલમાં થયેલી ખરીદીથી સાબુઓનાં ખોખાંથી ખડકાયેલો દેખાય છે !
++++++++
image
'સેલ' રાખવામાં હવે તો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ પાછળ નથી રહેતી, ફરક માત્ર તેમાં અપાતાં આકર્ષણોના બાહ્ય સ્વરૂપનો જ હોય છે... તત્વત: પરિણામ એ આવે કે એ કાર્યક્ષેત્રનો મૂળભૂત આશય પણ 'સેલ'માં મુકાયેલ એક જણસ બની જાય છે. ઓસ્ટ્રેલિયન કાર્ટૂનિસ્ટ જહોન ડીચબર્ન/John Ditchburn ના આ કાર્ટૂનમાં ક્રોસ ઉંચકેલા ઈસુ ખ્રિસ્તની સમાંતરે નાનો ક્રોસ ઉંચકીને ચાલતી વ્યક્તિ બતાવાઈ છે. જાણીતા ગીત ‘એવરીથિંગ મસ્ટ ગો’ને અહીં સાવ જુદા સંદર્ભે ટાંકવામાં આવ્યું છે. ડીચબર્નનાં અનેકવિધ કાર્ટૂનો https://www.inkcinct.com.au/ પર જોવા મળી શકશે.
++++++++
image
અમુક તમુક ટકા બચાવવાને બદલે પૂરેપૂરા - સોએ સો ટકા - બચાવવાનો રામબાણ ઈલાજ તો આવો જ હોઈ શકે. કેલી કીનકેડ/Kelly Kincaid ના આ કાર્ટૂનમાં સૂચવાયેલો ઉપાય દરેક દેશમાં લાગુ પડી શકે એવો છે.
++++++++
વર્ષનાં અંતમાં નાણાંકીય (શેર)બજારોમાં વર્ષ કેવું ધાર્યું હતું અને કેવું ગયું એ પણ વ્યંગ્ય ચિત્રકારોને ગમતો વિષય છે.
image
(હસવું કે રડવું, પણ) લાગે છે એવું કે ૨૦૧૮માં બજારની ચાલ હેઠળ કચડાયેલા રોકાણકારને શેર બજારનો સુકાઈ ગયેલો આખલો નવું વર્ષ સારૂં જાય તેવી શુભેચ્છા પાઠવે છે. આ કાર્ટૂન બૉબ રીક/Bob Richનું બનાવેલું છે.
++++++++
દરેક અંતમાં શરૂઆત છૂપાઈ હોય છે અને દરેક શરૂઆતનો અંત નિશ્ચિત છે. ફોરેસ્ટ ટેબર/Forest Taber દ્વારા અમેરિકન કલાકાર/Garrison Keillor ના અવસાન નિમિત્તે તેમનું જ આ વાક્ય અંજલિરૂપે મૂકાયું છે, જે વ્યક્તિના અંતની જેમ વર્ષના કે કોઈ પણ ચીજના અંતને લાગુ પડે છે.
image
++++++++
૨૦૧૮નું વર્ષ અપેક્ષાએ ખરૂં ઉતર્યું હોય અને ૨૦૧૯નું વર્ષ નવી અપેક્ષાઓએ હજૂ વધારે ખરૂં ઉતરે, એવી વર્ષાન્ત શુભેચ્છાઓ.

Disclaimer: The cartoons in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.













































Saturday, December 29, 2018

સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત : ૧૯૫૭ અને ૧૯૫૮


૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીનાં ગીતોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે, અને દરેક વર્ષે, જુલાઇ અને ડીસેમ્બર મહીનાઓમાં,આ વિષયને અનુરૂપ ગીતો સાંભળવાનો ઉપક્ર્મ પ્રયોજ્યો હતો.
અત્યાર સુધી આપણે આ મુજબ જુદા જુદા સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં પહેલાં સૉલો ગીત સાંભળ્યાં છે.:.
§ પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮ :: ડીસેમ્બર, ૨૦૧૬
- ૧૯૪૪થી ૧૯૪૬ - ભાગ ૧, અને
- ૧૯૪૭ અને ૧૯૪૮ - ભાગ ૨.
§ બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪
- ૧૯૪૯ - જુલાઈ, ૨૦૧૭;
- ૧૯૫૦ - ૧૯૫૧ - ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭, અને
- ૧૯૫૨ – ૧૯૫૩ - ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭

§ ત્રીજો પંચવ્રષીય સમયખંડ : ૧૯૫૪-૧૯૫૮
- ૧૯૫૪ -૧૯૫૫ : ૭ જુલાઈ, ૨૦૧૮
- ૧૯૫૬ : ૯ ડીસેમ્બર, ૨૦૧૮
૧૯૫૪-૧૯૫૮ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં છેલ્લાં બે વર્ષ ૧૯૫૭ અને ૧૯૫૮નાં મોહમ્મદ રફીનાં કોઈ પણ સંગીતકાર સાથેનાં પહેલ વહેલાં સૉલો લેતાં ગીતો આજે યાદ કર્યાં છે.
૧૯૫૭
image

૧૯૫૭માં મોહમ્મદ રફીનાં ૧૮૭ જેટલાં સૉલો ગીતો સાંભળવા મળે છે. અત્યાર સુધી જે સંગીતકારો તેમની પાસેથી ગીત ગવડાવતા થયા હતા તેમાં ૧૯૫૬નાં વર્ષમાં અનિલ બિશ્વાસ, અજીત મર્ચન્ટ, શિવરામ કૃષ્ણ જેવા ૧૯૫૬માં રફી પાસે પહેલ વહેલી વાર સૉલો ગીત ગવડાવ્યુ હતા તેવા સંગીતકારો પણ હવે ઉમેરાતા જોવા મળે છે.
૧૯૫૭માં મોહમ્મદ રફીનાં સીમા જે ચિહ્ન ગીતોને યાદ કરવાં જ ન પડે તેમની અહીં નોંધ લઈએ - ચલ ઊડ જા રે (ભાભી, ચિત્રગુપ્ત), મોહબ્બત ઝિંદા રહેતી હૈ (ચંગેઝ ખાન , હંસ રાજ બહલ), જનમ જનમે કે ફેરે (જનમ જનમ કે ફેરે, એસ એન ત્રિપાઠી), ઝિંદગી ભર ગ઼મ જુદાઈકા તડપાયેગા (મિસ બોમ્બે, હંસ રાજ બહલ), ના મૈં ભગવાન હું (મધર ઈન્ડિયા, નૌશાદ), યે હસરત થી ઈસ દુનિયામેં (નૌશેરવાને અદિલ, સી રામચંદ્ર), આના હૈ તો આ (નયા દૌર, ઓ પી નય્યર) જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ (પ્યાસા, એસ ડી બર્મન), યું તો હમને લાખ હસીં દેખે હૈં (તુમસા નહીં દેખા, ઓ પી નય્યર), વગેરે
૧૯૫૭નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલં સૉલો ગીતોની સંખ્યા પ્રમાણમાં પાંખી કહી શકાય તેવું પહેલી નજરે લાગે છે, પણ જેટલાં ગીતો છે તે ઓછી સંખ્યાને ભુલાવી દેવા માટે પૂરતાં નીવડે છે.

દત્તારામ (વાડકર)નું મોહમ્મદ રફી સાથેનું પહેલ વહેલું સૉલો ગીત બાળ ગીતોના ખાસ પ્રકારમાં સદાબહાર ગીત બની રહ્યું. જો કે પછીથી ક્યાંઇક સંજોગોવશાત અને ક્યાંઇક પોતાની પસંદને કારણે દત્તારામે મુકેશ અને મન્ના ડેના સ્વરોનો પણ ઠીક ઠીક ઉપયોગ કર્યો છે.

ચુન ચુન કરતી આયી ચિડીયા - અબ દિલ્લી દૂર નહીં – ગીતકાર: શૈલેન્દ્ર
આ ગીત એટલી હદે લોકચાહના મેળવતું રહ્યું છે કે તેના વિષે બીજું કંઇ જ કહેવાપણું નથી રહેતું. દત્તારામે તેમની શરૂઆતની ફિલ્મોમાં આવાં બીજાં પણ સદાબહાર ગીતો આપ્યાં, પણ તેમની કારકીર્દીને સફળતાની ઊંચાઈઓ પર પહોંચાડવામાં આ ગીતો કામયાબ ન રહ્યાં.


રામનાથ ના નામે બીજી જે એક માત્ર ફિલ્મ બોલતી જણાય છે તે ૧૯૪૭ની તમિળ આવૃત્તિનું હિંદી સંસ્કરણ 'મીરા' છે.

રાધે શ્યામ દુનિયા દૂર સે સુહાની - આદમી – ગીતકાર: સરતાજ રહમાની
આ ગીત મેં પહેલી વાર જ સાંભળ્યું છે.



જયદેવની પહેલી સ્વતંત્ર ફિલ્મ, જોરૂકા ભાઈમાં મોહમ્મદ રફીનું કોઈ ગીત નથી. જોકે પછીથી જયદેવ-રફીનાં સંયોજન પાસેથી આપણને બેનમૂન ગીતો સાંભળવા મળવાનાં છે.

બુધ્ધમ શરણમ ગચ્છામિ - અંજલિ – ગીતકાર: ન્યાય શર્મા
આ ગીતની લોકસ્વીકૃતિ અનિલ બિશ્વાસે મન્નાડેના સ્વરમાં રચેલ આ જ મુખડા પરનાં 'અંગુલીમાલ (૧૯૬૦)નાં ગીત જેટલી નથી બની. જયદેવની બીજી ઘણી રચનાઓ જેમ પણ આ રચના 'માસ' માટે નહીં પણ 'ક્લાસ' માટે બની રહી..



વિએ ફિલ્મ જગતમાં પદાર્પણ ૧૯૫૫ની ફિલ્મ 'વચન'થી કર્યું. મોહમ્મદ રફી સાથેનાં તેમના સંબંધનઈ નિશાની આ ફિલ્મનાં બે યુગલ ગીતોમાં જોવા મળે છે. જબ લિયા હાથમેં હાથ 'ટાંગા' ગીતોમાં અગ્રીમ સ્થાન ભોગવે છે તો ઓ બાબુ એક પૈસા દે દે તો ભીખારી ગીતોના પ્રકારમાં સીમા ચિહ્ન ગીત બની રહ્યું.

દિલ કિસી કો દોગે કિસી કે આખિર હોગે - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
અહીં પણ જ્હોની વૉકરની અદાકારીની શૈલીને માપોમાપ બંધ બેસતું ગીત સાંભળવા મળે છે.


કિસ કે લિયે રૂકા હૈ કિસ કે લિયે રૂકેગા, કરના હૈ જો ભી કર લે યે વક઼્ત જા રહા હૈ - એક સાલ – ગીતકાર: પ્રેમ ધવન
બેકગ્રાઉંડમાં ગવાતાં ફિલ્મનાં શીર્ષક ગીતના પ્રકારનો રવિનો પહેલો પ્રયોગ પણ અગ્રીમ સ્થાનની કક્ષાનો બની રહ્યો છે.
મોહમ્મદ રફી સાથે પાંગરી રહેલા રવિના સંબંધોમાં આ બન્ને ગીતોનું મહત્ત્વ સમજવા માટે આ ફિલ્મમાં રવિએ રચેલાં અન્ય પુરુષ સ્વરનાં બે ગીતો - હેમંત કુમારના સ્વરમાં ગવાયેલ યુગલ ગીત ઉલજ ગયે દો નૈના અને તલત મહમૂદના સ્વરમાં ગવાયેલ સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા-ની નોંધ લેવી જોઈએ -



બસંત પ્રકાશની હિંદી ફિલ્મ સંગીતની કારકીર્દી ૧૯૪૨થી શરૂ થઈ હતી. એટલે મોહમ્મદ રફી સાથે કામ કરવાવાળા વિન્ટેજ એરાના સંગીતકારોની કક્ષામાં તેમનું સ્થાન બને છે. જોકે આ બન્નેનો સૉલો ગીત માટેનો મેળાપ છેક ૧૯૫૭ની ફિલ્મ 'મહારાણી'માં થયો છે.આ ફિલ્મમાં રફીનાં બે સૉલો ગીતો છે - ધરતી માં કે વીર સિપાહી જીને મરને આજ અને ગજર બજ રહા હૈ સહર હો રહી હૈ. મને આ બન્ને ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી.

એસ હરિદર્શન એક એવા અજાણ્યા સંગીતકાર છે જેમનાં રફીનાં પ્રથમ સૉલો ગીત આયા કરકે ભેશ નીરાલા (શાહી બાઝાર)ની પણ ડિજિટલ લિંક નથી મળી શકી.

૧૯૫૭નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાણ પ્રથમ સૉલો ગીતોની વાત કરતાં કરતાં એક એવું ગીત યાદ આવી ગયું છે જે તકનીકી રીતે તો આ પૉસ્ટનાં કાર્યક્ષેત્રની બહાર છે, પણ અહીં યાદ કરી લેવાનો લોભ રોકાઈ ન શકે તેવું છે - જવાન હો યા બુઢિયા યા નન્હી સી ગુડિયા - ભાભી (૧૯૫૭) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ -




૯૫૮
૧૯૫૮નું વર્ષ પણ મોહમ્મદ રફી માટે ખાસ્સું ફળદાયી રહ્યું હતું. આ વર્ષમાં તેમનાં ૧૭૭ સૉલો ગીતો સાંભળવા મળે છે જેમાંથી સીમા ચિહ્ન રૂપ ગીતોની સંક્ષિપ્ત યાદી પણ પ્રભાવશાળી છે - તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, મદન મોહન); ભલા કરનેવાલે ભલાઈ કિયે જા (ઘર સંસાર, રવિ); હમ બેખુદી મેં તુમ કો પુકારે (કાલા પાની, એસ ડી બર્મન); ટૂટે હુએ ખ્વાબોંને હમકો યે શીખાયા હૈ (મધુમતી, સલીલ ચૌધરી); મન મોરા બાવરા (રાગીણી, ઓ પી નય્યર); આજ ગલીયોં મેં તેરી આયા હૈ દીવાના તેરા (સોહિણી મહિવાલ, નૌશાદ); રાત ભર કા મહેમાં હૈ અંધેરા (સોનેકી ચિડીયા, ઓ પી નય્યર); વગેરે

સંગીતકાર સાથે સૌથી પહેલાં સૉલો ગીતોની સંખ્યા પણ આ વર્ષે ખાસ્સી એવી કહી શકાય તેટલી છે.

મુકુલ રોય (ગીતા રોય [દત્ત]ના ભાઈ)એ હિંદી ફિલ્મ જગતમાં સંગીતકાર તરીકે પદાર્પણ ૧૯૫૬ની ફિલ્મ 'સૈલાબ'થી કર્યું, જે તેમણે ગીતા દત્તની સાથે નિર્માણ પણ કર્યું હતું.

છોડીયે ગુસ્સા હુઝુર ઐસી નારાઝગી ભી ક્યા - ડીટેક્ટીવ – ગીતકાર: શૈલેન્દ્ર
ગીતા દત્ત.કોમનાં પાનાં પર જણાવેલ માહિતી મુજબ આ ગીત ,અને ખાસ તો અંતરાનું સંગીત, જિમ રીવ્સનાં ૧૯૫૩નાં ગીત "Bimbo" પરથી પ્રેરીત છે.



બહુ ઝીણું કાંતીએ તો ખય્યામનું પદાર્પણ તો ૧૯૪૯ની ફિલ્મ 'પર્દા'માં થી ચૂક્યું છે. પણ ત્યારે તેમણે 'વર્માજી'નું તક્ખલુસ વાપર્યું હતું. હવે તેમનાં જે નામથી તેમની કારકીર્દીની આખી સફર કંડારાઈ છે તે નામથી તેઓ આપણી સમક્ષ પેશ થાય છે. આ વર્ષમાં તેમની બે ફિલ્મો છે. 'લાલા રૂખ'નું કૈફી આઝમીએ લખેલું મોહમ્મદ રફીનું સૉલો ગીત 'હૈ કલી કલી કે લબ પ તેરે હુશ્ન કા ફસાના મુખ્ય કલાકાર પર ફિલ્માવાયું નથી તો પણ સીમાચિહ્ન બની રહ્યું છે. એટલે પહેલ વહેલાં સૉલો ગીત માટે આપણે બીજી ફિલ્મ 'ફિર સુબહ હોગી' પર નજર કરીએ.

સબકી હો ખૈર બાબા સબ કા ભલા, દે દે ભૂખે કો રોટી કા ટુકડા - ફિર સુબહ હોગી – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ફિલ્મમાં કદાચ સૌથી ઓછું ધ્યાન ખેંચતું ગીત આ હશે. જો કે સાહિર લુધ્યાનવીએ તો તેમને પોતાના ક્રાંતિકારી વિચારોને રજૂ કરવાની મળેલી તક બન્ને હાથોથી ઝડપી લીધી છે. મોહમ્મદ રફી તો હવે આ પ્રકારનાં ગીતોની આગવી અદાયગી માટે નિપુણ થી જ ચૂક્યા છે.
સાહિર અને ખય્યામ બન્નેની પોતાની કળા પરની હથોટીની કમાલ જોવી હોય તો પ્રસ્તુત ગીતથી બિલકુલ ઉલ્ટા મુડનું રફી-મુકેશનું યુગલ ગીત - જિસ પ્યાર મેં યે હાલ હો- યાદ કરી લેવું જોઈએ.



આર સુદર્શનમ તમિળ ફિલ્મોના સંગીતકાર છે અને હિંદી ફિલ્મો સાથે તેમનો સંબંધ માત્ર તમિળમાંથી હિન્દીમાં બનતી ફિલ્મો પૂરતો જ હશે.

જિસ દિલમેં લગન મંઝિલ કી હો - મતવાલા – ગીતકાર: હર ગોવિંદ
ઘોડા ગાડીના જાણીતા પ્રકારનાં ગીતમાં પણ રફી સાહેબે ઊંચા સ્વરમાં ગવાતી સાખીની સાથે ગીતની દ્રુત લયને પણ કમાલનો ન્યાય કર્યો છે.



ઈક઼બાલ ક઼ુરૈશી સંગીતકારોમાં ખાસ્સું જાણીતું નામ છે, જેમને તેમનાં કળાકૌશલ મુજબની સફળતા ન વરી. અહીં તેઓ ફિલ્મ જગતમાં પદાર્પણ કરે છે.

મિલકે બૈઠો જોડો બન્ધન - પંચાયત – ગીતકાર: શકીલ નોમાની
ફિલ્મની વાર્તાને રજૂ કરવામાં બેકગ્રાઉન્ડ ગીતોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.પ્રસ્તુત ગીતમાં પણ ફિલ્મની કથાનું હાર્દ વણી લેવાયું છે.



આદીનારાયણ રાવ પણ તેલુગુ-તમિળ ફિલ્મોમાં બહુ ખ્યાત સંગીતકાર તરીકે સ્થાન પામતા રહ્યા છે. અહીં જે ફિલ્મ - સુવર્ણ સુંદરી-નાં ગીતો રજૂ કર્યાં છે તે ફિલ્મના નિર્માતા પણ તેઓ જ છે.

રામ નામ જપના પરાયા માલ અપના - સુવર્ણ સુંદરી - ગીતકાર: ભરત વ્યાસ
ફિલ્મનાં હિંદી સંસ્કર્ણ માટે કરીને આ 'ફોર્મ્યુલા' ગીત ખાસ તૈયાર થયું હશે એવું લાગે છે.


મા મા કરતા ફિરે લાડલા - સુવર્ણ સુંદરી – ગીતકાર: ભરત વ્યાસ
જ્યારે પાત્રો સંવાદ વડે ફિલ્મની વાર્તા આગળ ન વધારી શકે ત્યારે બેક ગ્રાઉન્ડ ગીત કેવું ઉપયોગી નીવડી શકે છે તેનો સચોટ દાખલો પ્રસ્તુત ગીતમાં જોવા મળે છે.



ધની રામ, કેટલીક દસ્તાવેજી નોંધ અનુસાર વિનોદ અને ઓ પી નય્યર જેવા સંગીતકારોના ગુરૂ રહ્યા છે.

બોટલ મેં બંદ જવાની પીતે પીતે દિલ જાની - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
શરાબી ગીત પણ હિંદી ફિલ્મનાં ગીતોનો એક આગવો પ્રકાર રહ્યો છે. પ્રસ્તુત ગીતમાં તેમાં દુત લયનો પ્રયોગ, બહુ અસરકારકપણે કરવામાં આવ્યો છે.


ઈસ તક઼દીર કે આગે કોઈ ભી તબદીર ચલતી હૈ, અગર ચલતી હૈ દુનિયામેં બસ તક઼દીર ચલતી હૈ, ઈસ તક઼દીર કે આગે ઝૂક ગયે.. - તક઼દીર – ગીતકાર: વર્મા મલિક
આ પણ બેકગ્રાઉન્ડ ગીત જણાય છે. જે ફિલ્મનાં ટાઈટલ્સમાં મૂકાયું હોય છે.



મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે સૌથી પહેલં ગીત સાથે એ વર્ષમાં સાંભળવા મળેલું અનોખું, પણ વિસરાતુંહોય, તેવું ગીત મૂકવાનો લોભ, મદન મોહનની આ રચના સાંભળતાં વેંત હવે તો સ્વીકૃત પરંપરા બનવા લાગી છે !

બડા હી સીઆઈડી હૈ યે નીલી છતરીવાલા - ચંદન (૧૯૫૮) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ


મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલાં સૉલો ગીતબા ત્રીજા પંચવ્ર્ષીય ખંડનો ત્રીજો ભાગ આટલો ફળદાયી અને રસપ્રદ બનશે તેવી કલ્પના આ વર્ષોનાં તેમનાં સીમાચિહ્ન બની ચૂકેલાં ગીતો સાંભળ્યા પછી ન આવે. પણ જેટલાં વર્ષમાં સીમા ચિહ્ન ગીતો આવવા લાગ્યાં છે તેટલાં જ તેમનાં કેટલાક સંગીતકારો સાથે પહેલ વહેલાં સૉલો ગીતો પણ સાંભળવા મળે છે તે, હજૂ સુધી તો, હકીકત બનીને સામે છે.

૧૯૫૯થી ૧૯૬૩ન ચોથા પંચવર્ષીય સમયખંડનો હવે બહુ ઉત્સુકતાથી ઈંતઝાર છે.....


મોહમમ્દ રફીનાં સંગીતકાર સાથેનાં સૌ પહેલાં સૉલૉ ગીતોના ત્રીજા સમયખંડની ત્રણ અલગ અલગ પૉસ્ટ, હાયપર લિંક પર ક્લિક કરવાથી  એક સાથે વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, December 23, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ડીસેમ્બર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવની આપણી આ શ્રેણીનાં છઠાં વર્ષનો અંતિમ મણકો છે.
છેલ્લા બે અંકથી આપણે ISO 9004: 2018ના મૂળભૂત આશય - સંસ્થાની સંપોષિત સફળતા-ને સિધ્ધ કરવા માટે, સંસ્થાની ગુણવત્તા અને સંસ્થાની ઓળખ એવા, બે મહત્ત્વના દૃષ્ટિકોણની ચર્ચા કરી રહ્યાં હતાં. આજના અંકમાં આપણે એ મૂળભૂત આશય - સંસ્થાની સંપોષિત સફળતા - વિષે વાત કરીશું.
સંપોષિત સફળતા વિષે ISO 9004: 2018નું કહેવું છે કે સંસ્થાની લાંબા ગાળાની સફળતાને અસર કરતાં
પરિબળો, વર્ષોવર્ષ, ઉભરતાં, વિકસતાં ઘટતાં કે વધતાં રહ્યાં છે.સંસ્થાએ પોતાની સફળતાને લાંબે ગાળે ટકાવી રાખવા માટે આ પરિબળો સાથે અસરકારક અનુકુલન બનાવ્યે રાખવું મહત્ત્વનું બની રહે છે. પારંપારિક રીતે આ માટે વિચારાધીન રહેતાં  કાર્યદક્ષતા, ગુણવત્તા કે ચપળતા જેવાં પરિમાણો સાથે હવે કોર્પોરેટ સામાજિક જવાબદારી,પર્યાવરણીય અને સાંસ્કૃતિક જેવી બાબતો પણ મહત્ત્વની ભુમિકા ભજવી રહેલ છે. આ બધાંને સામુહિક રીતે આપણે હવે સંસ્થાના સંદર્ભ તરીકે પણ ઓળખીએ છીએ,
સંપોષિત સફળતાની સાથે કાર્યદક્ષતા, ગુણવત્તા અને ચપળતા શી રીતે સંકળાય છે તે સમજવા માટે ત્રણ જૂદા જૂદા લેખો પસંદ કર્યા છે.
કાર્યદક્ષતા અને સંપોષિત સફળતા
Building Efficient Organizations - કાર્યદક્ષતાની માનસિકતા લાંબા ગાળના ફાયદાની ચાવી છે - પીટર ગ્વારૈઆ, વેરોનિક઼ પૌવૅલ્સ અને સુદર્શન સંપતકુમાર - સંસ્થાના ડીએનએમાં કાર્યદક્ષતાને વણી લેવા માટે કોઈ ચોક્કસ નકશો તો નથી. અમારા અનુભવ મુજબ, જોકે, બધી સફળ કંપનીઓમાં એક સમાવેશી અભિગમ જરૂર જોવા મળે છે : એ લોકો એટલું સુનિશ્ચિત કરે છે કે કાર્યદક્ષતા અંગેના તેમના પ્રયાસો વ્યૂહરચના, માપણી કોષ્ટકો, પ્રતિબધ્ધતા, વર્તણૂક અને સંસ્કૃતિ  જેવાં મહત્વનાં ક્ષેત્રો પર છવાઈ જાય. આ બાબતે, મક્કમતા અને લાંબા ગાળાનાં રોકાણો સફળતાની તકો ઉઘાડી નાખી શકે છે.
કૅપજેમિનાઈ અને ગઈડવાયરે એક બહુ રસપ્રદ સંશોધન વ્હાઈટ પેપર તૈયાર કર્યું છે.  Capturing Operational Efficiency and Sustainable Value through Claims માં તેઓ વીમા કંપનીઓ દ્વારા ચુકવાતા દાવાઓનાં રૂપાંતરણનો વ્યાપારીક પ્રસ્તાવની દૃષ્ટિએ અભ્યાસ કર્યો છે, જેમાં તેમણે ફાયદા નિપજવાતાં એવાં મહત્વનાં પરિબળો પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું છે જેના દ્વારા વીમા કંપનીઓ બહુ મોટા પાયે કામગીરી બાબતની કાર્યદક્ષતા સિધ્ધ કરવાની સાથે સંપોષિત મૂલ્ય પણ મેળવતાં રહી શકે.
ગુણવત્તા અને સંપોષિત સફળતા
ISO 9004: 2018 ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તાથી આગળ વધીને
-       સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
-       સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
દ્વારા બદલતા રહેતા સંસ્થાના સંદર્ભ તેમજ હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓનાં પરિપ્રેક્ષ્યમાં હંમેશાં પ્રસ્તુત  બની રહેવામાં સંપોષિત સફળતામાટેની તક જૂએ છે.
કાર્યદક્ષતા, અસરકારકતા, સંપોષિત સફળતા અને ગુણવત્તાનાં સંચાલન વચ્ચેનો તત્કાલીન અને અંતિમ પરિણામો સાથેનો સંબંધ
ઉપરની આકૃતિમાં કંપનીના પદાનુક્રમને પરિણામોના સંદર્ભમાં દર્શાવેલ છે. કંપની દ્વારા વપરાતાં સંસાધનો, પ્રક્રિયાઓ, તેમાંથી નિપજતાં, ઉત્પાદનો કે સેવાઓનાં સ્વરૂપનાં, તત્કાલીન પરિણામો અને કંપનીના લાંબા ગાળાની વ્યૂહરચના સ્વરૂપનાં અંતિમ પરિણામોને પદાનુક્રમમાં ગોઠવેલ છે. તત્કાલીન પરિણામો પરિમાણ અને દિશા સૂચક આંકડાઓમાં રજૂ કરાવાં જોઈએ.
ચપળતા અને સંપોષિત સફળતા
મૅકકીન્સીના સંસ્થાકીય આલેખનના અગ્રણીઓ  વાઉટર અઘિના અને આરોન ડી સ્મેટ ચપળતા શું છે, અને સતત પરિવર્તન થતાં વાતાવરણના પડકારો સામે સંસ્થા કેમ સમજાવે છે કે સફળતા સિધ્ધ કરતી રહી શકે, તે તેમના લેખ The keys to organization agility.માં સમજાવે છે. જ્યારે તમે સતત પરિવર્તનની સામે ખીલતાં રહો તેમ જ વધારે સશક્ત બનો અને તે તમારી સ્પર્ધાત્મક સરસાઈ માટેનો સ્રોત બની રહે ત્યારે તમે ચપળતામાં નિપુણ છો એમ કહી શકાય. (એક સાથે ચપળ અને સ્થિર થવાનાં મહત્ત્વ વિષે, જૂઓ Agility: It rhymes with stability.”)
આ સિવાય સંપોષિત સફળતાનું  ઘડતર કેમ કરવું એ વિષેની ચર્ચા કરતા બીજા બે લેખ રસપ્રદ છે અને વિષયને સમજવામાં મદદરૂપ પણ બની રહી શકે છે –
  • Dorie Clark, તેમના લેખ, The Secret to Sustained Success  માં બૈન એન્ડ કંપનીના ગ્લોબલ સ્ટ્રેટેજી પ્રેક્ટીસના સહ-વડા ક્રિસ ઝૂકનો સંદર્ભ લઈને જણાવે છે કે શ્રેષ્ઠ સંસ્થાઓ, જે નજરે પડ્યાં તે વિક્લ્પોને ખરીદી લેવા કે એવી તકોની પાછળ પડવાને બદલે તેમનાં મૂળભૂત સબળ પાસાંઓને પારખીને તેનો મહત્તમ લાભ લેવાનું કરે છે. (લેખિકાનો પહેલાંનો લેખ Why You Should Kill Your Ideas.”  પણ જૂઓ.)
  • ઉદ્દીપક બનીને 'કામ કરવા માટે શ્રેષ્ઠ જગ્યા'માં સંસ્થાને ફેરવી નાખી શકે છે. એ માટે પાંચ મુખ્ય બાબતો લેખમાં ભારપૂર્વક કહેવાયેલ છે :
-       કંપનીના સ્તરે મૂળભૂત મૂલ્યો પ્રસ્થાપિત કરો જે યોગ્ય કામ યોગ્ય રીતે કરનાર વીરલાંઓને પ્રકાશમાં લાવે અને લોકોની ખાસ દરકાર રાખે.
-       સંચાલન મંડળનાં મૂલ્યો તેમનાં વાણી, વર્તન અને પગલાંઓ જોડે સંસ્થાનાં અન્ય લોકોને અનુભવ કરાવો
-       સંસ્થાનાં મૂલ્યો સાથે બંધબેસતાં લોકોને જ કામ પર લો - એ માટે સમય, નાણાં, શક્તિ જેવાં સંસાધનોનો લોકોની પસંદગી કરવામાં અને તેનાં વ્યક્તિગત મૂલ્યો સંસ્થાનાં મૂલ્યો સાથે સુસંગત છે તે નક્કી કરવામાં રોકાણ કરો.
-       પોતાનાં કામ માટે લોકોના માલીકીભાવને વધારે ને વધારે ખીલવા દો - આ માલીકીભાવ લોકોમાં તેમનાં અગ્રણીઓની કથની અને કરણીની એકસૂત્રતામાંથી વિકસે છે અને કંપનીની ભવિષ્યની યોજનાઓનાં ઘડતરમાં સહભાગી થવાથી, કંપનીના ગ્રાહકોને ઓળખવાથી વધારે પ્રગાઢ બને છે. 
-       લોકોના જુસ્સા અને સંતોષની કદર કરો અને તેની પાછળનાં કારણો જાણવા પ્રયાસ કરતાં રહો.
§  How to Create Sustained Success iએ જિમ કોલ્લીન્સનાં પહેલાં પુસ્તક 'Built to Last'નો ત્વરિત સારાંશ છે.

જે વિચારને અમલ કરવામાં વિશ્વખ્યાત સંસ્થાઓને વર્ષો લાગ્યાં છે એવા સંપોષિત સફળતા જેવા વિચારની બધી જ વાત એક લેખમાં સમાવવી શકય નથી, તે આપણે બધાં જાણીએ છીએ. આપણો એ આશય પણ નથી રહ્યો. આપણી ગુણવત્તા સંચાલન શ્રેણીમાં આપણે ગુણવત્તા સંચાલનનાં વ્યાવસાયિક અને અંગ્ત જીવન સાથે સંકલાયેલાં પરિમાણોની નોંધ લઈને એ દિશામં પોતપોતાની રીતે આગળ વધતાં હોઈએ છીએ.તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Effective Management માંનો William Cohen, Ph.D. નો લેખ The Focus on the Customer and What the Customer Values આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. વ્યૂહાત્મક સ્તરે ગ્રાહકની પસંદ પર ધ્યાન આપવાથી ગ્રાહકોને સંતોષવામાં, હરીફોની સામે ભેદમૂલક ફાયદાની તક ઊભી થઇ શકે છે.

આપણા આજના અંકમાં ASQ TV પરનાં બે વૃતાંતની નોંધ લઈશું.:

  • Enhancing Quality through Improved Quality Reports : વિપ્રો ગિવૉનના સેફ્ટી, એન્વાયરમેન્ટાલ અને ક્વૉલિટી મૅનેજર, ગ્રેગરી (ગ્રિશા) ગૉરોડેટ્સ્કી સંસ્થાના ગુણવત્તા અહેવાલો જેવા બધા જ દસ્તાવેજોને એક સમાન રીતે દસ્તાવેજ કરવાનાં મહત્ત્વની ચર્ચા કરે છે.
  • 2018 Year-End Message: Elmer Corbin, ASQ Chair : વર્ષાંત વિડીયો સંદેશમાં. ASQ નિયામક મંડળના અધ્યક્ષ એલ્મર કૉર્બિન ૨૦૧૮નાં વર્ષની મહત્વની સિધ્ધિઓ રજૂ કરવાની સાથે સાથે ASQનાં દરેક હિત્ધારકોના યોગદાન માટે આભાર માને છે.

Jim L. Smithનાં નવેમ્બર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:

  • Success makes us feel good, but failures teach us valuable lessons - નકારાત્મક પરિણામો આનણ્દદાયક તો ન જ હોય, પણ તે નિરાશા પેદા કરે તે જરૂરી છે. અભિનવ વિચાર્સરણી ધરાવતાં લોકો માને છે કે નકારાત્મક પરિણામો સૂચવે છે કે કંઈ ક જૂદું કે નવું કરવાની જરૂર છે...જો પરિસ્થિતિને ઉલટાવીને જોવામાં, પ્રોજેક્ટ સફળ રહે ત્યારે, આવી  ઉત્પાદક ભૂલોને સમજવી સહેલી છે. આ પરિસ્થિતિ એમ સૂચવે છે આપણી પૂર્વધારણાઓ સાચી હતી, કામ કરવા માટે જે અભિગમ પસંદ કર્યો તે સામાન્યપણે સર્વસ્વીકૃત અભિગમ હતો અને પ્રોજેક્ટનું સંચાલન સારી રીતે થયું છે...સફળ પ્રોજેક્ટનું પૂરું થવું જરૂર આનંદદાયક છે, પણ એમ કરવામાં પ્રોજેક્ટની સફળતાને અંગદ કુદકાની ઉંચાઇએ લઇ જઇ શકે તેવી કોઈ વધારાની તક ચૂકાઈ તો
    નથી ગઈ એ ધ્યાનમાં ન આવ્યું હોય એમ પણ બને. આપણો આશય એ કામ કરી જવા પૂરતો જ હતો કે થોડાં જોખમો લઈને વ્યાપારને નવી જ ઊંચાઈ પર લઈ જવાનો હતો
    ?...આ દિશામાં વિચાર કરવાથી આપણા આભિગમને બદલવા વિષે વિચાર કરી શકાય છે. આપણે ભલે બીજા થોમસ આલ્વા ઍડીસન ન બની શકીએ, પણ એ જ પ્રયત્નો વડે જીંદગીને વધારે ઉત્પાદક બનાવવામાં જરૂર મદદ મળી શકે છે.
  • Personal GPSશક્ય છે કે આપણે સફળતાના આપણા માર્ગ પર દિશાસૂચક નકશાને વ્યક્તિગત Goal Projection System (GPS) / લક્ષ્ય આલેખન તંત્ર વ્યવસ્થાની નજરે જોયો ન હોય.. પણ તત્વતઃ બન્ને બાબતો ઘણે અંશે સમાન છે...પોતાની જાતને સવાલા કરો કે એક, પાંચ, દસ, વીસ વર્ષ પછી તમે તમારી જાતને કઈ જગ્યાએ જોવા માગો છો? એક વાર એ લક્ષ્યો નક્કી થ ઈ જાય, પછી શું દેખાય છે? શું સંભાળય છે? શું અનુભવાય છે? જ્યારે આ સવાલોના જવાબો લખવા બેસો ત્યારે બને એટલા સ્પષ્ટ જવાબો લખાય તેના પર ખાસ ધ્યાન આપજો....આટલું કર્યા પછી વર્તમાન પરિસ્થિતિનો બહુ જ પ્રમાણિકપણે અભ્યાસ કરો..આ પ્રક્રિયા સરળ નથી અને પૂરેપૂરી પ્રમાણિકતા અને સ્પષ્ટતા સાથે કરવામાં થોડો સમય પણ લાગશે. આ સમગ્ર પ્રક્રિયાની સમયાંતરે ફેરમુલાકાત પણ લેવાતી રહેવી જોઈએ, જેથી આપણે રાહ પરથી ભટકી નથી ગયાં એ ખબર પડતી રહે. એક વાર બધું દસ્તાવેજ થઈ જાય એટલે તમારી વ્યક્તિગત સફળતા સિધ્ધ કરવા માટેના દિશા નિર્દેશ નકશા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકશો.

તમારૂં ૨૦૧૮નું વર્ષ પણ તમારા સફળતાના નકશા મુજબનું જ ગયું હોય એ આશા સાથે આપણે ૨૦૧૮નાં આપણા ગુણવતા બ્લૉગોત્સવનાં છઠાં વર્ષને સંતોષની લાગણી સાથે પૂરૂં કરીશું.. ૨૦૧૯નું વર્ષ આપ સૌ માટે નવાં લક્ષ્યોની સિધ્ધિ માટે ઉજ્જવળ તકો લાવે તેવી આ મચ પરથી મારી શુભેચ્છાઓ......... 
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
પાદ નોંધ :
ગુણવત્તા બ્લૉગોત્સવ શ્રેણીના વર્ષ ૨૦૧૮ના બધા જ મણકા ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ, ૨૦૧૮  પર ક્લિક કરવાથી એક સાથે વાંચી શકાય છે / ડાઉન્લોડ કરી શકાય છે.