Sunday, February 21, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના ફેબ્રુઆરી, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણને મેક્કિન્સી.કોમ પરનો Kevin Sneader  અને Shubham Singhal નો લેખ, The next normal arrives: Trends that will define 2021—and beyond, વ્યાપાર ઉદ્યોગ નાં વર્તમાન વાતાવરણ વિષે સર્વગ્રાહી દૃષ્ટિકોણ પુરો પાડે છે.

લેખમાંથી લીધેલ અવતરણો -

અવતરણ શરૂ

ટનલને બીજે છેડે પ્રકાશનો આછો આભાસ કળાય છે, જેનાથી, કમસે કમ, એમ તો ખબર પડે છે કે હાલ તુરત બીજી ટ્રેન તો આપણા ઉપર ધસી  નથી આવતી….

જો કોઈ બીજી આકસ્મિક દુર્ઘટના ન થાય તો, લોકો, કે વ્યાપાર ઉદ્યોગ કે સમાજ, વર્તમાનમાં ઘુટાવાનું બંધ કરીને, પોતપોતાનાં ભવિષ્યને ઘડવા વિશે વિચારવાનું શરૂ કરી શકે. હવે 'પછીની સામાન્ય સ્થિતિ' હશે જુદી જ. ૨૦૧૯માં જે પરિસ્થિતિ હતી ત્યાં તો પાછાં નહીં જ ફરી શકાય. વીસમી સદી વિશે વિશ્વયુધ્ધ પહેલાં અને વિશ્વયુધ્ધ પછી  જેમ કહેવાતું રહ્યું છે તેમ હવે પછીની પેઢી 'કોવિડ-૧૯ પહેલાં' અને 'કોવિડ-૧૯ પછી' એમ જ વાત કરશે.…

આ કટોકટીને કારણે નવોત્થાનનાં તો મોજાં ઉછળી રહ્યાં છે, જેણે ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને જન્મ આપવાનું કામ કર્યું છે. …એમાં હવે પાછું વળીને જોવાપણું પણ નહીં રહે. ટેક્નોલોજિ, ડિજિટાઈઝેશન અને કામ કરવાનાં નવાં સ્વરૂપ જે ઝડપથી અમલમાં મુકાયાં છે તે તો ચાલુ જ રહેશે.

પુરવઠા સાંકળ - પુનઃસંતુલન અને સ્થિત્યંતર

નવી પરિસ્થિતિને 'સમયસર ઉપરાંત'કહી શકાય. અહીં 'ઉપરાંત'નો અર્થ 'કદાચ આમ થાય તો' કરવાનો રહે, એટલે કે જોખમનું વધારે વ્યવહારદક્ષ સંચાલન કરવું. … કોઈ એક દેશ, કે પછી કોઈ એક જ કારખાનું અંધકારમાં સરી પડે, તો પણ મહત્વના કોઈ એકાદ ભાગના અભાવને કારણે આપણું ઉત્પાદન ઠપ થઈ જઈ શકે છે. સચાલકોએ હવે કસમ ખાધી છે આવું બીજીવાર તો નહીં જ થવા દેવાય.…. પોતાની પુરવઠા સાંકળ શી રીતે કામ કરે છે તેનો નવેસરથી અભ્યાસ કરવાથી ત્રણ બાબતો સમજાઈ છે. પહેલું,વિક્ષેપો અસામાન્ય નથી બની રહેવાના. બીજું, વિકસેલ અને ઘણા વિકસતા દેશો વચ્ચેનો ઉત્પાદન ખર્ચનો ફરક ઘટતો જશે. જે ઉત્પાદન કંપનીઓ માહિતીસામગ્રીના ઉપયોગ, વિશ્લેષકો, માણસ-મશીનના આપસના વ્યવહારો, આધુનિક રોબોટિક્સ કે ૩-ડી પ્રિન્ટિંગ જેવા ઇન્ડસ્ટ્રી ૪.૦ સિધ્ધાંતોને વ્યવહારમાં વધારેને વધારે મુકી શકશે, તે ચીન જેવા વધુ ઝડપથી વિકસી રહેલ દેશ સાથેના મજુરી ખર્ચના ફરકને અડધો તો કરી જ શકશે. અલગ અલગ વ્યવહારોનાં ખર્ચની ગણતરી કરવાની જડતાને બદલે એક છેડાથી બીજા છેડાના વ્યવહારને વાસ્તવિક સ્તરે ન્યુનતમ રાખવામાં આવે તો આ ફરક હજુ વધારે ઓછો જણાશે. ત્રીજું, પુરવઠા સાંકળનાં નીચે નીચેનાં સ્તરે શું ચાલી રહ્યું છે તેનો મોટા ભાગનાં વધારે સારો અંદાજ નથી હોતો, કેમકે ઘણી વાર એક સ્તર નીચેનું કે તેનાથી નીચેના સ્તરનું એક એકમ જ મહત્ત્વની કડી બની રહેતું હોય છે. મોટા ભાગના વિક્ષેપ આવાં કોઈ બહુ જ નીચેનાં નાનાં અમથાં એકમથી શરૂ થતા હોય છે. બેતૃતિયાંશ કંપનીઓનું કહેવું છે કે પોતાની કામગીરીનું સાતત્ય પહેલી જ કક્ષાની કડીઓનાં સ્તરે જ સુનિશ્ચિત કરવાના દિવસો હવે નથી રહ્યા. કૃત્રિમ પ્રજ્ઞા અને માહિતીસામગ્રી વિશ્લેષકોની મદદથી ઉંડે ઊંડે રહેલી કડીઓની કડીઓ વિશે વધારે માહિતી ઉપલબ્ધ શક્ય બને છે, જેના પરથી વધારે અસરકારક ઑડીટ અને જોડાણો વડે આખી પુરવઠા સાંકળ વિક્ષેપ નિવારવામાં વધારે અનુકૂલનક્ષમ બની રહી શકે છે.

પટારામાંની ગોઠવણનાં પુનર્ગઠનમાં વેગ આવ્યો

પહેલાંની મદીના સમયોમાં,  જે કંઈ સબળ હતું તે વધારે સબળ બનતું અને નબળું હતું તે વધારે નબળું બનતું, કે ડૂબી જતું કે ખરીદાઈ જતું. અલગ તરી આવતો ફરક  છે સ્થિતિસ્થાપકતાનો - માત્ર આંચકા સહન કરી શકવાની શક્તિ જ નહીં પણ તેને સ્પર્ધાત્મક સરસાઈમાં ફેરવી શકવાની ક્ષમતાનો.…. તાત્પર્ય એ છે ફરી બેઠા થયા પછી આગળ વધવાની કઈ સ્થિતિમાં આવો છો તે વધારે મહત્ત્વનું છે. પહેલાંની મંદીઓની જેમ, ઉચ્ચ કામગીરી કરી બતાવનાર સ્તરની સંસ્થાઓ પોતાનાં સબળાં પાસાંઓને ભરોસે બેસી ન રહેવાને બદલે તેને ભવિષ્ય માટે વધારે સબળ કરવાની દિશામાં વિચારે છે.

બદામી રંગના સ્પર્શ સાથે હવે હરિયાળો રંગ ફરી બેઠા થવા માટેનો રંગ છે

વિશ્વના દરેક ભાગમાં, પ્રદૂષણની કિંમત અને પર્યાવરણીય સંપોષિતતાના ફાયદાનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે.

કોવિડ-૧૯ને કારણે સંસ્થાઓને તેમની કામગીરીનાં પુનર્ગઠનનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. દરેક વિક્ષેપમાં હવે તેમને નવનિર્માણની તક દેખાય છે. આ બાબતે જે કંઈ કરી શકાશે તે ઉપાદકતામાં વધારો કરનારૂં જ નીવડશે.

અવતરણ પુરૂં

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું -

  • Remote Auditing - હાલના સંજોગોમાં કંપનીઓને સ્વતંત્ર ઑડીટરોને ઓનલાઈન ઓડીટીંગ ની વ્યવહારીકતા વધારે સુગમ જણાવા લાગી છે. ASQના પ્રશિક્ષક, અને Full Moon Consultingના મુખ્ય ઓડીટર લાન્સ કૉલમૅન ઓનલાઈન ઑડીટ્ના ફાયદા ગણાવે છે અને ઉચ્ચ સંચાલન મંડળને તે સ્વીકાર્ય કરવા માટે શું કરવું તેમ જ ઓનલાઈન ઑડીટ કેમ કરવું તે વિશે ચર્ચા કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-  

Fail Successfully - ખુબ સફળ લોકોની ખાસ નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે નવું નવું કરતાં રહેવાનો


તેમનો અભિગમ. મુશ્કેલ જણાય તેવાં લક્ષ્યાંકો નક્કી કરવાં અને સફળતા મેળવવા માટેની તેમની પ્રતિબધ્ધતા. અસફળ થવાની સંભાવનાઓ તો રહે જ છે, પણ તે લોકો એ જોખમને તકની નજરે જૂએ છે. ખરેખર તો, કંઈ નવું કરવાની કોશિશ પણ ન કરવી  એ જ તેમના માટે મોટી નિષ્ફળતા છે.…. સામાન્યપણે નિષ્ફળતાઓને જીવનનાં નકારાત્મક પાસાં તરીકે જોવામાં આવે છે, પણ સફળ  લોકો તેમાં સકારાત્મકતા જૂએ છે. તેમની નજરે નિષ્ફળ જવું એટલે કે કંઈક નવું કરવાનો પ્રયાસ તો કર્યો જ; એ પરિણામો ભવિષ્યની સફળતાઓ માટેના બોધપાઠ પુરા પાડશે. નિષ્ફળતાનું બીજું એક પાસું એ છે કે સફળ લોકોને એક વધારે પ્રમાણ મળે છે કે આખરે તો લોકો તમારી નિષ્ફળતાઓને નહીં પણ તમારી સફળતાઓને જ યાદ રાખે છે. એટલે તેમાંથી જલદી નવું શીખો, અને આગળ વધો.… એક વાત તો નિશ્ચિત છે: જો કંઈ જ નહીં કરો તો પાછળ તો રહી જ જશો.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ,ની કૉલમ From the Editor' નો નવો લેખ

Leaders and Followers - જેના કોઈ જ અનુઅયાયીઓ નથી એ નેતાને માટે શું કહીશું? - એકલો ચાલ્યો જતો માણસ ….વ્યાપક અર્થમાં એમ કહી શકાય કે બીજાંનાં પગલે પગલે ચાલવાનું મહત્ત્વ તેનાથી ફલિત થાય છે.. એટલે ક નેતાઓને નવી કેડી કંડારનારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બીજાં માટે પથદર્શક નીવડી શકે છે.... કેડી કંડારવાની બાબતનું એક મહત્ત્વનું પાસું હતું - અને છે પણ - દસ્તાવેજીકરણ.…આજના સમયમં દસ્તાવેજઈ કરણ વડે કેડી કંડારવી એટલે એવી પ્રમાણદર્શક કાર્યપધ્ધતિઓ અને ઉત્તમ કાર્યરીતીઓ ઘડવી..…જે ગ્રાહકો ને અને અન્ય હિતધારકોને ટેક્નોલોજિઓના વધારે સરકારક ઉપયોગમાં મદદરૂપ બને અને પ્રક્રિયાઓને સરળતાથી અનુસરવાની એવી રચનાત્મક ભૂમિકા ભજવે જેના દ્વારા વૃદ્ધિ, નવીનીકરણ અને સફળતાના નવા રસ્તા તરફ દિશાસુચન થાય

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, February 14, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૨૧

 તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે :

મખમલી સ્વર અને મધુર કંઠનું વિરલ સંમિશ્રણ

તલત મહમૂદ(જન્મ: ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪ | અવસાન: ૮ મે ૧૯૯૮) નાં ગીતોમાં નીચા સુરે મખમલી સ્વરનું પ્રાધાન્ય  જોવા મળે છે. તેમની ગાયકીનો, એ કારણે, એક એવો અલગ અંદાજ હતો કે સંગીતકારે પોતાની શૈલીને તેમની ગાયકીના ઢાળમાં ઢાળવી પડે. ગીતા દત્ત (મૂળ નામ - ગીતા ઘોષ રોય ચૌધરી, જન્મ : ૨૩ નવેમ્બર, ૧૯૩૦ | અવસાન: ૨૦ જુલાઈ ૧૯૭૮) ઈશ્વરદત્ત સુમધુર કંઠની સાથે બહોળી રેન્જની ગાયકીનાં ગાયિકા હતાં. બે અલગ અલગ પ્રકારની ગાયન શૈલીનાં સમકાલીન ગાયકોનાં યુગલ ગીતની રચનાઓ કરવી એ સંગીતકારો માટે એક અણખૂટ ખજાનામાંથી મનપસંદ રત્નો વીણવા જેવી તક ગણાય. પરંતુ બન્નેની કારકીર્દીને તેમની નિયતિઓએ એવા વળાંકો વચ્ચે ખીલવી કે સંખ્યાની દૃષ્ટિએ આ બે ગાયકોનાં યુગલ ગીતોની સંખ્યા (બહુ) મર્યાદિત રહી.

સંખ્યાની દૃષ્ટિએ તલત મહમૂદ - ગીતા દત્તાના યુગલ ગીતોનો આંકડો તલત મહમૂદ- લતા મંગેશકર અને તલત મહમૂદ - આશા ભોસલેનાં યુગલ ગીતો પછીના ક્રમે આવે છે. પરંતુ, આ બન્ને ગાયકોનાં અન્ય ગીતોની જેમ તેમનાં યુગલ ગીતોને પણ માત્ર સંખ્યાની દૃષ્ટિએ ન તો મુલવી શકાય કે ન તો માણી શકાય. તલત મહમૂદનો મખમલી સ્વર ગીતા દત્તના આગવા મધુર કંઠ સાથે જે સંમિશ્રણ સર્જે તેની અનુભૂતિ તો સાંભળ્યે જ પરખાય.

તલત મહમૂદની યાદને આપણે આ મંચ પર તેમના જન્મદિવસના મહિનામાં તેમનાં વિસારે પડી રહેલાં ગીતોને યાદ કરીને તાજી કરવાનો ઉપક્રમ રાખ્યો છે. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો, અને

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

સાંભળ્યાં છે

આજના અંકમાં હવે આપણે તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતોની આપણી સફર આગળ ધપાવીશું.

કહ રહી હૈ ધડકને પુકાર કર, ચુપકે ચુપકે ધીરે ધીરે પ્યાર કર - લાલ પરી (૧૯૫૪)- સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

ગીતા દત્તનાં કે / અને તલત મહમૂદનાં ચાહકો માટે આ ગીત યાદોની એવી દુનિયામાં લઈ જાય તેમાં ભુતકાળની આવી અનેક અવિસ્મરણીય યાદો ઢબુરાઈને પડી હોય છે.

મુહબ્બત કી દુનિયા મેં બરબાદ રહેના મગર કુછ ન કહેના - લકીરેં – સગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: શેવાન રિઝ્વી

નીચા સુરમાં વહેતું ગીત ગીતના કરૂણ ભાવને ઘૂંટે છે.

વાહ રે વાહ ભગવાન...હજ઼ાર હાથવાલે, મંદિર કે દ્વાર ખુલે ઔર તેરે મુંહ પર તાલે - મહા પૂજા (૧૯૫૪) – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા

અવિનાશ વ્યાસ અને ગીતા દતના સંગાથે એ સમયની ગુજરાતી ફિલ્મોમાં બહુ જ લોકપ્રિય ગીતો આપ્યાં છે. બન્નેની સાથે કામ કરવાની ફાવટ પ્રસ્તુત ગીતમાં સહજ બની રહે છે. ગીતા દત્તનો સ્વર ખાસ સુરમાં, ઊંચા સુરમાં સાખીથી શરૂઆત કરતા તલત મહમૂદની સાથે, અકળ લીલા કરી રહેલ ઈશ્વરની સામે ફરિયાદ કરવા જોડાય છે.

આયે તો કૈસે આયે… મજબુર કર દિયા હૈ,,,,મિલ જાયે કોઈ તુમ સે આ કે સહર નહી કોઈ - સંગમ (૧૯૫૪) - સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: હસરત જયપુરી

અહીં ગીતા દત્ત ઊંચા સુરમાં સાખી ઉપાડે છે જેને વાદ્યવૃંદનો સમુહ સાથ પુરાવે છે. ગીતા દત્ત ગીતને પણ પ્રમાણમાં ઊચા સુરમાં જ ગાય છે જેની સાથે તલત મહમૂદનો સ્વર અનોખી જુગલબંધી રચીને ગીતના નિરાશામાંથી પ્રગટતા ક્રોધના ભાવને જીવંત કરે છે.

રાત હૈ અરમાન ભરી...ઔર ક્યા સુહાની રાત હૈ, આજ બીછડે દિલ મિલે હૈ, તેરા મેરા સાથ હૈ - સંગમ (૧૯૫૪) – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: હસરત જયપુરી

ગીતનો ઉપાડ ઊંચા સુરમાં ગવાતાં, હલેસાં મારતાં નાવિકો પોતાનો તાલ મેળવવ અગાતં હોય એવાં,  સમુહ ગાન થી થાય છે. ગીતનો ભાવ પ્રસ્થાપિત કરવા માટે આટલું સમુહ ગાન પુરતું છે. આપણને ખ્યાલ આવી જ જાય છે કે આ દૃશ્ય મંદ પ્રવાહે વહેતી નદીમાં એક નાવમાં ખુલ્લી ચાંદની રાતનું હશે. ગીતના બોલ પછીથી પ્રેમી યુગલનાં મિલનની આ ઘડીની પૂર્તિ કરે છે.

તલત મહમૂદ - ગીતા દત્તનાં ખુબ લોકપ્રિય ગણાતાં યુગલ ગીતો પૈકીનું આ યુગલ ગીત આજે પણ સાંભળવું એટલું જ ગમે છે.

દેખો દેખો જી બલમ, દે કે બિરહા કા ગમ મેરા નન્હા સા જિયા તડપાના ના - બહુ (૧૫૫) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: એસ એચ બિહારી

ગાયન અને વાદ્યસજાવટની એવી સ-રસ અગુંથણી કરાઈ છે કે ઝડપી લયમાં હોવા છતાં ગીતનાં માધુર્યને ઝાંખપ નથી લાગતી. ગીતા દત્ત પણ સુરની રમતિયાળ ચડઉતરની મજા લેતાં અનુભવાય છે.

ઠંડી ઠંડી હવાઓમેં, તારોં કી છાઓંમે, આજ બલમ ડોલે મોરા જિયા - બહુ (૧૯૫૫) – સંગીતકાર: હેમંત કુમાર ગીતકાર: એસ એચ બિહારી

ગીત સાંભળતાં એવું અનુભવાય કે પરદા પર આ ગીત ઘોડા ગાડી કે એ સમયે વધારે પ્રચલિત હતી એવી સાયકલ જેવાં વાહન પર સવારી કરતાં ગવાતું હશે  એ મુજબની ગીતની બાંધણી સરળ ઝડપી ધુન પર રચવામાં આવી છે. સમય રાતનો હશે?

ક્યા પાયા દુનિયા ને….દો પ્યાર ભરે દિલ તોડ કર ક્યા પાયા દુનિયા ને - દરબાર (૧૯૫૫) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી/પ્રેમ ધવન

બે યુવાન દિલોના સહજ પ્રેમની સાથે દુનિયા જે રીતે વર્તે છે તેની સામે, કરૂણ ભાવમય ગીતમાં સવાલ ઊઠાવાયેલ છે.

દોનો જહાં કે માલિક, તેરા હી આસરા હૈ… રાઝી હૈ હમ ઉસીમેં જિસ મેં તેરી રજ઼ા હૈ - ખુલ જા સિમ સિમ (૧૯૫૬) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

માત્ર યોગાનુયોગ જ છે - ઉપરનાં જ ગીતની ટીમ હવે ઈશ્વર સામે લાચારી ભરી અરજ ગુજારીને દુનિયાના સિતમો સામે પનાહ માગે છે.ઊંચા સુરમાં જવાનો વારો હવે તલત મહમૂદનો જણાય છે. 

ઓ અરબપતી કી છોરી… ગોરી ગોરી...દિલ્લી દૂર નહીં - મખ્ખીચૂસ (૧૯૫૬) – સંગીતકાર: વિનોદ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ગીત છે તો હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત એવા છેડ છાડ પ્રકારનું, ફરક માત્ર એટલો કે એ છેડ છાડ પ્રેમ થઈ ગયા પછીની મસ્તીનો છે. તલત મહમૂદને રમતિયાળ ગીત ગાવાનો લાભ મળ્યો છે તે સાથે મહિપાલને પણ સૂટટાઈમાં સજ્જ થઈ પરદા પર રમતિયાળ ગીત ગાવા મળવાની દુર્લભ તક મળી ગઈ છે !

સારે જગ સે નૈન ચુરાકે હો ગયી મૈં તેરી - નાગ પદ્મિની (૧૯૫૭) - સંગીતકાર: સન્મુખ બાબુ ઉપાધ્યાય - ગીતકાર: પ્રેમ ધવન

ફરી રમતિયાળ પ્રેમ છલકાવતું એક ગીત, જે ગીતા દત્તને ગાવું સહજ નીવડ્યું હશે, પણ તલત મહમૂદ પણ એટલી જ સહજતાથી ભાવ ઝીલે છે.

દિલ કો લગા કે ભુલ સે દિલ કા નિશાં મિટા દિયા - ડૉક્ટર ઝેડ - સંગીતકાર મનોહર - ગીતકાર અખ્તર રોમાની

ફિલ્મ નું નામ પણ અજાણ્યું છે અને સંગીતકાર પણ ખાસ જાણીતા નથી.પરંતુ તલત મહમૂદ અને ગીતા દત્ત વારાફરતી અંતરામાં જે રીતે આલાપ દ્વારા ગીતન અબોલ ઝીલે છે તે તેમના સ્વર પરના કાબુનું સચોટ ઉદાહરણ બની રહે છે. ઢોલકનો તાલ વાદ્ય તરીકે ઉપયોગ કરીને વૉલ્ઝની ધુનનો પ્રયોગ કરાયો છે. ગીત ગાવાં સરળ નથી જણાતું , પણ બન્ને ગાયકોએ ગીતને જે રીએ ન્યાય આપ્યો છે તેને કારણે ગીત ફરી ફરી સાંભળવું ગમે છે.

તુમ સા મિત મિલા દિલ કા ફૂલ ખીલા, ચલતે રહેં યું હી સનમ, ખુશીયોંકા કાફિલા - મિડનાઈટ (૧૯૭૨) – સંગીતકાર: સુબીર સેન - ગીતકાર ?

ફિલ્મ પરદા પર રિલીઝ થઈ જ નહીં. પણ કેટલાં ગીતોની રેકર્ડ્સ બહાર પડી ગઈ હતી, જેને કારણે તલત મહમૂદ અને ગીતા દત્તે સાથે ગાયું હોય એવું આ છેલ્લું ગીત આપણને સાંભળવા મળી રહ્યું છે.

તલત મહમૂદ - ગીતા દત્તનાં યુગલ ગીતોમાં 'તુમ્હારી મોહબ્બત કા બદલા' (સંગીતકાર દાન સિંગ - ફિલ્મ બહાદુર શાહ ઝફર [!?])નો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ગીત નેટ પર નથી મળી શક્યું. તે જ રીતે જિમ્મી દ્વારા સંગીતબધ્ધ થયેલ ગૈર ફિલ્મી યુગલ ગીત 'ચંદા હંસે હસ રહી ચાંદની' પણ નેટ પર નથી મળી શક્યું.

તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતો પર ફરી એક નજર કરતાં મુખ્ય પ્રવાહના સંગીતકારોની ગેરહાજરી ખાસ ધ્યાન પર આવે છે. મુખ્ય પ્રવાહના જે જે સંગીતકારોએ મોટાં નિર્માણ ગૃહોની ફિલ્મો માટે એ સમયે સંગીત આપ્યું તેમાં જો તલત મહમૂદ મુખ્ય ગાયક હોય તો ગીતા દત્ત મુખ્ય ગાયિકા ન હોય એવું વધારે બનતું તે એક ખાસ કારણ આમ થવ અપાછળ હોઈ શકે. જોકે આપણને જે ગીતૉ અહીં સંભળવાં મળે છે તે બધાં જ ખુબ જ પ્રતિભાશાળી, પણ પ્રચલિત અર્થમાં સફળ ન રહી શક્યા હોય એવા સંગીતકારો દ્વારા રચાયાં છે. જેથી તલત મહમૂદના મખમલી સ્વર અને ગીતા દત્તના કંઠની મિઠાશનાં અનોખાં સંમિશ્રણનો  એક ચીરસ્મરણીય યાદનો અવસર આપણા માટે ફરી વાર મુકી ગયો છે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


પાદ નોંધ:  તલત મહેમૂદનાં ગીતા (રોય) દત્ત સાથે યુગલ ગીતો અને તેનાં અંગ્રેજી સંસ્કરણ Talat Mahmood: Duets with Geeta Dutt એક સાથે વાંચવા /ડાઉનલોડ કરવા માટે તલત મહેમૂદનાં ગીતા (રોય) દત્ત સાથે યુગલ ગીતો ।  Talat Mahmood: Duets with Geeta Dutt પર ક્લિક કરશો.

Thursday, February 11, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો : મને પસંદ પડેલા સંગીતકારો

 ૧૯૪૫નાં વર્ષની ચર્ચાની એરણે જે ગીતો સાંભળવા મળ્યાં તેમાં જૂજ અપવાદોને બાદ કરતાં, બધાં જ ગીતો પહેલી જ વાર સાંભળ્યાં. આવી પરિસ્થિતિમાં વર્ષ માટેના મારી પસંદગીના સંગીતકારને નક્કી કરવા માટે જે કંઈ હિસાબી પદ્ધતિઓ અત્યાર સુધી અખત્યાર કરી હતી તે તો હવે અર્થવિહિન જણાય છે.

તેમ છતાં, મુકામે પહોંચવું હોય તો કોઈક માર્ગ તો શોધવો જ પડે એ ન્યાયે ૧૯૪૫નાં વર્ષમાટે મારી પસંદના પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતો જે જે સંગીતકારોએ રચ્યાં છે તેનું સંખ્યાત્મક વિશ્લેષણ કરીએ એ ઘણે અંશે ઉચિત ઉપાય જણાય છે.

મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના

સંગીતકાર

પુરુષ સૉલો ગીતો 

સ્ત્રી સૉલો ગીતો

યુગલ ગીતો

કુલ ગીતો 

બુલો સી રાની

ગોવિંદ રામ

 

અમરનાથ

 

શ્રીનાથ ત્રિપાઠી

 

જ્ઞાન દત્ત

 

હફીઝ ખાન

 

નિનુ મઝુમદાર

 

જી એ ચિસ્તી

 

ફિરોઝ નિઝામી

 

 

આ ઉપરાંત શાંતિ કુમાર અને પંડિત ગણપત રાવનાં મારી પસંદનાં પુરુષ સૉલો ગીતમાં એક એક ગીતો છે. તે જ રીતે દત્તા કોરેગાંવકર, ખેમચંદ પ્રકાશ, ધીરેન નિત્ર, અનિલ બિશ્વાસ, અરૂણ કુમાર, અને આર સી બોરાલનાં દરેકનાં એક એક ગીત સ્ત્રી સૉલો ગીત અને સી રામચંદ્ર, નૌશાદ અને લાલ મુહમ્મદનાં એક એક યુગલ ગીત મારી પ્સંદગીનાં ૧૯૪૫નાં ગીતોની યાદીમાં જોવા મળે છે.

આ પ્રકારની ગણત્રીમાં વર્ષમાટે એક જ ફિલ્મનાં બહુ ઘણાં લોકપ્રિય થયાં એવાં ગીતો આપનાર સંગીતકાર શ્યામ સુંદર )'વેલેજ ગર્લ' માટે)અહીં જોવા નથી મળતા તેવી આ  ગણત્રીની કચાશની અહીં નોંધ લેવી ઘટે.

સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદગી માટેના વિશ્લેષ્ણને રજૂ કરતા લેખ,Best songs of 1945: Wrap Up 4માં લોકપ્રિયતાના માપદંડે શ્યામ સુંદરને વર્ષ ૧૯૪૫ માટેના શ્રેષ્ઠ સંગીતકાર ઘોષિત કરેલ  છે અને બુલો સી રાનીનાં યોગદાનની વિશેષ નોંધ લેવાઈ છે.


૧૯૪૫નાં ગીતોની અલગ અલગ ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૫ ગીતો @  Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.