Sunday, May 8, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - પ્રવેશક

 ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ વર્ષનાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર, વર્ષના પાછળ હટતા ક્રમમાં  ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭, ૧૯૪૬ અને ૧૯૪૫ પર પહોંચી ગઈ હતી. સફરના એ મુકામ પર વિન્ટેજ એરાની તહ સુધી પણ પહોંચવું એવા ઈરાદા સાથે ૧૯૪૪નાં વર્ષથી પાછળનાં વર્ષો તરફ આગળ વધે છે, અને હવે ૧૯૪૩નાં વર્ષના પડાવ પર મુકામ કર્યો છે.. આ મુકામ પર પહેલ વહેલું તો એક સમગ્રદાયી નજર ફેરવવા માટે Best songs of 1943: And the winners are?   પ્રવેશ દ્વાર ઉઘાડે છે.

આપણી નજર સૌ પ્રથમ તો પર જ પડે :

પરંતુ આટલું પરિચિત છે તે સિવાય ૧૯૪૩નાં ગીતોમાંથી બીજું કેટલું જાણીતું કે ઓછુ જાણીતું કે સાવ અજાણ નીકળશે તે બાબત તો હવે પછીની ચર્ચાની એરણે જ ખબર પડે.

આગળ વધતાં પહેલાં સોંગ્સ ઑફ યોરનાં વિહંગાવલોકન પર સરસરી દૃષ્ટિ કરવી જોઈએ

૧૯૪૩ નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks)  

નૌશાદે સંગીતબધ્ધ કરેલ ત્રણેય ફિલ્મો - નમસ્તે, સંજોગ, અને સ્ટેશન માસ્તર-એ રજત જયંતિ ઉજવી.

ભલભલાં મોટાંમાથાંઓ મુંબઈ તરફ હંકારી ગયા બાદ પણ ન્યુ થિયેટર્સે પંકજ મલિકનાં સંગીતમાં 'કાશીનાથ' અને આર સી બોરાલનાં સંગીતમાં 'વાપસ' ૧૯૪૩ દરમ્યાન રજુ કરી. 

પદાર્પણ, કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Debut, Fact file and Trivia)

વી શાંતારામે પોતાનું સ્વતંત્ર નિર્માણ ગૃગ 'રાજકમલ મંદિર' સ્થાપ્યું અને વસંત દેસાઈનાં સંગીતમાં પહેલવહેલી ફિલ્મ 'શકુંતલા' રજૂ કરી.

મહેબૂબ ખાને પણ પોતાનાં નિર્માણ ગૃહની સ્થાપના કરી અને રફીક઼ ગઝનવીનાં સંગીતમાં 'નજમા' રજુ કરી.

સુરૈયાએ અભિનેત્રી તરીકે 'ઈશારા' અને 'હમારી બાત'થી ખાતું ખોલ્યું.

શ્યામ સુંદરે 'નઈ કહાની'થી સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું.

આ સિવાય અન્ય કેટલાક સંગીતકારોએ પણ કારકિર્દીનાં મડાણ કર્યાં:

અવિનાશ વ્યાસ અને એ આર ક઼ુરેશી - મહાસતી અનસૂયા

ખુર્શીદ અન્વર - ઈશારા

ફિરોઝ નિઝામી = વિશ્વાસ

ગુલામ મોહમ્મદ - મેરે ખ્વાબ

કેટલાક ગીતકારોની કારકિર્દીના શુભારંભ થયા:

ભરત વ્યાસ - દુહાઈ

નરેન્દ્ર શર્મા - હમારી બાત

સરસ્વતી કુમાર દીપક - ઝબાન

શ્યામકુમાર. 'નમસ્તે'માં તેમનું પહેલવહેલું ગીત - દિલકા ગુડા ઉડા - ગાયું છે.

બેલા કુમારી (પછીથી હેમંત કુમારનાં પત્ની) એ 'કાશીનાથ'માં પહેલવહેલું હિગી ફિલ્મ ગીત ગાયું.

કે એલ સાયગલની બોલીવુડની સૌ પ્રથમ ફિલ્મ 'તાનસેન' હતી.

ત્રણ વર્ષ અને આઠ મહિના સુધી કલકત્તાનાં રોક્ષી થિયેટરમાં સલંગ ચાલવાનો વિક્રમ 'કિસ્મત'ને ફાળે રહ્યો.

`'કાશીનાથ' નિતીન બોઝ દ્વારા ન્યુ થિયેટર્સ માટે દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ બની અને 'હમારી બાત બોમ્બે થિયેટર્સ માટે અભિનિત દેવિકારાનીની છેલ્લી ફિલ્મ બની રહી.

'તક઼દીર'માં નરગીસે પર્દા પર બેબી ફાતીમા તરીકે દેખા દીધી.

'રામરાજ્ય' ગાંધીજીએ જોયેલી એક માત્ર ફિલ્મનું માન મેળવે છે.

'દુનિયા દિવાની' માટે કે સુંદરામાએ ગાયેલ 'એક બેવફાસે પ્યાર કિયા' પછીથી આવારા (૧૯૫૧) નાં ગીતના મુખડાના બોલ બન્યા.

'પનઘટ'માં બે રાજકુમારીઓએ ગીત ગાયા - એક તો હતાં જાણીતાં ગાયિકા રાજકુમારી દુબે અને બીજાં એક જ વાર ગીત ગાતાં રાજકુમારી શુક્લ.

આટલું જ જોતાં એમ જણાય છે કે ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતોના જાણીતા, અલ્પપરિચિત કે અજાણ ટંકારવના રણકારના સુર અનોખી ભાત પ્રસરાવાશે.

એ ભાતમાં વધારે રંગ પુરાય છે એ હકીકતથી કે ૧૯૪૩માં કુલ ૧૦૫ ફિલ્મો રજુ થઈ જેમાંથી ૩ ફિલ્મોની વિગતો પ્રાપ્ય નથી.  આમ, ૧૦૨ ફિલ્મોમાં ૯૫૯ ગીતો એવાં છે જેનાં શીર્ષક ઓળખી શકાયાં છે. આટલાં ગીતોમાંથી ૪૧૨ ગીતોનાં જ ગાયકોની પાકી ઓળખ શક્ય બની નથી. આમ ઓળખી શકાયેલ ૫૪૨ ગીતોમાંથી ૧૧૯ પુરુષ સૉલો ગીતો છે, ૨૫૬ સ્ત્રી સૉલો ગીતો અને ૧૭૨ યુગલ ગીતો છે. ૧૯૪૩નાં ગીતોને ચર્ચાની એરણે લઈશું ત્યારે જાણી શકાશે કે તેમાંથી કેટલાં ગીતો યુટ્યુબ પર પ્રાપ્ત છે કે ઑડીઓ ડિજિટલ લિંક મળી શકે છે.

યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs)

·        ઉપર જણાવેલ ૫૪૨ ગીતોમાંથી ૯૮ ગીતોને ૧૯૪ નાં યાદગાર ગીતો - Memorable Songs of 1943ની યાદીમાં આવરી લેવાયાં છે. આ ગીતોને યુટ્યુબ લિંક સાથે આ ગીતો સાંભળી શકાય તે રીતે Memorable Songs of 1943માં નોંધેલ છે.

૧૯૪ નાં ખાસ ગીતો

૧૯૪૩નાં  ખાસ ગીતોની એક ખાસીયત એ છે કે જે જે સંગીતકારો કે ગીતકારોએ એ ગીતો ગાયાં છે તે સાંભળ્યા પછી એમ સવાલ થાય કે આ લોકોએ પછીથી ગાવાનું કયાં કારણથી બંધ કરી દીધું હશે.

હિંદી ફિલ્મ ગીત કોષના દસ્તાવેજીકરણ અનુસાર જે ગીતોનાં ગાયકો નથી નક્કી થઈ શક્યા એવાં કોઈ ગીતો યુટ્યુબ પર સાંભળવા મળશે કે કેમ તે પણ એક રસપ્રદ ઉત્કંઠાનો વિષય છે, જો આ પ્રકારનાં ગીતો મળશે તો ચર્ચાની એરણે તેમની અલગથી નોંધ લઈશું.

૧૯૪૩ નાં ગીતોની ચર્ચાની એરણે મળેલી વિગતો 

મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો

મને સૌથી વધારે ગમેલાં સ્રી સૉલો ગીતો

મને સૌથી વધારે ગમેલાં યુગલ ગીત, અને

મને સૌથી વધારે ગમેલ સંગીતકાર

                 ના આયામોના પરિપ્રેક્ષ્યનાં તારણોમાં રજૂ કરીશું..

તો આવો, સાથે મળીને ૧૯૪૩ નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ....

Sunday, May 1, 2022

મન્ના ડે - ૧૦૩મી જન્મજયંતિએ, યાદોના રસથાળમાંથી, ગૈર-ફિલ્મી ગીતોનાં વીણેલાં મોતી : સજની...નથલી સે ટૂટા મોતી રે….

 

હિંદી ફિલ્મ સંગીતના '૫૦ના દાયકાનાં આકાશમાં નીખરી ઊઠેલા પાર્શ્વગાયક સિતારાઓમાં મન્ના ડે, તેમની ગાયકી આગવી શૈલી અને  બહુમુખી પ્રતિભાને કારણે આગવું સ્થાન ધરાવતા હતા. બંગાળી ગાયકોની સહજ મૃદુતાની સાથે ઉત્તર ભારતની ગાયકીની શૈલીની બુલંદીનું અનોખું મિશ્રણ તેમની પોતીકી વિશિષ્ટતા હતી. ઊંચેથી નીચે આવતા કે નીચેથી ઉપર જતા સુરમાં બોલના ભાવોનાં હૃદયસ્પર્શી સ્પંદનો પણ જરા સરખાં કંપન વિના જ સાંભળવા મળે.એટલેજ તેમના વિશે કહેવાતું કે તેમનો સ્વર સુરાવલીનાં સંગીતને કવિતાની લયમાં રજૂ કરે છે. તેમને કલાકારોના કલાકાર અને ગાયકોના ગાયક કહેવાતા તે જરા પણ અસ્થાને ન હતું. તેમની આ બધી વિશિષ્ટતાઓએ તેમને સન્માનનાં એટલાં ઊંચાં આસને પહોંચાડી દીધા કે, કદાચ, ફિલ્મજગતમાં તેમના વિશે ગ્રંથિ બંધાઈ ગઈ કે મન્ના ડેનાં ગીતો 'લોક જીભે નહી ચડે'.  

જોકે, મન્ના ડેની ગાયકી વિશે આવા બધા બાહ્ય પ્રતિભાવો મારાં મન પર અસર કરે તે પહેલાં  જ મને તેમના સ્વર સાથે અનોખો લગાવ થઈ ગયો હતો. વાત છે વર્ષ ૧૯૬૬ થી ૧૯૬૭ સુધીનાં વર્ષોની જ્યારે હું એન્જિનિયરિંગના મારા કૉલેજ કાળના અભ્યાસનાં બીજાં અને ત્રીજાં વર્ષમાં હતો. એ સમયે ફિલ્મોનાં ગીતો સાંભળીને માણવાની બાબતમાં મારં મન હજુ સાવ કોરી પાટી જેવું હતું. અમારી મિત્રમંડળીમાંના એક મિત્રનો મોટો ભાઈ આઈ આઈ એમ, અમદાવાદમાંથી એ જ વર્ષમાં અનુસ્નાતક થઈને અમદાવાદની એક પ્રતિષ્ઠિત ટેક્ષટાઈલ મિલમાં જોડાયો હતો. એને પણ ફિલ્મોનાં ગીતોનો ખાસ્સો શોખ હતો, એટલે તે ગીતોની રેકોર્ડ્સ ખરીદતો. અમે બધા જ આ બાબતે હતા તો સાવ નવા નિશાળિયા, પણ એના નાના ભાઈના અમે ખાસ મિત્રો હતા એટલે અમને એ રેકોર્ડ્સ સાંભળવાની ખાસ મંજુરી મળેલી. એ સમયે સાંભળેલાં ગીતોને કારણે સુરૈયા, શમશાદ બેગમ, ગીતા દત્ત જેવાં પાર્શ્વગાયિકાઓના સ્વરો સાથે મારો પરિચય કેળવાયો હતો. અમે જે રેકોર્ડ્સ સાંભળતા એમાં મન્ના ડે, હેમંત કુમાર, તલત મહમૂદ જેવા ગાયકોનાં ગૈર-ફિલ્મી ગીતો પણ સાંભળવા મળતાં ગૈર-ફિલ્મી ગીતો સાંભળવા માટે મારી કર્ણેન્દ્રિયની કેળવણી એ દિવસોમાં થઈ.

તેમાં પણ મને મન્ના ડેનાં અમુક ગૈર -ફિલ્મી ગીતોએ તો જાણે સંમોહન જ કરેલું. અમે જ્યારે જ્યારે અમારા એ મિત્રને ઘરે રેકોર્ડ્સ સાંભળવા જઈએ ત્યારે મન્ના ડેનાં એ ગૈર-ફિલ્મી ગીતોની ૪૫-આરપીએમની  રેકોર્ડ્સ તો મારે જરૂર સાંભળવી જ હોય. સ્વાભાવિક જ છે કે જ્યારે મેં મારી નોકરીની આવકમાંથી રેકોર્ડ્સ ખરીદવાનું શરૂ કર્યું ત્યારે મારા એ શોખની પાછળ પણ આ અનુભવની જ છૂપી અસર હતી અને રેકોર્ડ્સની મારી શરૂઆતની ખરીદીઓમાં એ રેકોર્ડ્સ  તો હતી જ.

મને અત્યંત ગમેલાં મન્ના ડેનાં એ ત્રણ ગૈર ફિલ્મી ગીતો હતાં -   

સજની...નથલી સે ટૂટા મોતી રે…. કજરારી અખિયાં રહ ગયી રોતી રે …..- ગીતકાર: મધુકર રાજસ્થાની – સંગીત: મન્ના ડે

કૉલેજ કાળની એ વયે 'સજની….'થી થતો ઉપાડ અમને સંમોહી ન ગયો હોત તો અમારે આગળ જતાં જરૂર અમારી અસંવેદનશીલતા માટે કોઈ મનોચિકિસ્તકની સારવાર લેવી પડત !


યે આવારા રાતેં યે ખોયી ખોયી સી બાતેં, યે ઉલ્જ઼ાસા મૌસમ યે નઝારોંકી ઘાતેં….કહાં આ ગયે હમ, કહાં જા રહે થે – ગીતકાર: મધુકર રાજસ્થાની – સંગીત: વી બલસારા

'સજની...'  એ ગીત સાંભળ્યા પછી બીજાં ગીત તરીકે જેવું આ ગીત સાંભળવાનું એ દિવસોમાં શરૂ થતું, એટલે અનાયાસ જ મારો હાથ રેકર્ડનાં કવરને ઉપાડી લેતો અને હું છૂપી નજરે ચકાસી લેતો કે આ બન્ને ગીતોનો ગાયક એક જ વ્યક્તિ  છે ને !

મન્ના ડેના સ્વરની વિશાળ રેન્જ અને ગાયકી બહુમુખી પ્રતિભા જેવી બાબતો બહુ પછીથી સમજાઈ હતી….

નઝારોંમેં હો તુમ, ખયાલોમેં હો તુમ, જીગર મેં તુમ જહાંમેં તુમ હી તુમ – ગીતકાર: ચંદ્રશેખર પાંડે સંગીત:  વી બલસારા

મેં પોતે જ્યારે આ રેકોર્ડ ખરીદી લીધી તે પછી આ ગીત સાંભળવા માટેનો મારો સૌથી વધારે પસંદગીનો સમય રાત્રે સુવા જવા  પહેલાંનો હતો. રેકોર્ડને રેકોર્ડ પ્લેયર પર મુકીને હું રૂમની લાઈટ બંધ કરીને આ ગીત સાંભળતો રહેતો…

આમ કોઈ પણ ગીતની ખુબીઓને કેમ માણવી તેની મારી તાલીમ એ સમયે થઈ….!


એ પછીથી મેં ખરીદેલી રેકોર્ડ્સ કે કેસેટ્સ કે સીડી પર અનેક વાર સાંભળેલાં મન્ના ડેનાં ગૈર ફિલ્મી ગીતોને યાદ કરીને મેં આજના લેખને પુરેપુરો ન્યાય કર્યાનો સંતોષ મેળવી શકત. પરંતુ નિયતિને એ કદાચ મંજુર નહોતું. હું આવો લેખ કરવાનું વિચારી રહ્યો છું એવી વાત જ્યારે મારે મારા પુત્ર, તાદાત્મ્ય, સાથે થઈ તેના થોડા જ દિવસો પછી તેણે મને  આર્કાઈસમાન મોઝુમદાર -Archisman Mozumder -ની યુટ્યુબ ચેનલની લિંક  મોકલી અને ત્યાં મુકાયેલાં મન્ના ડેનાં ગૈર ફિલ્મી ગીતો મારે જરૂરથી સાંભળવાં એવી આગ્રહભરી ભલામણ કરી. પછીના આઠ-દસ દિવસોમાં મેં એ ચેનલ પરથી મન્નાડેનાં દસ પંદર હિંદી ગૈર-ફિલ્મી ગીતો સાંભળ્યાં, અને હું ફરી એક વાર હું મન્ના દેના સ્વર અને તેમનાં ગૈર-ફિલ્મી ગીતોના જાદુથી મંત્રમુગ્ધ બની ગયો.

એ પછીથી તો મન્ના ડેનાં ન સાંભળેલાં હિંદી ગૈર-ફિલ્મી ગીતોને સાંભળવા માટે મેં યુ ટ્યુબને ધમરોળી નાખ્યું. એ મંથનના પરિપાક રૂપે મને ચાલીસેક ગીતો તો મળી જ આવ્યાં, અને મારી શોધ હજુ પણ ચાલુ જ છે. ( મન્ના ડેનાં અનેક ગીતો સાંભળ્યાં હોવાનો મનમાં દાવો કરનાર મારા માટે આ વાત મારાં અલ્પજ્ઞાનની આંખ ખોલી નાખનારી હતી!)

આજે અહીં એ 'નવાં' સાંભળેલાં ગીતોમાંથી કોઈ જ ચોક્કસ ક્રમ વિના પસંદ કરેલાં મન્ના ડેનાં હિંદી ગૈર-ફિલ્મ ગીતો રજૂ કરેલ છે. તેમના સ્વરની રેન્જ અને ગીતોના વિષયનું વૈવિધ્ય જળવાય એ આશયથી જુદા જુદા ગીતકાર દ્વારા રચાયેલી રચનાઓને અહીં સ્થાન આપ્યું છે. તે ઉપરાંત, અહીં માત્ર ગીત અને ગ઼ઝલ પ્રકારને જ આવરી લીધેલ છે.

તુમ જાનો તુમકો ગૈર સે જો રસ્મ-ઓ-રાહ હો, મુજ઼કો ભી પુછતે રહો તો ક્યા ગુનાહ હો – ગીતકાર: મિર્ઝા ગ઼ાલિબ – સંગીત: મન્ના ડે

નીચા સુરમાં મુખડાનો ઉપાડ કર્યા પછી મન્ના ડે અંતરામાં કેટલી સરળતાથી, બોલના ભાવને  અનુસરીને, ઊંચા સુરમાં વહી જાય છે. ગીતના બોલ અને સુરાવલિનો સ્વર સાથે આ સંગમ થતો આપણે આજના લેખમાં અનેક વાર સાંભળીશુ - ફિલ્મનાં જે પ્રકારનાં ગીતો તેમને ભાગે ગાવાનાં આવતાં હતાં તેમાં તેમની સર્જનશીલતાને જોઈતી મોકળાશ નહીં મળતી હોય જે ગૈર-ફિલ્મી ગીતોમાં સહજ છે, એટલે એમાંનાં ઘણાં ગીતો તો  ખુદ મન્ના ડેએ જ સ્વરબદ્ધ કર્યાં છે.

તુમ મેરે દિલ મેરી ચાહત પર ભરોસા કર લો, યે હક઼ીકત પે ભરોસા કર લો – ગીતકાર: કાફીલ અઝર – સંગીત: મુરલી મનોહર સ્વરૂપ 

મેરે દિલ, મેરી ચાહત, યે હક઼ીકત કે અંતરાની પહેલી પંક્તિ પર જે રીતે ભાર મુકયો છે તે આપણને ગીતના ભાવમાં ખેંચી જાય  છે.


તુમ્હારી જફાયેં હમારી વફાયેં બરાબર કી ચોટેં બરાબરકી સદાયેં – ગીતકાર: બીના નાઝ – સંગીત: મુરલી મનોહર સ્વરૂપ

ગૈર- ફિલ્મી ગીતો સાંભળવાનો એમ મોટો ફાયદો એ છે કે સામાન્ય રીતે ઓછા જાણીતા ગીતકારો અને સંગીતકારોની કાર્યશૈલીઓ અને રચનાઓથી આપણો પરિચય થાય છે.

તદુપરાંત મન્ના ડેની ભાવની રજૂઆતની વિવિધ અદાયગીઓથી પણ અવગત થવાય છે, જેમકે પ્રસ્તુત ગીતમાં મન્ના ડે જે સંવેદનાથી પ્રિયતમા તરફથી મળી રહેલ અવગણનાને સંકોરે છે તે આપણને દિલ સુધી સ્પર્શી જાય છે.


ઓ યાદ ફિર આયી દર્દ સંગ લાયી,વો ન આયે જાન જાયે હાયે કૈસી યે વફા – ગીતકાર: ચંદ્રશેખર પાંડે  - સંગીત: વી બલસારા

વી બલસારાની સંગીત રચનાનું જોશ મને ચંદ્રશેખર પાંડેનું આ બીજું ગીત પસંદ કરાવા પ્રેરે છે કે ગીતના બોલનો ભાવ ખેંચે કે મન્ના ડેના સ્વરની ભીનાશ ભીંજવે છે તે નક્કી કરવું મુશ્કેલ બની રહે છે....

ગીત સાંભળતાં સાંભળતાં એમ પણ વિચાર આવે છે કે જે સંગીતકાર આપણને આટલી મોહકતાથી પોતાની રચનામાં જકડી રાખી શકે છે તેને પણ ફિલ્મી ગીતોમાં કેટલી બધી સંકડામણ અનુભવાતી હશે કે તેમની આવી રચનાઓ ત્યાં જલદીથી સાંભળવા નથી મળતી!


રૂક જા કે સુબહ તક ન હો યે રાત આખરી …. શાયદ ઝિંદગીકે લમ્હાત આખરી .. – ગીતકાર: ઈરફાન વારસી – સંગીત: યુનુસ મલિક

ગ઼ઝલ જેમ જેમ ઉઘડતી જાય છે તેમ તેમ આપણે પણ મહેફિલનાં ઘુંટાતાં જતાં વાતાવરણમાં ઊંડાં ઉતરતાં જઈએ છીએ.


શામ હો જામ હો સુબુ ભી હો, ખુદ કો પાનેકી જૂસ્તજુ ભી હો – ગીતકાર: ઝમીર કાઝ્મી – સંગીત: યુનુસ મલિક 

શામ કે જામ વિના જ, આગળની રચનાનાં મહેફિલનાં વાતાવરણના ભાવને હજુ વધારે ઘુંટવાનું કામ આ રચના કરે છે અને આપણને પણ આપણાં ભાવવિશ્વમાં ડૂબકી મારી લેવાની ઈચ્છા થઈ આવે છે !


ચંદ્રમાકી ચાંદની સે ભી નરમ ઔર રવિકે ભાલ સે ભી ગરમ, હૈ નહીં કુછ ઔર યે પ્યાર હૈ - ગીતકાર રામનાથ અવસ્થી - સંગીત સતિશ બુટાની

પોતાના પ્રેમની કલ્પનાઓમાં ખોવાયેલો મન્ના ડેનો સ્વર આપણને એ કલ્પનાવિશ્વમાં ખેંચી જાય છે  અને જે ભાવ અને ભારથી તેઓ 'વોહ નહીં ઔર કેવલ પ્યાર હૈ' કહે છે તે તો આપણને એ જગતમાં જ તેમની સાથે જ વસવાટ કરતાં કરી મૂકે છે….


દો પંછી બેચૈન નયનકે દો પંછી બેચૈન ….. ખો બૈઠે હૈ ચૈન નયનકે …. - ગીતકાર લક્ષ્મણ શાહબાદી - સંગીત શ્યામ સાગર

કોઈની રાહ જોતાં નયન એ ઈંતજ઼ારમાં એવાં લીન બની જાય છે કે ગાયકને જાણે સમાધિમાં જ ઉતારી દે! કમસે કમ મન્ના ડે તો આ ગીત ગાતી વખતે એવી કોઈ સમાધિમાં જરૂર ઉતરી ગયા હશે એવું ગીતના ભાવ સાથેનાં તેમનાં એકરૂપત્વથી કલ્પી શકાય છે!

અપલોડરે એવી ગણતરીથી કદાચ આ ફોટો ભલે ન મુક્યો હોય, પણ, યોગાનુયોગ આ ક્લિપ સાથે મન્ના ડેનો જે ફોટોગ્રાફ મુક્યો છે તે પણ આ જ ભાવ ઇંગિત કરે છે…


હમસે તો અચ્છી ફરિશ્તોંકી બસર ક્યા હોગી … ગમકી રૌનક ઇધર હૈ ઉધર ક્યા હોગી - ગીતકાર ગુલઝાર - સંગીત દીપક ચેટર્જી

પદ્યમાં લય, માત્રા, બોલની અંત્યાનુપ્રાસ સાહજિક ગોઠવણ જેવાં અંગોને ગુલઝાર જ્યાં સુધી પ્રાધાન્ય આપતા હતા એ સમયની તેમની આ રચના  છે! ગીતના ભાવને મન્ના ડે પણ કેટલા વિચારમગ્ન થઈને રજુ કરે છે !


નાચ રે મયુરા.. - ગીતકાર નરેન્દ્ર શર્મા - સંગીત અનિલ બિશ્વાસ

બહાર ઝરમર વરસતા વરસાદની સંગીત વડે અદ્દ્લોદલ અનુભૂતિ તો અનિલ બિશ્વાસ જ કરાવી શકે…!અને સાવ સરળ જણાતી આ કઠિન રચનાને આટલી સહજતાથી મન્ના ડે જ રજુ કરી શકે …...


સુનસાન જમુનાકા કિનારા,પ્યારકા અંતિમ સહારા, ચાંદનીકા કફન ઓઢા સો રહા કિસ્મતકા મારા, કિસસે પૂછું મૈં ભલા અબ દેખા કહીં મુમતાઝ કો……. મેરી ભી એક મુમતાઝ થી - ગીતકાર મધુકર રાજસ્થાની - સંગીત મન્ના ડે

આજના લેખના સૌ પ્રથમ ગીતમાં આ ગીતકાર, સંગીતકાર અને ગાયક આપણને વિચારતા કરી મુકતાં હતા, તેમ જ પ્રસ્તુત ગીત દ્વારા તેઓ આપણને વિરહની વેદનામાં દુઃખમાં  એટલાં ગરકાવ કરી દે છે કે, હવે પછી આજનો લેખ લંબાવાવો એ બહુ જ અયોગ્ય ગણાય.



નોંધ :

૧. ગીતના ગીતકાર અને સંગીતકાર નક્કી કરવા માટે મેં ગાના.કોમ પરની માહિતીને આધારભુત ગણેલ છે.

૨. ગીતોની વિડીઓ ક્લિપ યુટ્યુબ ઉપરથી સાભાર. કોઈ જ સામગ્રીનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેની બાહેંધરી સહિત અહીં ઉપયોગ કર્યો છે.