Showing posts with label Remembering Ghulam Mohammed. Show all posts
Showing posts with label Remembering Ghulam Mohammed. Show all posts

Sunday, March 13, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૨૨

 

ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૦-૧૯૫૨

ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩ – અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮)ની ૧૯૪૩થી ૧૯૪૯ની સંગીત રચનાઓએ તેમને એક આગવા તાલવાદક તરીકે પ્રસ્થાપિત કરવાની સાથે તેમની પ્રતિભાની સુરાવલીનાં માધુર્યને પણ એટલી કર્ણપ્રિય સ્વરૂપે રજુ કરી શકવાની કળાની ઓળખ પ્રસ્થાપિત કરી આપી હતી.   એ વર્ષોમાં તેમણે પગડી  (૧૯૪૮) અને શાયર (૧૯૪૯) જેવી ફિલ્મોમાં આપેલ ગીતો લોકભોગ્ય પણ સાબિત  થઈ ચુક્યાં હતાં. એ સંજોગોમા, ૧૯૪૯માં નૌશાદના સહાયકની ભૂમિકાની છાયામાં આવી જવાનું ગ્રહણ તેમની 'સ્વતંત્ર' સંગીતકાર તરીકેની છાપને નડ્યું હોય તેવું માનવાને પ્રબળ કારણો રહે છે. તેમનો નૌશાદ સાથેનો એ સંબંધ ૧૯૫૨ ('આન') સુધી રહ્યો. જ્યારે તેમને પોતાને સ્વતંત્ર સંગીતકાર તરીકે સફળતા મળવાની શરૂ જ થઈ હતી તે અરસામાં નૌશાદના સહાયકની ભૂમિકાના સ્વીકારને ઘણા ઇતિહાસવિદો 'વેપાર સૂઝની કંઈક અંશે બાલિશતા' પણ કહે છે.

સ્વતંત્ર સંગીતકાર તરીકે ગુલામ મોહમ્મદને ૧૦૫૦માં ત્રણ, ૧૯૫૧માં બે અને ૧૯૫૨માં મળેલી ત્રણ ફિલ્મોને કારણે આ માન્યતાને બળ મળવાનું એક વધારાનું કારણ મળતું હતું, તો એની સામે (તથાકથિત) સફળ નીવડી ચુકેલા, 'પ્રથમ હરોળ'ના સંગીતકારોની, 'મોટાં માથાં સમાં નિર્માણ ગૃહો માટેની ફિલ્મોની સફળતાની હરિફાઇની પશ્ચાદ ભૂમિકાને પણ અવગણી ન શકાય. એ સમયનું ચિત્ર કંઈક આવું હતું - ૧૯૫૦માં નૌશાદની 'દાસ્તાન' અને 'બાબુલ', સી રામચંદ્રની 'સરગમ', અનિલ બિશ્વાસની 'આરઝૂ', ૧૯૫૧માં નૌશાદની 'દીદાર', એસ ડી બર્મનની 'બહાર' અને બાઝી', સી રામચંદ્રની 'અલબેલા', અનિલ બિશ્વાસની 'તરાના', શંકર જયકિશનની 'આવારા' અને ૧૯પ૨માં નૌશાદની 'આન' અને 'બૈજુ બાવરા', એસ ડી બર્મનની 'જાલ', અને શંકર જયકિશનની 'દાગ'ની હરિફાઈનાં પરિબળની સામે ગુલામ મોહમ્મદે 'આન' પછી પુરેપુરા સ્વતંત્ર બનવાનો નિર્ણય લીધો તેને હિંમત કહેવી, કે વ્યાવહારિક થાપ ગણવી એ ચર્ચાનો અંત જ નહીં આવે.

જોકે ગુલામ મોહમ્મદની પ્રતિભાને ઉચિત ન્યાય મળે એ દૄષ્ટિએ આપણે વાતની પણ અહીં નોંધ લેવી જોઇએ કે એ  જ સમયમાં બીજા પણ અન્ય એટલા જ પ્રતિભાવાન સંગીતકારો હતા જેઓએ પણ ઉત્કૃષ્ટ સંગીતરચનાઓ સર્જી હતી, પણ 'સફળતા'ની દેવી તેમના ઉપર પણ હજુ પ્રસન્ન નહોતી થઈ. આ સંગીતકારોમાં બુલો સી રાની ('જોગન', ૧૯૫૦); રોશન ('હમલોગ', ૧૯૫૦ અને 'અનહોની' ૧૯૫૨), હેમંત કુમાર ('આનંદ મઠ', ૧૯૫૧) અને મદન મોહન ('આશિઆના', ૧૯૫૨) જેવાં નામો પણ છે.

ખેર, આપણી આ લેખમાળાનો મુખ્ય હેતુ ગુલામ મોહમ્મદની સફળતાનું મૂલ્યાંકન કરવાનો નથી, પરંતુ તેમનાં અવસાનના મહિનામાં તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે સંગીતબધ્ધ કરેલી ૩૭ ફિલ્મોની વિસારે પડતી ગીતરચનાઓની યાદ તાજી કરવાનો છે, જે માટે આપણે તેમણે જે અલગ અલગ પાર્શ્વગાયકોની સાથે ગીતો રચ્યાં તે સાંભળીએ છીએ.

આમ કરવા માટે, આપણે તેમની કેટલીક લોકપ્રિય થયેલ રચનાઓનો ઉલ્લેખ હાલ પુરતો ટાળી ને ખાસ  એવાં ગીતો પર પસંદગી ઉતારી છે જે પ્રમાણમાં ઓછાં સાંભળવા મળે છે, પણ ગુલામ મોહમ્મદની સંગીત પ્રતિભાનું પુરૂં ચિત્ર રજૂ કરી રહે છે.

આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં ગુલામ મોહમ્મદ દ્વારા કેટલાંક ગાયકો સાથેનાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

થોડી પુનરોક્તિના દોષ સાથે , આટલાં પ્રાક્કથન સાથે હવે આપણે ગુલામ મોહમ્મદે અલગ અલગ ગાયકો સાથે રચેલાં ૧૯૫૦થી ૧૯૫૨નાં કૅટલાંક ગીતો યાદ કરીશું.

રાજકુમારી,મુકેશ - મૈને સપના જો દેખા હૈ રાત …. ભલો જો કોઈ પુછે  …. તો મૈં ક્યા બોલું  - હંસતે આંસુ (૧૯૫૦ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ગીતરચના છે તો ભારોભાર વિન્ટેજ એરાની શૈલીની રચના પણ તેથી પહેલ વહેલા પ્રેમના રસે રંગાયેલી પ્રેમિકાની લાગણીઓને વાચા આપવામાં ગુલામ મોહમ્મદને કોઈ જ અડચણ નથી અનુભવાઈ. મજરૂહ સુલ્તાનપુરીએ પણ ભાવને બહુ જ સરળ બોલમાં જીવંત કરી લીધેલ છે.

તેઓ મુખડા અને અંતરાને બે અલગ રીતે સજાવવામાં બે ધુનો વપરાઈ જશે એવો લોભ નહોતા કરતા એવી ગુલામ મોહમ્મદની રચનાઓની એક ખાસ લાક્ષણિકતાની આ ગીત દ્વારા નોંધ લઈએ -.


શમશાદ બેગમ, હમીદા બાનુ, રાજા ગુલ  - ઓ જાનેવાલે ઠહેર જરા …. દિલ દે જા યા લે જા રાજા, ઉલ્ફતકા યે બાઝાર હૈ - હંસતે આંસુ (૧૯૫૦) – ગીતકાર: શેવાન રિઝ્વી

પૂર્વાલાપમાં હાર્મોનિયમના એક નાના-સા ટુકડાથી પણ આપણને અંદાજ આવી જાય કે આ તો શેરી નૃત્ય ગીત છે, જે મુખડાના ઉપાડથી નક્કી પણ થઈ જાય. પરંતુ તે પછી ગુલામ મોહમ્મદની સર્જનાત્મકતા બહુ જ અનોખી વાદ્યસજ્જાને કામે લગાડીને ગીતને અલગ જ સ્વરૂપે રજુ કરે છે.

શમશાદ બેગમ - હમ દિલ હી અપના હાર ગયે - માંગ (૧૯૫૦) – ગીતકાર: હુસૈની

ભલભલાં ગીતો શોધીને પણ યુ ટ્યુબ પર અપલોડ કરનાર સમર્થ ચાહકો પણ આ ગીત યુ ટ્યુબ પણ નથી મુકી શકયા એ એક રીતે તો ગુલામ મોહમ્મદનાં નસીબની વાંકી ચાલ જ કહી શકાય.

ખેર, મહત્ત્વની વાત એ છે કે લગભગ સરખા ભાવનાં અલગ અલગ ગીતોને ગુલામ મોહમમ્દ કેટલી અલગ જ રીતે સંગીતબધ્ધ કરી શકે છે તે આ ગીતને આ પહેલાંનાં ગીત, મૈને સપના જો દેખા હૈ રાત, સાથેની સરખામણીથી જ ધ્યાન પર આવી જાય છે.

આ ગીત ઓડીયો લિંક Hum Dil Hi Apna Haar Gaye.mp3 પર ક્લિક કરવાથી સાંભળી શકાય છે.

ઉમા દેવી, લતા મંગેશકર - ન જાને આજ ક્યોં ઘબરા રહી હો - માંગ (૧૯૫૦) – ગીતકાર: પ્રકાશ 

વિન્ટેજ એરાનાં આથમતાં ઉમા દેવી અને સુવર્ણ યુગનાં ઉગતાં લતા મંગેશકરને કેટલી સહજતાથી ગુલામ મોહમ્મદે આ યુગલ ગીતમાં સાથે લાવી મુક્યાં છે !

(રાજકુમારી), ગીતા દત્ત, હમીદા બાનુ - આયા અચાનક ઐસા ઝોંકા હિંદકા ઝગમગ દીપ બુઝા - માંગ (૧૯૫૦) – ગીતકાર: સઘીર ઉસ્માની

મહાત્મા ગાંધીનાં અવસાનની યાદનો અફસોસ વ્યક્ત કરતાં આ ગીતમાં પણ ગુલામ મોહમ્મદ અલગ અલગ પ્રકારની રજૂઆતનો પ્રયોગ બહુ જ અસરકારક રીતે કરે છે.

ગીતની શરૂઆત રાજકુમારીના સ્વરમાં છે.

મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - મૈં હું બડા નસીબોંવાલા …. હુઆ તેરા મેરા પ્યાર ફટાફટ - પરદેસ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની

હળવા મિજાજનાં ગીતને ગુલામ મોહમ્મદ બહુ જ સ્વાભાવિકથી તો રજૂ કરી જ છે, પણ તેમાં પણ અમીરબઈ કર્ણાટકીના સ્વરને પ્રયોજવાની પ્રયોગશીલતાને બરકરાર રાખી છે. મુખડાના ઉપાડમાં રફીના સ્વરની ખુબીનો પણ કેવો અનોખો ઉપયોગ કરી લીધો છે !

લતા મંગેશકર - ક્યું અય દિલ-એ--દીવાના હૈ હોશ સે બેગાના - બીખરે મોતી  (૧૯૫૧) – ગીતકાર: અખ્તર ઉલ ઈમાન

અહીં લતા મંગેશકરના સ્વરને તેમના બહુ જ શરૂઆતના સમયના, વિન્ટેજ એરાની શૈલીને અનુરૂપ, અંદાજમાં રજૂ કરેલ છે તેથી એવું જણાય છે કે ગુલામ મોહમ્મદ પર વિન્ટેજ એરાનો પ્રભાવ હજુ પણ ચાલુ જ છે.

તલત મહમૂદ - ચાંદની રાતોમેં જિસ દમ યાદ આ જાતે હો તુમ - નાઝનીન (૧૯૫૧) -ગીતકાર: શકીલ બદાયુની

આજે ફરીથી એક વાર આ ગીત સાંભળતાં હવે મનમાં ઓછું આવ્યા કરે છે કે અત્યાર સુધી આ ગીત બહુ વાર કેમ સાંભળવા નહીં મળ્યું હોય !

આડવાત:

શ્રી અરૂણકુમાર દેશમુખ જણાવે છે કે બાળ કલાકાર તરીકે ફિલ્મ જગતમાં પહેલ વહેલું કામ અમજદ ખાને આ ફિલ્મમાં કરેલ.

શમશાદ બેગમ. જી એમ દુર્રાની, મોહમ્મદ રફી - દો દિનકી ઝિંદગી હૈ … એક બાર મુસ્કરા દો, પર્દેમેં તુમ હસીં કે ….દિલકી લગી છૂપા લો - અજીબ લડકી (૧૯૫૨) ગીતકાર: શકીલ બદાયુની

પહેલાં નીચા સુરમાં મુખડાના બોલ અને પહેલા અંતરાનો ઊંચા સુરમાં ઉપાડ અને તે પછી બીજા અંતરામાં એક જ પંક્તિની તોફાની અદામાં  એકદમ ઊંચે જઈને બોલની અભિવ્યક્તિ સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે પોતાની ગાયકીની મૌલિક શૈલી વડે આગવી ઓળખ ઊભી કરવામાં મોહમ્મદ રફીએ કેટલી મહેનત કરી હશે !

ઝોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ - દિલ કે શીશમહલ મેં આયે યે મતવાલે ચોર -અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

આ સ્ટેજ નૃત્યમાં નૃત્યાંગનાઓ બે અલગ અંતરાઓમાં જુદી જુદી સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ ધારણ કરે છે અને ગુલામ મોહમ્મદ એ સંસ્ક્રુતિની ઓળખને અનુરૂપ જ ધુનની બાંધણી પણ કરે છે. તે સાથે બહુવિધ સાઝ સાથેની વાદ્યસજ્જાનો પ્રયોગ તો કરે જ છે !

મોહમ્મદ રફી - ચુરાકર દિલ કો યું આખેં ચુરાના તુમને કિસસે શીખા હૈ  ….ચલે જાના તુમ બડે શૌખ સે હુઝૂર, મેરા દિલ મુઝે વાપસ કર દો - અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

હીરો જ્યારે હિરોઈનને મનાવવાની કોશિશ કરતો હોય એ માટે રચાયેલાં આ ગીતની ધુન અઘરી કહી શકાય તે કક્ષાની છે !

લતા મંગેશકર - ટુટેગી નહી યે પ્યારકી ડોર દુનિયા ચાહે લગા લે જ઼ોર - અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

હવે ગુલામ મોહમ્મદે લતા મંગેશકરને મુખ્ય ગાયિકાનું સ્થાન પણ આપ્યું છે અને ત્યાં સુધીમાં પ્રચલીત થઈ ચુકેલ , વિન્ટેજ એરાની શૈલીના ઓછાયાની બહાર આવી ગયેલી તેમની ગાયન શૈલી પણ અપનાવી લીધેલ છે. 

શમશાદ બેગમ, મોહમ્મદ રફી - રોતે હૈ નૈના ગમ કે મારે, દેખ રહૂ હું દિનમેં તારે - અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

આ ગીતને પશંદ કરવાનું કારણ માત્ર એટલું જ આગળનાં ગીતમાં લતા મંગેશકરને, એ સમયની સૌથી વધારે પ્રચલિત, નરગીસ-રાજ કપૂરની જોડીની ફિલ્મમાં,  મુખ્ય ગાયિકા તરીકેનું સ્થાન મળ્યાંની વાતનું, શમશાદ બેગમને અહીં 'અન્ય' અભિનેત્રીઓ માટે પસંદ કરાતાં, સમર્થન સાંપડતું જોઈ શકાય છે. ગીતનો ઉપાડ  ગંભીર ભાવમાં છે, પણ પછીથી રફીના પ્રવેશની સાથે ગીત આનંદના ભાવમાં પલટાઈ જાય છે તે રફીની પ્રસ્થાપિત થઈ રહેલી બહુમુખી પ્રતિભાને પ્રમાણિત કરવામાં મદદરૂપ બની રહે છે.

મુબારક બેગમ - જલ જલ્કે મરૂં ખુછ કહે ન શકું  - શીશા (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

ગુલામ મોહમ્મદ મુખડામાં મુબારક બેગમના ઉંચા સુરની સાથે બહુવિધ વાદ્યસજ્જા વાપરે છે, પણ પછી અંતરામાં વાદ્યોનો સાથ શાંતપણે રહે છે.

ગાયકીની ખુબીઓની દૃષ્ટિએ આ ગીત મુબારક બેગમનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન આપવું જોઈએ, પણ નવાઈની વાત છે કે તેમને આ કક્ષાનાં ગીતો આ પછી બહુ જ ઓછાં મળ્યાં. મેં પણ આ ગીતને ખાસ સાંભળ્યું નથી. કેટલી કમનસીબીની વાત છે કે ફિલ્મ સફળ ન થાય તો ગીતોની આવરદા પણ ટુંકાઈ જાય છે . 

લતા મંગેશકર - જવાની કે રાસ્તે પે આજ મેરા દિલ હૈ - શીશા (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

ખુબ જ રમતિયાળ પૂર્વાલાપ સાથે ગુલામ મોહમ્મદ ગીતના ભાવને અનુરૂપ વાતાવરણ ખડું કરી રહે છે  અને તે પછી લતા મંગેશકર પણ મનમાં ઉછળતા કુદતા ભાવોને બહુ જ સહજ સ્વરૂપે વ્યક્ત કરે છે.


ટેક્નોલોજિના વિકાસ અને યુ ટ્યુબ પર ગીતો અપલોડ કરનારાઓની પ્રતિબધ્ધતા અને સાધનસંપન્નતાને કારણે તે સમયે ભલે લાભ ન મળ્યો, પણ ગુલામ મોહમ્મદનાં આ ગીતોની આટલી મોહક યાદ આપણને આજે તાજી કરવા મળી છે, તેને પુરેપુરી મમળાવી શકાય એટલે વિવિધ ગાયકો સાથેના ગુલામ મોહમ્મદના અનોખા પ્રયોગોની સફરને અહીં વિશ્રામ આપીશું.

Sunday, March 14, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૨૧

 ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો - ૧૯૪૩-૧૯૪૯

ગુલામ મોહમ્મદ (૧૯૦૩ - ૧૭ માર્ચ ૧૯૬૮) બીકાનેર (રાજસ્થાન)નાં સંગીત કળાકારોનાં કુટુંબમાં જન્યા. તેમની શરૂની તાલીમ તેમના તબલાવાદક અને અને રંગમંચના કસબી, પિતા નબી બક્શ પાસે થઈ. જોકે ગુલામ મોહમ્મદની આખી કારકિર્દીમાં તેમને ઘટના બની ગયા પછી થોડો મોડેથી જ તેનો, મળવો જોઈએ તે કરતાં ઓછો, લાભ મળે એવી જ નિયતિ ગુલામ મોહમ્મદની કારકિર્દી માટે લખાઈ હશે. આવી ઘટનાઓને આગળ જતાં યાદ કરતાં રહેશું.

ગુલામ મોહમ્મદ માટે જે પણ કંઈ લખાયું છે તે દરેકમાં તેમની કોઈને કોઇ આગવી ખાસીયતની જ વાત હોય. પરંતુ તે સાથે એક અફસોસ પણ વ્યક્ત થયો જ હોય કે આટલા બધા પ્રતિભાવાન કલાકારના કમનસીબે તેને ભાગે આખરે તો 'અસફળ સહાયક સંગીત દિગ્દર્શકો'ની ક્લ્બનું જ સભ્યપદ જ આવ્યું ! ૪૦ વર્ષની કારકિર્દીમાં માત્ર ૩૭ ફિલ્મોમાં જ તેમણે સંગીત આપ્યું એટલી નોંધ લેવાથી તેમની સંગીત પ્રતિભાનો નહીં તો પરિચય મળે કે નહી તો થાય તેમને ન્યાય. એટલે જ, કોઈ પણ કલાકારની યાદને તાજી કરતી આપણી લેખમાળાઓની શ્રેણીમાં આપણે હવે દર માર્ચ મહિને ગુલામ મોહમ્મદનાં જાણીતાં અને (વધારે તો) ઓછાં જાણીતાં ગીતોને યાદ કરીશું

ગુલામ મોહમ્મદની યાદ તાજી કરતી આ લેખમાળાની શરૂઆત આપણે ગુલામ મોહમ્મદે જે અલગ અલગ ગાયકો પાસે ગીતો ગવડાવ્યાં તેનાં વિહંગાવલોકનથી કરીશું. તેમણે જે તે સમયે ગાયકોની પસંદગી કરી હશે તેમાં પોતાની પ્રતિભાની બહુમુખીતાને રજૂ કરવાની તેમની નેમની સાથે સાથે એ ફિલ્મોનાં નિર્માણ પરિબળોની પણ ભૂમિકા રહી હશે. ખેર, કારણ જે પણ હોય, દરેક ગાયક સાથેનાં તેમનાં ગીતોમાં તેમણે એ ગાયકની ખૂબીઓને સંવારવાની સાથે સાથે પોતાની નૈસર્ગિક સંગીતશૈલીને પણ પૂર્ણતઃ નીખરવા દીધી છે તેટલું નિશ્ચિતપણે જણાઇ રહે છે. હાલના આ પ્રારંભિક તબક્કે, આપણે ગુલામ મોહમ્મદનાં ઓછાં જાણીતાં ગીતોને પસંદ કરવાનો ઝોક રાખ્યો છે.

હમીદા બાનો - ઊડ જા રે ઊડ જા પંછી પી પી મત બોલ - મેરા ખ્વાબ (૧૯૪૩) - ગીતકાર: એમ ઈ અશ્ક઼

ગુલામ મોહમ્મદને સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલી તક ૧૯૪૨માં બનાવી શરૂ થયેલ સ્ટંટ ફિલ્મ, 'મેરા ખ્વાબ'માં મળી, જે પરદા પર ૧૯૪૩માં રજૂ થઈ. જોકે, ફિલ્મ સંગીતના કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે તેમની સૌ પહેલી ફિલ્મ તો ૧૯૩૭ની 'બાંકે સિપાહી' હતી. નસીબની કેવી બલિહારી છે કે એ ફિલ્મનું કોઈ ઠામ ઠેકાણું જ શોધ્યે મળે તેમ નથી. 

જોકે એટલું જરૂર નોંધવું જોઈએ કે આ એ સમય છે જ્યારે તેઓ રફીક઼ ગઝનવી, ઈર્શાદ અલી, અનિલ બિશ્વાસ જેવા સંગીતકારો પાસે વાદ્ય કલાકાર તરીકે કામ કરતા હતા. તેમાંથી સંગીત નિર્દેશક તરીકેના પદની બઢતી તેમને નૌશાદના સહાયક તરીકે કારદાર ફિલ્મની શારદા (૧૯૪૨)મા મળી. નૌશાદ અને તેમનો આ સંબંધ, ગુલામ મોહમ્મદે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું પછી, છેક આન (૧૯૫૨) સુધી ચાલુ રહ્યો. તે ઉપરાંત, ગુલામ મોહમ્મદની આખરી ફિલ્મ 'પાકીઝા'નું પણ અધુરૂં રહેલ  કામ નૌશાદે પુરૂં કરીને આ સંબંધને અંજલિ આપી હતી.

ઝોહરાબાઈ અંબાલેવાલી - તેરે બીના ઓ બાલમ કૈસે કટેગી મોરી રૈના બતા જા - મેરા ગીત (૧૯૪૬) – ગીતકાર: રમેશ ગુપ્તા

આ ફિલ્મનાં ૧૬ જેટલાં ગીતો માટે બાલ મુકુંદ, શંકર રાવ વ્યાસ, ગુલામ મિયાં અને રીજરામ એમ ચાર સંગીતકારોએ કામ કર્યું હતું. હિંદી ફિલ્મ ગીતકોષમાં અમુક જ ગીતો માટે સંગીતકારની ઓળખની નોંધ લેવાઈ છે. પ્રસ્તુત ગીત માટે હિંદી ફિલ્મ ગીત કોષ ગુલામ મિયાંનું નામ સંગીતકાર તરીકે નોંધે છે. જો કે સિનેમાઝી પર ખાત્રીપૂર્વક ગુલામ મિયાં ગુલામ મોહમ્મદ જ છે તેવું જોઈ શકાય છે.

ગીતમાં આપણે તાલ વાદ્ય તરીકે ઢોલકનો બહુ આગવો પ્રયોગ સાંભળી શકીએ છીએ.

જી એમ દુર્રાની - ખેલ નહીં… ખેલ નહીં ગીર ગીર કે સંભલના - ડોલી (૧૯૪૭) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હિંદી ફિલ્મોમાં ઘોડા / ઘોડાગાડીનાં ગીતોના પ્રકાર તરીકે ઓળખાતાં ગીતોમાંનું આ ગીત છે. ગીતની લય ઘોડાની ચાલ સાથે તાલ મેળવતી ઝડપી લય છે, પણ ગીત પોતે નીચા સુરમાં છે, જાણે કે ઘોડો ચલાવતાં ચલાવતાં ગાયક કંઈ ઊંડા વિચારમાં હોય.

મુકેશ, સમશાદ બેગમ - તેરે નાઝ ઉઠાનેકો જી ચાહતા હૈ - ગૃહસ્થી (૧૯૪૮) – ગીતકાર: શકીલ બદાયુની

અહીં ગુલામ મોહમ્મદ તાલ વાદ્ય તરીકે 'ડફ'નો પ્રયોગ કરે છે. ડફના પ્રયોગને પણ પ્રચલિત કરવાનું શ્રે ગુલામ મોહમ્મદને ફાળે છે.

જાણકાર બ્લૉગ મિત્રોનું કહેવું છે કે પરદા પર ગીત પ્રાણ અને શારદા પર ફિલ્માવાયું છે. શારદા '૭૦-'૮૦ના દાયકાના કલાકાર વિનોદ મહેરાનાં બહેન હતાં. 

મોહમ્મદ રફી - નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ - પરાઈ આગ (૧૯૪૮) – ગીતકાર: તન્વીર નક્વી 

ગીતની બાંધણી મૂળે 'કવ્વાલી'ની શૈલી પર છે, અંતરાનો ઉપાડ આલાપ શૈલીમાં છે, પણ તાલ વાદ્ય કવ્વાલી કરતાં 'સોફ્ટ' છે.

મુખડાના આ બોલને સાહિર-રોશને નવા અંદાજમાં 'દિલ હી તો હૈ'(૧૯૬૩)માં આશા ભોસલેના સ્વરમાં ગવાતી કવ્વાલીના સ્વરૂપે પેશ કરી, જે વધારે લોકચાહના મેળવતી રહી છે.

સુરૈયા - મોહે મેરા બચપના લા દે… જવાની ભાયે ના - કાજલ (૧૯૪૮) – ગીતકાર: ડી એન મધોક

વાદ્ય સજ્જામાં આપણને નૌશાદનાં ગીતોની છાંટ વરતાય !

સુરૈયાનાં ચાહકોને આ રમતિયાળ ગીત આજે પણ યાદ છે.

સિતારા કાનપુરી - દિલકી લગી જુબાં પર આયે તો ક્યા કરૂં - પગડી (૧૯૪૮) – ગીતકાર: શકીલ બદાયુની

પ્રેમના એકરારની મુગ્ધતાને વ્યકત કરતું ગીત શ્રોતાના કાનને પણ કેટલું મીઠું લાગે છે.

'પગડી'નાં ગીતો પણ એ સમયે સારાં એવાં પ્રચલિત થયાં હતા> ડોલી , પણ 'પગડી' ઓલ ઈન્દીયા પિકઅર્સ બેનરની બીજી ફિલ્મ હતી. આ પછી ગુલામ મોહમ્મદે આ બેનર હેઠળની સળંગ ફિલ્મો - પારસ (૧૯૪૯), પરદેસ (૧૯૫૦), નાઝનીન (૧૯૫૧), ગૌહર (૧૯૫૩), રેલ કા ડીબા (૧૯૫૩), લૈલા મજનુ (૧૯૫૩), હૂર-એ-અરબ (૧૯૫૫) અને સિતારા (૧૯૫૫) - માટે સંગીત આપ્યું. કદાચ આ એક જ નિર્માણ ગૃહ હતું જેમણે ગુલામ મોહમ્મદને આટલું સળંગ કામ આપ્યું.

શમશાદ બેગમ - મસ્તી ભરી બહારને મસ્તાના કર દિયા - પગડી (૯૧૪૮) ગીતકાર: શકીલ બદાયુની

ફુટતી યુવાનીવાળા શશીકલા માટે શમશાદ બેગમનો સ્વર પ્રયોજાયો છે.

ગીતા દત્ત - ન તુમ મેરે ન દિલ મેરા, અઝબ હૈ બેબસી મેરી - દિલ કી બસ્તી (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

આ ફિલ્મમાં ગુલામ મોહમ્મદે ગીતા દત્ત પાસે બીજાં બે સૉલો, બે સ્ત્રી-પુરુષ યુગલ ગીતો અને એક સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત પણ ગવડાવ્યાં છે.

તે સાથે બે, કરૂણ ભાવના, ગીતો લતા મંગેશકરના સ્વરમાં પણ છે.

લતા મંગેશકર, જી એમ દુર્રાની - દો બીછડે હુએ દિલ આપસમેં ગયે મિલ - શાયર (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

'શાયર'નાં ગીતો પણ ખાસ્સાં લોકપ્રિય રહ્યાં હતા, તે પણ એ સમયે જ્યારે એ જ વર્ષમાં અંદાઝ (નૌશાદ), બરસાત (શંકર જયકિશન) અને મહલ (ખેમચંદ પ્રકાશ) જેવી ફિલ્મો સ્પર્ધામાં હતી.

જી એમ દુર્રાનીના સ્વરનો મુખ્ય પુરુષ પાત્ર માટે ઉપયોગ પણ ધ્યાન ખેંચે છે.

ગીત એ સમયે ઘણું લોકપ્રિય રહ્યું હતું.

લેખની શરૂઆત કરી ત્યારે મુખ્ય આશય જુદી જુદી ફિલ્મોનાં ગીતો વડે ગુલામ મોહમ્મદે પ્રયોજેલા અલગ અલગ પાર્શ્વગાયકોનાં ગીતોને યાદ કરવાનો હતો. પરંતુ અહીં ફરી એક વાર એ નિયમને બાજુએ કરવો પડશે, કેમકે 'શાયર'નાં બીજાં બે યુગલ ગીતોમાં જુદાં ગાયકોનાં સંયોજનની સાથે ગુલામ મોહમ્મદે પ્રયોજેલાં નવાં તાલ વાદ્યોનો ઉપયોગ પણ ધ્યાન પર લેવો જરૂરી છે.

મુકેશ, લતા મંગેશકર - યે દુનિયા હૈ યહાં દિલ કા લગાના કિસકો આતા હૈ - શાયર (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

અહીં તાલ વાદ્ય તરીકે ગુલામ મોહમ્મદ 'મટકાં'નો પ્રયોગ કરે છે. ઢોલક, ડફ અને મતકાં એમ ત્રણેય પરંપરાગત લોકગીત શૈલીનાં તાલ વાદ્યોને પ્રચલિત કરવાનું શ્રેય ગુલામ મોહમ્મદને ફાળે ગણાય છે.

કરૂણ ભાવનું ગીત છે, એટલે મુખ્ય નાયક માટે મુકેશના પાર્શ્વસ્વરનો પ્રયોગ કરાયો છે. ગીત ખાસ્સું લોકપ્રિય રહ્યું હતું.

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - ઓ મોરે બાલમા…. કાહે મારી કટારહાય…. દૈયા...દૈયા..દૈયા... - શાયર (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

સંગીતનું, અને તેમાં પણ વાદ્યો વિશેનું તો ખાસ, મારૂં જ્ઞાન એટલું મર્યાદિત છે કે આ ગીતમાં મટાકાં અને ઢોલક એમ બન્નેનો તાલ વાદ્યો તરીકે પ્રયોગ કરાયો જણાય છે એમ કહેતાં પણ મારી હિમ્મત તો નથી જ ચાલતી! પ્રયોગમાં નવીનતા છે એટલું જરૂર કહી શકાય.

પૂર્વાલાપની વાદ્યસજ્જામાં છેક 'પાકીઝા'નાં ગીતો માટે ગુલામ મોહમ્મ્દે જે વાદ્યસજ્જા સજાવી છે તેના અણસાર ભાળી શકાય છે.

ગીતનાં દૃશ્યો ધ્યાનથી જોતાં જોવા મળે છે કે પ્રેક્ષક દીર્ઘામાં બેસીને ગીતને (આગા સાથે), એ સમયનાં નૃત્ય ગીતોમાં જેમને જોવા  આપણે ટેવાયેલાં છીએ, તે કક્કુ બેઠાં છે અને બીજાં કોઇનું નૃત્ય માણી રહ્યાં છે!

હવે પછીના મણકામાં પણ આપણે ગુલામ મોહમ્મદના ગાયકો સાથેના પ્રયોગોના રંગપટના વિવિધ રંગોને માણીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.