Showing posts with label 1966-1971. Show all posts
Showing posts with label 1966-1971. Show all posts

Sunday, December 17, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પરદો પડે છે

 

પશ્ચાત કથન

છેલ્લા સમેસ્ટરની પરીક્ષાઓ પુરી થવાની સાથે વિધિપુરઃસરના અભ્યાસ તો પુરો થયો હતો. એટલે, હવે મારે નક્કી કરવાનું હતું કે હવે પછી શું?

આમ જુઓ તો સીધે સીધા બે જ વિકલ્પ મારી પાસે હતા - નોકરીની શોધ કરો કે પછી આનુષાંગિક અનુસ્નાતક પદવીના અભ્યાસક્રમમાં જોડાઓ.

નોકરીની શોધ કરવાનું તો પરિણામ આવ્યા પછી જ કરીશું એમ માનીને એ દિશામાં તો કંઈ વિચાર્યું નહોતું. તો વળી અનુસ્નાતક અભ્યાસક્રમ વિશે પણ કંઈ ખાસ વિચાર્યું હોય એવું તો નહોતું. પણ આજે જ્યારે પાછળ દૃશઃટિ કરીને જોઉં છું તો સમજાય છે કે આ વિકલ્પ મારી વિચારણામાં આવવા પાછળનું મુખ્ય કારણ મારા પિતાજીની મારા વિશેની અપેક્ષા પુરી કરવાનું હતું.

મારા પિતાજીને પોતાનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પુરો કર્યા પછી અનુસ્નાતક પદવીનો અભ્યાસ પણ કરવો હતો. પરંતુ, તેમના એ સમયના કૌટુંબિક સંજોગોને કારણે શક્ય ન બન્યું. તે પછી ૧૨ - ૧૩ વર્ષે તેમની અમદાવાદ બદલી થઇ. એ વખતે તેમણે જરા પણ સમય ગુમાવ્યા વિના અનુસ્નાતક પદવીની તેમનાં અધુરાં રહેલ લક્ષ્યને પુરૂં કર્યું. એમની હમેશની અંદરની અપેક્ષા રહી હતી કે એમના પછી કુટુંબનું દરેક સભય ક્મ સે કમ અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ લે જ. તેમનો સ્વભાવ એવો હતો કે તેઓ તેમની અપેક્ષાઓ બીજાં પર કદી લાદતા નહીં. પરંતુ, જોકે, હવે તો હું તેમની અપેક્ષાઓ અને તે અપેક્ષાઓ સંદર્ભે તેમની લાગણીનાં ઊંડાણને બરાબર સમજી શકતો હતો. પ્રિ. સાયંસ પછી તબીબી પદવીની તેમની અપેક્ષા મેં પુરી નહોતી કરી, એટલે તેમની આ મારા પ્રત્યેની અપેક્ષા પુરી કરવા બાબતે હું પણ સાનુકૂળ માનસ ધરાવતો હતો.  

જોકે, એ પણ હકીકત હતી કે, હજુ સુધી, ક્યા કયા વિષયો માટે આ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, કઈ કૉલેજોમાં તે શક્ય છે, મારી બૌદ્ધિક કક્ષાની આ અંગેની ક્ષમતા છે કે નહીં કે મને કયા વિષયમાં રસ પડે તેમ છે એવા કોઈ વિચારો મેં હજુ આ અંગે કરવાનું શરૂ નહોતું કર્યું.

જોકે, યોગાનુયોગ, કોઈ જાતનાં આયોજન કે ઇરાદા વિના બીજા બે વિકલ્પો પણ મારી  સમક્ષ ખુલ્યા હતા.

તેમાંનો પહેલો વિકલ્પ હતો  NITIEમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક પદવી માટેનો. 

જોકે એ માટેની મેં ભરેલી અરજી એટલી અપરિપક્વ રીતે ભરાઈ હતી કે એ અરજીને આધારે કંઈ પણ આગળ પ્રગતિ થાય એવી જ કોઈ સંભાવના નહોતી!

બીજો વિકલ્પ હતો મૅનેજમૅન્ટ માં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો.  આ વિકલ્પ માટે મૂળ કારણભૂત તો પ્રિયદરર્શી શુક્લ જ ગણાય કેમકે તેની સમક્ષ તેના મોટાભાઈ, અભિનવ,નો પ્રેરણાસ્રોત હતો. અમે લોકો તો બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાનાના ન્યાયે જાનમાં જોડાઈ ગયા હતા! હા, એ બહાને લેખિત પરીક્ષા માટે અંગ્રેજી અને ગણિતની તૈયારી કરવાની થાય તેમાં અંગેજીનું કંઈક શબ્દ ભંડોળ વધે અને ગણિતમાં ઝડપ સાથે ચોકસાઈ મેળવી શકાશે એવી અપેક્ષા હતી. અમારાં લેખિત અંગ્રેજીને તો ઘણું સારૂં કહેવડાવે એટલું કાચું અમારૂં બોલચાલનું અંગ્રેજી હતું. એટલે આઈ આઈ એમ, અમદાવાદમાં પ્રવેશ માટે અમે પરીક્ષામાં બેઠા ખરા પણ અમારૂં મન તો જાણતું જ હતું કે આ તલમાંથી તેલનો ત પણ નહીં નીકળે.  સ્વાભાવિક જ હતું કે અમે કોઈ લેખિત પરીક્ષાનો પડાવ જ પાર ન કરી શક્યા !     

ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક અભ્યાસક્રમ વિશે વિચાર કરવા માટેનું શ્રેય છેલ્લાં વર્ષમાં બે વૈકલ્પિક વિષય ગ્રૂપમાંથી પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ  એન્જિનિયરિંગ વિષયોની પસંદગી.

આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હું અમારાં કાલીઆવાડી (નવસારી)નાં ઘરમાં વેકેશન ગાળતો રહ્યો. દેખીતી રીતે ચાલી રહેલ પ્રવૃતિઓની પાછળ અવશપણે આ બધા વિકલ્પના વિચારો જરૂર ચાલતા રહેતા હતા. પરંતુ હવે પછી શું કરીશ, કે કરી શકીશ, એ ચિત્ર તો હજુ પણ  ધૂંધળું જ હતું.

જોકે, બહુ થોડા સમય બાદ જ નિયતિએ કારકિર્દીના હવે પછીના પડાવ તરીકે બી આઈ ટી એસ, પિલાનીમાં એમ બી એના અભ્યાસક્રમની બારી ખોલી આપવાનું ગોઠવી રાખ્યું હતું એવી તો કલ્પના જ ક્યાંથી હોય!!   



  

 LDCE71 પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ગ્રૂપની બૅચ


૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો લેખમાળાના અલગ અલગ મણાકોને એક જ ફાઈલ સ્વરૂપે વાંચવા / ડાઉનલોડ કરવા માટે  LDCEનાં કેવાં હતાં એ ઘટનાસભર વર્ષો પર ક્લિક કરશો.

Sunday, December 3, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - મારા હોસ્ટેલના દિવસો

 

ચોથાં વર્ષના છેલ્લા દિવસોમાં જ અમને મારા પિતાજીની બદલી નવસારી કૃષિ મહાવિદ્યાલયમાં પ્રશાસનના મુખ્ય અધિકારી તરીકે થઈ છે તે જાણ થઈ ગઈ હતી. એ વેકેશનમાં અમે નવસારીની બાજુમાં કાલિયાવાડી ગામમાં રહેવા પણ પહોચી ગયાં હતાં. 

સમસ્યા હોસ્ટેલમાં મને એડમિશન મળશે કે નહીં તે હતી. છેલ્લાં ચાર વર્ષથી જે બધા હોસ્ટેલમાં રહેતા હતા એ લોકો તો એ જ સાથીઓ સાથે રહે તે સ્વાભાવિક હતું. તેમણે તો નવાં વર્ષ માટે પોતાની રૂમ નક્કી કરી અને સામાન પણ મુકી દીધેલો. આ પરિસ્થિતિમાં મારી જગ્યા કેમ કરીને કરી શકાય એ જ સમજાતું નહોતું. પરંતુ વી પી ત્રાડા અને વાગડાના દિલમાં અમારી ચાર વર્ષની મિત્રતાએ જે એક કૂણો ખૂણો બનાવ્યો હતો તેને પરિણામે તેઓએ મોટું મન કરીને ત્રણ વ્યક્તિઓ માટેની ખુણાની રૂમ નક્કી કરી અને મારી જગ્યા કરી આપી. 

આવા સહૃદય સંગાથમાં આનંદથી વીતેલ હોસ્ટેલનાં એ વર્ષની મારી કેટલીક યાદો અહીં રજૂ કરતાં પહેલાં અશોક ઠક્કરે એક બહુ સ - રસ કિસ્સો મોકલ્યો છે તે માણીએઃ

છાશનો એક પ્યાલો

એ વખતે અમારી બસની ટુકડી જુદી હતી અને કોલેજની ગેંગ જુદી હતી. કોલેજની ગેંગ માં અશોક ઠક્કર (ઠક્કરીયો), અશોક વૈષ્ણવ (વૈષ્ણવડો), યોગેન્દ્ર શાહ (યોગલો), પ્રિયદર્શી શુક્લ (બાબિડો), ત્રાડા (ત્રાડો), વાગડા (વાગડો), અશ્વિન શાહ (અશ્વિનીયો), અનિલ મહેતા (અનીલિયો) અને બિપિન મહેતા (બીપનો) મુખ્ય હતા. આ નવ રત્નોમાં થી પહેલા ચાર અમદાવાદમાં પોતાના ઘેર રહેતા, જયારે બાકીના પાંચ હોસ્ટેલમાં રહેતા. આ કારણથી લાંબી નવરાશ હોય તો અમારો અડ્ડો મોટા ભાગે હોસ્ટેલમાં રહેતો.

હોસ્ટેલમાં જુના ગીતો સાંભળવાથી માંડી ને કેરમ રમવું, દુનિયા આખીના પ્રશ્નો હલ કરવા, નાની નાની બાબતો ઉપર ખુબ હસવું, ઠઠ્ઠા મશ્કરી કરવા, છોકરીઓની વાતો કરવી, લાગ મળે ત્યારે બાજુમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જઈને છોકરીઓ ને સીટીઓ મારવી, વિગેરે પ્રવૃત્તિઓને અમે ઈતર પ્રવૃત્તિઓ કહેતા. એક બે જણ ને વળી ઇંગ્લીશ નોવેલો વાંચવાનો વ્હેમ. એ Perry Mason ની ડિટેકટિવ નોવેલો વાંચે અને પાછા હાથમાં લઈને ઠોંસ મારતા ફરે! એક જણ તો કુતુહલતાથી કાયમ પૂછતો કે આ પેરી મેસન છે કે મેરી પેસન છે? 

અગાઉ મેં બસ સેવાનો વિકલ્પ માં  'નવ અને આડત્રીસની સાંઈઠની નબરની બસ'ની વાત કરી હતી. એ બસ બરાબર દસ વાગે અમને યુનિવર્સિટી ફેંકી દે. (એ જમાનામાં  જયારે બસ નો ડ્રાઈવર ખુબ ઝડપ થી પહોંચાડી દે ત્યારે "ઉતારી દે" એમ નહિ, "ફેંકી દે" એમ કહેવાતું). અમારો પહેલો ક્લાસ સામાન્ય રીતે દસ ને વીસે શરુ થાય. હૂં દસ વાગે બસમાંથી ઉતરી ને સીધો હોસ્ટેલના મેસ માં જતો. ત્યાં અશ્વિન શાહ, પોતાનું , જમવાનું પતાવીને, મારી રાહ જોઈને બેઠો હોય. મેસના મેનેજરને ય ખબર હોય કે ટૂંક સમયમાં અહીં બેઠેલા નંગને મળવા બીજો નંગ પધારશે. એટલે એ છાશનો એક એક પ્યાલો અમારા બંને માટે તૈયાર રાખે.

મેનેજરને પાછું મોઘમ રહેવું પડે. એટલે એ અમારા પ્રત્યેની લાગણી જરાય છતી ના થવા દે. એ એના એક માણસને ઈશારો કરે કે છાસના પ્યાલા આ ટેબલ ઉપર આપી આવ. અમારી આંખમાં આભારની લાગણીનો સ્વીકાર મેનેજરના આછા સ્મિત થી થાય. પેટ માં ઠંડક કરી ને હું ને અશ્વિન ઝડપ થી દસ ને વીસના ક્લાસમાં પહોંચી જઈએ.

થોડા વર્ષો પહેલા જયારે શાહરુખ ખાનનુંઓમ શાંતિ ઓમમુવી જોયું અને એમાં "એક ચુટકી સિંદૂર" નો ડાયલોગ સાંભળ્યો ત્યારે આ "એક પ્યાલો છાશનો " ફરી વાર યાદ આવી ગયો.

તે પછી, દુનિયામાં મલાઈદાર લસ્સીઓ  તો ઘણી પીધી, સૌરાષ્ટ્રની કાળજે ટાઢક પહોંચાડતી છાસ્યું પણ માણી, પરંતુ આ છાશના આ એક પ્યાલા આગળ એ બધા હેઠા! 

આડ વાતઃ

એ વર્ષમાં મેસમાં મારા બે મહેમાનોએ મેસનાં ભોજન ચાખ્યાં હતાં. એક મહેમાન તો હતા મારા પિતાજી. એક વખતે તેમને પોતાની ઑફિસના કામે અમદાવાદ આવવાનું હતું. એટલે રાત અમારી સાથે ગાળી અને બીજે દિવસે સવારે મેસમાં જમીને પોતાના કામ જવું એમ તેમણે ગોઠવેલું. ત્રાડા અને વાગડ તેમને અમારી મેસમાં જમડવા બાબતે ખાસ્સા ઉચાટમાં હતા. પરંતુ, મારા પિતાજીએ તેમનો કૉલેજનો અભ્યાસ એચ એલ કૉલેજ ઑફ કોમર્સની હોસ્ટેલમાં રહીને કર્યો હતો. એટલે તેમને માટે અમારી મેસમાં જમવું એ પહેલો અનુભવ નહોતો. વળી. હું જ્યારે ૧૯૬૫ - ૬૬ દરમ્યાન પ્રિ. સાયંસના અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર હતો ત્યારે તેઓ બેત્રણ વાર ત્યાં પણ જમી ગયેલા. એટલે અમારી મેસમાં તેઓ તો (અમને દેખાતી હતી એવી) કોઇ જાતની મુશ્કેલી વગર જમી ગયા. આમ પણ એચ એલની હોસ્ટેલનાં એ સમયના જમવાની સરખામણીમાં તેમણે આ બન્ને મેસના ભોજન વિશે સાનુકૂળ પ્રતિભાવ જ દર્શાવ્યો હતો !

બીજા મહેમાન હતા મારો ખાસ મિત્ર - સમીર ધોળકિયા. આમ તો એ ગાંધીનગર રહે. પણ કોઈ વાર એવું કામ આવી પડે કે ગાંધીનગરથી તેને બહુ વહેલા નીકળવું પડે એમ હોય ત્યારે એ સવારનું જમવાનું અમારી મેસમાં ગોઠવતો. પહેલી વાર જમ્યો ત્યારે મને ચીડવવા માટે કરીને તેણે ભોજનનાં પેટ ભરીને વખાણ કર્યાં. હું તો તેને ઓળખું, એટલે મે એ વખાણ પર ખાસ ધ્યાન ન આપ્યું. પણ ત્રાડાથી આટલાં બધાં વખાણ સહ્યાં ન ગયાં. તે પછી તો જ્યારે જ્યારે સમીર અમારે ત્યાં જમે ત્યારે જમણનાં વખાણ કરે અને ત્રાડાનું દિલ વધારે ને વધારે કકળે !!   

મારા હોસ્ટેલમાં આવ્યા પછી અમે 'નવરાશની પળો'ની વાનગીઓમાં થોડો ફેર કર્યો. અમે ત્રણ રૂમ પાર્ટનર્સે કેરોસીનથી ચાલતો સ્ટવ લઈ લીધેલો. એટલે હવે અમે મિત્રો ભેગા  થઈએ ત્યારે ચા જાતે બનાવીને પીવી એમ ગોઠવ્યું. ખાંડ અને દુધની ઝંઝટ તો ફાવે એમ નહોતી એટલે અમે બ્લૅક ટી બનાવીને પીવાનું નક્કી કર્યું. હું તો ચા પીતો નહીં, એટલે વળી બ્લૅક કૉફી પણ ઉમેરાઈ. જોકે અમે આમ લહેરી લાલા હતા પણ અંદરોઅંદરના વ્યવહારમાં એટલા જ ચોક્કસ હતા. એટલે (વાઘબકરી પત્તી) ચા અને (નેસ્કૅફે) કૉફીનો ખર્ચો બધા સરખે ભાગે વહેંચી લેતા.

તે ઉપરાંત ત્રાડા સૌરાષ્ટ્રના મગફળી ઉત્પાદક પ્રદેશના વતની હતા. એટલે મગફળીની સીઝનમાં તે ઘરેથી બેત્રણ થેલા ભરીને મગફળી લઈ આવે. તેની સાથે એકાદ ભીલી ત્યાં જ બનેલો તાજો ગોળ પણ હોય. એટલે જેટલા દિવસ એ મગફળી અને ગોળ ચાલે એટલા દિવસ 'નવરાશ'ના નાસ્તામાં શિંગ અને ગોળ પણ મળે. 

મેસમાં રવિવારે સાંજે ચુલો ઠંડો હોય. એટલે બધા જ ક્યાંક્ને ક્યાંક બહાર ફરવા નીકળી પડે અને પેટપૂજા કરતા આવે. મારે કારણે અમારી ત્રણ પાર્ટર્નર્સની બહુધા પસંદગી ગુજરાત કૉલેજનાં દાળવડાં ખાવાની રહેતી. અહીં પણ અમે અમારા પુરતો ફેરફાર કર્યો. વાગડાનું વતન મહેસણા બાજુ હતું. એટલે એ જ્યારે પણ ત્યાંની મુલાકાત લઈને આવે ત્યારે એકાદ બરણી તાજું ધી ભરી લાવે. અમે હવે અમારી હસ્તરસોઈકળાને ખીલવીને, દરેક આંતરે રવિવારે, એ ઘીની મદદથી રવાનો શીરો બનાવતા થયા. તેમાં મેં ઓમલેટ અને ફ્રેંચ ટૉસ્ટ પણ ઉમેર્યાં.

રવિવારની હૉસ્ટેલની બીજી ચલણી પ્રવૃત્તિ હતી ફિલ્મ જોવાની. અમે ત્રણ રૂમ પાર્ટનર્સ પણ બીજા મિત્રો સાથે આ પાર્ટીમાં જોડાતા. જોકે અહીં તો હું નોંધવા માગું છે એવી બે ફિલ્મો છે જે મેં એકલા જોઈ અને એ બદલ લગભગ બધા મિત્રોની સરખી ગાળો પણ ખાધી. પહેલી ફિલ્મ હતી, ગાંધી રોડ પર રૂપમમાં જોયેલી મૃણાલ સેનની 'ભુવન શોમ' અને બીજી હતી આશ્રમ રોડ પર નટરાજમાં જોયેલી 'ઑલીવર'. 'ઑલીવર' તો હું બપોરના ૧૨ વાગ્યાના શૉમાં જોવા ગયેલો એટલે પહેલાં તો કોઈને ખ્યાલ જ ન આવ્યો કે હું એકલો એકલો ફિલ્મ જોઈ આવ્યો છું. એ રવિવાર હતો અમારી છેલ્લી પરીક્ષાઓની વચ્ચે પડતો એક માત્ર રવિવાર. બીજે દિવસે પરીક્ષા પત્યા પછીની ચર્ચાઓ દરમ્યાન મેં હળવેકથી જાહેર કર્યું કે હું ગઈ કાલે 'ઑલીવર' જોઈ આવ્યો. બસ,પછી તો એક તો 'ઑલીવર' અને બીજું ચાલુ પરીક્ષાએ ફિલ્મ જોવી એમ બેવડા ગુના માટે મારી પર કેવી પસ્તાળ પડી હશે એ તો બધાં સમજી જ શકશે!    

હોસ્ટેલના આ મોજમસ્તી ભર્યા દિવસોનો અંત મારા અંગત પક્ષે કરુણાંત રહ્યો. હોસ્ટેલમાં આવતાં પહેલાં મેં મર્ફીનો ટ્રાંસીસ્ટર રેડીયો ખરીદ્યો હતો. બરાબર છેલ્લી પરીક્ષા પત્યા પછી રૂમ પર આવીને સામાન પૅક કરતી વખતે ધ્યાન પર આવ્યું કે એ રેડીયો તો ચોરાઈ ગયો છે. જે કોઇએ આ કામ કર્યું હતું એ એટલી સિફતથી કર્યું હતું કે આ કામ કોણે કર્યું હોઈ શકે એટલી ચર્ચા કરવાનો પણ હવે કોઈને સમય નહોતો. એટલું જ નહીં એ રેડીયો ખોઈ બેસવાનો અફસોસ કરવાનો પણ મારી પાસે સમય નહોતો! બહુ બધી બાબતોમાં આદર્શ સમા મારા મોટા કાકાના અવસાનનાં વર્ષના મધ્યમાં અનુભવેલ દુઃખ પર રીતે રેડીયો ખોવાનો થયો એ વાતે નુકસાનની પીડા ઘણી વધારે અનુભવાઈ. 

 

એલડીમાં ૧૯૬૬થી ૧૯૭૧નાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ દરમ્યાનની યાદોની આ સફર અહીં પુરી થાય છે.

હવે આ સફરનો છેડો કારકિર્દીના નવા વળાંક સાથે કેમ જોડાયો તેના પર એક પશ્ચાતવર્તી નજર કરીને  આ યાદગાથાની ઈતિ કરીશું.

Sunday, October 8, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - વિગતો યાદ ન રહી હોય એવી ઘટનાઓ : મન પર, કોઈ ખૂણે, ઊંડી છાપ પડી ગયેલી કેટલીક અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓ

 

આપણી આસપાસ અનેક ઘટનાઓ સતત બનતી જ રહી છે. સ્વભાવિક છે કે આપણને તેમાંની મોટા ભાગની ઘટનાઓ સાથે કોઈ જ સંબંધ નત હોય એટલે એવી ઘટનાઓ બનીને જતી રહે તો આપણને તેની ખબર સુદ્ધાં ન હોય. કેટલીક ઘટનાઓ આપણાં ધ્યાન પર આવે, પણ આપણે તેની નોંધ લઈએ. આ પૈકી કેટલીક ઘટનાઓ એવી પણ હોય છે, જેમનું આપણા જીવન સાથે કોઈ મહત્ત્વ ન પણ હોય પરંતુ આપણા મનના કોઈ ખૂણે એ કોઈ ઊંડી છાપ મુકી જાય છે જે યોગ્ય સમય આવે ત્યારે ફરી જીવંત થાય છે.  

એલ ડીના એ સમયના અમે નજદીકી મિત્રો બધા જ જૂદા જૂદા સ્વભાવ, પસંદ અને સંપર્ક્રો ધરાવતા હતા. એટલે સ્વાભાવિક છે કે એ દરેકના જીવનમાં આવી કંઈ કેટલીય ઘટનાઓ બનતી રહે. કોલેજ સમય દરમ્યાન અમે બધા બહુ નજદીક હતા એટલે એ કલાકો દરમ્યાન થતી આવી ઘટનાઓમાંથી ઘણી ઘટનાઓમાં અમે બધા સહભાગી બની જતા.  આજે હવે યાદ કરતાં એમાની  કેટલીક  ઘટનાઓની મને અહીં ખાસ નોંધ લેવાનું મન થાય છે.


આવી એક પ્રવૃત્તિ જેની મેં અગાઉ વિગતે વાત કરી છે તે પ્રિયદર્શી શુક્લના ઘરે જૂની ફિલ્મોનાં ગીતોની રેક્રર્ડ સાંભળવાની અને પછી તેમાંની ઘણી ફિલ્મોને વર્કશૉપના પિરિયડ છોડી છોડીને થિયેટરમાં જોવા જવાની.

બીજી એવી પ્રવૃત્તિ હતી જેને કારણે મારો બેડમિંટન અને શતરંજ સાથે પરિચય થયો. અહીં પણ કારણભૂત નિમિત્ત પ્રિયદર્શી શુક્લ જ હતો. તેનો એક મિત્ર, ગૌરાંગ મહેતા, ચેસ અને બેડમિંટનનો ઉઇનિવર્સિટી કક્ષાનો ખેલાડી હતો સ્વાભાવિક છે તેની બધી જ મેચો જોવા તો અમે જઈએ જ. મને તો એ રમતો રસ પડવા લાગ્યો હતો, એટલે તેની પ્રેક્ટિસ સેશન જોવા પણ અમે ખાસ જતા. ત્યાં વળી, કોઈ કોઈ વાર, ટેબલ ટેનિસ પર પણ હાથ મારી લેતા.  આમ નવી નવી રમતોમાં રસ તો જાગ્યો પણ તેથી વધારે રમતની તકનીકી બાબતોમાં પણ રસ જાગ્યો. આ રસને કારણે ભવિષ્યમાં ઘણીવાર તાણની પરિસ્થિતિઓમાંથી મોકળાશ મેળવવામાં મદદ મળી છે. 

ગૌરાંગના સંપર્કોની પાંખે અમે અમદાવાદમાં રમાયેલી  એ સમયે  ઘણી 'મોટી ક્રિકેટ મેચોને પેવેલિયનમાં બેસીને 'નિકટ'થી નિહાળવાની મજા મણી છે. આવી એક જીવનભર યાદ રહી હાય એવી મેચ હતી સોબર્સના વડપણ હેઠળ ભારત આવેલી વેસ્ટ ઇંડીઝની ટીમ અને વેસ્ટ ઝોનની ટીમ વચેની મેચ. મેચ માણવાના રોમાંચમાં અનેક ગણો વધારી મુક્યો હતો દિલીપ સરદેસાઈ, ફારૂખ એંજિનિયર, રુસી સુરતી ,સોબર્સ, કન્હાઈ, હૉલ જેવા ખેલાડીઓને રમત જોવા મળવાની તકનો. આવો  લ્હાવો તો અવિસ્મરણીય જ બની રહે ને ! 

અમે લોકો અશોક ઠક્કરને ઘરે પણ ઘણી વખત જતા. તેમનાં માતાજીને હાથે બનાવાયેલાં વિધ વિધ નાસ્તા ખાવા મળતા તે પોતે જ એક સ્વર્ગીય આનંદ હતો.  તેમના પિતાજી જોડે, ભલે મહદ અંશે, ઔપચારિક વાતો થતી તે પણ મને બહુ અસર કરતી. અશોક ઠક્કરના પિતાજીએ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે જેલવાસ વેઠ્યા હતા એટલી જ જે ખબર હતી તેનાથી પણ તેમની સાથે વાતો કરવામાં એક અનોખી અનુભૂતિ થતી. 
અશોક ઠક્કર જ્યારે અમેરિકામાં સ્થિર થવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે મને તેમના પિતાજીએ જેલવાસ દરમ્યાન ખરીદેલ ચાર પુસ્તકો સાચવવા આપેલાં.  તે પૈકી ત્રણ હતાં જવાહરલાલ નેહરુનાં પુસ્તકો - મારું હિંદનું દર્શન: ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા, જગતના ઇતિહાસનું રેખાદર્શન :ગ્લીમ્પસીઝ ઓફ વર્લ્ડ હિસ્ટરીઅને ઇન્દુને પત્રો :લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટરઅને ચોથું  પુસ્તક હતું ગાંધીજીની આત્મકથાઃ સત્યના પ્રયોગો. 

વિધિની વક્રતાનો ખેલ એવો થયો કે હું અને અશોક ઠક્કર તે પછીથી સીધા ૩૫ - ૪૦ વર્ષે, એલ ડીનાં ૭૫ વર્ષની ઉજવણીના પ્રસંગે, મળ્યા. એ સમયે હું તેમની અનામત તેમને પાછી સોંપી શકું એ હાલતમાં નહોતો. મારા પિતાજીએ ૧૯૬૦ના દાયકામાં ગુજરી બજારમાંથી સોધી શોધીને ખરીદેલ કેટલાંય અમૂલ્ય પુસ્તકો સાથે આ ચાર પુસ્તકો મેં જીવની જેમ સાચવેલાં. પરંતુ વાતાવરણની માર ખાઈ ખાઈને એ બધાં પુસ્તકોની હાલત એવી થઈ ગઈ હતી કે એક પાનું ખોલવા જાઓ તો ચારપાંચ પાનાં ફાટીને હાથમાં આવે. એટલે ત્રણ ચાર વર્ષ પહેલાં  દિલ પર પથ્થર મુકીને મારે એ પુસ્તકો પસ્તીમાં કાઢી નાખવાં પડેલાં. અમે જ્યારે મળ્યા ત્યારે એ વાતે અશોક ઠક્કરની માફી માગવાની પણ મારામાં હિંમ્મત નહોતી. આજે અહીં એ વાતની નોંધ લઈને હું અશોક ઠક્કરની માફી માગું છું.

 

હવે પછી 'મારા હોસ્ટેલના દિવસો'થી યાદગીરીઓની આ સફર પુરી કરીશું.

 

Sunday, September 3, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - વિગતો યાદ ન રહી હોય એવી ઘટનાઓ

 

સ્વાભાવિક છે કે એલ ડીનાં ૧૯૬૬થી ૧૯૭૧નાં અમારાં વર્ષો દરમ્યાન એવી કેટલી ઘટનાઓ બની જેના અમે લોકો સક્રિય હિસ્સેદારો અને સાક્ષી રહ્યા હઈશું. પરંતુ આ બધી ઘટનાઓ ક્યાં તો શૈક્ષણિક કે પછી શિક્ષણેતેર પ્રવૃત્તિઓ સાથે એટલી સહજપણે વણાઈ ગયેલી હશે કે એ બધી પ્રવૃત્તિઓ મારા મનમાં કોઈ ખાસ, અલગ છાપ નથી છોડી ગઈ જેને આજે ફરીથી ઉખેળતાં પણ કોઈ વિગતો અળગી પાડી શકાય. 

આવી એક ખાસ પ્રવૃતિ એન સી સીની હતી. મને યાદ છે ત્યાં સુધી એ પ્રવૃત્તિ અમારા પહેલાં બે વર્ષ માટે હતી. અમારામાના મોટા ભાગના સહપાઠીઓ તેમાં જોડાયા પણ હતા. જોકે જોડાવા માટે ૧૯૬૫ની પાકિસ્તાન સાથેની લડાઈ પછી જાગૃત થયેલી દેશદાઝની ભાવના કે જીવનમાં શિસ્તના પાઠ ભણવા જેવા ઉદ્દેશ્યો સિવાયના જ ઉદ્દેશ્યો અમારા એન સી સીમાં જોડાવા માટે કારણભૂત હતા ! એટલે થતું એવું કે શારીરિક રીતે અમે લોકો નિયમિત પણ મેદાનમાં પરેડ માટે હાજર રહેતા, પણ માનસિક સ્તરે અમારું જોડાણ આ પ્રવૃતિ સથે ઉપરછલ્લું જ રહ્યું. જોકે વસંત પુજારા તો બહુ નિખાલસપણે સ્વીકારે છે કે તેણે તો પરેડ પછી મળતી દૂધની બોટલ માટે જ એન સી સીમાં જોડાવાનું નક્કી કર્યું હતું. વિનુભાઈ જે પટેલને તો વળી એન સી સીના ગણવેશની બૅરેટ કૅપ પરનાં ફુમતાંવાળી કલગી માટે લગાવ હતો.


આજે વિચાર કરતાં એમ જણાય છે કે આમ થવા પાછળ એક મોટું પરિબળ તો અમને મળેલ
ગણવેશ કપડાંના માપની દૃષ્ટિએ અમારાં શરીર સાથે સાવ જ બંધબેસતો નહોતો તે હોઈ શકે. પછીના વર્ષોમાં ફીટ અને ટોલરન્સ શીખતી વખતે તેનું મહત્ત્વ સમજવા માટે એન સી સી ના ગણવેશનું અમારાં શરીર સાથે 'મિસફિટ' થવું શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે ! પછીનાં વર્ષોમાં એ જ ગણવેશ પછીની બેચ માટે પણ વાપરવાનો હોય એ કારણે તેમાં કંઈ પણ ફેરફાર ન કરવાની કડક સુચના અપાતી હશે એમ બને. પરિણામે એક તરફ એ ગણવેશ પહેર્યા બાદ અમને એ પહેર્યાનું ગૌરવ અનુભવવાની લાગણી થવાને બદલે ક્ષોભની લાગણી અનુભવાતી. એટલે પરેડ ગ્રાઉન્ડ સિવાય તે પહેરવાની અમને કોઇને જરા સરખી પણ ઈચ્છા ન રહેતી. વળી એ ગણવેશ ગ્રાઉન્ડ પરની શારીરિક પ્રવૃતિઓ કરવામાં તો પાછો અસગવડભર્યો નીવડતો. પરિણામ એ આવતું કે એ ગણવેશની દશા પણ બોઈલર સ્યુટના જેવી જ થતી. ફરક માત્ર એટલો કે નિયમિત તે ન ધોવાય અને કડક ઈસ્ત્રી વગેરે ન થાય તો પરેડ સમયે શિક્ષા થશે એ ભયે ગણવેષ મહિને બે મહિને ધોવાતો જરૂર !

એન સી સીની પ્રવૃતિનો એક મોટો ફાયદો હતો તેમના દ્વારા આયોજિત થતા કોઈ બહારગામની જગ્યાએ થતા કૅમ્પનો. અમારે વખતે એક બેચને માટે પાટણ (ઉતર ગુજરાત) અને બીજી એક બૅચને માટે નડિયાદ વસો (મધ્ય ગુજરાત) એમ બે સ્થળો નક્કી થયેલાં. કોઈ પણ અપવાદ સિવાય અમારા બધાંને માટે આ એક બહુ મોટી પિકનીક નીવડવાનું  આકર્ષણ જ બહુ મોટું હતું.

કૅમ્પ દરમ્યાન અમારો દિવસ સવારના ૬ વાગ્યાથી સાંજ સુધી ફિટનેસને લગતી અને અન્ય સમુહ પ્રવૃત્તિઓથી વ્યસ્ત રહેતો. સાંજના જમણ પહેલાં અને પછીનો સમય મનોરંજન માટે જુદી રમતો કે કાર્યક્રમો થતા.  કૅમ્પ દરમ્યાન રૂટ માર્ચ, કૅમ્પ ફાયર અને બડાખાના જેવી પ્રવૃતિઓ તો અમારે માટે સાવ નવી જ હતી. પરંતુ કમનસીબે મને આવી ખાસ પ્રવૃત્તિઓની પણ વધારે વિગતો કે બનાવો યાદ નથી. જોકે ગાર્ડ ડ્યુટીનો એક મજેદાર કિસ્સો યાદ કરાવીને વસંત પુજારાએ બાજી સંભાળી લીધી છે.

મને યાદ આવે છે કે પહેલા જ દિવસની ઍસેમ્બ્લી સમયે ઇન્સટ્રક્ટરે કૅંપના મુખ્ય ઝાંપે સુરક્ષા માટે એક એક સાર્જંટ અને સંત્રી તરીકે કોઈ સ્વયંસેવા તૈયાર આપવા તૈયાર થાય તેવી દર્ખાસ્ત મુકી. સંત્રીઓએ વારાફરતી ગેટ પર પહેરો ધરવાનો હતો. સાર્જંટે બાજૂના તંબુમાં સુવાનું અને સંત્રીઓ દ્વારા કોઈ રાતની ડ્યુટી દરમ્યાન કોઇ મુદ્દો ધ્યાન પર લાવવામાં આવે તો કૅમ્પના નિયમો અનુસાર તેનો તત્કાલ નીવેડો કરવાનો હતો. બન્ને હોદ્દાઓની ફરજો સમજાવવાની સાથે એ પણ બતાવાયું કે જોઈ કોઈ ચુક થઈ તો સજા બહુ આકરી થશે. તેમાં પણ સાર્જંટનું પદ તો જવાબદારીવાળું હોવાથી સજા વધારે આકરી હોઈ શકે એમ પણ સ્પષ્ટ કરાયું.

આવી પરિસ્થિતિમાં સાર્જંટ થવા કોઈ તૈયાર થતું ન જણાયું. પણ મે ફટ કરતાંકને મારી ઉમેદવારી નોંધાવી દીધી. જે બે સંત્રીઓને પસંદ કરાયા તેમાંથી મને યાદ આવે છે એક તો ઈલેક્ટ્રીકલમાંથી પરમાર હતો.

અમને જણાવી દેવામાં આવ્યું કે રાત્રે કોઈએ કૅમ્પમાં દાખલ થવું હોય તો જો તે ગુપ્ત કોડ (શ્રી રામ) જણાવી શકે તો જ તેને પ્રવેશ મળે.

અડધી રાત થવા આવી ત્યારે એક ભાઈ (હકીકતમાં સામાન્ય પહેરવેશમાં કૅમ્પ કમાન્ડન્ટ ખુદ) આવ્યા અને કૅમ્પમાં પ્રવેશ કરવા દેવા માટે ધમાલ મચાવવા લાગ્યા. સંત્રીઓએ તો સ્પષ્ટપણે  જણાવી દીધું કે ગુપ્ત કોડ ન કહો તો અંદર જવાય નહીં. એ ભાઈએ તો હવે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને સંત્રીઓને દબાવવાનો પેંતરો રચ્યો. પણ સંત્રીઓ ટસથી મસ ન થાયા. એટલે એ ભાઈ કહું કે 'તુમારે સા'બ કો બુલાઓ.  હમ કૌન હૈ તુમેં માલુમ નહીં. ઇસકા પરિણામ બહુત બુરા હોગા.'

સંત્રીઓએ મને જગાડ્યો અને પરિસ્થિતિથી અવગત કર્યો. મેં પણ ગેટ પર જઈને એ ભાઈને અમારા કાયદાકાનુન સમજાવ્યા અને વિનમ્રતાથી કહી દીધું કે ગુપ્ત કોડ જો જણાવવામાં ન આવે તો પ્રવેશ તો નહીં મળે.

ખાસ્સી રકઝક પછી એ ભાઇએ કોડ તો કહ્યો .

બીજે દિવસે એસેમ્બ્લીમાં અમને ઊભા કરવામાં આવ્યા અને કમાન્ડન્ટ સાહેબે આગલી રાતની ઘટનાનું વિવરણ કર્યું. એ ભાઈ કમાન્ડન્ટ જ હતા એ જાણીને અમે પણ થોડા નર્વસ થવા લાગ્યા હતા. જોકે બિલકુલ સહી રીતે ફરજ બજાવવા બદલ અમારી જાહેરમાં સરાહના કરાઈ.

પછી તો મેં એન સી સીની પ્રમણપત્ર પરીક્ષા પણ 'બી' કક્ષામાં પાર કરી. છેલ્લી પરીક્ષાનાં પરિણામો આવી ગયા પછી મને લશ્કરમાંથી ઇન્ટર્વ્યુ કૉલ પણ આવ્યો હતો. પણ મેં બીજી જગ્યાએ એપ્રન્ટિસશિપ સ્વીકારી લીધી હતી એટલે મેં આ તકનો સ્વીકાર ન કર્યો. 

બીજી એક મહત્ત્વની પ્રવૃતિ છેલ્લાં વર્ષમાં થયેલી વિદ્યાર્થી પરિષદ માટેની સામાન્ય ચુંટણી હતી. અમારામાંથી નરેશ પટેલ (હવે સ્વર્ગસ્થ) જનરલ સેક્રેટરી તરીકે અને અતુલ દેસાઈ ક્લાસ રેપ્રન્ઝટેટીવ તરીકે ઉમેદવાર હતા. એમના પ્રચાર માટે અમે બધા જોરશોરથી લાગી ગયા હતા. એ બન્ને ખાસ્સા મતોથી જીત્યા હતા અને એ સમયે, ઉમેદવારો તરફથી દરરોજ સાંજે થતી ચવાણા અને ચાની પાર્ટીઓ સિવાય મને બીજી કોઈ વિગત યાદ નથી આવતી.

છેલ્લે વર્ષે અશોક મિલ્સ, નરોડા અને એસ એલ એમ માણેકલાલ (વટવા)ની ઇન્ડસ્ટ્રીઅલ ટુર પણ ગોઠવાઈ હતી. જોકે અશોક મિલમાં થતી જુદી પ્રક્રિયાઓ અને એસ એલ એમમાં એ. સી. કેબિનમાં રાખવામાં આવેલાં મશીનોથી અભિભૂત થયા હતા તે સિવાય બીજી કોઈ વિગત યાદ નથી.

હવે પછી 'મારા હોસ્ટેલના દિવસો'થી યાદગીરીઓની આ સફર પુરી કરતાં પહેલાં એક મણકામાં 'પાચ વર્ષની અન્ય અભ્યાસેતર પ્રવૃતિઓ'ની યાદ મમળાવીશું.