'અનારકલી'ની અપ્રતિમ સફળતા પછી અન્ય સંગીતકારો તરફથી પણ હેમંત કુમારને વિધ વિધ પ્રકારનાં ગીતો મળતાં રહ્યાં. એ ગીતો જે ફિલ્મોમાં હતાં તેમાની મોટા ભાગની ફિલ્મોને ટિકિટબારી પર, એક યા બીજાં કારણોસર, બહુ મોટી સફળતાઓ ન મળી. એ કારણોસર હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગાયેલાં ગીતોને પણ મળવો જોઈએ એટલો ન્યાય નથી મળ્યો. એ સમયે રેડિયો પર તો એ ગીતો તો પણ સારાં એવાં સંભળાતાં હતાં. પરંતુ પછીથી કેસેટ્સ ને સીડી/ડીવીડીનો સમય આવ્યો ત્યારે આ ગીતોને ઓછાં યાદ કરાયાં. આમ જે ગીતોની યાદ લાંબા સમય સુધી જીવંત રહેવી જોઈતી હતી તે, એ જ સંગીતકારોનાં અન્ય ગીતોની સરખામણીમાં, આજે વિસરાઈ ગયેલાં ગીતોના હાંસિયામાં ધકેલાઈ ગયાં જણાય છે.
આપણે અહીં આ પ્રકારનાં
ગીતોને ખાસ પસંદ કરેલ છે.
દિલકી ઉમંગે હૈ જવાં… -
મુનીમજી (૧૯૫૫) - ગીતાદત્ત અને પ્રાણ સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
હેમંત કુમારને કૉમેડી
ગીતમાટે પ્રયોજાયા હોય એવાં ગીતો જવલ્લે જ સાંભળવા મળે, એટલા પુરતું એક સંગીતકારનું એક જ ગીત લેવું એ જાતે
સ્વીકારેલા નિયમમાં અપવાદ કરીશું.
ગીતા દત્ત જે સહજતાથી
શરારતભરી મજાક કરતાં અનુભવાય છે તેના પ્રમાણમાં હેમંત કુમાર તો નખશીખ સજ્જન જ કહી
શકાય તેમ પોતાની પંક્તિઓ ગાય છે. જોકે તેમની ગાયકીમાં છૂપી મશ્કરીનો અંદાજ તો જણાઈ
જ રહે છે.
મુસ્કરાતી હુઈ ચાંદની, જગમગાતા હુઆ આસમાં, લે ચલે હો તુમ મુઝે કહાં - અલબેલી (૧૯૫૫) - ગીતકાર અને સંગીતકાર: રવિ
૧૯૫૫નાં વર્ષમાં જ
રવિ એ 'વચન'દ્વારા સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત
કરી હતી. એ જ વર્ષે પોતે જેમની સાથે હજુ ગયા વર્ષ સુધી સહાયક તરીકે કામ કયું હતું
એવા હેમંત કુમારના સ્વરનો પ્રયોગ કરવાની તક મળી, જેને રવિએ બહુ જ
અસરકારકપણે ઝડપી લીધી છે.
રવિની ગીત બાંધણીમાં
હેમંત કુમારની શૈલીની છાંટ દેખાય તે સ્વાભાવિક કહી શકાય.
ગીતનાં દરેક
અંગમાં શુદ્ધ રોમાંસને ઉજાગર કરતું આ યુગલ ગીત રવિની (ખાસ તો ૧૯૬૦ અને તે પછીની)
ખુબ લોકપ્રિય રચનાઓ જેટલું પ્રચલિત કહી શકાય એમ નથી. હેમંત કુમારની સાથે ફિલ્મ
સંગીતની નિયતિની જે નાઈન્સાફી રહી છે તેનું એક પ્રતિનિધિ ઉદાહરણ આ ગીતને કહી શકાય.
નોંધ : રવિએ સંગીત બ ધ્ધ કરેલ એક સાલ (૧૯૫૭)નાં યુગલ ગીત ઉલઝ ગયે દો નૈના રે અને નરસી ભગત (૧૯૫૭)નાં ત્રિપુટી ગીત દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયાં પ્યાસી રેની પણ રવિએ રચેલ હેમંત કુમાર નાં યુગલ ગીતોમાં નોંધ જરૂરથી લેવી પડે.
નૈન સો નૈન નાહીં
મિલાઓ દેખત સુરત આવત લાજ - ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫) - લતા મંગેશકર સાથે –
સંગીતકાર: વસંત દેસાઈ –
ગીતકાર: હસરત જયપુરી
હિંદી ફિલ્મોનાં
શ્રેષ્ઠ યુગલ ગીતોમાં તો આ ગીત સ્થાન મેળવે જ છે, પરંતુ વસંત દેસાઈ અને
હેમંત કુમારનું આ કદાચ એક માત્ર સહસર્જન પણ છે. હસરત જયપુરી સાથે જલદી સાંકળી
ન શકાય એટલી હદે શુદ્ધ હિંદીમાં લખાયેલા બોલમાં ભારોભાર રોમાંસ નીતરે છે.
આડવાત - ગીતનું મોટા ભાગનું દૃશ્યાંકન મૈસુરના કૃષ્ણરાજ સાગર ડેમ પરનાં પ્રખ્યાત વૃંદાવન ગાર્ડનમાં થયું છે.
હલકે હલકે ચલો
સાંવરે, પ્યારકી મસ્ત
હવાઓંમેં - તાંગેવાલી (૧૯૫૫) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી –
ગીતકાર: પ્રેમ ધવન
સલીલ ચૌધરીએ રચેલ ‘પરિવાર’ (૧૯૫૬)નાં યુગલ
ગીત ઝીર ઝીર બરસે બદરવા હો કારે કારેને બદલે આ યુગલ ગીત અહીં પસંદ કરવાનું કારણ માત્ર એટલું જ કે ‘ટાંગા ગીત’ તરીકે તે
વૈવિધ્યમાં રંગ ઉમેરે છે.
આડવાત' આ ગીતની પ્રેરણાનો સ્રોત એડમંડો રૉસ્સની ધુન 'ધ વેડીંગ સાંબા' (૧૯૫૦) હોઈ શકે છે.
લૌટ ગયા ગમ કા જ઼માના આઈ ખુશી લહરાતી - નયા આદમી (૧૯૫૬) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: વિશ્વનાથન રામમૂર્તિ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
એન ટી રામા રાવ
અને અંજલિ દેવીની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ તેલુગુ ફિલ્મની રીમેક છે તે તો આ
વિડિયો ક્લિપ પરથી છતું થઈ જ રહે છે.
હેંમત કુમારે
ગાયેલાં જે અમુક ખુબ મધુર અને કર્ણપ્રિય ગીતોને ફિલ્મની નિષ્ફળતાનાં
ગ્રહણ લાગ્યાં તે યાદીમા આ ગીત પણ કમનસીબ સ્થાન મેળવે છે.
મુઝકો તુમ જો મિલે યે જહાન મિલ ગયા - ડિટેક્ટીવ (૧૯૫૮) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: મુકુલ રોય – ગીતકાર: શૈલેન્દ્ર
હેમંત
કુમારનાં હમિંગ અને પછી એ જ સુરમાં ગિટારના રણકારના પૂર્વાલાપની સાથે જ હેમંત
કુમારનો સ્વર મુખડાનો ઉપાડ કરે છે. આમ પહેલી જ પળથી ગીત આપણાં મનને એક અદભુત
મનોભાવમાં ખેંચી જાય છે.
સામાન્ય
શ્રોતાગણ માટે કદાચ બહુ જાણીતું ન હોય, પણ હેમંત કુમાર કે ગીતાદત્તનાં ચાહકોમાટે તો આ યુગલ ગીત સદા
હોઠ પર જ રમતું રહે છે.
કલ્યાણજી જ્યારે હજુ એકલા જ હતા એ સમયનું, તેમની કારકિર્દીના આરંભકાળનું ગીત. કલ્યાણજીભાઇ પણ પોતાને પહેલી મહત્ત્વની (નાગીન, ૧૯૫૪,માં બીનવાદન માટેની) તક આપનાર હેમંત કુમારનું ઋણ આ એક ખુબ જ કર્ણપ્રિય યુગલ ગીત દ્વારા અદા કરે છે.
તુમ સે દૂર ચલે, હમ મજ઼્બુર ચલે,પ્યાર ભરે દિલ મિલ ન સકે,નીલ ગગન કે તલે - પ્યાર કી રાહેં (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: કનુ ઘોષ – ગીતકાર: પ્રેમ ધવન
ફિલ્મ બેશક નિષ્ફળ
રહી, પણ ફિલ્મનાં ગીતો ખુબ લોકચાહના પામ્યાં હોય એ કક્ષાની આ એક
વધારે ફિલ્મ હતી.
આ ગીતની સાથે આ જ ફિલ્મનું
મુકેશના સ્વરનું ગીત દો રોજ઼મેં વો પ્યાર કા આલમ ગુજ઼ર ગયા પણ આ વાતની સાહેદી પુરાવે
હે.
૧૯૫૩થી શરૂ થતા હેમંત કુમારની હિંદી ફિલ્મોમાંની ગાયક તરીકેના ત્રીજા દાયકાની શરૂઆતની વાત કરતી વખતે ગયા મણકામાં આપણે નોંધ કરી હતી કે દાયકાના અંતમાં સી રામચંદ્ર દ્વારા રચાયેલ હેમંત કુમારનાં યુગલ ગીતથી દાયકાની યાદને અવિસ્મરણીય બનાવીશું એ ગીત છે -
ઉમ્ર હુઈ તુમ સે
મિલે ફિર ભી જાને ક્યું ઐસા લગે પહેલી બાર મિલે હૈં - બહુરાની (૧૯૬૨) -લતા મંગેશકર
સાથે - સી રામચંદ્ર - ગીતકાર સાહિર લુધ્યાનવી
ગીત કંઈક અંશે
ઝડપી તાલમાં હોવા છતાં પુરેપુરું કર્ણપ્રિય બની રહે છે. લાંબા સમય પછી મિલનની જે
ઘડી આવી હોય તેની ઉત્કટતાને ઋજુતાપૂર્ણ રૂપે રજુ કરવી હોય તો પુરુષ સ્વર તરીકે
હેમંત કુમારના સ્વરનો નૈસર્ગિક મુલાયમ સ્પર્શ જ સહજ બની રહે !
૧૯૬૨ પછી હેમંત કુમારનું ધ્યાન એક તરફ પોતાનાં જ નિર્માણ ગૃહ દ્વારા બની રહેલી ફિલ્મો તરફ વધારે રહેવા લાગ્યું, તો બીજી તરફ હવે તેમને બંગાળી ફિલ્મોમાં પણ વધારે માન અને સફળતા મળવા લાગ્યાં હતાં. આવાં કારણોસર, કદાચ, હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે બહુ ચોક્કસ સંજોગોમાં જ ગીતો ગાવાનું સ્વીકારવાનું શરૂ કર્યું હશે તેવું ૧૯૬૨ પછીના તેમનાં અન્ય સંગીતકારો માટેનાં ગીતો માટે જોવા મળે છે.
પરિણામે તેમનાં નિર્માણ ગૃહ માટે સંક્રિય રહ્યા એ ૧૯૬૨થી ૧૯૬૯નાં વર્ષોમાં
તેમનાં અન્ય સંગીતકારોમાટે ગાયેલાં ગીતોની સંખ્યા સાવ નગંણ્ય કહી શકાય તે કક્ષાએ
પહોંચી ગઈ. વળી,
ફિલ્મ સંગીતની પસંદનાપસંદના નવી પેઢીના
બદલતા જતા પ્રવાહોની સામે, ગયા દાયકાઓના સંગીતકારો ખુદ પણ હવે પોતપોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે ગાયકો વધારે ચલણી હતા તેનાથી દૂર
રહેવાનું જોખમ ઓછું ખેડવા લાગ્યા હતા. આવા સમયમાં હેમંત કુમારનું એક જ યુગલ
ગીત - છૂપા લો યું
દિલમેં પ્યાર મેરા - મમતા,
૧૯૬૪; સંગીતકાર રોશન; ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી - સર્વકાલીન શ્રેષ્ઠ હિંદી ફિલ્મ
ગીતોની કક્ષાનું આવ્યું તે આશ્ચર્યની વાત નથી લાગતી.
હેમંત કુમાર હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રે છેક '૮૦ના દાયકા સુધી, તકનીકી સ્વરૂપે, સક્રિય રહ્યા. પરંતુ એ સમયમાં તેમનાં જે
કોઈ રડ્યાં ખડ્યાં યુગલ ગીતો આવ્યાં તે આજના મણકાનાં ગીતોની હરોળમાં મુકવાનું મન ન
થાય એ કક્ષાનાં હતાં. એટલે હેમંત કુમારની હિંદી ફિલ્મનાં ગીતોના ગાયક તરીકેની કારકિર્દીની
વાત અહીં જ પુરી કરીએ ત્યારે કૈફી આઝમીએ તેમના માટે કહેલ આ પંક્તિઓની યાદ આવે છે.
घुल-सा जाता है सुरूर फ़िज़ा में
तेरी आवाजको सुनुं या तेरी मौसिक़ी
सराहुं ?[1]
પ્રસ્તુત શ્રેણીમાં હવે હેમંત કુમારની બંગાળી ફિલ્મોની
કારકિર્દીની વાત કરીશું
- શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ
- શ્રી એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com
- સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/
[1] ‘Hemant Kumar: Singer with a
perfect baritone’ by Sumit Paul
'હેમંત
કુમારે 'અન્ય' સંગીતકારોનાં દિગ્દર્શનમાં ગાયેલાં યુગલ ગીતો' સ્વરૂપે
એકત્રિત કરેલ ફાઈલમાં "હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો
માટે, માઈક્રોફોનની
સામે, ગાયકની
ભૂમિકામાં - યુગલ ગીતો ભાગ [૧], ભાગ [૨]અને ભાગ [૩] એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.
'હેમંત કુમારે 'અન્ય' સંગીતકારોનાં દિગ્દર્શનમાં ગાયેલાં ગીતો' સ્વરૂપે એકત્રિત કરેલ ફાઈલમાં હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં - સૉલો ગીતો તેમજ યુગલ ગીતો - એમ બન્ને પ્રકારનાં ગીતો એકસાથે સાંભળી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.