Showing posts with label Mohammad Rafi-1946-1980-35 Yeras-35 songs. Show all posts
Showing posts with label Mohammad Rafi-1946-1980-35 Yeras-35 songs. Show all posts

Sunday, June 16, 2024

મોહમ્મદ રફી – ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો – [ ૩ ] : ૧૯૬૮ થી ૧૯૮૦

 ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો :  વર્ષ ૧૯૫૭ - ૧૯૬૭થી આગળ

શિવનંદમ પાલમડાઈ



૧૯૬૮ - લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં હજારો રંગ કે નઝારે બન ગયે - કન્યાદાન - શંકર જયકિશન - નીરજ - શશી કપૂર

શૈલેન્દ્રના નિધન પછીના વર્ષોનાં આ ગીતમાં હવે નીરજ ગીતકાર તરીકે આવી ગયા છે.

જોકે શંકર જયકિશનની હવે 'લાઉડ' થતી જણાતી શૈલીની સાથે મોહમ્મદ રફીની ઊંચા સ્વરમાં અદાયગી હજુ પણ મહદ અંશે કર્ણપ્રિય રહી છે.



૧૯૬૯ - તેરી આંખોંકે સિવા ઈસ દુનિયામેં રખા ક્યા હૈ - ચિરાગ - મદન મોહન - મજરૂહ સુલ્તાનપુરી - સુનીલ દત્ત

મદન મોહનની ધુનને મોહમ્મદ રફીએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. 'ઈનમેં મેરે આનેવાલે' કે 'આંખોં કે' સમયે અલગ જ લહેકો 'ર..ખ્ખા' અને 'ક્યા હૈ ' વચ્ચે થોડું અંતર જેવી હરક્તો રફીની આગવી પહેચાન બની ચુક્યાં હતાં.

 
૧૯૭૦ - તુમ સે કહું એક બાત પરોંસે હલકી હલકી - દસ્તક - મદન મોહન - મજરૂહ સુલ્તાનપુરી - સંજીવ કુમાર

પ્રેમીકાના છેક હોઠ પાસે લાવીને બોલાતા ગીતના શબ્દો બહાર વરસાદની ઝરમરની અસરને વધારે આત્મીય અને માદક બનાવી રહે છે.

આવો જ યાદગાર પ્રયોગ મદન મોહને 'હીર રાંઝા' (૧૯૭૦)નાં રફી - લતાનાં યુગલ ગીત મેરી દુનિયામેં તુમ આયે' (ગીતકારઃ કૈફી આઝમી) માં પણ કર્યો છે.


૧૯૭૧ - યે જો ચિલમન હૈ દુશ્મન હૈ હમારી - મેહબુબ કી મેંહદી - લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - આનંદ બક્ષી - રાજેશ ખન્ના

'આરાધના' પછી પણ રાજેશ ખન્ના માટે રફીએ ગાયેલાં આ ગીતમાં રફીએ જે કુમાશથી ગીતની રજૂઆત કરી છે તે રફીના જ નહીં પણ રાજેશ ખન્નાના ચાહકોને પણ એટલી જ પસંદ પડી હતી.

જોકે સંગીતકારોએ એક ગીત - મેરે દીવાનેપન કી દવા નહીં - કિશોર કુમાર પાસે, તેમને અનુરૂપ શૈલીમાં, પણ ગવડાવવું પડ્યું છે.


૧૯૭૨ - એક ના એક દિન કહાની બનેગી તુ મેરે સપનોંકી રાની બનેગી - લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - આનંદ બક્ષી - રાજેન્દ્ર કુમાર

જયકિશનનાં અવસાન પછી રાજેન્દ્ર કુમાર માટે ગવાયેલાં ગીતોની શંકર જયકિશનની આગવી હથોટીનો વારસો જાણે લક્ષ્મીકાન્ત પ્યારેલાલ જાળવી રહ્યા છે !

 
૧૯૭૩ - તુમ જો મિલ ગયે હો તો યે યે લગતા હૈ કે જહાં મિલ ગયા હૈ - મદન મોહન - કૈફી આઝમી - નવીન નિશ્ચલ

બદલતી જતી લય, દરેક લયમાં પરદા પરની સીચ્યુએશનને જીવંત કરતી ગાયકી જેવા મદન મોહને કરેલા અદ્‍ભૂત પ્રયોગોને મોહમ્મદ રફીએ એટલા જ અનોખા અંદાજમાં રજુ કરેલ છે.

https://www.youtube.com/watch?v=7cQaLY4sUDo

૧૯૭૪ - તેરી ગલીયોંમેં ન રખેંગે કદમ - હવસ - ઉષા ખન્ના - સાવન કુમાર - અનિલ ધવન

ઉષા ખન્ના તેમની કારકિર્દીની ૧૯૫૯ થી કરેલી શરૂઆતથી મોહમ્મદ રફી પાસે ઘણાં યાદગાર ગીતો ગવડાવ્યાં છે. મહેમઉદ જેમાં હીરો છે એવી ફિલ્મ, લગભગ 'બી' ક્લાસની ફિલ્મ શબનમ (૧૯૬૪)માં પણ તેમણે રફીના સ્વરમાં મૈને રખા હૈ મોહબ્બત અપને અફસાને કા નામ અને યે તેરી સાદગી યે તેરા બાંકપન જેવાં યાદગાર ગીતો આપ્યાં છે.

 
૧૯૭૫ - દૂર રહે કર ન કરો બાત કરીબ આ જાઓ - અમાનત - રવિ - સાહિર લુધિયાનવી - મનોજ કુમાર

મનોજ કુમાર જ્યારે મહેન્દ્ર કપૂર કે મુકેશના જ સ્વરોમાં ગીત ગાતા એવા બદલી ગયેલા સમયમાં પણ રવિ, તેમના સાહિર લુધિયાનવી સાથેના સુવર્ણ કાળને છાજે એવી રચના મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ કરે છે.

૧૯૭૬ - બરબાદ - એ - મોહબ્બત કી દુઆ સાથ લે જા, ટૂટા હુઆ ઈકરાર - એ - વફા સાથ લે જા - લૈના મજ઼નુ - મદન મોહન - સાહિર લુધિયાનવી - ઋષિ કપૂર

મદન મોહન (૧૯૨૪), સાહિર લુધિયાનવી (૧૯ર૧) અને મોહમ્મદ રફી (૧૯૨૪) ઋષિ કપૂરથી ખ્ખાસી એક આખી પેઢી આગળના છે. પણ તેમનાં સંગીતને ઉમરની આવી દિવાલો નડતી નથી !

 ૧૯૭૭ - કહીં એક માસુમ નાજ઼ુક સી લડકી બહુત ખુબસુરત મગર સાંવલી સી ... મુઝે આપને ખ્વાબોં કી બાહોંમેં પાકર કભી નિંદમેં તો મુસ્કરાતી તો હોગી - શંકર હુસ્સૈન - ખય્યામ - કમાલ અમરોહી - કંવલજીત

ઉમદા શરાબ જેમ જૂનો થાય તેમ વધુ મુલાયમ બને અને વધુ અસરકારક બને એમ જ ખય્યામ તેમની બીજી ઇનિંગ્સમાં એમની જ ઉમરના શ્રોતાઓને પણ પોતાની ઉમર ભુલાવી દે એવી રચના સર્જે છે !


૧૯૭૮ - હમમેં હૈ ક્યા કે હમેં કોઈ હસીના ચાહે ... સિર્ફ જજ઼બાત હૈ જજ઼બાતમેં ક્યા રખા હૈ - નવાબ શૈખ - સી અર્જુન - સાહિર લુધિયાનવી - પરિક્ષિત સાહની

આ આખી શ્રેણીમાં આ એક ગીત એવું છે જેની ફિલ્મ અને ગીત કદાચ સાવ અજાણ્યાં કહી શકાય. જોકે સંગીતકાર, ગીતકાર, ગાયક અને અબિનેતા બહુ જાણીતા છે. સી અર્જુન જેવા પ્રતિભાશાળી સંગીતકાર અને સાહિર જેવા શાયરની રચના હોવાને કારણે આ ગીત હવે લુપ્ત થતાં જતાં માધુર્યમાં મીઠી વીરડી સમાન લાગે છે.

મોહમ્મદ રફીનો સ્વર કેટલો યુવાન લાગે છે !


૧૯૭૯ - ખુશ્બુ હું મૈં ફૂલ નહીં હું જો મુર્જાઉંગા...જબ જબ મૌસમ લહેરાયેગા મૈં આ જાઉંગા - શાયદ - માનસ મુખર્જી - નિદા ફાઝલી - નસીરૂદ્દીન શાહ

આ ગીતના સંગીતકાર ખરા અર્થમાં નવી પેઢીના કહી શકાય. જોકે માનસ મુખર્જીની પ્રતિભાની પુરી ઓળખ થાય તે પહેલાંતો, ૪૩ વર્ષની વયે, તેઓ આ દુનિયા છોડી ગયા. તેમનાં સંતાનો, શાન અને સાગરિકાને શ્રોતાઓની નવી પેઢીએ ગાયકો તરીકે બહુ નવાજ્યાં.

આ ગીતના બીજા જૉડીયા ભાગમાં મોહમ્મદ રફીની સાથે સાગરિકા પણ સાથ આપે છે.

અહીં મુકેલ લિંક વડે બન્ને ભાગને ઑડીયો સ્વરૂપે સાંભળી શકાય છે.

 
૧૯૮૦ - મૈંને પૂછા ચાંદ સે કે દેખા હૈ મેરે યાર સા હસીન, ચાંદને કહા ચાંદનીકી કસમ નહીં નહીં નહીં - અબ્દુલ્લાહ - આર ડી બર્મન - આનંદ બક્ષી - સંજય ખાન

મોહમ્મદ રફી સાથે આર ડી બર્મનનું આ છેલ્લું ગીત કહી શકાય. આર ડી અને રફીના વ્યવસાયિક સંબંધો વિશે જે પણ કંઇ કહેવાતું રહ્યું છે તે દરેક વાતને આ બન્નેએ જે ગીતો આપ્યાં છે તે સાવ તથ્યવિહિન સાબિત કરતાં હોય તેવું લાગે.

 

Sunday, May 26, 2024

મોહમ્મદ રફી - જન્મ શતાબ્દી : ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો : [૨] - વર્ષ ૧૯૫૭થી ૧૯૬૭

૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો :  વર્ષ ૧૯૪૬ - ૧૯૫૬ થી આગળ


૧૯૪૬થી ૧૯૫૬નાં વર્ષો દરમ્યાન લગભગ દરેક સંગીતકારોએ મોહમ્મદ રફીની ગાયકીને પોતપોતાની સંગીત શૈલીમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હોય એવું પહેલી નજરે જણાય. જોકે, નિષ્પક્ષ દૃષ્ટિએ જોઈએ તો મોહમ્મદ રફીએ લગભગ શરૂઆતનાં વર્ષોથી જ પોતાની આગવી શૈલી વિકસાવવા માટે સભાનપણે પ્રયત્ન કરવાનું ચાલુ કરી દીધું હતું, કેમકે તેઓ એટલું તો સમજી ચુક્યા હતા કે કે એલ સાયગલની અસરમાં બહાર આવી રહેલાં પુરુષ પાર્શ્વગાયનનાં ક્ષેત્રમાં મુકેશ, તલત મહમુદ કે મન્ના ડે જેવા પોતપોતાની શૈલી ધરાવતા ગાયકો સામે સ્પર્ધામાં ટકવું હશે તો પોતાની આગવી શૈલી વિકસાવવી એ જ એકમાત્ર વ્યુહરચના હોવી જોઈશે.

૧૯૫૭નાં વર્ષથી આ વ્યુહરચનામાં તેમણે કરેલું રોકાણ હવે વળતર આપતું જણાતું લાગવા માંડ્યું હતું. બલ્કે, તેમનાં ગીતોનાં વધતા જતા પ્રકારોની સાથે હવે જે જે સંગીતકારો સાથે તેમણે કામ કરવાની તક મળતી હતી એ સંગીતકારો પણ સફળતાની કેડીએ ચડી જતા જોવા મળતા હતા. 

૧૯૫૭ - યે મહલોં યે તખ્તોં યે તાજોં યે સમાજોંકી દુનિયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ - પ્યાસા - એસ ડી બર્મન - સાહિર લુધિયાનવી - ગુરુદત્ત 

આ પહેલાં ગુરુદત્ત  પણ હલકી ફુલકી ફિલ્મો બનાવતા જેમાં તેમના સ્વર માટે ઓ પી નય્યર એવી જ મસ્તીભરી અદાઓમાં મોહમ્મ્દ રફી પાસે ગીતો ગવડાવતા. પ્યાસાથી ગુરુદત્તે પણ હવે નવી કેડી કડારવાનું શરૂ કર્યું હતું. એસ ડી બર્મન પણ દેવ આનંદની હળવી ફિલ્મોમાંથી બહાર આવીને બહુ અર્થપૂર્ણ ગીતો બનાવી રહ્યા હતા. આવા સંજોગોમાં મોહમ્મદ રફીએ પોતાનાં સુર વૈવિધ્યની સચોટ સાબિતી સિદ્ધ કરી આપી. 



૧૯૫૮ - હૈ કલી કલી કે લબ પર તેરે હુસ્નકા ફસાના - લાલા રૂખ - ખય્યામ - કૈફી આઝમી - અન્ય કલાકાર 

ખય્યામનાં સંગીતમાં માધુર્ય હતું તે તો તેમની શરૂ શરૂની ફિલ્મથી જ ફલિત થઈ ગયું હતું. અહી તેઓ મધ્ય - પૂર્વની ધુનને એક બહુ જ રોમેંટીક અંદાજમાં રજુ કરે છે, જે રફી તો એક સિદ્ધહસ્ત ગાયકની અદાથી શ્રોતાઓનાં દિલોમાં રમતું કરી મુકે છે.



૧૯૫૯ - દીવાના આદમીકો બનાતી હૈ રોટીયાં - કાલી ટોપી લાલ રૂમાલ - ચિત્રગુપ્ત - મજરૂહ સુલ્તાનપુરી - આગા 

ભાભી (૧૯૫૭)ની સફળતા પછી ચિત્રગુપ્ત મોહમ્મદ રફી પાસે વિવિધ વિષયો પરનાં ગીતોના સફળ પ્રયોગ કરતા થઈ ગયા. પ્રસ્તુત ગીતમાં આમ આદમીની ભૂખ સામેની લાચારીના કણસાટને મોહમ્મદ રફી બહુ અસરકારક રીતે રજૂ કરે છે.



૧૯૬૦ - ઝિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત એક અન્જાન મુસાફિર સે મુલાકાત કી રાત  - બરસાત કી રાત - રોશન - સાહિર લુધિયાનવી - ભારત ભુષણ 

રફીના પૂર્ણ મધ્યાહ્ને તપતા સૂર્યના પ્રકાશે રોશન, અને એસ ડી બર્મન સાથે નંદવાયેલા સંબંધો પછી સાહિર લુધિયાનવી - રોશનના સંબંધને પણ ગ્રહણની બહાર લાવી દીધા. 'બરસાત કી રાત'નું દરેક ગીત રોશન, સાહિર અને રફીની કારક્રિર્દીનું અનમોલ નજ઼રાણું બની રહ્યું છે. 

રફીએ 'બરસાઆઅત' શબ્દને દરેક વખતે જે અલગ અલગ અંદાજમાં રજૂ કર્યો છે તે તેમની આગવી શૈલીની ઓળખ છે.



૧૯૬૧ - કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, બાત નીકલી તો હરેક બાત પે રોના આયા - હમ દોનો - જયદેવ - સાહિર લુધિયાનવી - દેવ આનંદ 

'હમ દોનો' ની સફળતામાં જયદેવસાહિરનો પોતપોપોતાનો તેમ જ સહિયારો જે ફાળો છે તેને કારણે  પછીથી તેમના સંબંધ વિચ્છેદને કારણે બન્નેની કારકિર્દીને કેટલું નુકસાન થયું એ વિશે કોઈ અનુમાન કરવાની કોઈ પણ હિંમત પણ નથી કરતું. 

'હમ દોનો'નાં બીજાં બે ગીતો - અભી ન જાઓ છોડકર કે મૈં ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયા માંથી કોઈ એક પસંદ કર્યું હોત તો પણ રફીની ભાવ અદાયગી, પુનરવાર્તન પામતા સ્થાયી શબ્દને રમાડવાની અને અદાકારને અનુરૂપ ગીત રજુ કરવા વિશે તો એક સરખું જ કહી શકાય તેમ છે. પ્રસ્તુત ગીત આ બન્ને ગીતો કરતાં રચનાની, શબ્દપ્રયોગની તેમ જ ભાવ અદાયગીની સંકુલતાની દૃષ્ટિએ ખાસ્સું મુશ્કેલ છે. અને તેમ છતાં, બીજાં ગીતો જ જેટલું જ લોકચાહના મેળવી શક્યું છે તેમાં રફીનો ફાળો વિશેષ જરૂર કહી શકાય.



૧૯૬૨ - અબ ક્યા મિસાલ દું તુમ્હારે શબાબ કી - આરતી - રોશન - મજરૂહ સુલ્તાનપુરી  - પ્રદીપ કુમાર 

પ્રિયતમાના રૂપનાં વખાણ કરવામાં પ્રેમીને ભાવ અભિવ્યક્તિની કચાશ નડતી હોય તો પ્રસ્તુત ગીત જેવાં મોહમ્મદ રફીનાં અનેક ગીતો તેની મદદે મળી રહે તેમ છે.

મજાની વાત તો એ પણ છે કે આ પ્રકારનાં ગીતોના ગીતકારો જે વૈવિધ્યસભર કલ્પનાઓને વહેતી મુકી છે એટલી જ એ ગીતોની રચના સંગીતકારોએ પોતાની બધી જ કળા નીચોવીને કરી છે. રફીની રજુઆત તો સદા તાજા હોય જ !



૧૯૬૩ - યાદ ન જાએ બીતે દિનોંકી જા કે  ન આયે જો દિન દિલ ક્યું બુલાએ ઉન્હેં - દિલ એક મંદિર - શંકર જયકિશન - શૈલેન્દ્ર - રાજેન્દ્ર કુમાર

કારૂણ્ય છલકતા સ્વરમાં છેક નીચેથી ઉપર સુધીના આરોહ અવરોહની કળાનું આ ગીત એક આદર્શ ઉદાહરણ ગણાય છે. રફીના સ્વરમાં ગીત સાંભળીએ ત્યારે ગીત ગાવું જેટલું સહજ જણાય પણ ખરેખર કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ તો જાહેર કાર્યક્રમોમાં સારા સારા ગાયકોને આ ગીત ગાતાં જે ફાંફાં પડતાં હોય છે તેનાથી જ આવી જાય છે.




૧૯૬૪ - હૈ દુનિયા ઉસીકી જમાના ઉસીકા મોહબ્બતમેં જો હો ગયા હો કિસી કા - કશ્મીરકી કલી - ઓ પી નય્યર - એસ એચ બિહારી - શમ્મી કપૂર 

ગીતની બાંધણી, સેક્ષોફોનનો આગવો સાથ કે શમ્મી કપૂરની દિલોજાનથી અદાયગીને પણ ભુલાવી દે એવી આ ગીતમાં પ્રેમભગ્નતાના વિશાદની, શરાબના નશા સાથે ઘુંટાતી રહેતી, મોહમ્મદ રફીની અભિવ્યક્તિ રહી છે. આ ગીત આંખો બંધ કરીને સાંભળ્યું હોય તો ગીતની અસર કલાકો સુધી મન પર છવાયેલી જરૂર જ રહે !



૧૯૬૫ - દિન ઢલ જાયે હાયે રાત ન જાય તુ તો ન આયે તેરી યાદ સતાયે - ગાઈડ - એસ ડી બર્મન - શૈલેન્દ્ર - દેવ આનંદ 

આ ગીત વિશે બે વાત  નોંધપાત્ર ગણી શકાય.

મોટા ભાગના બંગાળી સંગીતકારોની મોહમ્મદ રફીની ગાયકી સાથે એક ફરિયાદની વાત હંમેશાં કરાતી જોવા મળે છે - તેમના અવાજમાં સહજ મૃદુતા નથી.  એસ ડી બર્મન એટલે, જો શક્ય હોય તો કિશોર કુમારનો સ્વર વાપરવાનું પસંદ કરતા. જોકે ગીર મોહમ્મદ રફી પાસે જ ગવડાવું પડે તો ગીતને નરમાશથી ગવડાવવાના આગ્રહ સાથે સાથે રફીની દોઢબે સુર સુધીની આરોહ અવરોહ, ગીતના ભાવના મુખ શબ્દને અલગ અલગ અદાથી રજૂ કરવો કે પરદા પરના અભિનેતાની ગીતમાં જીવંત કરવો જેવી ખુબીઓનો પણ ઉપયોગ કરી લેવાનું ચુકતા નહીં. આ  ગીત આ બાબતનો એક આદર્શ પુરાવો બની રહે છે.

તે ઉપરાંત રફી પાછા ગીતના ભાવ મુજબ પણ તે ગીતના હાર્દ સમા શબ્દને ગીતના મુડ મુજબ પળોતી શકતા. જેમકે અહીં તેઓ તુમ મુઝસે મૈં દિલ સે પરેશાંમાં મુઝસે જુદા ઔર જગસે પરાયે હમ દોનો થે સાથની વિટંબણા વીંટળાતી રહે છે. તો મેરે મહેબુબ તુઝે મેરી મહોબ્બત કી ક઼્સમ માં તેરી ફુરકતને પરેશાં કિયા મુઝકો માં પ્રેમી સાથે મિલાપ ન થવાથી જે પરેશાની અનુભવાય છે તેની મીઠી ફરિયાદ છે. 



૧૯૬૬ - ઝુલ્ફોંકો હટા લે ચેહેરે સે થોડા સા ઉજાલા હોને દે - સાવનકી ઘટા - ઓ પી નય્યર - એસ એચ બિહારી - મનોજ કુમાર 

મુખડાના ઉપાડમાં રેલાતો સુંવાળો આલાપ મનોજ કુમારની અભિનય શૈલીને અનુરૂપ કહી શકાય તેમ છે. પરંતુ થોડા આગળ વધતાં ખુલ્લામાં ગીત ગવાતું હોય તો થોડા ઊંચા સ્વરે કોઈ પણ વ્યક્તિને ગાવાનું મન થઈ જાય એ પણ સ્વભાવિક છે. ગીતમાં રફીએ 'થોડા સા ઉજાલા હોને દે'ને જુદી જુદી રીતે લડાવેલ છે.



૧૯૬૭ - અકેલે હૈ ચલે આઓ જહાં હો તુમ, કહાં આવાજ઼ દે તુમ કો કહાં હો  - રાઝ - કલ્યાણજી આણંદજી - શમીમ જયપુરી - રાજેશ ખન્ના

આ ગીત આમ તો વિરહનાં ગીત તરીકે ગવાયું છે. રફીના દરેક સ્વરમાં વિરહની વેદના ટપકે છે. તેમાં પણ મુખડા કે અંતરામાં જે પંક્તિ ઊચા સુરમાં જાય છે તેમાં એ વેદના જાણે વધારે પીડા કરતી હોય તેવો ભાવ આપણા મનમાં પણ છવાઈ જાય છે. 

વિરહનો આ જ ભાવ રહસ્યમય રીતે લતા મંગેશકરના સ્ત્રી સ્વરનાં ગીતમાં રજુ થયો છે.

બન્ને ગાયકોએ એક જ ભાવને સાવ અલગ સંદર્ભ કેટલી ખુબીથી રજુ કરેલ છે!




કલ્યાણજી આણંદજીમાં કલ્યાણજી (વીરજી શાહ)નો સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ ૧૯૫૯માં થયો. તે પછી ત્રણ ફિલ્મો બાદ 'મદારી'માં તેમની સાથે આણંદજી પણ જોડાયા. આમ, '૫૦ના દાયકાથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ સંગીતક્ષેત્રે દાખલ થયેલ છેલ્લા સંગીતકારો ગણાય. 


૧૯૪૬૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો શ્રેણીનું એ સંદર્ભમાં ૧૯૬૭નું વર્ષ એક મહત્ત્વનો પડાવ કહી શકાય. તેથી આપણે અહીં ટુંકો વિરામ લઈશું. હવે પછીના મણકામાં આ શ્રેણી પુરી કરીશું.

Sunday, April 28, 2024

મોહમ્મદ રફી - જન્મ શતાબ્દી : ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો : [૧] - વર્ષ ૧૯૪૬ - ૧૯૫૬

 

શિવનંદમ પાલમડાઈ

શ્રી શિવનંદમ પાલમડાઈની વ્યવસાયિક કારકિર્દી માર્કેટીંગના ક્ષેત્રની રહી છે. મૂળ તમિલનાડૂના એવા શ્રી પાલમડાઈ છેલ્લાં પચીસ વર્ષોથી પુણેમાં સ્થાયી થયા છે અને હવે પોતાના સમયને વ્યવસાય અને પસંદગીઓની વચ્ચે પોતાની ઈચ્છા મુજબ વહેંચીને વ્યસ્ત રહે છે. હિંદી ફિલ્મો અને ગૈરફિલ્મી હિંદી ગીતો ઉપરાંત તેઓ કર્ણાટકી અને પાશ્ચાત્ય સંગીતના પણ ચાહક છે. મોહમ્મદ રફી પરનાં ફોરમમાં તેઓ અવારનવાર લેખો લખે છે.

મોહમ્મદ રફી પાર્શ્વગાયક તરીકે જેટલા બહુવિધપ્રતિભાશાળી હતા એટલા જ વ્યક્તિ તરીકે કુટુંબવત્સલ, નિરાભામાની, પરગજુ અને નમ્ર પણ હતા. ફિલ્મ સંગીતના ચાહકોમાં અમુક ગાયક કે સંગીતકાર, કે ગીતકાર બાબતે પોતપોતાની આગવી વધારે ઓછી પસંદ જરૂર  રહે, પણ મોહમ્મદ રફી માટે ગાયક તરીકે થોડું પણ ઘસાતું બોલતું તો કોઈ સાંભળવા જ નહીં મળે. ઓછા જાણીતા સંગીતકારોનાં ગીતોનાં રેકોર્ડિંગ માટે સમય ફાળવવામાં ઠાગાઠૈયા કરવા કે ગીત ગાવામાં ઓછું ધ્યાન આપવું  એવું તો તેમના સ્વભાવમાં જ નહોતું.. આજે તો હવે એ પણ બહુ જાણીતું છે કે તેમણે ઘણા નવા સંગીતકારો પાસેથી તેમની પહેલવહેલી ફિલ્મ માટે સાવ નામનું જ મહેનતાણું જ લીધું હતું.

ગીતની રચના મુજબ પોતાના સુરના આરોહ અવરોહને તો તેઓ આગવી અદાયગી આપવામાં કુશળ હતા જ પણ તે સાથે ગીતના ભાવ પણ તેઓ એટલી જ સહજ રીતે રજુ કરી શકતા.  ભક્તિ ગીતોથી લઈને રોમંસનાં, દેશ પ્રેમનાં ગીતોથી લઈને શરાબીઓ માટેનાં, કરૂણ ગીતોથી લઈને હાસ્ય ગીતો, શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતોથી માંડીને સાવ જોડકડાં જેવાં કે ભિક્ષુક માટેનાં ગીતોથી લઈને પોતે બનાવેલ ચીજ વસ્તુઓ વેંચતાં નાના વેપારીઓ માટ કે ગજ઼લથી લઈને કવ્વાલીઓ સુધીના દરેક ગીત પ્રકાર તેઓ એટલી જ સહજતાથી ગાઈ શકતા.

પરદા પર ગીતને ગાઈ રહેલા અભિનેતાની શૈલી પણ તે પોતાની ગાયકી દ્વારા જ એટલી વાસ્તવિકતાથી રજુ કરતા કે ગીત સાંભળતાં વેંત કયા અભિનેતાએ પરદા પર ગીત ગાયું હશે તે કલ્પી શકાતું. ૧૯૪૪થી ૧૯૮૦ સુધીની કારકિર્દીમાં તેમણે એ સમયના લગભગ બધા જ નામી અનામી અભિનેતાઓ, ચરિત્ર અભિનેતાઓ કે કોમેડીયનો માટે ગીત ગાયાં હતા. પૃથ્વી રાજકપૂર (પંજાબી ફિલ્મમાં), તેમના ત્રણેય પુત્રો રાજ, શમ્મી અને શસી તેમ જ પછીની પેઢીના રણધીર અને ઋષિ, એમ ત્રણ પેઢીઓ માટે તેમણે ગીતો ગાયા. બલરાજ સાહની અને તેમના પુત્ર પરિક્ષિત માટે પણ તેમણે પોતાનો સ્વર આપ્યો તો ફિલ્મ જગતના બધા કુમારો  - દીલીપ, રાજેન્દ્ર, મનોજ, સંજીવ - માટે તેમણે યાદગાર ગીતો ગાયાં. કે એલ સાયગલનું ગીત તેમણે માઈક વિના ગાઈને સાયગલ સાહેબની સરાહના મળવી. ગત પેઢીના શ્યામ, તે પછી ધર્મેંદ્ર અને નવી પેઢીના અમિતાભ, વિનોદ ખન્ના, જીતેન્દ્ર અને શત્રુઘ્ન શર્મા માટે પણ તેમણે ગીતો ગાયા. જોહ્ની વૉકરની તેઓ અનિવાર્ય એવી પાર્શ્વસ્વર ઓળખ ગણાતા.

તેમણે પોતાના સમયનાં બીજાં બધાં  પાર્શ્વગાયકો સાથે તો ગીતો ગાયાં છે. એક સમયના તેમના રોલ મૉડેલ સમા જી એમ દુર્રાની માટે પણ તેમણે ગીત ગાયું. તેમના વ્યવસાયિક હરીફ સમા કિશોર કુમાર માટે તો તેમણે  કોઈ જાતનાં અભિમાન વિના પરદા પાછળ પણ ગાયું. એટલું જ નહીં પણ બેકગ્રાઉન્ડ ગીતો પણ તેમની આગવી ખાસીયત ગણાતી. બીજી પણ એક ખાસ વાત તરફ ધ્યાન જાય છેઃ ૧૯૪૬નાં ગીત, કહ કે ભી ન આયે તુમ,માં પોતાની ઉમરનાં  બાવીસમા વર્ષે તેઓ જે સહજતાથી ગંભીર બની શકે છે એટલી જ સહજતાથી ૧૯૮૦નાં પોતાની વયના ચોપનમા વર્ષે તેઓ મૈને પુછા ચાંદસે માં તેઓ નવયુવાનને શરમાવે તેવા નખશીખ પ્રેમી લાગે છે.


આવા બહુપ્રતિભાવાન, બહુઆયામી ગાયક એવા મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી નિમિત્તે ૧૯૪૪ અને ૧૯૪૫નાં તેમની સાવ શરૂઆતનાં બે વર્ષો છોડીને ૧૯૪૬થી ૧૯૮૦ સુધીનાં ૩૫ વર્ષનાં દરેક વર્ષનાં એક એક પ્રતિનિધિ ગીતને પસંદ કરવું એ પહેલી નજરે તો સાવ અસંભવ કામ જણાતું હતું. તેમણે જેમના માટે ગીતો ગાયાં એવા સંગીતકાર કે અભિનેતા દીઠ કે તેમણે ગાયેલાં ગીતોના પ્રકાર દીઠ તો દરેક વિષય પર અનેક લેખો લખાય તો પણ મોહમ્મદ રફીની ગાયન પ્રતિભાનો સર્વગ્રાહી પરિચય ન આપી શકાય. ઘણી મથામણને અંતે એમ નક્કી કર્યું કે દરેક વર્ષનું, મારી પોતાની પસંદ મુજબનું એક ગીત પસંદ કરવું. એમ કરતાં શક્ય એટલા જુદા જુદા ભાવનાં પ્રકારનાં કે સંગીતકારો માટેનાં ગીતો રજુ કરી શકાય તેવો સન્નિષ્ઠ પ્રયાસ કરવો. પરિણામે, ૧૯૪૬થી ૧૯૮૦ સુધીના ૩૫ વર્ષનાં ૩૫ ગીતોની આ યાદીમાં આના કરતાં પેલું ગીત વધારે સારૂ રહેત કે આ સંગીતકાર તો સાવ ભુલાઈ જ ગયા એવો અસંતોષ જરૂર અનુભવાશે. પણ મોટું મન રાખીને મારી આ મર્યાદાને દરગુજર કરવાની મારી વિનંતિ છે.

ગીતોની રજુઆત ફિલ્મની રજુઆતનાં વર્ષના ક્રમમાં કરેલી છે. દરેક ગીતની ઓળખ માટે, ફિલ્મની રજુઆતનું વર્ષ, ગીતના મુખડાના બોલ, ફિલ્મનું નામ, સંગીતકાર, ગીતકાર અને પરદા પર ગાઈ રહેલ અભિનેતાનું નામ એ ક્રમ રાખેલો છે. ૧૯૪૭, ૧૯૪૮ અને ૧૯૫૦ સિવાય બાકીનાં દરેક વર્ષ માટે મોહમ્મદ રફીનાં સોલો ગીતો જ પસંદ કરેલ છે. 

૧૯૪૬ - કહ કે ભી ન આયે તુમ અબ છુપને લગે તારે - સફર - સી. રામચંદ્ર - જી એસ નેપાલી - કનુ ઘોષ 

બાવીસ જ વર્ષની ઉમર, કારકિર્દીનાં તો પહેલે પગથિયે જ પગ મુક્યો છે, પણ  મોહમ્મદ રફી પાસેથી ભવિષ્યમાં કેવાં કેવાં ગીતો મળી શકશે તેની આલબેલ તો આ ગીતમાં સ્પષ્ટપણે સભળાય છે.

જો કે આ સિવાય પણ ફિલ્મમાં મોહમ્મદ રફીનું એક અન્ય સોલો ગીત - અબ વો હમારે હો ગયે ઈકરાર કરે યા ન કરે- પણ નોંધપાત્ર રહ્યું હતું.


૧૯૪૭ - યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ - નુરજહાં સાથે - જુગનુ - ફિરોઝ નિઝામી -  અસગર સરહદી - દિલીપ કુમાર (અને નુરજહાં)

મોહમ્મદ રફીનું નુરજહાં સાથેનું એક માત્ર યુગલ ગીત !

આ ફિલ્મનાં એક ગીત - વો અપની યાદ દિલાને કો - માં મોહમ્મદ રફીએ પોતે જ પરદા પર ગીત ગાયું છે. 




૧૯૪૮ - સોલહ બરસ કી ભઈ ઉમરીયા - શમશાદ બેગમ અને સાથીઓ સાથે - આગ - રામ ગાંગુલી -  બહઝાદ લખનવી - સત્યનારાયણ (નરગીસ અને સાથીઓ સાથે) 

રાજ કપુરને સિનેમાના મહાન શોમેન તરીકે કેમ ઓળખવામાં આવતા તે આ ગીતનાં બહુ અનોખાં ફિલ્માંકન દ્વારા સમજી શકાય છે.

ગીત લોકગીતના ઢાળ પર બનાવાયું છે.

આહ અને જિસ દેશમેં ગંગા બહેતી હૈ સિવાય આર કે ફિલ્મ્સની મેરા નામ જોકર સુધીની દરેક ફિલ્મમાં મોહમ્મદ રફીને સ્થાન મળ્યું જ છે! 



૧૯૪૯ - સુહાની રાત ઢલ ચુકી ના જાને તુમ કબ આઓગે - દુલારી - નૌશાદ - શકીલ બદાયુની - સુરેશ 

મોહમ્મદ રફી પોતાની ગાયકીમાં જે ભાવ લાવી શકતા તેવા ભાવ તો હિંદી ફિલ્મોના ગણ્યા ગાંઠ્યા અભિનેતાઓ સિવાય મોટા ભાગના અભિનેતાઓ પોતાની અદાયગીમાં લાવી ન શકતા.

આ ગીતને મળેલી અપ્રતિમ સફળતાએ મોહમ્મદ રફીનાં ફિલ્મ જગતનાં સ્થાનનો મજબુત પાયો નાખવાનું કામ કર્યું. 


૧૯૫૦ - તારા રી આરા રી .... યે સાવન ઋત તુમ ઔર હમ તા રા રા રા રમ - સુરૈયા સાથે - દાસ્તાન - નૌશાદ - શકીલ બદાયુની - રાજ કપુર (અને સુરૈયા) 

મોહમ્મદ રફી અહીં પાશ્ચાત્ય ધુન પર હળવા મિજાજનાં રોમેન્ટીક ગીત ગાવાની તેમની ફાવટ રજુ કરે છે.

રાજ કપુર અને નૌશાદે આ ફિલ્મ સિવાય ક્યારે પણ સાથે કામ કરતા નથી દેખાયા. તે ઉપરાંત દિલીપ કુમાર - મોહમ્મદ રફી, રાજ કપુર - મુકેશ એવી વણલખી પ્રથાઓ પણ હજુ શરૂ નથી થઈ. પરંતુ આ ગીતમાં મોહમ્મદ રફીનો અવાજ રાજ કપુરની અભિનય શૈલીને પણ બહુ સહજપણે બંધ બેસે છે.


૧૯૫૧ - હુએ હમ જિનકે લિયે બરબાદ વો હમ કો ચાહે ન કરે યાદ હમ ઉનકી યાદમેં ગાયે જાએંગે - દીદાર - નૌશાદ - શકીલ બદાયુની - દિલીપ કુમાર 

આ પહેલાંની ફિલ્મ, અંદાઝ,માં દિલીપ કુમાર માટે મુકેશ દ્વારા ગવાયેલાં ગીતો શ્રોતાઓના મનમાંથી તસુભાર પણ ન ખસ્યાં હોય એવામાં હવે મોહમ્મદ રફી દિલીપ કુમારના પાર્શ્વસ્વર માટે આવ્યા અને મોહમ્મદ રફી સિવાય દિલીપ કુમાર કલ્પી ન શક્ય એટલી હદે દિલીપ કુમારના અભિનય સાથે વણાઈ ગયા.

ગીતની સાખીનો ઉપાડ મોહમ્મદ રફી થોડા ઊંચા સુરમાં કરે છે અને પછી ધીમે ધીમે ગીતના મૂ સુર તરફ સરકતા આવે છે. એ જ રીતે આખાં ગીત દરમ્યાન સુરની ઉતરચડ દ્વારા ગીતના ભાવની અભિવ્યક્તિ તાદૃશ કરતા રહે છે.


૧૯૫૨ - ઓ દુનિયાકે રખવાલે સુન દર્દ ભરે મેલે નાલે - બૈજુ બાવરા - નૌશાદ - શકીલ બદાયુની - ભારત ભુષણ 

'ભગવાન, ભગવાન, ભગવાન'થી શરૂ થતા પૂર્વાલાપથી મોહમમ્દ રફીના સ્વરમાં જે દર્દ ટપકે છે તે મહલ ઉદાસ ઔર ગલીયાં સુની ..... હમ જીવન કૈસે ગુજારેમાં આર્તસ્વરની ફરિયાદ બની રહે છે. કોણ કલ્પના કરી શકે કે આ ગાયકે આટલા ભાવ સાથે આ ગીત એક બેજાન માઈક્રોફોન સામે ઊભીને ગાયું હશે! 



૧૯૫૩ - અજબ તોરી દુનિયા હો મોરે રામા - દો બીઘા ઝમીન - સલીલ ચૌધરી - શૈલેન્દ્ર - અન્ય ચરિત્ર અભિનેતાઓ 

જરા ધ્યાનથી સાંભળીશું તો જણાશે કે પહેલા અને બીજા અંતરામાં બે અલગ અલગ અભિનેતાઓ ગીત ગાય છે અને એ માટે રફીએ પોતાના સ્વરમાં સહેજસાજ ફરક પણ કર્યો છે.



૧૯૫૪ - હૈ બસ કે હર એક ઉનકે ઈશારેમેં નિશાં ઔર, કરતે હૈ મુહબ્બત તો ગુઝરતા હૌ ગુમાં ઔર - મિર્ઝા ગાલિબ - ગુલામ મોહમ્મદ - મિર્ઝા ગાલિબ - અન્ય ચરિત્ર અભિનેતા

'મિર્ઝા ગાલિબ' મૂળતઃ મિર્ઝા ગાલિબ અને મોતી બેગમના પ્રેમની કહાની છે એટલે સ્વાભાવિક છે કે ફિલ્મનાં તલત મહમુદ અને સુરૈયાનાં ગીતો જ વધારે પ્રસિદ્ધિ પામ્યાં હોય. પરંતુ, ગઝલનો આ શેર તો મોહમ્મદ રફીની મોહક ગાયકીને જ જાણે સાબિત કરી રહે છેઃ

હૈ ઔર ભી દુનિયામેં સુખન્નવર બહુત અચ્છે

કહતે હૈ કે ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં ઔર


૧૯૫૫ - કહાં જા રહા હૈ તુ અય જાનેવાલે અંધેરા હૈ મન કા દિયા તો જલા લે - સીમા - શંકર જયકિશન - શૈલેન્દ્ર - બલરાજ સાહની 

'સીમા'નાં ગીત આમ તો એક એકથી ચઢિયાતા હતાં. 'તુ પ્યાર કા સાગર હૈ', મનમોહના બડે જૂઠે અને પ્રસ્તુત ગીત તો જાણે આપસમાં સ્પર્ધામાં ઉતરવાને બદલે દરેક પંક્તિના બોલ, ગીત બાંધણી કે ગાયકીમાં ખુદ પોતા કરતાં જ વધારે ઊંચાં કીર્તિમાનો સ્થાપિત કરતાં હોય એમ જણાય. જેમ કે, 'જો બાંધે હૈ બંધન વો ક્યોં તોડ ડાલે'માં  'તો ડ'ને રફીએ કેટલું અર્થપૂર્ણપણે તોડી બતાવ્યું છે. 

ફિલ્મનું એક અન્ય ગીત - હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈ, ફલક કી ગોદ સે ટૂટે હુએ સિતારે હૈ - તો વળી ભિક્ષુક' પ્રકારનાં ગીતોમાં પણ નવી કેડી કંડારે છે.



૧૯૫૬ - દુનિયા ન ભાયે મોહે અબ તો બુલા લે ચરનોમેં ચરનોમેં - બસંત બહાર - શંકર જયકિશન - શૈલેન્દ્ર - ભારત ભુષણ 

અહીં પર મોહમ્મદ રફીએ કેતકી ગુલાબ જુહી ચંપક કે ભય ભંજના વંદના સુન હમારી જેવાં ઉત્તુંગ કક્ષાનાં ગીતોની સાથે આ ગીતને બરાબરીનું સ્થાન અપાવવાનું હતું, જે તેમણે 'ચરનો મેં ચરનો મેં' વ્યથાની વલોવણી વડે જ સિદ્ધ કરી લીધું. 


આજે અહીં વિરામ લઈશું. હવે પછીના મણકામાં ૧૯૫૭થી ૧૯૭૦ સુધીના વર્ષોનાં કેટલાંક ચુંટેલાં ગીતો યાદ કરીશું.



મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ