સ્વાભાવિક છે કે એલ ડીનાં ૧૯૬૬થી ૧૯૭૧નાં
અમારાં વર્ષો દરમ્યાન એવી કેટલી ઘટનાઓ બની જેના અમે લોકો સક્રિય હિસ્સેદારો અને સાક્ષી રહ્યા હઈશું. પરંતુ આ બધી ઘટનાઓ ક્યાં તો શૈક્ષણિક કે પછી
શિક્ષણેતેર પ્રવૃત્તિઓ સાથે એટલી સહજપણે વણાઈ ગયેલી હશે કે એ બધી પ્રવૃત્તિઓ મારા
મનમાં કોઈ ખાસ, અલગ છાપ નથી છોડી ગઈ જેને આજે ફરીથી ઉખેળતાં પણ કોઈ વિગતો અળગી પાડી શકાય.
આવી એક ખાસ પ્રવૃતિ એન સી સીની હતી. મને
યાદ છે ત્યાં સુધી એ પ્રવૃત્તિ અમારા પહેલાં બે વર્ષ માટે હતી. અમારામાના મોટા
ભાગના સહપાઠીઓ તેમાં જોડાયા પણ હતા. જોકે જોડાવા માટે ૧૯૬૫ની પાકિસ્તાન સાથેની
લડાઈ પછી જાગૃત થયેલી દેશદાઝની ભાવના કે જીવનમાં શિસ્તના પાઠ ભણવા જેવા ઉદ્દેશ્યો
સિવાયના જ ઉદ્દેશ્યો અમારા એન સી સીમાં જોડાવા માટે કારણભૂત હતા ! એટલે થતું એવું
કે શારીરિક રીતે અમે લોકો નિયમિત પણ મેદાનમાં પરેડ માટે હાજર રહેતા, પણ માનસિક સ્તરે અમારું જોડાણ આ પ્રવૃતિ સથે ઉપરછલ્લું જ રહ્યું. જોકે વસંત પુજારા તો બહુ નિખાલસપણે સ્વીકારે છે કે તેણે તો પરેડ પછી મળતી દૂધની બોટલ માટે જ એન સી સીમાં જોડાવાનું
નક્કી કર્યું હતું. વિનુભાઈ જે પટેલને તો વળી એન સી સીના ગણવેશની બૅરેટ કૅપ પરનાં
ફુમતાંવાળી કલગી માટે લગાવ હતો.
આજે વિચાર કરતાં એમ જણાય છે કે આમ થવા પાછળ એક મોટું પરિબળ તો અમને મળેલ
એન સી સીની પ્રવૃતિનો એક મોટો ફાયદો હતો
તેમના દ્વારા આયોજિત થતા કોઈ બહારગામની જગ્યાએ થતા કૅમ્પનો. અમારે વખતે એક બેચને
માટે પાટણ (ઉતર ગુજરાત) અને બીજી એક બૅચને માટે નડિયાદ વસો (મધ્ય ગુજરાત) એમ બે
સ્થળો નક્કી થયેલાં. કોઈ પણ અપવાદ સિવાય અમારા બધાંને માટે આ એક બહુ મોટી પિકનીક
નીવડવાનું આકર્ષણ જ બહુ મોટું હતું.
કૅમ્પ દરમ્યાન અમારો દિવસ સવારના ૬
વાગ્યાથી સાંજ સુધી ફિટનેસને લગતી અને અન્ય સમુહ પ્રવૃત્તિઓથી વ્યસ્ત રહેતો.
સાંજના જમણ પહેલાં અને પછીનો સમય મનોરંજન માટે જુદી રમતો કે કાર્યક્રમો થતા. કૅમ્પ દરમ્યાન રૂટ માર્ચ, કૅમ્પ ફાયર અને બડાખાના જેવી પ્રવૃતિઓ તો
અમારે માટે સાવ નવી જ હતી. પરંતુ કમનસીબે મને આવી ખાસ પ્રવૃત્તિઓની પણ વધારે વિગતો
કે બનાવો યાદ નથી. જોકે ગાર્ડ ડ્યુટીનો એક મજેદાર કિસ્સો યાદ કરાવીને વસંત પુજારાએ
બાજી સંભાળી લીધી છે.
મને યાદ
આવે છે કે પહેલા જ દિવસની ઍસેમ્બ્લી સમયે ઇન્સટ્રક્ટરે કૅંપના મુખ્ય ઝાંપે સુરક્ષા
માટે એક એક સાર્જંટ અને સંત્રી તરીકે કોઈ સ્વયંસેવા તૈયાર આપવા તૈયાર થાય તેવી
દર્ખાસ્ત મુકી. સંત્રીઓએ વારાફરતી ગેટ પર પહેરો ધરવાનો હતો. સાર્જંટે બાજૂના
તંબુમાં સુવાનું અને સંત્રીઓ દ્વારા કોઈ રાતની ડ્યુટી દરમ્યાન કોઇ મુદ્દો ધ્યાન પર
લાવવામાં આવે તો કૅમ્પના નિયમો અનુસાર તેનો તત્કાલ નીવેડો કરવાનો હતો. બન્ને
હોદ્દાઓની ફરજો સમજાવવાની સાથે એ પણ બતાવાયું કે જોઈ કોઈ ચુક થઈ તો સજા બહુ આકરી
થશે. તેમાં પણ સાર્જંટનું પદ તો જવાબદારીવાળું હોવાથી સજા વધારે આકરી હોઈ શકે એમ
પણ સ્પષ્ટ કરાયું.
આવી
પરિસ્થિતિમાં સાર્જંટ થવા કોઈ તૈયાર થતું ન જણાયું. પણ મે ફટ કરતાંકને મારી
ઉમેદવારી નોંધાવી દીધી. જે બે સંત્રીઓને પસંદ કરાયા તેમાંથી મને યાદ આવે છે એક તો
ઈલેક્ટ્રીકલમાંથી પરમાર હતો.
અમને જણાવી
દેવામાં આવ્યું કે રાત્રે કોઈએ કૅમ્પમાં દાખલ થવું હોય તો જો તે ગુપ્ત કોડ (શ્રી
રામ) જણાવી શકે તો જ તેને પ્રવેશ મળે.
અડધી રાત
થવા આવી ત્યારે એક ભાઈ (હકીકતમાં સામાન્ય પહેરવેશમાં કૅમ્પ કમાન્ડન્ટ ખુદ) આવ્યા
અને કૅમ્પમાં પ્રવેશ કરવા દેવા માટે ધમાલ મચાવવા લાગ્યા. સંત્રીઓએ તો સ્પષ્ટપણે
જણાવી દીધું કે ગુપ્ત કોડ ન કહો તો અંદર જવાય નહીં. એ ભાઈએ
તો હવે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને સંત્રીઓને દબાવવાનો પેંતરો રચ્યો. પણ સંત્રીઓ
ટસથી મસ ન થાયા. એટલે એ ભાઈ કહું કે 'તુમારે સા'બ કો બુલાઓ. હમ કૌન હૈ તુમેં માલુમ નહીં. ઇસકા પરિણામ બહુત બુરા હોગા.'
સંત્રીઓએ
મને જગાડ્યો અને પરિસ્થિતિથી અવગત કર્યો. મેં પણ ગેટ પર જઈને એ ભાઈને અમારા
કાયદાકાનુન સમજાવ્યા અને વિનમ્રતાથી કહી દીધું કે ગુપ્ત કોડ જો જણાવવામાં ન આવે તો
પ્રવેશ તો નહીં મળે.
ખાસ્સી
રકઝક પછી એ ભાઇએ કોડ તો કહ્યો .
બીજે દિવસે
એસેમ્બ્લીમાં અમને ઊભા કરવામાં આવ્યા અને કમાન્ડન્ટ સાહેબે આગલી રાતની ઘટનાનું
વિવરણ કર્યું. એ ભાઈ કમાન્ડન્ટ જ હતા એ જાણીને અમે પણ થોડા નર્વસ થવા લાગ્યા હતા.
જોકે બિલકુલ સહી રીતે ફરજ બજાવવા બદલ અમારી જાહેરમાં સરાહના કરાઈ.
પછી તો મેં
એન સી સીની પ્રમણપત્ર પરીક્ષા પણ 'બી' કક્ષામાં પાર કરી. છેલ્લી પરીક્ષાનાં પરિણામો આવી ગયા પછી
મને લશ્કરમાંથી ઇન્ટર્વ્યુ કૉલ પણ આવ્યો હતો. પણ મેં બીજી જગ્યાએ એપ્રન્ટિસશિપ
સ્વીકારી લીધી હતી એટલે મેં આ તકનો સ્વીકાર ન કર્યો.
બીજી એક
મહત્ત્વની પ્રવૃતિ છેલ્લાં વર્ષમાં થયેલી વિદ્યાર્થી પરિષદ માટેની સામાન્ય ચુંટણી હતી.
અમારામાંથી નરેશ પટેલ (હવે સ્વર્ગસ્થ) જનરલ સેક્રેટરી તરીકે અને અતુલ દેસાઈ ક્લાસ રેપ્રન્ઝટેટીવ તરીકે
ઉમેદવાર હતા. એમના પ્રચાર માટે અમે બધા જોરશોરથી લાગી ગયા હતા. એ બન્ને ખાસ્સા
મતોથી જીત્યા હતા અને એ સમયે, ઉમેદવારો તરફથી દરરોજ સાંજે થતી
ચવાણા અને ચાની પાર્ટીઓ સિવાય મને બીજી કોઈ વિગત યાદ નથી આવતી.
છેલ્લે વર્ષે
અશોક મિલ્સ, નરોડા અને એસ એલ એમ માણેકલાલ (વટવા)ની ઇન્ડસ્ટ્રીઅલ
ટુર પણ ગોઠવાઈ હતી. જોકે અશોક મિલમાં થતી જુદી પ્રક્રિયાઓ અને એસ એલ એમમાં એ. સી.
કેબિનમાં રાખવામાં આવેલાં મશીનોથી અભિભૂત થયા હતા તે સિવાય બીજી કોઈ વિગત યાદ નથી.
હવે પછી 'મારા હોસ્ટેલના દિવસો'થી યાદગીરીઓની આ સફર પુરી કરતાં પહેલાં એક મણકામાં 'પાચ વર્ષની અન્ય અભ્યાસેતર પ્રવૃતિઓ'ની યાદ મમળાવીશું.