Showing posts with label પુસ્તક વાંચનની મજાની વહેંચણી. Show all posts
Showing posts with label પુસ્તક વાંચનની મજાની વહેંચણી. Show all posts

Sunday, May 26, 2024

Should've Been Dead - એક ચસકેલ વ્યસનીની વ્યસન - મુક્તિની સાથે વણાયેલ શરમ અને ગુન્હાહિત માનસમાંથી છુટકારાની પ્રેરક ગાથા

 


એકાદ દાયકા સુધીનાં કોકેનના ઉન્માદી વ્યસનમાંથી મુક્ત થઈને આજે હવે ગૃહ - સુધારણાના લાખો ડોલરના વ્યાવસયિક અમેરિકનના જીવનના અનુભવોને બે વર્ષ સુધી ચાલેલા સંવાદો દ્વારા ત્યાંની શાળાની એક શિક્ષિકા દ્વારા  આ પુસ્તકમાં ઝીલાયા છે. એ શિક્ષિકા પચાસેક વર્ષ પહેલાં અમેરિકા સ્થળાંતર થયેલાં ગુજરાતી માબાપની અમેરિકામાં જન્મેલી, ઉછરેલી અને શિક્ષિત થયેલ દીકરી છે એ બાબતનું મહત્ત્વ પણ આપણા, અહીના તેમ જ વિદેશોમાં વસેલા, સમુદાયને અમુક હદથી વધારે ન હોય તે પણ સ્વાભાવિક છે. કોકેઈન જેવા નશાના બંધાણીની વ્યસન મુક્તિ સાથે, તમાકુ જેવાં આપણા સમાજનાં બહુવ્યાપક થયેલાં વ્યસનો પણ દેખીતી રીતે આપણી શાળાઓમાં બહુ વ્યાપક ન થયેલાં જણાતાં હોવાને કારણે આજનાં ગુજરાતી સમાજનાં માબાપોને આ પુસ્તકનું અગત્ય ન જણાય એ પણ સમજી શકાય. જે કપડાં ધોવાનાં મશીનોની આડશમાં હાડકાં થીજાવતી ઠંડી સામે રક્ષણ મેળવ્યું તેને જ ખરીદીને તેમાંથી ગૃહ - સુધારણાનો વ્યવસાય ઊભો કર્યો એ વાત પણ અમેરિકન સમાજ જેવા સમાજના, ચીંથરેહાલ સ્થિતિમાંથી લાખોની દોલતના માલિક બનનારા, અનેક લોકોને વાસ્તવિક જીવનમાં સિદ્ધ કરવી એ દિવાસ્વપ્ન જેવી વધારે લાગે એમાં પણ કોઈ નવાઈ નથી. એ શિક્ષિકા જ્યારે આ અનુભવો એ વ્યક્તિના મોઢે જ પોતાની શાળાઓનાં વિદ્યાર્થીઓ સાથે વહેચતાં ત્યારે આવા કલ્પનાતીત જીવનપલટાની વાત રૂબરૂમાં સાભળવા મળે છે એ બાબત વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ નીવડતી હતી એ પણ અમેરિકાનાં વાતાવરણ માટે કદાચ નવી પણ કહેવાય.

આ પુસ્તકની કથાના નાયક, રોરી લૉન્ડરના જીવનના એ વર્ષોના અનુભવોને ૧૨ પદાર્થપાઠમાં વહેંચાયેલાં પ્રકરણોના આ પુસ્તકનું  મહત્વ, શિક્ષિકા-લેખિકા, શ્વેતા પટેલ આ રીતે રજુ કરે છે –

મેં શાળામાં મારાં શૈક્ષણિક કામ દરમ્યાન ડ્રગ વ્યસનીઓ, કડવા સંબંધોવાળાં કુટુંબો, સુધારણા ગૃહો, માથાભારે વિદ્યાર્થૉઓ, હતાશાઓ, આપધાતના પ્રયાસો જેવી ખુંચે એવી બધી વાસ્તવિકતાઓની કેટલીય વાતો સાંભળી છે. કેટલીક ઘટનાઓના તો સ્વાનુભવો પણ થયા હતા. આ બધી ઘટનાઓમાં જે એક સુર કાયમ જોવા મળતો તે ઊંડી પીડાની વેદનાનો હતો. આ વિદ્યાર્થીઓ માટે શાળા પછીની કારકિર્દીનો વિચાર તો ભૂલેચુકે જ ક્યાંય જોવા નહોતો મળતો.

પણ, રોરી લૉડર આ બધાંથી સાવ જ નોખો હતો, આજે તે પચાસ વર્ષનો છે, અને તેની પાસે પોતાનું એક વર્તમાન છે. તે હવે કાયમ Rory’s Home Improvement ભરત કામ કરેલાં હુડી અને સફેદ પેન્ટમાં જ જોવા મળે છે. વિદ્યાર્થી સામે પોતાની વાત ચાલુ કરતાં પહેલાં તે પોતાના માથાં પર એક બે વાર ટપલી મારે, તેના માટે મુકાયેલી ખુર્શીમાં થોડીક ઢળતી બેઠક જમાવે, વિદ્યાર્થીઓની આંખોમાં આંખો પરોવે અને પછી તેમની કક્ષાએ જ આવીને પોતાની વાતને વહેવા દે. 

કોવીડ પછી જ્યારે મેં તેમને ઓનલાઈન વ્યકત્વો આપવા વિશે પુછાવ્યૂં ત્યારે તેમને બદલે તેમના સહાયક તરફથી જે જવાબ આવ્યો તે દિલ વલોવી નાખે તેવો હતો. રૉરીને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હતું. થોડો સમય વીત્યા પછી તેમના ધીમા સુધારાના સમાચાર આવતા થયા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. આવા બધા વિવારોનાં વલોણામાંથી રૉરીની જીવનગાથાને પુસ્તકરૂપે ઉતારવાનો વિચાર જન્મ્યો. 

રોરી અને તેમનાં કુટુંબના સભ્યો સાથે મારી જે લાંબી વાતો થઈ તેને પુસ્તક સ્વરૂપે ઉતારવામાં મારાં સંતાનોના ઉછેર અને શાળાની જવાબદારીઓ સાથે સમય કાઢવો બહુ મુશ્કેલ હતો. એટલે ૨૦૨૨ - ૨૦૨૩નનાં શૈક્ષણિક વર્ષ માટે મેં ચાલુ નોકરીએ રજા લીધી. રૉરીની જીવનગાથા માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની વાત નથી,પણ જીવનને માણતાં માણતાં જીવી જવાની વાત છે.

રોરી ડ્રગના એક અઠંગ વ્યસનીમાંથી એક સફળ ઉદ્યોગપતિ કેમ બની શક્યા એ અનુભવો અમારી શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડતા રહે એ માટે  અમારી શાળામાં પાંચ વર્ષ સુધી વ્યકત્વ્યો આપવા આવતા રહ્યા. તેમના અનુભવોની વાતો તેઓ એક વ્યસનીની જ ભાષામાં કહેતા, જેમાં વર્ગના અમેરિકન તરૂણો વાપરે તેવા અપશબ્દો પણ છૂટથી વપરાતા હતા.

રોરી કહેતા કે એક દિવસ નશામાં ધુત થઈને મોટેલની એક રૂમમાં પડ્યા હતા ત્યારે ટીવીના પડદા પર તેમનાં કારનામાંની કથા કહેવાઈ રહી હતી. રોરી હવે 'મોસ્ટ વોન્ટેડ' ગુનેગાર બની ગયા હતા. રોરી કહે છે કે તે રાત્રે તેમને ભાન થયું કે 'મને શું જોઈએ છે તે તો ખબર નથી, પણ આ તો નથી જ જોઈતું.તેમણે વ્યસન મુક્તિધામોની સારવાર હેઠળ વ્યસન સામે યુદ્ધ આદર્યું.

તેઓ આગળ વધતાં કહે છે કે આજે હવે જ્યારે લોકો તેમનાં વ્યસનની જૂની વાત સાંભળે છે ત્યારે તેમને મારા નામ સાથે મારા ગૃહ સુધારણા વ્યવસાયની, મેં મારા સમુદાયમાં કરેલા સ્વયંસેવાના કામોની, મારી પત્ની સાથેના સુખી ઘરસંસારનીની જ યાદો આવે છે. આ માણસ કેમ સુધર્યો તેનો કોયડો ઉકેલવાના તેમના આ  પ્રયત્નોમાં મારા આવા જવાબો તેમને વધુ ગુંચવે છે -

¾    મારો ઉછેર ખુબ પ્રેમાળ માતાપિતા પાસે થયો હતો.

¾    યહુદી શાળામાં હું ભણ્યો છું. મારી ચાલચલગત બહુ જ સારી હતી. હું હંમેશાં ઑનર્સ કક્ષાનો વિદ્યાથી રહ્યો હતો.

¾    મારે પણ મારાં સપનાં હતાં. ત્યાંના એક રેસ્તરાંનો હું આશાસ્પદ શેફ હતો.

એટલે, તે પછીનો સ્વાભાવિક સવાલ પુછતાં પહેલાં એ લોકો અચુક થોડી વાર થોભી જતાં. અને પછી એક જ સવાલ આવતો : તો પછી આવું બધું કેમ થાય? કેમ શક્ય બને?

અને મારી કથનીનાં પડ ઉખળવા લાગતાં.......” 

એ પછી શ્વેતા પટેલ અને રોરી લૉન્ડર વચે જે મુલાકાતોનો દૌર ચાલ્યો તે આ પુસ્તકના ૧૨ પ્રકરણોમાં બહુ મુલ્ય અનુભવોના સ્વરૂપે પ્રતિબિંબિત થયો છે. એ દરેક પ્રકરણો રોરીનો, આપણા સૌ માટેનો, પ્રેરણા આપતો, નિરાશાઓમાંથી બહાર કાઢી આપતો, આપણી જીવનદૃષ્ટિને બદલી નાખતો અને જીવનને આગળ ધપાવાવાનો જુસ્સો પુરો પાડતો, વારસો છે.

રોરીની જીવન કથની પુસ્તક પુરું થતાંની સાથે પુરી નથી થતી. તે તો તે પછી, વણબોલ્યે પણ, આપણા મનમાં પડઘાય છે. શ્વેતા પટેલ તો કહે જ છે કે રોરીના સંદેશાઓએ તેમનામાં જે જાદુઈ ફેરફાર કર્યો તેને લીધે તેમનો આત્મવિશ્વાસ તો વધ્યો જ, પણ તે સાથે તેમના વિદ્યાર્થીઓ સાથેના, અને પોતાની જાત સાથેના, સંબંધો વધારે ગહન, વધારે સહજ અને વધારે આપસી સમજવાળા બન્યા.

આમ, રોરી લૉન્ડરના જીવનના પદાર્થપાઠો માત્ર કોઈ વ્યસની પુરતા જ મર્યાદિત નથી બની રહેતા.

દરેક વ્યક્તિની જીવન શૈલી બીજાને માટે દીવાદાંડી બની રહે તો એનાથી વધારે સારી જીવનસ્વપ્નની સિદ્ધિ બીજી કોઈ ન હોઈ શકે. 

પુસ્તક વિશેઃ

 Should've Been Dead – Lessons From A Crack Pot Addict Who Broke Free

લેખકોઃ શ્વેતા પટેલ, રોરી લૉન્ડર સાથે (https://www.shouldvebeendead.com/ )

પૃષ્ઠ સંખ્યાઃ ૨૯૨ । © 2023 by BookSplash Publishing

કિંમત - પેપરબેક - રૂ. ૬૪૦ । કિંડલઃ રૂ. ૪૪૯

Sunday, May 30, 2021

'નવચેતન' - ૧૦૦ વર્ષે પણ હજુ નવચેતનવંત છે

 એપ્રિલ ૧૯૨૧માં ચાંપશીભાઈ ઉદેશીએ શરૂ કરેલ ગુજરાતી સામયિક 'નવચેતન' તેના એપ્રિલ ૨૦૨૧ના અંકથી તેનાં સક્રિય જીવનકાળનાં એક સોમાં વર્ષમાં પવેશ કરે છે.



સો વર્ષનો આંકડો આમ પણ નાનો નથી. તેમાં પણ ચાંપશીભાઈએ તો એકલા હાથે, સ્વખર્ચે આ સાહસ માંડ્યું હતું. ક્યાંક એવું વાંચ્યાનું પણ યાદ છે કે શ્રી રવિશંકર રાવળે તેમને એ સમયે જ આવું 'જોખમ' ન ખેડવાની સલાહ આપી હતી, એવા સંજોગોમાં આ આંકડો એક અકલ્પનીય સિમાચિહ્ન બની રહે છે.

'૬૦ના દાયકામાં અમે જે સરકારી કોલોનીમાં રહેતાં હતાં તેમાં વસતાં પંદરેક કુટુંબોએ મળીને એક સર્ક્યુલેટીંગ લાયબેરી શરૂ કરેલ. જેમાં 'નવચેતન',  'અખંડ આનંદ', 'આરામ'. 'ચાંદની', ‘સરિતા’, 'આરસી' જેવાં મુખ્યત્વે નવલિકાભિમુખ સામયિકો આવતાં. મને યાદ  છે કે 'નવચેતન'ની ત્યારે પણ માંગ ઘણી રહેતી. અમારી ઉમર તો એ વાર્તાઓનું સાહિત્યિક સ્તર કે વાર્તાતત્ત્વની ખુબીઓ સમજવા જેવડી નહોતી, એસ એસ સી સુધી ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા છતાં પણ એ બધાં વાંચનને કારણે - ભાષાની શુદ્ધતા અને વિષય સામગ્રીની રસજ્ઞતા એમ બન્ને સંદર્ભે - 'સારાં' ગુજરાતીનો પાયો મનને એક ખૂણે જરૂર પડ્યો એટલું તો આજે સમજાય છે.

એ સમયે પણ ચાંપશીભાઈ ફિલ્મોના રીવ્યૂ લખતા. અમને તો તેઓ જે રીતે ફિલ્મોનાં છોતરાં કાઢી નાખે તેમાં જ રસ રહેતો કેમકે એ જ ફિલ્મો અમે તો હોંશે હોશે જોઈ પણ આવ્યા હોઇએ. આજે સમજાય છે કે એ ફિલ્મોમાં છોતરાં કાઢવા સિવાયના 'મસાલા' સિવાય કંઈ જ હોતું નહીં, અને અમે એ પણ એ ફિલ્મો મૂળ તો તેનાં ગીત સંગીતને જોરે જ જોતા.

'૮૦-'૯૦ના દાયકામાં જ્યારે તે સમયની સામયિકોની સ્થિતિઓ વિશે થતી ચર્ચાઓ વાંચતા કે સાંભળતા ત્યારે સમજાવા લાગ્યું કે સંપાદક તરીકે 'નવચેતન'માં શું રજૂ કરવું તે વિશે ચાંપશીભાઈનાં ધોરણો કેટલાં સ્પષ્ટ હોવાની સાથે સાથે કેટલાં ઊંચાં અને અને 'કડક' હતાં.

આ સામયિકોના શ્રેષ્ઠ સમયમાં પણ તેમાં જે પ્રકારનું વાંચન પીરસાતું તે વાંચનારો વર્ગ તો બહુ  નાનો જ હતો. એટલે તે સમયે પણ આ સામયિકોના વેંચાણનો આંકડો આમ પણ અધધધ કહી શકાય એવો તો નહીં જ હોય. વળી મોટા ભાગના પ્રકાશક-તંત્રીઓ તેને સફળ વાણિજ્યિક ઉપક્રમ બનાવવાની દિશામાં વિચારવાની વાતે તેમનાં આદર્શ અને સ્વમાનની અવહેલના પણ કદાચ ગણતા. એટલે મોટા ભાગનાં સામયિકોના બે આર્થિક છેડા મંડ માંડ જ ભેગા થતા હશે. તેમાં પણ, ગુજરાતી વાંચકના બદલાતી અભિરુચિઓ, સંસ્થાપકોની વધતી વય અને સામયિકોની કથળતી જતી આર્થિક પરિસ્થિતિને કારણે એ બધાં જ સામયિકો  ધીરે ધીરે બંધ  પડતાં ગયાં.

ચાંપશીભાઈ પછી તેમના જ સહતંત્રી જેવા મુકુંદ શાહે 'નવચેતન'ને ખુબ જહેમતથી, એ જ સ્તરે ચલાવ્યું.  આજે પણ કેટલાંક સુજ્ઞ ગુજરાતીઓની આર્થિક મદદ અને ગાંઠનાં ગોપીચંદનના જોરે શ્રી હેંમંત શાહ (મો. નં.+૯૧ ૯૮૭૯૧ ૪૭૯૩૩) તંત્રીની ભૂમિકામાં, શ્રી યશવન્ત મહેતાની સંપાદકની ભૂમિકાના સહયોગથી, 'નવચેતન'ને ધબકતું રાખી રહ્યા છે. તેમની નિષ્ઠા, ધૈર્ય અને ખમીરને શત શત સલામ.

ગુજરાતી ભાષાને જ જીવંત કેમ રાખવી એ ચર્ચાઓને આરે જ્યારે આપણે આવી ઊભાં છીએ ત્યારે ગુજરાતી ભાષાની આવી એક અતિ મહત્ત્વની ઐતિહાસિક ગણી શકાય એવી કડીના 'નવચેતન' મોટાભાગના જૂના અંકો તો આજે અપ્રાપ્ય હશે. પણ જે કંઈ ઉપલબ્ધ છે તેને ડિજિટલ સ્વરૂપમાં સાચવવામાં અને 'નવચેતન' હજુ પણ આ જ ખુમારીથી તેની આગવી કેડી પર આગળ વધતું રહે તે માટે આ લેખ લખવા કે વાંચવાથી કે તેના નિયમિત ગ્રાહક થવાથી પણ ઘણું વધારે આપણે બધાંએ કરવાનું રહે છે………...

Sunday, May 3, 2020

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ – બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ


સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ  [જેટલાં વધારે બીમાર તેટલું વધારે લાંબું અસ્તિત્વ]
બીનરૂઢિવાદી તબીબ ખોળી કાઢે છે કે આપણને બીમારીની જરૂર શી છે
(પછીની આવૃત્તિઓમાં બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ તરીકે નવનામકૃત)
લેખક ડૉ. શેરોન મોએલેમ - સહલેખક જોનાથન પ્રિન્સ
પ્રકાશક હાર્પર કૉલિન્સ, ન્યુ યોર્ક, NY 10022
© ૨૦૦૭ શેરોન મોએલેમ
પુસ્તકનું શીર્ષક બીજી વાર તો વાંચવું જ પડે કેમકે આપણી આંખો તો આ પ્રકારના શબ્દપ્રયોગ જોતાંવેંત 'ધ સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ' તરીકે અતિજાણીતા ઉત્ક્રાંતિવાદના પ્રશિષ્ટ  સિધ્ધાંતની જ વાત
હશે એમ માનવા ટેવાયેલાં છીએ. વાંચવા જ ટેવાયેલ છે. પ્રસ્તુત  પુસ્તક બીનસાહિત્યિક રચના છે પરંતુ તેનાં આ નવાઈ પાડતાં શીર્ષકને કારણે પણ જો તે વાંચવાનું શરૂ કરશો, તો કોઈ થ્રીલર વાંચતાં હો તેમ પુસ્તક પૂરૂં કર્યા સિવાય હાથમાંથી મુકી નહીં દઈ શકાય. લેખકનો આશય જો આટલો જ હોત તો પણ તેમને પોતાના ઉદ્દેશ્યસિધ્ધિમાં સફળતા તો મળી જ રહેત.
પ્રસ્તુત પુસ્તકનો સંબંધ જેટલો તબીબીશાસ્ત્ર સાથે છે તેટલો જ સંબંધ પરંપરાગત માન્યતા સાથે પણ છે. પુસ્તકના લેખક ડૉ શેરોન મોએલેમ પુસ્તકને 'શા માટે' એમ વિચારતાં કરવા માટે,અને સાથે સાથે 'એમ કેમ નહીં'   એમ પ્રશ્ન કરતાં કરવા માટે, રજૂ કરે છે.  એકંદરે, પુસ્તક 'દિલકશ તબીબી રહસ્યમય સફર' તરીકે રજૂ થાય છે, જેમાં આપણે અહીં સુધી શી રીતે પહોંચ્યાં , હવે પછી ક્યાં જશું અને એ બન્ને બાબતે આપણે કંઈ પણ કરી શકીએ તેમ છીએ કે કેમ તે વિશેની ખોજ છે.
આપણાં શરીર, આપણી તબિયત, આપણા આરોગ્ય તેમજ પૃથ્વી પરની લગભગ દરેક સજીવ હસ્તી સાથેના સંબંધ વિશે મૂળૂળતપણે નવેસરથી આપણને વિચારતાં કરવાનો ડૉ. શેરોન મોએલેમનો પડકાર છે.  પરિચય, તકનીકી ચર્ચાનાં આઠ પ્રકરણો અને ઉપસંહાર જેવા ત્રણ અલગ વિભાગનાં લગભગ ૨૦૮ પાનાંનાં પુસ્તકનાં મૂળ વસ્તુ દ્વારા  લેખક આપણને ઉત્ક્રાંતિના ઈતિહાસની અભિનવ અને ચિત્તાકર્શક તપાસચર્ચામાં જકડી રાખે છે. એમ કરતાં કરતાં ડૉ. મોએલેમ આપણી સમક્ષ રજૂ કરે છે કે આપણે જેને આજે રોગ કહીએ છીએ તેવી કેટલીય તબીબી પરિસ્થિતિઓએ આપણા વડવાઓને અસ્તિત્વની ચોપાટમાં ટકી રહેવાની તક પૂરી પાડી છે.  તે સાથે, પુસ્તક એ પણ જાણ કરે છે કે આટઆટલાં સંશોધન પછી પણ, આધુનિક તબીબીશાસ્ત્ર માનવ આરોગ્યની બાબતમાં ખરેખર કેટલું ઓછું જાણે છે. 'પરિચય'માં જ વર્ણવેલા બે કિસ્સાઓ આપણને તંદુરસ્ત દીર્ઘાયું જીવન ભોગવવા માટે વિચાર કરવા માટે નવો દૃષ્ટિકોણ આપે છે.
તે પછીનાં આઠ પ્રકરણોમાં એકેક બીંમારી કે આનુવાંશિક વિકારની વિગતે ચર્ચા રજી કરવામાં આવી છે. એ ચર્ચાનો સુર પુસ્તકના કેન્દ્રવર્તી વિચાર - ઉત્ક્રાંતિને એવાં જ આનુવંશિક લક્ષણો પસંદ છે જે સજીવોને ટકી રહેવામાં અને પ્રજનન કરવાંમાં મદદરૂપ હોય; જે લક્ષણો સજીવોને નબળાં પાડે કે આપણાં આરોગ્યને જોખમકારક હોય તે તેને પસંદ નથી. આપણને ટકી રહેવામાં કે પ્રજનન કરવામાં સ્પર્ધાત્મક સરસાઈ આપતાં જનીનને મળતી અગ્રપસંદને પ્રાકૃતિક પસંદગી કહેવામાં આવે છે - ની વિગતે છણાવટ કરવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, 'જે જનીન એવું લક્ષણ પેદા કરે જે સજીવને ટકી રહેવાની કે પ્રજનન કરવાની સંભાવના ઘટાડે છે તે, - બહુ લાંબા સમય પુરતું તો નહીં જ - ફેલાઈ નથી શકતું.
આ આઠ પ્રકરણો શરૂ કરતાં પહેલાં લેખકે આપણી કેટલીક પૂર્વમાન્યતાઓને કોરાણે મુકવાની શરત કરી છે –
  •      આપણે એકમેવ નથી - દરેક સજીવ તેની અંદર કે તેની આસપાસ હજારો બેક્ટેરીઆ કે જીવજંતુઓ કે ફૂગ જેવી ભાતભાતની સજીવ, અજીવ વસ્તીથી ઘેરાયેલ છે.
  •       ઉત્ક્રાંતિ આપમેળે નથી થતી. - દરેક સજીવમાં ટકી રહેવાની અને પ્રજનન કરવાની વૃતિ ઠાંસી ઠાંસીને  ભરી દેવામાં આવી છે. જ્યારે કોઈ પણ સજીવ પોતાના ટકી રહેવાની કે પ્રજનન કરવાની સંભાવના વધારવા પ્રયત્ન કરે ત્યારે ત્યારે ઉત્ક્ર્રાંતિ થવા લાગે છે. અત્યારે જેમ કોવિડ-૧૯ વાઈરસની પ્રજનન વૃધ્ધિ માનવ જાત માટે મોતનું કારણ બને છે તેમ ક્યારે એક સજીવની ઉત્ક્રાંતિ બીજાં સજીવનાં મોતનું કારણ પણ બને. આને પરિણામે હજારો લાખો સજીવોમાં પોતાને ટકાવી રાખવા માટેનાં ઓજાં મોટૉ જલપ્રપાત પણ સર્જી શકે છે. 
  •      કોઈ સજીવનું બીજાં સજીવ સાથેનું આદાનપ્રદાન જ માત્ર તેમની ઉત્ક્રાંતિ પર અસર નથી કરતું - પૃથ્વી સાથેનાં તેનાં આદાનપ્રદાનની પણ એટલી જ અસર પડી શકે છે.

તકનીકી બારીકીઓથી અજાણ એવો સામાન્ય વાચક એના જેવા જ અન્ય સામાન્ય વાચકોને પુસ્તકનો પરિચય કરાવે ત્યારે તકનીકી બાબતોને તે યથાતથ ઉઠાવીને પણ રજૂ કરે તો પણ એ વિષય બાબતે વાચકના જ્ઞાનમાં તસુભારનો પણ વધારો શક્ય નથી. પ્રસ્તુત પુસ્તક માટે પણ આ વાત જેટલી લાગુ પડે છે તેટલી જ નક્કર બીજી પણ વાત છે કે આઠ પ્રકરણ જેવી ચર્ચાને તે તકનીકી બાબત છે એમ વિચારીને છોડી દેવા જેવી પણ નથી. લેખકે બહુ જ સરળ ભાષામાં આ ખી ચર્ચા આપણી સમક્ષ રજૂ કરી છે તેમાંના વિષય બાબત સમજણ પડે કે નહીં, કે ઘણાં તારણો સાથે દેખીતી રીતે આપણે સહમત થઈએ કે નહીં, પણ એટલું તો ચોક્કસ છે કે પુસ્તકના મૂળ હેતુ વિશેના આપણા દૃષ્ટિકોણને સમજવામાં તો જરૂરથી મદદ મળશે.
હાલ તો અહીં દરેક પ્રકરણનું શીર્ષક અને તેમાં આવરી લેવાયેલ બીમારી કે આનુવંશિક વિકારની યાદી  અહીં રજૂ કરી છે -
§  પ્રકરણ ૧ : Ironing it out - હેમોક્રોમેટોસિસ (Hemochromatosis), લોહી ચુસવું કે વહેડાવવું, માનવ શરીરમાં લોહનો વપરાશ
§  પ્રકરણ ૨  : A spoonful of sugar helps the temperature go down - મધુપ્રમેહ, આબોહવામાં ફેરફારો, અને બદામી ચરબી (brown fat)
§  પ્રકરણ ૩ : The cholesterol also rises – સૂર્યપ્રકાશ,  વિટામીન ડી, કોલેસ્ટરોલ અને જાતિનું શારીરીક ઘડતર
§  પ્રકરણ ૪ : Hey, Bud, can you do ma a Fava - શાકભાજી, ફૅવા (fava) કઠોળ અને મેલેરીઆનો ફેલાવો
§  પ્રકરણ ૫ : Of microbes and man - બેક્ટેરીઆની પ્રાણઘાતકતા, ગીનીઆ કૃમિઓ, અને પરજીવી બીમારીઓ
§  પ્રકરણ ૬ : Jump into the gene pool - ડીએનઍ પરિવર્તનો અને કુદાકુદ કરતાં (jumping)” જનીનો
§  પ્રકરણ ૭ : Methyl madness : અંતિમ (phenotype) તરફનો માર્ગ = આનુવંશિક રીતે દબાવી દેવું અને બાળપણની સ્થૂળતા
§  પ્રકરણ ૮ : That’s life: Why you and your iPod must die  - કેન્સર કોષો અને બાળકજન્મ:
પુસ્તકની ચર્ચાનું તારણ કરતાં કરતાં લેખકો એટલી અપેક્ષા રાખે છે કે આપણે આ ત્રણ બાબતોને જરૂરથી સમજીશું -
  •       જીવન સતત સર્જનની સ્થિતિમાં જ હોય છે. ઉત્ક્રાંતિ ક્યારે પણ અટકતી નથી. સમયની સાથે તેનું સ્વરૂપ અને વ્યાપ બદ્લતાં રહે છે.
  •       આ પૃથ્વી પર પોતાનો અલગ ચોકો કરીને કોઈ  પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકે. પૃથ્વી પરનાં દરેક સજીવ એકબીજાંની સાથે સાથે જ વિકાસ પામ્યા કરે છે.
  •       બીમારી સાથેના આપણા સંબંધ વિશે આપણે જેટલી કલ્પના કરી શકીએ, કે આટઆટલાં વર્ષોની પ્રગતિને કારણે જે કંઈ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકી હશે, તે બધાં કરતાં પણ બીમારી સાથેનો આપણો સંબંધ વધારે સંકુલ છે.

દરેક સજીવની જીંદગી એક એવું અદ્‍ભૂત સંપૂર્ણ એકમ છે જે તેનાં ઘટકોના સરવાળા કરતાં અનેક ઘણું મોટું છે. વળી, કુદરતને તો સ્વ્હાભાવિક્પણે જ અવ્યવસ્થા પેદા કરવાની એવી રઢ હોય છે કે અપણાં જીવનજીવનનો નાનામાં નાઓ અંશ થોડી પણ વ્યવસ્થિત હાલતમાં જોવા મળે તો તે એક ચમત્કાર જ કહી શકાય. એ ચમત્કાર ઉત્ક્રાંતિનું કૌતુક છે. આ બધી પરિસ્થિતિઓમાં આમ કરવાથી કે તેમ ન કરવાથી, પેલું ખાવાથી કે આ ન ખાવાથી સાજાં રહેવાશે કે માંદાં પડાશે  જેવી ધારણાઓ વડે આપણી તંદુરસ્તી વિશે આશ્વસ્ત બની બેસવાને બદલે તે જેટલાં માન માટેની હકદાર છે કમસે કમ તેટલા આદરથી તેને જોવાનું આવશ્યક બની રહે છે. એ સમજી લેવું જોઈએ કે બીમારીઓ કોઈ અલગ પરિસ્થિતિ નથી, કે નથી તે પોતાની આગવી રીતે પોતાનું અસ્તિત્વ બનાવી રાખતી. કોઈ પણ બીમારીની શરૂઆત, પ્રસાર કે લોપનો સીધો અને ગાઢ સંબંધ આ પૃથ્વી પરનાં દરેક પ્રકારનાં જીવનનાં, દરેક પ્રકારનાં અને બધાં જ,એકમેક સાથેનાં જોડણ પર જ છે.
શક્ય છે કે આ પ્રકારની સમજણને કારણે, કદાચ, આપણે સંક્રમણકારક પ્રતિબળોની ઉત્ક્રાંતિ કે લોપ માટેની આપણી શોધ તેમની પ્રાણઘાતકતાથી હટાવીને તેમની નુકસાન ન કરતી બાજુ તરફ વાળીએ, જેથી આપણી તેમની સાથેની લડાઈ માટે રોગપ્રતિરોધક રસીઓની શસ્ત્ર દોડને બદલે આપણે આપણાં જીવન જીવવાની રીતને નવા દૃષ્ટિકોણથી જોવાનું શીખતાં રહી શકીએ - આમ પણ રોગની સામેની પ્રતિરોધકતાની લડાઈ આપણે ખરેખર જીતી શકીશું તે કોઈને પણ પાકી ખબર છે ખરી?
આખી વાતનો સાર એ છે કે ઉત્ક્રાંતિ જેટલી હદે ગજબ વિસ્મ્યકારી લાગે છે તેટલી , સ્વઅભાવિકપણે, તે સંપૂર્ણ કે ખામીરહીત છે નહીં. તેમાં થતાં દેખાતાં દરેક અનુકૂલનમાં ક્યાંકને ક્યાંક તો, કંઈકને કંઈક તો, સમાધાન થયું જ છે. 'સર્વાઈવલ ફૉર ધ સિકેસ્ટ'નું આ જકડી રાખતું વાંચન આપણને બીમારીઓ વિશેના આપણા અભિગમને અને જનીનશાસ્ત્રનાં આપણા ં જીવનમાં મહત્ત્વ વિશેના આપણા દૃષ્ટિકોણને નવી નજરે જોવામાં માદદરૂપ જરૂર થઈ શકશે.
+         +        +
લેખકનાં અન્ય પુસ્તકો
1.     How Sex Works: Why We Look, Smell, Taste, Feel, and Act the Way We Do (published: April 2008)
2.     Inheritance: How Our Genes Change Our Lives—And Our Lives Change Our Genes (Published: April 2014)
3.     The Better Half: On the Genetic Superiority of Women (Published: April, 2020)

+         +        +
ઋણસ્વીકાર - DNVGL Business Assurance India, Sri Lanka and Bangladesh Region ના મારા સમવ્યવસાયિક સાથી  ડૉ. દિલીપ અંધારે દર મહિને વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના વિષયને લગતો એક  વીજાણુ જ્ઞાનવર્ધકપત્ર મોકલે છે. એપ્રિલ ૨૦૨૦ના તેમના પત્રમાં તેમણે હાલની પરિસ્થિતિમાં 'સર્વાઈવલ ફોર ધ સિકેસ્ટ' વિશે બહુ જ રસપ્રદ રજૂઆત કરી હતી. તેમની એ રજૂઆતને કારણે મને આ પુસ્તક વાંચવાની પ્રેરણા મળી તે માટે હું ડૉ. દિલીપ અંધારેનો ઋણસ્વીકાર કરૂં છું. ડૉ. અંધારે વ્યાવસાયિક અને પર્યાવર્ણીય આરોગ્યના ક્ષેત્રાંમાં સક્રિય તબીબ છે. - અશોક વૈષ્ણવ

Sunday, January 26, 2020

હરેશ ધોળકિયા - ‘વહાલનું અક્ષયપાત્ર’


પુસ્તકનાં શીર્ષક,'વહાલનું અક્ષયપાત્ર', સાથે ઉપશીર્ષક તરીકે 'એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ' એટલું તો જ્ણાવી જ દે છે કે આ પુસ્તક કોઈ એક વ્યક્તિની જીવનગાથા હોવું જોઇએ. પુસ્તક એક વ્યક્તિ - હરેશ ધોળકિયા- વિશે જરૂર છે, પરંતુ પુસ્તકની પ્રસ્તાવના વાંચતાંની સાથે જ સ્પષ્ટ થઈ જાય છે કે આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય હરેશ ધોળકિયાનાં વિદ્યાર્થીઓની  તેમની શિક્ષક તરીકેની યાદો અને પોતાનાં જીવનમાં શિક્ષક તરીકેના તેમનાં યોગદાનને ગ્રંથસ્થ કરીને હરેશ ધોળકિયાનાં ૭૫ વર્ષ થવાના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે.
શિક્ષક તરીકેની વ્યાવસાયિક કારકીર્દી હરેશ ધોળકિયા (જન્મ- ૩૦-૬-૧૯૪૬)ની સ્વૈચ્છિક પસંદગી હતી. તેમણે શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય, ભૂજ (ક્ચ્છ)માં ૧૯૬૬થી ૧૯૮૬ સુધી ૨૦ વર્ષ સુધી પ્રત્યક્ષ શિક્ષક  તરીકે કામ કર્યું. તે પછી શ્રી વી ડી હાઈસ્કૂલ, ભુજ (કચ્છ)માં ૫ વર્ષ આચાર્ય તરીકે શિક્ષણ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા રહ્યા. ૩૧ જુલાઇ, ૧૯૯૧ના રોજ એ વ્યવસાયમાંથી નિવૃતિ પણ સ્વેચ્છાથી જ લીધી.
નિવૃત્તિ પછીથી હરેશભાઈનો ઈરાદો વાંચવાનો અને નિજાનંદે અંગત જીવન જીવવાનો હતો. પરંતુ નિયતિએ તેમના માટે બીજી પણ ભુમિકા લખી રાખી હતી. ભૂજથી પ્રકાશિત થતાં, સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટનાં વર્તમાન પત્ર 'કચ્છમિત્ર'માં લખવાની શરૂઆત ૧૯૭૦થી થઈ હતી. આમ એક તરફ તેઓ પધ્ધતિસરનાં લેખન તરફ ઢળતા ગયા, તો બીજી તરફ શાળાઓ અને શિક્ષણ સાથે સંકલાયેલી સંસ્થઓના ઉપક્રમે શિક્ષકો અને વિદ્યાર્થીઓના શિક્ષણેતર વિકાસ માટે શિબિરો કરવાની તકો - આમંત્રણો મળતાં ગયાં. એ સંબંધોનાં મૂળમાંથી ધીમે ધીમે શિવામ્બુ ચિકિત્સા, કુદરતી ઉપચાર, માનસિક સ્વાસ્થ્ય, કચ્છના ઇતિહાસ અને સાહિત્યનાં સંશોધનાત્મક દસ્તાવેજીકરણ જેવી અનેક પ્રવૃત્તિઓની પ્રશાખાઓ વિકસતી ગઈ.
પ્રસ્તુત પુસ્તકમાં તેમનાં સમગ્ર જીવનમાં તેમની સાથે સંપર્કમાં આવેલ, વિવિધ ક્ષેત્રોનાં,૧૩૫ જેટલાં લોકોના તેમની સાથેના અનુભવોની વાત વિષય અનુરૂપ ૭ ખંડોમાં વહેંચી નાખવામાં આવી છે.
¾    'વિશેષ પ્રીતિ વિદ્યાર્થીઓનીમાંતેમના હાલમાં દેશવિદેશમાં, પોતાની અલગ અલગ કારકીર્દીઓ વિકસાવી ચૂકેલ વિદ્યાર્થીઓની વાતમાં તેમના શિક્ષણ અંગેના અનોખા પ્રાયોગિક અભિગમ ઉપરાંત, માર્ગદર્શક, શુભચિંતક અને મૈત્રીપૂર્ણ અભિગમ વિશેની ઝલક અનુભવાય છે.
¾    'ઉર્મિઓ ઉત્તમ કેળવણીકારોની'માં  મોતીભાઈ ચુધરી, પી.જી.પ્ટેલ, રતીલાલ બોરીસાગર, રમેશ દવે, રણ્છોડભાઈ શાહ, રમેશ સંધવી જેવા શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રમા પ્રત્યક્ષ સંકલાએલા તેમના સમકાલીન વડીલો/સાથીઓ/ સહયોગીઓએ હરેશભાઈને 'કરકસરથી જીવતા કંજૂસ' પણ 'લક્ષ્ય સમર્પિત' કર્મયોગી, 'હાડે' શિક્ષક તરીકે જોયા છે. વર્ગશિક્ષક તરીકે સેક્સ એજ્યુકેશન, ફિલ્મો કેમ જોવી જેવા તેમના પ્રયોગોની પણ ખાસ નોંધ પણ તેઓ લે છે.
¾    'સંભારણાં સ્વજનો'માં હરેશભાઈનાં પરિવારનાં તેમનાં માસી જેવાં વડીલ, પીતરાઈ ભાઈઓ / બહેન જેવા સમકાલીન અને તેમનાંથી સોળ વર્ષ નાનાં બહેન તેમ જ તેમનાં ભત્રીજી જેવાં વિવિધ ઉમર અને ક્ષેત્રનાં સ્વજનોની નજરે હરેશભાઈની વ્યક્તિગત લાક્ષણિકતાઓ આપણી સમક્ષ ખુલે છે તેમાં જોવા મળે છે કે દેખીતી રીતે પોતાના શિક્ષણ અને લેખનના વ્યવસાયને જીવનની સાર્થકતા માટે અગ્રતાક્રમે મૂકવાની સાથે સાથે તેઓ અપ્રત્યક્ષ જણાય તેવી રીતે કુટુંબ ભાવનાને પણ ન્યાય  આપતા રહ્યા છે.
¾    'મતવ્યો મિત્રોનાં'માં તેમના બાળપણ, શાળા જીવન અને તે પછીના સમયકાળમાં વિકસેલા મેત્રી સંબંધોમાં ઝીલાયેલાં હરેશભાઇનાં મિત્ર તરીકેનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઝીલાયાં છે.
¾    તે ઉપરાંત પરિશિષ્ટમાં હરેશભઈનાં શિક્ષણ અને સાહિત્ય જીવન તેમજ શિવામ્બુ પદ્ધતિ, શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (માંડવી -ક્ચ્છ), શ્રી વિજયરાજજી લાયબ્રેરી (ભૂજ -ક્ચ્છ) પુનઃનિર્માણ, ક્ચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ જેવી સંસ્થાઓ સાથેની પ્રવૃત્તિઓ સહિત અન્ય પ્રવૃત્તિઓનો પરિચય મળી રહે તે મુજબના લેખો / વાર્તાલાપો અને તેમનાં પ્રકાશિત ૧૬૦ પુસ્તકોની સૂચિ જેવી સામગ્રી આવરી લેવાઈ છે.
કોઈ એક વ્યક્તિના જીવનના ખાસ પ્રસંગને અનુલક્ષીને જ્યારે આ પ્રકારની કોઈ પરિયોજના સાકાર થાય તેમાં કાંઇક અંશે એકતરફી ગુણગાનનું પ્રમાણ વધારે હોય તેવું જોવા મળતું હોય છે. પરંતુ, વહાલનું અક્ષયપાત્ર'માં વાંચવા મળતી રજૂઆત મોટા ભાગે જેમને પધ્ધતિસરનાં લેખન સાથે દૂર દૂરનો સંબંધ નથી એવી વ્યક્તિઓની અનુભવોક્તિઓ હોવાને કારણે બહુ સહજ અને આત્મીય બની રહી છે.
પુસ્તકનું સંકલન કાર્ય તેમના વિદ્યાર્થી વીરેન શેઠ અને વીરેનનાં પત્ની જીના શેઠે એટલી ચીવટ, મહેનત, લગન અને ભાવથી કર્યું છે કે પુસ્તકની કોઈ સ્થૂળ કિંમત જ નથી રખાઈ. આમ ખરા અર્થમાં આ પુસ્તક બન્ને સંપાદકોની તેમના ગુરુ-મિત્ર-વડીલ હરેશ ધોળકિયા પ્રત્યેનાં ઋણ-સ્વીકાર અને તેના કરતાં પણ વધારે તો જીવનમાં એક 'અતિ ઉત્તમ વ્યક્તિ' મળ્યાની "અમૂલ્ય" પ્રસન્નતાને વહેંચવાની ભાવનાને મૂર્ત કરી રહે છે.
+    +     +     +
વહાલનું અક્ષયપાત્ર - પૃષ્ઠ સંખ્યા ૧૬+૪૨૪

સપાદકો - વીરેન શેથ, જીના શેઠ

પ્રકાશકઃ સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવા - ફોન +૯૧ ૭૯ ૨૧૧૫૦૯૦૩

કિંમત - સંપાદકોના સૌજન્યથી, સહૃદયી સ્વજનોને સપ્રેમ
+    +     +     +
શ્રી વીરેન શેઠ / જીના શેઠનાં સંપર્કસૂત્રો
સેલ ફોન+ ૯૧૭૪૦૫૦૭૪૧૪૦ | ઈ-મેલઃ  virenssheth@hotmail.com  

શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રૉઃ
નિવાસ સ્થાન - ન્યુ મિન્ટ રોદ, ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com