Showing posts with label Personal. Show all posts
Showing posts with label Personal. Show all posts

Thursday, August 11, 2022

શ્રી પી પી વોરાને અંજલિ - મારી પ્રારંભિક કારકિર્દીનાં ઘડતરના એક મહત્વના સ્થપતિની અપ્રત્યક્ષ ભૂમિકાની યાદો

01-10-1943 | 05-08-2022
Ex-CMD – IDBI |Ex-CMD- NHB
શ્રી પી પી વોરાના દેહવિલયના સમાચાર નજરે પડતાંવેંત મારૂં મન ટાઈમ મશીનમાં ગોઠવાઈ જઈને મારી પ્રારંભિક કારકિર્દીનાં ૧૯૭૪ -૧૯૭૬ વર્ષોમાં પહોંચી ગયું.

આઇસીઆઈસીઆઈ લિ. ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ (જીએસટી) લિ.ને એવું સુચન કરેલ કે રૂ. ૪૦ લાખની જીએસટીની લાંબા ગાળાની લોન માટે જીએસટીએ અમદાવાદમાં ગુ્જરાત ઇન્ડસ્ટ્રિઅલ ઈન્વેસ્ટ્મેન્ટ કોર્પોરેશન (જીઆઈઆઈસી) લિ.નો સંપર્ક કરવો જોઇએ. જીઆઈઆઈસી સાથે એ રીતે શરૂ થયેલા સંબંધે જીએસટી માટે તેના નીકા ટ્યુબ લિ.(નીકા)ના વેલ્ડેડ એસ એસ ટ્યુબ ઉત્પાદન પ્રોજેક્ટ માટેની લાંબા ગાળાની લોન માટે પણ દરવાજો ખોલી આપ્યો. નિયતિએ જીએસટીમાં પ્રોજેક્ટ ઑફિસર તરીકેની ભૂમિકામાં મને મુકીને મારી કારકિર્દીના કેટલાક પાયાના પાઠો શીખવવાની ગોઠવેલી રાખેલી એ કેવી યોજના હતી !

જીએસટીએ પોતાના સ્વાનુભવથી કેળવેલ ડિઝાઇન અને એન્જિનિયરિંગ કૌશલ્યને એક નવી દિશામાં મૂર્ત કરવાની જીએસટીની એ સમયની પ્રોજેક્ટ અમલીકરણ ટીમ માટે આ એક અમૂલ્ય તક અને અભિનવ પડકાર હતાં. પ્રોજેક્ટ અમલીકરણમાં જાતે બનાવેલી ટ્યુબ મિલ માટે નાણાંકીય સંસ્થા પાસેથી લોન મંજૂર કરાવવી એ માત્ર મારી કારકિર્દીનો જ નહીં પણ જીએસટી માટે પણ પહેલો જ અનુભવ હતો. નીકાની આ પ્રોજેક્ટ માટેની લોનની દરખાસ્તને તકનીકી મૂલ્યાંકનના તબક્કાના કોઠાને પાર કરીને હવે નાંણાંકીય દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરવાના તબક્કા સુધી તો પહોંચાડી દઈ શકાઈ હતી. એ માટે જીઆઈઆઈસીના એ સમયના તકનીકી મૂલ્યાંકન વિભાગના વડા શ્રી આર એસ દીક્ષિત (એમના નામના પ્રથમાક્ષરો માટે મારી યાદ કાચી નથી પડતી એ અપેક્ષા સહ) ખુદ એ દરખાસ્ત લઈને જીઆઇઆઈસીના એ સમયના નાણાંકીય મૂલ્યાંકન વિભાગના વડા શ્રી પી પી વોરા પાસે મને લઈ ગયા.

શ્રી પી પી વોરાએ મૂલ્યાંકનના પ્રારંભિક તબક્કામાં જ ખુબ કાળજીપૂર્વકની પ્રોફેશનલ ઢબે મારી પાસે નીકા દ્વારા જાતે બનાવાઈ રહેલ ટ્યુબ મિલનાં મૂલ્યને રેકોર્ડ કરવા માટેનું અને દસ્તાવેજ કરવા માટેનું એક મૉડેલ મારી પાસે તૈયાર કરાવડાવ્યું. જે રીતે એમને એ મૉડેલને ઘડ્યું તે નીકા માટે અમલ કરવામાં સરળ હોવાની સાથે સાથે નિષ્પક્ષ રીતે ઑડીટ થઈ શકે તેમ હોવાની સાથે સાથે નાણાંકીય હિસાબો માટેની કંપનીઓના કાયદાની તેમ જ આવક વેરા કાયદાની જોગવાઈઓ સાથે પણ સુસંગત હતું.

શ્રી દીક્ષિત અને શ્રી વોરાએ જે સહજતાથી સમગ્ર મૂલ્યાંકનની પ્રક્રિયાની દોરવણી કરી એને કારણેને કોઈ પણ તબક્કે એ આખી જવાબદારી મને બોજો તો ન જ અનુભવાઈ, પરંતુ તે સાથે નીકા સંચાલક મંડળ અને પ્રોજેકટ ટીમને પણ એવું જ લાગે કે આ આખી પ્રક્રિયાનો સફળ ચાલક હું છું, તે રીતે પણ પ્રસ્તુત થઈ.

જે સહજતાથી એ આખી પ્રક્રિયાનો અમલ થયો તેને કારણે મને જરા પણ ભાર વિના એ અનુભૂતિ પણ થઈ કે મારા સૈદ્ધાંતિક જ્ઞાનના કાચા ઘડાને સહારે હું આ પ્રકિયાની મહા નદીમાં જે સરળતાથી તરી શક્યો છું તેમાં હું સાચો છું તેના કરતાં ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાના ઉદ્દેશને બહુ જ સ્વાભાવિકતાથી ચરિતાર્થ કરી રહેલા બે પ્રોફેશનલોની ખરી વિચક્ષણતા વધારે કારગર હતી. એમની એ વિચક્ષણતાએ મારા જેવા કંઈ કેટલાય નવપ્રોફેશનલોને સૈદ્ધાંતિક આદર્શોને વાસ્તવિકતાની એરણે ઘડવાની કુનેહ શીખવી હશે !

એટલું જ નહીં. કોઇ પણ દરખાસ્તની લોનની સમગ્ર અવધિ દરમ્યાન તકનીકી અને નાણાંકીય સદ્ધરતાને એ ઉદ્યોગનાં બૃહદ પાસંઓની દૃષ્ટિએ ચકાસવાના તેમના દૃષ્ટિકોણને પરિણામે અમને (નીકાનાં સંચાલન મડળને) પણ નવાં જ પાણીમાં આ નૌકાને તરતી રાખવા માટે આવશ્યક એવા ઘણા પાઠ શીખવ્યા.

તદુપરાંત, આજે જ્યારે હવે હું પશ્ચાદ દૃષ્ટિએ એ સમગ્ર પ્રક્રિયાને નિહાળું છું ત્યારે મને એ પણ સમજાય છે કે કોઇ પણ બાબતને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાની તેમની એ કુનેહ કંઇક અંશે મને પણ એટલું શીખવાડતી ગઈ કે પહેલી નજરે દેખીતા દૃષ્ટિકોણની પેલે પાર જઈને પણ કોઈ બાબતને સાવ અલગ અલગ જ દૃષ્ટિકોણ શા માટે અને શી રીતે જોવી જોઈએ.

શ્રી પી પી વોરાનાં દેહાવસાનના સમાચારથી એ વર્ષોની આ બધી યાદોનું મારાં મનમાં ઉભરી આવવું એ જ કદાચ મારી તેમને, ભારતનાં ઉદ્યોગ જગતને ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાની તેમની એ અનન્ય કુનેહને, સાચી અંજલિ હોઈ શકે.

તે સાથે મારી ૩૮ વર્ષની કારકિર્દીમાં નિયતિની દોરવણી હેઠળ મંચ પર પાઠ ભજવતા મને એ સમયે મારા માટે જે કરવું સાચું છે એવી મારી માન્યતાની મારી શ્રધ્ધાની જ્યોતને સંકોરતા રહેવાની પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભૂમિકા ભજવનારી એ દરેક વ્યક્તિઓ પ્રત્યે મારાં ઋણનો પણ હું સ્વીકાર કરૂં છું.

Monday, October 5, 2020

મારા કાકા - જનાર્દન પ્રાણલાલ વૈશ્નવ


જનાર્દન પ્રાણલાલ વૈશ્નવ (જન્મ : ૦૯-૦૬-૧૯૩૨ । દેહાવસાન : ૨૩-૦૯-૨૦૨૦) પ્રાણલાલ વાઘજી વૈશ્નવ અને રેવાકુંવર પ્રાણલાલ વૈશ્નવના ત્રણ પુત્રોમાં સૌથી નાના પુત્ર હતા. સૌથી મોટા પુત્ર કમળકાંતભઈ વૈશ્નવ અને તેમનાથી નાના, મહેશ્ભાઈ વૈશ્નવ (મારા પિતા).

કમળકાંતભાઈનું ૧૯૭૦માં જ્યારે અવસાન થયું, ત્યારે મારી ઉમર ૧૯ વર્ષની જ હતી. એટલે મને તેમનો પરિચય માત્ર એક પ્રેમાળ કાકા તરીકેનો જ હતો. તેમનાં વ્યક્તિત્વની જે કંઈ ઓળખ થઈ એ ક્યાં તો એ જ વર્ષે સાથે મુસાફરીના સમયે આખી રાત તેમણે પોતા વિશે જે કંઈ મને કહ્યું તે અથવા તો પછીનાં વર્ષોમાં તેમના પરિચયમાં આવેલાં લોકો પાસેથી જે કંઈ જાણવા મળ્યું તેટલી જ. મારા પિતા, મહેશભાઈએ તો, ૧૯૬૫માં,  મને મારાં એસ એસ સી પાસ થયાનાં વર્ષથી મને બહુ ઘણી બાબતોમાં (જુનિયર) મિત્ર તરીકે જ મારી સાથે વ્યવહાર રાખ્યો હતો, જે સમયની સાથે એ કક્ષા સુધી બઢતી પામતો ગયો કે હું બેઝીઝક, લગભગ દરેક વિષયમાં, તેમને મારા અભિપ્રાયો જણાવી શકવા લાગ્યો હતો. ૧૯૮૩માં, એમનાં અવસાન પછી મારી ભૂમિકા હવે પ્રાણલાલ વૈશ્નવ કુટૂંબના વડા જનાર્દનભાઈના મુખ્ય સહાયક તરીકેની હતી.

દરેક ભાઈઓ વચ્ચે ઉમરનો છ થી આઠ વર્ષો જેટલો તફાવત , એટલે તેમનાં અનુક્રમે બાળપણથી  કિશોરાવસ્થા સુધીનાં કૌટુંબિક વાતાવરણના અમુક સંસ્કારો લગભગ એક સરખા જ રહ્યા. તેમનો તે પછીનો વિકાસ ઠીક ઠીક અલગ અલગ વાતાવરણ અને સંજોગોમાં થયો. એટલે ત્રણેય ભાઈઓનાં જીવનનાં મૂળભૂત મુલ્યોમાં સ્વાભાવિક સમાનતા હતી, પણ એ મૂલ્યોના આદર્શોના વ્યવહારમાં અમલ અંગેના દૃષ્ટિકોણ દેખીતી રીતે જુદા પડતા જણાય. મારૂં સ્થાન અને ક્ષમતા તેમનાં વ્યક્તિત્વ વિશે વાત કરવા માટેનાં નથી. એથી, અહીં હું જે કંઈ કહી રહ્યો છું તે પછીની પેઢીના એક સભ્યના પહેલાંની પેઢી સાથેના અનુભવોની  વ્યક્તિગત સ્મૃતિઓ જ છે.

હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા અનુસાર જનાર્દનભાઈના ભૌતિક દેહમાંથી આત્માની પરમાત્મા સાથે વિલિન થવાની યાત્રા દેહાવસાનના તેરમા, આજના, દિવસથી શરૂ થઈ ગણાય, એટલે હવે તેમની યાદોને સ્મૃતિના પટારામાંથી બહાર લાવી તાજી કરવાનો આ નમ્ર ઉપક્રમ છે. અહીં રજૂ કરેલી યાદોનો સંદર્ભ મે તેમને જે રીતે જોયા  અને સમજ્યા તે પૂરતો જ મર્યાદિત છે. મારા અંગત અભિપ્રાયની અસર એ યાદોની રજૂઆત પર ઓછામાં ઓછી પડે તેવો મેં પ્રયાસ કર્યો છે.

જનાર્દનભાઈ સાથેની મારી પહેલી યાદ લગભગ ૧૯૫૬નાં વર્ષની છે. અમે ભુજથી સિરોહી / આબુ (રાજસ્થાન) મારા દાદા-દાદી સાથે રહેવા ટ્રેનથી સફર કરી રહ્યાં હતાં. પાલનપુર સ્ટેશને બીજી ટ્રેન માટે બે થી ત્રણ કલાકની રાહ જોવી પડતી. એ દરમ્યાન પ્લેટફોર્મ પર બીજી બધી ગાડીઓ આવે અને રવાના થાય. અમુક અમુક ગાડીમાંથી (એ જમાનામાં વપરાશમાં હતાં એવાં વરાળ) એન્જિનો ટ્રેનથી છૂટાં પડે અથવા તો જોડાય. એ આખી  પ્રક્રિયા જોવામાં મને બાળસહજ ઉત્સુકતા હતી. પણ પહેલું જ એન્જિન જોડાતી વખતે તેણે જે જોરથી વ્હિસલ વગાડી અને વરાળનો એક વિશાળ જથ્થો છોડ્યો, તેનાથી મારા તો છક્કા જ છૂટી ગયા. હવે જ્યારે એન્જિન જોડાવાનું કે છૂટું પડવાનું હોય ત્યારે હું તેનાથી ઊંધી દિશામાં રહેવાની જ રઢ લેતો. પણ જનાર્દનભાઈ મને પ્રેમાગ્રહપૂર્વક દરેક વખતે એન્જિન સામે લઈને ઊભો રાખતા. હું ડરનો માર્યો રડારોળ કરૂં, પણ તેઓ મને  ખુબથી પ્રેમથી, પણ  જકડીને, ત્યાં ઉભા રહે. આવું કમસે કમ એ દિવસે છ સાત વાર થયું. આજે યાદ કરૂં છું તો સમજાય છે કે મારો ભય દૂર કરવાની તેમણે બહુ સ્પષ્ટ  નિશ્ચયાત્મકતા દર્શાવી હતી, મારી પડખે હુંફ સાથે તેઓ ઊભા જરૂર રહ્યા, પણ મારો ભય તો, એ પ્રકારના અનુભવોમાંથી પસાર થઈને, મારે જાતેજ દૂર કરવો રહ્યો તે વિશે પણ તેઓ બહુ જ સ્પષ્ટ હતા.

લગભગ આ જ પ્રકારનો અભિગમ બીજા બે ભાઈઓનો પણ હતો. મારા મોટા કાકા, કમળકાંતભઈ, પણ દીવાળીમાં અમારા હાથમાં ટેટા ફોડવાની તાલીમ આપી અમારામાથી ભય દૂર કરવાનાં સભાન પ્રયોગ કરતા..૧૯૬૦ના માર્ચ / એપ્રિલમાં મારા પિતા મહેશભાઈની રાજકોટથી અમદાવાદ  બદલી થઈ ચુકી હતી. મારે એક વિષયની પરીક્ષા આપવા રાજકોટ જવાનું હતું. તેમણે મને બધું સમજાવીને બસમાં બેસાડી દીધો, અને મને પોતાના પગભેર થવાનું પહેલું પગલું  મંડાવી દીધું હતું.

અમારા શાળાભ્યાસના વર્ષો દરમ્યાન કેટલાંય ઉનાળૂ વેકેશનો જનાર્દ્નભાઈને ત્યાં ગાળ્યાં છે. એ સમયે, અમારી એ સમયની સમજણ અનુસાર, કામના સામાન્યપણે રહેતાં દબાણ હેઠળ પણ તેમના સાંત અને સ્વસ્થ રહી શકવાનાં તેમનાં પાસાંને અછડતું અછડતું જોયાનું યાદ આવે. પણ એ તેમના એ સ્વભાવનો પહેલો ખરો પરિચય તો ૧૯૮૩માં મારાં પિતાશ્રી, મહેશભાઈનાં, અવસાન સમયે થયો. જનાર્દનભાઈએ તેમનાં માતા (મારાં દાદી) રેવાકુંવરબેન સહિતના બે બાળકો અને પત્ની, પૂર્ણિમાકાકી, સાથેનાં કુટુંબને રાજકોટથી અમદાવાદની ૬ કલાકની મુસાફરી કરીને લઈ આવવાનું હતું. મહેશભાઈનું અવસાન થઈ ગયું છે તેવા ખબર માત્ર તેમને જ હતા, બાકીનાં બધાંને હજુ એ બાબતે અધ્યાહારભાવમાં રાખીને જ લઈ આવવાનાં હતાં. અહીં ઘર પાસે રિક્ષામાંથી ઉતરતાંની સાથે જ અહીંની પરિસ્થિતિ તો મારાં દાદીને સ્પષ્ટ થઈ જ ગઈ હતી.  ૧૯૬૪માં મારા દાદા, પ્રાણલાલભાઈ,નાં મૂત્યુ સમયે અને ૧૯૭૦માં મારા કાકા, ક્મળકાંતભાઈ,નાં અવસાન સમયે રેવાકુંવરબેનની માનસીક, અને તેને કારણે શારિરીક, હાલત અમે જોયેલી એટલે અમને પણ એ ઘડીની નાજુક ગંભીરતાનો અંદાજ હતો. જનાર્દનભાઈએ જરા પણ ક્ષણો વેડફ્યા વિના, રેવાકુંવરબેનને રિક્ષામાથી ઉતાર્યાં અને તેમને ખભેથી આંખાં શરીરનો ટેકો કરીને ત્રણ માળના દાદરા ચડાવીને લઈ આવ્યા. ઘરમાં આવીને રેવાકુંવરબેનને જે ધક્કો લગ્યો હશે તેને સહન કરવામાં પણ મદદ રહે તેમ તેમને હાથ વીંટાળીને દસેક મિનિટ બેસી રહ્યા. પછી તેમને લાગ્યૂં હશે કે હવે ખતરાની ઘડી વીતી ગઈ છે એટલે અંતિમ દર્શનની ક્રિયા વગેરે સત્વરે આટોપી લેવાનો તેમણે અમને ઈશારો કર્યો. એ પછીના દિવસો ઘરમાં બહુ જ અવર જવર પણ હતી, એટલે રેવાકુંવરબેનની સાવ પડખે બેસીને તો તેમનાં દુઃખને સહન કરવામાં મદદરૂપ થઈ શકાય એવું તો હતું નહીં, પણ જનાર્દનભાઈની ચીવટભરી નજર રેવાકુંવરબેનના હાવભાવ પર રહેતી તે મારી નજરે ઘણી વાર આવતું.

૧૯૬૪માં મારા દાદાનાં મૂત્યુ સમયે આ જ રીતે અમે મારા કાકા કમળકાંતભાઈને મારાં દાદીની 'રીમોટ" ઢાલ બનતા જોયા હતા. એ સમયે દાદી તો સ્ત્રીઓના સમુદાયમાં ઘેરાયેલાં હોય એટલે કમળકાંતભાઈ ત્યાં તો બહુ ન આવી શકે. એટલે તેઓ અમને શીખવાડી શીખવાડીને શું શું કરીને દાદીની  ઝીણીઝીણી સંભાળ લેવી તેવું ગોઠવતા. ૧૯૭૯માં કમળકાંતભાઈનાં અવસાન સમયે તો મધ્ય ગુજરાતથી કરીને સુરતની તાપી સુધી અતિવૃષ્ટિને કારણે સર્જાયેલ નદીઓનાં પુરની સ્થિતિને કારણે જનાર્દનભાઈએ રેવાકુંવરબેનને અને કુટુંબને છેક ભુજ (કચ્છ)થી સુરતની અતિવિપદાભરી મુસાફરીની શારીરીક અને માનસિક હાલાકી પણ અનોખી સ્વસ્થતાથી સહન કરવાનો કડવો ઘુંટડો તો ગળી જ લીધો હતો.

મારા દાદાનું મૂત્યુ સમયથી જ દાદીએ સાંજનું જમવાનું છોડી દીધું હતું. દીકરાઓના અતિપ્રેમાગ્રહને વશ થઈને સાંજે માટે એક ચમચો શાક અને એક કપ દુધ પીતાં. તે પછી તો તેમના બીજા બે દીકરાની વિદાય પણ તેમણે સહેવી પડી. એટલે તેમનું શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જતું હતું. મારા પિતાજીનાં અવસાનનાં ત્રણેક વર્ષ બાદ એક નાની આકસ્મિક ઘટનાને કારણે દાદીના કરોડસ્થંભના છેલ્લા મણકાનાં હાડકાંમાં હેરલઈન તિરાડ પડી ગઈ. તેઓ ધીમે ધીમે પથારીવશ થતાં ગયાં. આ પથારીવશતા ઊંટની પીઠ પરનાં છેલ્લાં તરણાં જેવું નીવડી.

જનાર્દનભાઈએ અને તેમનાં અંગત કુટુંબી સ્વજનોએ તેમની સેવા જે નિષ્ઠાથી કરી તેને સ્વાભાવિક ગણીએ તો પણ છેક છેલ્લા દિવસોમાં જ્યારે દાકતરો તબીબી દૃષ્ટિએ હાથ હેઠા મુકી રહ્યા હતા ત્યારે પણ જનાર્દનભાઈએ  હવે સાવ તુટવાની અણી પર આવેલો આશાનો તંતુ પણ પકડી રાખવાનો, પોતાનો પુરતો, આગ્રહ રાખ્યો હતો . સાવ અંતમાં જ્યારે દાદીની કીડની સંપૂર્ણપણે કામ કરતી બંધ  સાબિત થઈ ચુકી હતી, ત્યારે દાક્તરે હવે થોડા જ કલાકની વાત છે તેમ કહીને મને અમદાવાદથી બોલાવી લેવાની સલાહ આપી હતી. પરંતુ જનાર્દનભાઈનો માતૃપ્રેમ હજૂ પણ આશાવાદી હશે એટલે તેમણે મને જાણ ન કરવાનું જ ઊચિત માન્યું. તેમના આ આગ્રહ સામે લગભગ ૬૦ કલાક સુધી કુદરતની પણ કારી નહીં ફાવી હોય તેમ લાગતું હતું. જ્યારે આખરે દાદીને મૃત જાહેર કરાયાં ત્યારે જ તેમણે મને જાણ કરી. એ પછી મારાં રાજકોટ પહોંચવા સુધીના અને પછી છેલ્લે અંતિમ ક્રિયાના બધા જ સમય દરમ્યાન તેમણે જાળવેલ સ્વસ્થતા ઘણાંને એ સમયે બુઠ્ઠી બની ગયેલી લાગણીઓને કારણે લાગી હશે, પણ મને તેમના ચહેરા પર અને આંખોમાં સ્થિતપ્રજ્ઞ શાંતિ જ્ણાતી હતી.

દાદીનાં અવસાન પછીના ઉત્તર ક્રિયાઓના દહાડાઓમાં જ તેમણે દાદાએ લખેલ પધ્ધતિસરનું વસિયત અને દાદી એ અનૌપચારિક સ્વરૂપે લખેલ તેમની ઈચ્છાઓ આખાં કુટુંબને જાહેરમાં વાંચી સંભળાવ્યાં, અને એ મુજબનો તાત્કાલિક અમલ પણ કર્યો. પ્રાણલાલ વૈશ્નવ કુટુંબની એક માત્ર વડીલોપાર્જિત વારસાગત મિલ્કત, 'ભુજનું ઘર', હજુ પણ મહત્તમ વારસદારોની હાજરી છે ત્યારે જ વેંચી નાખીને ભવિષ્યના, કદાચિત સંભવિત, વિખવાદને બનતી ત્વરાએ નીવારવાનો તેમનો નિર્ણય તેમણે ખાસ્સું મન 'કઠણ' કરીને લીધો હશે. તે નિર્ણયના અમલમાં જે કંઈ અડચણો આવી તેને ખુબ જ ધીરજથી દૂર કરવાની તેમણે ખાસ ચીવટ દાખવી હતી. કોઈ પણ મિલ્કતની વહેંચણી ભાગ્યેજ વિચારભેદ, અને તેમાંથી પેદા થતા મતભેદ, સિવાય બનતી હશે. દુનિયાનો એ સાહજિક ક્રમ વૈશ્નવ કુટુંબને થોડો પણ લાગુ પડ્યો તે તેમને ક્ષમ્ય જણાયું કે નહીં તે તો માત્ર તેમને જ ખબર હોય, પણ એ વિચારભેદો કે મતભેદોને તેમણે તે પછીના એક પણ વ્યવહારમાં યાદ ન કર્યા અને તેને મનભેદમાં કાયમી ન બનવા દીધા એ તો બહુ સ્પષ્ટ જ રહ્યું.  

એ સમયથી માંડીને છેક છેલ્લે સુધી કૌટુંબીક ઐક્યની ભાવનાનાં કુટુંબનાં પરંપરાગત મૂલ્ય અંગે તેમણે નવી પેઢી સાથેના વિચારભેદને મનથી નહીં જ સ્વીકાર્યા હોય, પણ  દેખીતી રીતે 'આંખ આડા કાન કરીને કૌટુંબીક એકતાની ભાંગતી ઇમારતને જાળવી રાખવાનો 'વ્યાવહારિક' અભિગમ અપનાવ્યો હતો.

૨૦૦૮માં એમનાં પત્ની (પુર્ણિમાકાકી))નાં અવસાન પછી પણ તેમણે કુટુંબના વ્યવહારો પ્રત્યે એવો જ સ્વસ્થ અને 'ઉદાર (!)' અભિગમ રાખ્યો સૌથી મોટા ભાઈ, કમળકાંતભાઈ,ની પૌત્રીનાં લગ્ન તો સાવ બે-ત્રણ મહિનામાં જ હતાં અને તે પછી એ જ વર્ષમાં મહેશભાઈના પૌત્રનાં પણ લગ્ન હતાં. એ બન્ને લગ્નોની કૌટુંબીક  આનંદની પળોને તેમણે બહુ જ સભાનપણે સંકોરીને  ખીલવા માટેનું વાતાવરણ બની રહે તેમ સુનિશ્ચિત કર્યુ. એવા જ એક અન્ય પ્રસંગે તેમનાં સ્થાનનું માન ન જળવાય એવી મારી માન્યતાને તેમણે સ્પષ્ટપણે અસ્વીકારી. એ સમયે તેમને માટે તેમનાં સ્થાનનાં મહત્ત્વ કરતાં એ સ્થાનની ફરજ વધારે મહત્ત્વની હતી.

બધા ભાઈઓમાટે ફરજનિષ્ઠા એ 'પ્રમાણિકતા'નાં મૂલ્યનું હંમેશાં એક આદર્શ પરિંમાણ રહ્યું - પછીએ એ ફરજ કુટુંબ પ્રત્યેનો હોય, કે પછી તેમના વ્યવસાય પ્રત્યેની હોય, કે પોતે જે જવાબ્દારી નિભાવવાનું સ્વીકાર્યું છે તે હોય કે પછી નૈતિકતાની તેમની વ્યાખ્યા અને સમજમાં આવતું વર્તન હોય. પ્રમાણિકતાનું એવું જ બીજું આદર્શ પરિમાણ હતું વિચાર, વાણી અને વર્તનમાં ક્યારે પણ તસુ જેટલો પણ તફાવત ન હોવો તેમ જ એ બાબતે પૂરેપુરી પારદર્શિતા જાળવવી. એને કારણે ત્રણેય ભાઈઓ સ્પષ્ટ વક્તા હતા. જોકે કમળકાંતભાઈ જેટલા તડને ફડ કરી નાખનારા હતા, એટલા જ મહેશભાઈ તેમનાં સિધ્ધાંતોની વિરૂધ્ધ ની કોઇ વાત હોય તો મૌન સેવી લેતા, પણ તેમના ચહેરા પરના એ સમયના ભાવો એટલા જ બોલકા રહેતા. જનાર્દનભાઈ  કૌટુંબીક બાબતોમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય શબ્દો ચોર્યા વગર એક વાર જરૂર કહે, પણ તે પછી જો એમ લાગે કે સામેની વ્યક્તિની માન્યતા સાથે તે સુસંગત નથી એટલે એ વ્યક્તિ ભલે કંઈ કહેશે નહીં, પણ એમનું કહ્યું કરશે પણ નહી, તો પછીથી બીજી વાર એ વાતનો ઉલ્લેખ જ ન કરતા.

આવી માર્મિક બાબતોમાં જે આટલા પ્રમાણિક હોય તે નાણાંકીય વ્યવહારોની બાબતે તો 'ચોખ્ખા' જ હોય તે તો સાવ સહજ છે. એક, સાવા નાનાં જણાતાં ઉદાહરણથી આ વાતને ખુબ સ્પષ્ટ કરી શકાશે. અમે મુંદ્રા શિફ્ટ થયાં ત્યારે અમારાં ઘરની નાની નાની સારસંભાળ માટે કોઈ તાત્કાલિક ખર્ચ કરવાની જરૂર પડે તે માટે મેં તેમને મહાપરાણે એક બહુ જ નાની રકમ આગોતરા સ્વીકારવા મનાવ્યા હતા. તે પછી, અમારે ફોન પર અઠવાડીએ એક વાર નિયમિતપણે વાત થતી તો પણ  તેઓ દર છ મહિને 'ખર્ચનો હિસાબ' અલગ પત્રથી નિયમિતપણે જાણ કરતા !

એ ત્રણેય ભાઈઓ માટે પૈસો (ભૌતિક સંપત્તિ) જીવન નિર્વાહ કરવા માટેના વ્યવહારોનું માધ્યમ માત્ર જ હતો, સુખનું મેળવવાનું સાધન નહીં અને સાધ્ય તો વળી કદાપિ જ નહીં.

ગૃહસ્થીના વ્યવહારોની તેમની શૈલીમાં સ્પષ્ટ પરિવર્તન તેમનાં પત્ની, પુર્ણિમાકાકી,નાં અવસાન બાદ આવેલું દેખાવા લાગ્યું હતું. પુર્ણિમાકાકીનાં અવસાન પછી તેમણે 'ઘર ચલાવવા' માટેનાં આર્થિક અને નાણાંકીય પાસાંઓની પુરી તાલીમ અને સમજ તેમની પુત્રવધૂ, અમી,ને આપવાનું શરૂ કરી દીધું હતું   તેમની ગૃહસ્થીની પ્રત્યેક આર્થિક અને નાણાંકીય પરિસ્થિતિઓનૂ બહુ ચોકસાઈભર્યું  તેઓ જે દસ્તાવેજીકરણ રાખતા તે સ્તરે અમી પણ પહોંચે એ માટે તે સજાગ હતા અને પુરેપુરા સફળ પણ રહ્યા. પછીની પેઢીને પોતાની જવાબદારીઓ સ્વીકારવા સક્ષમ કરવી અને તે પછી જવાબદારીઓ સોંપી પણ દેવી એવો જે વાનપ્રસ્થાશ્રમનો એક અભિગમ છે તે તેમણે સાક્ષાત કર્યો.

 પા્ચેક વર્ષ પહેલાંની પ્રોસ્ટેટની બીમારી પછી તેમણે સંન્યસ્તની નિર્મોહી અવસ્થામાં જવા ભણી પ્રયાણ કર્યું. તેને વધારે પ્રવેગ મળે તેવી ઘટના ત્રણ વર્ષ પહેલાં તેમના જમાઈ, દુષ્યંત રિંડાણી,નું અકાળે થયેલું અવસાન હતું. પોતાની હાજરી હોય કે ન હોય તો પણ હર્ષિકા 'દુઃખી' નહીં થાય એમ સંતોષ પામવા માટેનાં અન્ય પરિબળોની પણ અલબત્ત તે બાબતે ભૂમિકા રહી હશે તેમ માનીએ તો પણ એ બદલેલા સંજોગોમાં પણ તેમની પુત્રી, હર્ષિકા, માટેની પિતા તરીકેની સ્વાભાવિક ચિંતા પણ હવે તેમને જીવવા માટેનું પ્રબળ કારણ નહોતી પુરી પાડી શકતી. કોઈ પણ જીવનના અંત માટે કોઈ કારણ તો હોવું જ જોઈશે એ ન્યાયે તેમનાં આપ્તજનોના અનેકાનેક પ્રયાસો છતાં પણ છેલ્લા દસ પંદર દિવસની તેમની બીમારીએ તેમને જીજીવિષા સાવ જ છોડી દેવા માટે અંદરથી પ્રેરિત કર્યા હોય એવું હવે પશ્ચાદદૂષ્ટિથી વિચારતાં માની શકાય છે.

મારીઓ પુઝોની નવલકથા 'ગોડફાધર'માં જીવનની આખરી ક્ષણોમાં જેમ ડૉન કોર્લીઓન તેમના પુત્રને કહી શક્યા હતા કે 'જિંદગી કેટલી સુંદર છે'  / Life is so beautiful, એમ જનાર્દનભાઈ પણ કહેતા કે તેઓ પુરૂં જીવી ચુક્યા છે. જે આત્મા સદેહે જ પોતાનાં કર્મોનો હિસાબ આટલી સ્પષ્ટતાથી સાફ કરી ચુક્યો હોય તેની અંનત યાત્રા તો પરમ શાંતિની જ સફર હોય.

આપણે આવાં પુણ્યશાળી વ્યક્તિઓનાં વારસ છીએ તે ભાન આપણને આપણાં જીવનનાં મૂલ્યો પ્રત્યેના અભિગમને વધારે સ્પષ્ટ કરી રહે છે. એ સ્મૃતિઓ આપણા હવે પછીના દરેક નિર્ણય અને વર્તનને જે માર્ગદર્શન આપે તે સમજવાની, અને અમલ કરવાની, આપણામાં ક્ષમતા રહે એવી જ હવે પછીનાં જીવન પ્રત્યેની મારી અપેક્ષા છે. 

Sunday, August 2, 2015

શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબને આખરી વિદાય



શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબની સદા સકારાત્મક સૂરમાં છેલ્લાં થોડાં વર્ષોથી કુદરત સાથે ચાલી રહેલી લડાઈ જુલાઈ, ૨૦૧૫ની ૩૧મી તારીખે સંકેલાઈ ગઈ. છેલ્લાં થોડાં વર્ષોની તેમની નાનીમોટી બીમારીઓ, તેમનાં પત્ની (સુરેખાભાભી)ની પણ નિષ્ફળ પરિણામ સામે દેખાતી બીમારી અને આખરે સંગાથ છોડીને લીધેલી કાયમી વિદાય બીજાં કોઈમાં નિરાશા, ચીડ કે હાર કબુલી લેવાની લાગણી જન્માવી જ દે. પરંતુ આ બધાં વર્ષોમાં જ્યારે તેમને મળવાનું થયું છે કે તેમની સાથે વાત કરવાનું થયું છે, ત્યારે પરીખ સાહેબની સકારાત્મકતા અને જીવનની પ્રત્યેક અપેક્ષિત કે અનઅપેક્ષિત ઘટના પ્રત્યેની વિધેયકતામાં એક અંશ પણ કમી નથી અનુભવાઈ.  
એમની આ લાક્ષણિકતા તો સ્વાભાવિક જ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોના તેમના સંજોગોને કારણે વધારે નજરે ચડે. છેલ્લે જ્યારે ગયે અઠવાડિયે તેમની સાથે વાત કરી ત્યારે તેમના અવાજ કે સૂરમાં જરા સરખો પણ અંદાજ ન આવે કે પછીના અઠવાડીયે તેઓ હશે પણ નહીં! એ વાત કર્યા પછી તેમને તરત જ મળવા ન જઇ શકવાનો રંજ હંમેશાં મનમાં ખટક્યા કરશે.
આજે હવે ગુજરાત સ્ટીલ ટ્યુબમાં તેમની સાથે કામ કરવા મળેલાં ૧૯૭૩થી ૧૯૭૯નાં વર્ષો યાદ આવે છે ત્યારે પણ તેમની આ લાક્ષણિકતાનાં તો કેટકટલાંય ઉદાહરણો યાદ આવે છે. કોઈ જે કામ કરી શકે તેમ ન હોય (કે કરવા માગતું ન હોય) તે પરીખ સાહેબને ફાળે આવતું. માંડ કરીને એક આવા પ્રશ્નનો નીવેડો આવ્યો હોય, ત્યાં બીજા પ્રશ્નનું માથે આવી પડવું પણ સાવ સહજસામાન્ય હતું.  આવી આકસ્મિક, પહેલાં ક્યારે પણ કામ ન પડ્યું  હોય એવી ઘટનાઓને વિધેયાત્મકતાથી અવલોકવાની, ઘટનાની આસપાસ અને અંદર-બહારના પ્રવાહોને સમજી લેવાની અને પછી નવા જ દૃષ્ટિકોણથી તેની સાથે કામ પાર પાડવાના નિર્ણયો લેવાના તેમના અભિગમમાં ક્યારે પણ ફરક પડ્યો હોય તેમ યાદ નથી આવતું. સાવ જ બીનપરંપરાગત નિર્ણયો લેવામાં પણ તેમણે કદી પાછી પાની નહોતી કરી. આ કારણે દરેક વખતે બધાં જ લાગતાં વળગતાં લોકોને ખૂબ જ વિગતથી, ચીવટથી અને ઘણી બધી સરળતાથી આવા નિર્ણયો સમજાવવા પણ પડતા. પણ એવી કોઈ પણ વાત સમજાવતી વખતે તેમનામાં કંટાળો કે નિરાશા કે ચીડ નહોતી ભાળી.
અંગત રીતે, મને તો તેમની ખોટ બહુ જ સાલશે. મારી વ્યાવસાયિક કારકીર્દીના પાયાનું તેમણે ખૂબજ પ્રેમ અને ધીરજપૂર્વક જતનથી ઘડતર કર્યું છે. એ માટે હું કેટલાય જન્મો સુધી તેમનો ૠણી રહીશ એ શબ્દો પણ મારી અંદરની ભાવનાનો બહુ જ થોડો અંશ વ્યકત કરી શકે છે.
સ્ટીલ ટ્યુબ ઉદ્યોગને ફાળવવામાં આવેલ સ્ટીલ અને ઝિંકના આંકડાઓને કોઠામાં ગોઠવવાનું કામ સોપતા ત્યારે એ ખ્યાલ નહોતો આવતો કે મને આ કામ તેઓ શા કારણથી સોંપતા હશે. તે પછી જ્યારે તેની વિગતે ચર્ચા કરે ત્યારે સરવાળામાં ભૂલો જેવી બાબતો એટલી સરળતાથી બતાવતા કે બીજી વાર એ અને એવી કોઈ ભૂલ ન કરવાની ચીવટની મનોમન ગાંઠ વળી જ જતી. એ સાથે કાચામાલની ફાળવણીની નીતિના પ્રવાહો આ કોઠાઓમાંથી કેમ સમજવા, કંપની પર કે સમગ્ર ઉદ્યોગ પર નજીકના સમયમાં કે દૂરગામી તેનાં કેવાં પરિણામો , શા માટે આવી શકે તે અંગે તેમના અનુભવોનો નિચોડ પણ એટલી જ સહજતાથી સમજાવતા. જીવનમાં સફળ થવા માટે મોટી મોટી આવડતો સાથે નાની નાની બાબતોની કાળજીના પાઠ કોઈ જ ભાર રાખ્યા સિવાય (કે કોઈ ભાર પડવા દેવા સિવાય) તેમણે ભણાવ્યા.
જ્યારે જ્યારે તેમણે મને કોઈ નવું કામ સોંપ્યું હતું ત્યારે ત્યારે તેમના કહ્યાં કે વણકહ્યાં પીઠબળની મને જાણ તો થઈ જ જતી.તો બહારનાં લાગતાં વળગતાં લોકોને પણ એ પીઠબળ અને અધિકાર ખ્યાલ આવે તેવી ભૂમિકા પણ તેમણે ગોઠવી જ રાખી હોય. તેમણે જે બાબતોમાં મારા પર વિશ્વાસ મૂક્યો, તેમાં ક્યારે પણ અધૂરાશ તો છોડતા જ નહીં.મારી કારકીર્દીમાં મારા કેટલાય સાથીદારો સાથે હું પણ આ જ પ્રકારે કામ કરી શક્યો છું, અને એ રીતે તેમની મહેનતનું કંઈક વળતર હું વાળી શક્યો છું તેનો થોડો સંતોષ છે.
આવી તો કેટલીય વાતો મારી યાદપટ્ટી પર આજે તાજી થાય છે, જે એ સમયે કદાચ સાવ સામાન્ય જણાઈ હશે, પણ મારી કારકીર્દીના પાયાનાં ઘડતરમાં એ દરેકનો ફાળો અમૂલ્ય રહ્યો છે.
તેમણે તેમના કામના ગાણાં કદી પણ ગાયાં નહોતાં. બીજાંએ એ કામોની કેટલી કદર કરી કે ન કરી તે વાત પણ તેમને ભાગ્યે જ સ્પર્શતી. એ ખરા અર્થમાં કર્મયોગીનો ભેખ લઈને બેઠા હતા.
ખેર, જેનો આદિ છે તેનો અંત પણ છે જ. પરીખ સાહેબનું જીવન એવી સુવાસ છોડી ગયું છે જેની નોંધ કહ્યે વણકહ્યે તેમની સાથે સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિનાં મનમાં ઊંડે ઊંડે રહી જ ગઈ છે.

Saturday, February 26, 2011

આનંદદાયક સાશ્ચર્યાત્મક અનુભવ

થોડા દિવસો પહેલાં મારી બહેન વિભા [ઓઝા]ના દિકરા[વિસ્મય]ના લગ્નપ્રસંગે રાજકોટ જવાનું થયું હતું. જતાંવ્હેંતજ એક સુખદ આશ્ચર્ય અનુભવવાનો લ્હાવો મળ્યો. સામેથીજ એક બહેન મળવા આવ્યાં. કહ્યું કે ઃ 'ઓળખાણ પડે છે?' મારો જવાબ હતો ઃ હા કારણકે તમારામાં કોઇ ફેર જ નથી પડ્યો. પણ તમે મને ઓળખી ગયાં એ જરુર નવાઇ કહેવાય,કારણકે મારા દેખાવમાં આટલાં વર્ષોમાં જરુરથી ઘણોજ ફેરફાર થયો જ છે. આ વાત થઇ રહી છે મારી સાથે ૧૦/૧૧મા ધોરણ [૧૯૬૩ -૧૯૬૫ઃ લગભગ ૪૫ વર્ષ પહેલાં]માં સાથે ભણતાં ભાવના અવાશિયા [હવે ઓઝા - વિભાનાં જેઠાણી]ની. આટલાં વર્ષો પછીથી એક સહાધ્યાયીનું અચાનક જ મળી જવું, અને તેમનું મને આટલું spontaneously ઓળખી જવું - મારા એ પ્રસંગે ત્યાં હોઇ શકવાનો સંદર્ભ, હું વિભાનો ભાઇ થાઉં છું તે તેમને પહેલે્થી ખબર જરુર હતી - એ એક ખુબજ આનંદદાયક સાશ્ચર્યાત્મક અનુભવ રહ્યો.