Saturday, October 18, 2025

મારા દાદા - પ્રાણશંકર વાધજી વૈષ્ણવ

 


અમે બધાં અમારા દાદા - પ્રાણશંકર વાઘજીભાઈ વૈષ્ણવ (૧૮૯૫ -  ૧૯૬૪) - ને બાપુ કહેતાં.  તેમને ચાર મોટાંબહેનો, એક નાનાં બહેન અને એક મોટાભાઈ હતા. 

તેમના અને મોટાં અમ્મા (મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ)ને ત્રણ દીકરાઓ - કમળકાંત (મારા મોટા કાકા, કમળભાઈ), મહેશ્વર (મારા પિતા, મહેશભાઈ) અને જનાર્દનરાય (મારા નાના કાકા, ગોરા કાકા) હતા. સમગ્ર વૈષ્ણવ પરિવાર 'વૈષ્ણવ વંશાવળી'ના સંબંધિત પાનાંઓ[1]માં જોઈ શકાય છે.

મને સમજણ છે એટલે સુધી , બાપુ એ સમયનાં કચ્છ રાજ્યનાં રજવાડામાં મહેસૂલ વિભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. મહેશભાઈનાં લગ્ન થયાં તે વર્ષ (૧૯૪૮)ની આસપાસ જ બાપુ નિવૃત થયા હતા. તે પછી તેમણે લગભગ ૧૯૫૮ સુધી રાજસ્થાનનાં સિરોહી રાજ્યનાં રાજમાતા (જે કચ્છ રાજવી પરિવારનાં પુત્રી થતાં), ગુલાબકુંવરબાના કામદાર (અંગત સેક્રેટરી) તરીકે કાર્યરત રહ્યા.   

ઉપરના ફોટામાં બાપુએ જે પાઘડી પહેરી છે તે કચ્છી પાઘડી કહેવાતી. હું જ્યારે પાચેક વર્ષનો હઈશ ત્યારે બાપુ પાઘડી બાંધે ત્યારે પાઘડીનાં કપડાંના એક છેડાને પકડી રાખવાનું કામ મારૂં રહેતું. પહેલાં કપડાંને ઘડીઓ વાળીને સપાટ રોલ બનાવવાનો. પછી એ સપાટ રોલને બાપુ પાઘડીની જેમ પોતાના માથાં પર બાંધતા જાય. મને ન તો બાપુ ઘડી વાળતા હોય ત્યારે કે માડ માંડ ઘડી વળાઈ જાય પછી રોલને ખેંચીને ટાઈટ પકડી રાખવાનું પણ આવડતું નહી. એટલે, બાપુ માટે ફરી ફરીને એકડેથી શરૂ કરીને પાઘડી બાંધવાનું કામ કેટલું અઘરૂં થઈ પડતું હશે એ  કલ્પના કરૂં છું તો આજે મને પણ પરસેવો વળી આવે  છે. અને તેમ છતાં, મને સમજાવી સમજાવીને બાપુ પાઘડી તૈયાર કરી લેતા ! તેઓ જે ધીરજથી મને તાલીમ આપતા એ પાઠ મને મારી કારકિર્દી દરમ્યાન યાદ આવ્યા હોત તો કેવું સારૂં થાત!

એ વર્ષોમાં જમવા કરવા અને શાળાએ જવા સિવાયનો મારો મોટા ભાગનો સમય તો મારાં માસી (ભાનુમાસી - ભાનુબેન ડોલરરાય અંજારીઆ)ના દીકરાઓ, અક્ષય અને જસ્મીન, સાથે ભાનુમાસીને ત્યાં રમવામાં જ ગાળવામાં મને રસ રહેતો. એટલે જે દિવસે બાપુએ નવી પાઘડી બાંધવાની હોય તે દિવસે સવારે જમતી વખતે જ મને કહી દેવામાં આવે કે આજે બપોરે પાઘડી બાંધવાની છે એટલે મારે તે પછી રમવા જવું. જેવી પાઘડી બંધાઇ જાય એટલે બાપુને પૂછું, બાપુ હવે જાઉં? બાપુ જેવા હા પાડે એટલે બદુકમાંથી છૂટેલી ગોળીની ઝડપે ભાનુમાસીના ઘર તરફ દોટ મુકું. 

બાપુનું દેહાવસાન થયું ત્યારે મારૂ ઉંમર ચૌદ વર્ષની હતી. એટલે એ દાદા અને એ ઉંમરના પૌત્ર વચ્ચેના સંબંધથી વધારે બાપુનો પ્રત્યક્ષ પરિચય થવાની મને તક ન મળી. તેમ છતાં, સમજણા થયા પછી મને  બાપુનાં વ્યક્તિત્વનાં બે પાસાં જરૂર જાણવા મળ્યાં - 

મોટાં અમ્માંના અવસાન પછી બધાં દાવેદારોની હાજરીમાં ગોરાકાકાએ બાપુનું વસિયતનામું વાંચી સંભળાવેલું. આજે એ દસ્તાવેજની વિગતો પ્રસ્તુત નથી રહી. પણ મહત્વનું એ છે કે બહુ જ સુંદર અક્ષરોમાં એ દસ્તાવેજ બાપુના હસ્તાક્ષરોમાં લખાયો હતો. તેમાં તેમની વિચારસરણી સ્પષ્ટતા જેટલી ધ્યાન ખેંચતી હતી તેનાથી કદાચ  વધારે એમાં ત્રણેય દીકરાઓને મિલ્કતની વહેંચણીમાં તેમની ઔચિત્ય પ્રમાણિકતા મને વધુ સમજાઈ.

દૂધપાક અને આખી બુંદીના લાડુની સાથે સેવ (બાપુ 'સેવકળી' કહેતા) બાપુની પ્રિય વાનગીઓ ગણાતી. એટલે વર્ષો સુધી ધનતેરસના દિવસે દૂધપાક કરવો અને દિવાળીના દિવસે આખી બુંદીના લાડુ અને સેવ કરવાનો વણકહ્યો રિવાજ ચાલતો રહ્યો હતો.

હાલ પુરતું બાપુની કેટલીક તસવીરો અહીં યાદ કરીને તેમને મારી નમ્ર અંજલિ આપીશ –

બાપુઃ આશરે ૨૬ વર્ષની ઉમરે

બાપુઃ તેમના પદાનુરૂપ પહેરવેશમાં - સ્થળઃ કદાચ, સિરોહી.

બાપુ અને સિરોહીના રાજાના કામદાર 

ગોરાકાકા, બાપુ અને મહેશભાઈ.

બાપુની નિવૃતિ પહેલાં કે પછી તરતનો સમય

બાપુ - કંડલા - આશરે ૧૯૬૪ કે '૬૪ 

3 comments:

પરેશ ર વૈદ્ય said...

તમારા દાદા વિશે એક વાત નવી જાણવા મળી, તે શિરોહી વિશે.

આપણે બન્નેને એ ખબર નહોતી કે તમારા દાદા અને મારા નાના (કેશવલાલ છાયા) બન્ને એ સિરોહીમાં કામ કર્યું છે.  મારા નાના ૧૯૪૮માં ભુજમાં અવસાન પામ્યા, ત્યારે કદાચ સિરોહીથી નિવૃત થઈને ભુજ આવી ગયા હશે. એટલે એવું શક્ય જણાય છે કે તમારા દાદા મારા નાનાની જગ્યાએ જ, કદાચ થોડા સમપના ફરક પછી, નિયુક્ત થયા હોય. 

Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળો said...

મે મારા દાદા અને તમારા નાનાની જે માહિતી મોકલી તેનાથી એક બહુ રસપ્રદ યોગાનુયોગ ધ્યાન પર આવ્યો.

કેશવલાલભાઈના પુત્ર કંચનપ્રસાદભાઈ, તેમના પુત્ર કશ્યપભાઈ અને તેમનાંય સંતાનો કાવ્યા અને કેયુર - એમ ચાર પેઢી સુધીનો જન્મ એક જ રાશિમાં થયો. 

પરેશ ર વૈદ્ય said...

હજુ એક વધુ પેઢીઃ 

કેશવલાલ કરસનજી ( કૃષ્ણજી) હતા !