તારીખ ૯ ફેબ્રુઆરી, અને ૨૩ ફેબ્રુઆરી અને ૯ માર્ચ ૨૦૧૫ના પહેલા ત્રણ મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે, અનુક્રમે, 'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો','દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ' અને 'સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન' વિષે વાત કરી હતી. આજના આ ચોથા અને અંતિમ મણકામાં પોતાનાં કથાનકમાં પોતા વીશે જે વાતો કરવાનું તેમણે ટાળ્યું છે તેમાંની કેટલીક બાબતોને તેમનાં સહકલાકારો, મિત્રો અને કુટુંબીજનોની નજરે જાણીશું.
દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869
પ્રકાશક : હે હાઉસ ઇન્ડિયા
સંસ્મરણો
પોતાની વાત કરતી વખતે દિલીપ કુમારે પોતાની સિદ્ધિઓ કે તેમનાં સામાજિક કામોની વિગતો બાબતે ખપ પૂરતી જ વાત કરી છે. એટલે તેમનાં સહકલાકારો, નિર્દેશકો, મિત્રો અને સગાં સંબંધીઓના આ વિભાગમાં તેમનાં અંગત અને વ્યાવસાયિક જીવનનાં પાસાંઓની કેટલીક પૂરક માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો છે.
આપણે અહીં તેમાંથી કેટલાંક સંસ્મરણોના અંશ પર નજર કરીશું. રૈહાન અહમદ - સાયરા બાનુના ભાઇ સુલતાનનો દીકરો
યૂસુફ ચાચા સાથે મુસાફરીએ નીકળવું એટલે મોજમસ્તી તો નક્કી...તેમાં પણ રોડ પરની સફરમાં તો રસ્તે મળતી બધા જ પ્રકારની ખાવાપીવાની વસ્તુ તે ચખાવીને જ રહે.. કોઇ પણ વયના જૂથમાં તેઓ બહુ જ સહેલાઇથી ભળી જઈ શકે. તેમની સાથે પતંગ ઉડાડવાની મજા તો જે નસીબદાર હોય તેને જ મળે..બહુ ઓછાંને ખબર હશે કે યૂસુફ ચાચા બહુ અચ્છા જાદુગર પણ છે અને ભાતભાતની ચાલાકીઓનો તેમની પાસે ખજાનો છે...શબાના આઝમી
તેમની સહુથી પહેલી તસવીર જે નજર સામે આવે... તે મોભાદાર વ્યક્તિત્વની છે...તેમણે પોતાની અદાકારીમાં સ્થૂળતાનો સહારો ક્યારે પણ લીધો નથી...દિલીપ કુમારે આપણને બતાવ્યું કે સંવાદની નીચે છુપાયેલા ભાવને કેમ વ્યક્ત કરવો, લાગણીની સાથે સીન કેમ ભજવવો, ઓછું બોલીને વધારે કેમ કહી જવું અને બનાવટી સ્વયંસ્ફુરણાને કેમ વાસ્તવિકપણે રજૂ કરવી....વી. બાલાસાહેબ - ખ્યાતનામ ફિલ્મ સિનેમેટોગ્રાફર, ‘ગંગા જમના’ના ફિલ્મકાર
દિલીપ સાહેબ જે રીતે વિચારતા હતા તે રીતે ફિલ્મનાં દૃશ્યો કેમેરામાં ઝડપી લેવાં એ બહુ મોટી સિદ્ધિ થશે તે મને સમજાતું હતું...ટ્રેનની ઝડપ અને દોડતા ઘોડાઓની ઝડપની તેમણે બરાબર ગણતરી કરી હતી... સાહેબે પછી મને સમજાવ્યું કે ટ્રેનના ડબ્બાના દરવાજા નીચે કૅમેરા કેવી રીતે બાંધવો જેથી ટ્રેનને સમાંતરે દોડતા ઘોડાની ખરીઓથી ઉડતી ધૂળનાં દૃશ્યને કેમ ઝીલી લેવાય... દરવાજાના નીચેના ભાગ સાથે મને તેમણે એવી રીતે બાંધી દીધો કે હું કૅમેરા બરાબર ચલાવી શકું અને જે રીતે નક્કી કર્યું હતું તે મુજબ શૉટ લઈ શકું...ગંગાનાં મૃત્યુનું જે દૃશ્ય કૅમેરામાં કંડાર્યું છે તે તો કદી ભૂલાય તેમ નથી...
તેઓ દોડીને સ્ટુડિયોનાં થોડાં ચકકર મારવાના હતા.. જેથી સરખી હાંફ ચડી આવે.. પછી એ જેવા સેટ પર આવીને પડે એવો જ મારે એ શૉટ ઝડપી લેવાનો હતો...પહેલી વાર તો તેમની આ કરામત જોવામાં ને જોવામાં હું એ ઘડી ચૂકી ગયો..બીતાં બીતાં મેં તેમને કહ્યું. તેઓ થોડા ગુસ્સે પણ થયા, પણ પછી બીજી વાર આ આખી કવાયત ફરીથી કરી.. અને પહેલાંથી પણ વધારે ઉત્કટતાથી એ દૃશ્ય ભજવાયું અને કૅમેરામાં ઝીલી લેવાયું.અમિતાભ બચ્ચન
..મારૂં માનવું છે કે શ્રી દિલીપ કુમારનું જે સ્થાન છે, તે સાચું, યોગ્ય અને શ્રેષ્ઠ હતું અને છે... ભારતની સિનેમાનો ઇતિહાસ.. દિલીપ સાહેબ પહેલાંનો અને દિલીપ સાહેબ પછીનો એમ બે ભાગમાં જ વહેંચી શકાશે.જયા બચ્ચન
તેમના પહેલાંના કોઇ કલાકારે ન કરી શકેલ હોય તેટલી નિપુણતાથી દિલીપ સાહેબે મૌનની વાકપટુતાના પ્રયોગ કર્યા છે.ચંદ્રશેખર
..(દિલીપ કુમાર) જરૂરતમંદ કલાકારો અને કારીગરો માટે નાણાં એકઠાં કરવા માટે પણ એટલા જ તત્પર રહ્યા છે; પહેલો ચેક તેમનો જ હોય...ફિલ્મ ઇન્ડસ્ટ્રી વેલફેર ટ્રસ્ટ અને મોટી ઉંમરના અને નિવૃત્ત કલાકારો માટેની વય-નિવૃત્તિ યોજના તેમની પહેલને આભારી છે.યશ ચોપડા
ઘણા લોકો માને છે તેમ દિલીપ કુમાર મૅથડ એક્ટર નથી. તે સ્વયંસ્ફુરણાપ્રેરિત અભિનેતા છે જે અભિનય કરતી વખતે તેમની અંદરની લાગણીના ભંડારમાંથી ભાવ ખેંચી લાવે છે…નાટકીય દૃશ્યોમાં તો તેઓ અદ્ભૂત જ છે…પોતાના કામ અંગે તેઓ બહુ જ સંન્નિષ્ઠ છે; કૅમેરાની સામે તેમની લાગણીઓ એકદમ સ્વાભાવિક હોય છે. એટલે આખરી ‘ટેઇક’માં તેઓ હંમેશાં પોતાને જે શ્રેષ્ઠ લાગે તે જ આપતા હોય છે.સુભાષ ઘઈ
મારી પાસે તેમને લાયક વિષય હતો..મને સાંભળી લીધા બાદ તેઓ કંઇ બોલ્યા નહીં.. આમ ચાર દિવસ સુધી ચાલ્યું..પછી તેઓ ધીરેથી મુસ્કરાયા અને કહ્યું કે વાર્તામાં દમ છે અને તેઓ તેમાં કામ કરવા વિચારશે..લોકોએ હવે આ સાચું હતું કે કેમ તે વિષે મને સવાલો કરવા માંડ્યા હતા..લોકોના ચહેરા પર તો દેખાતું કે, 'તારી કારકિર્દીનો આ હવે અંત છે'.. તને બહાર ક્યાંક ખૂણામાં બેસાડી અને ફિલ્મનું નિર્દેશન એ પોતાના હાથમાં લઇ લેશે..ફિલ્મ પૂરી થશે ત્યાં સુધી ઘરડોખખ્ખ થઇ ગયો હોઇશ, કેમ કે આમને તો ફિલ્મ પૂરી કરતાં વર્ષો લાગે છે’...વિધાતા (૧૯૮૨) બની હતી ત્યારે તેમણે દૃશ્યોને મારી નજરે જ જોયાં અને એટલી હદે સહકાર આપ્યો કે ફિલ્મ એક મહિનો વહેલી પૂરી કરી શકાઈ...મને ગર્વ છે કે તેમને કેન્દ્રમાં રાખીને મેં વિધાતા, કર્મા અને સૌદાગર બનાવી.ડૉ. શ્રીકાંત ગોખલે - ચાર દાયકાથી તેમના અંગત ફિઝીશ્યન તેમ જ મિત્ર
મેં હમેશાં તેમનામાં તેમના ચાહકો માટે માન જ જોયું છે...જ્યારે ટ્રાફિક સિગ્નલ પાસે ગાડીના કાચ પાસે મોં દબાવીને ગરીબ છોકરાંઓને ભીખ માગતાં જુએ, ત્યારે તેઓ બહુ ઉદાર હાથે તેમને મદદ કરે..પણ આ બાળકોને એ ખબર નથી હોતી કે તેમની આ નિરાધાર દશાને કારણે તેઓ કેટલા ચિંતિત અને વ્યથિત થઇ આવે છે...કમલ હાસન
પશ્ચિમના અભિનેતાઓ અને તેમની અભિનયકળાની બારીકીઓને હું દિલીપ કુમારની ફિલ્મો જોયા બાદ વધુ સારી રીતે સમજી શક્યો.માત્ર એક નજર કે મૌનના માધ્યમ દ્વારા કેટલું બધું, કેટલા પ્રભાવથી, કહી જઇ શકાય તે મને બહુ જ સ્પષ્ટપણે જણાઇ આવ્યું.
મુગલ-એ-આઝમના પ્યાર કિયા તો ડરના ક્યા ગીતમાં શાહજાદા સલીમ તરીકે રાજ્ય દરબારમાં કંઇ પણ કહ્યા કે કર્યા વગર તેઓએ દર્શકોનાં મનમાં લાગણીનાં કેટલાં સ્તર ખોતરી કાઢ્યાં હતાં તે યાદ કરીને હું હંમેશાં અભિભૂત થતો રહ્યો છું.અનિલ કપૂર
મારા પિતા, સુરિંદર કપૂર, મને કહેતા કે દિલીપ કુમાર ફાલતુ ગપસપમાં ક્યારે પણ સમય વેડફતા નથી...તેઓ તેમનો સમય લેખકો અને બૌદ્ધિક સ્તરે આગળ પડતા લોકો સાથે વાત કરવાનું અને અર્થપૂર્ણ વિચારોના આદાનપ્રદાનમાં જ પસાર કરવાનું પસંદ કરે છે... એમની એ વાતો કરવાની અને જી-હજૂરિયાઓની સોબત ટાળવાની તેમની પસંદને કારણે જ કદાચ તેમના ફિલ્મ ઉદ્યોગને બદલે બહારના મિત્રો વધારે છે...ઋષિ કપૂર
યૂસુફ ચાચા અને પાપા (રાજ કપૂર)એક શાશ્વત ભ્રાતૃ સંબંધે બંધાયેલા હતા, જેને બીજું કોઇ ન તો માની શક્યું કે ન તો તેનો તાગ પામી શક્યું. કલાકાર તરીકે બંને એકબીજાના હરીફ જરૂર હતા, પણ તેમનો આપસી પ્રેમ સગા ભાઇઓ જેટલો ગાઢ હતો... પ્રેમ રોગ (૧૯૮૨)નાં શૂટિંગ વખતે મારે નાઉમ્મિદ પ્રેમીના ભાવ ચહેરા પર લાવવાના હતા. મારા બધા જ પ્રયત્નો છતાં નિર્દેશક રાજ કપૂરને જે જોઇતું હતું તે ધરાર નહોતું કરી શકાતું...અકળાઈને ગુસ્સે થયેલા પાપાએ બૂમ પાડીને કહ્યું,'મારે યૂસુફ જોઇએ છે'...જ્યારે યૂસુફ ચાચા પાકિસ્તાન સરકારે એનાયત કરેલ નિશાન-એ-આઝમના ખિતાબ સ્વીકારવાને કારણે બાળાસાહેબ ઠાકરેના આક્રોશનો સામનો કરી રહ્યા હતા ત્યારે એક ઇન્ટરવ્યુમાં યૂસુફ ચાચાએ કહ્યું હતું કે આજ જેટલી રાજની કમી મેં ક્યારે પણ મહેસૂસ નથી કરી. મારા, કે કોઇ પણ અન્ય કલાકારની, વિરુદ્ધના આવા આંદોલનનો જવાબ આપ્યા વિના બેસી રહેવાવાળાઓમાંનો એ નહોતો..મનોજ કુમાર
સાથી કલાકારો માટે કોઇ જ જાતના દ્વેષભાવ ન રાખવો અને તેમની સિદ્ધિઓને માન આપવું એ દિલીપ સાહેબની બહુ જ મોટી ખૂબી રહી છે. ક્રાંતિ (૧૯૮૧)નાં શૂટિંગ દરમ્યાન એક ઇન્ટરવ્યુ દરમ્યાન તે ફિલ્મ જગતની આવનારી પેઢીઓને પ્રેરણાની મિસાલ રાજ કપૂર કેમ બની શકે તેમ છે એ સમજાવતા હતા.લતા મંગેશકર
..યૂસુફ ભાઇએ જ્યારે જાણ્યું કે હું મહારાષ્ટ્રીયન છું એવી મારી સભાનતા મને મારાં હિંદી અને ઉર્દુ ઉચ્ચારોમાં શુદ્ધતા લાવવા માટે જોશ પૂરું પાડે છે, ત્યારે બહુ જ સહજતાથી તેમણે જણાવ્યું હતું કે જે ગાયકોને ઉર્દુ આવડતું ન હોય તે ઉર્દુ શબ્દોના સાચા ઉચ્ચારોમાં હંમેશાં ભૂલ કરવાનાં જ. આને કારણે જે લોકો ગીતમાં ગીતનાં માધુર્યની સાથે તેના શબ્દોની પણ મજા માણવા માગતાં હોય તેમની મજા કીરકીરી થઇ રહેવાની શક્યતાઓ વધી જતી હોય છે...આમ પહેલી જ મુલાકાતમાં યૂસુફ ભાઇએ, અજાણતાં જ, કોઇ જ ખચકાટ વિના મને આ શીખની મહામૂલી ભેટ આપી દીધી હતી...મુસાફિર (૧૯૪૭)માં સલીલ ચૌધરીએ યૂસુફ ભાઇ સાથે 'લાગી નહીં છૂટે..' એ ગીત ગાવાની તક આપી.
કોઇ જ જાતની કચાશ વિના એ ગીત ગાવા માટે તેમણે જે જહેમત ઉઠાવી હતી તે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.રામ મુખર્જી - 'લીડર'ના નિર્દેશક
પોતાના ચાહકો માટે જેટલો પ્રેમ દિલીપ સાહેબને છે તેની તોલે ન તો તેમના સમયના કે ન તો તેમના પછીના સમયના કોઇ કલાકાર આવી શકશે. તેઓ કહે છે :'જ્યારે કોઇ અજાણ્યો હાથ મારો હાથ પકડે છે તેમાં જે સાચી લાગણી મને અનુભવાય છે; તેમાં મારી મહેનતનો સાચો પુરસ્કાર મળ્યાની જે ભાવના અનુભવાય છે તે બીજા કોઇ પુરસ્કારમાં નથી અનુભવાતી..વીરા રાવ-અગ્રણી સામાજિક કાર્યકર
જ્યારે દિલીપ સાહેબે NABનું અધ્યક્ષ પદ સંભાળ્યું ત્યારે નાણાં ભંડોળ એકઠું કરવું એ અમારી સામે સૌથી મોટો પડકાર હતો....એ બાબતે કોઇ પણ સારા સુઝાવને સ્વીકારી લેવામાં તેમને જરા પણ વાર ન લાગતી... NAB ટ્રેન જેમાં લોકો દિલીપ કુમારની સાથે મુંબઇથી પુના સુધીની સફર કરે એ પરિયોજનાને લાગલગાટ દસ વર્ષ સુધી ચલાવી...એક વાર બ્રેબોર્ન સ્ટેડીયમમાં છોકરાંઓ માટેના એક બહુ મોટા કાર્યક્રમમાં…બધાં જ લોકો ગોગલ્સ પહેરીને આવ્યાં હતાં, એક માત્ર દિલીપ સાહેબ એમ ને એમ આવ્યા હતા.. (સૂર્ય) પ્રકાશથી બચવા તેઓ ગોગલ્સ કેમ નથી પહેરતા એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, 'લોકો સાથે વાત કરતી વખતે મને નજર ચોરાવવાનું પસંદ નથી.'વહીદા રહેમાન
મારા માટે રહસ્ય જ રહ્યું છે કે કૅમેરા પાછળ આટલી મહેનત કરવા છતાં દિલીપ સાહેબે ફિલ્મના નિર્દેશકની ક્રેડિટ્સમાં પોતાનું નામ કેમ નથી આવવા દીધું...બે બાબતે અફસોસ રહેશે.. દિલીપ સાહેબ સત્યજીત રોયની ફિલ્મમાં અને 'પ્યાસા' (૧૯૫૭)માં કામ ન કરી શક્યા ....હરીશ સાળવે
God gave His children memory / ઇશ્વરે તેનાં બાળકોને યાદશક્તિ આપી છે
That in life’s garden there might be / જેથી જીવનના બાગમાં
June roses in December…… / ડીસેમ્બરમાં પણ જુનનાં ગુલાબ રહે...શર્મિલા ટાગોર
પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા'ના સાત દાયકા અને તેમની છેલ્લી ફિલ્મનાં ૧૬ વર્ષ પછી પણ દિલીપ કુમાર ફિલ્મના પરદા પરના અભિનયનો આખરી શબ્દ બની રહ્યા છે, જેમની હાજરી અહોભાવ અને માન પેદા કરતી રહે છે.... મોતીલાલ અને અશોક કુમાર જેવા અભિનેતાઓએ ૧૯૪૦ના દાયકામાં અભિનયમાંથી નાટકીયતા દૂર કરવાની શરૂઆત તો કરી જ દીધી હતી, પણ દિલીપ કુમારે તેને સ્વીકૃત ધોરણ તરીકે પ્રસ્થાપિત કર્યું...તેમણે બતાવી આપ્યું કે અવાજ ઊંચો કર્યા સિવાય પણ લોકોને ધ્યાનથી સાંભળતાં કરી શકાય છે...કૅમેરા સામે પીઠ રાખીને માત્ર પોતાના સંવાદ દ્વારા જ ભાવ વ્યક્ત કરવા જેવા નવા પ્રયોગો પણ તેમણે જ કર્યા...અત્યાર સુધી જે સભાન અભિનય જ ગણાતો તેને તેમણે એક બહુસ્તરીય ધાર બક્ષી. ઘણા કલાકારોએ તેમની નકલ કરવાના પ્રયાસ કર્યા છે, અને એમાં મને કશું ખોટું પણ નથી દેખાતું કારણ કે અદાકારીની પાઠશાળામાં તેમની પાસેથી હજી ઘણું શીખવાનું બાકી રહે છે...વૈજયંતિમાલા
દેવદાસમાં દિલીપ સાહેબ સાથે પહેલવહેલું જે દૃશ્ય ભજવવાનું થયું હતું તેની વાત કરીશ...મારે એક બહુ જ સાદો સંવાદ જ બોલવાનો હતો. નશામાં ધૂત દેવદાસ લડખડાતો મારી સામે આવે ત્યારે ' અબ પીના બંધ કરો, દેવદાસ' એ વાકય તેને કહેવાનું હતું. કૅમેરા દેવદાસની સામે હોય અને ફરતો ફરતો મારી સામે આવે ત્યારે વ્યથિત લાચારી મારા ચહેરા પર દેખાવી જરૂરી હતી.. શૉટની તૈયારી થઇ ચૂકી હતી, પણ દિલીપ કુમાર જ ગાયબ હતા...એક મદદનીશે મને કાનમાં કહ્યું કે તે સ્ટુડિઓની આસપાસ ઝડપથી દોડી રહ્યા છે જેથી ખુબ થાકેલા અને કંતાયેલા ચહેરે સેટ પર દાખલ થાય… તે જ સમયે કૅમેરા શરૂ કરી દેવાની તેમની સૂચના હતી...કૅમેરા શરૂ થતાં જ મારી સામે આવેલા દિલીપ સાહેબના ચહેરા પર જે વાસ્તવિકતા મને જોવા મળી તેનાથી ચકિત થયેલી દશામાં હું માંડ માંડ મારો સંવાદ બોલી શકી... બિમલદાને મારા ચહેરા પર જે લાચારી જોવી હતી, તે સાવ સ્વાભાવિકપણે જ હું વ્યક્ત કરી શકી...