Showing posts with label The Practical(s). Show all posts
Showing posts with label The Practical(s). Show all posts

Sunday, August 6, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : અન્ય લેબ્સ અને મૌખિક પરીક્ષાની 'ગર્મ હવા'

 

મટીરીઅલ્સ ટેસ્ટીંગ, કે (આઇ સી) એંન્જિન્સ, કે (બાબા આદમના જમાનાનાં) બોઇલર જેવી બીજી પ્રયોગશાળાઓમાં અમારી ભૂમિકા તો તીરે ઊભીને દૃશ્યાવલિઓ માણતા પેક્ષકો જેવી જ હતી. પ્રયોગ કર્યા છે તેમ કહેવાય એટલે અમુક રીડીંગ્સ નોંધીને તેના પરથી સુત્રો વડે ગણતરીઓ કરીને અમુક તમુક તારણો કાઢી  લેવાનાં એટલું જ અમારે ભાગે રહેતું!

જોકે, (બીજા અને ત્રીજા વર્ષના છેલ્લા) સમેસ્ટરના અંતમાં  મૌખિક પરીક્ષાનો સમય આવે એટલે અમારા ક્લાસનાં વાતાવરણમાં વીજળીની લહેરો દોડવા લાગી જતી. આખો વર્ગ આઠ દસ વિદ્યાર્થીઓનાં જૂથોમાં વહેંચાઈ જાય, આંખો બંધ કરીને કોપી મારેલાં જર્નલોનાં પાનાંઓ ફડફડવા લાગે અને દરેક જૂથમાં એક કે બે મિત્રો 'માર્ગદર્શક ગુરુ'ની ભૂમિકા આવીને કયા પ્રયોગોમાંથી કેવા કેવા સવાલો પુછાઈ શકે તેની યાદી , ધાણી  ફૂટે એમ, બોલતા જાય. આખા વર્ગમાંથી જેમના જેમના આગળનાં વર્ષના વિદ્યાર્થીઓ સાથે સંપર્કો હોય તે લોકો પણ મૌખિક પરીક્ષાની પ્રશ્નાવલીઓ જાણી લાવ્યા હોય તે પણ હવે ચર્ચામાં ઉમેરાય. જૂથનો દરેક સભ્ય પોતાથી બનતી બધી કોશિશ કરીને જવાબો ખોળે અને જૂથ સમક્ષ રજૂ કરે. કયો જવાબ સૌથી વધારે સાચો ગણવો એ અંગેની ચર્ચામાં 'હું સાચો'ની ગરમાગરમી હોય, 'આવા તે જવાબ હોય !'ની ઠઠ્ઠા મશ્કરીઓ પણ હોય અને 'લો, આટલું પણ ન આવડ્યું'ની નિરાશા પણ હોય. અને તેમ છતાં અમુક સવાલોના 'સાચા' જવાબ વિશે કોઇ સહમતિ ન થાય તો કોઇ એકબે ને બીજાં જૂથોની મદદ લઈને એ જવાબો મેળવી લાવવાની જવાબદારીઓ સોંપાય.

મૌખિક પરીક્ષાનું સમય પત્રક આઠ કે દસ દિવસને આવરી લેતું હોય. રોલ નંબરના ઉતરતા ક્રમ મુજબ દરરોજ અમુક અમુક વિદ્યાર્થીઓની પરીક્ષા ગોઠવાય. પણ પહેલા જ દિવસથી આખો ક્લાસ પરીક્ષા ખંડની બહાર હાજર હોય. જે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાંથી બહાર આવે તેને ગોળના ગાંગડાને મંકોડાઓ ઘેરી વળે એમ બીજા બધા ઘેરી વળે અને ગણતરીની સેકંડોમાં જ તેને પુછાયેલા પ્રશ્નો હવામાં વીખરાઈ જાય. ફરીથી નાનાં નાનાં જૂથોમાં 'કયો જવાબ સાચો'ની રેપીડ ફાયર ચર્ચા થાય અને ફરીથી બીજો વિદ્યાર્થી બહાર આવે તેની ઘડીઓની ગણતરી શરૂ થાય. તેમાં પણ જો કોઈ વિદ્યાર્થી 'બહુ વધારે સમય માટે' કે સાવ  જ થોડા સમય માટે' પરીક્ષા ખંડમાં રહે તે તેને પુછાયેલા પ્રશ્નો અને તેના જવાબોના આધારે 'રહ્યો કે ઉડ્યો'નું મૂલ્યાંકન પણ બહાર પડી જાય!

લગભગ અચુકપણે એક પ્રથા તો જોવા મળતી જ - જેની પરીક્ષા પતી ગઈ હોય એમાંના ઘણા વિદ્યાર્થીઓ પણ એ દિવસની બધી જ પરીક્ષાઓ પતી ન જાય ત્યાં સુધી સ્થળ પરથી ખસતા નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓ તો પછીના દિવસોમાં પણ આવે. આમ થવા પાછળ, માત્ર ઉત્સુકતા હતી, કે છૂપો ભય હતો, કે ભ્રાતૃભાવની ભાવના હતી તે ન તો ત્યારે જાણવાની પરવા કરેલી કે નથી તો આજે સમજાતું !

જોકે, અમારાં 'મિત્રમંડળ'ના લગભગ બધાના જ નંબરો છેલ્લાં ગ્રૂપમાં રહેતા એટલે અમે તો બધા દિવસે હાજર હોઈએ જ. તેમાં પણ પાછો મારો નંબર તો વળી સાવ છેલ્લો હોય. એટલે હું પરીક્ષા આપીને બહાર ન આવું ત્યાં સુધી બાકીના બધા હાજર તો રહે જ. બસ, પછી હળવા થઈને ક્યાં તો હોસ્ટેલ ભણી જઈએ, કે પછી ક્યાં તો સાઈકલ સ્ટેંડ પાસે ઊભા રહીને અમારી વચ્ચે સામાન્યપણે થતી  'અભ્યાસેતર' ચર્ચાઓ કરીને મૌખિક પરીક્ષાને પાછળ મુકીને આગળ તરફની મંઝિલ પર ચાલી નીકળીએ…..

જોકે, મને યાદ છે ત્યાં સુધી મૌખિક પરીક્ષાને કારણે કોઈ 'ફેઈલ' નહોતું થતું. હા, મોટા ભાગના વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ ૫૦ % ટકાની આસપાસ રહેતા, અને આખા વર્ગના માર્ક્સ ઘંટ આકારના આલેખની જેમ ઓછામાં 'પાસીંગ' માર્કસથી લઈને વધારેમાં વધારે ૬૦-૭૦%ની આસપાસ રહેતા.

દરેક વર્ષની અમારી બેચની પરિસ્થિતિ પણ આવી જ રહી અને મને યાદ છે ત્યાં સુધી લગભગ બધાં જ વર્ષોમાં આવી જ રહેતી. એટલે હવે નવાઈ નથી લાગતી કે  'પ્રેક્ટિકલ્સ'ને વિદ્યાર્થી આલમ કેમ હળવાશથી લેતી અને શિક્ષકોની પણ માનસિક ભૂમિકા 'આનાથી વધારે તો શું થાય' એવી જ કેમ રહેતી હશે !

હવે પછી 'મારા હોસ્ટેલના દિવસો'થી યાદગીરીઓની આ સફર પુરી કરતાં પહેલાં એક મણકામાં 'પાચ વર્ષની અન્ય અભ્યાસેતર પ્રવૃતિઓ'ની યાદ મમળાવીશું.  

Sunday, July 2, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : વર્કશોપ [૩]

 આકસ્મિક આડપેદાશો

કૌશલ્યનો અભાવ, શીખવાની ઓછી દાનત અને ભૂલોમાંથી શીખીને સુધારા ઍકઅરવાની અણસમજને કારણે વર્કશોપમાં  અમે જે પણ જોબા બનાવ્યા હશે તેમાં રીજેક્ટ , અથવા તો રીપીટ’,ના કારણે વાયા વધારે થતો. આજનાં  મેનેજમેન્ટ સાહિત્યની પરિભાષામાં આવી ધરાર મનોદશા માટે  વાજબી નિયમનની પરેની માનવીય  વર્તણૂક નાં વાઘા પહેરાવાય છે !  એ સમયે તો આ ઘટનાને સહજ ગણી લેતા એટલે કંઈ ખોટું કર્યાનો ભાવ  નહોતો થતો, પણ આજે હવે ગુન્હહિત ક્ષોભ જરૂર અનુભવાય છે. જોકે આ યાદોની સાથે સાથે વર્કશોપમાં આદરેલી બીજી બૂરી આદતોનામ પાછળથી આકસ્મિક સારાં પરિણામો મળ્યાં હતાં એવી લાગણીની અસરને કારણે આ ક્ષોભની ભાવના  કંઈક અંશે હળવી કરી લેવાય છે.

કોઈ પણ વિદ્યાશાખા કે કોલેજ કે છોકરા છોકરી જેવા ભેદભાવ સિવાય ક્લાસ છોડવા એ તો કોલેજમાં ભણતાં હોઈએ એટલે એમ તો કરવું એ કોલેજ જીવની મજા છે એમ સહજ ગણાતી આદત કહી શકાય એવો (વણલખ્યો) રિવાજ હતો. અમે, એલડીના વિદ્યાર્થીઓએ, પણ તેમાં અપવાદ નહોતા જ ! ક્લાસ છોડવાને સામાન્યપણે સર બોરિંગ છે’, આ વિષય તો આપણે આગળ જતાં આમ પણ છોડી જ દેવાનો છે જેવી દલીલોથી ઉચિત ઠેરવી દેવામાં આવતું, પણ મહડ અંશે તેની પાછળ કોલેજ જીવનની આઝાદીનો હક્ક ભોગવી લેવાની ભાવના રહેતી એમ મારૂં માનવું રહ્યું છે.  

જોકે દિલીપ વ્યાસ ખેલદીલીથી સ્વીકારી લઈને એ મજાને મીઠાશથી મમાળાવે છે કે વર્કશોપ હમેશાં દિવસને અંતે જ હોય. કોલેજ થી ઘર બહુ દૂર નહીં, એટલે વર્કશોપ પહેલાંનો પિરિયડ છોડીને હું ઘરે પહોંચી જતો. ઘરે જઈને નાસ્તો કરી લેવાનો અને પછી બોઈલર સ્યૂટ ઠઠાડીને વર્કશોપના પિરિયડમાં દાહયાડમરા થઈ ને હાજર થઈ જવાનું.  

વર્કશોપના (મને યાદ છે ત્યાં સુધી બીજાં વર્ષમાં) છોડવાના અપવાદ સિયાવાય હું સામાન્યપણે ક્લાસ છોડતો નહીં એમ કહેવામાં ભણવા પ્રત્યે હું બહુ કર્ત્વ્યનિષ્ઠ હતો કે પછી બીકણ હતો એવું કોઈ કારણ તો ન કહેવાય. પણ એ તો હકીકત છે કે વર્ક્ષોપના પિરિયડ અમે બહુ સકારણ, આયોજનબદ્ધ રીતે છોડતા હતા.

પહેલાં વર્ષના અંત  સુધીમાં ચારેક ઘરે રહીને ભણતા અને ત્રણચાર હોસ્ટેલમાં રહીને ભણતા એવા સાતેક મિત્રોનું એક અમારૂં ગ્રૂપ બની ગયું હતું. અમારી કોલેજેતર આગવી સામુહિક  પ્રવૃત્તિઓમાં જો સમય મળે તો એકબીજાને ઘરે જવાનું અને સમય ઓછો હોય તો હોસ્ટેલાના મિત્રના રૂમાં પર ભેગા થવાનું સ્થાન બહુ ખાસ હતું. અમારામાના એક, પ્રિયદર્શી શુક્લને ઘરે જઈએ ત્યારે તેના મોટાભાઈએ પોતાના શોખ માટે ખરીદેલ રેકોર્ડ પ્લેયર અને મોટા ભાગની ૪૦ના દાયકાનાં છેલ્લાં વર્ષો અને ૫૦ના દાયકાની ફિલ્મોનાં ગીતોની રેકર્ડો ખાસ બતાવતો. ધીમે ધીમે અમે તેમાંથી કંઈક કંઈક સાંભળતા પણ થયેલા. લગભગ એ જ સમયે અમારા ધ્યાન પર આવ્યું કે અમદાવાદ શહેરના કિલ્લાના વિસ્તારની અંદર સેન્ટ્રલ અને કલ્પના ટોકિઝોમાં આ ફિલ્મો નિયમિત રીતે બતાવાય છે.

બસ, આટલી સમજ પડી કે અમને સ્ફુરણા થઈ કે આયોજનબદ્ધ રીતે વર્કશોપના ક્લાસ છોડવામાં આવે તો  આપણને રસ પડે એવી ફિલ્મ જોઈ શકાય ખરી. ફિલ્મ જોવામાં અમારો રસ તો માત્ર જે ગીતો અમે રેકર્ડ પર સાંભળ્યાં તેને પરદા પણ જોવાનો લહાવો લેવાનો હતો એટલે થિયેટરમાં થોડા મોડા પહોંચીએ કે વહેલાં  નીકળી જવું પડે એમાં અમને ખાસ કોઈ વાંધો નહોતો. આમ વર્ષમાં દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવા આનંદની ફિલ્મો ઉપરાંત બીજી પણ જે  થોડીક ફિલ્મોના ગીતો રેકર્ડો પણ સાંભળ્યા તે બધી ફિલ્મો લગભગ જોઈ પાડી.

આ વાત જો આટલી જ હોત તો કોલેજ કાળમાં જે બીજી નાની મોટી મજાઓ કરી અને પછી સમયની સાથે ભૂલી પણ ગયા તેમ આ મજા પણ ભુલાઈ ગઈ હોત. પણ અહીં મૂળ વાત તો વર્કશોપના પિરિયડ છોડવાના ફાયદાની સાથે રેકોર્ડ  પર ગીત સાંભળીને પરદા પર જોવાથી હિંદી ફિલ્મ ગીતો પ્રત્યેની મારી સમજણને જે એક દિશા મળ્યા સ્વરૂપની આડપેદાશની છે. જોકે આ વાત મને બહુ મોડેથી સમજાઈ એ અલગ વાત છે!

મજાની વાત તો એ છે કે આ આડપેદાશની બીજી એક આડપેદાશનો પણ મને લાભ મળ્યો. ફિલ્મો જોવા કે મિત્રોને ઘેર જવા માટે સાઈયકલનો ઉપયોગ અમને બહુ સગવડભર્યો પડતો. ઘણી વાર ડબાલ સવારી પણ જવાનૂં થતું.  શહેરના અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ પ્રકારના ટ્રાફિકમાં, સાઈકલ ચલાવવાને કારણે સાઈકલ ચલાવવાનો મારો આત્મવિશ્વાસ વધ્યો. તે ઉપરાંત તેને કારણે જે ટ્રાફિકની જે સૂઝ વીકસી તેનો સીધો ફાયદોમાં ભવિષ્યમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ઓટોમોબાઈલ વાહનો ચલાવવામાં જે સ્વાભાવિક  સૂઝ વીકસી તેમાં થયો!

આજની  યાદોનો આ મણકો પૂરો કરતાં પહેલાં એક રસપ્રદ આડવાત યાદ આવે છે તે જણાવવાની લાલચ નથી રોકી  શકાતી.

રેકોર્ડ પર જે ગીત સંભાળવું ગમ્યું હોય તે પરદા પર એટલું  જ ગમશે એવી અમારી માન્યતા તો બહુ તરતમાં જ ભાંગી ચૂકી હતી. એ ભાંગેલી માન્યતાના ભંગારને ભૂકો કરી નાખવાનું  કામ દેવદાસે  કરી આપ્યું. દિલીપકુમારનું દેવદાસ (૧૯૫૩) જોઈને અમને કે એલ સાયગાળાનાં દેવદાસ (૧૯૩૫) જોવાનૂં જે શૂરાતન ચડ્યું  હતું તે ફિલ્મ જોતાં જ બાષ્પીભવન થઈ ગયું. ગીતો  જેટલાં સારાં હતાં તેટલાં જ પરદાપર રસહીન, નાટકીયાં અને કૃત્રિમ લાગ્યાં. એ પછીથી ગીત ગમે એટલે ફિલ્મ જોવી જ એવી ભૂલ ક્યારે પણ ના કરવી એ પાઠ શીખવા મળ્યો.

પણ અમારા  એક મિત્રને હજુ  બીજી વાર ખરડાવું  હતું. બડી બહન (૧૯૪૯)નાં ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ કે મુહબ્બત કે ધોખેમેં  કોઈ ન આયે જેવાં ગીતોને પરદા પર જોવા એ ભાઈ અમારા બધાની સલાહ અવગણીને  એકલા ગયા. હજૂ તો કલાક ધોઢ કલાક માંડ થયો હશે ને એતો પાછો આવી ગયો. થોડા દિવસો સુધીની અમારી પૂછપરછને અંતે ખબર પડી કે આવી સુંદર છોકરી જ્યારે એના પ્રેમમાં હતી તો પેલો હીરો બે ફૂટ પહોળી પેંટ પહેરીને પણ તેને પરણી જવાની ફિરાક જ ન ગોઠવી શક્યો ( એ જમાનામાં છોકરાઓ ચામડી સાથે ચોંટી ગયેલી પેંટ પહેરતા !) એ વાત જ એ ગળે નહોતો  ઉતારી શક્યો, એટલે થિયેટરમાંથી રીતસરનો ભાગી જ આવ્યો હતો !               

હવે પછીના મણકામાં અન્ય  પ્રેક્ટિકલ્સની થોડી યાદો અને ખાસ તો મૌખિક પરીક્ષાઓના સમયનાં વાતાવરણની યાદો તાજી કરવી છે.

દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની યાદોમાંથી સાભાર.

Sunday, June 4, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : વર્કશોપ [૨]

એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટેની વર્કશોપની આવશ્યકતાના આદર્શો અને વાસ્તવિકતાઓ

વિજ્ઞાન કે એન્જિનિયરિંગ કે મૅડીસિન જેવા વ્યાવસાયિક  અભ્યાસક્રમોમાં 'પ્રેક્ટિકલ્સ' દ્વારા વિદ્યાર્થી 'થિયરી'માં જે ભણે તેને પ્રાયોગિક રીતે સિદ્ધ કરવા શું અને કેમ કરવું જોઈએ તે શીખે છે.  'ડ્રોઇંગ' ' 'સર્વેયિંગ' જેવા 'પ્રેક્ટિકલ્સ' એન્જિનિયરિંગના અભ્યાસ દરમ્યાન પણ મહદ અંશે આ જરૂરિયાત પુરી કરવાની સાથે વિદ્યાર્થીને વ્યાવહારિક જગતની નજદીક લઈ જવાની ભૂમિકા પણ ભજવે છે.  પરંતુ 'વર્કશોપ્સ' આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવાની સાથે સાથે વિદ્યાર્થીને થિયરીમાં શીખેલ 'વિજ્ઞાન'નાં જ્ઞાનને વાસ્તવિક જગતમાં અમલમાં મુકવા માટે હાથ વડે કામ કરી શકવાની 'કળા'ના અનુભવને  'આવડત'માં કેમ ઉતારવો તે શીખવાડવાની, અને તેને આત્મસાત કરવાની, આવશ્યકતાને પુરી કરવા માટે પ્રયોજાયેલ છે. પરંતુ અભ્યાસક્રમને જે રીતે આલેખવામાં આવે છે કે તેનો અમલ કરવામાં આવે છે, તેમાં ક્યાંક એવી મહત્ત્વની કડી ખૂટે છે કે અન્ય પ્રેક્ટીકલ્સની જેમ વિદ્યાર્થીઓ, અને કંઈક અંશે શિક્ષકો, 'આ પણ એક 'કામ' છે જેને ફરજિયાત પુૠં કરવાનું છે' એવા મનોભાવથી જોતા  જણાય છે. તેમાં વળી, જેમણે એન્જિયરિંગમાં દાખલ થવા પહેલાં હાથના ઉપયોગથી કંઈ જ 'બનાવ્યું' નથી એવા મારા જેવાઓને તો 'આવડત' અને 'મનોભાવની કેળવણી' તો ભેંસ આગળ ભાગવત જ પરવડે. આટલું ઓછું હોય તેમ, સાચી યા ખોટી રીતે ઘર કરેલી માન્યતા કે 'આપણે તો 'એન્જિનિયર' છીએ, હાથ તેલગ્રીસથી મેલા કરવા એ તો કારીગરનું કામ છે' આ મનોભાવ પરિસ્થિતિમાં ઈંધણ પુરીને આગ ભડકાવવાનું કામ કરે છે.

આ બધી સાંયોગિક ચર્ચાઓને કારણે ધ્યાન ખસેડ્યા સિવાય વિદ્યાર્થીને હાથ વડે કામ કરવાની કળાની આવડત શીખવા માટે અને ઉત્પાદન પ્રક્રિયામાં વ્યવહારમાં વપરાતી અલગ અલગ કાર્યપદ્ધતિઓ અને તેને આનુષાંગિક યંત્રો અને ઉપકરણોથી પરિચિત થવા માટે વર્કશોપ્સ એક આદર્શ સ્થળ અને તક છે એ વિશે બેમત ન હોઈ શકે તેનો તો સ્વીકાર કરવો જ રહ્યો.. 

એ સમયે એલડીમાં વર્કશ્પ્સ તરીકે સુથારી, ફિટિંગ, મશીન શોપ અને લુહારી જેવી 'શોપ્સ' હતી. વિદ્યાર્થીઓએ, તેમને આપવામાં આવેલ કાચા માલમાંથી આ શોપ્સનાં કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ 'જોબ' બનાવવાના રહેતા. જેમણે કોઇ પણ ઉપકરણને હાથમાં જ પહેલી વાર પકડ્યું હોય એવ મારા જેવા વિદ્યાર્થોને તો દરેક જોબ એક નવી અજમાયશ અને તેમાંથી નિપજતી ભૂલોની પરંપરા હતો. એ દરેક 'જોબ' શા માટે બનાવવો જોઈએ અને કેમ કરીને બનાવવો જોઈએ તેની જે કંઈ અને જેવી સમજણ અપાતી હશે તે સમજવું એ પણ શરૂઆતમાંતો અમારા માટે એક અજમાયશ જ નીવડતી હતી. 

વર્કશોપ્સના ઈંન્સ્ટ્રકટરો મોટા ભાગે આઈટીઆઈ પાસ કરેલ બહુ અનુભવી કારીગરો રહેતા.  ઘણા કિસ્સાઓમાં તો તેઓ તેમનાં અન્ય કુટુંબીજનો સાથે સુથારી કામ જેવા પોતપોતાના વ્યવાસાયો પણ કરતા હતા. એક તો સરકારી નોકરીની સુરક્ષા અને બીજી બાજુ હવે પગારમાં થતા વાર્ષિક વધારા સિવાય અન્ય કોઈ પ્રગતિની ખાસ શક્યતાઓ નહીં એટલે કદાચ એ લોકોને અમારા જેવા શિખાઉઓને દર વર્ષે કક્કો શીખડાવવામાં બહુ રસ નહીં હોય. તેમાં પાછું લગભગ બધા જ વિદ્યાર્થીનો પ્રેક્ટિક્લ્સ તરફનો નિરસ અભિગમ તેમનાં આ માનસને ઘુંટવામાં વધારે ભાગ ભજવતો હોય એમ બની શકે !  એવી પણ એમ માન્યતા જતી કે કારીગર જ હોવા છતાં ભવિષ્યના એન્જિનિયરો પર બૉસગીરી કરવાની તક પણ તેમને આ સિવાય ક્યારે મળે ? જોકે મને પોતાને આવું ખાસ લાગ્યં  નહોતું એ વાત પણ એટલી જ સાચી હતી.  એવી પણ અફવાઓ સાંભળવા મળતી કે જૉબ 'પાસ કરાવી લેવો' હોય તો ખાનગીમાં તેમની પાસે જ બનાવડાવી લેવાની 'દક્ષિણા'નો વ્યવહાર પણ કરી શકાય તેમ હતું !  મેં તો એમ પણ જોયું હતું કે જો અમે લોકો બહુ જ સાચી લગનથી તેમની પાસે શીખવા જતા તો અમને તેઓ ખુબ જ મદદ પણ કરતા. આ બધામાં સાચું ખોટું શું તે જાણવામાં ન તો મને ત્યારે રસ હતો કે ન તો આજે છે. પરંતુ, કોઈ પણ સંસ્થામાં સત્તાની સાઠમારી કે આડા વ્યવહારોનાં દુષણો કેમ કામ કરવા લાગી જતાં હોઈ શકે એ સમજવામાં આ વાતનું મહત્ત્વ આજે સમજાય છે. એકંદરે જોતાં, એ લોકોના વ્યવહારોની સબળી નબળી બધી બાજુઓને ધ્યાનમાં લીધા પછી પણ અમને વર્કશોપ્સની "કળા" શીખવવામાં  તેમનાં યોગદાનનાં મહત્ત્વને માન તો આપવું ઘટે. 

મને એમ પણ ખાસ યાદ નથી આવતું કે કોઈ પણ જૉબ પુરો કરવા માટે અમને અમુક ચોક્કસ સમય મર્યાદા પહેલેથી જણાવાતી કે નહીં. પણ હા, ક્યાં તો ઈંસ્ટ્રક્ટરો દ્વારા સુચવાતી કે ક્યાં તો વિદ્યાર્થીઓએ પોતાના મનથી નક્કી કરેલ  એક અવૈધ સમય માર્યાદા રહેતી એવું જરૂર યાદ આવે છે.  ખેર, એટલું તો સ્પષ્ટ જ છે કે કંઈ શીખવા કરતાં જેટલો જલ્દી બને તેટલો જૉબ પુરો કરી નાખવાની દાનત અમારા પર વધારે હાવી રહેતી. તો સામે અમારી બહુ વધારે પડતી ઉતાવળને ઈંસ્ટ્રક્ટરો તરફથી ઉત્તેજન ન મળતું એમ પણ યાદ આવે છે.  ઉતાવળ કરવામાં અમે જે કંઈ શીખવું જોઈએ એ નથી શીખતા એવો ભાવ આવાં માનસ પાછળ હશે કે કેમ તે તો ચોક્કસપણે નથી ખબર, પણ બહુ જલ્દી કરીએ તો કંઈક ને કંઈક ભુલ બતાવીને કામ ફરીથી કરવું પડતું એટલું યાદ છે. પરિણામે, અમે લોકો પણ અંદાજ બાંધી લેતા  કે ક્યારે જોબ બતાવવા જશું તો બહુ ભુલો કાઢ્યા સિવાય જોબ પાસ થઈ જશે ! હા, આજે પાછળ વળીને જોતાં એમ લાગે છે કે  ઘણી બાબતોમાં તેઓ અમને પાછા કાઢતા તે એ જૉબની આવશ્યકતાનાં હાર્દને સમજવા માટે ખરેખર જરૂરી પણ હતું.

આજે મારે એ પણ સ્વીકારવું છે કે જોબ પાસ કરાવવાની એ અવૈધ સમય મર્યાદાને કારણે મને વર્કશોપ્સનાના ઘણા ક્લાસમાંથી ગુટલી મારવાની આદત પડી ગઈ હતી.  અમારા જેવા પાછળ પડી ગયેલાઓ મટે છેલ્લે છેલ્લે વધારાના વર્ગો ગોઠવાતા. તે સમયે સમય ઓછો હોય એટલે જૉબને પાસ કરવામાં બહુ ખટખટ ન થતી, એટલે એ વ્યવસ્થા ઘણાઓને વધારે અનુકૂળ રહેતી. કામમાં બહુ સંપૂર્ણતાના આગ્રહને બદલે ખપ પુરતું બરાબર થાય એટલો સમય આપીને કામ જલદી પુરૂં કરી લેવાની જ મને તો ટેવ હતી એટલે સમયનો ઓછો બગાડ થતો હોવાથી મને પણ આ વ્યવસ્થા ગોઠી ગઈ હતી. 

વર્કશોપ્સમાં જે જૉબ કરાડવવામાં આવતા તે જે પ્રકારનાં 'જોઈંટ્સ' હતા અને તેના જુદા જુદા ઉપયોગો માટે તેમાં 'લિમિટ્સ કે ફિટ્સ'ની કેટલી આવશ્યકતા કેમ હોવી જોઈએ એ બધું તો જ્યારે થિયરીમાં ભણવામાં આવ્યું ત્યારે વર્કશોપમાં તે કેમ સિદ્ધ કરવું એ સમજવાનું હતું એ વાતનું મહત્ત્વ સમજાયું.

સમય અને ઉમરની સાથે આવતી સમજબુદ્ધિના પ્રતાપે આજે હવે એ બધી હસ્તકળાઓ શીખવાનું કૉલેજ પછી કેટલું મહત્ત્વનું નીવડી શકે તે  સમજાય છે.  એ સમયે ભલે ધ્યાન પર નહોતું આવ્યું પણ વર્કશોપ્સના એ અનુભવોને કારણે ઓછાં લોકપ્રિય જણાતાં કૌશલ્યોનું પણ ઉત્પાદન પ્રક્રિયામાં, તેમજ સંસ્થાના સમગ્ર તંત્રના સરળતાથી  કામ કરતાં રહેવામાં, અગત્ય શું છે તે તો મગજમાં જરૂર નોંધાઈ ગયું હતું. કોઈ પણ કામ સફળતાથી સિદ્ધ કરવા માટે માત્ર બુદ્ધિ નહીં પણ હાથની કારીગીરી અને મહેનત પણ કેટલાં જરૂરી છે તે પણ સમજાયું તો હતું જ.  એ સમયે અપ્રત્ય્ક્ષ લાગ્તી આ સમજને કારણે વ્યક્તિગત વિકાસમાં તો મદદ મળી જ છે, પણ સમાજના સંતુલિત વિકાસ માટે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ સમગ્ર સાંકળની દરેક ક્ડીની આવશ્યકતા અંગેના અભિગમને વિકસાવવામાં પણ તેનું ઘણું  યોગદાન રહ્યું છે તેનો પણ આજે સ્વીકાર કરૂં છું. 

આ સમજનો મને સીધો ફાયદો મારી પછીની સક્રિય કારકિર્દીમાં મળ્યો.  બન્ને પક્ષે માન પણ સચવાય, આપસી વિશ્વાસ મજબુત બને અને છતાં બન્ને પક્ષની સબળી બાજુઓનો ગુણાકાર જ કેમ થાય એ રીતે કારીગરો, ફોરમેન અને પહેલી હરોળના સુપરવાઈઝરો સાથે વ્યવહાર કેમ  રાખવો એ વિશે મને સારી ફાવટ આવી ગઈ હતી. 

તે ઉપરાંત, આગળ જતાં જ્યારે જ્યારે મને મશિનિંગ, ફોર્જિંગ, કાસ્ટીંગ, હોટ અને કોલ્ડ ફોર્મિંગ કે મેટ્રોલોજી જેવી ઉત્પાદન પ્રક્રિયાઓ સાથે કામ પડ્યું ત્યારે કૉલેજ દરમ્યાન અધુરી રહી ગયેલી તડપને પુરી કરવાની એ દરેક તક મેં બહુ જ લગનથી ઝડપી લીધી.  પરિણામે મને એ આ પ્રક્રિયાઓ વિશે ઘણું વધારે જાણવાનું પણ મળ્યું. તેનો સીધો ફાયદો એ થયો કે મારી સક્રિય કારકિર્દી દરમ્યાન મને સોંપવામાં આવેલ પ્રક્રિયાની સાંકળ અને તેમાંથી નીપજતાં પરિણામો સાથે કામ લેવાની મારી જવાબદારીઓનું વહન હું ઘણી સારી રીતે કરી શક્યો. 

આજે હવે પશ્ચાદ દૃષ્ટિ કરતાં એ સમયનાં કૉલેજના અભ્યાસક્રમનાં માળખાં અને મારી પોતાની મર્યાદાઓની સાથે એલડીના સમગ્રપણે રહેલા અનુભવ અને જીવનમાં યોગદાન સાથે વર્કશોપ્સ અને ત્યાંનાં વાતાવરણની અસરનાં મિશ્રણની  એક વ્યાવસાયિક તરીકેના મારાં માનસનાં ઘડતરરૂપે  મારાં જીવનમાં ઘણું અદકેરૂં મહત્ત્વ રહ્યું એવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે. 

દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની યાદોમાંથી સાભાર.


વર્કશોપ્સના અનાપેક્ષિત આડપેદાશો સમા ફાયદોઓની યાદો વિશે હવે પછી

Sunday, May 7, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : વર્કશોપ [૧]

 

એન્જિયરિંગ અભ્યાસક્રમમાં વર્કશોપની વ્યાવહારિક આવશ્યકતા સમજવા છતાં મારા માટે અભ્યાસ દરમ્યાન જ નહીં, પણ સક્રિય કારકિર્દી દરમ્યાન ઘણા લાંબા સમય સુધી વર્કશોપ એક અકળ કોયડો જ રહ્યો છે.  એન્જિયરિંગના દાખલ થવાના સમય સુધી આ વિષયની પ્રાથમિકતાઓથી મહદ અંશે અજાણ જેવા મારા વર્કશોપ માટે જરૂરી સાધનો ખરીદવા જતી વખતે 'ફાઈલ', 'કાનસ' જેવા શબ્દો જ ભેંસ આગળ ભાગવત સમાન હોય ત્યાં મશીન સોપ માટેનાં કટિંગ ટુલ જેવાં સાધનો પણ ખરીદવાં એ લાકડીના ટેક અવગર ખોડંગાતે ખોડંગાતે પરવ્ત ચડવા જેટલું અશક્ય જણાતું હતું. સાદહનોની યાદી હાથમાં આવી ત્યારે એટલી ખબર પડી ગઈ હતી કે આ બધું પાનકોર નાકા પાસે આવેલ હાર્ડવેર બજારમાં 'સહેલાઈ'થી મળી જશે.  પરંતુ ત્યાં પછી વેપારીઓના સાવ પ્રાથમિક સવાલોના જવાબ આપતી વખતે પણ મારાં મોંના જે હાવભાવ હશે તે જોતાંવેંત જ એ વેપારીઓ સમજી ગયા હશે કે આ ભાઈ તો 'નવો નિશાળીયો' છે. એટલે એમના અનુભવના આધારે જ એમણે મને મારા જેવા માટે યોગ્ય સાધનો પસંદ કરી આપ્યાં.

એન્જિયનિયરિંગનું .... વિશિષ્ટ પ્રતિક ...... 

એલ ડી એન્જિયરિંગ કૉલેજની અંદર અને બહાર, શિક્ષણ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ સમુહ માટે, એન્જિયરિંગ અભ્યાસક્રમનું કદાચ સૌથી વધારે સહેલાઈથી નજરે ચડતું પ્રતિક વર્કશોપ્સ હશે.* 

એલડીના વિશાળ કેમ્પસના બરાબર મધયમાં આવેલ વર્કશોપ કારખાનાંઓનાં ખુબ જાણીતાં પ્રકારનાં મકાનો જેવું છે. બાજુમાં આવેલ ડ્રોઈંગ હૉલનાં મકાનની ભવ્યતાપણ વર્કશોપના મકાનની આભાને ઝાંખી નથી પાડી શકતી.  એ દિવસોમાં વર્કશોપ્સના આગળના ભાગમાં સુથારી, ફિટ્ટીંગ અને મશીન શોપ્સ આવેલ હતાં. સ્વાભાવિક કારણોસર સ્મિધી શોપ અલગથી, પાછળના, ભાગમાં આવેલ હતી.*

વર્કશોપ્સમાં વિદ્યાર્થીની હાજરીને અન્ય વિદ્યાર્થીઓથી અલગ તારી આપવાનું એક માત્ર શ્રેય ઘાટા વાદળી

રંગના 'બોઇલર સ્યુટ'ને ફાળે રહે છે. વર્ષની શરૂઆતમાં બહુ સારી રીતે ધોવાયેલ, ઈસ્ત્રી-બીસ્ત્રી થયેલ બોઈલર સ્યુટ વર્કશોપમાં વટથી દાખલ થાય. પછી વર્ષ દરમ્યાન વપરાશને કારણે જેમ જેમ તેના મેશ તેલ અને પરસેવાઓના રંગોનાં આવરણો ચડતાં જાય તેમ આવો ઘટ્ટ વાદળી રંગ પણ ઘનઘોર વાદળની પાછળ સંતાઈ જતા સૂર્યની જેમ ઓજપ પામવા લાગે. એટલે કદાચ, દરેક પિરિયડ પછી તેને મળતી લોકરની કેદમાં સંતાઈ રહેવું તેને પણ ગમતું હશે ! આવો 'મેલો અને ગંધાતો' બોઈલર સ્યુટ પહેરીને વર્કશોપ્સનાં કામોમાં અમારામાંના મોટા ભાગનાનું ધ્યાન ન ચોંટતું એ હવે સમજી શકાય છે.:)  

આવો સ્યુટ પહેરીને અમે કામ કેમ કરી શકતા તેનાં કરતાં પણ આવા સ્યુટને વર્ષને અંતે ધોવડાવવા માટે ઘરે અમે કેમ લઈ જતા હશું તે પણ એક કોય્ડૉ જ લહી શકાય. અમારા જેવા પ્રમાણમાં નજદીક રહેતા અને સાઈકલ પર કૉલેજ આવતા જતા વિદ્યાર્થીઓ તો ઓછા ટ્રાફિકના સમયનો લાભ લઈને કદાચ બધાંની નજરોથી - અને નાકથી - છુપાવીને તે કપડાં ધોવાની ચોકડી સુધી પહોંચાડી દેતા, પણ  ખાસે દૂર રહેતા મિત્રો તેને જાહેર સલામતી અને સુખાકારીના ભંગના ગુનામાં આવ્યા સિવાય તેને ઘરે શી રીતે પહૉંચાડી શકતા હશે? અને જે મિત્રો બસમાં આવતા એ લોકોની આ બોઇલર સ્યુટને છુપાવીને લઈ જવાની હિંમતને, અને આવડતને, તો આજે પણ સલામ કરવાનું મન થાય છે !!

આજુબાજુની સાયન્સ અને આર્ટ્સ કોલેજોના વિદ્યાર્થીઓ એલડીના વિદ્યાર્થીઓને હળવી  મજાકમાં 'હથોડા' તરીકે - જાહેરમાં પણ !- સંભોધતા. આમ સ્મિધી શોપમાં વટથી ભલભલા ઘાટ ઘડી શકતો - રતલી હથોડો એલડીના વિદ્યાર્થીઓની પણ 'ભારી ઃ)' મજાક બની ગયો હતો. કોલેજમાં ફુલફટાક થઈને આવતા એ વિદ્યાર્થીઓ માટે અમારો પેલો ઘટ્ટ વાદળી બોઈલર સ્યુટ આ 'હથોડા'ની છાપને વધારે ઘેરી બનાવવામાં, અજાણ્યે પણ, મદદરૂપ બનતો !*   

અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓમાટે એલડીના વિદ્યાર્થીઓની 'હથોડા'ની છાપ આ માત્ર સ્થુળ સાધનો જ પુરતી મર્યાદિત નહોતી. એ દિવસોમાં વિદ્યાર્થીઓમાં થોડી શરમ અને થોડો લિહાજ લાવી શકતી મનાતી 'વિદ્યાર્થીઓની'ની ગેરહાજરીને કારણે એલડીના વિદ્યાર્થીઓ વધારે બરછટ બની જાય છે એવો પણ અર્થ આ મજાકિયા નામકરણની પાછળ અભિપ્રેત હોવાનું પણ મનાતું. જોકે અમે લોકો તેમની આવી આ બધી 'હરકતો 'ને માટે 'દ્રાક્ષ ખાટી છે' વાળી ઇર્ષ્યાને કારણભૂત માનીને આ નામને ગર્વ-ચંદ્રક તરીકે પણ સ્વીકારી લેતા !

*દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની યાદોમાંથી સાભાર.

એન્જિનિયરિંગનાં વિદ્યાર્થી માટેની વર્કશોપની આવશ્યકતાના આદર્શો અને વાસ્તવિકતાઓની યાદો હવે પછી