Showing posts with label Haresh Dholakia. Show all posts
Showing posts with label Haresh Dholakia. Show all posts

Sunday, October 30, 2022

વિરાટનો સ્પર્શ – હરેશ ધોળકિયા

 

૨૧મી સદીની Out of Box કથા

હરેશ ધોળકિયા વિરાટનો સ્પર્શા પુસ્તકની પ્રસ્તાવનામાં જ ખેલદિલીથી સ્વીકારે છે કે તેઓ મૂળત: : વિચારપ્રેરક નિબંધો લખનાર વ્યક્તિત્વ છે, નવલકથા જેવા સાહિત્ય પ્રકાર માટે તેઓ એટલા સજ્જ નથી. તેમ છતાં અમુક અમુક સમયે તેમના મનનો કબજો  જ્યારે એવો કોઈ વિચાર લઈ લે છે જે નિબંધ સ્વરૂપે મૂર્ત ન જ થઈ શકે ત્યારે તેમની લેખની કોઈક અવશ પ્રેરણાથી પ્રેરાઈને જ કંઈ લખવા લાગે છે તેનું સ્વરૂપ નવલકથાનું હોય છે, આ રીતે  તેમના મૂળ વિચાર કાલ્પનિક પાત્રો અને પરિવેશના માધ્યમથી તેઓ રજૂ કરે છે.


વિરાટનો સ્પર્શ તેમના આવા જ મનોવ્યાપારની નીપજ છે. આ નવલકથાનો કેન્દ્રીય  વિચાર  એકવીસમી સદીમાં પ્રવર્તી રહેલ ખૂબ ઝડપી પરિવર્તનો માટે જે મુક્ત માનસ હોવું જોઈએ તે ‘‘મુક્ત માનસ એટલે ખરા અર્થમાં કેવાં બંધારણના પાયા પર ચણાયેલું વ્યક્તિત્વ હોવું જોઈએ?’ તે વિશે છે. આજની પરિસ્થિતિ સાથે અનુકૂલન કરી શકે તેવું કે આવતી કાલના પડકારો ઝીલી શકે તેવું એ માનસ હોવું જોઈએ? અતિ ઝડપી ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટફોન વડે, દુનિયા આખીના ખબરોને  હથેળીમાં સમાવી લેવાની ભૌતિક ક્ષમતા ધરાવતી  ભારતીય યુવાન પેઢી તેનાં કુટુબના સંસ્કારો અને સામાજિક, કે ધાર્મિક કે રાજકીય માન્યતાઓની કે આર્થિક મર્યાદાઓની અડચણોને અતિક્રમવા જેટલો માનસિક રીતે આધુનિક બની શકેલ છે? આજનાં ભણતર દ્વારા  તેને જે તાલીમ મળે છે તેનાથી તે પોતાનાં પારંપારિક મૂલ્યોને વૈશ્વિક વિચાર પ્રક્રિયાનાં ધોરણોને સમજવા અને પોતાની જીવન પદ્ધતિને તે માપદંડોને પાર કરી શકવાને સક્ષમ બની રહ્યો છે ખરો?

રૂઢિચુસ્તતાની સામેની લડત સમાજના અમુક તમુક વર્ગથી થોડાં વર્ષો સુધી ચાલતી ઝુંબેશોમાં સમેટાઈ જતી ઈતિહાસે જોઈ છે. આવતી કાલની સાથે કદમ તાલ મિલાવી શકવાની કુશળતા સમાજમાં રહેલ વ્યક્તિઓનાં  વર્તન માત્રમાં થતાં ફેરફારોથી નહીં, પણ સમગ્ર સમાજની સામૂહિક વિચારસરણીમાં થતાં, લાંબા ગાળે પણ ટકી રહી શકનારાં, દરેક ક્ષેત્રોમાં થતાં, પરિવર્તનોમાંથી આવી શકશે.

આ દિશામાં, સામાજિક રીતે વિકટ પરિસ્થિતિમાંથી, માર્ગ કાઢી રહેલ એક સિંગલ પેરંટ માનો પ્રયાસ એ આ  નવલકથા વિરાટનો સ્પર્શનું કથાવસ્તુ છે. પરંપરાગત રિવાજોના સામાજિક દૌરમાંથી પોતાની જીવન નૌકાને ખેડતી એક મા અનાથાશ્રમમાંથી દત્તક તરીકે સ્વીકારેલ પોતાનાં દીકરી અને દીકરાને કેવું વાતાવરણ પૂરું પાડે છે, જેની નીપજથી દીકરી એક અવકાશયાત્રી બને અને દીકરો સંયુક્ત રાષ્ટ્રસંઘનો સેક્રેટરી જનરલ બને  એવું એનું એ સ્વપ્ન તે સિદ્ધ કરી શકે છે તેનો ઘટનાક્રમ એ ત્રણેય પાત્રો દ્વારા જ કરાયેલ વર્ણનોમાં વણી લેવાયો છે. 

દીકરી અવકાશયાત્રી થઈને જ નથી અટકી ગઈ પણ અવકાશ યાત્રા દ્વારા અથાગ વિશ્વને સમજતાં રહેવા માટે નિરંતર વિદ્યાર્થિની બની રહેવા માગે છે. દીકરો માત્ર સેક્રેટરી જનરલની કક્ષાએ પહોચીને સંતોષ માની લેવાને બદલે સમગ્ર વિશ્વ હમેશાં માનવીય મૂલ્યોની સમજને ભૂલી ન જાય તેવી સમયોચિત વ્યવસ્થા બની શકે તે માટે પ્રયાસ કરતો રહેવા માગે છે. તેમના વિચારોને આમ વર્તમાનનાં ભૌતિક સાધ્યોની સિદ્ધિઓને  અતિક્રમીને ભવિષ્યલક્ષી દૃષ્ટિકોણલક્ષી બનાવવામાં મા દ્વારા રચવામાં આવેલાં  વાતવારણમાંથી મળેલા સંસ્કારોનું ઘડતર તેમનાં પોતપોતાનાં જીવનના સારા અને નરસા કેવા કેવા વળાંકોમાંથી પસાર  થતાં થતાં આકાર લે છે તે વિષે નવલકથાનું પોત થોડું પાતળું પડતું  જણાય છે. સામાજિક, આર્થિક, રાજકીય કે પ્રાદેશિક વાડાબંધીની ભુલભુલામણીમાં નાની નાની, પ્રમાણમાં છીછરી કહી શકાય તેવી સફળતા મેળવવાની દોડમાં વ્યસ્ત બનેલ આજની પેઢી આવા વિશાળ, આદર્શ, દૃષ્ટિકોણને પામવા માટેના માર્ગ આટલી સંક્ષિપ્તમાં કહેવાયેલી વાર્તાનાં માધ્યમથી સમજી જઈ શકશે કે કેમ તે સવાલ મનના કોઈ ખૂણામાં રહી જતો  જણાય છે.

નવલકથાના અંતમાં કથાનાં મુખ્ય પાત્રોના સત્કાર સમારંભમાં હાજર શ્રોતાગણ દ્વારા કરાયેલા રૂઢિગત સવાલોનાં એ પાત્રો દ્વારા અપાયેલા જવાબોને બદલે આપણે, દરેક વાચક, એ સવાલોના જવાબો પોતાનાં જીવનના સંદર્ભમાં ખોળતાં થઈએ  તો ગઈકાલની, આજની અને નવી પેઢીને પોતાનાં વિચારોને નવાં પરિપેક્ષ્યમાં વિચારતાં કરવાનો  નવલકથાનો મૂળ હેતુ ખરેખર બર આવશે. જોકે એક જ બેઠકે વાંચી  જવાય એવી ચુસ્ત શૈલીમાં લખાયેલ આ (લઘુ) નવલકથા જો વ્યાપક વાચક વર્ગની પસંદ બની રહેશે તો અનેક વ્યક્તિઓની થોડી થોડી સમજનાં  ઝરણાઓમાંથી પણ જે એક શક્તિશાળી પરિવર્તક વિચારસરણી  બની શકે, એવી આશા સેવવી આ નવલકથા વાંચ્યાં પછી સાવ અસ્થાને નથી લાગતી                 

0        -         0        -         0        -

વિરાટનો સ્પર્શની અન્ય વિગતોઃ

લેખકહરેશ ધોળકિયા

પ્રથમ આવ્રુતિ : જુલાઈ ૨૦૨૨

પૃષ્ઠસંખ્યા૧૫૧ કિંમત:  રૂ. . ૧૭૫   /-

પ્રાપ્તિસ્થાન: આર આર શેઠ એન્ડ કંપની, અમદાવાદ ૩૮૦૦૧ -મેઈલ sales@rrsheth.com


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

નિવાસસ્થાન ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

Sunday, March 28, 2021

ક્ષમસ્વ – હરેશ ધોળકિયા

‘રામાયણ’ આપણું એવું પ્રાચીન મહાકાવ્ય છે જેનું પેઢી દર પેઢી હસ્તાંતરણ મૌખિક રીતે થતું આવ્યું છે. ‘રામાયણ’નું સૌથી પ્રચલિત સ્વરૂપ વાલ્મીકિ રામાયણ રહ્યું છે. પરંતુ આપણા દેશના દરેક પ્રાંતમાં જે તે સમયની સાંપ્રત પરિસ્થિતિ અનુસાર રામાયણપઠન કરનાર કથાકારો તેને પોતાની રીતે મૂલવતા આવ્યા છે. સ્વાભાવિક છે કે ‘રામાયણ’નું કથાવસ્તુ મૂળતઃ તેનાં મુખ્ય પાત્ર રામની આસપાસ ગુંથાતું હોય. રામ સિવાયનાં અન્ય મુખ્ય પાત્રોને યાદ કરીએ તો સીતા, લક્ષ્મણ, રાવણ કે હનુમાનથી આગળ યાદી ભાગ્યે જ લંબાય. કથાવસ્તુમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય પણ તે પાત્ર વિષે સીધી રીતે બહુ કહેવાયું ન હોય એવાં અનેક પાત્રો છે. આ બધાં પાત્રો માટે કથાવસ્તુમાંની તેમની ભૂમિકાની સાથે સુસંગત એક ખાસ છાપ પણ સામાન્ય વાંચકનાં મનમાં અંકિત થયેલી હોય છે.

એવાં બે પાત્રો છે મહારાજ દશરથની ત્રીજી પત્ની કૈકેયી અને તેની દાસી મંથરા. કે કૈકેયી એવી વીરાંગના હતી જે દશરથની સાથે યુધ્ધમાં સાથે રહેતી. એવાં એક યુદ્ધમાં તેણે પોતાની આગવી સૂઝ વડે દશરથના રથનાં ધરીમાંથી નીકળી પડેલા પૈડાંને પોતાની આંગળી મૂકીને કાર્યરત રાખેલું. આથી ખુશ થઈને મહારાજા દશરથે તેને બે વરદાન માંગવા કહેલું. કૈકેયીએ ત્યારે ને ત્યારે વરદાન માંગવાને બદલે યોગ્ય સમયે પોતે એ માંગશે એમ જણાવ્યું. એ અનુસાર રામના રાજ્યાભિષેકની જાહેરાત થવા સાથે તેણે, તેની કુટિલ મનોભાવના ધરાવતી – તેને કારણે મહદ અંશે શરીરે પણ કુબડી બતાવાતી – તેની ખાસ દાસી મંથરાની ચડામણીથી રામને ચૌદ વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને રાજગાદી મળે તેવાં વરદાન માંગેલાં.

તુલસી કૃત રામાયણ તેમ જ 'રામાયણ’નાં અન્ય અનેક લોકકથા સ્વરૂપમાં સ્વીકારાયું છે કે કૈકેયીને રામ માટે અનન્ય પુત્રપ્રેમ હતો. તેમને એ પણ ખ્યાલ હતો કે રામનાં જીવનનો મૂળ હેતુ આર્યાવર્તમાં ધર્મનાં પુન:સ્થાપનનો
છે. આ વાતને હરેશ ધોળકિયા તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી ‘લઘુ’ નવલકથા ‘ક્ષમસ્વ’ માં રજૂ કરે છે. જો કે પુસ્તકનાં નિવેદનમાં હરેશ ધોળકિયા કહે છે તેમ તેમને કોઈ ‘ગેબી’ શક્તિએ પ્રેરણા આપી અને તેમના હાથે આપોઆપ જ કૈકેયીના પાત્રની અલગ જ કેફીયત કહેતી વાર્તા લખાતી ગઈ.પ્રસ્તુત નવલકથા ‘ક્ષમસ્વ’નો પ્રારંભ કૈકેયી દ્વારા માંગવામાં આવેલાં બે વરદાનના ઘટનાક્રમથી થાય છે, પણ તેનો સંદર્ભ અલગ છે. આમ થવા પાછળના તર્કને પણ લેખકે પ્રારંભમાં જ સ્પષ્ટ કરી દીધો છે. તેઓ કૈકેયીનાં પાત્રનાં મનોજગતને સ્વાભાવિક ક્રમમાં વિકસવા દેવા માટે, કલ્પનાના માધ્યમ વડે નવલકથાના સ્વરૂપમાં આ આગવી કેફીયત કહે છે.

હરેશ ધોળકિયાનાં પાત્રાલેખનો વર્ણનો વડે નથી વિકસતાં. તે માટે તેમણે ઘટનાક્રમની ગૂંથણી અને પાત્રો વચ્ચેના સંવાદોને માધ્યમ તરીકે લીધાં છે. વળી, મૂળતઃ પોતે વાર્તાનો જીવ ન હોવાથી, તેમના પાત્રો વચ્ચેના સંવાદોમાં શબ્દોની કાવ્યમય રસિકતા પણ સ્વાભાવિકપણે નથી. તેમ છતાં, ૧૪૨ જેટલાં જ પાનાંમાં કહેવાયેલી આ નવલકથા કૈકેયીનાં પાત્રના, ઓછા જાણીતા પાસાને પુરેપુરો ન્યાય મળી રહે તે રીતે રજૂ કરે છે.

કૈકેયીનાં પાત્રની નકારાત્મક ભૂમિકા સામાન્ય વાચકના મનમાં એટલી દૃઢ થઈ ગઈ છે કે પ્રસ્તુત નવલકથાનાં વીસ પ્રકરણમાં ઉઘડતા કૈકેયીનાં સાવ અલગ વ્યક્તિત્ત્વને વાચકનું મન કદાચ સમજી શકે એમ બને, પણ મનથી સ્વીકારી ન શકે એ શક્ય છે. એટલે તર્કબધ્ધ લખવા કેળવાયેલો હરેશ ધોળકિયાનો ‘સ્વ’ તેમને લેખક તરીકે પણ સમગ્ર નવલકથાના ઘટનાક્રમને તર્કબધ્ધ રજૂ કરવા પ્રેરતો જણાય છે. તે ઉપરાંત, લેખક એકવીસમા પ્રકરણમાં બધાં પાત્રોને એકઠાં કરીને પોતપોતાની મુંઝવણો અને મંતવ્યો રજૂ કરવાની તક આપે છે. તેમાં કૈકેયી સિવાયનાં જે જે પાત્રોએ તેને ‘કુટિલ’, ‘સ્વાર્થી’ વગેરે કહી હતી તે કૈકેયીની ક્ષમા માગે છે. સામે કૈકેયી પણ પોતાના આદર્શને નક્કર સ્વરૂપ આપવા માટે પોતે પસંદ કરેલા માર્ગ માટે ક્ષમા પ્રાર્થે છે.

સમગ્ર નવલકથામાં ‘રામાયણ’ જેવાં મહાકાવ્યને કહેવા માટે ભારેખમ શબ્દો અને સંબોધનો વાપરવાને બદલે લેખકે પોતાની સરળ શૈલીનો જ પ્રયોગ કર્યો છે. સંવાદો ટુંકા છતાં સરળ છે. છતાં કથાવસ્તુમાં પાત્રોનાં આપસી સંબંધોને છાજે એવી ગરિમા જળવાઈ છે. ઉદાહરણ સ્વરૂપ એક સંવાદ જોઈએ –

અવતરણ શરૂ -

કૈકેયી હાથ જોડીને બોલી, “અને મને માફ કરશો ?”

કૌશલ્યા અને સુમિત્રા બોલ્યાં, “કૈકેયી, તને માફ કરવાની અમારી લાયકાત નથી. છતાં કહીએ કે છીએ કે “ક્ષમસ્વ”. તું મહાન છો. તું અદભૂત છો. તું જ રામને અવતાર બનાવનાર છો. તેથી આત્યંતિક પ્રિય છો. તું જ અમને માફ કર.”

અવતરણ પુરૂં.

હરેશ ધોળકિયાનું પ્રકાશિત લેખન વિષયવૈવિધ્ય અને સંખ્યાત્મક દૃષ્ટિએ વિપુલ છે. પણ તેમનાં લગભગ દરેક પુસ્તકો બસો પાનાંની અંદર અંદર જ પુરાં થઈ જાય છે. તેમની આ નવમી નવલકથા છે. દરેક નવલકથાનો વિષય અને તેની રજૂઆત સાવ બીનપરંપરાગત કહી શકાય તેવી છે. તે કારણે તેમની નવલકથા ‘પસંદ’ કરવાવાળો વર્ગ પણ બીનપરંપરાગત વાચકનો રહ્યો છે. લગભગ એક જ બેઠકે પુરી થઈ શકે તેવી કથાની ગતિ અને કથનની લંબાઈ છે.

ક્ષમસ્વની અન્ય વિગતોઃ

લેખકહરેશ ધોળકિયા

પૃષ્ઠસંખ્યા+૧૪૬ કિંમતરૂ. ૧૭૦/-

પ્રાપ્તિસ્થાન: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ ૩૮૦૦૧ -મેઈલgoorjara@yahoo.com


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રૉઃ

નિવાસસ્થાન ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

Sunday, January 26, 2020

હરેશ ધોળકિયા - ‘વહાલનું અક્ષયપાત્ર’


પુસ્તકનાં શીર્ષક,'વહાલનું અક્ષયપાત્ર', સાથે ઉપશીર્ષક તરીકે 'એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ' એટલું તો જ્ણાવી જ દે છે કે આ પુસ્તક કોઈ એક વ્યક્તિની જીવનગાથા હોવું જોઇએ. પુસ્તક એક વ્યક્તિ - હરેશ ધોળકિયા- વિશે જરૂર છે, પરંતુ પુસ્તકની પ્રસ્તાવના વાંચતાંની સાથે જ સ્પષ્ટ થઈ જાય છે કે આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય હરેશ ધોળકિયાનાં વિદ્યાર્થીઓની  તેમની શિક્ષક તરીકેની યાદો અને પોતાનાં જીવનમાં શિક્ષક તરીકેના તેમનાં યોગદાનને ગ્રંથસ્થ કરીને હરેશ ધોળકિયાનાં ૭૫ વર્ષ થવાના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે.
શિક્ષક તરીકેની વ્યાવસાયિક કારકીર્દી હરેશ ધોળકિયા (જન્મ- ૩૦-૬-૧૯૪૬)ની સ્વૈચ્છિક પસંદગી હતી. તેમણે શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય, ભૂજ (ક્ચ્છ)માં ૧૯૬૬થી ૧૯૮૬ સુધી ૨૦ વર્ષ સુધી પ્રત્યક્ષ શિક્ષક  તરીકે કામ કર્યું. તે પછી શ્રી વી ડી હાઈસ્કૂલ, ભુજ (કચ્છ)માં ૫ વર્ષ આચાર્ય તરીકે શિક્ષણ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા રહ્યા. ૩૧ જુલાઇ, ૧૯૯૧ના રોજ એ વ્યવસાયમાંથી નિવૃતિ પણ સ્વેચ્છાથી જ લીધી.
નિવૃત્તિ પછીથી હરેશભાઈનો ઈરાદો વાંચવાનો અને નિજાનંદે અંગત જીવન જીવવાનો હતો. પરંતુ નિયતિએ તેમના માટે બીજી પણ ભુમિકા લખી રાખી હતી. ભૂજથી પ્રકાશિત થતાં, સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટનાં વર્તમાન પત્ર 'કચ્છમિત્ર'માં લખવાની શરૂઆત ૧૯૭૦થી થઈ હતી. આમ એક તરફ તેઓ પધ્ધતિસરનાં લેખન તરફ ઢળતા ગયા, તો બીજી તરફ શાળાઓ અને શિક્ષણ સાથે સંકલાયેલી સંસ્થઓના ઉપક્રમે શિક્ષકો અને વિદ્યાર્થીઓના શિક્ષણેતર વિકાસ માટે શિબિરો કરવાની તકો - આમંત્રણો મળતાં ગયાં. એ સંબંધોનાં મૂળમાંથી ધીમે ધીમે શિવામ્બુ ચિકિત્સા, કુદરતી ઉપચાર, માનસિક સ્વાસ્થ્ય, કચ્છના ઇતિહાસ અને સાહિત્યનાં સંશોધનાત્મક દસ્તાવેજીકરણ જેવી અનેક પ્રવૃત્તિઓની પ્રશાખાઓ વિકસતી ગઈ.
પ્રસ્તુત પુસ્તકમાં તેમનાં સમગ્ર જીવનમાં તેમની સાથે સંપર્કમાં આવેલ, વિવિધ ક્ષેત્રોનાં,૧૩૫ જેટલાં લોકોના તેમની સાથેના અનુભવોની વાત વિષય અનુરૂપ ૭ ખંડોમાં વહેંચી નાખવામાં આવી છે.
¾    'વિશેષ પ્રીતિ વિદ્યાર્થીઓનીમાંતેમના હાલમાં દેશવિદેશમાં, પોતાની અલગ અલગ કારકીર્દીઓ વિકસાવી ચૂકેલ વિદ્યાર્થીઓની વાતમાં તેમના શિક્ષણ અંગેના અનોખા પ્રાયોગિક અભિગમ ઉપરાંત, માર્ગદર્શક, શુભચિંતક અને મૈત્રીપૂર્ણ અભિગમ વિશેની ઝલક અનુભવાય છે.
¾    'ઉર્મિઓ ઉત્તમ કેળવણીકારોની'માં  મોતીભાઈ ચુધરી, પી.જી.પ્ટેલ, રતીલાલ બોરીસાગર, રમેશ દવે, રણ્છોડભાઈ શાહ, રમેશ સંધવી જેવા શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રમા પ્રત્યક્ષ સંકલાએલા તેમના સમકાલીન વડીલો/સાથીઓ/ સહયોગીઓએ હરેશભાઈને 'કરકસરથી જીવતા કંજૂસ' પણ 'લક્ષ્ય સમર્પિત' કર્મયોગી, 'હાડે' શિક્ષક તરીકે જોયા છે. વર્ગશિક્ષક તરીકે સેક્સ એજ્યુકેશન, ફિલ્મો કેમ જોવી જેવા તેમના પ્રયોગોની પણ ખાસ નોંધ પણ તેઓ લે છે.
¾    'સંભારણાં સ્વજનો'માં હરેશભાઈનાં પરિવારનાં તેમનાં માસી જેવાં વડીલ, પીતરાઈ ભાઈઓ / બહેન જેવા સમકાલીન અને તેમનાંથી સોળ વર્ષ નાનાં બહેન તેમ જ તેમનાં ભત્રીજી જેવાં વિવિધ ઉમર અને ક્ષેત્રનાં સ્વજનોની નજરે હરેશભાઈની વ્યક્તિગત લાક્ષણિકતાઓ આપણી સમક્ષ ખુલે છે તેમાં જોવા મળે છે કે દેખીતી રીતે પોતાના શિક્ષણ અને લેખનના વ્યવસાયને જીવનની સાર્થકતા માટે અગ્રતાક્રમે મૂકવાની સાથે સાથે તેઓ અપ્રત્યક્ષ જણાય તેવી રીતે કુટુંબ ભાવનાને પણ ન્યાય  આપતા રહ્યા છે.
¾    'મતવ્યો મિત્રોનાં'માં તેમના બાળપણ, શાળા જીવન અને તે પછીના સમયકાળમાં વિકસેલા મેત્રી સંબંધોમાં ઝીલાયેલાં હરેશભાઇનાં મિત્ર તરીકેનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઝીલાયાં છે.
¾    તે ઉપરાંત પરિશિષ્ટમાં હરેશભઈનાં શિક્ષણ અને સાહિત્ય જીવન તેમજ શિવામ્બુ પદ્ધતિ, શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (માંડવી -ક્ચ્છ), શ્રી વિજયરાજજી લાયબ્રેરી (ભૂજ -ક્ચ્છ) પુનઃનિર્માણ, ક્ચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ જેવી સંસ્થાઓ સાથેની પ્રવૃત્તિઓ સહિત અન્ય પ્રવૃત્તિઓનો પરિચય મળી રહે તે મુજબના લેખો / વાર્તાલાપો અને તેમનાં પ્રકાશિત ૧૬૦ પુસ્તકોની સૂચિ જેવી સામગ્રી આવરી લેવાઈ છે.
કોઈ એક વ્યક્તિના જીવનના ખાસ પ્રસંગને અનુલક્ષીને જ્યારે આ પ્રકારની કોઈ પરિયોજના સાકાર થાય તેમાં કાંઇક અંશે એકતરફી ગુણગાનનું પ્રમાણ વધારે હોય તેવું જોવા મળતું હોય છે. પરંતુ, વહાલનું અક્ષયપાત્ર'માં વાંચવા મળતી રજૂઆત મોટા ભાગે જેમને પધ્ધતિસરનાં લેખન સાથે દૂર દૂરનો સંબંધ નથી એવી વ્યક્તિઓની અનુભવોક્તિઓ હોવાને કારણે બહુ સહજ અને આત્મીય બની રહી છે.
પુસ્તકનું સંકલન કાર્ય તેમના વિદ્યાર્થી વીરેન શેઠ અને વીરેનનાં પત્ની જીના શેઠે એટલી ચીવટ, મહેનત, લગન અને ભાવથી કર્યું છે કે પુસ્તકની કોઈ સ્થૂળ કિંમત જ નથી રખાઈ. આમ ખરા અર્થમાં આ પુસ્તક બન્ને સંપાદકોની તેમના ગુરુ-મિત્ર-વડીલ હરેશ ધોળકિયા પ્રત્યેનાં ઋણ-સ્વીકાર અને તેના કરતાં પણ વધારે તો જીવનમાં એક 'અતિ ઉત્તમ વ્યક્તિ' મળ્યાની "અમૂલ્ય" પ્રસન્નતાને વહેંચવાની ભાવનાને મૂર્ત કરી રહે છે.
+    +     +     +
વહાલનું અક્ષયપાત્ર - પૃષ્ઠ સંખ્યા ૧૬+૪૨૪

સપાદકો - વીરેન શેથ, જીના શેઠ

પ્રકાશકઃ સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવા - ફોન +૯૧ ૭૯ ૨૧૧૫૦૯૦૩

કિંમત - સંપાદકોના સૌજન્યથી, સહૃદયી સ્વજનોને સપ્રેમ
+    +     +     +
શ્રી વીરેન શેઠ / જીના શેઠનાં સંપર્કસૂત્રો
સેલ ફોન+ ૯૧૭૪૦૫૦૭૪૧૪૦ | ઈ-મેલઃ  virenssheth@hotmail.com  

શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રૉઃ
નિવાસ સ્થાન - ન્યુ મિન્ટ રોદ, ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

Monday, November 27, 2017

શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા - ત્રીજો મણકો – ‘કચ્છની ગુજરાતી કવિતા :થોડા મહત્વના મુકામ’



ઈન્સ્ટિટ્યુટ ઑફ યુથ ડેવલેપમેન્ટ, ભુજ (કચ્છ- ગુજરાત) દ્વારા કચ્છના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી કાન્તિપ્રસાદ અંતાણીની સ્મૃતિમાં શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા શરૂ કરાઇ છે.આ વ્યાખ્યાનમાળા અન્વયે  કચ્છનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યક્ત્વ્યો દર વર્ષે યોજવામાં આવે છે.
૧૯ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ભુજ(ક્ચ્છ, ગુજરાત) ખાતે આ વ્યાખ્યાનમાળાના ત્રીજા મણકાના વક્તા ગુજરાતના મુર્ધન્ય કવિ અને વિવેચક શ્રી રમણીક સોમેશ્વર  હતા. 

તેમણે કચ્છની ગુજરાતી કવિતા થોડા મહત્વના મુકામ' વિષે તેમના મનનીય વિચારો રજૂ કર્યા હતા.
તેમનાં વ્યક્તવ્યમાં રમણીકભાઇ પદ્યમાંથી કવિતાને તારવી કચ્છની ગુજરાતી કવિતાનો પ્રવાસ  ખેડે છે.
કચ્છી લોકસાહિત્યનો એક સરસ દોહરો
'ઢકે ઢકે ને ઢકી જ, નિયાંઈ ઢકજે જીં,
બાફ નિકટ ઘી બાર, તથાં પચંધા કી.'
                     ટાંકીને તેઓ જણાવે છે કે "નીંભાડાની આંચમાં વાસણ બરાબર પાકવાં જોઈએ, જો વરાળ, વચ્ચે જ નીકળી જાય તો વાસણ કાચાં રહી જાય." કવિતાનો શબ્દ પણ એ ઊર્મિઓ કે ભાવનાઓની વરાળ વડે પાકવો જોઈએ. જે ટકોરાબંધ હોય તેનાં  મૂલ થાય.
તેમનાં ખૂબ વિદ્વતાપુરણ વ્યક્તવ્યમાં, તેઓ શ્રોતાઓને કચ્છની ગુજરાતી કવિતાનાં કેવાં કેવં મૂલ થયાં છે તેનું વિહંગાવલોકન કારાવે છે.
'કચ્છની ગુજરાતી કવિતા'નાં વ્યાપક ચિત્માં તેઓએ ૧૪૦ વર્ષ પહેલાંના ક્ચ્છી કવિથી લઈને છેક વર્તમાન સમયના કવિઓ, છેલ્લા બેએક દાયકાં પ્રકાશમાં આવેલ કવયિત્રીઓ અને કચ્છની બહાર રહીને ગુજરાતી કવિતા દ્વારા કચ્છ સાથે મૂળિયાંનો સંબંધ જાળવી રાખતા કવિઓનાં સાહિત્યનો પરિચય રમણીકભાઈએ બહુ જ સરળ શૈલીમાં રજૂ કર્યો હતો.  


રમણીકભાઇ સોમેશ્વરનાં વ્યક્તવ્યને કે પુસ્તિકા સ્વરૂપે દસ્તાવેજિત પણ કરાયેલ છે. જે માટે પ્રકાશક શ્રી હરેશ ધોળકિયાનો 'ન્યૂ મિન્ટ રોડ, ભુજ (ક્ચ્છ) - ૩૭૦૦૦૧' અથવા dholakiahc@gmail.com  પર સંપર્ક કરી શકાય છે.