Sunday, January 26, 2020

હરેશ ધોળકિયા - ‘વહાલનું અક્ષયપાત્ર’


પુસ્તકનાં શીર્ષક,'વહાલનું અક્ષયપાત્ર', સાથે ઉપશીર્ષક તરીકે 'એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ' એટલું તો જ્ણાવી જ દે છે કે આ પુસ્તક કોઈ એક વ્યક્તિની જીવનગાથા હોવું જોઇએ. પુસ્તક એક વ્યક્તિ - હરેશ ધોળકિયા- વિશે જરૂર છે, પરંતુ પુસ્તકની પ્રસ્તાવના વાંચતાંની સાથે જ સ્પષ્ટ થઈ જાય છે કે આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય હરેશ ધોળકિયાનાં વિદ્યાર્થીઓની  તેમની શિક્ષક તરીકેની યાદો અને પોતાનાં જીવનમાં શિક્ષક તરીકેના તેમનાં યોગદાનને ગ્રંથસ્થ કરીને હરેશ ધોળકિયાનાં ૭૫ વર્ષ થવાના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે.
શિક્ષક તરીકેની વ્યાવસાયિક કારકીર્દી હરેશ ધોળકિયા (જન્મ- ૩૦-૬-૧૯૪૬)ની સ્વૈચ્છિક પસંદગી હતી. તેમણે શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય, ભૂજ (ક્ચ્છ)માં ૧૯૬૬થી ૧૯૮૬ સુધી ૨૦ વર્ષ સુધી પ્રત્યક્ષ શિક્ષક  તરીકે કામ કર્યું. તે પછી શ્રી વી ડી હાઈસ્કૂલ, ભુજ (કચ્છ)માં ૫ વર્ષ આચાર્ય તરીકે શિક્ષણ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા રહ્યા. ૩૧ જુલાઇ, ૧૯૯૧ના રોજ એ વ્યવસાયમાંથી નિવૃતિ પણ સ્વેચ્છાથી જ લીધી.
નિવૃત્તિ પછીથી હરેશભાઈનો ઈરાદો વાંચવાનો અને નિજાનંદે અંગત જીવન જીવવાનો હતો. પરંતુ નિયતિએ તેમના માટે બીજી પણ ભુમિકા લખી રાખી હતી. ભૂજથી પ્રકાશિત થતાં, સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટનાં વર્તમાન પત્ર 'કચ્છમિત્ર'માં લખવાની શરૂઆત ૧૯૭૦થી થઈ હતી. આમ એક તરફ તેઓ પધ્ધતિસરનાં લેખન તરફ ઢળતા ગયા, તો બીજી તરફ શાળાઓ અને શિક્ષણ સાથે સંકલાયેલી સંસ્થઓના ઉપક્રમે શિક્ષકો અને વિદ્યાર્થીઓના શિક્ષણેતર વિકાસ માટે શિબિરો કરવાની તકો - આમંત્રણો મળતાં ગયાં. એ સંબંધોનાં મૂળમાંથી ધીમે ધીમે શિવામ્બુ ચિકિત્સા, કુદરતી ઉપચાર, માનસિક સ્વાસ્થ્ય, કચ્છના ઇતિહાસ અને સાહિત્યનાં સંશોધનાત્મક દસ્તાવેજીકરણ જેવી અનેક પ્રવૃત્તિઓની પ્રશાખાઓ વિકસતી ગઈ.
પ્રસ્તુત પુસ્તકમાં તેમનાં સમગ્ર જીવનમાં તેમની સાથે સંપર્કમાં આવેલ, વિવિધ ક્ષેત્રોનાં,૧૩૫ જેટલાં લોકોના તેમની સાથેના અનુભવોની વાત વિષય અનુરૂપ ૭ ખંડોમાં વહેંચી નાખવામાં આવી છે.
¾    'વિશેષ પ્રીતિ વિદ્યાર્થીઓનીમાંતેમના હાલમાં દેશવિદેશમાં, પોતાની અલગ અલગ કારકીર્દીઓ વિકસાવી ચૂકેલ વિદ્યાર્થીઓની વાતમાં તેમના શિક્ષણ અંગેના અનોખા પ્રાયોગિક અભિગમ ઉપરાંત, માર્ગદર્શક, શુભચિંતક અને મૈત્રીપૂર્ણ અભિગમ વિશેની ઝલક અનુભવાય છે.
¾    'ઉર્મિઓ ઉત્તમ કેળવણીકારોની'માં  મોતીભાઈ ચુધરી, પી.જી.પ્ટેલ, રતીલાલ બોરીસાગર, રમેશ દવે, રણ્છોડભાઈ શાહ, રમેશ સંધવી જેવા શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રમા પ્રત્યક્ષ સંકલાએલા તેમના સમકાલીન વડીલો/સાથીઓ/ સહયોગીઓએ હરેશભાઈને 'કરકસરથી જીવતા કંજૂસ' પણ 'લક્ષ્ય સમર્પિત' કર્મયોગી, 'હાડે' શિક્ષક તરીકે જોયા છે. વર્ગશિક્ષક તરીકે સેક્સ એજ્યુકેશન, ફિલ્મો કેમ જોવી જેવા તેમના પ્રયોગોની પણ ખાસ નોંધ પણ તેઓ લે છે.
¾    'સંભારણાં સ્વજનો'માં હરેશભાઈનાં પરિવારનાં તેમનાં માસી જેવાં વડીલ, પીતરાઈ ભાઈઓ / બહેન જેવા સમકાલીન અને તેમનાંથી સોળ વર્ષ નાનાં બહેન તેમ જ તેમનાં ભત્રીજી જેવાં વિવિધ ઉમર અને ક્ષેત્રનાં સ્વજનોની નજરે હરેશભાઈની વ્યક્તિગત લાક્ષણિકતાઓ આપણી સમક્ષ ખુલે છે તેમાં જોવા મળે છે કે દેખીતી રીતે પોતાના શિક્ષણ અને લેખનના વ્યવસાયને જીવનની સાર્થકતા માટે અગ્રતાક્રમે મૂકવાની સાથે સાથે તેઓ અપ્રત્યક્ષ જણાય તેવી રીતે કુટુંબ ભાવનાને પણ ન્યાય  આપતા રહ્યા છે.
¾    'મતવ્યો મિત્રોનાં'માં તેમના બાળપણ, શાળા જીવન અને તે પછીના સમયકાળમાં વિકસેલા મેત્રી સંબંધોમાં ઝીલાયેલાં હરેશભાઇનાં મિત્ર તરીકેનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઝીલાયાં છે.
¾    તે ઉપરાંત પરિશિષ્ટમાં હરેશભઈનાં શિક્ષણ અને સાહિત્ય જીવન તેમજ શિવામ્બુ પદ્ધતિ, શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (માંડવી -ક્ચ્છ), શ્રી વિજયરાજજી લાયબ્રેરી (ભૂજ -ક્ચ્છ) પુનઃનિર્માણ, ક્ચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ જેવી સંસ્થાઓ સાથેની પ્રવૃત્તિઓ સહિત અન્ય પ્રવૃત્તિઓનો પરિચય મળી રહે તે મુજબના લેખો / વાર્તાલાપો અને તેમનાં પ્રકાશિત ૧૬૦ પુસ્તકોની સૂચિ જેવી સામગ્રી આવરી લેવાઈ છે.
કોઈ એક વ્યક્તિના જીવનના ખાસ પ્રસંગને અનુલક્ષીને જ્યારે આ પ્રકારની કોઈ પરિયોજના સાકાર થાય તેમાં કાંઇક અંશે એકતરફી ગુણગાનનું પ્રમાણ વધારે હોય તેવું જોવા મળતું હોય છે. પરંતુ, વહાલનું અક્ષયપાત્ર'માં વાંચવા મળતી રજૂઆત મોટા ભાગે જેમને પધ્ધતિસરનાં લેખન સાથે દૂર દૂરનો સંબંધ નથી એવી વ્યક્તિઓની અનુભવોક્તિઓ હોવાને કારણે બહુ સહજ અને આત્મીય બની રહી છે.
પુસ્તકનું સંકલન કાર્ય તેમના વિદ્યાર્થી વીરેન શેઠ અને વીરેનનાં પત્ની જીના શેઠે એટલી ચીવટ, મહેનત, લગન અને ભાવથી કર્યું છે કે પુસ્તકની કોઈ સ્થૂળ કિંમત જ નથી રખાઈ. આમ ખરા અર્થમાં આ પુસ્તક બન્ને સંપાદકોની તેમના ગુરુ-મિત્ર-વડીલ હરેશ ધોળકિયા પ્રત્યેનાં ઋણ-સ્વીકાર અને તેના કરતાં પણ વધારે તો જીવનમાં એક 'અતિ ઉત્તમ વ્યક્તિ' મળ્યાની "અમૂલ્ય" પ્રસન્નતાને વહેંચવાની ભાવનાને મૂર્ત કરી રહે છે.
+    +     +     +
વહાલનું અક્ષયપાત્ર - પૃષ્ઠ સંખ્યા ૧૬+૪૨૪

સપાદકો - વીરેન શેથ, જીના શેઠ

પ્રકાશકઃ સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવા - ફોન +૯૧ ૭૯ ૨૧૧૫૦૯૦૩

કિંમત - સંપાદકોના સૌજન્યથી, સહૃદયી સ્વજનોને સપ્રેમ
+    +     +     +
શ્રી વીરેન શેઠ / જીના શેઠનાં સંપર્કસૂત્રો
સેલ ફોન+ ૯૧૭૪૦૫૦૭૪૧૪૦ | ઈ-મેલઃ  virenssheth@hotmail.com  

શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રૉઃ
નિવાસ સ્થાન - ન્યુ મિન્ટ રોદ, ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

No comments: