Showing posts with label Co-curricular Activities. Show all posts
Showing posts with label Co-curricular Activities. Show all posts

Sunday, October 6, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - સહ - અભ્યાસિક પ્રવૃત્તિઓ : લાયબ્રેરીનો ઉપયોગ અને ગ્રૂપ ચર્ચાઓ દ્વારા અભ્યાસ

 લાયબ્રેરીનો ઉપયોગ

મુખ્ય બ્લૉક્ની એક તરફની બાજુના સમગ્ર માળમાં લાયબેરી ફેલાયેલી છે. ઇન્સ્ટીટ્યુટના અભ્યાસક્રમના દરેક વિષયને લગતાં સંદર્ભ પુસ્તકો અને અભ્યાસેતર સામગ્રી અહીં ઉપલબધ હતાં. તે ઉપરાંત દરેક વિષયોને લગતાં આંતરરાષ્ટ્રીય સામયિકો પણ સુઘડ રીતે ગોઠવાયેલાં હતાં. અખબારોના વિભાગમાં દેશનાં લગભગ બધાં જ મહત્ત્વનાં અંગ્રેજી દૈનિકો તેમ જ અગ્રગણ્ય હિંદી સમાચારપત્રો વાંચવા મળતાં હતાં. અન્ય સામયિકોના અલગ વિભાગમાં અનેકવિધ વિષયોનાં સામયિકોના ચાલુ તેમજ પાછળના અંકો પણ પોતાની હાજરી નોંધાવતા હતા.

હું જ્યારે નવમા ધોરણમાં હતો ત્યારે મારા પિતાજીએ તેમનો અધુરો છૂટી ગયેલો એમ કોમનો અભ્યાસ શરૂ કરેલો. એ સંદર્ભમાં તેઓ લાયબ્રેરીમાંથી ફાઈનાન્સીયલ એક્ષપ્રેસ, ઈક્નોમિક ટાઈમ્સ અને ઇકોનોમિક એન્ડ પોલિટીકલ રિવ્યૂના પાછલા અંકો વાંચવા માટે લઈ આવતા. એટલે એ બધાં આર્થિક સમાચારપત્રો અને સામયિકોનાં નામથી હું પરિચિત હતો. પણ આ બધાં સાથે મારો ખરો પરિચય તો પ્રવેશ કસોટી સમયના ચાર દિવસો દરમ્યાન અહીં જ થયો હતો.

અહીં આવ્યા પહેલાં, વાંચનનો મારો શોખ મુખ્યત્ત્વે ગુજરાતી અને અમુક અંશે અંગ્રેજી કથા સાહિત્ય પુરતો મર્યાદિત હતો. અમારે ઘરે એક સ્થાનિક ગુજરાતી અખબાર અને એક અંગ્રેજી દૈનિક પણ નિયમિતપણે આવતાં. બહુ ઘણાં વર્ષો સુધી અંગ્રેજી દૈનિક ઇન્ડિઅન એક્ષપ્રેસ હતું. મૂળતઃ મારો અંગ્રેજીનો મહાવરો વધે એ આશયથી મારા પિતાજી મને અંગ્રેજી અખબાર વાંચવા માટે ખાસ કરતા. શરૂ શરૂમાં તો મને સમાચારોનાં કોલમનાં અંગ્રેજીમાં બહુ ઘેડ ન પડતી, પણ ક્રિકેટના મારા શોખને કારણે રમતગમતનાં પાનાં પર ક્રિકેટને લગતા અહેવાલો હું રસથી વાંચતો જોકે, એસ એસ સી સુધી પહોચતાં પહોચતાં હું તંત્રી લેખો વાંચવા સુધી પહોંચી શક્યો હતો. એટલે અહીં ઇન્ડિઅન એક્ષપ્રેસ વાંચવાનું શરૂ કર્યું તે સાથે સ્ટેટ્સમેન, હિન્દુસ્તાન ટાઈમ્સ જેવાં બીજાં સમાચારપત્રો પણ વાંચવાની ટેવ કેળવવાનું શરૂ કર્યું.

મૅનેજમૅન્ટનાંં પુસ્તકો અને હાવર્ડ બિઝનેસ રિવ્યૂ જેવાં સામયિકોનો એક બહુ સમૃદ્ધ વિભાગ હતો. પીટર ડ્રકર સાથે મારો પરિચય અહીં થયો.

આટલું બધું વાંચવાનું હતું, એટલે મેં એ જ સમયે નક્કી કરી લીધું કે અહીં છું ત્યાં સુધી કથા સાહિત્યનું વાંચન હું નહીં કરૂં. તે ઉપરાંત, મેં એમ પણ નક્કી કરી લીધું કે હું દરરોજનો એક કલાક તો અહીં ગાળીશ જ. મારી પ્રાથમિકતા આર્થિક દૈનિકો અને મૅનેજમેન્ટ સાહિત્ય વાંચવાની રહેશે. સમાચારો સાથે અવગત રહેવા માટે અંગ્રેજી અખબારો પણ હું નજર ફેરવી લેતો. અહીંના બે વર્ષના રહેવાસ દરમ્યાન મેં અંગ્રેજી સાહિત્યને લગતાં 'એનકાઉન્ટર', સાંપ્રત વિષયો પર ચર્ચાઓ રજુ કરતાં 'સેમિનાર' અને 'ધ ઇકોનોમિક અન્ડ પોલિટકલ રિવ્યૂ' સાથે પણ મારો પરિચય કેળવ્યો.

 ગ્રૂપ ચર્ચાઓ દ્વારા અભ્યાસ

સામા ન્યપણે દરરોજ સવારે ૮.૩૦ વાગ્યાથી ક્લાસીસ શરૂ થાય. ૧૨.૩૦ વાગ્યે એક કલાક માટે જમવાનો વિરામ અને પછી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી ક્લાસીસ હોય. દર શનિવારે અડધો દિવસ, ૧૨.૩૦ વાગ્યા સુધી, ક્લાસીસ હોય.

અમને લગભગ દરરોજ એક કે બે 'ફ્રી' પિરિયડ મળતા. વર્ગમાં જે અભ્યાસ થાય (કે કરવાનો હોય) તેને લગતી વધારાની તૈયારીઓ કરવા માટે સમય મળે એવો એ વ્યવસ્થાનો આશય હતો. હું, મોટા ભાગે, એ સમયનો ઉપયોગ લાયબ્રેરીમાં મારા ભાગની પૂર્વ તૈયારી માટેનાં, તેમ જ અન્ય, વાંચન માટે કરતો. બીજા મિત્રો પણ તેમના ભાગની તૈયારીઓ માટે લાયબેરીનો સક્રિયપણે ઉપયોગ કરતા. તે ઉપરાંત હોસ્ટેલમાં ઇન-ડોર રમતો માટે કે સમુહ ગપસપ માટે પણ આ નવરાશની પળો બહુ હાથવગી પરવડતી.

જોકે, રાતનાં જમણ પછી લગભગ દરરોજ અમે બધા પોતપોતાનાં ગ્રૂપમાં કોઈ પણ એક રૂમમાં એકઠા થઈને આગલા દિવસ માટેની પૂર્વ તૈયારી માટે ચર્ચા કરવા ભેગા થતા. ક્લાસમાં જો કોઈ વાર પહેલેથી અમુક ગ્રૂપ દીઠ જો કામ સોંપવામાં આવ્યું હોય તો તે મુજબ પણ અમે ગ્રૂપની ગોઠવણી કરતા. જે જે મિત્રોને વિષય અંગેની ખાસ તૈયારીઓનું કામ સોંપાયું હોય એ લોકો પહેલાં ગ્રૂપને વિષયની આવશ્યક માહિતી વિશે અવગત કરે પછી આખાં ગ્રૂપ વચ્ચે એ વિષયની મુક્ત ચર્ચા કરવામાં આવે. જે મિત્રોને ખાસ તૈયારીઓની જવાબદારી સોંપાઈ હોય એ લોકો ચર્ચાનું નિયમન પણ કરે અને ચર્ચાનાં તારણ પણ જણાવે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પહેલા સમેસ્ટરના પહેલા ભાગમાં આ વ્યવસ્થા મુખ્યત્વે નવા નવા વિષયો સાથે સમુહમાં પરિચિત થવા માટે શરી કરાઈ હતી. પણ પછી જેવી વર્ગમાં કેસ સ્ટડી દ્વારા અભ્યાસની શરૂઆત થઈ ત્યારે અમારી આ વ્યવસ્થા કેસ સ્ટડી માટેની પૂર્વ તૈયારી માટે પણ બહુ ઉપયોગી બની રહી.

એ પછીથી, આ ચર્ચાઓ મોડી રાત સુધી પણ ચાલે એવું લગભગ નિયમિતપણે થવા લાગ્યું હતું.

વર્ગમાં જે રીતે કેસ સ્ટડી માટે ગ્રૂપ નક્કી કરવામાં આવ્યાં હોય એ મુજબ રૂમ પરની ચર્ચાનાં ગ્રૂપ પણ ગોઠવાતાં. ક્યારેક બે એક ગ્રૂપ મળીને પણ કામ કરતં કે જેથી બન્ને ગ્રૂપની ખાસ આવડતનો લાભ મળે.

ગ્રૂપની ચર્ચાઓનાં તારણો અને લેવાયેલી નોંધો એકબીજાં ગ્રૂપ વચ્ચે બિલકુલ મુકતપણે થતી. હા, બીજે દિવસે એ ગ્રૂપના ટાંટીયાં ખેંચવા માટે કોઈ કોઈ વાર અમુક ગ્રૂપને આડે પાટે ચડાવવા ભળતી માહિતી પણ અપાતી. આમ કરવા માટે કોઈ બદઈરાદા ન રહેતા, પણ ચાલુ વર્ગે થોડી મજાક મસ્તી કરી લેવાતી. મને હવે એવું પણ જણાય છે કે અમારા પ્રોફેસરોને પણ અમારી 'રમત'નો અંદાજ આવી જતો ! જોકે, આવી ટાંટીયાખેંચ અમુક મર્યાદામાં જ રહે એ મુજબની વણકહી સ્વશિસ્ત - આચારસંહિતા પણ અમલ અચુકપણે કરાતી.

થોડા સમય પછી અમને જણાયું કે અમારી મજાક મસ્તીઓનો એક બીજો અણપેક્ષિત ફાયદો પણ હતો. કોઈ પણ ચર્ચામાં અણધારી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે એવી પરિસ્થિતિને કેમ પહોંચી વળવું એ અમને શીખવા મળ્યું.

દરેક ગ્રૂપમાં 'લહેરીલાલાઓ' પણ મળી રહેતા. એ લોકો કોઈ પણ ચર્ચામાં એમને સમજણ નથી પડતી એમ વર્તતા (જેથી તેમને ચર્ચામાં ભાગ લેવામાં રાહત મળી રહે.) અહીં પણ અમને આડકતરો ફાયદો જ જોવા મળ્યો. અમારા આવા લહેરીલાલાઓ કંઈ ખરેખર 'આળસુઓ' નહોતા. પણ થોડા આરામપ્રિય હતા. એ લોકોને જો અમે સમજણ પાડી શકીએ તો બીજે દિવસે વર્ગમાં ગમે તેટલી તવાઈ આવે તો પણ અમે તેને પહોંચી વળવા સક્ષમ બની જતા. આજે હવે યાદ કરતાં સમજાય છે કે વાસ્તવિક દુનિયામાં પણ આવી જાણીજોઈને અણસમજનાં ઓઠાં હેઠળ જવાબદારીઓમાંથી છટકબારી શોધતા લોકો ક્યાં નથી મળતાં !

'બેઝિક એકાઉન્ટ્સ' સાથેની હાડકાં ઢીલાં કરી મુકતી મુઠભેડ

અમારી આખી બેચ એંજિયરિંગના અને આર્ટ્સના સ્નાતક હતી એટલે એકાઉન્ટ્સની પ્રાથમિક જાણકારી બાબતે અમે લોક સાવ કોરાકટ હતા. એ ખામી દૂર કરવા માટે, પહેલા સમેસ્ટરમાં અમને બી કોમના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે અઠવાડીઆના બે ક્લાસીસ ભરવાના હતા.

બે એક અઠવાડીઆં પછી જ પહેલી ક્લાસ ટેસ્ટ હતી, જેમાં ડેબીટ અને ક્રેડીટ જ વિષય હતો. પણ જે પરિણામ આવ્યું એણે તો અમારા છક્કા છોડાવી દીધા. બીજા વિષયોની ટેસ્ટમાં પણ અમે ઠીક ઠીક દેખાવ કર્ય હતો. પણ બેઝિક એકાઉન્ટ્સમાં તો પહેલા વર્ષ બી કોમના બધા જ વિદ્યાર્થીઓ કરતાં અમારા માર્ક્સ ઓછા હતા. અમારા માટે વધારે શરમની વાત તો એ હતી કે અમે બધા તો સ્નાતકો હતા છતાં પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ કરતાં પણ અમારા માર્ક્સ ઓછા હતા !

ખેર, આ ઝટકાએ અમારી આંખ બરાબર ઉઘાડી દીધી. ગ્રૂપ ચર્ચાની અમે જે વ્યવસ્થા કરી હતી તેને અમે ભરપુર ઉપયોગ કરીને 'જે આવે તે ડેબીટ, અને જાય તે ક્રેડીટ'ને સમજવા માટે આકાશપાતાળ એક કરી નાખ્યાં. એ દિવસોમાં હોસ્ટેલની લૉબીમાં 'ચાલો હવે મેસમાં ડેબીટ થઈએ'. 'બે, હવે રૂમમાંથી ક્રેડીટ થા' જેવા સંવાદો ગુંજતા સાંભળવા મળતા.

બીજી ક્લાસ ટેસ્ટ સુધીમાં તો અમે એટલી કક્ષાએ પહોંચી ગયા હતા કે પહેલા વર્ષના બી કોમના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવી પડી.