પ્રણયભાઈ સાથેની મારી પહેલી ઓળખાણ '૬૦ના શરૂઆતનાં વર્ષોમાં અમદાવાદનાં તે સમયના કચ્છી નાગર સમાજમાં તેમની ઘર સજાવટની કુશળતાના દૃષ્ટા તરીકેની થયેલી. એ જમાનામાં મોટા ભાગના નાગર ઘરોમાં સોફા કે પરદાઓ નહોતો. એ સમયમાં ટ્રંક જેવા સામાનનો સોફા તરીકે અને અનાજ ભરવાના નળાકાર કે લંબચોરસ ડબાઓનો બેઠક તરીકે તેમણે અભિનવ ઉપયોગ કર્યો. એ બેઠકોનાં કવર માટે ઘરની ચાદરોના પ્રણયભાઈએ પ્રયોગ કર્યા હતા. બારીઓને સાવ સાદા કહી શકાય એવા પરદાઓથી તેઓ સજાવતા. કોઈ જ જાતનું ખર્ચ કર્યા વિના પ્રણયભાઈ બેઠકરૂમને ઉચ્ચ વર્ગનાં ઘરોને શોભે એવો ઓપ આપી દેતા. તેમના આ પ્રયોગોને ઘણાં નાગર પરિવારોએ અપનાવ્યા હતા. બારીઓને સાવ સાદા કહી શકાય એવા પરદાઓથી તેઓ સજાવતા.
ઘણાં વર્ષો પછી હું જે કંપની માટે કામ કરતો અને તે જે કંપની માટે કામ કરતા એ બંને કંપનીઓ વચ્ચે એક સરખી કહી શકાય એવી પ્રોડક્ટ્સ (પાઈપ્સ) અને ફેક્ટરીઓનાં સ્થળ (અમદાવાદમાં કાળીગામ) પણ નજદીક હતાં દેખીતી રીતે આમાનું એક પણ પરિબળને અમારા સંબંધને જોડવા માટે કોઈ કારણ ન ગણાય. તેમ છતાં ન સમજાય એવું બળ અમને ભવિષ્યમાં નજદીક લાવવાનું મૂળ બનવાનું હશે એટલે જરા પણ લાગુ ન પડે એવું આ પરિબળ અમારા સંબંધને અલગ પરિમાણ આપવાનું કારણ બન્યું. આગળ જતાં જ્યારે અમારા સંબંધમાં પ્રત્યક્ષ કડી ઉમેરાઈ ત્યારે ઘણી વાતોમાં અમારા આ સમયના અનુભવોની વાતો મને તેમની વ્યવહારદક્ષ ક્ષમતાને સમજવામાં મદદરૂપ બની છે.
હજુ સુધી ઓળખાણની પ્રક્રિયા અપ્રત્યક્ષ જ હતી. તેને અછડતું પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું સમીર સાથેની એચ - એલ કોલોની (૧૯૬૫ થી ૧૯૬૯નાં વર્ષો) દરમ્યાન વિકસેલી મિત્રતાને કારણે. તે પછી ખરા અર્થમાં પ્રત્યક્ષ પરિચય વિકસવાનું શરૂ તો છેક '૮૦ના દાયકામાં એ લોકો પહેલાં વાડજમાં વોલ્ગા ફ્લેટ્સમાં અને પછી નારણપુરામાં શુભલક્ષ્મી ફ્લેટ્સમાં અને અમે લોકો પ્રગતિનગરમાં સ્થાયી થયાં ત્યારથી થયો. હજુ પણ પરિચય હતો તો દર વર્ષે નવરાત્રીમાં શક્રાદય સ્તુતિ વખતે કે નવાં વર્ષે જનાર્દનભાઈને ઘરે મળવાનું થઈ જાય એવાં ઔપચારિક સ્તરે જ હતો.
એવા પ્રસંગોએ જ્યારે જ્યારે તેમનાં શુભલક્ષ્મી ફ્લેટનાં ઘરે જવાનું થતું ત્યારે તેમની સુશોભન કળાની ગોઠવણીઓ અને સાધન સામગ્રીને પસંદગીઓની સરળતાની બારીકીઓ એટલી ઔપચારિક મુલાકાતમાં પણ નજરે ચડ્યા વિના ન રહેતી. સમીરને કારણે શારદાબેન અને પદાભાના સ્વાદ સંબંધી પરફેક્શનના આગ્રહની મને ખબર હતી. પરફેક્શનનો આવો આગ્રહ પ્રણયભાઈને ઘરનાં તેમનાં સુશોભન બાબતે પણ હશે તે પણ ધ્યાન પર આવ્યા વિના ન રહેતું.
એ સમયનાં 'નારણપુરાનાં નાગર પરિવારો'ની જે કંઈ મિલન મુલાકાતો થતી ત્યારે વાતનો કોઈ વિષય ન હોય તો 'કાળીગામ'ના તેમના અનુભવો અમને હાથવગો વિષય બની રહેતો. એ પછી જ્યારે મેં અમારા મિત્રો સાથે અમારૂં (પહેલું) નાના પાયા પરનું ઔદ્યોગિક સાહસ ખેડ્યું ત્યારે પ્રણયભાઈની વ્યાવહારિક કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની મને સમજણ પડવા લાગી. તેમની સાથે ઓળખાણ વધારે ઘનિષ્ઠ બની શકી તેમાં આ પરિબળનો ફાળો પણ મહત્વનો ગણાય.
અમે જ્યારે એચ - એલ કોલોનીમાં રહેતાં એ સમયે મોતીભાઈ (મનહરભાઈ જયંતિલાલ વૈષ્ણવ) પોતાને 'સરકારી' નોકરીની જીવનશૈલીની બાબતે 'બીજી નાતના' ગણાવતા. તેઓ હંમેશાં કહે કે 'આ લોકો'ની જીઆર / સીઆરની ભાષા જ સમજાતી નથી. એવું જ મારૂં અને પ્રણયભાઈનું 'નારણપુરા મિલનો' સમયે અમે બન્ને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા હતા તેને કારણે થતું. અમારી નોકરીઓનાં 'સુખ દુઃખ'ની વાતોમાં બીજાં કોઈને બહુ રસ ન પડે, એટલે પ્રણયભાઈ અમને 'સમદુખીયા' કહેતા.
પ્રણયભાઈ તો દરેક બાબતને તેમની સહજ વ્યવહારકુશળતાથી આસાન કરી શકવાનો જાદુઈ ઈલ્મ જાણતા હતા. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધી જાણતા અને કેળવી પણ શકતા. આ બાબતે, સ્વભાવગત રીતે હું ઔપચારિક સંબંધોમાં સપાટીથી વધારે આગળ ન વધી શકનારો. પરંતુ, આ 'સમદુખીયા'પણાને કારણે, મારા કરતાં ઉંમરમાં ઘણા વડીલ હતા, છતાં હું તેમની સાથે 'મિત્ર' તરીકે નજદીકી અનુભવતો.
તે પછી '૯૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી કામ સબબ અમારે જી ડબલ્યુ એસ એસ બોર્ડ (GWSSB) દ્વારા અમલીકરણ કરાઈ રહેલા નર્મદા પાઈપ લાઈન તરીકે જાણીતા પ્રોજેક્ટને કારણે હવે એક ‘કોમન ગ્રાહક’ સાથેનાં કામ માટે સીધું મળવાનું થવા લાગ્યું. તેને કારણે અમારી ઓળખાણ ઘણે અંશે એકબીજાનાં કામકાજ અંગેનાં સંબંધ પુરતા પરિચયમાં વિકસવા લાગી. અમારી એક હરિફ કંપનીનું બોર્ડ સાથેનું કામ સંભાળતા કિરણભાઈ સાથે તેમના થકી થયેલો પરિચય મને બહુ જ ઉપયોગી નીવડેલો. પ્રણયભાઇનો હું સંબંધી થાઉં એટલે કિરણભાઈ જે બાબતોમાં કોઈ હરીફ કંપની મદદ કરવા ન ઈચ્છે એવી બાબતોમાં પણ કિરણભાઈએ નિંઃસંકોચપણે મદદ કરી હશે.
એ જ વર્ષો દરમ્યાન નાગર મંડળના કાર્યક્રમોનાં આયોજનમાં તેમનો ટેકો અને તેમના સૂચનો અમને વધારે નજદીક લાવવામાં ઉદ્દીપક બન્યો. તેમની વ્યવહાર કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની અલપ ઝલપ ઓળખાણ હવે સન્માનનીય પરિચયમાં પરિવર્તિત થવા લાગી હતી.
ભૂમિકા અને તાદાત્મ્યનાં લગ્નના સંબંધે તો પ્રણયભાઈ હવે કાયદેસરના વડીલ હતા. પરંતુ, પ્રણયભાઈએ એ સંબંધના તેમનાં સ્થાનની ગરિમા અને અમારા અત્યાર સુધીના સંબંધમાં કેળવાયેલા પરિચયમાં કેળવાયેલ અનૌપચારિકતા વચ્ચે અદ્ભૂત સંતુલન જાળવી રાખ્યું.
પ્રણયભાઈ અને સરલાબહેન પહેલી જ વાર જ્યારે ભૂમિકાને ઘરે બેંગલુરૂ ગયાં ત્યારે તેમણે પ્રેમાળ વડીલની રૂએ ત્યાં તેમને કેવી મજા આવી, તાદાત્મ્ય અને ભૂમિકા એમનું બન્નેનું કેટલું રાખે છે વગેરે અનેક રીતે ખુબ ખુબ હર્ષ વ્યક્ત કર્યો. તે પછી જ્યારે જ્યારે પ્રણયભાઈ ભૂમિકાને ઘરે જાય ત્યારે ત્યાંથી જ એટલા જ ઉમળકાભેર કેટલી મજા આવી તેનો ફોન અચૂક કરે. તનય, ભૂમિકા અને તાદાત્મયની પ્રગતિને લગતી દરેક બાબતો વખતે પણ તેમનો હર્ષ વ્યક્ત કરતો ફોન હોય જ. તદુપરાંત તેમનાં દરેક દૌહિત્રના તેમજ જમાઈ - દીકરીઓના પણ ખુશીના પ્રસંગોના સમાચાર અમને એટલી જ આત્મીયતાથી આપે. અમારા પ્રસંગો પણ ચૂકે તો નહીં જ. બેન (મારાં મા)નું હિપ બોન બદલવાનું ઑપરેશન થયું ત્યારે હૉસ્પિટલમાં ખબર પૂછવા આવેલા. સુસ્મિતાની બીમારીઓ વખતે પણ તેઓ નિયમિતપણે ખબર પૂછતા રહેતા. તનયનાં યજ્ઞોપવિત પ્રસંગે હું અને સુસ્મિતા હૉલમાં દાખલ થયાં એવા જ પ્રણયભાઈ અમારી પાસે આવ્યા, પ્રસંગની અમને શુભેચ્છાઓ આપી અને પછી તરત ત્યાંથી ખસી ગયા જેથી હવે અમે બીજાં મહેમાનોને ધ્યાન આપી શકીએ. ભૂમિકા અને તનયને પ્રસંગોચિત ભેટ તેઓ તરફથી ચૂક મળે. આ દરેક બાબતોમાં તેમની પર્ફેક્શનની દૃષ્ટિની સાથે સાથે તેમનાં સ્થાનની ગરિમા અને અમારી સાથેના જૂના સંબંધની અનૌપચારિકતા વચ્ચે સંતુલન જાળવી શકવાની તેમની અનોખી સૂઝ તો કળાતી જ રહે.
દરેક વ્યક્તિ સાથે સંબંધ જોડી શકવાની તેમની કળાનું સૌથી વધુ ઉપયુક્ત ઉદાહરણ તેમણે ધીરૂભાઈ સાથે (પણ) કેળવેલો સંબંધ મને હંમેશાં યાદ રહેશે. અમે લોકો ૧૯૭૪ની આસપાસથી પ્રગતિનગર રહેવાં આવ્યાં ત્યારથી વાળ કપાવવા હું ધીરૂભાઈની દુકાને જતો. એટલે સુધી કે ધીરૂભાઈ (મારા પિતા) મહેશભાઈ અને (મારા મિત્ર મહેશ માંકડના પિતા) દિલીપભાઈની પ્રાર્થના સભામાં હાજર રહેલા. તાદાત્મ્યના વાળ ઉતારવાની વિધિ પણ એમણે જ કરેલી. તનયના વાળ ઉતરાવવાનો પ્રસંગ હતો ત્યારે સ્વાભાવિકપણે આપણે ધીરૂભાઈને જ આ વિધિ માટે બોલાવેલા. ધીરૂભાઈના આવ્યા પછી તૈયારીઓ કરતાં જે પાંચ દસ મિનિટ ગઈ હશે અને પછીથી તેમણે નાસ્તો કર્યો ત્યારે જે દસપંદર મિનિટ મળી હશે, એટલી વારમાં પ્રણયભાઈએ સંબંધના તાર ધીરૂભાઈ સાથે જોડી ળીધેલા. ધીરૂભાઈને નાસ્તો આપ્યો ત્યારે પ્રણયભાઈએ પોતાનો નાસ્તો પણ સાથે મંગાવ્યો અને ધીરૂભાઈ સાથે નાસ્તો કરતાં કરતાં ધીરૂભાઈનો સંકોચ બહુ સહજતાથી દૂર કરી નાખ્યો હતો. એ પછી જ્યારે હું વાળ કપાવવા ગયો ત્યારે ધીરૂભાઈએ પહેલવહેલી વધામણી ખાધી કે તમારા વેવાઈ પણ અહીં આવ્યા હતા. તે પછી હું જ્યારે જ્યારે વાળ કપાવવા જાઉં ત્યારે ધીરૂભાઈને તનયની કોઈને કોઈ નવી વાત ખબર હોય. પ્રણયભાઈ સાથે એ બાબતે ફોન પર જ્યારે પણ વાત થાય ત્યારે ખયાલ આવે કે ધીરૂભાઈ અને તેમના પરિવાર વિશે હુંં ચાલીસ વર્ષમાં જે નહોતો જાણતો એવું બધું પ્રણયભાઈને ખબર હોય!
કઈ વ્યક્તિની કઈ બાબતે વેવલેન્થ મળી શકશે તે જાણી અને તેની સાથે એ વેવલેન્થ પર સંબંધ કેળવી લેવાની પ્રણયભાઈની કળા તો તેમનાં વ્યક્તિત્વનાં અનેક અદ્ભૂત પાસાંઓમાંનું એક જ પાસું હતું.
તેમની હવે ભૌતિક હાજરી ન હોવા છતાં આવી તો અનેક યાદોનાં સ્મરણો તેમની ખોટ સાલવા ન દેવા માટેનું આપણને બળ પુરું પાડતી રહેશે. તેમના આત્માને ચિરઃશાંતિ મળે તેવી પ્રાર્થના સાથે .........
