Showing posts with label રીડ ગુજરાતી.કોમ. Show all posts
Showing posts with label રીડ ગુજરાતી.કોમ. Show all posts

Monday, November 11, 2013

જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા

[‘વિચારોની રખડપટ્ટી’ પુસ્તકમાંથી સાભાર.]

આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવમન અને દૃષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે, જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે અને આ ભૂત અને વર્તમાન પણ રહસ્યમય જ છે. ભૂતકાળ તરફ નજર જાય, તો ‘આમ કેમ બન્યું હતું ?’ તેનો ખ્યાલ આવતો નથી. તે વખતે એમ લાગ્યું હતું કે તે મારો નિર્ણય હતો, પણ આજે દૂરથી તે ઘટના તરફ નજર જાય તો લાગે છે કે એ નિર્ણય કેમ લઈ શકાયો તેનો ખ્યાલ તે વખતે નહોતો આવ્યો. બસ, નિર્ણય લેવાઈ ગયો ! નિર્ણય-ઘટના-પરિણામ બધાં જ તટસ્થતાથી જોતાં રહસ્યમય જ લાગે છે: વર્તમાન પણ એટલો ઝડપથી વહે છે, વીતે છે કે તેને સમજવાનો પ્રયાસ કરાય, તે પહેલાં તો તે ભૂતકાળની પળ બની જાય છે. એટલે તે પણ રહસ્યમય જ રહે છે. તો બ્રહ્માંડમાંની પૃથ્વી પરનું સમગ્ર અસ્તિત્વ પણ રહસ્યમય જ છે. લાખો-કરોડો જીવો કેમ જન્મે છે, શા માટે જન્મે છે, કેમ જીવે છે, એવું જ શા માટે જીવે છે, મૃત્યુ શા માટે પામે છે, મૃત્યુ એટલે શું-આ બધું જાણવાનો પ્રયાસ કરવા છતાં છેવટે તો રહસ્યમય જ રહે છે. માહિતી મળે છે તેની, પણ તેનું તત્વ તો નથી જ જાણી શકાતું. અબજો લોકોને જોઈએ, જાણીએ છીએ, ત્યારે પણ તેમાં આ જ ઘટનાનો અનુભવ થાય છે : રહસ્યનો જ !

અને નજીક આવતાં છેવટે પોતા પર નજર પડે છે. પોતાના ઉદ્ભવથી વર્તમાન સુધી જે રીતે જિવાયું, તેને તારીખવાર ગોઠવીએ, તો નોંધી શકાય છે, પણ તે બનાવો કેમ બન્યા, એવા જ કેમ બન્યા, બીજી રીતે બન્યા હોત તો શું થાત – આ બધા મુદ્દાઓ નથી સમજાતા. તેનાં ભૌતિક કારણો જોવા મળે છે, પણ તેનાં મૂળિયાં નથી મળતાં. ખૂબ વિચાર્યા પછી પણ હાથ તો ખાલી જ રહે છે. ન સમજાયાની અકળામણ રહે છે, તો-સમાંતરે-રહસ્ય બાબતે જિજ્ઞાસા જીવંત રહે છે. એટલે કહી શકાય કે જીવન પણ રહસ્ય જ છે. જન્મની પળથી મૃત્યુની ક્ષણ સુધી મનુષ્ય યાત્રા કરે છે. ફૂલ ઊઘડતું જાય છે, ખીલે છે અને છેવટે કરમાય છે. તે જ રીતે મનુષ્ય બાળપણમાં ઊઘડે છે. યુવાનીમાં ખીલે છે અને છેલ્લે વૃદ્ધત્વમાં કરમાઈને નિ:શેષ થઈ જાય છે. તેની યાત્રા ગર્ભમાં શરૂ થાય છે અને તે ફરી અંતે શૂન્યમાં ભળી જાય છે. ગર્ભના અંધકારમાંથી વ્યક્તિ પ્રગટે છે અને ફરી ભૂગર્ભના અંધકારમાં સમાઈ જાય છે. એક ચક્ર પૂરું થાય છે. ભલે તે સિત્તેર-એંસી વર્ષ રહે, પણ અનંત અસ્તિત્વમાં તો એક ખરતા તારા જેટલું જ મૂલ્ય ધરાવે છે. અને છતાં આ જીવનને ‘યાત્રા’નું ઉપનામ અપાયું છે. ‘યાત્રા’ એટલે ચોક્કસ હેતુ સાથે કરાતો પ્રવાસ. પણ પ્રવાસ અને યાત્રામાં પાયાનો તફાવત છે. પ્રવાસ એક બાહ્ય દર્શન છે, તે મનોરંજન માટે છે. જ્યારે યાત્રા તો પવિત્ર થવા માટે છે. યાત્રાથી ચિત્ત ઊર્ધ્વ બને છે. યાત્રા કૃતાર્થ થવા માટે છે. તેમાં પણ મનોરંજન તો છે જ, બાહ્ય રીતે, પણ યાત્રાનો હેતુ મનોરંજનનો નથી હોતો. યાત્રા મનને શાંત કરવા માટે છે અને યાત્રા સફળ થાય, તો મનની પાર પણ જઈ શકાય છે.

આ સંદર્ભમાં જીવનને યાત્રા તરીકે જોઈએ તો જીવન શરીરથી માંડીને મનની પાર જવાની ઘટના છે અથવા બનવી જોઈએ. ગર્ભમાં ભલે શુદ્ધ શરીર જ ઉત્પન્ન થાય અને જન્મે, પણ આ શરીર જ્યારે ભૂગર્ભમાં પ્રવેશે, ત્યારે શરીરને અવશ્ય દટાય કે બળાય પણ લોકો ‘જેને’ દાટે છે તે વ્યક્તિ-વ્યક્તિત્વ શરીરાતીત થઈ ગયેલ હોય, તો જ તે યાત્રા બને. જો વ્યક્તિ શરીરમાં જ ઉત્પન્ન થાય, શરીરમય જ જીવે અને શરીર સાથે તેનું વ્યક્તિત્વ પણ દટાઈ જાય, તો તે યાત્રા નથી, કેવળ પ્રવાસ હતો. કદાચ ધક્કો પડ્યો હતો ! આ સમગ્ર સમયકાળ વ્યક્તિ કાઢતી રહી. અંગ્રેજીમાં તેને ‘to kill time’ કહે છે.’ યાત્રામાં તો વ્યક્તિ સભાન રીતે જીવે છે. ત્યારે જ તેને to use time કહી શકાય. સામાન્ય રીતે જીવન વ્યક્તિને નીચોવે છે. યાત્રામાં વ્યક્તિ જીવનને નીચોવી લે છે અને ધન્યતા અનુભવે છે. એટલે પ્રશ્ન છે – જીવનને યાત્રા બનાવવાનો ! જીવન યાત્રા કેમ બને ? જીવન આપોઆપ યાત્રા ન બને. તેને યાત્રા બનાવવી પડે. પ્રવાસને કે રખડપટ્ટીને યાત્રામાં પરિવર્તિત કરવાનું પાયાનું પરિબળ છે ‘જાગૃતિ.’ સભાનતા. માની લો કે ‘અ’ સ્થળે જવું છે. દાખલા તરીકે-હિમાલય. તો હિમાલય તો અદ્ભૂત સ્થળ છે. તેની પ્રકૃતિ, ત્યાંના ધાર્મિક સ્થળો દર્શનીય છે. બસ ! આ બધું જોવું અને પાછા વળી આવવું કે આ દૃશ્યો કેમેરામાં ક્લીક થઈ આલબમમાં ગોઠવાઈ જાય તો તે પ્રવાસ ! યાત્રામાં એવું ન ચાલે. યાત્રામાં પણ બાહ્ય દૃશ્યો તો દેખાય જ, પણ તે વ્યક્તિને એવી ગદગદ કરે કે તેની ભવ્યતા વ્યક્તિમાં પ્રવેશી તેને પણ ભવ્ય બનાવે. તેના જીવનમાં પણ ઊંચાઈ વધતી જાય. તેનું અસ્તિત્વ પણ ખળખળ વહેવા લાગે. તેના ચિતમાં પણ શ્રેષ્ઠત્વની ગંગોત્રી ફૂટે; જે સમય જતાં, પ્રતિભારૂપી હુગલીમાં ફેરવાઈ જાય. નાના આયુષ્યમાં પણ તે અનંતની યાત્રા કરી લે !

આ થઈ યાત્રા. યાત્રા બાહ્ય શરૂ થાય છે. ચિત્તમાં પૂર્ણ થાય છે. પ્રવાસ સપાટ-ઉપર કે નીચે હોઈ શકે છે, પણ યાત્રામાં તો દર પળે ઊર્ધ્વ જ થવાનું હોય. યાત્રાની શરૂઆત ભલે ગર્ભના અંધકારમાં થાય અને ભૂગર્ભના અંધકારમાં વિલીન થાય, પણ ગર્ભનો અંધકાર અનિવાર્ય હતો, વ્યક્તિ માટે, પણ ભૂગર્ભનો અંધકાર શરીર માટે ભલે અનિવાર્ય બને, પણ વ્યક્તિત્વ તો પ્રકાશમાં ભળી જાય ! ગર્ભ અને ભૂગર્ભના અનિવાર્ય અંધકાર વચ્ચે પ્રકાશમય થઈ જીવવું-જીવવાનો પ્રયાસ કરવો – તે જ યાત્રા. તે જ જીવનનો એક માત્ર હેતુ છે. તે કેમ શક્ય બને ? વ્યક્તિ મોટી થતી હોય તે દરમિયાન બહુ જ ઝડપથી તેણે પોતાનો પરિચય કરી લેવાનો પ્રયાસ કરવાનો છે. ‘હું કોણ’ની સજાગતા કેળવી લેવાની છે. આત્મપરિચય જ યાત્રાનું બીજ છે અને એમ ન માનવું કે આ ‘હું કોણ’ કોઈ ગહન આધ્યાત્મિક પ્રશ્ન છે. ના, તે સીધોસાદો અસ્તિત્વગત પ્રશ્ન છે. સીધી ચેતનાનો પરિચય કરવાની જરૂર નથી અને થશે પણ નહીં. અહીં ‘હું’ એટલે માનસિક અને બૌદ્ધિક વ્યક્તિત્વનો પરિચય, પોતાની શક્યતાઓનો પરિચય. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ વિશિષ્ટતા સાથે જન્મે છે. ભલે તેના બાહ્ય સંસ્કારો કે શિક્ષણ તેને સમાજને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે, છતાં તે બધાં તેની વિશિષ્ટતાને દૂર કરી શકતાં નથી. તેબ તો ટકે જ છે, માટે જ બીકણ ગાંધી અભય ગાંધી બની શકે છે. દારૂડિયા લાલા મુનશીરામ સ્વામી શ્રદ્ધાનંદ બની શકે છે. પગ કપાવા છતાં સુધા ચન્દ્રન નૃત્યાંગના બની શકે છે કે અઠ્ઠાણુ ટકા શરીર લકવાગ્રસ્ત બનવા છતાં સ્ટીફન હોકિંગ શ્રેષ્ઠ વિજ્ઞાની બની શકે છે ! આમ કેમ બન્યું ? આ દરેકે ‘પોતાનો’ પરિચય મેળવી લીધો હતો. ‘હું એટલે આ’, અને મારે તે માટે જ જીવવાનું છે… ‘આ તેમની સાધના.’

યાત્રાનું પ્રથમ પગથિયું છે : સ્વનો, વિશિષ્ટતાનો પરિચય. પોતે કલાકાર છે, વિજ્ઞાની છે, સંત છે ? શું છે તે શક્યતાને ઓળખી લેવી. પોતાના વ્યક્તિત્વના નકશાનો પરિચય. નકશો હસ્તગત કરવો, પણ નકશો મેળવવાથી માત્ર તે સ્થળો છે તે જ ખ્યાલ આવે છે. તે જોઈ શકાતાં નથી. યાત્રા હકીકતે શરૂ કરાય, ત્યારે જ શરૂ થાય છે. ‘ચલના જીવનકી નિશાની.’ તેમ યાત્રા શરૂ કરવી તે જ મહત્વનું. એક વાર પોતાની વિશિષ્ટતા સમજાઈ કે તરત તેને કેળવવાનો પ્રયાસ શરૂ કરી દેવાનો છે. કલાકાર હોવાની સંભાવના દેખાય, તો કલાની સાધના શરૂ કરી દેવાની. વિજ્ઞાની હોવાની સંભાવના દેખાય, તો પ્રયોગ કરવાના શરૂ કરી દેવા. જાહેર જીવનમાં જવાની શક્યતા દેખાય, તો જાહેર પ્રવૃત્તિ આદરવાની શરૂઆત કરવી. જે હોય તે, પણ ‘શરૂ કરવું.’ સ્વસ્થ શરૂઆત યાત્રાની અર્ધી સફળતા છે : Well begun is half done. જેમ જેમ સાધના-રિયાઝ-મહાવરો વધતાં જશે, તેમ તેમ આ સંભાવના પ્રગટ થવા લાગશે. વ્યક્તિ સંગીતમાં ઊંડી ઊતરશે, તો તેની સમજ ઊંડી બનશે. પ્રયોગો કરશે, તો વિશ્વનું રહસ્ય પ્રગટ થવા લાગશે. હકીકતે વિશ્વનું રહસ્ય પ્રગટ નથી હોતું, પણ વ્યક્તિની સમજ એટલી ઊંડી અને વ્યાપક તથા ગ્રાહક બને છે કે રહસ્ય ‘સમજવામાં’ ઝડપ થાય છે. વિશ્વનું રહસ્ય તો ખુલ્લું જ છે. જરૂર છે સાધના દ્વારા મનને તેને સમજવા લાયક બનાવવાનું છે. આ ‘યાત્રા’ને સાધના અને સિદ્ધિનો તબક્કો માની શકાય.

જેમ જેમ યાત્રા વધતી જશે, માઈલ-પથ્થરો પાછળ જતા જશે, માઈલો વધતા જશે, તેમ તેમ વધુ ને વધુ સ્થળો જોવા મળશે. વધુ ને વધુ સૌંદર્યદર્શન થશે. તે જ રીતે વ્યક્તિત્વ-પ્રગટીકરણની યાત્રા પણ જેમ જેમ આગળ વધશે, પોતાના પસંદ કરેલ ક્ષેત્રમાં, તેમ તેમ તે ક્ષેત્રની વધુ ને વધુ વ્યાપકતાનો અનુભવ થતો જશે અને તેનું સૌંદર્ય પ્રગટ થતું જશે. કોઈ વિજ્ઞાની કલાકો એક ચિત્તે પ્રયોગો કરે કે કોઈ સંગીતકાર કલાકો ગાય કે ચિત્રકાર ચિત્ર દોરે, ત્યારે આ બધામાંથી સૌંદર્યનો ધોધ પ્રગટવા લાગે છે અને તેનાં વ્યક્તિત્વને ભીંજવી નાખે છે ! વ્યક્તિ આ સૌંદર્યમાં નાહીને એવી તલ્લીન બને છે કે પોતે જ સૌંદર્ય બની જાય છે : ચિત્રકાર પોતે જ ચિત્ર બની જાય છે. નૃત્યકાર પોતે જ નૃત્ય બની જાય છે. વક્તા પોતે જ વક્તવ્ય બની જય છે. પૂર્ણ અદ્વૈત રચાઈ જાય છે ! પછી પહોંચવાનું સ્થળ જ યાત્રાનો મુકામ નથી બનતો. દરેક પગલું જ યાત્રા બની જાય છે. દરેક પગલું જ ધાર્મિક સ્થાન બને છે. તે સ્થળનાં દર્શન થાય તે પહેલાં વ્યક્તિ પોતે જ સ્થળ બની ગઈ હોય છે. બાહ્ય સ્થળ તો એટલા માટે ગદગદ કરે છે, કારણ કે હજારો માઈલનું મંદિરત્વ કેવળ બહાર જુએ છે. આથી અવ્યક્ત મંદિરત્વની અનુભૂતિ વ્યક્ત મંદિરમાં પરિણમે છે. આને જ સમાધિ, મોક્ષ, રિવેલેશન, નિર્વાણ, કેવળત્વ, ડિલિવરંસ કહે છે. જે પળે વ્યક્તિમાં પોતામાં રહેલ અસ્તિત્વનું ઉદ્ઘાટન થઈ તેમાં રહેલ સૌંદર્યનો વિસ્ફોટ થાય છે, ત્યારે વ્યક્તિ શરીર-મન-બુદ્ધિથી પર થઈ કેવળ ‘હોય’ છે. આ ‘હોવા’ની અનુભૂતિ જ યાત્રાની પૂર્ણાહૂતિ છે. અહીં ગર્ભનો અંધકાર પૂર્ણ વિલીન થાય છે. તે પળે ગર્ભ પણ કૃતકૃત્યતા અનુભવે છે કે ભલે તેને ધારણ કર્યો ! અને આશ્ચર્ય થાય પણ ભૂગર્ભ પણ હરખાય છે કે ‘અહો, વર્ષો પછી મારામાં પ્રકાશ અવતરશે !’ તે પણ તેને આવકારવા તૈયાર થઈ જાય છે.

ગર્ભમાંથી કૃત્કૃત્યતાની યાત્રા શરૂ થાય. ભૂગર્ભમાં તે સમાઈ જાય. બન્ને પ્રકાશમય થઈ જાય. આને જ મીરાંબાઈ ‘રામ રતન ધન પાયો’ કહે છે. યાત્રામાંથી શું ખરીદી કરાય ? ના, ખરીદવાનું ન હોય, તે મળે જ. મંદિરમાંથી પ્રસાદ મળે તેમ ! પણ કેવું ‘રામ રતન ધન ?’ તેનો સાદો અર્થ છે : ‘આનંદ-કૃત્કૃત્યતા.’ અને આ આનંદ કેવો હોય ? મીરાં કહે છે…. ;ખરચે ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો.’ ન તે ઘટે. ન તે ચોરાય. પણ પળે પળે વધે. એટલે જ જીવનનાં છેલ્લા તબક્કાને ‘વૃદ્ધત્વ’ કહે છે. વધે તે વૃદ્ધ. અને તે કેવળ યાત્રાળુ હોય તો જ બની શકે. હેતુવિહીન જીવનના અંતભાગને તો ‘ઘરડાપણું’ કહે છે. ઘટે તે ઘરડો ! ગર્ભ અને ભૂગર્ભમાં તો લાચારી છે. તે બન્ને ફરજિયાત છે. તેના પર વ્યક્તિનું નિયંત્રણ નથી. પણ તે વચ્ચેનો સમય તેનો છે. તેના કાબૂમાં છે. તેને તે રખડવામાં પસાર કરી શકે છે કે યાત્રામાં પણ પલટાવી શકે છે. તે તેની પસંદગી છે. ગર્ભ-ભૂગર્ભ નિયતિ છે. જીવનયાત્રા પુરુષાર્થ છે. પુરુષાર્થ કરી શકાય છે. …જો પુરુષાર્થ ન બને, તો ભૂગર્ભ કેવળ અંધકારમય જગત છે. ચિતા કેવળ ભસ્મીભૂત કરનાર ઘટના છે. સોક્રેટીસને છેલ્લે પૂછવામાં આવ્યું કે તેને ક્યાં દાટવા ? તેણે હસીને જવાબ આપેલ કે, ‘મને તમે દાટી શકશો ખરા ?’ આ યાત્રાળુનો જવાબ છે. તો આ છે, થઈ શકે છે : ગર્ભથી ભૂગર્ભની યાત્રા !



સૌજન્યઃ ReadGujarati.com: જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા