Showing posts with label Shailesh Mukherjee. Show all posts
Showing posts with label Shailesh Mukherjee. Show all posts

Sunday, August 13, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - ઓગસ્ટ ૨૦૨૩

 

શૈલેન્દ્રનાં ગીતોની બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ

શૈલેન્દ્ર  - શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬) - ની ફિલ્મ ગીતોની રચનાઓની વાત આવે એટલે તેમણે હસરત જયપુરી સાથે શંકર જયકિશનની રચનાઓની જ યાદ સામાન્ય રીતે આવે. જોકે થોડી વધારે વિગતની શોધખોળ કરીએ તો જાણવા મળે કે આ બન્ને ગીતકારોએ આજના અંકમાં ઉલ્લેખાયેલ ફિલ્મ 'બદનામ' (સંગીતઃ બસંત પ્રકાશ), દિલ્લી દરબાર (૧૯૫૬, સંગીતઃ એસ એન ત્રિપાઠી)  અને અબ દિલ્લી દૂર નહી (૧૯૫૭, સંગીત દત્તારામ)માં પણ એક જોડીના રૂપમાં ગીતો લખ્યાં છે.

શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ અલગ અલગ રીતે એસ ડી બર્મન અને આર ડી બર્મન સાથે પણ ગીતો લખ્યાં છે. શૈલેન્દ્ર - એસ ડી બર્મનનું સહકાર્ય તો શંકર જયકિશન બાદ સલીલ ચૌધરીની સાથે તેમણે કરેલ સહકાર્ય સંખ્યાત્મક અને ગુણાત્મક બન્ને દૃષ્ટિએ મહત્ત્વનું રહ્યું છે. આપણે એ શ્રેણી યોગ્ય સમયે અલગથી આ મંચ પર કરીશું.

તે ઉપરાંત બીજા સંગીતકારો સાથે કોઈ ફિલ્મમાં અન્ય ગીતકારો સાથે અમુકતમુક ગીતો લખ્યાં હોય એવી પણ છએક ફિલ્મો હશે. આવાં ગીતો શૈલેન્દ્ર અને અન્ય સંગીતકારો તેમ  હસરત જયપુરી અને અન્ય સંગીતકારો પરની અલગ અલગ શ્રેણીઓમાં યાદ કરી રહ્યાં છીએ, એટલે તેમનો ઉલ્લેખ અહીં ફરીથી નથી કર્યો.  

૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો કર્યો તે પછીથી  આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ -  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય, અને

૨૦૨૨ - શૈલેન્દ્ર અને કિશોર કુમાર

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રની બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી દ્વારા રચિત એક એક માત્ર ફિલ્મોની રચનાઓ યાદ કરીશું. 

શૈલેન્દ્ર અને બસંત પ્રકાશ



એ તો આપણને સુવિદિત જ છે કે બસંત પ્રકાશ  એ સમયના ખુબ જ જાણીતા અને સન્માનીય સંગીતકાર ખેમચંદ પ્રકાશના નાના ભાઈ થાય. બન્ને વચે ઉમરનો ખાસ્સો તફાવત હતો..

નાનપણમાં બસંત પ્રકાશને નૃત્ય પ્રત્યે વિશેષ રૂચિ હતી. પણ પછી ધીમે ધીમે મોટાભાઈની સંગીતકાર તરીકેની સફળતાના પ્રભાવ હેઠળ તેઓ પણ સંગીત તરફ ઢળવા લાગ્યા. 

૧૯૫૧માં ખેમચંદ પ્રકાશનાં અચાનક અવસાનને કારણે તેઓ દ્વારા સંગીતબદ્ધ કરાઈ રહેલ ફિલ્મ, જય શંકર, અધુરી રહી ગઈ હતી. એ ફિલ્મને પુરી કરવાનું કામ બસંત પ્રકાશને મળ્યું અને તેમણે હિંદી ફિલ્મ સંગીતક્ષેત્રે પદાર્પણ કર્યું. ૧૯૫૨માં ફિલ્મીસ્તાન સ્ટુડીઓ જેવા માતબર નિર્માણ ગૃહ દ્વારા તેમને 'સલોની' અને 'બદનામ' એ બે ફિલ્મો મળી. ફિલ્મીસ્તાનની તે પછીની 'અનારકલી'નું સંગીત પણ બસંત પ્રકાશને જ સોંપાયું હતું. તેમણે બે ગીતો રેકોર્ડ કર્યા પછી અચાનક જ 'અનારકલી'નું સંગીત સી રામચંદ્રને સોંપી દેવાયું. (યોગાનુયોગ છે કે શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ આ ફિલ્મ માટે અવિસ્મરણીય ગીતો લખ્યાં છે. )

૧૯૫૮ સુધી બસંત પ્રકાશને છુટક છુટક ફિલ્મો મળતી રહી, તે પછી તેમના કૌટુંબિક સંજોગોને કારણે એક લાંબો સમય તેઓ સક્રિય ન રહ્યા. જોકે તે પછી તેમને જે કોઈ ફિલ્મો  કરી એ પણ બહુ સફળ ન રહી. 

'અનારકલી' માટે તેમણે સંગીતબદ્ધ  કરેલ બે ગીતોમાંથી કહતે હૈ જિસે પ્યાર જ઼માને કો દીખા દે (ગીતા દત્ત ગીતકાર - જાં  નિસ્સાર અખ્તર) ફિલ્મનાં બીજાં ગીતો જ યાદગાર બન્યું. તે ઉપરાંત બસંત પ્રજાશનું કદાચ એક માત્ર ગીત રફ્તા રફ્તા વો હમારે દિલ કે અરમાં હો ગયે (હમ કહાં જા રહે હૈ, ૧૯૬૬ - મહેન્દ્ર કપૂર, આશા ભોસલે - ગીતકારઃ ક઼મર જલલાબાદી- નિર્માણઃ ફિલ્મીસ્તાન) યાદ કરાય છે.

 'બદનામ', ૧૯૫૨માં બસંત પ્રકાશ અને શૈલેન્દ્રએ સાથે કામ ક્રર્યું.

બદનામ (૧૯૫૨)

શૈલેન્દ્ર અને હસરત જયપુરીની જ જોડીએ ગીતો લખેલી શંકર જયકિશન દ્વારા સંગીતબદ્ધ થયેલ 'દાગ' પણ લગભગ 'બદનામ' સાથે જ રજુ થઈ. એક ફિલ્મ, તેનું સંગીત ખુબ સાફળ રહ્યાં અને બીજી ફિલ્મ સફળ ન થઈ એટલે સંગીત સારૂ હોવા છતાં સરવાળે નિષ્ફળતા જ પામ્યું.  

જિયા નહી લાગે હો મોરા મન નહી લાગે તેરે બીના - લતા મંગેશકર, સાથીઓ 

પ્રેમીની રાહ જોઈ રહેલી પ્રેમિકાની મીઠી ફરિયાદ રજુ કરાઈ રહી છે.



લે જા અપની યાદ ભી અબ જો હો ગયી પ્રીત પરાઈ ઓ હરજાઈ તેરી ઝફાને સબ કુછ લુટા મેરી વફા કુછ કામ ન આઈ - લતા મંગેશકર 

પ્રેમી સાથે છેટું પડી જાય એટલે પ્રેમિકા પોતાનાં દુઃખને ગીતમાં વ્યક્ત કરે એવી સીચ્યુએશન એ સમયની સામાજિક ફિલ્મોમાં અચુક આવે. હવે આ પરિસ્થિતિમાં એ જ ગીતકાર અને એ જ ગાયિકાનું  એ સમયનું બીજું ગીત - પ્રીત યે કૈસી બોલ રે દુનિયા બોલ (દાગ, ૧૯૫૨ - સંગીતઃ શંકર  જયકિશન) - તો દર્શકના મનમાં થવાની જ. અહીં પરિસ્થિતિ એવી બનતી જણાય છે કે પ્રસ્તુત ગીત પણ ભાવ અભિવ્યક્તિમાં એટલું જ પ્રભાવક હોવા છતાં દાગનાં ગીતનાં સજાવટને કારણે લોકોને હોઠે ચડ્યું નહીં.



ઓ દેનેવાલે યે ક્યા દિયા તુને દો ચાર આંસુ દો ચાર આહેં - ગીતા દત્ત

ગીતના બોલમાં તો ઉંડી ઊંડી પ્રેમી સાથેની જુદાઈની ફરિયાદ જ છે, પણ કોઈ કારણસર તેને પરદા પર નૃત્ય કરતાં રજુ કરવાનું ગોઠવાયું લાગે છે. એટલે દર્દને છુપાવીને મોં હસતું રાખવાનો ભાવ રજુ કરવાની આવી પડેલી કપરી જવાબદારી ગીતા દત્ત બખુબી નિભાવે છે.



ઘીર આયી હૈ ઘોર ઘટા અપની મજબુરીયોંકો લિપટ કે .. પ્યાર રોને લગા  - ગીતા દત્ત 

ગીતની બાંધણીમાં મોટી સંખ્યામાં વાયોલિન, પિયાનો વગેરે પાશ્ચાત્ય વાદ્યોની કરવામાં આવી છે, એટલે ગીત કોઈ પાર્ટીંમાં ગવાતું હોય કે પછી ખરેખર ઘનઘોર વાદળોની ઘટાથી ઘેરાયેલ ખુલ્લાં વાતાવરણમાં ગવાયું હશે! જોકે આજે તો આપણા માટે ગીતા દત્તના સ્વરમાં ભાવની વ્યક્ત થતી સાહજિકતા માણવાનું વધારે અગત્યનું બની રહે છે.


 

ઓ પ્યારેજી ચલો બાગ કી સૈરકો ચલે કે તેરા મેરા પ્યાર ચોરી તો નહી .. મોહે દુનિયા કા ડર ભારી કી મૈં થાનેદારકી છોરી તો નહીં - મોહમ્મદ રફી, આશા ભોસલે 

બે પ્રેમીઓને આટલી મુક્ત મોકળાશ હંમેશ માટે મળે તો પ્રેમીઓની દુનિયા કાયમ સ્વર્ગ જ બની રહે !



શૈલેન્દ્ર અને શૈલેશ મુખર્જી


શૈલેશ મુખર્જી વિશે જે કંઈ આછી પાતળી માહિતી મળે છે તેનાથી એટલી જરૂર ખબર પડે છે કે તેમણે ત્રણ ફિલ્મોમાં સંગીત આપવા ઉપરાંત બે એક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે અને થોડી ફિલ્મોમાં બધું મળીને દસેક જેટલાં ગીતો પણ ગાયાં છે. રાજ ક્પૂર નિર્મિત પહેલી જ ફિલ્મ 'આગ' (૧૯૪૮)નું દેખ ચાંદકી ઓર શૈલેશ (મુખર્જી)એ ગાયું છે !

સવેરા (૧૯૫૮)

શૈલેશ મુખર્જીએ સંગીતબદ્ધ કરેલી ત્રણ ફિલ્મો સુહાગ સિન્દુર (૧૯૫૩), પરિચય (૧૯૫૪) અને સવેરા (૧૯૫૮)માંથી 'સવેરા'નાં ગીતો સૌથી વધારે જાણીતાં થયેલાં કહી શકાય. ફિલ્મમાં એક ગીત (ગઝલ) - ઠહેરો જરા સી દેર કો આખિર ચલે જાઓગે - પ્રેમ ધવને લખેલ છે.   

મન કે અન્ધીયારે સુને ગલીયારે મેં જાગો જ્યોતિર્મય .... જીવન કે રાસ્તે હજાર - મન્ના ડે

એ સમયની ફિલ્મોમાં કોઈ ફકીર કે અજાણ વ્યક્તિ જ, કે પછી બેકગ્રાઉંડમાંથી સંભળાતો સ્વર, ફિલ્મનાં મુખ્ય પાત્રને બોધ મળે, તેનાં મનના ઉચાટને શાતા વળે એવાં ગીત ગાયએ પ્રથા બહુ અસરકારક રીતે પ્રચલિત હતી. ગીત પુરૂં થાય ત્યાં સુધી તો ધારી અસર થઈ જ હોય. જોકે મોટા ભાગે આ ગીતો પાછાં લોકસ્વીકાર્ય પણ ખુબ રહેતાં!



ઓ પરદેશી છોરા છૈલા ગોરા ગોરા ભા ગયા જી દિલમેં આ ગયા - લતા મંગેશકર 

અહીં પણ નાવ પર નૃત્ય કરતી કે મછવારણ (શીલા વાઝ) ફિલ્મની નાયિકાના મનના ભાવ જ વ્યક્ત કરે છે. જોકે પરદા પર મીના કુમારીનું પાત્ર જે રીતે દેખાય છે તે પોતાના મનના ભાવ આવી પાશ્ચાત્ય ધુનમાં અનુભવે કે કેમ એ સવાલ તો રહે ! 



છુપા છુપી ઓ છુપ્પી આગડ બાગડ જાયી રે ચૂહે મામા ઓ મામા ભાગ બિલ્લી આઈ રે - મન્ના ડે, લતા મંગેશકર

નિર્ભેળ બાળ ગીતની રચનામાં શૈલેન્દ્ર પણ પુરેપુરા ખીલે છે !



આંખ મિચૌલી ખેલ રહી હૈ મુજ઼સે મેરી તક઼દીર ....મન કો સૌ સૌ પંખ દિયે પૈરોમેં ઝંઝીર - લતા મંગેશકર 

પ્રેમની લાચારીની વ્યથા વ્યક્ત કરવામાં શૈલેન્દ્રમાંનો કવિ પણ દ્રવી ઊઠ્યો છે. આટલું સુમધુર ગીત હોવા છતાં આ ગીત ફિલ્મનાં અન્ય હલકાં ફુલકાં ગીતોની સરખામણીએ સાવ જ લોકપ્રિય ન થયું ગણાય. 


નદીયા કે પાની રે નદીયા કે પાની છુપ છુપ જઈઓ સજનાસે કહીયો બૈરી બીન તેરે કૈસે કટેગી જવાની - લતા મંગેશકર 

ફિલ્મનાં સૌથી જાણીતાં ગીત કહી શકાય એવાં આ ગીતની રચનામાં સલીલ ચૌધરીની શૈલી અસર વર્તાય છે. મનના આવા ભાવો તો ખુબ વેગથી વહે એ દૃષ્ટિએ ગીતની દ્રુત લય આપણને જચે, પણ પરદા પર નાવ ચલાવતી નાયિકા એટલી ઝડપથી નાવ ક્યાંથી ચલાવી શકે?



શૈલેન્દ્રની અન્ય સંગીતકારો સાથેની રચનાઓની આ સફર હજુ ચાલુ જ રહે છે ...... 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.