Sunday, August 9, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓગસ્ટ, ૨૦૨૦

 

શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

શૈલેન્દ્ર - મૂળ નમ - શંકરદાસ કેસરીલાલ - (જન્મ: ૩૦-૮-૧૯૨૩ । અવસાન: ૧૪ - ૧૨- ૧૯૬૬)નું -

અને તેમના જોડીદાર હસરત જયપુરીનું પણ - શંકર જયકિશન સાથેનું જોડાણ એટલું બધું સર્વસ્વીકૃત બની ગયું છે કે તેમણે અન્ય સંગીતકારો માટે પણ ગીતો લખ્યાં છે તે વાત મહદ અંશે ઢંકાયેલી રહી જતી જણાય છે. એસ ડી બર્મન અને સલીલ ચૌધરી સાથેનાં તેમનાં કેટલાંક ગીતો તેમનાં શંકર જયકિશન સાથેનાં ગીતો જેટલાં જ સરાહાયા છે. અન્ય સંગીતકારો સાથેનં તેમનાં જે ગીતો પસંદ થયાં છે તે શૈલેન્દ્રનાં લખેલાં છે તે વાત તો બહુ જૂજ લોકોને જ ધ્યાન પર રહેતી રહી છે. પરંતુ હકીકત એ છે કે તેમનાં કુલ ગીતોમાંથી લગભગ ૪૦ % જેટલો હિસ્સો શકર જયકિશન સિવાયનાં - અને લગભગ ૧૫ થી ૨૦ % જેટલો હિસ્સો તે ઉપરાંત એસ ડી બર્મન અને સલીલ ચૌધરી સિવાયનાં ગીતો - નો છે.

શૈલેન્દ્રની યાદને તાજી કરવા માટે આપણે, વર્ષ ૨૦૧૭થી, દર ઓગસ્ટ મહિને તેમનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતોને આ મંચ પર યાદ કરી રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે

૨૦૧૭ - શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ - શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

સાંભળી ચુક્યાં છીએ.

દર વર્ષે નવેમ્બર મહિનામાં આપણે શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો પણ યાદ કરી રહ્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રનાં એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર સાથેનાં કેટલાંક ગીતોને યાદ કરીશું.

એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી સાથે

શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠીનો સાથ, ૧૯પ૬થી ૧૯૬૬ ના દાયકામાં, પાંચ ફિલ્મોમાં રહ્યો. ઐતિહાસિક વિષય પરની 'દિલ્લી દરબાર' (૧૯૫૬)માં શૈલેન્દ્રની સાથે હસરત જયપુરી પણ હતા. 'રામ હનુમાન યુદ્દ' (૧૯૫૭) ધાર્મિક ફિલ્મ હતી, જેમાં ગીતકાર તરીકે રમેશ ચંદ્ર પાડેય પણ સાથે હતા. સંગીત સમ્રાટ તાનસેન' (૧૯૬૨)માં શૈલેન્દ્ર એક માત્ર ગીતકાર હતા. આ ફિલ્મનું દિગ્દર્શન પણ એસ એન ત્રિપાઠીએ જ સંભાળ્યું હતું.'શિવ પાર્વતી' (૧૯૬૨) પણ ધાર્મિક વિષય પરની ફિલ્મ હતી. 'કૂવારી' (૧૯૬૬) સામાજિક વિષયની ફિલ્મ હતી જેમાં શૈલેન્દ્ર (૭ ગીત)ની સાથે બી ડી મિશ્ર (૨ ગીત) સહગીતકાર હતા.

મેહફિલમેં કૈસી છમ છમ..કિસકા હૈ યે તરાના - દિલ્લી દરબાર (૧૯૫૬) - લતા મંગેશકર

ગીતની બાંધણીમાં, કોણ જાણે કેમ, થોડી થોડી શંકર જયકિશનની ગીત બાંધણી સાથે સામ્યતા સંભળાય છે.નૃત્ય ગીતનો આધાર અરબી સંગીત પર છે તે પણ કદાચ કારણ હોઈ શકે 


બલમા ઓ બલમા ચંદા હમારે… તરસ ગયી અખિયાં દરસ કો તિહારે - રામ હનુમાન યુદ્ધ (૧૯૫૭) - લતા મંગેશકર 

વિરહના અભાવને શૈલેન્દ્ર બહુ જ સહજતથી શબ્દો માં રજૂ કરે છે. અંતરામાં શરણાઇ અને કાઉન્ટર મેલોડીઆં વાંસળીના ટુકડાઓ પ્રયોજીને એસ એન ત્રિપાઠીએ એ ભાવને ઘૂંટ્યો છે.


સુના તુ મન કી બીન પર , યે આંસુકી રાગિણી - રામ હનુમાન યુદ્ધ (૧૯૫૭) - લતા મંગેશકર

કરૂણ રસના ભાવને ગીતની લય ઝડપી રાખીને પણ એસ એન ત્રિપાઠી જાળવી લે છે. શૈલેન્દ્ર પણ શુદ્ધ, સરળ, હિંદી  શબ્દોનો જ પ્રયોગ કરી રહ્યા છે.


ટૂટ ગયી મેરે મન કી બીના - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - પૂર્ણા શેઠ, પંડરીનાથ કોલ્હાપુરે

પૂર્ણા શેઠના એકલ ગીતમાં નર્યો નિરાશાનો ભાવ છે જે કોલ્હાપુરેજીના ગીતમાં જોડાવાની સાથે નૃત્ય ગીતમાં ફેરવાઈ જાય છે.


કાંતધા કાંતધા - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - મન્ના ડે

પૂરેપુરાં નૃત્ય ગીત તરીકે રચાયેલાં આ ગીત માટે શૈલેન્દ્રને શબ્દોની પૂરણી કેમ સમજ પડી હશે તે જ આપણને કદાચ ન સમજાય જેમ કે -

તનન તનન તન તંગ નાર દિલ કો

કે

ચિત પિટ ફિટ ફિટ છનન છનન છાયે ઘટા

ચિત પિટ ફિટ ફિટ છનન છનન છાયે ઘટા

ધિનક ધિનક રૂમઝુમ બુંદન બરસાયી ઘટા

ધિનક ધિનક રૂમઝુમ બુંદન બરસાયી ઘટા

સગન કુંજ આલી ગુંજ સંગ આલી કુંજ મનોહર

સગન કુંજ આલી ગુંજ સંગ આલી  કુંજ મનોહર

આ અંતરામાં દરેક બીજી પંક્તિ કોઈ અજાણ્યા સ્ત્રી સ્વરમાં છે.


દિરના હો દિરના તાના દિર દિરના...મોરે લાગે રે કિસી સે નૈના - શિવ પાર્વતી (૧૯૬૨) -ગીતા દત્ત, આશા ભોસલે

આ ફિલ્મમાં શૈલેન્દ્રએ લખેલું આ એક માત્ર ગીત છે. સરસ્વતી કુમાર દીપકે પણ એક ગીત લખ્યું છે, જ્યારે બાકીનાં ૯ ગીતો પ્રેમ ધવને લખ્યાં છે.


કહેતા હૈ મેરા દિલ કે સનમ તુમ ભી કહોગે - કુંવારી (૧૯૬૬) - મુકેશ, આશા ભોસલે

મુકેશને જ ધ્યાનમાં રાખીને જે ગીતની સુરબાંધણી થતી આવી છે તેવાં રોમાંન્ટીક યુગલ ગીતોમાંના આ એક ગીત માટે શૈલેન્દ્રને તો શબ્દોની ફાવટ હોય તે તો સ્વાભાવિક છે. શૈલેન્દ્રએ રચેલાં રૂપકનાં ઉદાહરણ : ઇન્દ્રાણી મુખર્જી કહે છે કે પહેલી નજરમાં જ ખયાલ આવી ગયો કે તું જ મારૂં જીવન છો, જેના જવાબમાં રવિન્દ્ર કપુર કહે છે, હા, વાંસળી પરનો સુર ભલેને નવો જ હતો !


ધાની ચુંદરી મેરી ધાની ધાની હો - કુંવારી (૧૯૬૬) - મહેન્દ્ર કપુર, મીનુ પુરુષોત્તમ, સાથીઓ

ગ્રામિણ લોક ગીતના ભાવ પર રચાયેલ ગીતને અનુરૂપ બોલ અને બાંધણી છે. હિંદી ફિલ્મોમાં થતું આવ્યું છે તેમ ગીતના બોલમાં દર્શક તરીકે જોઈ રહેલાં ઈન્દ્રાણી મુકર્જી અને રવિન્દ્ર કપુરને પોતાની મનની વાત સંભળાય છે.


અનિલ બિશ્વાસ સાથે

શૈલેન્દ્રનો અનિલ બિશ્વાસ સાથેનો સંગાથ તેમની કારકીર્દીની છેલ્લી બે ફિલ્મોમાં થયો. સૌતેલા ભાઈ (૧૯૬૨) સરતચંદ્રની બંગાળની પૃષ્ઠભૂમિ પર લખાયેલી વાર્તા 'બૈકુંઠેર વિલ (૧૯૨) પરથી બનેલ ફિલ્મ છે. છોટી છોટી બાતેં (૧૯૬૫) અનિલ બિશ્વાસની અંતિમ ફિલ્મ બની રહી. એક પ્રભાવશાળી અબિનેતા તરીકે વધારે જાણીતા મોતીલાલે નિર્માણ કરેલી, અને દિગ્દર્શિત પણ કરેલી આ એક માત્ર ફિલ્મ છે. પ્રૌઢ વયનાં , અલગ અલગ કુટૂમ્બનાં, સ્ત્રી અને પુરુષ વચ્ચેના મૈત્રી ભર્યા સંબંધોની સંવેદનશીલ વાત ફિલ્મનું કથાવસ્તુ હતું.

મૈયા મૈયા...બોલે બાલ કન્હૈયા, ચલત ચલત પગ દુખન ગયે, અબ તો ગોદી ઊઠા લે મૈયા - સૌતેલા ભાઈ (૧૯૬૨) - પંક્જ મિત્ર, મીના કપૂર  

લગ્ન કરીને સાસરામાં પહેલું પગલું માંડતી કન્યાને, આગલાં ઘરનો, ઘોડીયામાં સુતેલ પુત્ર કરગરતો જોવા મળે છે. યશોદામાની જેમ તે પણ આ બાળકૃષ્ણને સ્ત્રીસહજ માતૃલાગણીથી ઊઠાવી લે છે અને ઉછેરે પણ છે. ગીતની બાંધણી બંગાળની બાઉલ લોક ગીત શૈલી પર કરવામાં આવી છે. 


ભાઈ ભાઈ કા નાતા દેખો રે લોગો ભાઈ ભાઈકા નાતા  - સૌતેલા ભાઈ (૧૯૬૨) - મન્ન ડે, પંકજ મિત્ર, અનિલ બિશ્વાસ

ગામમાં રામલીલા જેવાં ભજવાતાં નાટકમાં રામ અને ભરત જેવા અપર ભાઈઓના પ્રેમની વાતના પ્રસંગોને ફિલ્મના બન્ને સૌતેલા ભાઈઓ, તેમનાં આખાં કુટૂબ સાથે જૂએ છે. શૈલેન્દ્રએ પોતાના બોલ વડે આખો ઘટના ક્રમ રચ્યો છે. 


ફૂલ બન બગીયા ખીલી કલી કલી આજ દેખો રીતુ અલબેલી – સૌતેલા ભાઈ (૧૯૬૨) - મન્ના ડે, મીના કપૂર

ભારતના પૂર્વ ભાગના પ્રદેશોનાં લોક ગીત પર રચાયેલ આ સમુહ નૃત્ય મન્ના ડેના સ્વરને ખીલી ઊઠવા માટે બહુ સહજ છે. મીના કપૂર પણ મન્ના ડે સાથે એટલી જ સહજતાથી સુર મેળવે છે. જે ગીતમાં નૃત્ય તાલનું પ્રાધાન્ય હોય તેના માટે ગીતના બોલ લખવા એ કદાચ અઘરૂં કામ હશે, પણ શૈલેન્દ્રએ એ પડકાર બહુ સ્વાભાવિકતથી ઝીલી બતાવ્યો છે.


ઝિંદગી ખ્વાબ હૈ થા હમે ભી પતા, પર હમેં ઝિંદગી સે બહુત પ્યાર થા - છોટી છોટી બાતેં (૧૯૬૫) - મુકેશ

ઝિંદગીની ફિલસૂફીને સરળ શબ્દોમાં વણી લેવી એ વાત શૈલેન્દ્રને તો પોતાનાં દિઅલની વાત કહેવા જેવું પરવડતું. તેમનાં આવાં ગીતોમાં, પાછળથી, ભવિષ્યવાણી પણ આપણને  દેખાતી રહી છે. અહીં પણ 'અલવિદા'  લખતી વખતે તેમને પણ ખ્યાલ નહીં જ હોય કે ફિલ્મ પુરી થતાં સુધીમાં મોતીલાલ આ ફાની દુનિયાને અલવિદા કહી દેવાના છે !


અંધી હૈ દુનિયા મતલબ કી દુનિયા, દિલ કા કરે ના કોઈ મોલ પ્યારે - છોટી છોટી બાતેં (૧૯૬૫) - મન્ના  ડે, સાથીઓ 

અનિલ બિશ્વાસ દ્વારા સમુહ સ્વરનો કાઉન્ટર મેલોડીમાં પ્રયોગ, સ્વાર્થી દુનિયાને ઉઘાડી પાડવાની શૈલેન્દ્રને મળેલી તક અને બુલંદ સ્વરમાં દિલનાં ઊંડાણના ભાવોને વ્યકત કરવા માટે મન્ના ડેની મળેલી મોકળાશ ત્રણેય કળાકારોને વ્યક્તિગતપણે અને સામુહિકપણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટેનો મંચ પુરો પાડે છે.


સી રામચંદ્ર સાથે

સી રામચંદ્ર સાથે પણ શૈલેન્દ્રએ માત્ર બે જ ફિલ્મોમાં કામ કર્યું. છત્રપતિ શિવાજી (૧૯પર) શિવાજી પરની ઐતિહાસિક પૃષ્ઠભુમિકાની ફિલ્મ હતી તો 'અનારકલી' (૧૯૫૩) શહેનશાહ અકબર, શાહજાદા સલીમ અને દંત કથા સમી કાલ્પનિક અનારકલીની વાત પરની ફિલ્મ હતી. 'અનારકલીમાં શૈલેન્દ્રએ બે જ ગીતો લખ્યાં છે, પણ એ બન્ને ગીતો તેમનાં ચીરકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે છે. જોકે ફિલ્મનાં દરેક ગીતો માટે આ વાત તો એટલી જ લાગુ પડે છે. 

દેશ કી ધરતી ને પુકારા ગુંજા આઝાદીકા નારા - છત્રપતિ શિવાજી (૧૯૫૨) - ચિતળકર, સાથીઓ

કુચની ધુન પરનાં આ ગીતને ચીતળકર અને શૈલેન્દ્ર બન્નેએ પુરતો ન્યાય કર્યો છે. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો દરમ્યાન હિંદી ફિલ્મનાં દેશભક્તિનાં ગીતો બહુ ગુંજતાં. આ ગીત તેમાં કેમ નહી સમાવાયું હોય તે જરા નવાઈ લાગે છે.


મુજપે ભી રહેમ મેરે મહેરબાં કિજિયે - છત્રપતિ શિવાજી  (૧૯૫૨) - રઘુનાથ યાદવ, સાથીઓ

શિવાજી પરની ફિલ્મમાં મોગલોની હાજરીનો લાભ લઈને કવ્વાલીને ઠીક ગોઠવી દેવાઈ છે ! રઘુનાથ યાદવ વિશે કંઈ માહિતી નથી મળતી.


આ જા અબ તો આ જા મેરે કિસ્મત કે ખરીદાર અબ તો આ જા - અનારકલી (૧૯૫૩) - લતા મંગેશકર

ગીતનાં સમયના પરિવેશને અનુકૂળ અરબી વાતાવરણ રચાઈ રહે તે મુજબના ફારસી શબ્દોનો પ્રયોગ શૈલેન્દ્રએ સરળતાથી કર્યો છે.


દુઆ કર ગમ-એ-દિલ ખુદા સે દુઆ કર, વફાઓં કા મજબુર દામન બીછાકર ખુદાસે દુઆ કર - અનારકલી (૧૯૫૩) - લતા મંગેશકર

સરળ શબ્દોમાં ગીતના ભાવનાં ઊંડાણને વ્યકત કરવાનું શૈલેન્દ્રનું કૌશલ્ય અહીં ખીલે છે -

જો બીજલી ચમકતી હૈ ઉનકે મહલ પર

વો કર લે તસલ્લી મેરા ઘર જલા કર

… …. …. ….

સલામત રહે તૂ, મેરી જાન જાયે

મુઝે ઈસ બહાને સે મૌત આયે

કરૂંગી મૈં ક્યા ચંદ સાંસે બચાકર

… …. …. ….

મૈં ક્યા દું તુઝે મેરા સબ લૂટ ચુકા હૈ

દુઆ કે સિવા મેરે પાસ ઔર ક્યા હૈ

… …… ……… …   

મગર મેરી તુઝસે યહી ઈલ્તીજ઼ા હૈ

ન દિલ તોડના દિલકી દુનિયા બસાકર

'અનારકલી'માં સી રામચંદ્રનાં સંગીતનું માધુર્ય તો દરેક ગીતમાં ટોચની કક્ષાનું જ રહ્યું હતું.


આપણા દરેક અંકની સમાપ્તિ વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીત થી કરવાની પરંપરા અનુસરવા માટે આપણે ફરી એક વાર 'સંગીત સમ્રાટ તાનસેન' (૧૯૬૨)નાં ખુબ જાણીતાં યુગલ ગીતને યાદ કરીશું

સુધ બીસર ગઈ આજ અપને ગુનનકી….આઈ ગઈ બાત બીતે દિનનકી - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - મન્ના ડે, મોહમ્મદ રફી

એકબીજાના સુરને પુરક બનતા રહીને યુગલ ગીતને યાદગાર બનાવી દેવામાં બન્ને ગાયકોની દક્ષતા અને સમર્પણ કેવાં હોવાં જોઇએ તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ અહીં સાંભળવા મળે છે.


શૈલેન્દ્રની 'અન્ય' સંગીતકારો સાથેની સફર હજુ આગળ ચાલી રહી છે.

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: