પશ્ચાત કથન
છેલ્લા સમેસ્ટરની પરીક્ષાઓ પુરી થવાની સાથે
વિધિપુરઃસરના અભ્યાસ તો પુરો થયો હતો. એટલે, હવે મારે નક્કી કરવાનું હતું કે હવે પછી શું?
આમ જુઓ તો સીધે સીધા બે જ વિકલ્પ મારી પાસે હતા -
નોકરીની શોધ કરો કે પછી આનુષાંગિક અનુસ્નાતક પદવીના અભ્યાસક્રમમાં જોડાઓ.
નોકરીની શોધ કરવાનું તો પરિણામ આવ્યા પછી જ કરીશું એમ
માનીને એ દિશામાં તો કંઈ વિચાર્યું નહોતું. તો વળી અનુસ્નાતક અભ્યાસક્રમ વિશે પણ
કંઈ ખાસ વિચાર્યું હોય એવું તો નહોતું. પણ આજે જ્યારે પાછળ દૃશઃટિ કરીને જોઉં છું તો સમજાય છે કે આ વિકલ્પ મારી વિચારણામાં આવવા પાછળનું
મુખ્ય કારણ મારા પિતાજીની મારા વિશેની અપેક્ષા પુરી કરવાનું હતું.
મારા પિતાજીને પોતાનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પુરો કર્યા પછી અનુસ્નાતક
પદવીનો અભ્યાસ પણ કરવો હતો. પરંતુ, તેમના એ સમયના કૌટુંબિક સંજોગોને કારણે શક્ય ન બન્યું. તે
પછી ૧૨ - ૧૩ વર્ષે તેમની અમદાવાદ બદલી થઇ. એ વખતે તેમણે જરા પણ સમય ગુમાવ્યા વિના
અનુસ્નાતક પદવીની તેમનાં અધુરાં રહેલ લક્ષ્યને પુરૂં કર્યું. એમની હમેશની અંદરની
અપેક્ષા રહી હતી કે એમના પછી કુટુંબનું દરેક સભય ક્મ સે કમ અનુસ્નાતક કક્ષા
સુધીનું શિક્ષણ લે જ. તેમનો સ્વભાવ એવો હતો કે તેઓ તેમની અપેક્ષાઓ બીજાં પર કદી
લાદતા નહીં. પરંતુ, જોકે, હવે તો હું તેમની અપેક્ષાઓ અને તે અપેક્ષાઓ સંદર્ભે તેમની
લાગણીનાં ઊંડાણને બરાબર સમજી શકતો હતો. પ્રિ. સાયંસ પછી તબીબી પદવીની તેમની અપેક્ષા
મેં પુરી નહોતી કરી, એટલે તેમની આ મારા પ્રત્યેની અપેક્ષા પુરી કરવા બાબતે હું
પણ સાનુકૂળ માનસ ધરાવતો હતો.
જોકે,
એ પણ હકીકત હતી કે, હજુ સુધી, ક્યા કયા વિષયો માટે આ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે,
કઈ કૉલેજોમાં તે શક્ય છે, મારી બૌદ્ધિક કક્ષાની આ અંગેની ક્ષમતા છે કે નહીં કે મને
કયા વિષયમાં રસ પડે તેમ છે એવા કોઈ વિચારો મેં હજુ આ અંગે કરવાનું શરૂ નહોતું
કર્યું.
જોકે, યોગાનુયોગ, કોઈ જાતનાં આયોજન કે ઇરાદા વિના
બીજા બે વિકલ્પો પણ મારી સમક્ષ ખુલ્યા હતા.
તેમાંનો પહેલો વિકલ્પ હતો NITIEમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક પદવી માટેનો.
જોકે એ માટેની મેં ભરેલી અરજી એટલી અપરિપક્વ રીતે
ભરાઈ હતી કે એ અરજીને આધારે કંઈ પણ આગળ પ્રગતિ થાય એવી જ કોઈ સંભાવના નહોતી!
બીજો વિકલ્પ હતો મૅનેજમૅન્ટ માં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો. આ વિકલ્પ માટે મૂળ કારણભૂત તો પ્રિયદરર્શી શુક્લ જ
ગણાય કેમકે તેની સમક્ષ તેના મોટાભાઈ, અભિનવ,નો પ્રેરણાસ્રોત હતો. અમે લોકો તો બેગાની શાદીમેં અબ્દુલ્લા
દીવાનાના ન્યાયે જાનમાં જોડાઈ ગયા હતા! હા, એ બહાને લેખિત પરીક્ષા માટે અંગ્રેજી અને ગણિતની તૈયારી કરવાની
થાય તેમાં અંગેજીનું કંઈક શબ્દ ભંડોળ વધે અને ગણિતમાં ઝડપ સાથે ચોકસાઈ મેળવી શકાશે
એવી અપેક્ષા હતી. અમારાં લેખિત અંગ્રેજીને તો ઘણું સારૂં કહેવડાવે એટલું કાચું
અમારૂં બોલચાલનું અંગ્રેજી હતું. એટલે આઈ આઈ એમ, અમદાવાદમાં પ્રવેશ માટે અમે પરીક્ષામાં બેઠા ખરા પણ અમારૂં
મન તો જાણતું જ હતું કે આ તલમાંથી તેલનો ત પણ નહીં નીકળે. સ્વાભાવિક જ હતું કે અમે કોઈ લેખિત પરીક્ષાનો પડાવ જ પાર ન
કરી શક્યા !
ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક અભ્યાસક્રમ વિશે
વિચાર કરવા માટેનું શ્રેય છેલ્લાં વર્ષમાં બે વૈકલ્પિક વિષય ગ્રૂપમાંથી પ્રોડક્શન અને
ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિષયોની પસંદગી.
આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હું અમારાં કાલીઆવાડી
(નવસારી)નાં ઘરમાં વેકેશન ગાળતો રહ્યો. દેખીતી રીતે ચાલી રહેલ પ્રવૃતિઓની પાછળ
અવશપણે આ બધા વિકલ્પના વિચારો જરૂર ચાલતા રહેતા હતા. પરંતુ હવે પછી શું કરીશ, કે કરી શકીશ, એ ચિત્ર તો હજુ પણ ધૂંધળું જ હતું.
જોકે, બહુ થોડા સમય બાદ જ નિયતિએ કારકિર્દીના હવે પછીના પડાવ
તરીકે બી આઈ ટી એસ, પિલાનીમાં એમ બી એના
અભ્યાસક્રમની બારી ખોલી આપવાનું ગોઠવી રાખ્યું હતું એવી તો કલ્પના જ ક્યાંથી હોય!!
૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો
લેખમાળાના અલગ
અલગ મણાકોને એક જ ફાઈલ સ્વરૂપે વાંચવા / ડાઉનલોડ કરવા માટે LDCEનાં કેવાં હતાં એ
ઘટનાસભર વર્ષો પર ક્લિક કરશો.