વિષયના
નામમાં જ ચિત્રકામ વાંચીને જ મારાં તો ગાત્રો થીજી ગયાં હતાં.
મારામાં
ચિત્રકામને કાગળ પર ઉતારવાની બાબતે કંઈક એવી પાયાની વસ્તુની જ ખોટ હતી કે મારા બધા
પ્રયત્નો છતાં હું સાદામાં સાદાં ચિત્રને પણ કાગળ પર દોરી શકવાના હુન્નર બાબતે
ધરાર કાચો જ રહ્યો. એક ઉદાહરણ જ પુરતું થઈ રહેશે.
ચિત્રકામ સાથે મારો પહેલો
ખરો સાક્ષાત્કાર આઠમા ધોરણની બીજી ટર્મમાં હું જ્યારે ૧૯૫૮-૫૯નાં વર્ષમાં
રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલમાં જોડાયો ત્યારે થયો. અહીં અમારે હસ્તકૌશલ શીખવા માટે
ઉદ્યોગ, સંગીત અને
ચિત્રકામ એવા ત્રણ વિષયો પણ ભણવાના હતા. મને બરાબર યાદ છે કે જે વિષય પર મારે
પહેલવહેલું ચિત્ર દોરવાનું આવ્યું તે 'પતંગ ઉડાડતો છોકરો' હતો. અમારા શિક્ષકે તો લગભગ આંખના પલકારા જેટલા સમયમાં
(એવું મને તે ઘડીએ લાગ્યું હતુ !) બ્લૅક બોર્ડ પર એ ચિત્ર દોરી બતાવ્યું.
એ ચિત્રમાં મને સૌથી
વધારે સહેલું વાદળાં દોરવાનું જણાયું કેમકે વાદળાંને કોઈ ચોક્ક્સ આકાર ન હોય એટલે
એ તો હું જ આસાનીથી દોરી શકીશ એ નક્કી હતું. બીજે નંબરે મેં પતંગ દોરવાનું નક્કી
કર્યું કેમ કે તેમાં પણ મારે ચાર બાજુઓની આકૃતિ જ પાડવાની હતી. પણ કોને ખબર હતી કે
આ હાથો માટે તો પહેલે જ કોળિયે માખી ગળવા જેવી મુશ્કેલ એ કસોટી નીવડશે. ઘણી ચીવટથી
મેં એ આક્રુતિ દોરવા પ્રયાસ કર્યો પણ જે કંઇ દોરાયું એ મને જ પતંગ ન લાગે એવી કોઈ
ચાર બાજુઓની એ આકૃતિ હતી. પછી તો એ આખો પિરિયડ એ આકૃતિ દોરવા અને ભુંસવામાં જ
નીકળી ગયો. અંતે કાગળનો એટલો ભાગ કાળો થઈ ગયો પણ પતંગ તો ન જ બન્યો ! આ કક્ષાની
આવડત છતાં હું ચિત્રકામમાં આઠમાની અને નવમા ધોરણની પરીક્ષાઓમાં કેમ કરીને પાસ થયો
હોઈશ એ મને યાદ નથી આવતું એ જ સારૂં છે !
સદનસીબે પિતાજીની ૧૯૬૦માં
અમદાવાદ બદલી થઈ અને ચિત્રકામ સાથે મારો છેડો છૂટ્યો. આમ મારી એક સ્વભાવગત કચાશ
બીજી પ્રવૃતિઓની આડશમાં ઢંકાઈ ગઈ.
વિઘ્ન દોડનો પહેલો જ અવરોધ પાર તો થયો !
હવે આ જુદી
જુદી વસ્તુઓનાં ચિત્ર દોરવા સાથે ફરી એક વાર પનારો પડ્યો. આશાનું કિરણ એક જ હતું કે હવે આ બધું કામ જુદાં જુદાં સાધનોની મદદથી કરવાનું
હતું, અને જે ચિત્રો કાગળ પર ઉતારવાનાં હતાં એ બધાં કોઈ ચોક્કસ ભૌમિતિક આકારનાં જ
રહેવાનાં હતાં.
પરંતુ
ચિત્રકામનો વિષય એમ સાવ સહેલાઈથી પાર થોડો પડે !
પરંતુ વાસ્તવિક
પરિસ્થિતિમાં અમલ કરવામાં આ વાત એટલી સરળ નહોતી એ તો ડ્રોઇંગની ઓળખસમી નેમ પ્લેટ
સાથે અંગ્રેજી અક્ષરો અને આંકડાઓ સાથેની પહેલી જ શીટ બનાવતાં જ સમજાઈ ગયું. શીટની
બોર્ડર અને પહેલો જ અક્ષર બરાબર થયાં છે એવી સુપરવાઈઝરની સહમતી મેળવવામાં જ બે
ત્રણ પિરિયડ નીકળી ગયા હતા, ઘસી ઘસીને પેંસિલો પણ લગભગ
અર્ધી તો થઈ જ ગઈ હશે ! ખેર, બીચારા સુપરવઈઝરે પણ થાકીને
જેવું થયું તેવું સ્વીકારીને આગળ વધવાની લીલી ઝંડી આપવી જ પડી હતી.
જોકે ત્રણે
ત્રણ વર્ષ જે કંઈ કામ કરવાનું આવ્યું તેમાં હસ્તકળાની આવડતને પાઠ્યપુસ્તકમાં
સમજાવેલી થિયરીનૉ પુરેપુરો ટેકો હતો. પરિણામે, ડ્રોઈંગમાં જે કળાનો હિસ્સો હતો તેમાં તો ચલાવી લેવાની કક્ષાનું જ કામ થયું, પણ થિયરીની બાબતે સારી એવી સમજણ પડતી રહી એટલે એકંદરે તો સારી રીતે આ વિષય
સાથેનો સંબંધ નભી ગયો..
મને એમ પણ
યાદ આવે છે કે જેમને ચિત્રકામ સાથે મૂળભૂત રીતે જ દિલચસ્પી નહૉતી એવા અમારા ઘણા
સહપાઠીઓની પણ હાલત, વધતે ઓછે અંશે, કંઈક આવી જ હતી. આ લાગણીઓને દિલીપ વ્યાસ આ રીતે યાદ કરે છે -
“શાળાના વર્ષોથી ચિત્રકામમાં હું ક્યારેય સબળ નહોતો. જ્યારે મારે એસએસસીની પરીક્ષામાં જનરલ સાયન્સમાં આંખની આકૃતિ દોરવાની આવી ત્યારે એ સમગ્ર સહેલાં પ્રશ્નપત્રનો એ એક માત્ર અઘરો પ્રશ્ન નીવડ્યો હતો.તેથી એન્જીનીયરીંગ કોલેજમાં દાખલ થતાં, હું ડ્રોઈંગ માટે હું બહુ આશાવાદી નહોતો. પરંતુ સિનિયર્સ અને મારા પિતરાઈ ભાઈએ મને ખાતરી આપીને સમજાવ્યું કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અલગ અને સરળ છે કારણ કે તે તમામ પ્રકારના ગેજેટ્સ સાથે કરવાનું છે, ફ્રી હેન્ડથી નહીં.
“મને હવે સમજાયું છે કે એન્જિનિયરિંગ ડ્રોઇંગમાં તકનીકી ચિત્રો બનાવવા માટે સાધનો અને તકનીકોનો ઉપયોગ શામેલ હોવા છતાં, તેને હજી પણ ચોક્કસ સ્તરની કુશળતા અને જ્ઞાનની જરૂર છે. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન અને ડાયમેન્શનિંગ જેવાં વિશિષ્ટ, સચોટ અને ઉપયોગી તકનીકી રેખાંકનો બનાવવા માટે એ બહુ મહત્વપૂર્ણ છે.
“આજે હવે પાછળ જોતાં, હું સંપૂર્ણ ખાતરીથી નથી કહી શકતો કે હું મારા અભ્યાસક્રમના તે તબક્કામાંથી કેવી રીતે પસાર થયો. પરંતુ કોઈક રીતે, મેં મારી ડિગ્રી મેળવવા માટે જરૂરી ઓછામાં ઓછું તો કરી જ લીધું હોવું જોઈએ. મને યાદ છે કે છેતરપિંડી કરવા માટે ક્યારેક બહુ લાલચ પણ અનુભવી હતી, પરંતુ મેં દૃઢતાપૂર્વક એ વિચારનો પ્રતિકાર કર્યો અને ક્યારેણ ટીસી (કાચ ઉપર એક તિયાર ચિત્ર મુકીને તેની નકલ મારવી) કરી નહીં હતી અથવા અન્ય કોઈપણ પ્રકારની શૈક્ષણિક અપ્રમાણિકતામાં જોડાયો નહોતો.
"જેમ જેમ હું મારી કારકિર્દીમાં આગળ વધતો ગયો તેમ, મેં ખરેખર એન્જિનિયરિંગ ડ્રોઇંગ કરવાના ફાયદાઓની પ્રશંસાલાયક બાજુઓ સમજવાનું શરૂ કર્યું. એક સૌથી મોટો ફાયદો એ હતો કે અલગ અલગ ભાગો અને મશીનરીની બ્લુપ્રિન્ટનું વધુ સરળતાથી અર્થઘટન કરવામાં સક્ષમ થવું, કારણ કે મને એન્જિનિયરિંગ ડ્રોઇંગના સિદ્ધાંતોની વધુ સારી સમજ હતી.
“કોમ્પ્યુટર-એઇડેડ ડિઝાઇન (CAD) ના આજના યુગમાં, એન્જિનિયરિંગ ડ્રોઇંગમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ત્રિ-પરિમાણીય છબીઓ અને મોડેલો કમપ્યુટર કી બોર્ડના એક સ્ટ્રોકથી બનાવી અને સંશોધિત કરી શકાય છે, જે ડિઝાઇન પ્રક્રિયાને પહેલા કરતા વધુ ઝડપી, વધુ કાર્યક્ષમ અને વધુ ચોક્કસ બનાવે છે.
“આજે જ્યારે મને ખાતરી બેસે છે કે આ ટેક્નોલોજીએ એન્જિનિયરિંગ ડ્રોઇંગને ઘણી રીતે સરળ બનાવ્યું છે, ત્યારે હું એ પણ આશા રાખું છું કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન અને ડાયમેન્શનિંગ જેવા પાયાના કૌશલ્યોનું મહત્વ ખોવાઈ જશે નહીં. આ કુશળતા હજુ પણ સચોટ અને ઉપયોગી એંજિનિતરિંગ ડ્રોઈગ બનાવવા માટે મહત્વપૂર્ણ છે, અને એન્જિનિયરિંગ ડિઝાઇનના સિદ્ધાંતોને સમજવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
“એકંદરે, હું આશાવાદી છું કે ટેક્નોલોજીમાં થયેલી પ્રગતિએ એન્જિનિયરિંગ ડ્રોઇંગને વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની વર્તમાન પેઢી માટે વધુ રસપ્રદ અને સુલભ બનાવ્યું હશે. આગામી વર્ષોમાં આ ક્ષેત્ર કેવી રીતે વિકસિત થાય છે અને નવીનતાઓ સર કરે છે તે જોવા માટે હું આતુર છું.”
એંજિનિયરિંગ ડ્રોઈંગની આવી 'શુષ્ક' યાદો ઉપરાંત એવી કેટલીક આમ પરોક્ષ, પણ બહુ જ રસપ્રદ, યાદો પણ સંકળાઈ છે અહીં નોંધવા જેવી છે, જે હવે પછીના અંકમાં.....